અદ્વૈતાનુભૂતિ
અદ્વૈતાનુભૂતિ


“મેં અન્યાય કર્યો છે તારી સાથે. જીવનનાં આટલા વર્ષો તારી સાથે વહેંચ્યા પણ મારું મન ન વહેંચી શક્યો. કોઈના પ્રેમથી ભીંજાયેલું મારું મન તારા અનર્ગળ સ્નેહથી પણ કોરું થઈ શક્યું નથી. જાણું છું, જતી જિંદગીએ આ વાત સાવ અર્થ વગરની છે. પણ, હવે નથી સહેવાતો આ બોજ. મૃત્યુ જયારે નજીક છે ત્યારે બધો જ ભાર હળવો કરી નાખવો છે. આશા રાખું કે...”
“બોલી લીધું? કે હજી કંઈ કહેવું છે?” સુગંધાએ એને અટકાવતાં પૂછ્યું. “હું જાણું છું આ વાત.” એણે ખૂબ ધીમેથી કહ્યું.
મધૂસુદન કંઈ અચંબાથી એને જોઈ રહ્યા. છેલ્લા સ્ટેજના કેન્સર સાથે મોતની રાહ જોઈ રહેલા મધૂસુદન માટે એમની પત્ની સુગંધાનો આ જવાબ ખરેખર જ આશ્ચર્ય પમાડે તેવો હતો. છેલ્લા ઘણા દિવસોથી એ મનોમન પોતાની વાત કહેવા હિંમત એકઠી કરી રહ્યા હતા. જીવનના ત્રીસ વર્ષો સાથે વિતાવ્યા પછી જો તમને ખબર પડે કે જેને તમે તમારો હમરાઝ ગણો છો એ તો સૌથી મોટો ભેદ છુપાવીને બેઠો છે! કોનું હૈયું જાલ્યું રહે પછી? પણ અહીં તો સુગંધા બહુ જ સહજતાથી વર્તતી હતી!
“એમાં આમ શું જુવો છો? પત્ની છું તમારી મધુ. તમને આટલા તો ઓળખી જ શકું ને?” સુગંધા એ હસીને કહ્યું.
“તું ક્યારથી જાણતી હતી આ વાત?”
“લગ્ન મંડપમાં તમે મારો હાથ થામ્યો ત્યારથી. મને એ પળે જ સમજાઈ ગયું હતું કે આ શરીરની અંદરનું મન મારી સાથે નહિ, કોઈ બીજી જ જગ્યાએ છે. મને હતું, ધીરે ધીરે મારા પ્રેમથી તમારા મનને હું પાછું બોલાવી લઈશ. પણ એ શક્ય જ નહોતું.”
“સુગંધા, હું...”
“આજે બોલવા દો મને. તમને ખબર છે મધુ, એક સ્ત્રી શું ઈચ્છે છે એના પ્રિય પાત્ર પાસેથી? ફક્ત ને ફક્ત પ્રેમ... અનર્ગળ, અવિરત અને..અવિભાજ્ય. બસ. પતિ સાથે ગાળેલી નાનામાં નાની ક્ષણમાં પણ પત્ની એવું જ ઈચ્છે કે એ સમય ફક્ત એનો જ, એની એકલીનો જ હોય. શું આ અપેક્ષા વધુ પડતી છે?”
“ના જરાય નહિ. હું તો માનું જ છું કે પ્રેમમાં અપેક્ષા હોવી જ જોઈએ. પણ તે મને ક્યારેય આ વિષે વાત કેમ ન કરી? આટલા વર્ષો અંદર ને અંદર ઘૂંટાતી રહી? અને હું? મારા મનનો પ્રેમ તારાથી સિફતથી છૂપાવી શક્યો એ જ વાતે અત્યાર સુધી પોરસાતો રહ્યો!”
“કઈ રીતે વાત કરું હું તમને? આપણી વચ્ચે ક્યારેય એવી વાત થઈ છે ખરા? એક એવો સંવાદ જેમાં હું તમારા મન સુધી પહોંચી શકી હોઉં? તમારા મનના દ્વાર તો તમે સજ્જડ બંધ કરી રાખ્યા હતા. તમારું મન એ તમારા માટે એક એવો પ્રદેશ હતો જેમાં તમારા સિવાય બીજા કોઈને પ્રવેશવાની અનુમતી નહોતી. ખરું ને?” સુગંધાનો અવાજ પીડાથી તરડાગઈ ગયો હતો. એ જાણતી હતી કે આ સમય આવી વાતોનો નથી, પણ વર્ષોનો ખાલીપો આજે બહાર ઠલવાઈ જવા આતૂર હતો. આંખમાં આંસુ સાથે એ પથારીમાં પડેલા પોતાના પતિને જોઈ રહી. અનહદ પ્રેમ કરતી હતી એ મધૂસુદનને. પોતાના પતિના મનમાં કોઈ બીજી સ્ત્રી સતત હાજર હોય છે; એ જાણવા છતાં એ ખૂબ ચાહતી એને. મધૂસુદને પણ આજ સુધી ક્યારેય એને ઓછું આવવા દીધું નહોતું. એક પતિ તરીકેની બધી જ ફરજો પુરા દિલથી નિભાવી હતી એણે. પણ, એ પતિ પ્રેમીના થઈ શક્યો એનું દુઃખ હતું સુગંધાને.
