Neha Shah

Others

4  

Neha Shah

Others

સ્વ ની શોધ

સ્વ ની શોધ

5 mins
14.6K


 આજે પોહ ફાટતા જ મુળજીભા ના અવસાન ના સમાચાર આખાય ગામમાં ફેલાય ગયા.ડોસો ઘણા વખતથી બીમાર હતો.ત્રણ ત્રણ દીકરા હોવા છતાં તેમની સારવાર માટે કોઈ શહેરમાં ન લઇ ગયું.હવે તેમના ખોરડાંની પહેલા જેવી ચમક પણ ક્યાં રહી હતી? ભાનો મોટો દીકરો રવજી ચિંતામાં હતો,ગામનો માથાભારે ગુંડો રણજિતના માણસો શબને મસાણમાં લઇ જવા નહોતા દેતા.તેની મોટી દીકરીના લગ્ન વખતે લીધેલું કરજ જ્યાં સુધી નહિ ચૂકવે ત્યાં સુધી મૂળજીભાને અગ્નિ નહિ અપાય.

આખું ગામ ચિંતા માં હતું.ત્યાં કોઈ ને ભાનો સૌથી નાનો દીકરો કુંદન  સાંભર્યો. ભાનાં  છેલ્લા શ્વાસ હતા ત્યારે જ સમાચાર મોકલી દીધા હતા. તેના આવવાથી જ કઈ નિર્ણય લેવાઈ બાકી ના બંને ભાઈ પણ માંડમાંડ પોતાનું ગાડું ગબડાવતા હતા. તેઓ દસ લાખ જેવી મોટી રકમ ચૂકવી શકે એવા કોઈ આસાર નહોતા. આખું ગામ કુંદનના આગમન ની કાગડોળે રાહ જોતું હતું. લગભગ એકાદ દસકો વીતી ગયો કુંદનને ગામ છોડ્યાને, મેલડીમાં ની મહેર થી બહુ મોટો માણસ બની ગયો છે એવા સમાચાર સાંભળીયા હતા. 

મારી પત્ની જાનકી એ પણ મને રોજ કરતા વહેલો ઉઠાડીને મરણના સમાચાર આપીયા.કુંદન મારો બાળપણનો ભેરુ સ્કૂલ પણ અમારી એક જ,તેના ગામ છોડ્યા પછી એક દહાડો એવો નહિ ગયો હોય કે તે મને નહિ સાંભર્યો હોય.તેના જેટલી હિમ્મત જો મારા માં હોત તો કદાચ મારુ વર્તમાન અને ભવિષ્ય કઈ જુદું જ હોત.આ બધું વિચારવાનો આજે ક્યાં સમય જ હતો જલ્દી થી તૈયાર થઇ ને હું કુંદનના ઘરે પોહ્ચ્યો.

ત્યાં પહોંચતા જ મને ખબર પડી કે ભાના અંતિમ સંસ્કાર માટે કુંદન આવે છે.સાડાનવ વર્ષ પછી હું કુંદનને મળીશ.તે મને કેટલા પ્રશ્નો પૂછશે પણ હું એને શું જવાબ આપીશ?શું હાસિલ કર્યું મેં અહીં દોહરી જિંદગી જીવી ને,ત્યાં બધા ડાઘુઓ ઉભા થયા.કુંદન ગામના ઝાપે આવી ગયો છે.બધા ની નજરમાં એક પ્રશ્ન હતો. આટલા વખતે કુંદનને જલ્દી જોવાની ચાહ હું રોકી ન શક્યો થોડા ગામવાસી સાથે હું પણ તેને લેવા ભાગોળ સુધી દોડ્યો. 

