Shraddha Bhatt

Others

3.7  

Shraddha Bhatt

Others

સાંવરી

સાંવરી

6 mins
21.4K


એ બે કથ્થઇ આંખોએ એવી તો સંમોહિત કરી દીધી હતી મને કે જ્યાં જુઓ ત્યાં એ જ દેખાયા કરતી હતી. શું હતું એ આંખોમાં? થોડી શરમ, અપમાનની એક ઝીણી પણ દ્રઢ રેખા અને પરિસ્થિતિને લીધે આવેલો સંકોચ. ખબર નહિ કેમ પણ એ આંખોએ મારા આખા અસ્તિત્વને બાંધી રાખ્યું હતું. 

હજી સવારની જ વાત. મારી દીકરી નેહા બહાર હિંચકે બેસીને કોઈ ચોપડી વાંચી રહી હતી. એની સ્કૂલ શરૂ થવાને થોડા દિવસો જ બાકી  હતાં એટલે જતા વેકેશનનો ભરપૂર આનંદ માણતી એ વાર્તાની ચોપડી ખોલીને બેઠી હતી રંગબેરંગી ચિત્રોવાળી એ ચોપડી વાંચતાં એ કંઈ કેટલાય સવાલો પૂછ્યા કરતી ને હું રસોડામાંથી એને સમજાય એ રીતે જવાબો આપ્યા કરતી. અચાનક એના સવાલો અટક્યા ને સાથે મારું કામ પણ. બહાર આવીને જોયું તો દરવાજે કોઈ અજાણી છોકરી આવીને ઉભી હતી. 

‘કાંઈ ખાવાનું આપો ને બેન...’ હજી તો હું કશું બોલું ત્યાં જ બે ત્રણ ઘર છેટેથી બૂમ સંભળાઇ. પેલી છોકરી હજી ય નેહાના હાથમાં રહેલી ચોપડી સામે જોતી બારણું પકડીને ઉભી હતી. એની  કથ્થઇ આંખોમાં એ ચોપડી વાંચવાની લાલચ સાફ દેખાતી હતી. થોડી ભીને વાન એવી એ છોકરીના કપડાં જુના પણ સાફ હતાં. સરસ ગૂંથીને માથું ઓળેલું હતું. નેહાથી લગભગ બે વર્ષ મોટી એ છોકરીની આંખો ઘણું બોલતી હતી. એની પાસે જઈને મેં પૂછપરછ આદરી.

“શું નામ છે તારું. છોકરી?” 

“સાંવરી.” વાહ, કેવું સરસ નામ!

“ તારું નામ કોણે પાડ્યું? બહુ સરસ છે.”

“ઈ તો બૂન, મેં જાતે ખોળ્યું સે. ઓલું ગીત નહી, સાવરિયો રે મારો.... બસ ઈ હાભળીને.” ખુશીની લહેર દોડી ગઇ એના ચહેરા પર.

“તે ક્યાં સાંભળ્યું એ ગીત?” મને નવાઇ લાગી. દસેક વર્ષની એ છોકરી આવું સરસ ગીત સાંભળીને પોતાનું નામ પાડી શકે એ કૌતૂક કહેવાય.

“મારી મા એક જગ્યાએ કામ કરવા જતી ને ઈ બૂનને ઘીરે એક દિ વાગતું’તું. કેવો મીઠો અવાજ સે નૈ? તમે હામભળ્યું સે?” એવા લહેકાથી વાત કરતી હતી એ!

“અલી છોડી, આ હુ માંડ્યું સે? માગવા નીકળી સો કે વાતુના તડાકા દેવા? ખાવાનું માગતા તો જીભે કાંટા વાગે સે ને અહિયાં મંડ્યા વાતુ કરવા! લે હેન્ડતી થા હાલ.

એ બૂન, કંઈ ખાવાનું હોય તો આપોને.” 

મારી ને સાંવરીની નજર મળી. ઘડીભર પહેલાના એની આંખના ચમકારાને બદલે ડોકાતાં શરમ ને સંકોચના ભારે આંખો નીચી નમી ગઇ એની.પેલી બાઇ જાણે એનું આત્મ સમ્માન હણી ગઇ હોય એમ એનો ચહેરો ફિક્કો પડી ગયો.  જતાં જતાં ય એક નજર નેહાના હાથમાં રહેલી ચોપડી પર નાખવાનું ન ચૂકી એ. એની એ નજર મને આ રીતે જકડી લેશે એ તો મેં જરાય નહોતું વિચારેલું. આખો દિવસ સાંવરી મારા મન પર હાવી રહી. ખૂબ મનોમંથનને અંતે એક વિચાર સ્ફૂર્યો ને મેં એને તરત જ અમલમાં મૂકવાનું નક્કી કરી લીધું. 

