Abid Khanusia

Romance

4  

Abid Khanusia

Romance

સપનાં લીલાંછમ - ૮

સપનાં લીલાંછમ - ૮

9 mins
65


નીલિમાની ગાડી લીજન્ડ લિટરેચર એક્યુમ્યુલેશન( Legend Literature Accumulation) નામના આધુનિક દેખાતા બુક સ્ટોર આગળ આવીને ઊભી રહી. બુક સ્ટોર જોઈને નીલિમા એક મિનિટ તો વિચારમગ્ન થઈ ગઈ...'અરે...

આ કોઈ બુક સ્ટોર છે કે પછી કોર્પોરેટ ઑફિસ. .!' તેણે ઉદયના વિઝિટિંગ કાર્ડમાં બુક સ્ટોરનું નામ અને સરનામું વાંચીને ફરીથી ખાતરી કરી લીધી કે તે સાચા સ્થળે અને સરનામે જ આવી હતી.

કાચના દરવાજાને ધકેલીને તે અંદર દાખલ થઈ. દાખલ થતાંની સાથે જ એક થ્રી સિટર લેધરનો સોફા મૂકેલો હતો. તેની બાજુમાં રહેલ લોખંડના રેક પર પ્રખ્યાત અંગ્રેજી લેખકોના પુસ્તકો કલાત્મક રીતે ગોઠવેલા હતા. મરાઠી, હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, ઉર્દુ, સાહિત્ય વગેરે માટે સ્ટોરમાં વિવિધ વિભાગો હતા. દરેક વિભાગમાં જે તે ભાષાનો જાણકાર એક રિસેપ્નિસ્ટ હતો, જે આવનાર ગ્રાહકને પુસ્તકો વિશે માહિતી આપીને પુસ્તક ખરીદવામાં મદદ કરતો હતો. દરેક વિભાગમાં મોટાં મોટાં પારદર્શક કાચના કબાટ હતાં, જેમાં લેખક અને વિષયના પુસ્તકો ક્રમવાર મૂકવામાં આવેલા હતા. ગ્રાહકને થોડા સમય માટે કોઈ પુસ્તકનું અવલોકન કરવું હોય તો તે માટે દરેક વિભાગમાં એક અલાયદું ટેબલ અને ખુરશી રાખવામાં આવ્યા હતા, જેના પર બેસી તે પુસ્તકનું અવલોકન કરી શકતો હતો.

એક યુવાન સેલ્સમેન નીલિમા પાસે આવીને બોલ્યો, "મે આઈ હેલ્પ યુ, મે'મ?"

નીલિમા તે યુવાનની રીતભાત અને નમ્રતા જોઈ ખુશ થઈને બોલી, "મારે મિસ્ટર ઉદય રાણેને મળવું છે."

"ઉદય સર, કંઈક કામ અર્થે બહાર ગયા છે. ત્રીસેક મિનિટમાં આવી જશે. આપ તેમની ચેમ્બરમાં બેસીને રાહ જોઈ શકો છો."

"હું ત્યાં સુધી સ્ટોર જોવાનું પસંદ કરીશ."

"ઓ.કે. મે'મ, આપને કોઈ મદદ જોઈએ તો તે વિભાગના કર્મચારીને કહેજો. તેઓ આપને મદદરૂપ થશે."

નીલિમા હિન્દી વિભાગમાં દાખલ થઈ. જુદા જુદા મહાન લેખકોના અલભ્ય પુસ્તકો તેને જોવા મળ્યા. આધુનિક લેખકોના વિભાગમાં તેને ઘણા ખ્યાતનામ લેખકોના પુસ્તકો જોવા મળ્યા. એકાએક તેની નજર તેના પોતાના પુસ્તકો પર પડી. સૌની નજરે ચઢે તે રીતે તેના પુસ્તકો મૂકેલા હતા. તેણે એ કબાટ ખોલી પોતાના પુસ્તકો જોયા. તેના ત્રણેય પુસ્તકોની ફક્ત એક એક કોપી જ હતી. હજુ ત્યાં એક પુસ્તક મૂકી શકાય તેટલી જગ્યા હતી.