આખું ગામ કુંદનને જોઇને અચંબામાં પડી ગયું. કુંદન હવે નખશીખ હીજડો થઇ ગયો હતો. તેની સાથે તેના પાંચ સાથી પણ આવ્યા હતા. તેઓ એક લાલ બત્તીવાળી મોટી ગાડી માં આવ્યા હતા.કુંદનને જોતા જ મારી આંખ ભરાય ગઈ હું ભીડ માંથી આગળ આવી ને તેને ભેટી પડ્યો.તે પણ મને જોઈને રડવા લાગ્યો. "નંદુ કેમ છે? જોયો મારો અવતાર?"મેં માથું ધુણાવી ને હા પાડી.બધા ઘર તરફ ચાલવા લાગ્યા.મારૂ મન વીસ વર્ષ પાછળ ધકેલાઈ ગયું. 

નાનપણથી જ હું અને કુંદન થોડા ઢીલા, શાળામાં છોકરાઓ ધિંગામસ્તી કરે પહાડ ચડવા જાય ત્યારે હું તેમાં રસ ન લેતો.મને જોઈ કુંદન પણ મારી સાથે જોડાતો.મુગ્ધાવસ્થા માં છોકરી પર આકર્ષણ થવું કે દોસ્તો સાથે ઝાડ પાછળ છુપાઈ ને ગામના બૈરાંને નદીમાં નહાતા જોવા ની કોઈ જ ઈચ્છા મને અને કુંદનને ન થતી.બધા અમને બંનેને ખુબ ચીઢવતા અને પોણિયો કેહતા. ઉંમર વધતા કુંદન અને મારા દાઢી મૂછનો પણ વિકાસ ન થયો. અમારું ખોરડું ગામમાં ખુબ વગદાર તેથી મને કોઈ બહુ ન ચીડવતું પણ કુંદન ને તો તેના ઘરના બે મોટા ભાઈ જ વારંવાર અપમાન કરતા.વળી એક વખત તે ઘરમાં તેની ભાભીની સાડી અને દાગીના પહેરતા પણ પકડાયો હતો.ત્યારે તે મારી પાસે આવીને ખુબ રડ્યો હવે અમને બંનેને સમજાય ગયું હતું કે અમારું ખોળિયું ભલે પુરુષ નું છે પણ અમારી અંદર એક સ્ત્રીનું કોમળ હૃદય પણ ધબકી રહ્યું છે.બંને સમદૂખિયાને મેળવીને મેલડીમાં એ કૃપા કરી છે.મનનો ભાર એકબીજા સાથે મળી હળવો કરતા.

અચાનક કુંદનની માં નાની માંદગીમાં અવસાન પામી.ઘરના બે ભાઈઓ એ મા ના અગ્નિસંસ્કાર કરવા ની કુંદનને ના પાડી "તું ક્યાં મરદ માં છે?" તેવું મેણું આખા ગામ સામે માર્યું. માં ના મરણ સાથે આવું અપમાન કુંદનથી ન જીરવાયું.ભા પણ કઈ બોલી ન શકયા.તે જ રાતે કુંદન આ ગામ અને પોતાની ઓળખને કાયમ માટે છોડીને ચાલ્યો ગયો.

ગામ થોડા દિવસ સોપો પડી ગયો.તેના ભાઈઓ તો એવું જ ચાહતા હતા કે તે હવે અહીંથી ચાલ્યો જાય. મને તેની ખુબ યાદ આવતી.કુંદનના બનાવ પછી મારી માએ મારા સગપણ ની ખુબ ઉતાવળ કરી.મેં ઘણું સમજાવ્યું પણ કદાચ ઘર છોડી જવા જેટલી હિંમત ન કરી શક્યો.જાનકી મારી પત્ની બનીને મારા ઘરમાં આવી. કદાચ સીતાની જેમ આ જાનકી ને પણ મારી સાથે જીવન વીતવાની અગ્નિ પરીક્ષા આપવી ન પડે તેમ માની ને મેં તેને પહેલી રાતે જ આખી હકીકત જણાવી પણ તે રહી ગરીબ માબાપની દીકરી,પડ્યું પાનું નિભાવાના સંસ્કાર આપણે દીકરીઓ ને ગળથુથી જ પાતા આવ્યા  છે.તેને શરીર સંબંધથી વંચિત  રહીને પણ મારી સાથે રહેવાનું નક્કી કર્યું.

