પ્રતિજ્ઞા
પ્રતિજ્ઞા
હવા મેં ઉડતા જાયે...
મેરા લાલ દુપટ્ટા મલમલકા...
અમીન સયાનીના અવાજમાં બિનાકા ગીતમાલામાં મધુર પ્યાર કી યાદેનો કાર્યક્રમ ચાલતો હતો. સુરેખાને નાનપણથી સંગીત સાંભળવાનો અને ગાવાનો ખૂબ શોખ પણ નાની ઉંમરમાં જ માતાપિતાનું અકસ્માતે અવસાન અને ફઈ પાસે ઉછરીને જિંદગી સાથે બંધ બેસાડતા જ જયારે ભાન આવ્યું ત્યારે મિલિન્દ સાથે તેનું સગપણ થઇ ગયું હતું.
રાજલભા અને હીરજી જેવા સાસુ સસરા મેળવીને સુરેખાને તેના માવતર ક્યારે નહોતા સાંભર્યા. મિલિન્દ અને મયંક બે દીકરાનો નાનો સંસાર, રાજલને હંમેશ દીકરીની ખોટ વર્તાતી. મિલિન્દ જ્યારે પરણવાલાયક બન્યો ત્યારે તેની આવનારી વધૂમાં જ તે પોતાની દીકરી ગોતી લેશે તેવું તેને લાગતું.
ગામમાં મેલડીમાના મંદિરના જીર્ણોદ્ધાર વખતે જ તેનું ધ્યાન સુરેખા પર પડ્યું. તપાસ કરાવતા જ ખબર મળ્યા કે છોડીના માવતર તો પાંચ છ વરહ પેલા જ કોઈ અકસ્માતે મરણ પામ્યા છે, તેના ફૈબા પાસે જ છોડી મોટી થઇ છે.
હીરજી સાથે જઈ સુરેખાના ફૈબા પાસે તેનો હાથ માંગ્યો. ગામમાં મોટા ખોરડાંની વાત સાંભળી સુરીની ફઈ ભીમલીને તો પોતાનો ભાર પળવારમાં જ મેલડીમાં એ હટાવી દીધો તેવું લાગ્યું. હરખે હોંશે તેને સગપણ વધાવી ને આવતી અખાત્રીજે જાન લાવવાનું આમંત્રણ આપિયું.
વાજતે ગાજતે સુરી રાજલના ખોરડે આવી ગઈ. રાજલ પેટની દીકરી જેવો પ્રેમ કરતી સામે સુરીએ પણ રાજલ અને સસરાને ખૂબ આદર આપતી. મિલિન્દ જેવા પ્રેમાળ પતિ અને મયંક જેવા નટખટ દિયરને પામીને સુરેખાને સ્વર્ગના સુખની અનુભૂતિ થતી.
લગ્નના છ જ મહિનામાં સુરીને ઓધાન રહ્યા. પુરા દિવસે લક્ષ્મીનો અવતાર સમી દીકરી અવતરી. ઘરમાં ચાર પેઢી પછી સુરીની કુખે દીકરીને જોઈને ઘરના બધાં માટે રમકડું જ મળી ગયું જાણે. મિલિન્દની નોકરીમાં પણ બઢતીના સમાચાર આવિયા. મયંક ઈન્ટરની પરીક્ષામાં પ્રથમ આવીયો, ત્યારે ભાભીના મોઢામાં જ પહેલો મોહનથાળનો ટુકડો મુક્યો. "ભાભી તમે રાતભર મારી સાથે બેસીને મને સોબત ન આપી હોત તો આ પરિણામ શક્ય જ નહોતું." મયંક હંમેશા તેના દિલની વાતો સુરીને કેહતો.