નીલિમાને તે પુસ્તકો રસપૂર્વક નિહાળતી જોઈ તે વિભાગનો કર્મચારી તેની પાસે આવીને બોલ્યો, "મે'મ આ ઉભરતી લેખિકા નીલિમા ઠાકુર 'ગુલ'નું કલેક્શન છે. તે લેખિકાને વાંચવા જેવી છે. તેમની વાર્તાઓ ખૂબ લાગણીશીલ અને આંખો ભીની કરી દે તેવી હોય છે. અમારી પાસે હવે તેમના પુસ્તકોની ફક્ત એક એક કોપી જ અવેલેબલ છે. સર કહેતા હતા કે તેમના પુસ્તકોની બીજી આવૃત્તિઓ માર્કેટમાં આવવાની તૈયારીમાં છે. તેમની તાજી નવલકથા પણ ખૂબ નજીકના ભવિષ્યમાં આવનાર છે તેવું પણ સર કહેતા હતા. હું આપને તે પુસ્તકો ખરીદવાની ભલામણ કરું છું. જો આપ ત્રણ બુકનો સેટ એક સાથે ખરીદશો તો આપને પાંચ ટકા લેસ કરી આપવામાં આવશે." તે એક કુશળ સેલ્સમેનની જેમ વર્તી રહ્યો હતો. તેણે તેના હાથમાંનું પુસ્તક પલટ્યું. પુસ્તકનાં છેલ્લા પાનાં પર ટૂંકા પરિચય સાથે છપાયેલી નીલિમાની તસ્વીર જોઈ તે ચમક્યો. તેણે ફરીથી નીલિમા સામે જોયું અને બોલ્યો,

"ઓહ માય ગોડ...! નીલિમાજી, આપ પોતે આવ્યાં છો....?"

નીલિમા જવાબ આપે તે પહેલાં ઉદયનો અવાજ આવ્યો.

"ખુશ આમદીદ...આપ આયે હમારે ઘર ખુદા કી કુદરત હૈ ! હમ કભી અપને આપકો કભી અપને ઘર કો દેખતે હૈ !" (મિર્ઝા ગાલિબ) આ નાચીજના નાનકડા બુક સ્ટોરમાં ઉભરતી મહાન લેખિકા નીલિમા ઠાકુર 'ગુલ'નું હાર્દિક સ્વાગત છે. નીલિમા ઉદયનો નાટકીય અંદાજ જોઈને હસી પડી. 

ઉદય અને નીલિમા ઉદયની ચેમ્બરમાં આવી પહોંચ્યાં. ઉદયની ચેમ્બર પણ ખૂબ કલાત્મક રીતે સજાવેલી હતી. મોટા સ્ક્રીનનું એક ટીવી દીવાલ પર લાગેલું હતું. ચેમ્બરની વચ્ચે એક વિશાળ ટેબલ હતું. એક બાજુ આધુનિક રીવોલ્વીંગ ચેર હતી. તેની સામે પાંચ ખુરશીઓ મૂકવામાં આવેલી હતી. પાછળની દીવાલ પર બારીની ઉપર એ.સી. ફિટ થયેલું હતું. એક નાની ટિપાઈ હતી. તેની ઉપર એક ફૂલદાની હતી, જેમાં મૂકાયેલા તાજા ગુલાબના ફૂલોના ગુલદસ્તામાંથી ભીની ભીની ખુશ્બુ આવી રહી હતી.

"ઉદય...તમારો સ્ટોર ખૂબ વિશાળ અને આધુનિક છે. મેં આવડો મોટો બુક સ્ટોર મુંબઈમાં બીજે ક્યાંય જોયો નથી."