આખરે બધા ભાના પાર્થિવ દેહ પાસે આવ્યા  રણજિતના માણસોએ બધી વાત કુંદનને કરી તેના સાથે આવેલા વ્યંઢળોએ રકમ પહોંચાડી દેવાની બાંહેધરી આપી અને અંતિમયાત્રા નીકળી. ત્રણે ભાઈઓએ સાથે ભાને અગ્નિ આપી.ઘરે આવીને રવજી અને નાનજીએ કુંદનનો આભાર માન્યો.ગામવાસી પણ કુંદનના અવતાર ની સફર વિષે જાણવા આતુર હતા.

કુંદન સૌની વચ્ચેથી ઉભો થઇ ને બધાને નમસ્કાર કર્યા.તેને કહ્યું મારુ નામ સોના છે. કુંદનના ખોળ્યામાંથી જ હું જન્મ પામી છુ,પણ હવે હું એક પૂરી વ્યક્તિ છુ.અહીં થી નીકળ્યા પછી ઘણા દિવસો સુધી મેં મારા અસ્તિત્વ ની ખોજ કરી.મુંબઈ પહોંચ્યો ત્યાં  ફૂટપાથ પર રહ્યો.કાચુંકોરું જે મળે તે ખાઈને દિવસો વિતાવ્યા.ત્યાંજ એક દિવસ ત્યાંની લોકલ ટ્રેનમાં મને લક્ષ્મી આપા નામની એક વ્યંઢળ મળ્યા. તે મને જોઈને મારો ચિતાર જાણી ગયા.તે મને તેમની વસ્તીમાં લઇ ગયા ત્યારે મને અહેસાસ થયો કે ના હું પૂર્ણ પુરુષ છુ, ન તો હું પૂર્ણ સ્ત્રી છુ.ત્યાં મને અંગ્રેજી અને વિજ્ઞાનનું જ્ઞાન મળ્યું. ધીરેધીરે મારામાં ધરબાયેલી શક્તિનો મને સાક્ષાત્કાર થયો.મારા જેવા ત્રણ ચાર સાથી સાથે ભેગા થઇ ને મેં "સખી" નામની સંસ્થા સ્થાપી જ્યાં મારા જેવા પીડિત પોતાને ઓળખીને સમાજને ઉપયોગી બની શકે તેવી તાલીમ મળે. આ સંસ્થામાં મેં એક ટ્રેનિંગ સેંટર સ્થાપ્યું આખા જગતને ઈન્ટરનેટ દ્વારા મારા આ કાર્યની જાણ થઇ લોકો એ ખુબ દાન આપ્યું.આપણા દેશમાં આવા પ્રકારના લોકો માટે સૂગ છે, પણ દુનિયા આખી એ આ પ્રકારના લોકોને માન્યતા આપી છે. હું વિદેશ પણ આના વિકાસ માટે જઈ આવ્યો. સોશ્યિલ મીડિયા પર આમારી આ સંસ્થાના લાખો અનુયાયી છે.આ કામગીરી જોઈને એક રાજકીય પાર્ટીએ મહાનગરપાલિકાની ઉમેદવારી માટે પણ મને પસંદ કર્યો.હું બહુમતીથી ચૂંટાઈને હોદ્દા પર આવ્યો. આજે આમારી સંસ્થામાં લગભગ પચાસ હજાર વ્યંઢળો ટ્રેનિંગ પામીને સારી નોકરી કે હોદ્દો પામીને ગર્વભેર જીવન જીવે છે.બધા ગામવાસી સોનાની કથની સાંભળી ગર્વભેર તાળીના ગડગડાટ થી વધાવી લીધી.વાત પુરી કરતા સોના એ નંદુ સામે નજર રાખી ને કહ્યું આવું મારી જ સાથે નહિ આપણા બધા માંથી કોઈ ની પણ સાથે થઇ શકે છે, ફક્ત સમય સાથે હિંમતથી ડગલું ભરવાની જરૂર છે.


Rate this content
Log in