ડાઘ
ડાઘ
ધોળી ધફ્ફ ચાદર પર મૃણાલના લાલ ચટ્ટક મહેંદી રંગ્યા હાથ ફરી રહ્યાં હતાં. પલંગની બંને કોર થોડી લહેરાવા દીધેલી એ ચાદરની સળને ઠીક કરતાં કરતાં એ કૈક ગણગણી રહી હતી. અચાનક એની નજર એક બાજુ પડેલાં ધાબા પર ગઈ. હજી રાતે તો સાવ સાફ હતી આ ચાદર… કુતૂહલવશ એણે ત્યાં હાથ અડાડ્યો. બીજી જ ક્ષણે ધાબું સફેદ ચાદરમાં ઓગળી ગયું. મૃણાલે આખી ચાદર ફંફોસી નાખી. જક્કી ધાબું ક્યારેક દેખાતું ને એ અડવા જતી ત્યાં તો સફેદીમાં ગરકાવ ! મૃણાલના હાથ એ ધાબું પકડવા આખી ય ચાદરને વેરવિખેર કરી રહ્યાં. આખરે ડાબી બાજુ સાવ કોરે પગ પાસે આવીને એ અટક્યું. મૃણાલે ચપળતાથી એ હિસ્સો પકડી લીધો. મોંધી જણસ માફક એ એને પસવારવા લાગી. મૃણાલના હાથનો સ્પર્શ થતાં જ એ ધાબું ધીરે ધીરે વિસ્તરતું ગયું. હાથમાં પકડી રાખેલા હિસ્સાની બહાર નીકળીને આખીય સફેદ ચાદરને આવરી લેતું એ મૃણાલના હાથ સુધી ફેલાઈ ગયું. મહેંદીની ડીઝાઇન ભૂંસાતી ગઈ ને મૃણાલના હાથ ઘેરા લાલ રંગથી રંગાઈ ગયા. આઘાતના માર્યા મૃણાલના હાથમાંથી ચાદર નીચે પડી ગઈ અને….
સતત વાગતાં એલાર્મના અવાજથી મૃણાલ ઝબકીને જાગી. ફરી એ જ સ્વપ્ન. છેલ્લાં કેટલાંય વર્ષોથી રોજ આવી રીતે જ મૃણાલની ઊંઘ ઊડતી. સફાળી ઊભી થઈને એણે પલંગ પર નજર કરી. આછા ગુલાબી રંગની ઝીણી ભાતની ચાદર પર એક પણ ડાઘ નજરે નહોતો પડતો. બાજુમાં પડેલા ટેબલ પરથી એલાર્મ લઈને એણે એ બંધ કર્યો. પલંગ પરથી ચાદર કાઢી, ઝાપટી ફરી એક વાર સફાઈથી પાથરી. ટેબલ સાફ કર્યું. પગમાં સ્લીપર પહેરીને એ બહાર નીકળી. કિચનના ચકચકિત પ્લેટફોર્મ પરથી ગેસને બાજુ પર કરી સાબુથી આખું પ્લેટફોર્મ એણે ફરી વાર સાફ કર્યું. તપેલીમાં ચા મૂકી દૂધ લેવા ફ્રીઝ ખોલ્યું ત્યાં બોટલ રાખવાનું ખાનું નજરે ચડ્યું. ફ્રીઝની બધી વસ્તુઓ બહાર કાઢી ગઈકાલે જ સાફ કરેલું ફ્રીઝ ફરી એક વાર સાફ કર્યું. ફ્રીઝ બંધ કરી એ ઘડી વાર એને અઢેલીને ઊભી રહી. ચાની બળી ગયેલી ભૂકીની ગંધ એના નાકમાં પેસી ગઈ. જલ્દીથી એણે ગેસ બંધ કર્યો. ત્યાં જ ઊભા રહી એણે બીજી તપેલીમાં ચા બનાવી. ટ્રેમાં થોડા બિસ્કીટ, ચા અને ટી કોસ્ટર ગોઠવી એ સોફા પર બેઠી. ટિપોઈ પર ટી કોસ્ટર રાખી એના પર ચાનો કપ રાખ્યો. બાજુના નાના ટેબલ પર પડેલું ગઈ કાલનું છાપું ઉઠાવતાં જ એની નજર સાવ ખૂણે ગઈ. કિચનમાંથી ભીનું કપડું લાવીને એણે આખું ટેબલ સાફ કર્યું. ઠરી ગયેલી ચા પીવાનું મન ન થયું એને. કપ ઉઠાવીને પ્લેટફોર્મ પર રાખ્યો. ટિપોઈ સાફ કરી એ અંદર નહાવા ગઈ.
