વચન
વચન


તું આવીશ એવી પાક્કી ખાતરી હતી મને, શ્રીધા. અરે, એમાં શી નવાઈ. આપણી ઓળખાણ તો ઘણી જુની છે, નહીં ? યાદ છે, શરૂ શરૂમાં તું જ્યારે આવી કોઈ મૂંઝવણમાં ઘેરાતી ત્યારે મારી પાસે આવીને બસ બોલતી જ રહેતી. તારા મનની વ્યથા આખેઆખી મારામાં ઠાલવી તું હળવીફૂલ થઈ જતી. તને પણ ગમતું જ ને મારી પાસે આવવું ? હા, બરાબર નોંધ્યું તે. ભૂતકાળ બની ગયું છે એ બધું હવે, નહીં?
શ્રીધા, તું મારીઆગળ ખોટું બોલીશ ? તું છેતરી શકીશ મને એવું લાગે છે તને ? નીચી નજર કરી દેવાથી સત્યનો સામનો ફક્ત થોડી ક્ષણ પૂરતો જ ટળે છે શ્રીધા. એ ક્ષણ વીત્યા પછીનું સત્ય બહુ જ બિહામણું ભાસે છે. ખેર, છોડ એ વાત. સૂફિયાણી વાતો કરીને તને વધુ નહિ ગૂંચવું. આજે ઘણા સમયે તને મારી જરૂર પડી ત્યારે મારે તોછડાઈ ન કરવી જોઈએ, બરાબર ને ? ના શ્રીધા, વ્યંગ નથી આ. શબ્દોની જાદુગરી તો તને જ મુબારક. પણ હા, તને આશ્ચર્ય થાય એ સમજુ
છું. તે તો મને ક્યારેય બોલતાં સાંભળી જ નથી ને ? કેમ કે, તું જ્યારે
જ્યારે મારી પાસે દોડી આવી છે, ત્યારે ત્યારે મારે ભાગે તો શ્રોતા
બનવાનું જ આવ્યું છે ને ? અરે ના ના શ્રીધા, તું એમ ન સમજતી કે હું ફરિયાદ કરું છું. બિલકુલ નહિ.
આપણી દોસ્તી થઈ ત્યારથી હું તો તને સાંભળતી જ આવી છું અને મને એ ગમે છે. તારી અંદર પડેલી સંવેદના તું ફક્ત મારી સાથે જ વહેંચે છે એ શું કોઈ નાની સૂની વાત છે ? આટલી વિખ્યાત લેખિકા, જેને બધા જ વાંચવા ઉત્સુક હોય એ પોતાની અંગત લાગણીનો ઊભરો વહેંચવા મને પસંદ કરે એ વાત જ મારા માટે અહોભાગ્ય સમાન છે. તને થશે, આજે મને થયું છે શું ? સાવ મૂંગી રહેનારી હું આજે તને બોલવાનો મોકો જ નથી આપતી, ખરું ને ? પણ શું કરું શ્રીધા.. આજે પાંચ વર્ષ પછી તું જ્યારે મારી શરણે આવી છે ત્યારે ખુશીના માર્યા હું મારો બબડાટ રોકી જ નથી શકતી. ઓકે બાબા. તને વધુ હેરાન નહિ કરું બસ? હવે બોલ… ફરીથી જૂની યાદો વાગોળવી છે ને ? ક્યાંથી શરકરીએ ? અરે એમાં આટલી ચોંકે છે કેમ શ્રીધા? મને તો ખબર
જ હોય ને ? એક કામ કરીએ. તારું સૌથી પહેલું વક્તવ્ય ફરી એક વાર યાદ કરીએ.
