We welcome you to write a short hostel story and win prizes of up to Rs 41,000. Click here!
We welcome you to write a short hostel story and win prizes of up to Rs 41,000. Click here!

કવિ વાળા મનહર. ભાવનગર ગુજરાત

Romance Inspirational


5.0  

કવિ વાળા મનહર. ભાવનગર ગુજરાત

Romance Inspirational


તું અંધ નથી, હું તારી આંખ છું

તું અંધ નથી, હું તારી આંખ છું

8 mins 441 8 mins 441

 નામ એનું નયન, કુદરતે ભલે એની બાહ્ય રોશની છીનવી લીધી પણ, એની અંતર દ્રષ્ટિના હર કોઈ દીવાના બની જ જાય. ભલે દેખાય નહીં પણ, બધુંય જોઈ લેવાનું એ એનો જીવનમંત્ર. કોઈ એને દ્રષ્ટિ મર્યાદાને વચ્ચે લાવી રોકે તો તે તરત બોલી ઊઠે કે,

"પડીને ઊભું થઈ જવાનું પણ, ક્યારેય ક્યાંય પાછું પડવાનું નહીં."

 ભાનુપ્રસાદ પંડ્યાની કાવ્ય પંક્તિ એને ખૂબ વ્હાલી. લગભગ લગભગ, દિવસમાં દસ વખત તો એ અચૂક આ પંક્તિ બોલે.

 "દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ પણ કલરવની દુનિયા અમારી,

વાટે રખડવાની મોજ ભલે છીનવી લીધી નાથ તોય પગરવની દુનિયા અમારી."

 આ કલરવ અને પગરવની દુનિયામાં વિહાર કરતો નયન અમદાવાદ કોલેજમાં આવ્યા પછી તો, ભારે ચર્ચાનું કેન્દ્ર બનવા લાગ્યો. પ્રથમ તો એણે મુખ્ય વિષય તરીકે ભાષાની પસંદગી કરી એ જ આશ્ચર્ય પમાડી ગઈ. કેટલાંક ડાહ્યા અને થોડા વધુ સમજુ માણસોએ નયનને સલાહ પણ કરી કે,

"અંધને ભાષા ન રખાય. એમાં વ્યાકરણની ભૂલો ખૂબ થાય એટલે, ભાષામાં સારી ટકાવારી આવવી ઈમ્પોસીબલ છે."

લોકો દ્વારા અપાયેલી સલાહ તો નયનને એકદમ બકવાસ લાગી. અરે લાગે જ ને ? નયન તો ઈમ્પોસીબલ વાતને પોસીબલ બનાવવામાં માને. એને કોઈ કહે કે, આ નથી થાય એમ. એ જ કરવાનું એને સૂજે.

 આમ તો નયન આરંભથી જ કોઈ પણના દિલમાં વસી જાય પણ, કોલેજના વાતાવરણ સાથે સમાયોજન સાધવું એના માટે ખૂબ આકરું હતું કારણ, અહીં એની ખૂબી કરતા ખામીની ચર્ચા વધુ થવા લાગી હતી. એની સાથે ભણતી નેન્સી તો એને જોઈને કહેતી પણ ખરી,

"સાવ કાળિયા છોકરા સાથે લગ્ન કરાય પણ, આંધળા સાથે ક્યારેય ન કરાય."

આ સાંભળીને નયન ઘણો ગુસ્સે થતો પણ, એ કંઈ જ ન બોલી શકતો. એને અંદરથી એક વાતનો આનંદ હતો કે, એને અભ્યાસ કરાવતા પ્રોફેસર એની શક્તિને સંપૂર્ણ પણે જાણતા હતા. જાણે જ ને ? નયન પણ ક્યાં હળવો હતો. એને ભીતરના અંધકારને કર્મ રૂપી ઉજાસ વડે ઉલેચીને પોતાના જીવનને તેજોમય બનાવ્યું હતું. પૃથ્વી વલ્લભનો સાર હોય કે, સુંદરમની માને ખોળે વાર્તા, હેમચંદ્રના દુહા હોય કે, નરસિંહના પ્રભાતિયાં, અખાના છપ્પા હોય કે, ભોજાના ચાબખા, કાંતના ખંડ કાવ્યો હોય કે, બ ક ઠાકોરના સોનેટ, ઉમા શંકરના ભોમિયા વિનાના ડુંગરા હોય કે, પ્રિયકાન્ત મણિયારના રાધા કૃષ્ણ હોય, કલાપીનો કેકારવ કહો કે, જ્યોતિન્દ્રના રંગ તરંગ. શબ્દશઃ નયન બોલી બતાવે. એનો અવાજ પણ, એટલો મીઠો કે, એ જે બોલે એ આપણને સાંભળવાનું મન થઈ જાય. એ ભલે રાઈટર રાખીને પરીક્ષા આપે પણ, રિઝલ્ટ એનું નોર્મલ વિદ્યાર્થી કરતા પણ જબરજસ્ત જ આવે.