બીજે દિવસે મારા પતિ આકાશને ઓફીસ વળાવી ઘરનું બધું કામ કોરાણે મૂકી હું ય નેહા સાથે હિંચકે બેઠી. નેહા એની ચોપડીમાંથી આવડે એવી રીતે વાંચીને મને વાર્તા સંભળાવતી રહી, પણ મારી આંખોને સાંવરીની રાહ હતી. બે વાર તો મોબાઇલમાં સમય પણ જોઈ જોયો. કદાચ, હું અંદર હોઉં એ દરમિયાન એ જતી રહી હોય તો? નેહાને બને એટલી અલગ અલગ રીતે પૂછી જોયું, પણ એ તો એના ચીકુ-મીકુના કાર્ટૂન જોવામાં મશગૂલ હતી. ખાસ્સી પંદરેક મિનીટ પછી એ આવી. મને જોતાવેંત એની આંખોમાં ચમક આવી ને મોઢા પર હાસ્ય આવી ગયું. શું હતું એની એ આંખોમાં જે મને સતત એની તરફ ખેંચી રહ્યું હતું? આકાશ સાથે ઝગડો કરીને હું એને મદદ કરવા તૈયાર થઇ ગયેલી, ફક્ત એ બે આંખોના અકથ્ય ભાવોને લીધે જ તો.

દરવાજો ખોલી એને અંદર બોલાવીને મેં મારો નિર્ણય કહ્યો. મારી વાત સાંભળીને ઘડીભર તો એ વિસ્મિત થઈને મારી સામું જોતી જ રહેલી. મારી આંખોમાં પ્રશ્નાર્થ વાંચીને એણે હકારમાં ફક્ત માથું જ હલાવ્યું. આંખોમાંથી વહેતા આંસુઓએ શબ્દોને સ્ફુરવા જગ્યા જ નહોતી રાખી. થોડી વારે સ્વસ્થ થતાં એ પોતે જ બધું કહેવા લાગી. પિતાના અકાળ મૃત્યુથી એના ઘરની આર્થિક સ્થિતિ ડામાડોળ થવા લાગેલી. મા પારકા ઘરના કામ કરીને જેમતેમ ઘર ચલાવતી. પણ થોડા મહિનાઓથી આવેલી માની ગંભીર માંદગીએ ઘરનું તંત્ર સાવ બગાડી મૂકેલું. માની ફરજિયાત ઘરમાં હાજરી સાંવરીની સ્કુલમાં ગેરહાજરીનું કારણ બનેલી. મહિનો થયો એની મા કામ પર નહોતી ગઇ. ઘરમાં ખાવા ધાન ખૂટી પડેલું ત્યારે એની માએ ન છૂટકે એને માગવા મોકલવી પડેલી. આ છેલ્લા વાકયે એની આંખોમાં શરમ ને સંકોચે પાછી બેઠક જમાવી દીધી.

એની વાત સાંભળ્યા પછી મને થયું કે મારો નિર્ણય સાચો જ હતો. મેં મારું કામ શરૂ કરી દીધું. અમારા વિસ્તારની સરકારી સ્કૂલમાં એનું એડમીશન, એના માટે યુનિફોર્મ, પુસ્તકો અને બીજી વસ્તુઓની ખરીદી- આ બધું તો આસાનીથી પતી ગયું. સાંવરીની મા તો બીજા જ દિવસે પોતાની નાદુરસ્ત તબિયત છતાં કાંખમાં નાનું છોકરું લઈને મળવા આવી હતી. ખોળો પાથરીને મારો આભાર માનતા એ બાઇ ધરાતી નહોતી. સાંવરી સ્કૂલમાં વધેલાં મધ્યાહન ભોજનમાંથી થોડું ઘર માટે લઇ જઇ શકે એવી વ્યવસ્થા પણ આકાશની ઓળખાણથી થઇ ગયેલી.એ માની નિરાશ આંખોમાં ક્ષણ વાર માટે એક આશાની કિરણ આવી ને વિલીન થઇ ગઇ.  

