Republic Day Sale: Grab up to 40% discount on all our books, use the code “REPUBLIC40” to avail of this limited-time offer!!
Republic Day Sale: Grab up to 40% discount on all our books, use the code “REPUBLIC40” to avail of this limited-time offer!!

Shraddha Bhatt

Others

3  

Shraddha Bhatt

Others

ત્રણ લઘુકથા

ત્રણ લઘુકથા

5 mins
14.2K


-- એવોર્ડ

“એય સ્ટુપીડ, તને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળશેને ત્યારે સૌથી પહેલી સીટી હું મારીશ સમજ્યો? આવ્યો મોટો મને ન બોલાવવાવાળો!” આરવના મનમાં વર્ષો પહેલાં સાંભળેલા શબ્દો પડઘાઈ રહ્યા.

“ક્યાં છે તું આરુ? દુનિયાના કોઈ  પણ ખૂણેથી દોડતી આવવાની હતી ને?” ડાયરીમાંના ફોટાની એ બે આંખો નખશિખ પીગળાવી ગઈ આરવને.

"આ શું થઈ રહ્યું છે મને? આઇ એમ  ધ મોસ્ટ પ્રેક્ટિકલ મેન ઇન ધીસ વર્લ્ડ. આજે હું જ લાગણીમાં વહી જવા લાગ્યો?" આરવનું રોમરોમ આરોહીને પોકારી ઊઠ્યું. એણે ફોન ઉપાડીને નંબર ડાયલ કર્યો. એક આખી રીંગ વાગી પણ સામે છેડેથી કંઈ જ રીસ્પોન્સ ન આવ્યો. અકળામણમાં એણે ફોન પછાડ્યો.‘ હવે કયા મોઢે બોલાવે છે એને? તારી કારકીર્દીમાં અડચણ બનતી હતી ને એ તો? એટલે જ તરછોડીને એને?’ આરવના મને સવાલ કર્યો. 

“હા, હું સ્વાર્થી થઈ ગયો હતો. એની દોસ્તી મારી પ્રગતિ આડે આવી રહી છે એવું લાગતું હતું. આજે સફળતાના શિખરે મને એની ખોટ સમજાય છે. આરુ, પ્લીઝ પાછી આવ. તારા આ સ્ટુપીડ દોસ્તને તારી જરૂર છે. આવીશ મારી પાસે?” રડવાને ફક્ત લાગણીવેડા માનવાવાળો આરવ ચોધાર આંસુએ રડી રહ્યો હતો. મનના કોઈ એક ખૂણે ધરબી દીધેલી લાગણીઓ વટવૃક્ષ બનીને આરવને વીંટળાઈ વળી. આવતીકાલનો બેસ્ટ ડિરેક્ટર આરવ આજે સાવ નિસહાય બની ગયો હતો.

**********

“એન્ડ ધ એવોર્ડ ફોર ધ બેસ્ટ ડિરેક્ટર ગોઝ ટુ મિસ્ટર આરવ પઢિયાર.” આખો હોલ તાળીઓથી ગૂંજી ઊઠ્યો. 

ચાવી દીધેલ પૂતળાની જેમ આરવ સ્ટેજ તરફ આગળ વધ્યો. આટલી માનવમેદની વચ્ચે પણ આરવને એકલતા ઘેરી વળી. એની નજર પેલી બે આંખોનું અનુસંધાન કરવા બેબાકળી બની ગઈ. બહાવરો થઇને એ આરોહીને શોધી રહ્યો. 

“ધીસ ઇઝ ફોર યુ, સ્ટુપીડ” સ્ટેજની બરાબર ડાબી બાજુએથી અવાજ આવ્યો અને પછી એક જોરદાર સીટી સંભળાઈ. આંખમાં આસું સાથે આરોહી ત્યાં ઊભી હતી. આરવ દોડીને એને વળગી પડ્યો. આરવ ઘણું બધું બોલી રહ્યો હતો, પોતાના સ્વાર્થી વર્તાવ બદલ માફી માંગી રહ્યો હતો. આરોહી બસ નિ:શબ્દ એને સાંભળી રહી હતી. આરવને હવે બીજા કોઈ જ એવોર્ડની જરૂર નહોતી. એને પોતાનો બેસ્ટ એવોર્ડ આરોહીના રૂપમાં મળી ગયો હતો.