 જેમ જેમ સમય વીતતો ગયો એમ એમ, નયને પણ, બમણી મહેનત કરવાનું શરૂ કરી દીધું. કોલેજનું એક વર્ષ પૂરું થવામાં હતું ત્યાં જ, નયને પોતાની સ્વરચિત કવિતાઓ અને વાર્તાઓ લખવાનું શરૂ કરી દીધું. વળી લોકોને પણ, નયનના લખાણો વાંચવાની ભારે મજા પડવા લાગી. જે નેન્સી નયનને ધૂતકાર્તિ હતી એ જ નેન્સી નયનના લખાણની બંધાણી બની ગઈ. નયનનું લખાણ એને એટલું બધું પ્રિય બની ગયું કે, એ જો દિવસમાં એકાદ વખત નયનનું લખાણ ન વાંચે તો એને ક્યાંય ચેન ન પડે. એમાંય નયનની એક કવિતા તો નેન્સીને શું ? શું ? કહી ગઈ એની એને ખુદને જ કંઈ ભાન ન રહી.

 "મન થાય તો મનથી મળી લેજે,

પથ્થર બોલે તો બોલાવી જોજે.

ઘણું ફર્યો તોય ઘણું બાકી છે,

હાથ આપે હવા તો પકડી જોજે.

દોસ્ત ગમતા સરનામાં ઘણા હોય,

તું મનગમતું સરનામુ ગોતી જોજે,

અંબર ઉદાસ છે ચાંદ વિનાનું,

જાખપની વેદના તું પૂછી જોજે.

લાગણી ભરેલો કાગળ લે વાંચ,

સ્નેહનું સગપણ છે ઉકેલી જોજે."

 આ કવિતા નેન્સી જેટલી વખત વાંચતી એટલી વખત બોલી ઊઠતી,

"એય નયન આ કવિતા તે મારા માટે લખી છે ને ? નયન, નયન, નયન, મને માફ કરજે હું તને ઓળખી ન શકી. હવે તો તને હું એવો ઓળખી ગઈ છું કે, મારે હવે કોઈને નથી ઓળખવા.

"આઈ લવ યુ, નયન." નયનના લખાણથી નેન્સીનું હૃદય પરિવર્તન તો થઈ ગયું હતું પણ, એને નયનની નજીક જવાનો કોઈ માર્ગ સૂઝતો નહોતો. ના ના, સૂઝતો નહોતો એમ નહીં પણ, જાતે જ, જાળાં નાંખ્યા હતા. એ મનોમન જે બોલતી એ નયનને રૂબરૂ કહેવું હતું પણ કેમ ? બસ અહીં જ નેન્સીનો સવાલ અટકી જતો ને જવાબમાં એક નવો વિચાર મળતો. ઘણા દિવસો સુધી આમ ચાલ્યું. હવે તો નેન્સીનું હૃદય પણ, સાઠ સેકન્ડમાં બોતેરથી તોતેર વખત નયન, નયન, બોલવા લાગ્યું. હવે નેન્સીએ મનોમન નક્કી કરી જ લીધું કે, હવે મારે મારા મનની વાત નયનને જણાવી જ દેવી છે.

 "કાશ જો નયન દેખતો હોત તો એને આંખના ઈશારે સમજાવી દેત કે, હેય, નયન તારી નેન્સી તને ચાહે છે."

આવા વિચારમાં ખોવાઈ ગયેલી નેન્સીની આંખો અશ્રુ સંગ્રામમાં મળી ગઈ. એ ખુદને જ કહેવા લાગી,

"નેન્સી, નેન્સી, નેન્સી. તને જ નયનનું અંધત્વ નહોતું ગમતું ને ? હા મને જ નહોતું ગમતું. બોલ ? જલ્દી બોલ ? અત્યારે એ નયન આંધળો છે કે, નયનને આંધળો સમજનારી નેન્સી ? તું એ તો કહે કે, કોને નથી સૂઝતું ? એ આંખ વગરના નયનને કે, બંને આંખ લઈને ફરતી નેન્સીને ?"

 દિવસો ઉપર દિવસો વીતતા હતા પણ, નેન્સી એ નહોતી નક્કી કરી શકતી કે, એ નયનને કેવી રીતે કહે,

"નયન હું તને ચાહું છું."