કેટલીગભરાયેલી હતી તું ? પાંચ પાંચ વાર સ્પીચ લખીને ફાડી નાંખેલી તે. અને કોલેજના સમારંભમાં જવું કે નહીં એ બાબતે તો મારી સાથે કેટલો ઝગડો કરેલો તે ? કેટલીય મથામણ પછી તું રાજી થયેલી. નથી માનવામાં આવતું તને ? હશે, ભૂલી જવાય એ તો. સફળતાનું પહેલું પગથિયું ચડ્યાનો કેફ જલ્દી ઊતરતો જ નથી. સઘળું ભુલાવી દે એ
નશો. મહેનતાણું પણ ક્યાં મળેલું તને.. અને હવે ? હવે તો તારો
પી.આર. તારા ભાવ નક્કી કરવા લાગ્યો છે ને ! એટલે જ કદાચ કાલે જ્યારે ભર સભામાં તને અચાનક લકવો મારી ગયો હોય એમ તારી મંત્રમુગ્ધ વાણી અટકી પડી ત્યારે સૌથી મોટો ઝટકો તારા પી.આર. ને લાગેલો. નાદુરસ્ત તબિયતનું બહાનું બનાવીને ત્યાંથી તો તું ભાગી આવી શ્રીધા, પણ હવે શું ? હજારોની મેદની સામે સરસરાટ વહેતી તારી વાણી અચાનક કેમ થંભી ગઈ એ જ વિચારે મૂંઝાય છે ને ? આવું તો ન જ થવું જોઈએ, આટલાં વર્ષો મહેનત કરીને ઘડેલું સફળ વક્તાનું પાત્ર આવી ઘટનાથી નબળું પડી શકે એ તું જાણે છે શ્રીધા. એટલે જ તો મદદ માટે મને યાદ કરી. શ્રીધા, હું તો શું મદદ કરી શકું? મેં તો બસ તને સાંભળી જ છે. હા એ વાત અલગ છે કે મારો શ્રોતા તરીકેનો સાથ તને હંમેશા તારી મૂંઝવણના ઉકેલ રૂપે ગમ્યો છે. તારો શરૂઆતી ખચકાટ ધીરે ધીરે આત્મવિશ્વાસમાં પરિવર્તિત થતો ગયો હતો શ્રીધા. એક પછી એક સફળ પુસ્તકોનું વિમોચન તને ઊંચાઈએ
પહોંચાડતું ગયું અને આપણો સાથ છૂટતો ગયો. શું કહ્યું ? નવાઈ લાગે
છે મારા આવા વર્તનથી ? મને પણ નવાઈ લાગેલી શ્રીધા, જ્યારે તે તારા લખાણને વેચવા બજારમાં મૂકેલું ત્યારે. હા, તને પૂરો હક છે તારા શબ્દોને વાચકો સુધી પહોંચાડવાનો. પણ શું એ ખરેખર તારા
શબ્દો હતા જેની તે આટલી ઊંચી કિંમત લગાવેલી ? કબાટમાંથી
મળેલી એ ચાર નોટબુકમાનું લખાણ કોનું હતું એ યાદ કરાવું, શ્રીધા ? તારા છૂટા છવાયા લેખો અને વાર્તાઓને મળેલી પ્રસિદ્ધિ એ તને વધુ નામના મેળવવા મજબૂર કરી દીધેલી અને તે એ લખાણ પોતાના જ નામે…. કેટલી ના પાડી હતી મેં તને. પણ સફળ લેખિકા થવાની તારી પહાડ જેવડી મહત્વકાંક્ષા આગળ મારો આવજ દબાઈ જ ગયેલો. એ પછી તો તે મને લગભગ ભુલાવી જ દીધી. આમ પણ સાચ અને જૂઠ એકસાથે રહી જ ન શકે ને ? તારે તારું અસત્ય સત્યમાં પરિવર્તિત કરવું હતું અને એમાં સૌથી મોટી બાધા મારી જ હતી, હે ને શ્રીધા ? સોરી કહે છે ? તું ? પ્રખ્યાત લેખિકા શ્રીમતી શ્રીદામીની ભટ્ટ, જે ક્યારેય
ભૂલ કરી જ ન શકે એ આજે માફી માંગે છે ? બની જ ન
શકે. મારી ક્યાંક સાંભળવામાં ભૂલ તો નથી થતી ને? અરે, તું તો રડવા
