Shraddha Bhatt

Others

3  

Shraddha Bhatt

Others

વાત એક સપનાંની - ૨

વાત એક સપનાંની - ૨

5 mins
14.6K


પૂર્ણિમાએ આંખો ખોલી આજુબાજુ જોયું. પોતે નાના એવા રૂમમાં બેડ પર સૂતી હતી. પાટો બાંધેલો જમણો હાથ ખૂબ જ પીડા આપતો હતો. એ પોતાનાં બેડમાંથી ઊઠવા ગઈ પણ નર્સે એને ઇશારાથી જ ઊઠવાની ના પાડી.

પૂર્ણિમાને ગોળી વાગી અને એ બેહોશ થઈ ત્યારથી અત્યાર સુધી લગભગ આઠેક કલાકનો સમય વીતી ગયો હતો. જે ટ્રેનમાં પૂર્ણિમા ભાગી એ ટ્રેન રાજસ્થાનના સવાઈ માધોપુર નામના સ્ટેશન પર ઊભી રહી હતી. સમય થયો હતો રાતના સાડા ત્રણ. ફાયરિંગના અવાજથી સ્ટેશનની લોકલ પોલીસ હરકતમાં આવી ગઈ હતી, પણ ત્રણેય ચોર ભાગવામાં સફળ થયા હતા. હાથમાં ગોળી વાગેલી હાલતમાં બેભાન પૂર્ણિમાને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી. પૂર્ણિમા નર્સને કંઈ પૂછે એ પહેલા એ નર્સે કહ્યું, “આપકે હસબન્ડ બહાર હી હૈ. મેં અભી ઉન્હેં અંદર ભેજતી હું.” પૂર્ણિમાને કંઈ સમજાયું નહિ. ત્યાં તો કોઈ અજાણ્યો યુવક અંદર આવ્યો. સાથે ડોક્ટર પણ હતા. 

“મિસિસ ખન્ના, અબ કૈસા લગ રહ હૈ આપકો? ડર ઔર દર્દ કી વજહ સે આપ બેહોશ હો ગયી થી. આપકે હાથમે લગી ગોલી હમને નિકાલ દી હૈ. અબ આપ ઘર જા સકતી હૈ. મૈને આપકે હસબન્ડ સે બાત કર લી હૈ.” ડોકટરે પૂર્ણિમાને એની તબિયત વિષે જણાવ્યું અને બહાર જતા રહ્યા. પૂર્ણિમા થોડા ગુસ્સાથી પેલા અજનબી, કે જેને ડોકટરે એનો હસબન્ડ કહ્યો હતો, સામે જોઈ રહી હતી.

“જુઓ મિસ, મને ખોટો નહિ સમજતા. સ્ટેશન પર શું થયું એ તો તમને ખબર જ છે. તમે જયારે દોડીને ટ્રેનમાંથી બહાર આવ્યા, બરાબર ત્યારે જ હું પણ મારા ડબ્બામાંથી બહાર નીકળ્યો હતો. તમને દોડતા જોયા અને પછી ગોળીનો અવાજ સાંભળ્યો. પેલા ચોરે કરેલા ફાયરીંગમાં તમને ખભામાં ગોળી વાગેલી.  હું તમને કંઈ પૂછું એ પહેલા તો તમે બેહોશ થઈ ગયાં. ગોળી કાઢવા માટે નાના એવા ઓપરેશનની જરૂર હતી. એનાં ફોર્મમાં સાઈન કરવા માટે જ મારે તમારી ઓળખાણ મારી પત્ની તરીકે આપવી પડી.”

પૂર્ણિમા આશ્ચર્યથી એની સામે જોઈ રહી. આ માણસ જો ખરા સમયે એની મદદે ન આવ્યો હોત તો શું થાત એ વિચરતાં જ એને કંપારી છૂટી ગઈ. એ ફક્ત એટલું જ બોલી શકી.  “થેન્ક યુ!”