“સુગંધા, કહેવાય છે કે સ્ત્રીના મનનો તાગ પામવો ઘણો અઘરો છે. ખૂબ ઊંડું હોય છે એમનું મન. પણ એ ઊંડા મનમાં ભરેલું જળ આટલું સ્વચ્છ અને નિર્મળ હશે એ મને આજે જ ખબર પડી. છેક તળિયે રાખેલો નાનામાં નાનો પથ્થર પણ દેખાઈ આવે એવું સાફ. મારા મનની સાવ ગોપનીય વાતને તું જાણી ગઈ છતાં એટલો જ પ્રેમ કરતી રહી? માનું છું વાંક મારો જ છે. અને હવે તો એવું પણ કહી ન શકું કે જે સજા આપીશ એ કબૂલ. સમય જ નથી રહ્યો મારી પાસે!” મધૂસુદન કૈક અજબ મનોદશામાંથી પસાર થઈ રહ્યા હતા.
પોતાની પત્ની સામે સાવ આમ ઉધાડા પડી જવાશે એ નહોતું ધાર્યું એમણે. સુગંધા પણ ક્યાં ખોટી હતી? વર્ષો પહેલાના પ્રેમની અસરમાંથી એ હજી સુધી મુક્ત જ નહોતા થઈ શક્યા, કે પછી થવા નહોતા માગતા? એક અજીબ બેચેની ઘેરાઈ વળી એમને. બીમારીને લીધે શરીર તો અશક્ત હતું જ; પરંતુ આજે તો મન પણ થાક અનુભવતું હતું. બોલવાનો શ્રમ પડતો હતો છતાં એમણે કહેવાનું ચાલુ રાખ્યું.
“હું એમ નહિ કહું કે તને પૂરેપૂરું આપ્યું છે. પણ હા, જયારે પણ તારો વિચાર કર્યો છે ત્યારે હંમેશા દિલથી તારી ખુશી જ ઈચ્છી છે. આપણે બંનેએ સુખ - દુઃખનો જે સમય સાથે વિતાવ્યો એ આપણો સહિયારો સમય હતો. આપણા બંનેનો શ્રેષ્ઠ સમય. આપણું સુખ વહેંચાયેલું હતું. મેં હંમેશા તારી સાથેની પળો આનંદમાં જ વિતાવી છે. આ જ અનુભવને આધારે જો વિચારીશ તો તને લાગશે કે જે સમય આપણે સાથે ગાળ્યો, એ ખૂબ સુંદર હતો. એમ ના સમજીશ કે હું છટકી રહ્યો છું મારા ગુનામાંથી. પણ મારી વાત પર વિચાર જરૂર કરજે.”
“મધુ, વાતો તો ઘણી કરી શકાય, પણ પ્રેમ આ તર્કને નથી સમજતો. શબ્દોમાં કહેવાયેલી આ વાતોથી પ્રેમ વ્યક્ત ન થઈ શકે. પ્રેમ તો અનુભૂતિ છે અને અનુભૂતિ અંગત હોય છે. તમારા સાનિધ્યમાં પણ મેં સતત કોઈ વ્યક્તિને અનુભવી છે. આપણા બંનેના એકાંતમાં પણ મેં સતત કોઈની હાજરી અનુભવી છે. કોઈ એવું જેને હું જોઈ નહોતી શકતી, સ્પર્શી નહોતી શકતી, પણ એના હોવાપણાનો એહસાસ સતત મને તમારા અધૂરા પ્રેમની યાદ અપાવતો હતો. ફરિયાદ નથી આ. આટલા વર્ષો જે એકલતા મેં સહી છે એ જ કહી રહી છું તમને.”
“હું સમજી શકું છું.”