--------------------------

--અનાવૃત 

રૂમનું બારણું ખોલીને એ અંદર પ્રવેશ્યો. મીણબત્તીઓનો ઝાંખો પ્રકાશ આખા રૂમમાં ફેલાયેલો હતો. ધીમું ધીમું વાગી રહેલ સંગીત વાતાવરણને ઓર માદક બનાવી રહ્યું હતું. એ ઘડીભર અચકાયો,‘હું બરાબર જગ્યાએ જ આવ્યો છું ને?’ એને થયું. ત્યાં જ બાથરૂમનો દરવાજો ખૂલ્યો અને  ઘેરા લાલ કલરની અર્ધપારદર્શક નાઇટી પહેરીને એ બહાર આવી. ગોઠણથી દોઢ વેંત ઉપરના નાઇટસૂટમાંથી દેખાતા માંસલ પગ, પાતળી કમર, લાંબા કાળા વાળમાંથી ડોકિયા કરતા ઉન્નત ઉરોજ અને ખૂબસૂરત ચહેરા પરની બે નશીલી આંખો. ભલભલા વિશ્વામિત્રનો તપોભંગ કરી શકે એવી ઉત્કટતાથી એ તરસી નજરે એને જોઈ રહી હતી.

એ માણસે જોયું ન જોયું કરીને પલંગ પર લંબાવ્યું. ‘આટલી ઉપેક્ષા?’ પેલી છંછેડાઈ પડી. છતાં એ ધીરે રહીને એની પાસે ગઈ. એના પગ પર ખૂબ આર્જવથી હાથ મૂક્યો.

“વેશ્યાવેડા બંધ કર તારા, સમજી?” એ તાડૂક્યો.

અપમાનનો ઘૂંટ ગળીને એ ધીમેથી કંઈક બોલી. એ સાંભળતાવેંત પેલો માણસ ઊભો થઈ ગયો. 

“ઓહ તો એમ વાત છે? તારે પણ ઇચ્છા સંતોષવી છે એમ?” જોરથી વાળ ખેંચીને પોતાનું મોં એની પાસે લાવીને એણે પૂછ્યું,“કીસ કરું તને? અહીંયા હોઠ પર?” એના સુરાહીદાર ગળા પર એક જોરદાર બચકું ભર્યું એણે. ચીસ પાડી ઉઠી એ. બે હાથથી ધક્કો મારીને એણે એને સામેની દિવાલે ધકેલી. એક હાથેથી મોં બંધ કરીને એણે કહ્યું,“રાડો શેની પાડે છે? તારે જ તો જોઈતું હતું ને આ?” એની આંખમાં પાશવી ક્રૂરતા જોઇને એ છળી પડી. બે હાથ જોડીને આંખોથી જ વિનવી રહી એને. કંઈ જ ન પડી હોય એમ પેલાએ એની નાઈટી ફાડી નાખી. ભરાવદાર સ્તનો  હાથમાં લઈને મસળ્યા. “મજા આવે છે?” કહેતો એ હસવા લાગ્યો. એના એ સ્પર્શમાં આર્જવ નહોતું કે નહોતી વાસના. એક હિંસક પશુ પોતાના શિકારને જે રીતે તડપાવી તડપાવીને મારે એવી જ ઠંડી ક્રૂરતા હતી. એ ચીસો પાડીને પોતાને છોડી દેવા વિનવી રહી હતી અને પેલો એની તડપની મજા લઇ રહ્યો હતો. 

થોડીવાર પછી એના શરીર પર રહેલ એકમાત્ર વસ્ત્ર પણ એણે ખેંચી કાઢ્યું. એ પછીની દસ મિનીટ એ આલીશાન મકાનના ઓરડામાં બસ પેલાનું અટ્ટહાસ્ય જ ગૂંજી રહ્યુ.

લગ્નના દસ વર્ષે પહેલી વાર પોતાનો હક માંગવાની સજા મળી હતી એને. તે દિવસે પોતાના પતિના હાથે એક પત્નીનું ફક્ત શરીર જ નહિ, એનું આખું સ્ત્રીત્વ અનાવૃત્ત થઈ ગયું હતું. જેને ઢાંકવા કોઈ જ કાપડ કામ આવે એમ નહોતું.