એ નાહીને બહાર આવી ત્યાં જ દરવાજે બહારથી ચાવી ભરાવવાનો અવાજ આવ્યો. એણે સાડીનો છેડો નાખતાં ઘડિયાળમાં જોયું. પાટલી અધૂરી છોડીને એ કોર્નર પર પડેલું સ્ટૂલ લાવી ઉપર ચડી. ઘડિયાળનો કાચ કપડાંથી બરાબર લૂછયો. નીચે ઊતરી સ્ટૂલ બાજુ પર મૂકી એ બહાર આવી.
જોયું તો રમા દરવાજે પીઠ ફેરવીને ઊભી હતી.
“અરે, આ ડોર કેમ ખૂલ્લું રાખ્યું ? કોઈ આવતાં જતાં જુએ તો કેવું લાગે ? હજી સાફસફાઈ પણ નથી થઈ. “ મૃણાલ દોડતી આવી.
“ત્યાં શું જુએ છે ક્યારની ? કહું છું અંદર આવ ને દરવાજો બંધ કર.” મૃણાલે રમાને અંદર ખેંચી. બહાર સહેજ ડોકું કાઢી કોઈ જોતું નથી એની ખાતરી કરીને દરવાજો બંધ કર્યો.
“અરે બૂન, તમારું ઘર એકદમ ટીપટોપ જ સે. ને અત્તારે ત્યાં હામે જોરદારની જામી સે તે કોણ તમારા ઘર મહી નજર કરવાનું ? ઘડીક ખૂલ્લું રાખો ને..” કહેતાં રમાએ દરવાજો ખોલી ય નાખ્યો.
“તું જલ્દી કામે વળગ. હજી આખું ઘર સાફ કરવાનું બાકી છે.” મૃણાલ સાડીનો છેડો સરખો નાખતાં દરવાજો બંધ કરવા ગઈ.
“વહેમ સે તમારો. હું તો કઈ કઈને થાકી તોય રોજ ઘસી ઘસીને આખું ઘર સાફ કરો જ સો ને. હું કવ સુ કે મને ય ક્યાં એવો ટેમ સે. પણ આ તો હજી કાલે જ પરણીને આવેલી નવી વહુના નામનો કંકાસ સે, એવા ખબર મળ્યા એટલે થયું જાણું તો ખરા.”
મૃણાલના હાથ દરવાજે જ અટકી ગયા. યાદોની ભરતી ઓટમાં અટવાતી એ બેધ્યાનપણે દરવાજા બહાર નીકળી . કાયમ ખભે બંધાઈને રહેતો પાલવ આજે છૂટથી લહેરાઈ રહ્યો હતો. મૃણાલનું મન પણ ક્યાં એના કહ્યામાં હતું ? સમયને રોકી રાખીને એ તો છેક પંદર વર્ષ પહેલાંની તાળામાં બંધ ઘટનાને ઉઘાડીને સામે લાવી રહ્યું હતું.