રૂપા સાથે નવી નવી પાંગરેલી મૈત્રીની વાત પણ સુરીથી અજાણી ન હતી. મયંક ભણવામાં હંમેશ અવ્વલ રહેતો. ઘરની સાખ અને સુખ જોઈને ગામમાં ઘણા બળતણનીયા લોકોની આંખો લાલ થતી. સરપંચને ત્યાં નોકરીમાં સારી વગ ધરાવાથી હીરજીનો ભત્રીજો મુળજીને આ ખોરડાંથી વર્ષોથી અદાવત હતી. મજિયારામાં હીરજીના કુટુંબને વગવાળી જમીન મળવાથી મૂળજીએ ઘણીવાર કાળયારો માંડ્યો હતો. મિલિંદની સમજાવટથી મામલો ટાઢો પડ્યો હતો. મુળજી ગામની બેનું દીકરીયુ પર પણ ગંદી નજર નાખતો.
મયંકને રૂપા ગમવા લાગી હતી. ધીરેધીરે તેઓની મૈત્રી પ્રેમમાં બદલાઈ ગઈ. મયંક હંધી વાતો સુરીભાભીને કેહતો. સુરેખા ઘણીવાર આવી વાતો મિલિન્દને પણ ન કરતી. મયંકને જરૂરી સલાહ આપતી. રૂપાનું ખોરડું પણ ગામમાં વગદાર ગણાતું, એટલે મયંક અને રૂપાના સગપણમાં કોઈ અડચણ નહિ આવે એવું વિચારી સુરી મનમાં મનમાં હરખાતી. તેને તો રૂપાને તેની દેરાણી જ માની લીધી હતી.
વહેલી સવારે સુરેખાને ઉલ્ટી કરતા જોઈ રાજલભા ફરી મલકાયા. “દીકરી પછી આ ઘરનો વારીશ આપી દે દીકરી એટલે અમારો જન્મારો તો સફળ.” સુરી શરમાઈને પાણીનો લોટો લેવા ગઈ. સુરીને સારા દિવસો જવાની વાત બધા ફેલાઈ ત્યારે ઘરની વહુઆરુ બધાઈ રાજલભાને વધાઈ દેવા આવિયા. સૌ આવનારા દિવસોની વાટ જોવા લાગ્યા. પણ ધાર્યું ક્યાં ધણીનું થાય છે.
એક દિવસ મિલિન્દ મોડી સાંજે સીમમાંથી ઘર તરફ આવતો હતો. ત્યાં જ કોઈ સ્ત્રીનો અવાજ આવીયો તે ‘બચાવો! બચાવો’ કહી કરગતિ હોય તેવું ભાસ્યું. મિલિન્દ અવાજની દિશા તરફ આગળ વધ્યો. ખેતરમાં ઝાડને આડમાં મુળજી કોઈ અબળાની આબરૂ લૂંટતો હતો. અબળાની વારે થવા તેને મુળજીને જોરથી પાટુ માર્યું. રંગમાં ભંગ પડવાથી મુળજી પણ ભાન ભુલ્યો બાજુમાં પડેલી કોદાળી મિલિન્દ ને મારી, લમણે ઘા વાગવાથી મિલિન્દ ચત્તોપાટ પડી ગયો અને ખુબ લોહી વહેવા લાગ્યું.
મુળજી લોહી જોઈને ખેતરમાંથી ભાગ્યો. મુલજીનો શિકાર મિલિન્દને જોઈ ગામમાં લોકોને કહેવા દોડી.
વાયુવેગે વાત ફેલાઈ ગઈ. સૌ ગામવાસી મિલિન્દ પાસે આવિયા ત્યારે તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. મોભીઓ વિસામણમાં પડ્યા કે આવા દુઃખદ સમાચાર હીરજીના ઘરે આપે કોણ? ગામના પાંચ મોભી ભેગા થઇ આવા કાળા સમાચાર હીરજીના હસતા રમતા પરિવારને આપીયા ઘરમાં અને ગામ આખામાં રોળકકળથી વાતાવરણ બોઝિલ બની ગયું તે દિવસે આખા ગામમાં કોઈના ય ઘરે ચૂલો નહિ સળગ્યો.
સુરી તો જાણે ભાનસાન જ વિસરી ગઈ. પેટમાં બીજો જીવ ઉછેરે છે એવું તો ક્યાં યાદ હતું જ બિચારીને! સુખ જાણે હંમેશા બે ડગલાં છેટું જ ચાલતું, નાનપણમાં માવતર અને ભરજુવાનીમાં ધણીને નસીબ છીનવી ગયું. ગામના બૈરાં ભેગા થઇને તેને ખુબ રોવરાવી.