“અને હા, તમારું નામ મેં પૂર્ણિમા લખાવ્યું છે. ઈન્સ્પેકટરે જયારે પૂરું નામ પૂછ્યું ત્યારે મને આ જ નામ યાદ આવ્યું.” એ યુવકે કહ્યું. ‘વૈસે યે પૂનમ કે ચાંદ કા નામ પૂર્ણિમા હી હોના ચાહિયે!’ એ મનમાં જ બોલ્યો. છેલ્લા દસ કલાકથી એ સતત આ છોકરીની આગળ પાછળ જ હતો. સાવ અજાણી એવી આ છોકરી માટે એ કૈંક અજબ ખેચાણ અનુભવતો હતો. એનું નિર્મળ સ્વચ્છ રૂપ એ હિન્દીભાષી યુવકને પોતાની તરફ ખેચી રહ્યું હતું. પહેલી નજરનાં પ્રેમ વિષે સાંભળ્યું તો ઘણું હતું પણ એનો રોમાંચ એ આજે જ અનુભવી રહ્યો હતો. એ મનોમન ઈશ્વરનો આભાર માનતો હતો કે એને આ છોકરીની મદદ કરવાની તક આપી. પોતાના મામાના દીકરાના લગ્નમાં હાજરી આપવા એ દિલ્હી જઈ રહ્યો હતો. ત્યાં જ એને અહીં રોકાઈ જવું પડ્યું હતું, જેનો એને અફસોસ કરતાં આનંદ વધુ હતો. પોતે પંજાબી હોવા છતાં ગુજરાતમાં રહેવાથી એ સારું ગુજરાતી બોલી શકતો હતો. 

“મારું નામ પૂર્ણિમા જ છે. પણ તમને કઈ રીતે ખબર પડી?” પૂર્ણિમાનાં સવાલથી એની વિચારધારા અટકી. એણે હસીને વાત ટાળી દીધી.

હોસ્પીટલની બાકીની વિધિ પતાવીને બંનેએ દિલ્હી જવાનું નક્કી કર્યું. પૂર્ણિમાએ પોતાના ઘેર વાત કરી લીધી હતી. એનાં મમ્મી પપ્પા પણ વડોદરાથી દિલ્હી આવવા રવાના થઈ ગયાં હતાં. રાજસ્થાનથી દિલ્હી સુધીની એ સફર દરમિયાન બંને એકબીજા વિષે ઘણું જાણી ગયાં. એકબીજાના પરિવારથી લઈને બેસ્ટ ફ્રેન્ડ સુધીની માહિતીની આપલે થઈ ચૂકી હતી. પેલો યુવક જેનું નામ જીમ્મી હતું એ તો પૂર્ણિમાને પોતાનું દિલ દઈ બેઠો હતો. પૂર્ણિમા પણ ધીરે ધીરે જીમ્મી તરફ અજીબ આકર્ષણ અનુભવી રહી હતી.  ઊંચો, ગોરો એવો આ પંજાબી પૂર્ણિમાનાં મનમાં પોતાનું એક સ્થાન બનાવી ચૂક્યો હતો. પૂર્ણિમાએ તો એને પોતાની ફ્રેન્ડનાં લગ્નમાં આવવાનું આમંત્રણ પણ આપી દીધું. જીમ્મી તો જેમ બને એમ વધારે પૂર્ણિમા સાથે જ રહેવા માંગતો હતો. એણે પણ એ સ્વીકારી લીધું. પૂર્ણિમાનાં મમ્મી પપ્પા પણ જીમ્મીનો આભાર માનતા થાકતા નહોતા. એનાં માટે તો એ દેવદૂત સમાન હતો જેણે પૂર્ણિમાની રક્ષા કરી હતી.

“માય ડીઅર ફ્રેન્ડ, યુ આર ઇન લવ.....” પ્રિયંકાએ પૂર્ણિમાને અધવચ્ચે જ ટોકી.

“વોટ? શું બોલે છે તું?” પૂર્ણિમાનાં ગાલ શરમથી લાલ થઈ ગયા હતા.

“છેલ્લી દસ મિનીટથી તારી વાતો સાંભળું છું. ટ્રેનમાં શું બન્યું એ કહેવાને બદલે તું તો ‘જીમ્મી’ને શું ગમે અને શું ના ગમે એની જ વાતો કર્યા કરે છે. માર્ક માય વર્ડ્સ. યુ આર ઇન લવ. ”

“અરે ના. એવું કઈ જ નથી. તું પણ શું?” પૂર્ણિમાનાં દિલમાં કૈંક અલગ વાત હતી અને હોઠ પર કૈંક અલગ.

