Abid Khanusia

Romance

4  

Abid Khanusia

Romance

સપનાં લીલાંછમ - 9

સપનાં લીલાંછમ - 9

9 mins
31


   લિફ્ટની બહાર નીલિમા અને ઉદયને યોગીતા અને એક પુરુષ સામે મળ્યાં. નીલિમા અને ઉદયે યોગીતા સામે પરિચિતતાના સ્મિત સાથે ''હાય...'' કહી સૌજન્ય દાખવ્યું. પેલા પુરુષે નીલિમા અને ઉદય સામે આશ્ચર્યજનક નજરે જોઈને તેની નજર યોગીતા તરફ ફેરવી.  

   યોગીતા બંનેની સામે જોઈ બોલી, "મીટ માય હસબન્ડ મનોહર સિંહ !"

બંનેએ મનોહરસિંહને નમસ્કાર મુદ્રામાં "નમસ્તે" કહ્યું.

     યોગીતાએ બંનેની ઓળખાણ આપતાં કહ્યું, "આ મિસ. નીલિમા ઠાકુર છે. જેમની નવલકથા 'બિખરે રિશ્તે' ના હક્કો આપણે ખરીદ્યાં છે... અને આ મિ.ઉદય રાણે છે. તેમના વિશે ઘણું કહ્યું છે મેં તને. તેમની એક ગઝલ દાદા (સંગીતકાર)એ આપણી ફિલ્મ માટે પસંદ કરી છે."

   "મિસ.નીલિમાનો તેમની નવલકથાના ટાઈટલ પેજ નં.ચાર પર તેમના પરિચય સાથેનો ફોટો મેં જોયો છે એટલે તેમને જોતાંની સાથે જ હું ઓળખી ગયો'તો." યોગીતાને કહીને મનોહરસિંહે નીલિમાને કહ્યું, "મિસ.નીલિમા...આપને ખૂબ ખૂબ અભિનંદન. મને આશા છે કે અમારી સાથે જોડાવાથી આપને અમારા મૂવી પ્રોડકશન સાથે કામ કરવામાં આનંદ આવશે." 

     મનોહરસિંહનું વર્તન પ્રોફેશનલ પરંતુ સૌજન્યશીલ હતું. પછી ઉદય સામે જોઈને કહ્યું, "ઉદય...આપને પણ ખૂબ ખૂબ અભિનંદન. યોગીતાએ છેલ્લા અઠવાડિયાથી આપના વિશે ઘણી વાતો કરી, મને આપનો અછડતો ( તે શબ્દ પર ખાસ ભાર મૂકી ને !) પરિચય આપી દીધો છે. કોલેજના દિવસોમાં તમે બંને ખૂબ સારા મિત્રો હતાં, તેવું તેણે મને કહ્યું છે. મને તેની વાતો પરથી લાગ્યું કે કદાચ, તમારા સંબંધો મિત્રતાથી વધારે સારા હશે ! જો યોગીતાએ મારી સાથે લગ્ન ન કર્યા હોત તો કદાચ તે તમને પરણી હોત તેવું મારું અનુમાન છે." એમ કહીને તે એકદમ નિખાલસતાથી હસી પડ્યો.

      યોગીતાએ મનોહરને કોણીનો ગોદો મારતાં બોલી, “મનોહર ! તું પણ શું મનમાં જે આવે તે બોલી નાખે છે. જરા વિચાર તો કર !" અને પોતાનું મોઢું ફુલાવીને એકબાજુ ખસી ગઈ એટલે મનોહર તેને જોઈને ફરીથી હસી પડ્યો અને બોલ્યો, "અરે...મારી રાણી ! તું કદી મારા પર ગુસ્સે થતી નથી, રીસાતી નથી એટલે તું ગુસ્સે થાય, થોડું રિસાય તેવા પ્રસંગો હું થોડો જવા દઉં... આવા મોકા વારેવારે ન મળે જાનેમન...! ચાલો હવે જરા ગુસ્સાને મારો ગોળી.... અને આપી દો એક પ્યારું મધમીઠું સ્મિત....એટલે દાદા સાથે ચર્ચા કરવામાં હળવાશ રહે."