"નીલિમા...ખરેખર તો આ અમારું ખાનદાની કોમર્શિયલ કોમ્પ્લેક્ષ છે. મારા દાદાએ તેમના જમાનામાં એક પારસી વિધવા બાઈ પાસેથી લોકોને ભાડે આપવા માટે ખરીદ્યું હતું. મૂળ આ મોટી આઠ દુકાનનું ભોંયતળિયાનું સંકુલ હતું. મેં બેન્ક પાસેથી લોન લઈ તેનું રિનોવેશન કરાવી ઉપર બીજા બે માળ બાંધી દીધા છે. ઉપરના બે માળ, ઑફિસ માટે કેટલાક લોકોને ભાડે આપી દીધા છે. તેમાંથી ભાડાની સારી આવક થાય છે. મારો બેન્કનો હપ્તો ભરાઈ જાય છે અને આ ગરીબની દાળરોટી પણ તેમાંથી નીકળી જાય છે. ટૂંકમાં, સુખેથી જીવી શકાય તેટલું વળતર આમાંથી મળી રહે છે. ભોંયતળિયાનો ભાગ મેં મારી આમદાની માટે રાખ્યો છે. મારા એક ઇન્ટિરિયર ડિઝાઇનર મિત્રની મદદથી ડેકોરેટ કરી તેને ખૂબસૂરત બુક સ્ટોરમાં પરિવર્તિત કરી દીધું છે. વિદેશોમાં બુક સ્ટોર આવા પ્રકારના હોય છે."

"અરે નામ પણ વિદેશી રાખ્યું છે...!"

"હા, આમ તો મશહૂર અંગ્રેજી કવિ અને નાટ્યકાર વિલિયમ શેક્સપિયરજીએ કહ્યું છે કે નામમાં શું રાખ્યું છે ...? પરંતુ મારો અનુભવછે કે યુવકો નામ જોઈને કોઈ પણ સ્ટોરમાં દાખલ થતાં હોય છે એટલે જરા સાહિત્યિક નામ રાખ્યું છે."

"હમ્મ...."

"બોલો....મેડમ, આપ શું લેવાનું પસંદ કરશો?" ઉદયે ટીખળમાં કહ્યું.

નીલિમાએ પણ સામે હાસ્યનાં સૂરમાં ટીખળી અંદાજમાં કહ્યું, "આપની આંખોમાંથી ઉભરતા પ્રેમનું રસપાન કરવાનું મેડમ વિચારી રહ્યા છે."

ઉદયે તેના માણસને આઇસ્ક્રીમ લાવવાનું કહ્યું, "નીલિમા...આપણા માટે ત્રણ ગુડ ન્યૂઝ છે. તે પછી કહું છું. એ પહેલા હું હાલ મારા એક એડ્વોકેટ મિત્રને મળવા ગયો હતો. તેની સાથે નવલકથાના મૂવી માટેના રાઇટ્સ બાબતે ચર્ચા કરી. આપણને યોગીતાએ જે વાત કરી હતી તે બાબત જ તેણે જણાવી છે. તેની સલાહ છે કે આપણે યોગીતાની ઑફર સ્વીકારી લેવી જોઈએ."

"હમ્મ..!!હવે સારા સમાચાર શું છે?"

"યોગિતાના જણાવ્યા મુજબ તેમના બોર્ડ ઑફ ડિરેકટર્સ દ્વારા ફિલ્મમાં તારું નામ 'સ્ટોરી આઇડિયા' શીર્ષક હેઠળ ફિલ્મના પડદા પર ડિસ્પ્લે કરવાનું સ્વીકારી લીધું છે. તને તારી નવલકથાના રાઇટ્સ પેટે ફિલ્મના બજેટના 1.5% લેખેની રકમ આપવામાં આવશે."

"હા, યોગીતાએ મને આ બાબત ફોનમાં જણાવીને અભિનંદન આપ્યા હતા. બેચાર દિવસમાં એગ્રીમેન્ટ તૈયાર કરી મને સહી કરવા બોલાવશે તેવું કહ્યું હતું. હું તને આ સમાચાર રૂબરૂ આપવા જ આવી હતી, પણ મને ખબર નહોતી કે યોગીતાએ તને પણ જાણ કરી હશે!, પછી તે દાઢમાં બોલી, "કેમ ન કરે...આખરે તે તારી ભૂતપૂર્વ પ્રેમિકા છે, ભાઈ..!" એમ કહીને હસી પડી.