“હેય, તારું નામ તો બહુ ઢાસું છે ને યાર. મિસિસ પૂર્ણિમા કિરપાલ ખન્ના! ઇમ્પ્રેસિવ!” પ્રિયંકાના હાથમાં રાજસ્થાનની હોસ્પીટલના મેડીકલ ડોક્યુમેન્ટ્સ હતા. પૂર્ણિમા આ નામ સાંભળીને ચોંકી. એણે ઝડપથી પ્રિયંકાના હાથમાંથી એ ડોક્યુમેન્ટ્સ લઇ લીધા. “પણ એનું નામ તો જીમ્મી છે!”

“ક્યા બાત હૈ! મેરી હી બાત હો રહી હૈ દોનો મેં!” જીમ્મી હસતો હસતો અંદર આવ્યો.
“તારું નામ શું છે?” પૂર્ણિમાએ પૂછ્યું.
“આ કેવો સવાલ છે? તને મેં નામ તો કહ્યું જ છે.”
“આઈ મીન સાચું નામ.”
“ઓહ! હું એ કહેવાનું જ ભૂલી ગયો. હલ્લો ગર્લ્સ, આઈ એમ કિરપાલ ગંગારામ ખન્ના.” 

પૂર્ણિમાને વિશ્વાસ જ નહોતો આવતો! સપનામાં વાંચેલું એ નામ, જે એનાં મન મગજ પર કબજો જમાવીને બેઠું હતું, એની સાથે એ અનાયાસ જ જોડાઈ ગઈ હતી! એનું સપનું, જેને એ મૃગજળ માનતી હતી એ હકીકત બનીને એની સામે ઊભું હતું!

“કિરપાલ, મારી સાથે લગ્ન કરીશ?” જાણે પૂર્ણિમાનું અચેતન મન એનાં ચેતન મન પર હાવી થઇ રહ્યું હોય એમ એણે સપનાને સાચું બનાવવાની તૈયારીઓ આરંભી દીધી. એ હવે એક પણ ક્ષણ ગુમાવ્યા વગર પોતાના સપનાને સાચું કરવા માંગતી હતી. કિરપાલ તો આભો જ રહી ગયો. જે વાત એ કરવા આવ્યો હતો એ પૂર્ણિમા કરી રહી હતી! પૂર્ણિમાનું સૌન્દર્ય તો કોઈને પણ ઘાયલ કરવા પૂરતું હતું જ પરંતુ એણે મુશ્કેલ સમયમાં જે હિંમત દેખાડી હતી એનાં પર તો કિરપાલ આફરીન થઈ ગયો હતો. ના પાડવાનો તો સવાલ જ નહોતો! પૂર્ણિમાએ પોતાનાં સપનાની બધી જ વાત કિરપાલને કરી. એને તો માન્યામાં જ નહોતું આવતું કે આવું પણ બની શકે! કિરપાલને પણ હવે જ સમજાયું કે રાતના સાડા ત્રણ વાગે શું કામ એ ઊઠીને ટ્રેનની બહાર આવ્યો? કદાચ ઈશ્વરે જ એને મોકલ્યો હતો જેથી એ પૂર્ણિમાને મળી શકે.

જોડીઓ હંમેશા ઉપરવાળો જ બનાવે છે! આ કહેવત પૂર્ણિમા અને કિરપાલનાં જીવનમાં સાચી પડવા જઈ રહી હતી. એમની જોડી તો ઈશ્વરે બનાવી જ પણ પ્રસંગો ઊભા કરીને બંનેને મેળવી પણ દીધા.

બંનેનાં પરિવારવાળાઓએ પણ જ્યારે પૂર્ણિમાનાં સપનાની વાત સાંભળી ત્યારે એ લોકોએ પણ રાજીખુશીથી આ સંબંધ સ્વીકારી લીધો. સહુથી વધારે ખુશ હતી પૂર્ણિમા. એ ખરેખર પોતાનું જોયેલું સ્વપ્ન સાકાર કરવા જઈ રહી હતી.


Rate this content
Log in