     યોગીતા મનોહર સામે જોઈ હસી પડી અને ઉદય સામે જોઈને બોલી, "ઉદય, તમે દાદા સાથે ચર્ચા કરી બધી વાત સમજી લીધી છે ને...?"

     "હા, દાદાએ ગીતનું મુખડું ઓકે કર્યું છે. હવે ડ્યુએટના અંતરા તૈયાર કરી બેચાર દિવસમાં મળવાનું કહ્યું છે."

      "ધેટ્સ ગુડ...ગો અહેડ... બેસ્ટ લક !"

      નીલિમા અને ઉદય પાર્કિંગ તરફ વળ્યાં એટલે નીલિમા બોલી, "ઉદય, બંનેની જોડી એકદમ નિખાલસ લાગે છે, પણ મનોહર ઉંમરમાં યોગીતાથી થોડો મોટો જણાય છે. તેને ટાલ પડવાની શરૂઆત પણ થઈ ગઈ છે. યોગીતાની ખૂબસૂરતી સામે તે થોડો વામણો લાગે છે છતાં બંને વચ્ચે ખૂબ સારું ટ્યુનિંગ છે."

       ઉદય નિસાસાભેર બોલ્યો, "હા, કાગડો દહીંથરું લઈ ગયો."

      "જનાબને આજે અફસોસ થતો લાગે છે નહીં, જેલેસી !” 

       બંને જણા ખુલ્લાં મને હસી પડ્યાં.  

     નીલિમા અને ઉદય સાથે શાઈન પિક્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ મૂવી હાઉસ દ્વારા કરારનામા કરી કાયદાકીય વિધિ પૂરી કરી દેવામાં આવી હતી. બંનેને સાઈનિંગ એમાઉન્ટના ચેક મળી ગયાં હતાં. આ મૂવી હાઉસની કામગીરી ખરેખર ખૂબ પ્રશંસનીય હતી.

       એક મહિનામાં તો ફિલ્મ ફલોર પર પહોંચી ગઈ હતી. તેનું પ્રોડકશન શરૂ થઈ ગયું હતું. મુહૂર્તના દિવસે નીલિમા અને ઉદયને સેટ પર હાજર રહેવાનુ આમંત્રણ અપાયું હતું. નીલિમા અને ઉદયની કલાકારો, ડિરેક્ટર સાથે યોગીતાએ હોંશે હોંશે મુલાકાત કરાવી ઓળખાણ કરાવી હતી. તે રાત્રે એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પણ બંનેને આમંત્રણ અપાયું હતું. ત્યાં પણ બંને હાજર રહ્યાં હતાં. ત્યાં બોલિવુડની ઘણી મહાન હસ્તીઓને નજીકથી જોવાનો મોકો મળ્યો હતો. ગ્લેમરની દુનિયાને ઓળખવાનો આ તેમના જીવનનો પ્રથમ પ્રસંગ હતો. શરાબ અને શબાબની છોળો ઉછળતી હતી. પાણીની જેમ પૈસાનો ખર્ચ કરવામાં આવી રહ્યો હતો. નીલિમા અને ઉદય શરાબથી દૂર રહ્યાં હતાં. તેમણે ફક્ત સોફ્ટ ડ્રિંક લીધું હતું. પાર્ટી મોડી રાત સુધી ચાલી હતી. મુંબઈના મશહૂર કૅટરર્સ દ્વારા પૂરું પાડવામાં આવેલ ભોજન આરોગવામાં આવી રહ્યું'તું. જમવા કરતાં એનો બગાડ વધારે થઈ રહ્યો હતો, જે જોઈને નીલિમાને દુ:ખ થતું હતું પણ તે મૂંગા મોંઢે બધું જોઈ રહી હતી.