લાગી. પહેલાની જેમ જ. યાદ છે તને… તારી સર્વપ્રથમ વાર્તા વિજયી બની ત્યારે તું આમ જ રડી હતી, ખુશીથી. શ્રીધા, એ પછી તો તારા ઘણા પુસ્તકો આવી ગયા નહિ ? દર વખતે તું આમ જ ખુશીથી રડી પડતી જેમ પહેલી જીત વખતે રડી હતી ? નહીં ને ? તને ખબર છે કેમ ? તું તારા જ શબ્દો સાથે પ્રામાણિક નથી રહી શ્રીધા. મા સરસ્વતીનું વરદાન છે આ શબ્દો. એનું પૂજન થાય, પવિત્ર મનથી. આ તારા જ શબ્દો છે ને શ્રીધા ? તારી જ કલમ સાથે જૂઠું બોલીને તું કેવી રીતે મા સરસ્વતીના આશીર્વાદ મેળવી શકે, શ્રીધા ? એટલે જ ગઈ કાલે તારા પુસ્તક વિમોચનમાં તારા જ પુસ્તક વિશે બોલતાં બોલતાં તારી વાણી થંભી ગઈ. એ પુસ્તકનો એક પણ શબ્દ તારો પોતાનો નથી એ તું જાણે જ છે
શ્રીધા. શા માટે જાતને છેતરે છે? ના શ્રીધા, મોડું નથી થયું. હું ક્યારની તને તારા જુના નામે બોલવું છું છતાં તે એકવાર પણ વિરોધ નથી
કર્યો એ આ વાતની સાક્ષી પૂરે છે કે તું પાછી આવશે. પેલી નોટબુક સાથે રહેલો ધારીતનો પત્ર તે હજી સાચવી રાખ્યો છે ને શ્રીધા ? કેટલાં વિશ્વાસ સાથે એ પોતાનું લખાણ તને સોંપીને ગયેલો ? તારી વિખ્યાત લેખિકા બનવાની મહેછાએ તારા અને ધારિતનાં સફળ પ્રેમજીવનને નિષ્ફળ કરી નાખ્યું, છતાં તું સમજી જ નહીં. ધારિત તો તારી જ ખુશીમાં ખુશ હતો. ‘શ્રીધા’ આ નામ પણ એણે જ આપેલુ છે ને તને ? તમારા બંનેનું સહિયારું નામ સાહિત્યમાં પંકાય એ જ ઈચ્છા હતી ધારીતની. પણ પ્રસિદ્ધિના અગાધ દરિયામાં તારે એકલીએ જ તરવું હતું. ધારિત પણ આ જાણી ગયેલો, એટલે જ જયારે શ્રીધા પર શ્રીદામીની હાવી થવા લાગી ત્યારે એ તને અને તારા લેખિકાના સ્વપ્નને છોડીને ચાલી નીકળ્યો. મેં તને ત્યારે પણ કહેવાની કોશિશ કરેલી કે, ધારિતને રોકી લે. પણ મારો અવાજ તારા સુધી પહોંચ્યો જ નહી ને ! ધારિતનો સાથે છૂટ્યો અને તું એકલી સફળતાના શિખરો ચડવા લાગી. અસત્યના પાયા પર ઊભેલી સફળતા ક્યાં સુધી સાથ આપે શ્રીધા ?
શું કહ્યું ? મારો સાથે જોઈએ છે ? પણ હું તો અહીં જ છું ને શ્રીધા. આપણે ક્યાં અલગ છીએ ? બસ થોડો સમય શ્રીદામીની તારા પર હાવી થઈ ગયેલી જે તારામાં રહેલી મને, જૂની શ્રીધાને વિસરી ગયેલી. હું તો હંમેશાથી તારી રાહ જોતી જ રહી છું અને ભવિષ્યમાં પણ જોઈશ જ. હવે જયારે પાછી આવી છે ત્યારે તારે પણ એક વાયદો કરવો પડશે. શ્રીધાને ક્યારેય શ્રીદામીની ન બનવા દઈશ.
વિચારી લે શ્રીધા. તારી સફળતા, તારી નામના, તારા ફેન ફોલોઇંગ… આ બધું જ છોડીને ફક્ત તારી કલમને વફાદાર રહી શકીશ ખરા ? આ પ્રસિદ્ધિનો કેફ ઊતારી ફક્ત શ્રીધા બનીને રહી શકીશ તું ?