જુલાઈ અડધો ઉતરી ગયો હતો, ચોમાસુ ભારે જામ્યું હતું. પ્રોફેસર પટેલ સાહેબ

"ભીંજીએ ભીંજાયે વરસાદમાં."

કાવ્યની પંક્તિ ગણગણી રહ્યા હતા. બરાબર આ અરસામાં નયન બોલી ઊઠ્યો,

"સર, આવા મદહોશ વાતાવરણમાં તમે જે કાવ્ય બોલી રહ્યા છો એ કેટલું અદ્ભૂત ચિત્ર ખડું કરે નય ?"

આ સાંભળીને પ્રોફેસર પટેલ સાહેબ તરત હકારમાં જવાબ આપતા એક સવાલ કરી બેઠા,

"નયન, તને દેખાતું નથી તો, ચિત્ર તારા મનમાં કેવી રીતે ઊભું થાય ?"

પ્રોફેસર પટેલ સાહેબના આ સવાલથી નયન ખૂબ ખુશ થઈ ગયો કારણ, એને દુનિયા સામે ક્યારનોય એક ખુલાસો કરવો હતો કે,

"દેખાતું ન હોય એ પણ, જોઈ શકે છે. ફરક એટલો જ કે, એ એના મનનું ચિત્ર કોઈનેય કહી ન શકે. એ જે અનુભવે છે એ બધું ચિત્ર સ્વરૂપે જોઈ શકે છે એ એને જાહેર કરવું હતું.

 વરસાદને પણ, નયનની વાતો સાંભળવી ન હોય ? તેમ વધતો જતો હતો. બારી બહારથી આવતી ભીની માટીની મહેક અને એકદમ ઠંડીગાર લાગતી માદક હવા વાતાવરણમાં કંઈક અનોખી જ તાજગી રેલાવતી હતી. બરાબર નયને આ જ સમયે પ્રોફેસર પટેલ સાહેબને જવાબ આપવાનું શરૂ કર્યું.

 "હું એટલો બધો કાબીલ નથી કે, તમારા મનમાં ઊઠતા સવાલોના જવાબ આપી શકું, છતાં પણ, એ કહીશ કે, તમે એક અંધ વ્યક્તિના જીવનમાં ડોકિયું કરો તો અવશ્ય તમને ખબર પડી જાય કે, એક અંધ વ્યક્તિ કેવી રીતે ચિત્રો જોઈ શકે છે. એના જીવનમાં ડોકિયું કરવા માટે તમારી બંને આંખ બન કરીને, સરસ મજાનું એક ગુલાબ હાથમાં લઈને સૂંઘી જોજો,

ક્યારેક પર્વત પર જઈને બંને આંખ બંધ કરી સરસ મજાના ખળખળ વહેતા ઝરણાંનો અવાજ સાંભળી જોજો,

બંને આંખ બંધ કરીને ઉઘાડા પગે દરિયાની ભીની માટીમાં ચાલતા ચાલતા, મોજાના ઘૂઘવતા ઘૂઘવાટ ધ્યાનથી સાંભળજો,

ભર ચોમાસે બે ઘડી આંખ બંધ કરી વિશાળ મેદાન વચ્ચે જઈને વરસતા વરસાદના છાંટાને સ્પર્શજો,

તમારી પ્રિયતમા કે પ્રિયતમને આંખ મીંચીને એક આલિંગન આપી "આઈ લવ યુ." કહી જોજો.

આ દરેક અનુભવ કર્યા પછી તમને જે અહેસાસ થશે એ જ હેસાસથી એક અંધ વ્યક્તિ પોતાની દુનિયા ચિત્રાત્મક બનાવે છે. આટલું કહીને નયન પોતાના સ્થાન પર બેસી ગયો.

 આ તરફ નયનની જેવી વાત પૂરી થઈ કે તરત, એક વીજળીનો ઝબકારો થયો. આ ઝબકારા સાથે વર્ગમાં ઉપસ્થિત દરેક વ્યક્તિની આંખો ખુલી ગઈ અને એકે એક વ્યક્તિ નયન સામે જોવા લાગી. તાસ બદલાય રહ્યો હતો એટલે પટેલ સાહેબ નયનના ખભા પર હાથ મૂકી દરવાજા તરફ જતા જતા બોલતા ગયા કે,

"બેટા નયન મહેનત ચાલુ રાખજે તું પ્રોફેસર બનીશ."