    યોગીતા શરાબ પીને બહેકી ગઈ હતી. તેને તેના કપડાંનું પણ ભાન રહ્યું નહોતું. મનોહરના પણ તે જ હાલ હતા. નીલિમાથી આવું ઉછાંછળાપણું સહન ન થતાં ઉદયને લઈને પાર્ટી પૂરી થાય તે પહેલાં નીકળી ગઈ હતી.

    તેણે ઉદયને કહ્યું, "ઉદય...હવે પછી હું આવી કોઈ પાર્ટી એટેન્ડ કરીશ નહીં. આવી સ્વચ્છંદતા યોગ્ય નથી. આ બધી આધુનિકતાના નામે અંગપ્રદર્શન અને વ્યભિચારને આમંત્રણ આપતી પાર્ટીઓ હોય છે. ભારતીય સંસ્કારોનો છેદ ઊડી જાય તેવી પાર્ટીઓ મને બિલકુલ પસંદ નથી."

   ઉદય ચૂપચાપ નીલિમાને સાંભળી રહ્યો.

    ફિલ્મના નિર્માણ વખતે નીલિમાની હાજરીની જરૂરિયાત ન હોવાથી તે શૂટિંગ વખતે હાજર રહેતી નહોતી. ગીતોના રેકોર્ડિંગને પણ હજુ વાર હતી. ‘લિરિસીસ્ટ પેનલ’ના બીજા ગીતકારો પાસેથી ફિલ્મી ગીતો લખવાની જાણકારી મળી રહે તે માટે ઉદય અવારનવાર દાદાના સંગીત સ્ટુડિયો પર જતો હતો. યોગીતાને દાદાના સ્ટુડિયો પર આવવાના પ્રસંગો બનતા ત્યારે તે ઉદય સાથે ઘણી બધી ખટમીઠી વાતો કરતી પણ પોતાના કોલેજ કાળની વાત સભાન રીતે ઉખેડતી ન હતી. મનોહર નવી ફિલ્મના નિર્માણ માટે વાર્તા પસંદ કરવામાં વ્યસ્ત રહેતો હોવાથી ઉદય સાથે તેની મુલાકાતો થતી નહીં.

      નીલિમાએ એક નવી નવલકથા લખવાની શરૂઆત કરી હતી. તે તેના લખાણમાં વ્યસ્ત રહેતી હોવા છતાંય દિવસ દરમ્યાન ઉદય સાથે મોબાઈલથી સતત સંપર્કમાં રહેતી હતી.

       એક દિવસે ઠાકુર બલદેવસિંહે નીલિમાના હાલચાલ જાણવા માટે ફોન કર્યો. નીલિમા મોબાઈલમાં નાનાજીનો ફોન નંબર જોઈ ઉછળી પડી. નાનાજી તેને કોઈ સમાચાર આપે તે પહેલાં જ તેણે તેની વાર્તા પરથી ફિલ્મ બની રહી હોવાના શુભ સમાચાર આપ્યા. નાનાજીએ ખુશ થઈ તેને અભિનંદન આપ્યા. તેમણે ઉદયના પણ સમાચાર પૂછ્યા. નીલિમાએ તેની ગઝલ પણ તે ફિલ્મમાં રજૂ થવાની હોવાની વાત જણાવી.

    "નાનાજી...હું ખૂબ ખુશ છું. અત્યારે એક નવી નવલકથા લખી રહી છું. જે હું આપને અર્પણ કરવાની છું. યુ આર માય ગોડ ફાધર. આઈ લવ યુ વેરી મચ...!" નીલિમા ખૂબ જ ઉત્સાહિત હતી.

    "બેટા...તું ખૂબ પ્રગતિ કરે તેવા મારા તને આશીર્વાદ છે...પણ બેટા ! મને થોડા દિવસથી તારી ખૂબ ફિકર થઈ રહી હતી એટલે મેં તને આજે ફોન કર્યો છે. હું તને ખૂબ સાવચેત રહેવા ભલામણ કરું છું."

