રોગ સુખની ચાવી છે
રોગ સુખની ચાવી છે
જીવનમાં મુશ્કેલી આવે ત્યારે બધાજ આપણને તેનો સામનો સકારાત્મક દ્રષ્ટિકોણથી કરવાની સલાહ આપે.ઘણીવાર આવા લોકોથી મુસીબતમાં સપડાયેલા લોકોને ગુસ્સો પણ આવે.જયારે ભવિષ્ય ધુંધળું દેખાતું હોય, તકલીફમાંથી માર્ગ કાઢવો ખરેખર બહુ મુશ્કેલ જ હોય ત્યારે ખરેખર પોઝિટિવ વિચારવું અને ખરેખર સૌ સારા વાના જ થશે તેવો વિશ્વાસ જાળવી રાખવો તે પણ પડકાર સમાન જ છે.
આવા જ કોઈ પડકારનો ભૂતકાળમાં સામનો કર્યાનો રોમાંચક અનુભવ હું અહીં વર્ણવું છુ.
લગ્નના થોડા જ વર્ષોમાં મેં એક દીકરીને જન્મ આપિયો. દીકરી અવતરવાનું સુખ અનુભવવા સાથે જ મારી સુંદરતા પર ગ્રહણ લાગી ગયું. મારુ વજન ઉત્તરોઉત્તર વધતું જ ચાલ્યું. ઘણા અખતરા વજન ઉતારવા માટે કર્યા. જોતજોતામાં સુંદરતાનો અહેસાસ કરાવતો અરીસો જ મારા થી રૂઠી ગયો. સૌંદર્યજ જાણે મારા થી રિસાઈ ગયું હોય તેવું મને લાગતું. તેના કારણે મગજ ઉપર પણ હમેશા ભાર લાગતો. વાતવાતમાં ચિડાઈ જવું, કોઈક કઈ કહે તો બંધબેસતી પાઘડી પહેરી રિસાઈ જવું મારી આદત બનતી ચાલી.
જેટલા મોં એટલા ઈલાજ કર્યાં. મેદ ઓગાળવા રોજ કસરત પણ કરતી. વળી દુનિયાભરના ડાયટ પ્લાન પણ અનુસરતી. એવું નહોતું કે શરીરમાં કઈ ફરક જ નહોતો પડતો પણ મારા શરીરમાં પાંચ છ કિલો ઉતારવાથી દેખીતો ફરક ન લાગતો, વળી વધુ વજન ઉતારવા માટેની મારી ધીરજ ટૂંકી પડતી.એટલે જ વર્ષના અંતમાં બંદા જ્યાં હતા ત્યાં જ આવી જતા. જાડા હોવાથી સગાસંબંધી અને મિત્રોની પણ મજાક કાચની તૂટેલી બાટલી ઉપર ઉપર થી તો બરાબર લાગે પણ આંગળી લગાડવાથી તેમાં ચુભન થાય તેવું મારી સાથે બનતું. બધાને લાગતું કે મારા મનને આવી કોઈ મજાક સ્પર્શતી નથી નહિ તો આવું શરીર હોય? અચાનક શરીરમાં મેદ ભરાવાથી જાણે મેં મારી જાત સાથે કોઈ ગુનો કર્યો હોય તેવું મને ભાસતું.
આમ મારા જીવનમાં પણ તડકા છાયા સાથે કપાતું ગયું પણ મેં જીવનમાં સકારાત્મક અભિગમ સાથે જીવવાનું ક્યારે નહિ છોડ્યું. “ભગવાન જે કરે તે સારા માટે” એવા વિચાર ને હંમેશા વળગીને રહેતી. મારા આવા વિચારથી પણ ઘણાલોકો હસતા અને કહેતાં વળી આવી વાતમાં શું ભગવાન સારું કરવાનો?
અચાનક થોડા મહિનાથી મારા શરીરમાંથી સોજા અને પાણીની માત્રા ઓછી થતી જણાઈ ધીરે ધીરે વજન પણ ઓછું થયું. મને લાગ્યું કે વષોની મહેનત હવે રંગ લાવી કદાચ. વિદેશ ટૂર ના ફોટોગ્રાફ પણ સારા આવવા લાગ્યા.ફરી ધરબાયેલા સુષુપ્ત શમણાંઓ ને જાણે ફરી ખીલવાની તક મળી. રસ્તે મળતા મિત્રો અને સંબંધી પણ મારામાં આવેલા બદલાવને નોંધવા લાગ્યા.
મનમાં ને મનમાં હું પોરસાવા લાગી. જોયું કરી દેખાડ્યું ને? રોજ આટલું ચાલુ છુ વળી ખોરાક પણ હેલ્થી જ ખાઉં છું(મારા કહેવા પ્રમાણે) તો અસર ક્યારે ને ક્યારે તો થશે જ વળી મારી ઉંમરની મારી લગભગ બધી જ સખીઓ ને ચશ્માં આવી ગયા હતા. નાનપણથી જ મને ચશ્મા પહેરવાની ભારે સૂગ,મગજના કોઈ ખૂણે ફિટ થઇ ગયું હતું કે ચશ્મા પહેરવાથી
દેખાવ ખુબ ભદ્દો લાગે ઉંમરના પ્રમાણ કરતા પાંચ સાત વર્ષ વધુ મોટા દેખાયયે એવી માન્યતા હતી. હું હંમેશ એવી ઈચ્છા રાખતી કે કાશ! મને બેતાલા આવે જ નહિ તો કેવું સારૂ.