 હવે પછીનો તાસ ફ્રિ હતો એટલે, મોટા ભાગના મિત્રો વરસાદનો આનન્દ માણવા માટે રિવરફ્રન્ટ પર જવાના મૂડમાં હતા. બીજી બાજુ નયનને કલાપીના કાશ્મીરના પ્રવાસના બે જ પ્રકરણ વાંચવાના બાકી હતા એટલે એ, વર્ગમાં જ બેસી રહ્યો. આ જોઈને વર્ગના મોટા ભાગના મિત્રોને મનમાં થયું કે,

"નયનને તો દેખાતું નથી એટલે, કોઈ એનો હાથ નહીં પકડે આથી એ રિવરફ્રન્ટ નહીં જ આવે. જો કે, નેન્સી આ માન્યતામાંથી બહાર આવી ગઈ હતી. કારણ, એણે હજી બે દિવસ પહેલા જ એકલા નયનને રિવરફ્રન્ટ પર આનંદ કરતા જોયો હતો. આજે નેન્સીને નયન સાથે સમય વિતાવવાનો વિચાર આવ્યો. આમેય એ નયન સાથે વાત કરવાનું એકાંત શોધી રહી હતી ને, આજે એ ક્ષણ આવી પહોંચી હતી.

 નયન મોબાઈલમાં જ ટોકબેગની મદદથી એકત્ર પ્રેસ બુકના ઓનલાઈન સાહિત્ય વાંચનના પ્લેટફોર્મ પર વાંચી રહ્યો હતો. નેન્સી આ દ્રશ્ય દૂર બેઠી બેઠી જોઈ રહી હતી. નેન્સી કયો સ્પ્રે નાંખીને આવતી હતી એની નયનને જાણ હતી એટલે, એ તરત બોલ્યો,

"જેને બહુ આંખનું અભિમાન છે એ મેડમને વરસાદી વાતાવરણ જોવાની ઝંખનાઓ મરી પરવડી કે શુંં ?"

નયનના આ શબ્દો નેન્સીના હૃદયની આરપાર નીકળી ગયા. નયન એ પણ જાણી ગયો હતો કે,

"નેન્સી દિલ ફાડીને મને પ્રેમ કરે છે પણ, નયન નેન્સીને એનો ભૂતકાળ ફરી યાદ કરાવવા માગતો હતો. એને ખબર છે કે, નેન્સી રડી રહી છે છતાં એ બોલ્યો,

"અમને તો દેખાય નહીં એટલે અમે બેસી રહીએ પણ, મેડમ આપ તો સરસ આંખો લઈને ફરો છો, કોઈ તમારા જોગ હીરો નથી કે જે, તમને રિવરફ્રન્ટ પર, વરસાદી મોસમ માણવા લઈ જાય ?"

હવે નેન્સીથી રહેવાયું નહી. એણે રડતા રડતા નયનનાં ખભા પર માથું મૂકી દીધું અને બોલી ઊઠી,

"એય નયન, શું બંધ આંખે પ્રેમ ન થઈ શકે ?"

આ સાંભળી નયન પણ, રડી પડ્યો અને બોલ્યો,

"નેન્સી મને નહીં તું આ સવાલ તારી જાતને જ પૂછને ?"

નયનના આ શબ્દો પછી નેન્સી નયનને વળગી પડી અને બોલી,

"એય નયન તું મને માફ નહીં કરે ?"

નયન,

"ઓય પાગલ મારી સામે જોતો ? હું તને જોઈ શકું છું. તું મને જોઈ શકે છો ?"

નેન્સી,

"ના હું તને નથી જોઈ શકતી."

નયન,

"હેં ? સાચું ?"

નેન્સી હળવા હાસ્ય સાથે,

"નય."

નેન્સી વારે વારે ના કહી રહી છે એટલે, નયને, નેન્સીની આંખ આડે હાથ રાખી દીધા પછી પૂછ્યું,

"હવે ?"

આ જોઈ નેન્સી ખડખડાટ હસી પડી અને બોલી,

"હા હવે મને તું દેખા છો."

આ સાંભળી નયન નેન્સીના ગાલ પર હાથ ફેરવતા બોલ્યો,

"વાયડી અત્યારથી જ આટલીબધી વાયડાય કરવાની ? તું તો મારા જેવા અંધને હેરાન કરી નાંખવાની હો ?"

આ સાંભળી નેન્સી લાગણીવર્ષ થઈ ગઈ અને ફરી ખભા પર માથું મૂકીને બોલી,

"નયન આ નેન્સીમાં નયન ધબકે છે. તું અંધ નથી હું તારી આંખ છું."


Rate this content
Log in

More gujarati story from કવિ વાળા મનહર. ભાવનગર ગુજરાત

Similar gujarati story from Romance