મને પણ સંતોષ થયો કે એક દીકરીને ભણતરનું ભાથું બંધાવીને મેં પોતે એક પુણ્યનું કામ કર્યું. અઠવાડિયામાં તો એ સરસ યુનિફોર્મ પહેરીને સ્કૂલ જતી થઇ ગઇ.  દર રવિવારે મળવા આવતી મને. નેહા સાથે ખૂબ રમતી. મારા કામને લીધે નેહાનો વાર્તા સાંભળવાનો શોખ હું પૂરો ન કરી શકતી. પણ સાંવરીના આવ્યા પછી નેહાને એક સરસ વાર્તા કહેનાર દીદી મળી ગયેલી. એ એટલી તો રસપૂર્વક ને હાવભાવ સાથે વાર્તા કહેતી કે ઘડીભર હું ય એ સાંભળવા લલચાઇ જતી. આકાશની નારાજી પણ મારી ને નેહાની ખુશી જોઇને પીગળી ગયેલી. મારામાં માણસ પારખવાની કળા છે, એવું કહેતો થયેલો એ પણ! દર અઠવાડિયે દેખાતી એ કથ્થઇ આંખોની મને પણ હવે તો ટેવ પડી ગયેલી. એની આંખોમાં મને આત્મ સમ્માનનું તેજ દેખાતું ને હું ખુશ થતી.

લગભગ છ મહીને એ ક્રમ તૂટ્યો. દર રવિવારે અચૂક આવી જતી સાંવરી એ દિવસે દેખાઇ જ નહિ. નેહાએ તો પ્રશ્નો પૂછીને હેરાન કરી દીધી મને. મને પણ ચિંતા હતી જ. નેહાના પ્રશ્નો ધીરે ધીરે અકળામણ અને જીદમાં ફેરવાવા લાગ્યા ત્યારે આકાશ એને લઇને થોડી વાર બહાર જતાં રહ્યા. હું તો વ્યાકૂળ નજરે હિંચકે બેઠી દરવાજે તાકતી જ રહી. કાશ, આ આંખોની નજર છેક સાંવરીના ઘેર જઈ શકતી હોત! આ શું થઇ રહ્યું હતું મને? આટલી વ્યકૂળતાથી મેં ક્યારેય કોઈની રાહ નહોતી જોઈ! બહુ ઓછા સમયમાં સાંવરી મારા માટે કેટલી અગત્યની બની ગયેલી! રવિવાર અને સાંવરી – આ બે મારા જીવનના અવિભાજ્ય અંગ બની ગયેલાં, ને એય મારી જાણ બહાર.

એ રવિવાર જાણે સાવ કોરો ધાકોર વિતાવ્યો. સાંવરીના ઘેર જઇ તપાસ કરવાની ઈચ્છા માંડ રોકી રાખેલી મેં. મારી વ્યાકુળતા જોઈને સાંજે આકાશ ખૂદ એને ઘેર જઇ આવ્યા,પણ ત્યાં તો કોઇ જ ન મળ્યું. નિરાશ થઇને મેં મન મનાવ્યું. બે દિવસ એમ જ પસાર થઇ ગયા. ધીરજ ન રહેતાં એની સ્કૂલે પણ તપાસ કરાવી તો જાણવા મળ્યું કે છેલ્લા અઠવાડિયાથી એ સ્કૂલ પણ નથી ગઇ. હદ થઇ ગઇ આ તો! 

“તું નકામી ચિંતા કરે છે. આ લોકો તો આવા જ હોય. શરૂઆતમાં બધું ગમે પણ અંતે તો મફતનું ખાઈને જ પેટ ભરનારા. હવે આવા લોકોની મદદ કરવાનું માંડી વાળજે.” આકાશે તરત જ કહેલું. 

પણ મેં એની આંખોમાં જે જોયેલું એ શું ખોટું? સ્વમાનને ભોગે કોઇ કામ ન કરવું એવો જે દ્રઢ નિશ્ચય છલકાતો હતો એ શું ફક્ત એક આભાસ જ હતો? મારું મન નહોતું માનતું, પણ હકીકત સ્વીકારે છૂટકો જ નહોતો.

મેં ય ધીરે ધીરે એને ભૂલવાનો પ્રયત્ન આદરી દીધો. આકાશ ચિંતા ન કરવાનું કહીને ઓફીસ જવા નીકળ્યો ને હું ઘરનું કામ પતાવવા લાગી.

“ કાઈ ખાવાનું હોય તો આપજો બૂન.” કાને અવાજ પડતાં જ હું દોડી. કદાચ સાંવરીની કોઇ ભાળ આની પાસેથી મળી જાય.

નાના ભાઈને કાંખમાં તેડીને એ દરવાજે ઉભી હતી. એ બે કથ્થઇ આંખો જોતાં જ હું સ્તબ્ધ થઇને ઉભી રહી ગઇ. આત્મ સમ્માનના તેજથી ચમકતી એ આંખો આજે સાવ અંધકારમય હતી, નિરાશ ને હતાશ. અદ્દલ એની માની આંખોની જેમ જ. 

 


Rate this content
Log in