અનિરુદ્ધ ઠકકર "આગંતુક"

Romance Tragedy

5.0  

અનિરુદ્ધ ઠકકર "આગંતુક"

Romance Tragedy

અદ્વિતા

અદ્વિતા

9 mins
643


હું લગભગ અભાન જેવી અવસ્થામાં ટ્રેનના પગથિયાં ચડીને ડબ્બામાં બેઠો. એક તીણી વ્હિસલ વગાડતી ટ્રેન ઉપડી. મારા આખા શરીરમાં અસહ્ય લ્હાય ઉપડી હતી. શરીર જાણે તૂટી રહ્યું હતું. આંખો પરના પોપચાં ગરમ-ગરમ લ્હાય વરસાવી રહ્યાં હતા. તેથી જ કદાચ મારી આંખો સાવ શુષ્ક બની બેઠી હતી. હું મારી સીટને ટેકો દઈને સુનમુન બેઠો. 

મેં આસપાસ નજર ફેરવી. મેં જોયું કે ટ્રેનમાં સારી એવી ગિરદી હતી, ખભે ગમછો લબડાવીને ઊભેલો મજૂર જેવો લાગતો માણસ વારે ઘડીએ તેના ચહેરા પર આવેલો પરસેવો લૂછી રહ્યો હતો. તેની બાજુમાં સેલ્સમેન જેવો દેખાતો એક માણસ ઉભો હતો. જે કદાચ થોડી-થોડી વારે મને ધારી-ધારીને જોઈ રહ્યો હતો. મારી બાજુની જ સીટ પર બેસેલ દંપતી નાસ્તાનો ડબ્બો ખોલીને તેમાંથી કંઇક ખાઈ રહ્યુ હતું. સામેની સીટ પર એક પુરુષ તેની પત્ની અને બે દીકરીઓ સાથે બેઠો હતો, તેની પત્નીના ખોળામાં એક ધાવણ ધાવતું બાળક પણ હતું, એ કદાચ પુત્રસંતાન હતું. તેઓ બંને તેને લાડ લડાવી રહ્યા હતા. 

ટ્રેનમાં રહેલી ભીડને લીધે કેટલાંક લોકો નીચે પણ બેઠા હતા. વારેઘડીએ આવી જતાં ફેરિયાનો અવાજ, ટ્રેન દોડવાનો અવાજ, પેલી બે નાની છોકરીઓની વાતચીતનો અવાજ અને થોડી-થોડી વારે રડી ઉઠતાં પેલા ધાવણા બાળકનો અવાજ...આ તમામ અવાજો મારા કર્ણપટલ પર અથડાયા કરતા હતા.

આમ જોઈયે તો સમગ્ર દ્રશ્ય સ્વાભાવિક હતું. દરેક ટ્રેનનાં સાધારણ કોચના દરેક મુસાફરને જેવા અનુભવાય તેવા દ્રશ્યો વચ્ચે જ હું બેઠો હતો. પણ.. તેમ છતાંયે મને બધું અજીબ લાગી રહ્યું હતું. અન્યોને અનુભવાય તેના કરતાં મને બધું અલગ જ અનુભવાતું હતું. મારી આંખોમાં અનુભવાઈ રહેલી શુષ્કતાને કારણે અને આંખ પર ઉતરી આવેલ અંધકારને લીધે મને તમામ દ્રશ્યો રંગહીન લાગી રહ્યા હતાં. મેં ટ્રેનની બારીની બહાર પુરઝડપથી દોડતા દ્રશ્યો તરફ નજર કરી. ત્યાં પણ જાણે કાળાં રંગના વૃક્ષો અને ખેતરો ટ્રેનની વિરુદ્ધ દિશામાં દોડી રહ્યા હતા. 