    "નાનાજી... કઈ બાબતથી મને સાવચેત રહેવાનું કહો છો...ઉદયથી...?"

     "ના બેટા, ઉદયને જ્યાં સુધી હું સમજી શક્યો છું ત્યાં સુધી તે એક લાગણીશીલ અને ભરોસો કરી શકાય તેવો યુવાન છે. હવે તો તને તેને નજીકથી ઓળખવાનો મોકો મળ્યો છે એટલે મારા કરતાં તો તું તેને વધારે સમજી શકતી હોઈશ."

    "તો પછી નાનાજી, મારે કોનાથી સાવચેત રહેવાનું છે... તમને મારા ચારિત્ર પર શંકા છે ? નોંધી રાખજો હું મારી જાતને અભડાવીને કલંકિત નહીં થવા દઉં તેની તમને ખાતરી આપું છું. તમે તે બાબતે બેફિકર રહેજો. ઉદયથી પણ હું એક સલામત દૂરી રાખું છું."

   "ઠીક છે, બેટા. ઉદયથી નહીં પણ તું કોઈ અજાણ્યા માણસથી સાવચેત રહેજે."

   "દાદાજી... આજે આપ કેમ મોંઘમ બોલી રહ્યા છો. મને કંઈક કહેવું છે પરંતુ તમે ખૂલીને કહી શકતા નથી તેવું મને લાગી રહ્યું છે. જે હોય તે મને સ્પષ્ટ કહો. નાનાજી... પ્લીઝ ! મારે કોઈ ઉખાણા નથી ઉકેલવા. મારે મારા નાનુ પાસેથી સ્પષ્ટ વાત સાંભળવી છે... માટે તમે સ્પષ્ટતાપૂર્વક વાત કરો."

   ઠાકુર બલદેવસિંહને નીલિમાને જે કહેવું હતું તે કહેવાનું હાલ ઉચિત ન લાગતાં તેઓ પળેકનો વિચાર કરીને બોલ્યા, "બેટા...ગ્લેમરની દુનિયા પતનની સીડી છે. તું તેનાથી સાવચેત અને દૂર રહે તેવી મારી ઈચ્છા છે. ફિલ્મી દુનિયાના કે બીજા કોઈ પણ અજાણ્યા માણસો સાથે નવી મિત્રતા કે નવા સંબંધ બનાવતાં પહેલાં સો વાર વિચાર કરજે. તે બાબતમાં તું ફૂંકી ફૂંકીને પગ મૂકજે. મારી આ વાત તું જરૂર ધ્યાનમાં રાખીશ તેવો મને વિશ્વાસ છે."

  "ઓહ નાનાજી ! તમે તો મને ડરાવી જ દીધી'તી. નાનાજી...‌ચંદ મિનિટોમાં મારા દિલોદિમાગમાં ન જાણે કંઈ કેવાય વિચારોનું યુદ્ધ શરૂ થઈ ગયું'તું...! આમ પણ મને ગ્લેમરની દુનિયા પસંદ નથી. ફિલ્મી દુનિયા સાથે જોડાયેલી કોઈ પણ પાર્ટીમાં નહીં જવાનું મેં નક્કી કર્યું છે... તોપણ હું આપની વાત વિશેષ ધ્યાનમાં રાખીશ." 

   "ઓ.કે...બેટા, તોપણ ફરીથી તને સાવચેત રહેવાની તાકીદ કરું છું. ઉદયને મારા આશીર્વાદ કહેજે...!"

     ઠાકુર બલદેવસિંહ ફોન ઑફ કરે તે પહેલાં નીલિમા એકાએક બોલી, "નાનાજી...આપણા બંગલાના ભાડૂત આ મહિનાના અંતમાં અમેરિકા શિફ્ટ થતા હોવાથી તેઓ બંગલો ખાલી કરવાના છે. તો હવે આગળ શું કરવું છે...?"