----------------------------

-- શિકાર

“સર, આ ફાઈલ જરા જોઈ લેજો ને. ઇટ્સ અરજન્ટ.” પોયણી પોતાની કેબીનનો દરવાજો હડસેલીને નૈમિષની કેબીનમાં આવી. નૈમિષ નીચું મોઢું રાખીને કૈક વિચારમાં ખોવાયેલો હતો. નૈમિષની પર્સનલ સેક્રેટરી તરીકે છેલ્લા એક મહિનાથી પોયણી આ ઓફિસમાં કામ કરતી હતી. પોતાના બોસને આવી રીતે વિચારમગ્ન અવસ્થામાં એણે આ પહેલા પણ જોયેલા હતા. સદાય હસતાં રહેતા એના આ સર અંદરથી ખૂબ દુ:ખી છે એવું એને સમજાઈ ગયું હતું; પણ સંકોચને લીધે એ પૂછી નહોતી શકતી. નખશિખ સજ્જન અને સરળ એવા નૈમિષ માટે ધીરે ધીરે પોયણીનાં મનમાં એક ચોક્કસ સ્થાન બનતું જતું હતું. શરૂઆતનો આદર હવે ધીમા આકર્ષણમાં બદલી રહ્યો હતો. જો કે નૈમિષ હમેશા પોયણી સાથે માનપૂર્વક જ વર્તતો. બંને લગભગ એક સરખી ઉમરનાં એટલે એ બહાને થોડી ઘણી વાતચીત થઈ જતી. નૈમિષનો આ સજ્જન વ્યવહાર જ પોયણીનાં મનમાં અંકિત થઇ ગયો હતો. પોતાની ખૂબસુરતી ભલભલાને પીગળાવી દેવા સક્ષમ છે, એ વાત પોયણી બરાબર જાણતી હતી. આ પહેલા એને એવા ખરાબ અનુભવો પણ થઇ જ ચૂક્યા હતા; પણ નૈમિષ એ બધાથી સાવ અલગ જ હતો. 

“સર, એની પ્રોબ્લેમ? તમે બીઝી હોવ તો હું પછી આવું.” પોયણીએ ધીરેથી પૂછ્યું. એના પૂછવાની અસર હોય કે પછી બીજું કંઈ, નૈમિષની આંખમાંથી આંસુઓ વહી નીકળ્યા. પોયણી તો ગભરાઈ જ ગઈ.

“સર, તમે રડો છો? શું કામ? શું થયું?” એણે જલ્દીથી પાણીનો ગ્લાસ એની સામે ધર્યો.

“પોયણી, આજે મારે એક દોસ્તની જરૂર છે. તું બનીશ મારી દોસ્ત?” નૈમિષની આંખમાં આજીજી જોઈને પોયણી પણ રડી પડી. 

“તને ખબર છે, આજે બરાબર એક વર્ષ થયું એ મને છોડીને ગઈ એને. ખૂબ ચાહતો હતો હું એને. મારા અસ્તિત્વ કરતાં ય વધારે. પણ પછી ખબર પડી કે એના માટે મારી ચાહત એ ફક્ત એક જરૂરત હતી. અને જરૂરિયાત તો સમય મુજબ બદલાઈ જતી હોય, ખરું ને? એને કોઈ બીજું મળી ગયું જેને એણે પોતાની આદત બનાવી દીધી. રહી ગયો હું, જે હજી પણ કોઈની તલાશમાં ભટક્યા કરે છે.” નૈમિષે પોતાની ડાયરીમાંથી એક ગુલાબ કાઢીને પોયણીને દેખાડ્યું. 

“સુકાઈ ગયેલું આ ફૂલ  એક એવી ડાળીની તલાશમાં છે જેનો સહારો લઈને એ ફરીથી નવપલ્લવિત થઈ શકે. પોયણી, તું બનીશ એ ડાળ?” નૈમિષે પોતાનો હાથ એની તરફ લંબાવતા પૂછ્યું. પોયણીને નૈમિષની તરલ આંખોમાં પોતાની જ લાગણી પ્રતિબિંબિત થતી દેખાઈ. એણે શરમાઈને પોતાનો હાથ નૈમિષનાં હાથમાં મૂકી દીધો. એકબીજાની લાગણી સમજતા બંને મલકી રહ્યા.

પોયણી એટલી ખૂશ હતી કે નૈમિષનાં ગૂઢ સ્મિતનો તાગ ના મેળવી શકી. ‘એક મહિનાની મહેનત સફળ થઈ. ચાલો, આજથી નવો શિકાર.’ લુચ્ચું સ્મિત કરતો નૈમિષ બીજા હાથમાં રહેલા ગુલાબને મસળી રહ્યો હતો.

 


Rate this content
Log in