હા, મને બધું સાવ જ શ્યામરંગી આભાસિત થઈ રહ્યું હતું. મેં મારી આંખ પટપટાવી. પરિણામ શૂન્ય જ રહ્યું. સર્વત્ર કાળાશ જ. મેં ટ્રેનની અંદર નજર ફેરવી. બાજુના કમ્પાર્ટમેન્ટની સામેની સિંગલ સીટ પર બેસેલો એક માણસ વારંવાર પોતાની ઘડિયાળમાં સમય જોઈ રહ્યો હતો, અને હું હરપળે મૃત્યુ પામી રહેલી મારી ક્ષણોના કબ્રસ્તાનને હૃદયમાં ભંડારીને ભ્રમિત દશામાં ફરી રહ્યો હતો. પેલા મજૂર જેવા લાગતા માણસના ખભે રહેલો ગમછો, ધાવણ ધાવતું પેલું બાળક, મને ધારીધારીને જોઈ રહેલો સેલ્સમેન જેવો માણસ, પેલી બે નાનકડી છોકરીઓ, બાળકને ધવડાવી રહેલ સ્ત્રીના ગાલ તેમ જ અન્ય તમામ મુસાફરોના માત્ર કપડાં જ નહીં પણ ચામડીનો રંગ પણ કાળા અને ધોળા રંગમાં ફેરવાઈ ગયો હતો. 

હવે મેં કંપાર્ટમેન્ટને જોવાનું શરૂ કર્યું, ટ્રેનની સીટો, પંખા, લાઈટ તેમ જ ટ્રેનનો અન્ય તમામ હિસ્સો પણ શ્વેત-શ્યામ રંગમાં જ ફેરવાઈ ગયો હતો. અન્ય કોઈ રંગો જ નહીં, બધુ જ શ્વેતશ્યામ ! અન્ય કોઈ રંગોનું અસ્તિત્વ જ ના હોય તો શ્વેત અને શ્યામ માટે રંગ શબ્દનું પ્રયોજન થઈ શકે? કરી શકાય..? જો રંગો જ ના હોત તો રંગ શબ્દ હોત પણ ખરો..? હું જાણે સવાલોથી ઘેરાઈ ગયો. અને આંખોમાં આવી ઉતરેલો અંધકાર મારા હવે મન પર આવરણ જમાવવા લાગ્યો હતો. 

મને થયું, 'મારી આંખો જાણે બ્લેક એન્ડ વાઈટ જમાનાના મુવી કેમેરા સમાન બની ગઇ હતી. હવે તે કદાચ રંગોને મારા દ્રષ્ટિપટલ પર ઝીલી જ નહોતી શકતી.

જોકે ધરા પરનાં તમામ તત્વો સાવ જ શ્વેતશ્યામ ન હોય શકે એવી દલીલ હજી મારું મન કરી કર્યું હતું. તેનો મતલબ જ એ હતો કે મારા મનના ઊંડાણમાં હજુ કોઈક રંગો જીવી રહ્યા હતા. મેં ખૂબ જોરપૂર્વક દરેક દ્રશ્યમાં રંગ શોધી કાઢવા પ્રયત્ન કર્યો, પણ મારી આંખો મને સહકાર આપી ન્હોતી રહી. ઉલ્ટાના આ જોરના લીધે વિપરીત અસર થવાથી મારી આંખોના પોપચાં પર વધુ ગરમાવો છવાઈ જવા લાગ્યો. એમ થવાથી હું આંખ બંધ કરી ગયો, સમગ્ર દ્રશ્ય પર જાણે કાળો પડદો ઢંકાઈ ગયો, સમય થંભી રહ્યો. એમ પણ...સમયને થંભાવવા માટે હું મારી આંખો મીચી જતો. મને ઘણી વખત થઈ જતું કે હું જીવિત રહીને સમય પર જાણે અહેસાન કરી રહ્યો છું. હાસ્તો.. મારી ચેતન અવસ્થા પર તો જ આ ક્ષણોને, આ સમયને રાજ કરવા મળતું હતું ને ?

થોડીકવાર બાદ કંઈક અવાજ થતા મેં આંખ ખોલી પણ એમ કરતાં તરત જ પેલી રંગહીન દ્રશ્યશ્રેણી શરૂ થઈ ગઈ. હું ફરી વખત આંખો બંધ કરી ગયો.