    "હું તને આપણા એસ્ટેટ બ્રોકરનું સરનામું મોકલાવું છું. તું તેમને મળી કોઈ સારો નવો ભાડૂત હોય તો તેની સાથે માર્કેટ મુજબનું ભાડું નક્કી કરી લીઝ એગ્રીમેન્ટ તૈયાર કરવા માટે જણાવજે. હું પણ તેને અત્યારે જ ફોન કરું છું. એક વાત યાદ રાખજે કે જે કોઈ આખો બંગલો ભાડે લેવા તૈયાર હોય તેને જ લીઝ પર આપવાનો છે. કોઈ મોટી ઉંમરની વ્યક્તિ હોય તો સારું... બોલ બેટા, હવે બીજું કંઈ કામ છે?"

    નીલિમા થોથવાતી જીભે બોલી, "નાનુ... ઉદય તેના ઘરમાં રિનોવેશન કરાવવાનું વિચારી રહ્યો છે. તે એકાદ વર્ષ માટે બીજે ભાડે રહેવા જવાનું કહેતો હતો... તો....."

   "તે તેના એકલા માટે અવડો મોટો બંગલો ભાડે રાખીને શું કરશે?"

     "ના....ના... નાનુ... મારું કહેવું એમ છે કે આપણા બંગલાના બે ગેસ્ટરૂમ પૈકી હું ફક્ત એક જ ગેસ્ટરૂમ વાપરું છું...... જો આપ રજા આપો તો તેને બીજા ગેસ્ટરૂમમાં રહેવાની સગવડ કરી આપું?"

     "બેટા...હું તારી ઉદય તરફની લાગણી જાણું છું અને સમજું છું. તે ભરોસાપાત્ર છે પરંતુ આગ અને ઘીને બાજુ બાજુમાં રાખવામાં જોખમ હોય તેવું અનુભવી માણસો કહે છે." 

   “ઓહ ! નાનાજી... આપ સીધેસીધું કહી દો ને કે આપને આપની દીકરી પર ભરોસો નથી."

   “મને તો મારી દીકરી પર પૂરેપૂરો ભરોસો છે પણ યુવાની પર ભરોસો નથી. મેં એક વાર છેતરાઈને દીકરી ગુમાવી છે...હવે બીજીવાર છેતરાઈને મારી પ્રાણપ્યારી દોહિત્રી ગુમાવવા નથી માગતો."

  નીલિમા નિરાશ થઈ થોડા ગુસ્સાભર્યા ટોનમાં બોલી, "ઓ.કે. નાનાજી... ઉદય તેની રીતે તેની વ્યવસ્થા કરી લેશે. મારે તેની ફિકર કરવાની ક્યાં જરૂર છે...."

   "જો બેટા...એમ ગુસ્સો કરવાનો કોઈ અર્થ નથી. તમારી પાસે બીજો પણ રસ્તો છે. જો તમે બંને એકબીજાને સમજી ચૂક્યા હોવ અને જીવનસાથી તરીકે જોડાવા તૈયાર હોવ તો મને તમારો નિર્ણય જણાવો. હા હોય તો હું તમારા લગ્ન કરાવી દઉં ને.... હવે મારી અવસ્થા થઈ છે અને તારી ઉંમર પણ....તો ફિર દેર કિસ બાત કી....? મિયાંબીબી રાજી તો કયા કરેગા બિચારા યે કાઝી !, ઠાકુર બલદેવસિંહ હસી પડ્યા. હું તમારા બંને તરફથી ખૂબ જલદી સારા સમાચાર મળે તેની રાહ જોઈશ. ઓ.કે. બી હેપ્પી.... મારી વહાલી દીકરીને મારા પર ગુસ્સો આવ્યો હોય તો તે પી જઈને એક મીઠું ખડખડાટ હાસ્ય મારા કર્ણને સુનાવી દે...એટલે મને નિરાંત થાય."

