નવો સૂરજ
નવો સૂરજ


-- નવો સૂરજ --
રીક્ષાવાળાને પૈસા ચૂકવી, બેગ લઈ આંગણામાં પ્રવેશતાં નેહાએ ચારોતરફ જોયું. લીલોછમ રહેતો બાગ અત્યારે સુકા રણ જેવો ભાસતો હતો. ભારે હૈયે તે ઘરમાં આવી. દસ વર્ષ! એક દાયકા જેટલા સમયથી આ ઘરથી દૂર રહ્યા છતાં નેહાના માનસપટ પર બધું જ એકદમ તાજું હતું. પહેલીવાર આ ઘરમાં પરણીને આવી ત્યારની ખુશી જ કૈંક અલગ હતી. જાનકીભાભીએ વિધિવત આરતી ઉતારીને પોંખી હતી એને!
મોટાભાઈ-ભાભી, વિવેક અને પોતે. ચારેયનો નાનો સુખી સંસાર હતો.ઘરનો એક-એક ખૂણો એમના હાસ્યથી હર્યોભર્યો રહેતો હતો.જાનકી અને નેહા તો જાણે સગી બહેનો હોય એ રીતે એકબીજા સાથે ભળી ગઈ હતી.પરંતુ, ક્ષણમાત્રમાં એનો પરિવાર વિંખાઈ ગયો હતો. નેહાને યાદ આવી ગઈ એ ગોઝારી ઘટના જેણે એની બધી જ ખુશી છીનવી લીધી હતી.
ઘરમાં નવા મહેમાનના આગમનનાં સમાચાર લઈને નેહા અને વિવેક ડોક્ટર પાસેથી ઘરે જવા નીકળ્યા હતા. નેહાની ખુશી તો સમાતી નહોતી. ઘેર પહોચીને જોયું તો ઉપરના માળે આવેલા રવેશમાં મોટાભાઈ અને ભાભી વચ્ચે કઈંક બોલાચાલી થઈ રહી હતી. નેહા અને વિવેક જલ્દીથી ઘરની અંદર થઈને રવેશમાં પહોચ્યાં.
“આખો દિવસ કામ કરું હું અને જશ ખાટી જાય એ મહારાણી. ખબર નહિ શું જાદુ કર્યો છે નેહાએ તમારી પર કે તમને એનો કોઈ વાંક દેખાતો જ નથી ને!” કયારેય ઉંચા અવાજે નહિ બોલનારા ભાભીનો અવાજ છેક નીચે સુધી સંભળાતો હતો.
“જાનકી, મોં સંભાળીને વાત કર. તું શું બોલે છે એનું ભાન છે તને?” મોટાભાઈનો ગુસ્સો પણ સાતમા આસમાને હતો.
“હા એના વિષે તો કંઈ સાંભળી જ ના શકાય ને! જુઓ, તમારો અને નેહાનો આવો અવૈધ સંબંધ હવે હું નહિ ચલાવી લઉં.”
નેહા તો ત્યાં જ ખોડાઈ ગઈ! જાનકીભાભી આ શું બોલી ગયા? છેલ્લા થોડા દિવસથી ભાભીનાં ઉખડેલા વર્તાવ પાછળનું આ કારણ હતું? મોટાભાઈની સાથેનો એનો આદર અને પૂજ્યભાવ સાથેનો સંબંધ ભાભી આવી રીતે મૂલવશે એ તો નેહાને માન્યમાં જ નહોતું આવતું!
“જાનકીઈઈઈ....” મોટાભાઈ અત્યંત આવેશમાં જાનકીનું મોં બંધ કરવા આગળ વધ્યા. ભયંકર ક્રોધથી એમનું આખું શરીર ધ્રુજતું હતું. રવેશની પાળી પ્રમાણમાં થોડી નીચી હતી. ગુસ્સાના આવેશમાં મોટાભાઈને એનું ભાન ન રહ્યું અને એમના જ ધક્કાથી જાનકી રવેશમાંથી નીચે પટકાઈ. એક તીણી ચીસ અને પછી બધું જ શાંત! થોડી ક્ષણો જાણે સમય પણ થંભી ગયો.
“ભાભીઈઈઈ...” વિવેક બૂમ પાડતો નીચેની તરફ ભાગ્યો. એની પાછળ નેહા અને મોટાભાઈ પણ દોડ્યા,પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું. રસ્તા પર લોહીથી લથબથ જાનકીનો દેહ નિશ્ચેત પડ્યો હતો. ધીરે ધીરે લોકો જમા થવા લાગ્યા હતા. નેહા તો જાણે આ બધું માની જ ન શકતી હોય એમ બહાવરી બનીને જોઈ જ રહી હતી. ત્યાં જ એની પીઠ પર વિવેકનો વહાલસોયો સ્પર્શ થયો અને એ છૂટે મોં એ રડી પડી.
“વિવેક, આ બધું શું થઇ ગયું? તને તો વિશ્વાસ છે ને મારા પર? મારા અને ભાઈ વચ્ચે...”