પ્રેમાળ પતિના સાંનિધ્યમાં નખશિખ ભીંજાયા બાદની નવી જ ઉઘડતી સવાર હતી એ. આંખોમાંથી ડોકાતો મીઠો ઉજાગરો છૂપાવતી મૃણાલ રૂમની બહાર નીકળતી જ હતી ત્યાં એના સાસુ અંદર ધ
સી આવેલા. પાછળ પાછળ સુબોધ પણ. મૃણાલ તો શરમની મારી એક ખૂણામાં ખૂંપી ગયેલી. પલંગ પરની ચોળાયેલ ચાદરને ઘડી ભર તાક્યા પછી સાસુમા બોલ્યા,
“જોયું, હું નહોતી કહેતી ? રૂપ હોય ત્યાં કલંક હોવાનું જ ! આવડું રૂપ અબોટાયા વિના રહે જ નહીં ને ? બોલાવ એના બાપને. આજે જ ફેંસલો થઈ જાય.”મૃણાલે પ્રશ્નાર્થ નજરે સુબોધ સામું જોયું, પણ એ તો તિરસ્કારથી મોઢું ફેરવી ગયા ! શું કર્યું છે મેં? મૃણાલના મનની અવઢવ બહાર આવી જ ગઈ.
“માજી, કોઈ ભૂલ થઈ મારાથી ? મને કહોને. બાપુને શું કામ…”
“ભૂલ તો અમારી કે તને પરણીને લાવ્યા. શરમાતી નથી પૂછતાં?” મૃણાલને હજી ય સમજ નહોતી પડતી. એનો ચહેરો જોઈને સાસુમાએ પલંગ પરની ચાદર ખેંચીને એના મોં પર ફેંકી.
“જો આ કોરી કટ્ટ એકેય ડાઘ વિનાની ચાદર. તારા હલકટ ચરિતની સાબિતી. ખબર નહિ કોનું એંઠું અમને પધરાવી દીધું છે ! સુબોધ…”
મોં પર ફેંકેલા આક્ષેપના ભારથી મૃણાલ કોકડું વળીને બેસી ગઈ. ગઈ રાતની એક એક ક્ષણ એના આખા અસ્તિત્વને હચમચાવતી રહી. શરીરના અણુ અણુમાં વ્યાપેલો સુબોધનો સ્પર્શ ડંખવા લાગ્યો એને. ખોટું સહન ન કરી શકતી મૃણાલને આજે ય લડવું હતું બધા સામે. કહેવાતા રિવાજો અને એને જડપણે વળગી રહેલાં આ સમાજ સામે. પણ ઇચ્છવા છતાં એના મોંમાંથી એક હરફ સુદ્ધા ન નીકળ્યો. આંખોની અભેદ દીવાલમાંથી અંદરનો તરફડાટ બહાર છલકાયો જ નહિ. એ તો પ્રાણવાયુ માફક શ્વાસમાં એકરૂપ થઈ ગયો હતો. એ પછી તો બાપુની આજીજીઓ અને એમના અપમાનની ઘટના પણ પસાર થઇ ગઈ ને એ ત્યાં જ બેસી રહી. પોતાના સ્વમાન પર ઊઠેલી અગણિત લોકોની ધ્રુણાસ્પદ નજરોમાંથી એ સાવ નિર્લેપ રહીને ત્યાંથી નીકળી પણ ગઈ. પહેલાં ગામ, પછી બાપુનો અણધાર્યો સાથ.. બધું જ છૂટતું ગયું. રહી ગઈ મૃણાલ અને પેલી સફેદ ચાદર.
અઢળક સુખની ભરતી પછીની ઓટ કેટલો સમય ચાલતી હશે? દિવસો, મહિનાઓ કે પછી વર્ષો ? મૃણાલનું મન પાછું પડવા લાગ્યું. ક્ષણેક એના આગળ વધતાં પગલાં રોકાયા, ઘડી ભર પહેલાં કરેલો નિશ્ચય અતીતની કડવી યાદોની થાપટે ભાંગીને ભૂક્કો થાય એ પહેલાં સામેના ઘેર પહોંચી જવા એણે ઝડપ વધારી.