ભગવાન હજી જાણે મારી કસોટી કરવાના હતા, અચાનક કોઈ વીમો ઉતારવાની પ્રક્રિયામાં બધા ટેસ્ટ કરાવતા જાણવા મળ્યું કે મને લોહીમાં બોર્ડરલાઈને મધુપ્રમેહ છે. સાંભળીને ખુબ આંચકો લાગ્યો. મારી મનોસ્થિથી કૈક આવી થઇ.
“ લગાવીને ગોળ કોણીએ,
દોડાવે છે જિંદગી,
હજી જીભ અડે ત્યાં
ડાયાબિટીસ બતાવે છે જિંદગી.”
આમ જરા જીવન જીવવાની મજ્જા આવતી હતી ત્યાં જ બ્રેક લાગી ગઈ.વળી વજન ઉતારવાનું કારણ પણ ડાયાબિટીસ ની આગોતરી ઓળખના નમૂના રૂપે જ હતું. ક્યારેક અચાનક કોઇ ઓપરેશન કરવું પડે તો પણ ડાયબિટીસને કારણે બહુ મુશ્કેલીઓ સંભવિત છે તેવો ડર પણ મનમાં લાગવા લાગ્યો.મધુપ્રમેહ થવાનું કારણ પણ આટલા વખત મારુ વજન વધુ હતું એને લીધે જ તો.મને ખુબ રડવું આવ્યુ વળી મારા સકારત્મક અભિગમ સેવવાનો નજરીયો પણ ખોરંભે ચડવા લાગ્યો.
થયેલી હાનિ વધુ ન ફેલાઈ તેના માટે હું ખુબ તકેદારી લેવા માંડી. પહેલા કરતા પણ વધુ મારા ખાનપાન પર ધ્યાન આપવા લાગી. ગળી અને શકર્રાવાળી બધી જ ચીજો ને મેં તિલાંજલિ આપી દીધી ઘણી તપાસ પછી જાણવા મળ્યું કે મને ઘઉં નથી સદતા એને જ કારણે મારુ શરીર વધતું અને ડાયબિટીસ પણ થયા નું માલુમ પડ્યું. ઘઉં છોડતા જ મારા ડાયાબિટીસ અને વજન માં નોંધનીય સુધારો દેખાયો.
થોડાક જ દિવસ પછી સાસુની આંખની તપાસ કરવા હું તેમની સાથે ગઈ. તેમને તો મોતિયો હજી પાક્યો નથી તેમ જણાવ્યું. ડોક્ટર ઓળખીતા હતા એટલે મારી પણ આંખની તપાસ કરાવી લેવા સૂચવ્યું. હજી મારા પર મુશ્કેલી આવવાની બાકી હોય તેમ બંને આંખમાં મોતિયો બનવાની શરૂઆત થઇ ગઈ છે વધુ માં વધુ બે મહિનામાં જ ઓપરેશન કરાવી લેવું પડશે. હું ખુબ હતાશ થઇ ગઈ.ભગવાન મારી સાથે જ આવું કેમ કરતા હશે? મને જ એક સાથે દુઃખ આપતા હશે ? લોકો શું કહેશે કે આટલી નાની વયમાં વળી મોતિયો! ત્યારે તરત જ મારા માં વસેલી સકારાત્મકતા એ અંદરથી જવાબ આપિયો કે દુનિયામાં જયારે બધા કરતા સારું સુખ મળ્યું આખી દુનિયા જોવાનો લ્હાવો મળ્યો ત્યારે તો મેં ભગવાનને ક્યારેય નથી કહ્યું કે આ બધું મને જ કેમ?
ધીરેધીરે મેં મારા દિલ ને આવી પડેલી આ મુશ્કેલી માટે પણ તૈયાર કરી. બધી જ તબીબી તપાસ કરાવીને એક પછી એક આમ બંને આંખોનો મોતિયો ઉતરાવી લીધો નવી ટેકનોલોજી ને લીધે નવા નંખાયેલા લેન્સ થી મને આ દુનિયા વધુ સુંદર દેખાવા લાગી અને ચશ્મા પહેરવાની ઝંઝટ થી કાયમ માટે છુટકારો થઇ ગયો.
આમ વ્યાધિ આવવા છતાં મારામાં સકારાત્મક અભિગમ ને કારણે વર્ષો થી જામેલો મેદ પણ ઉતરી ગયો. સજાગતાને કારણે મધુપ્રમેહ જેવા હઠીલા રોગને પણ માત આપીને નકારાત્મક અભિગમ ધરાવનાર સામે દીવાબત્તી સમાન પુરવાર થઇ ને હું ધન્યતા અનુભવું છુ.