  "ઓ.કે...નાનુ...આપની વહાલી દીકરી આપના પર ગુસ્સે નથી, એમ કહીને નીલિમાએ મધમીઠું ખડખડાટ હાસ્ય રેલાવી દીધું ફોનમાં......બાય માય ડિયર નાનુ...!"

    "બાય બેટા....!"

     નીલિમાને ઠાકુર બલદેવસિંહની સલાહ સાચી લાગી હતી. ભલે ઉદય ભરોસાપાત્ર હતો પરંતુ હતો તો આખરે પુરુષ ને ! વળી એકાંત ખૂબ ખરાબ ચીજ છે. પ્રેમના આવેગમાં કોઈ ખોટું પગલું ભરાઈ જાય તો આખી જિંદગી પછતાવું પડે તેના કરતાં તો તેનાથી દૂર રહી સલામત રહેવું વધારે સારું. આમેય દૂર રહેવાથી પ્રેમ વધુ પ્રબળ બને... તે વાત એક લેખિકા તરીકે તે જાણતી હતી. 

    બીજા દિવસે ઉદય નીલિમાને રૂબરૂ મળવા આવ્યો હતો. નીલિમાએ તેના અને ઉદયના લગ્ન બાબતે નાનાજી સાથે થયેલા વાર્તાલાપનો ઉલ્લેખ કરી લગ્નબંધનમાં જોડાવા બાબતે તેનો જવાબ માગ્યો હતો. ઉદય તેના ઘરના રિનોવેશનનું કામ પૂરું થાય એટલે તરત લગ્ન કરવા સંમત થયો હતો.

    ઉદયે નીલિમાને કહ્યું, "નીલિમા... મારે કદાચ ફિલ્મના શૂટિંગ યુનિટ સાથે મોરિશિયશ જવાનું થશે. ડાયરેક્ટરે એક રોમેન્ટિક ગીતનું મોરિશિયસના ખૂબસૂરત દરિયા કાંઠે ફિલ્મિકરણ કરવાનું નક્કી કર્યું છે. રાઈટર તે સીન હજુ લખી રહ્યા છે. જે લખાઈ જાય એટલે તેને અનુરૂપ ગીત લખવાનું થશે. બીજા ગીતકારે કોઈ બીજા પ્રોડ્યુસરની નવી ફિલ્મના બધા ગીતો લખવા માટે કરાર કર્યો છે અને તેઓ ગીતો લખવામાં વ્યસ્ત હોઈ તે જઈ શકે તેમ ન હોવાથી યોગીતાએ મને યુનિટ સાથે લઈ જવાનું નક્કી કર્યું છે. ફક્ત એક મહિનાનો જ પ્રવાસ છે."  

     "ઉદય, હું તને ન જવા દબાણ નથી કરતી પરંતુ...પ્લીઝ .... જો તું યોગીતાને ના પાડી શકે તેમ હોય તો ના પાડી દે. મને તું મારાથી દૂર જઈ રહ્યો હોય તેવો ડર લાગી રહ્યો છે."

     નીલિમાનો ચહેરો આમ તો સામાન્ય હતો પરંતુ તેના હૃદયમાં એક છુપો ડર જરૂર હતો. તેણે કહ્યું, "ક્યારે જવાનું છે?"

   "એક અઠવાડીયા પછી. પ્લીઝ.. નીલિમા તું ખોટા ખોટા વિચારો ન કરીશ. તારે ગભરાવાની જરૂર નથી. બી સ્પોર્ટી. મારી પર વિશ્વાસ રાખજે. મોરેશિયસથી પરત ફરી તરત જ આપણે સૂરજપુર જઈશું અને નાનાજીના આશીર્વાદ લઈ સગાઈના બંધને બંધાઈ જઈશું...ઓ.કે...!"

   નીલિમાએ ઉદયની છાતી પર પોતાનું માથું મૂકી ઉદાસ હૈયે તેને મોરિશિયસ જવાની સંમતિ આપી. 

 [ ક્રમશ:]


Rate this content
Log in

Similar gujarati story from Romance