ખારાશ
ખારાશ
એક સરિતા તમામ બંધનો તોડીને પહાડો પરથી નીકળી, તમામ બંધનો અવરોધતી તે દરિયા તરફ ધસમસતી રહી. ત્યારે રસ્તામાં એવો પ્રદેશ આવ્યો જ્યાંના ધર્મઝનૂની લોકોએ જાતજાતનાં વાડા ઊભા કરી મુક્યા હતા. સરિતાએ ઘણું બળ વાપર્યું, પણ ત્યાંના લોકોના અવરોધ સામે હારી ગયેલી સરિતા આખરે અંતસ્થ થઈ ગઈ.
તો વળી... કોઈ બીજા છેડે તેની રાહ જોઈ રહેલા દરિયાની આંખો વિરહના આંસુઓથી ઉભરાઈ રહી. કોઈકે ઉપરોક્ત કથા કહી તો મને વિશ્વાસ ના આવ્યો, હું જાતે દરિયા પાસે ગયો, દરિયો મૌન હતો. મેં તેના આંસુ ચાખ્યા, તે આંસુને સાચે જ ખારાં જણાયાં.
હું ભારે હૈયે પરત ફર્યો. હું દરિયાને કેમ સમજાવું કે માત્ર એક જ સરિતા થોડી અંતસ્થ થઈ હતી ? આ સંસારમાં ધર્મ, સમાજ અને આર્થિક બાબતોના નામે સેકડો સરિતાઓ અંતસ્થ થાય છે. અંતસ્થ થયેલી એક સરિતાના વિરહે મારા આંસુઓમાં પણ ખારાશ લાવી મૂકી છે.