"ઓ ભાઈ...તમારો કોઈ કાગળ પડી ગયો, જુઓ...!"મારી બાજુની સીટ પર બેસેલ વ્યક્તિએ મને ઢંઢોળતાં કહ્યું. આંખો ખોલીને મેં મારા પગ આગળ જોયું. હા એ મારો જ કોઈક કાગળ હતો. મેં તે ઉઠાવ્યો. તેના પર નજર કરી. તેમાં શ્યામ અક્ષરે કૈક છાપેલું હતું. વધુ જોતાં સમજાયું કે તેમાં શ્યામરંગે મારું નામ પણ લખાયેલું હતું. બે ભાગમાં વળેલું એ કાગળ મેં ખોલ્યું, અંદર કેટલાક શબ્દો છાપેલાં હતા. એ કાગળની ભીતર પણ મારું નામ કાળા અક્ષરે લખાયેલું હતું. મારુ અજ્ઞાત મન એ કાગળના અક્ષરો પર રંગ શોધવા લાગ્યું. દિલના કોઈ ખૂબ ભીતરી હિસ્સાએ અંદરની તરફ મારા ઉપરી દિમાગ પર એટલો જોરથી ધક્કો માર્યો કે મારું મન મારી સુષુપ્ત લાગણીઓને જાગૃત કરવામાં લાગી ગયું.

આ કાગળ...શેનો હતો ? મારી પાસે ક્યારનો હતો ? તેમાં મારુ નામ કેમ હતું ? શા માટે હું આ કાગળ લઈને ફર્યા કરતો હતો ? કાગળના તમામ અક્ષરો કાળાં કેમ હતા ? હું ધ્યાનથી કાગળની અંદર રહેલા અક્ષરોને ઉકેલવા લાગ્યો. એ લખાણમાં રહેલા મોટા અક્ષરે લખેલા બે નામમાંથી એક નામ પર મારી નજર અટકી.  મેં એ નામ વાંચ્યું. 

એ નામ હતું...અદ્વિતા.. અદ્વિતા....હા...અદ્વિતા... 

આ નામથી મારા રોમરોમમાં અજીબ સંચાર થવા લાગ્યો. ભીતરમાં જાણે ઝંઝાવાત ઉઠવા લાગ્યો. ભીતરની તમામ લાગણીઓ જાગી ઉઠી. લાગણીઓના વર્ણવી ના શકાય એવા ઉફાનને લીધે મારું મન અંદરની તરફથી મને ઝંઝોળવા લાગ્યું, ભીતરમાં કથ્ય-અકથ્ય સંવેદનાઓ જાગવા લાગી. દિલમાં મચેલા એ તોફાનને લીધે મારી સ્મૃતિઓ મનઃસ્પટ પર આવીને તરવા લાગી. મને બધું યાદ આવવા લાગ્યું.

હા, મને યાદ આવવા લાગ્યું હતું !  આ કાગળ મારી પાસે ઘણાં દિવસોથી હતો. અદ્વિતાએ તેના હાથે જ મને આ કાગળ આપ્યો હતો. ના...ના..આ કોઈ કાગળ નહોતો, આ કંકોત્રી હતી. અદ્વિતાના લગ્નની કંકોત્રી... હા...અદ્વિતાના લગ્નની કંકોત્રી હતી આ. મારી અદ્વિતાના લગ્નની ! મને પ્રાણથી પણ પ્રિય એવી અદ્વિતાના લગ્નની કંકોત્રી હતી આ.

અચાનક આવી ઉઠેલી સ્મૃતિઓને મારા દિલને વલોવી નાખ્યું. દિલની ઉદાસ લાગણીઓના વલોવવાથી આંખોમાં આંસુ જન્મ્યા. એ આંસુઓ કંકોત્રી પર લખેલા મારા નામ પર પડ્યા. નિમંત્રણમાં શ્રી પાસે લખેલું મારું નામ ધોવાતું રહ્યું, તેના થકી નીકળેલ કાળા રંગનો રેલો વહેતો-વહેતો કંકોત્રી પરથી નીચે જઈ રહ્યો. મેં આંખ બંધ કરી, યાદોને તાજી કરવાનું શરૂ કર્યું.