“નહિ મધુ, તમે નહિ સમજી શકો. કેમ કે એક પુરુષ અને સ્ત્રીની પ્રેમની વ્યાખ્યાઓ જુદી જુદી હોય છે. પુરુષ માટે પ્રેમ એટલે અધિકારપૂર્વકનો હક. આ હક સતત માંગણી કર્યા જ કરે છે. જયારે સ્ત્રી પ્રેમમાં હમેશા અર્પણ જ કરતી રહે છે. એક સ્ત્રી માટે પ્રેમ એટલે આપવું, આપવું ને આપવું. પોતાનાથી સાવ ભિન્ન એવા વ્યક્તિ સાથે એકાકાર થઈને રહેવું એ ફક્ત સ્ત્રી જ કરી શકે. તમે આને અભિમાન ગણો કે અહંકાર, પણ આ સત્ય છે.”
મધૂસુદન જોઈ રહ્યા સુગંધાને. પ્રેમથી, વહાલથી. બહુ બુદ્ધિશાળી હતી એ. કોઈ પણ વાતને બહુ સ્પષ્ટતાથી વિચારીને રજૂ કરી શકતી. સ્ત્રી થઈને પણ એક પુરુષનાં મનના વિચારોને એણે કેટલી સરળતાથી કહી દીધા! વિદૂષી કહી શકાય એવી આ સ્ત્રી પણ અંતે તો એક સામાન્ય સ્ત્રીની જેમ પોતાના પતિનો પ્રેમ જ માગતી હતી ને? અને પોતે? હંમેશા મૃગજળ સમાન એ વ્યક્તિ પાછળ દોડતા રહ્યા જે ક્યારેય એમને મળવાની જ નહોતી.
પોતે સુગંધાને કરેલા અન્યાય માટે પારાવાર પસ્તાવો થઈ રહ્યો એમને. સુગંધાનું એકાકીપણુ, એની તૃષ્ણા, એની એકલતા – બધું જ મધૂસુદનને સમજાઈ રહ્યું હતું. એની બધી જ પીડા એ પોતે અનુભવી રહ્યા હતા. પોતાની જ અર્ધાંગીનીને આજ સુધી પોતે ઓળખી ન શક્યા એનું દુઃખ એમને વિહ્વળ કરી ગયું.
“સુગંધા..” ગળે ડૂમો ભરાઈ જવાથી મધૂસુદનથી આગળ બોલી જ ન શકાયું. સુગંધાએ જલ્દીથી એમનો હાથ થામી લીધો. સુગંધા સમજતી હતી મધુસૂદનની પીડા. સાથે સાથે એ પણ જાણતી હતી કે જ્યાં સુધી એમના મનમાં અપરાધભાવ હશે એ શાંતિથી જગઈ નહિ શકે. મૃત્યુ અવશ્ય સંભાવી હતું જ. એટલે જ મન કઠણ કરીને પણ એ મધૂસુદનને સમજાવી રહી હતી.
“મધુ, લગ્ન એ ફક્ત એક સંબંધ નથી; દ્વૈતમાંથી અદ્વૈત તરફની એક એવી સફર છે જે બંને પાત્રોએ સાથે ખેડવી પડે છે. અત્યાર સુધી એ યાત્રામાં હું એકલી જ હતી. પણ આજે આ ક્ષણે તમને મારી લગોલગ ઊભા જોઉં છું. આપણી વચ્ચે જો આ વાત ન થઈ હોત તો કદાચ મનમાં એક ખટકો રહી જાત. પણ હવે મારું મન એકદમ સાફ થઈ ગયું છે. તમે જરાય ઓછું ન લાવશો. આજ સુધી મેં તમારામાં એક પતિ જ જોયો હતો પણ આજે મને મારો પ્રેમી પાછો મળ્યો છે. તમારા શરીર પર જ નહિ, મન પર પણ મારો હક આજે હું અનુભવી શકું છું. મારી વણકહેલી બધી જ પીડા તમારી આંખમાં વાંચી શકું છું. આજે મારી વર્ષોની તપસ્યા ફળી. મધુ, હવે કોઈ જ ઈચ્છા બાકી નથી રહી. તમે પણ મન પર કોઈ જ બોજ ન રાખશો.”
સુગંધાનાં સાચા દિલથી કહેવાયેલા આ શબ્દોએ મધૂસુદનનાં મનને સાવ શાંત કરી દીધું. હવે કોઈ જ સંશય નહોતો, કોઈ જ ચિંતા નહોતી. હતો ખાલી પ્રેમ. સુગંધા માટેનો. અનર્ગળ, અવિરત, અવિભાજ્ય. તે દિવસે હોસ્પિટલનો એ નાનો રૂમ બે પ્રેમભીના હૈયાનાં અદ્વૈત મિલનનો સાક્ષી બની રહ્યો.