"નીલિમા... તને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. તું સાહિત્ય ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ અને નીલુ...!યોગિતા એ પણ જાણે છે કે તું મારી પ્રવર્તમાન પ્રેમિકા છે, એટલે મને તો જાણ કરે જ ને? પણ તમને તો બધે વાંકું પડતું જણાય છે મેડમ... હવે તેનાથી જલવાનું બંધ કરો."

નીલિમાને ઉદય દ્વારા તેને નીલુ કહીને સંબોધવું ખૂબ સારું લાગ્યું...તે ઉત્સાહિત થઈને બોલી, "ઉદય...! હું તને થેંક્સ તો નહીં કહું પરંતુ હું મારી સફળતાનો શ્રેય તને આપું છું. તેં યોગીતા સાથે ખૂબ ઉપયોગી ચર્ચા કરી તેને કન્વીન્સ કરી હતી. મને આવી બાબતમાં ઝાઝી સમજણ નથી પડતી."

"તને યોગીતાએ બીજા કોઈ સમાચાર આપ્યા'તા...?"

"ના, શાના લગતા ...?"   

"મારી એક ગઝલ ફિલ્મ માટે પસંદ થઈ છે. મારે સંગીતકાર સાથે બેસી તેમાં થોડા ફેરફાર કરી આપવાના છે. તે માટે તેણે મને આવતીકાલે તેની ઑફિસે બોલાવ્યો છે."

નીલિમા ઉદયે આપેલા સમાચાર સાંભળી એકદમ ઉછળી પડી. તે ઊભી થઈ ઉદયની રીવોલ્વીંગ ચેર પાસે ગઈ. ઉદયના ગાલ પર એક ચુંબન કરી તેના ગળામાં પોતાની બાંહોનો હાર પહેરાવી 'Congratulations' કહ્યું અને બોલી, "તો આ હતા જનાબના ત્રીજા ગુડ ન્યૂઝ!" તેની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા.

"ઉદય... મને મારી નવલકથાનાં હક્કો વેચાયાનો જેટલો આનંદ થયો તેના કરતાં બમણો આનંદ મને તારી ગઝલ પસંદ થયાનો છે. તું કદાચ નહીં સમજી શકે... હું તને કેટલી ચાહું છું....! I Love you from the bottom of my heart." તેણે ફરી એકવાર ઉદયના ગાલ પર તસતસતું ચુંબન ચોંટાડી દીધું.

આઈસ્ક્રીમને ન્યાય આપતાં આપતાં નીલિમા બોલી, "ઉદય...તું કાલે યોગીતાને મળવા જવાનો છે ને."

ઉદયે માથું હલાવી "હા" કહી એટલે નીલિમા કહ્યું,"હું પણ તારી સાથે આવીશ."

"ભલે, આવજે.. પણ તું ત્યાં બોર થઈ જઈશ."

