ટેબલ નંબર - ૭
ટેબલ નંબર - ૭
'ધીરે ધીરેસે મેરી જિંદગી મેં આના
ધીરે ધીરે સે દિલકો ચુરાના....'
આશિકીનું ગીત સાંભળતા જ નૂરના મુખ પર સ્મિત આવી ગયું. પ્રેમ નીતરતા ગીત સાંભળીને ભાગ્યેજ કોઈ પ્રિયતમાનું મન કાબુમાં રહી શકે. નૂરને આજે સવારથી જ શાહિદ ખુબ સાંભર્યો હતો. તેના વાલિદ વિદેશથી આવ્યા હોવાથી હમણાં મળવું મુશ્કેલ છે એવું તેને છેલ્લી વાતચીતમાં જ કહ્યું હતું.
નૂર દેખાવે ભીનેવાન પણ નેણ નક્ષ ખૂબ તીખા. મુંબઈ જેવા મેટ્રો શહેરમાં તેના અબ્બુ નાની દરજીની દુકાન ચલાવીને પેટિયું રળતા હતા. જ્યારે શાહિદ શહેરના મોટા બિઝનેસ ટાઇકૂન બોની વર્માનો એકનો એક દીકરો. આટલી વિરોધાભાસ કુટુંબ ધરાવતા બે હૃદય એક કેવી રીતે થયા એવો વિચાર તેમના નજીકના મિત્રવર્તુળને હંમેશા સતાવતો.
નૂર, વર્માએન્ટરપ્રાઇઝની ફેક્ટરીમાં પાર્ટ ટાઈમ નોકરી કરતી હતી. શાહિદ પણ પોતાના ભણતર સાથે પોતાની ફેક્ટરીમાં કામકાજ પર નજર રાખતો. શાહિદને પાલતુ જાનવરો રાખવાનો ખૂબ શોખ હતો, તેથી જ તેને ફેક્ટરીના આઉટહાઉસમાં બે બિલાડી પાળી હતી.
અચાનક એક ગોઝારા દિવસે કારખાનામાં આગ લાગી. બધા નાસભાગ કરવા લાગ્યા. સૌ પોતાની જાન બચાવામાં બિચારા મુંગા પ્રાણીને ભૂલી ગયા ત્યારે નૂરે પોતાની જાનની પરવાહ કર્યા વગર આ બંને બિલાડીને હેમખેમ બચાવી લીધી.આ બનાવથી નૂર શાહિદની આંખોમાં વસી ગઇ. ધીરેધીરે ઓળખાણ પ્રેમમાં પરિણમી. નૂરની ચપળતા અને નીડર સ્વભાવે શાહિદ જેવા મોટા દરજ્જાના વ્યક્તિનું પણ દિલ જીતી લીધું.
ઘણા વિઘ્નસંતોષી વ્યક્તિને તો લાગતું કે નૂરે શાહિદ પર જાદુટોણા કરીને તેને પોતાનો બનાવી લીધો છે. અમુક સ્ટાફની વ્યક્તિઓ એ આ બંને પ્રેમી પંખીડાની કહાની શાહિદના પિતા સુધી પહોંચાડી. બોની વર્માએ વાત શાહિદના જવાનીનો જોશ સમજીને જવા દીધી.
અચાનક એક દિવસ ચાલના માલિકે ચાલને મોટા બિલ્ડરને ખૂબ ઉંચા ભાવે. વેચી નાખી. નૂર અને તેનો પરિવાર અચાનક રસ્તા પર આવી ગયો. ત્યારે શાહિદ જ તેનો મસીહા બની ને કારખાનાના આઉટહાઉસમાં તેમને રેહવાની વ્યવસ્થા કરી આપી. નૂરના અમ્મી અબ્બુને તો તેમના નેક કર્મના ફળ સ્વરૂપે જ અલ્લાહે શાહિદ નામનો ફરિશ્તો મોકલ્યો હોય તેમ લાગતું હતું.
આખરે નૂરની તમન્ના પૂરી થઈ. શાહિદનો ફોન તેના મોબાઈલમાં આવ્યો. સાંજે મળવાનું નક્કી થયું. નૂર અને શાહિદ ઘણા દિવસે મળવાના હતા. બંને સમયના કાંટાને જલ્દી ચલાવવા માંગતા હતા. નૂરે નવા જ સલવાર કમીઝ પહેરી ને સરસ તૈયાર થઇ.
મુંબઈની ખ્યાતનામ હોટેલ લિઓપોડમાં સાંજે છ વાગે મળવાનું નક્કી કર્યું હતું. દુનિયાના અલગ અલગ ખૂણેથી આવેલા લોકો અચૂક આ હોટેલની મુલાકાત લેતા.આખરે પ્રતીક્ષાનો અંત આવીયો.શાહિદ અને નૂર ટેબલ - નંઃ ૭ પર બેસીને પોતાના આવનારા સુનેહરા દિવસોના સપના જોતા હતા. શાહિદ પણ તેના ડેડને નૂર વિષે વાત કરી, જલ્દી જ આ સંબંધને નામ આપવાનો કોલ નૂરને આપી ચુક્યો હતો. આ મુલાકાત તેઓના પ્રણયજીવનની યાદગાર સાંજ પુરવાર થવાની હતી.
સાંજના સાતના સુમારે અચાનક કોઈ જોરદાર અવાજ આવ્યો. કોઈ કંઈ સમજે તે પહેલા જ બે લબરમૂછિયા હાથમાં મશીનગન લઇને ધાણીની જેમ લોકો પર ચલાવતા હતા.બધે જ દોડાદોડ મચી ગઈ. શાહિદની છાતી પર આવેલી ગોળી અચાનક નૂરે પોતાની છાતી પર ઝીલીને શાહિદ પ્રત્યેના બેપનાહ પ્રેમની સાબિતી આપી દીધી. શાહિદને પણ હાથ અને પગ પર ઘણી ગોળી વાગી. મુંબઈ શહેરમાં આંતકવાદી હુમલો થયો હતો.
નૂર તો શાહિદના પ્રાણ બચાવતા પોતે જ શહીદ થઇ ગઈ. શાહિદ ચાર મહિના પછી તેના ઝખ્મો અને મગજના ઘામાંથી બહાર આવ્યો. ત્યારે જ લિઓપોડ રેસ્ટોરન્ટનું પણ પુનરુદ્ધાર શરૂ થયો. ટેબલ નં-૭ સાથે તેની જોડાયેલી લાગણીને માન આપતા ત્યાં શાહિદ અને નૂરના પ્રેમની કથા પ્રતીકરૂપે જડવામાં આવી.