સામેના ઘરના ખુલ્લા બારણાંમાંથી આવતી તંગ હવાની ચીરપરિચિત ગંધથી મૃણાલ થથરી ઊઠી. મનના વહેમને માંડ શાંત પાડ્યો એણે.
“આ રહી સાબિતી. આ કોરો કટ્ટ ઓછાડ. મારા ઘરમાં ન જોઈએ આ છીનાળ.”
બારણે જ જડાઈ ગઈ મૃણાલ. સમયનું વહેણ પારોઠના પગલાં ભરતું પંદર વર્ષ પાછળ ચાલ્યું ગયું કે શું ?
“વેવાઈ, જરાક તો દયા કરો. માવતર વિનાની છોડીનું જીવતર નરક બની જશે.” આજીજી કરતાં એ આધેડના ચહેરામાં પોતાના બાપુનો જ અણસાર આવ્યો મૃણાલને. આમ જ હાથ જોડ્યા હતાં બાપુએ. કેટલીય આજીજી કરેલી. ને પોતે મૂઢ જેમ બધું જોતી રહેલી. સો ટચના સોના જેવી પોતાની થાપણ પર લાગેલું એ કલંક બાપુથી લાંબુ સહન નહોતું થયું. પોતાના સ્વમાન પર લાગેલો એ ડાઘ કેટલુંય કરવા છતાં મૃણાલના મનમાંથી ય ક્યાં ખસ્યો હતો ? વર્ષોનું ઘવાયેલું મન મૃણાલની જાણ બહાર આજે પોતાના ઘાવ ભરવા ઉતાવાળું થયું હતું.
“વાહ, આશાબેન નવી વહુનું સ્વાગત તો બહુ જોર શોરથી કર્યું ને તમે ?” મૃણાલના અવાજથી સહુ કોઈ ચોંક્યા. પહેલાં તો કોઈ કૈં સમજ્યું જ નહીં, પણ છેવટે આશાબેને જ કહ્યું,
“જુઓ મૃણાલબેન, આ અમારા ઘરનો અંગત મામલો છે. તમને કોઈ હક્ક નથી વચ્ચે બોલવાનો.”
“હક્ક તો તમને પણ નથી કોઈના ચરિત્ર પર સવાલ કરવાનો. જુઓ આશાબેન, આ જુના વાહિયાત રિવાજોને તડકે મૂકીને જરા વ્યવહારુ બનો. વાજતે ગાજતે વહુને લાવ્યા છો તો એનું સન્માન કરતાં પણ શીખો. કોઈ પણ વ્યક્તિનું ચરિત્ર એ એની બહુમૂલ્ય સંપત્તિ છે. એના પર આમ કીચડ ઉછાળશો તો એના છાંટા તમારા પર પણ પડશે જ એ ન ભૂલશો.”
“બસ, બહુ થયું. પૂનમ....”
“એક મિનીટ સુધીર. તમે કોઈ આદેશ આપો એ પહેલાં મારી વાત સાંભળી લો. મારું ચરિત્ર અકબંધ છે કે નહિ એ નક્કી કરવાનો હક્ક ફક્ત મને જ છે. જે ઘરમાં ઓછાડ પરના એક લાલ ડાઘના હોવા કે ન હોવાથી સ્ત્રીના ચરિત્રની માપણી થાય એ ઘરમાં હું ન રહી શકું. ગૂડ બાય.”
મૃણાલ ઘડીભર એ છોકરીને જોઈ રહી. તાજા ખીલેલા એના રૂપમાં એને પોતાનું વર્ષો પહેલાનું પ્રતિબિંબ દેખાયું. સ્વચ્છ, એક પણ ડાઘ વિનાનું. મૃણાલે પૂનમનો હાથ પકડ્યો ને બારણે ઊભેલી ભીડને ચીરતાં એણે પોતાના ઘર તરફ ડગ માંડ્યા.