"ઉદય... ભલે હું બોર થાઉં પણ સાચું કહું તો તને એકલાને યોગીતા પાસે મોકલતાં મને એક છુપો ડર લાગી રહ્યો છે. મને ભય છે કે તે તને મારાથી છીનવી લેશે... કેમ કે તે તારી પ્રેમિકા રહી ચૂકી છે. પેલા દિવસે પણ તે તારું સાંનિધ્ય ઝંખી રહી હતી. તું કૉફીમાં કેટલી ચમચી ખાંડ લે છે, તે પણ તેને હજુ ય યાદ છે. મને તેની આંખોમાં તારા તરફનું આકર્ષણ સ્પષ્ટ દેખાતું હતું. કદાચ તમે પુરુષો સ્ત્રીની આંખો વાંચી શકતા નથી પરંતુ એક સ્ત્રી બીજી સ્ત્રીની આંખો ખૂબ સારી રીતે વાંચી શકે છે. તું યોગીતાનો પ્રથમ પ્રેમ છે. સ્ત્રી કદી પોતાનો પ્રથમ પ્રેમ ભૂલી શકતી નથી. વર્ષો પછી પણ સ્ત્રી જ્યારે તેના પ્રથમ પ્રેમીને મળે ત્યારે તેના પ્રેમની બુઝાયેલી આગમાં ફરીથી તણખો પ્રજવલ્લીત થયા વિના રહેતો નથી. હું યોગિતાને કોઈ આવો મોકો આપવા નથી માંગતી. બીજું ઉદય, તું યાદ રાખજે કે તું મારો પ્રથમ પ્રેમ છે. હું પણ તને ખોવા નથી માંગતી. મારા હૃદયમાં તારા પ્રેમની કૂણી કૂંપણ નવપલ્લવિત થઈ છે. હું નથી ઇચ્છતી કે તે કૂંપણ પ્રેમનું વટવૃક્ષ બને તે પહેલાં કોઈ તેને તેના નિર્દયી પાગોથી કચડી નાખે !"

ઉદયને લાગ્યું કે જેમ તે બીજી સ્ત્રીઓના નામ લઈ નીલિમાને ચીડવે છે તેમ તે પણ તેને ચીડવતી હશે. તેની વાત પૂરી કરી હસી પડશે, પણ તેનાથી તદ્દન ઊલટું થયું. તે ઉદયને વળગીને રડવા લાગી. તે તેની વાતમાં ખૂબ ગંભીર હતી. ઉદયે તેને પોતાના મજબૂત બાંહોમાં છુપાવીને કહ્યું, "નીલુ... તારો ડર અકારણ છે. યોગીતા હવે એક પરિણીત સ્ત્રી છે. તેની વાત પરથી તેને તેના પતિથી સંતોષ છે. તે તેને બિઝનેસમાં મદદ કરી રહી છે. હું યોગિતાને ચાહતો હતો... તેનાથી વધારે હું તને ચાહું છું. તું મારી પ્રેરણામૂર્તિ છે. સાચું કહું તો મને યોગીતા પ્રત્યે અત્યારે કોઈ આકર્ષણ રહ્યું જ નથી, તેમ છતાં તું મારી સાથે આવજે. મને પણ કંપની રહેશે."

 ઉદયની વાત સાંભળી નીલિમાને સંતોષ થયો પણ તેના મનમાં રહેલો છૂપો ડર દૂર થયો નહોતો.

ઉદયની સેકન્ડ હેન્ડ હોંડા સિટી કારમાં નીલિમા ઉદયને અડીને બેઠી હતી. પિકઅવર્સ હોવાના કારણે રસ્તા પર ચિક્કાર ટ્રાફિક હતો. ઉદય સાચવીને ટ્રાફિકમાંથી ગાડીને આગળ વધારી રહ્યો હતો. ગાડીનું એ.સી.ચાલુ હતું. બંને ચૂપ હતાં. ઑડિયો સિસ્ટમ પર રાહત ફત્તેહ અલીખાનની 'દિલ ઝાફરાન' ગઝલનું સુમધુર સંગીત વહી રહ્યું હતું. ગઝલના શબ્દો... 'તું આજકલ મેરી..... આદત.... સી બન ગઈ હો ......' કાનોમાં રસ ઘોળી રહ્યા હતા. ગઝલ આગળ વધતાં....

'ગુનગુનાને લગી......તેરી.....ખામોશીયાં...'

શબ્દો પર નીલિમાએ ઉદય તરફ સૂચક નજર ફેંકી તેના હાથને મજબૂતીથી પકડી છાતીએ ચિપકાવી તેની આંખો બંધ કરીને ગઝલના શબ્દો ગણગણવા લાગી. તે ખામોશીપૂર્વક સંગીતને માણતી રહી અને ઉદય તેના પ્રેમને માણતો રહ્યો...! 