“જો નેહા, હું કહું છું એ ધ્યાનથી સાંભળજે. હમણાં પોલીસ આવીને બધાનું નિવેદન લેશે.પણ તું જરાય ગભરાતી નહિ. બસ મારી હા માં હા મેળવતી રહેજે. બાકીનું હું સંભાળી લઈશ.” વિવેકે નેહાની આંખોમાં જોઈને પૂછ્યું,“મારા પર ભરોસો છે ને?” નેહાએ ડોકું હલાવીને સંમતિ આપી.
થોડીવારમાં જ પોલીસ આવી. વિવેકના કહ્યા મુજબ બધાની પૂછપરછ થઈ. છેલ્લે ઇન્સ્પેકટર નેહા પાસે આવ્યા. “મિસીસ ઠક્કર, તમારા પતિના કહેવા અનુસાર તમારે તમારા ભાભી જાનકીદેવી સાથે બહુ મોટો ઝઘડો થયો અને ગુસ્સામાં તમે એમને ધક્કો મારીને નીચે પછાડી દીધા. શું આ સાચું છે?”
નેહા શું બોલે? તો આ રીતે વિવેક બધું સંભાળી લેવા માંગતો હતો? પોતાના ભાઈને બચાવવા એણે મારી બલી આપી દીધી!નેહાએ વિવેક સામે જોયું. એક લાચાર ભાઈની આંખો વિવશતાથી એની મદદ માંગી રહી હતી. નેહાએ હસતા મોઢે ગુનો કબુલ કરવાનો નિર્ણય કરી લીધો. એ પછીની કોઈ જ ઘટનાઓ નેહાને સ્પર્શી ન શકી. ગુસ્સામાં પોતાના ભાભીની હત્યા કરવા બદલ ચૌદ વર્ષની સખત કેદની સજા થઈ હતી નેહાને. જેલમાં ગયા પછી એના સારા વર્તનને કારણે છેલ્લા ચાર વર્ષની સજા માફ કરી દેવામાં આવી હતી. આજે જેલમાંથી છૂટતા વેંત એને આ ઘેર જવાનું મન થઈ ગયું. વિવેક તો દગો દઈને બધાં જ સંબંધ છોડીને જતો રહ્યો હતો. બસ, એક વાર આ ઘરને મન ભરીને જોઈ લેવા એ આવી હતી.
બારણે પડેલા ટકોરાથી નેહાની વિચારતંદ્રા તૂટી. ‘મને મળવા કોણ આવ્યું હશે?’ વિચારતાં તેણે દરવાજો ખોલ્યો.સામે એક નાજુક, નમણી નવેક વર્ષની છોકરી ઉભી હતી. આગળ વધીને એ નેહાને પગે લાગી.
“અરે, છોકરીઓએ પગે ના લગાય. એ તો દિલમાં રાજ કરે બેટા.” કહેતી નેહાએ તેને ઉભી કરી.
“અત્યાર સુધી આવી જ રીતે જતન કર્યું છે તારી થાપણનું, હોં!” પાછળથી એક પરિચિત અવાજ સંભળાયો.
“પપ્પા? તમે?” નેહા આશ્ચર્યથી જોઈ રહી.
“બેટા, ગુનેગાર છું તારો. માફી માંગવા જેવું કામ નથી કર્યું મેં. છતાં માંગું છું. તારા પિતાને માફ કરી શકીશ, દીકરા?” આંખમાં આંસુ સાથે નેહાના પિતા બે હાથ જોડી ઉભા હતા.
“પપ્પા, આમ બોલીને મને પાપમાં ન નાખો.” નેહાએ તરત જ એ ધ્રુજતા હાથ પકડી લીધા. “પણ આ છોકરી કોણ છે?” નેહાએ પપ્પાને પગે લાગતાં પૂછ્યું.
“બેટા, એ તારી જ દીકરી છે. વિશ્વા.”
“પરંતુ એ કઈ રીતે શક્ય છે પપ્પા? મારા કુખે તો મૃત બાળક...”
“એ ખોટી વાત હતી દીકરા, મેં જ ડોક્ટર અને નર્સને પૈસા ખવડાવીને એમ કહેવા કહ્યું હતું,”
“શા માટે પપ્પા? મારા જીવનની એકમાત્ર ખુશીની આડે અસત્યની દીવાલ શા માટે ઉભી કરી?”
“વિશ્વાનાં ભવિષ્ય ખાતર બેટા. વિવેકે તારી સાથે કરેલા દગાની સજા તો તું ભોગવતી જ હતી. પણ તારા અંશને મારે એ અંધારી કોટડીમાં ઉછેરવા નહોતો દેવો. એ ખોટું કામ કરવા હું મજબૂર હતો દીકરી. મારી વાત માનવા તું ક્યારેય તૈયાર ન થાત, એટલે જ મારે અસત્યનો સહારો લેવો પડ્યો.”
“પપ્પા, તમને ખબર હતી કે હું નિર્દોષ છું?”
“પાગલ....બાપ છું તારો. તને મારા સિવાય કોણ વધુ સારી રીતે ઓળખી શકે?”
નેહાને થયું એનું અહી આવવું આજે સફળ થઈ ગયું. એ દોડીને વિશ્વાને ભેટી. દૂર ક્ષિતિજમાં માદીકરીના મિલનનો એક નવો જ સૂરજ ઉગી રહ્યો હતો.