દિવસો જતા ક્યાં સમય લાગે જોતજોતામાં મિલિન્દનું બારમું અને તેરમું પણ થઇ ગયું. મૂળજીને તો પોલીસે ક્યારનો જેલભેગો કર્યો હતો.
પંચાયત પુરા બાવીસમે દિવસે બધી જ ઉત્તરક્રિયા કર્યા પછી મળી. સુરેખાને છઠો મહિનો જતો હતો. સાથે ચાર વર્ષની છોડીની જવાબદારી પણ હતી. ગામના મુખી અને પંચે નિર્ણય લીધો કે સુરીને કોઈ માવતર પણ હયાત નથી ત્રણ જીવની જવાબદારી કોને સોંપાઈ? માટે મિલિન્દનો જ નાનોભાઈ મયંક ભલે સુરી કરતા છ સાત વરહ નાનો છે પણ વખત જતા પરિપક્વ થઇ જશે માટે આપણી જૂની પરંપરાને માન આપી ને સુરી દિયરવટુ જ કરે તો બધા માટે યોગ્ય રહેશે.
પંચાયતનો ચુકાદો સાંભળીને મયંકના તો હોશકોશ જ ઉડી ગયા. તેની દુનિયામાંથી મિલિન્દ જેવા ભાઈની છત્રછાયા ગુમાવા કરતા પણ રૂપાને ભૂલવું વધુ કડવું હતું. તેને પંચાયતને વિરોધ કરતા કહ્યું કે હું સુરીભાભીને મા જેવી ગણું છું. તેમનું તથા તેમના બાળકોનું ધ્યાન હંમેશા રાખવાનું વચન આપું છું.
પંચે તેની વાત ને અમાન્ય કરતા કહ્યું કે શરૂમાં બધા જ આવું કહે પણ તારી ઘરવાળી આ ફેંસલાને માન્ય ન રાખે તો બાળકો ફરી અનાથ બની જાય, માટે જ પરંપરાથી ચાલતો આવેલો રિવાજને વળગી રેહવું યોગ્ય કહેવાય.
સુરીને જ્યારે આ નિર્ણયની જાણ થઇ ત્યારે તેને બહુ વિચાર કર્યો. આખા ગામની પંચાયતને ફરી ભેગી કરી.
પંચાયતે લીધેલો નિર્ણય તેના માટે તો યોગ્ય છે પણ મયંક અને તેની પ્રેમિકા માટે બિલકુલ અયોગ્ય છે તેમ જણાવ્યું. રૂપાને પણ સભામાં હાજર કરી. દિયરવટુ કરીને ત્રણ જીવન બગાડવા કરતા ભલે હું આખું આયખું વિધવા જ રહું. આખા ગામ સામે એલાન કર્યું કે રૂપા અને મયંક જ પરણશે. સુરીની વાતથી સૌ કોઈ દંગ થઇ ગયા. પંચાયત પણ વિસામણમાં મુકાઈ ગઈ.
રૂપા અને મયંક પણ અંદરોઅંદર વાતચીત કરવા લાગ્યા. થોડીવારની મસલત પછી મયંકે કહ્યું કે ભાભીએ આટલી ઉદારતા વાપરીને મારી અને રૂપાની જિંદગી બચાવી લીધી તો અમે પણ આખા પંચાયત સામે પ્રતિજ્ઞા લઇએ છીએ કે ભવિષ્યમાં ક્યારેય હું અને રૂપા સંતાન કરશું નહિ. અમારે માટે ભાઈભાભીના સંતાન જ અમારા ગણાશે. અમે ત્રણેજણ તેઓની પરવરીશ કરીશું.
પહેલીવાર પંચાયત વિરુદ્ધ ફેસલો સાંભળીને પણ બધા એ તાળીના ગડગડાટથી વધાવી લીધો. રાજલ અને હીરજીના ખોરડાંનો સંપ અને સંસ્કાર જોય સૌ કોઈ દંગ રહી ગયું.