***

ઉદય અને નીલિમા યોગીતાની ઑફિસે પહોંચ્યાં. ત્યાં તેમને જાણવા મળ્યું કે યોગીતા એક મિટિંગમાં વ્યસ્ત હતી પરંતુ તેના માટે બે સંદેશા મૂકેલા હતા. ઉદયે તે સંદેશા વાંચ્યાં. પ્રથમ સંદેશામાં યોગીતાએ તેને સંગીતકારને મળી લેવા જણાવ્યું હતું. સંગીતકારના સ્ટુડિયોનું સરનામું પણ નીચે દર્શાવ્યું હતું. બીજા સંદેશામાં તેમની કંપનીની “લિરિસીસ્ટની પેનલમાં” ઉદયને સમાવતો પત્ર હતો. તેની નીચે યોગિતાએ પોતાના હસ્તાક્ષરોમાં 'ખૂબ ખૂબ અભિનંદન' અને 'લવ યુ' લખ્યું હતું.

ઉદયે બંને સંદેશા વાંચીને પોતાના ખિસ્સામાં મૂક્યા.

નીલિમા અને ઉદય સંગીતકારની ઑફિસે આવી પહોંચ્યાં. તેઓ ઉદયની રાહ જોઈ રહ્યા હતા. સંગીતકારનો સ્ટુડિયો ભવ્ય હતો. સંગીત માટેના તમામ આધુનિક ઇન્સ્ટ્રૂમેન્ટ્સ ગોઠવાયેલા હતા. જુદા જુદા સંગીતના વાદ્યવાદકોની ટીમ કોઈ ધૂન તૈયાર કરવામાં વ્યસ્ત હતી. સંગીતકાર મોટી ઉંમરના હતા. તેમણે ઉદયને તેની ગઝલને ગઝલ તરીકે નહીં પરંતુ ગીત તરીકે સ્વરબધ્ધ કરવાની હોવાનું જણાવ્યું. તેમણે ગીતની સિચ્યુએશન સમજાવી. તે ગીત હીરો અને હિરોઈન પર ફિલ્માવવાનું હતું. એટલે કે તેની ગઝલને ‘ડ્યુએટ’માં ફેરવવાની હતી. પ્રાસ એક સરખા રચવાના હતા. હાર્મોનિયમ પર તેમણે નક્કી કરેલી ઘૂન ઉદયને સંભળાવી અને કયા રાગમાં તે ધૂન બની છે તેની વિગતો આપી. ધૂનને ધ્યાનમાં રાખી તેની રચનાના શબ્દોમાં ફેરફાર કરવા જણાવ્યું. બે કલાકના સતત પ્રયત્નો પછી ગીતનું મુખડું સંગીતકારે મંજૂર કર્યું. બે દિવસમાં તેના અંતરા તૈયાર કરી તેમને પહોંચાડી દેવાનું કહ્યું. ઉદય તેમની રજા લઈ નીલિમા સાથે ઘરે જવા રવાના થયો.

ઉદયે લિફ્ટમાં નીલિમાને કહ્યું, "નીલિમા, ગાડી તું ડ્રાઈવ કરી લેજે. હવે મારા મગજમાં ગીતના અંતરાના વિચારો ફરતા રહેશે એટલે હું ડ્રાઈવિંગ પર ધ્યાન નહીં આપી શકું."

નીલિમાએ માથું હલાવી સંમતિ આપી.

બંને જણ લિફ્ટની બહાર આવ્યાં, ત્યારે યોગીતા અને એક પુરુષ લિફ્ટની બહાર તેમને મળી ગયાં. નીલિમા અને ઉદયે યોગીતા સામે પરિચિતતાનું સ્મિત સાથે "હાય....!" કહી સૌજન્ય દાખવ્યું. પેલા પુરુષે નીલિમા અને ઉદય સામે તાકી આશ્ચર્ય સાથે તેની નજર યોગીતા તરફ ફેરવી.  

 [ ક્રમશ:]


Rate this content
Log in

Similar gujarati story from Romance