અદ્વિતા બોલી હતી, "મને માફ કરજે.. સ્વરાંશ ! હું મારા માતા-પિતાને આપણાં પ્રેમલગ્ન માટે મનાવી ન શકી, ને તેમની મરજી વિરુદ્ધ લગ્ન કરવા મારું મન મને સહાય નથી કરી રહ્યું. આમ કરવાથી હું દુઃખી જ રહીશ. અને હું જ દુઃખી હોઈશ તો તને ક્યાંથી સુખી કરી શકીશ ? માટે મને ભૂલી જજે અને મને માફ કરજે...સ્વરાંશ." 

પછી જરા અટકીને બોલી, "હું તને ચાહું છું અને મનોમન ચાહતી જ રહીશ, પણ આ ભવમાં આપણું મિલન શક્ય નથી. માતાપિતાની જીદ આગળ મારે નમવું જ પડ્યું, સ્વરાંશ... તું કોઈ ગેરસમજ ના કરતો. અને હા, તું મને નફરત ન કરતો.. સ્વરાંશ, હું જ્યાં પણ હોઈશ તારા માટે દુઆઓ કરીશ. તું મારા આત્માનો આધાર હતો અને રહીશ. એટલું સમજજે સ્વરાંશ કે આપણાં બંનેના હિસ્સામાં મિલનની નહિ પણ વિરહની લાગણીઓ જીવવાનું લખાયું છે, આવનાર વિરહની એ લાગણીને હૃદયનાં કોઈ ઊંડાણમાં દબાવી દઈને હું આગળ વધી જઈશ અને હું ઈચ્છું સ્વરાંશ...કે તું પણ કોઈનાં સ્નેહ અને પ્રેમની લાગણીનો અધિકારી બનજે. કોઈકના કોમળ હાથોની મહેંદીમાં તારું નામ લખાવડાવજે, કોઈનાં કાળા ઘનઘોર કેશમાં તારા હાથો વડે વેણી સજાવજે." અને પછી ગળામાં ભરાઈ ગયેલા ડુમાને પોતાના ઉચ્છશ્વાસ થકી દબાવતાં બોલી, "ને હા...મારે કહેવું ના જોઈએ પણ છતાંય એક અંતિમ ગુનો કરતાં કહું છું કે મારા નવજીવનના માર્ગ પર મારા ભવિષ્યના સુખ માટે શુભેચ્છાઓ આપવા તું જરૂર આવજે..!"બાદમાં...આંખોમાં આવતા આંસુઓને વહાવતી અદ્વિતા આ કંકોત્રી મને આપતી ગઈ હતી.

હવે મારા મનોજગતમાં તમામ ઘટનાક્રમ બરોબર ગોઠવાઈ રહ્યો હતો. અદ્વિતા ગઈ એ પછી ઘણાં સમય સુધી હું આઘાતમાં ત્યાં જ બેસી રહ્યો હતો. તેના જવાથી જ જાણે જીવનના તમામ ધ્યેય ચાલી ગયા હતા. હું ભેંકાર એકલતામાં સરી પડ્યો હતો. સમગ્ર સમાજજીવનથી વિખૂટો પડી ગયેલો હું એકલો-એકલો યંત્રવત રીતે યાત્રા કર્યા કરતો હતો. જ્યાં જે મળ્યું ખાઈ લીધું, જ્યાં સ્થળ મળ્યું સુઈ લીધું. 

હું શરીરને કોઈ અજીબ પરિભ્રમણ અવસ્થામાં લઈ ગયો હતો. જ્યાં મારી સાથે કોઈ જ નહોતું રહ્યું, હું પણ નહીં ! પણ આ પરિભ્રમણમાં એક ઘટના નિયમિત બની રહી હતી.  એ હતી અદ્વિતાના ગામેથી પસાર થતી ટ્રેનમાં સતત મુસાફરી કરવી. હું અહીંથી જ ટ્રેનમાં ચડતો, કલાકોના કલાકો ટ્રેનમાં વિતાવતો અને ફરીફરીને આ જ સ્ટેશન પર આવી જતો, અને વળી ફરી યાત્રા કરતો. મારા અર્ધજાગૃત મનની કલ્પનાતીત નિયમિતતા કહો કે પછી મારા દિલની કોઈ અપૂર્ણ તડપનો આદેશ કહો, મારું મન હંમેશા મને એ સ્ટેશન પર પહોંચાડતું હતું. અત્યારે પણ કદાચ હું અદ્વિતાના શહેર તરફ જતી ટ્રેનમાં જ બેઠો હતો. ટ્રેન પુરઝડપથી દોડી રહી હતી. પેલો સેલ્સમેન જેવો લાગતો માણસ હજી મને જ જોઈ રહ્યો હોય એવું મને લાગ્યું. મારી સાથે નજર મળતા તેણે પોતાની નજર ફેરવી લીધી.

મારી બાજુમાં બેઠેલ ભાઈના ફોનમાં રિંગ વાગી, તેમણે ફોન ઉપાડીને વાત કરવી શરૂ કરી.  તેઓ કોઈકને કહી રહ્યા હતા, "હા...હા..અમે સમયસર લગ્નમાં પહોંચી જઈશું...!" આ લગ્ન શબ્દ સાંભળીને મારુ મન ફરી વીક્ષિપ્ત થયું. મેં પેલી કંકોત્રી જોઈ, સેકડોવાર મેં આ કંકોત્રી જોઈ હતી. તેમાં રહેલા અદ્વિતાના નામ પર લાખો વખત મેં મારા હાથની આંગળીઓ ફેરવી હતી. અને મને કંઈક યાદ આવ્યું.  હા...જયારે મને આ કંકોત્રી આપવામાં આવી ત્યારે તે રંગીન હતી. તેમાં રહેલ ભગવાન પણ કોઈક રંગના હતા, અરે એટલું જ નહીં પણ કંકોત્રીના તમામ શબ્દો કોઈ અલગ રંગના હતા. તો હવે એ કંકોત્રીના કાળી કેમ લાગી રહી હતી ? તેમાં રહેલ રંગ ક્યાં જતા રહ્યા હતા ? મેં મારું માથું ધુણાવ્યું. મારા હાલના વિચારો અને જૂની યાદો વચ્ચેના તુમુલ યુદ્ધનું પરિણામસ્વરૂપ મને એક સત્ય મળી આવ્યું હતું. 

હા સત્ય... અદ્વિતા મને આ કંકોત્રી આપીને ગઈ તેની થોડીક જ પળોમાં મારા દિલમાં ઉઠેલાં ભયાનક આત્મિક આઘાતના લીધે મને રંગો દેખાતા, અનુભવાતા બંધ થઈ ગયા હતા, હા..,એમ જ થયું હતું. આ કંકોત્રીમાં રહેલ રંગોનો જ મારી દ્રષ્ટિએ સૌ પ્રથમ ત્યાગ કર્યો હતો, બાદમાં ખૂબ ઝડપથી સંસારના અન્ય તમામ તત્વોમાં રંગોની અનુભૂતિ કરવાનું હું ગુમાવી ચુક્યો હતો. મારી આંખો રંગોને જોવાની શક્તિ ગુમાવી ચુકી હતી. અને આ રીતે અદ્વિતા તરફની મારી લાગણીની પરાકાષ્ઠાએ જ મને આ દશામાં લાવીને મૂકી દીધો હતો. અદ્વિતાના અભાવ થકી મારી દુનિયા રંગહીન થઈ ચૂકી હતી.

મેં કંકોત્રી ઉઠાવી, હૃદયથી ચાંપી. ત્યારબાદ ગળી વાળીને તેને મારા ખિસ્સામાં મૂકી. આસપાસ નજર નાખી. ટ્રેનના મુસાફરો, પેલી નાની છોકરીઓ, પેલુ ધાવણું બાલક, મજૂર જેવો લાગતો પેલો માણસ અને ટ્રેનની બહારની તરફ દોડતી દેખાઈ રહેલી તમામ પ્રકૃતિ જેમ હતી એમ જ શ્વેત શ્યામ રંગી લાગી રહી હતી. હવે રંગો વિના જ જીવવાનું છે એવું મારી આંખને જાણે સમજાવી રહ્યો હોઉં એમ મેં આંખો પર પોપચાં ઢાળીને આંખોને અંધકારભર્યું આવરણ આપી દીધું.

એટલામાં કોઈ સ્ટેશન આવ્યું. મુસાફરોનું આવાગમન શરૂ થયું. મારી આખી બર્થ ખાલી થઈ, હું બારી તરફ ખસ્યો.

પેલો મુસાફર કોઈને ફરી વખત ફોનમાં કહી રહ્યો હતો, "હા ભાઈ હા...અમે આવી ગયા સ્ટેશન પર...ટ્રેન સમયસર જ છે, અમે લગ્નમાં પહોંચ્યા જ સમજો...!"

લગ્નની વાત સાંભળીને હૃદયમાં શાંત પડેલી પેલી ટીસ ફરી ઊઠી. મારો હાથ ખિસ્સામાં ગયો. મેં કંકોત્રી કાઢીને અંદર લગ્નની તારીખ જોઈ. ઓહ..ઓહ.. અદ્વિતાનું લગ્ન આજે જ હતું. આજે અદ્વિતાના લગ્નસમયે હું તેના જ શહેરના રેલવેસ્ટેશન પર હતો. કંકોત્રીમાં મેં લગ્ન સમય જોયો. સમય સવારના નવ વાગ્યાનો હતો અને અત્યારે લગભગ બપોરનો કાળો તડકો પડી રહ્યો હતો. ઓહ..મતલબ... મતલબ...અદ્વિતા હવે સંપૂર્ણપણે પરાઈ થઈ ચુકી હતી. હું હવે યુગો સુધી એકલો બની રહેવાનો હતો. ભયંકર નિસાસો નાખીંને મારા શરીરને કંપાર્ટમેન્ટ પર ટેકવતા મેં આંખો મીંચી દીધી.

અંધકાર, વધુ ગાઢ અંધકાર અને તેનાથી પણ વધુ ભયાનક અંધકાર છવાતો રહ્યો. અંધકારના એ આગોશમાં સરી પડેલો હું ધીમે ધીમે તમામ વાસ્તવિક સંપર્કો ખોઈ રહ્યો હતો. થોડીકવાર બાદ હું આંખ ખોલવા મથી રહ્યો, પણ આ શું ? મારી આંખ ખુલી નહોતી રહી, અસહ્ય ગૂંગળામણથી મેં બૂમ પાડવા પ્રયત્ન કર્યો, પણ મારી સ્વરપેટીમાંથી અવાજ જ ના નીકળ્યો, હું હાથ ઉંચકીને કંઇક ઢંઢોળવા ગયો, પણ હાથ ઉઠવવાની શક્તિ પણ મારામાં નહોતી રહી. લાચાર બનીને મેં અવાજો સાંભળવા પ્રયત્ન કર્યો. ક્યાંયથી કોઈ જ અવાજ નહિ. બધાં અવાજો, બધા દ્રશ્યો ગાયબ હતાં. હું જ્યાં હતો ત્યાં કોઈ હતું કે નહોતું ? હું હવે ક્યાં હતો ? રંગોની સાથે જાણે અવાજો પણ ચાલી ગયાં હતાં.

વેદનાના છેલ્લા આત્મિક આઘાતે જાણે તેનો અંતિમ ફટકો મારી દીધો હતો. હું તમામ ઇન્દ્રિયો ગુમાવી ચુક્યો હતો. તેમ છતાંયે જાણે ભીતર કંઈક જીવતું હતું, હા... ઇન્દ્રિયોના મૃત્યુ બાદ પણ કંઈક એવું હોય છે જે તમારી સાથે અનંતની યાત્રાએ નીકળે પડે છે, એ હોય છે કેટલીક અધૂરી લાગણીઓ અને અધૂરા સપનાઓ! હા, એ અધૂરી લાગણી મારા આત્મા પર સવાર થઈને મારી સાથે નીકળી પડી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Romance