વારસો
વારસો
"શોભા આ તારો કોઈ પત્ર આવીયો છે. કાનપુરથી ચિત્રકાર સ્પર્શનો છે. આપણે કાનપુર તો ફક્ત એક જ વર્ષ રહ્યા, એટલામાં તારો ઘરાબો આ ચિત્રકાર સાથે એટલો થઇ ગયો કે તેના પત્રો આજ સુધી આવે છે.” વ્યંગમાં કટાક્ષ મારતા નીશીતે કહ્યું.
સ્પર્શ નામ વિચારતા જ શોભા એ કહ્યું, "આપણા ઘરની બાજુમાં જ તેમનું ઘર હતું. કલાકાર જીવ. પણ આટલા વર્ષોમાં તો ક્યારેય કોઈ પત્ર આવીયો જ નથી, આશ્ચર્ય પામતા જવાબ આપિયો."
"ઠીક છે, આ તો તારા નામે પત્ર છે એટલે તને પૂછવું પડ્યું.અરે ! છોડો બધા ને ઋજુતાના માતાપિતા આવતા જ હશે." ત્યાંજ ડોરબેલ વાગી. આવો આવો.. પધારો ! ના ઉદગાર સાથે નિશિત અને શોભા એ થનારા વેવાઈનું સ્વાગત કર્યું.
આગતાસ્વાગતા સાથે પ્રિયમ અને ઋજુતાના પરિણયને સંબંધોની મહોર મારવાનો સમય આવી ગયો.
નાનપણથી પ્રિયમ અને ઋજુતા એક શાળામાં ભણતા. નજીકમાં જ ઘર હોવાથી શોભા અને મીનાક્ષીને પણ બાળકોની સાથે સાથે મૈત્રી થઇ ગઈ. પાંચ વર્ષના બાળકો હતા ત્યારની ઓળખાણ આજની પરિણય ગાંઠમાં બદલવાની હતી. એટલે સૌ ખુબ ખુશ હતા.
પ્રિયમ એક વર્ષ એમ.બી.એ ની ડિગ્રી લઇને ત્રણ દિવસમાં જ પાછો ફરવાનો હતો. તેના આવવાના દિવસે જ ગોળધાણાનું નાનું ફંક્શન પ્રિયમને મોટું સ્પ્રાઇઝ આપવાની વાત ચાલતી હતી.
બધું જ નક્કી કરીને ઋજુતા તેના મોમ-ડેડ શોભાના ઘરેથી વિદાઈ થયા. નિશિતનો સ્વભાવ પહેલેથી જ થોડો ખટપટીઓ, તેને શોભાને યાદ કરાવતા કહ્યું “કઈ ખબર પડી ? કે ઋજુતાના મોમ-ડેડ પ્રિયમને સગાઈમાં શું આપવાના છે ? તારી વાત તો મીનાક્ષીબેન સાથે થઇ જ હશે ને?” “હા હવે જવા દો ને તે વાત" શોભાએ વાત ટાળતા કહ્યું, ”તેઓ જે આપશે તે તેના જમાઈને આપશે અને તે તેનો જમાઈ જ વાપરશે આપણે શું લેવા દેવા?” " કેમ નહિ" ખિજાઈને નીશીતે કહ્યું, "આવડો મોટો ભણાવ્યો ગણાવ્યો તો આપણે જ ને ?" તો મારે પૂછવું તો પડે જ કે શું આપવાના છે પ્રોફેસર જી તેમના એક ના એક જમાઈને, ખબર તો પડે આ સંબંધ ખોટમાં છે કે નફામાં ?"
“અરે ! આવું બોલીને તો તમે મારા અનમોલ હીરા જેવા દીકરાનો સૌદો કરવા બેઠા હોઈ તેવું લાગે છે. આ જમાનામાં તમે આવું વિચારો છો ? તેની આવી કોઈ શુલ્ક ભેટથી સંબંધો ને માપવાનો નઝરીયો જ ખોટો છે તમારો,” મોં મચકોડીને શોભા રસોડા તરફ વળી.
કામ કરતા કરતા પણ શોભા અતીતમાં પહોંચી ગઈ. નિશિતને શરૂઆતથી પૈસા સાથે સંબંધોને જોડવાની ખરાબ આદત છે. પાંચ બહેનોમાં પોતે સૌથી નાની. માં બાપે ભણાવી ગણાવીને બધાને માંડ પરણાવ્યા ત્યારે પણ કોઈક વાર તહેવારે મારા પિયરથી ઓછો વ્યવહાર થાય તો તરત નિશિત અને તેની માં મને સંભળાવતા, પણ હવે હું આનું પુનરાવર્તન નહિ થવા દઉં. હું ઋજુતાને તેના પિયરથી કઈ પણ લાવવા લઇ જવામાં કોઈની દખલગીરી નહિ ચલાવું.
સાંજે જમી પરવારીને શોભા અને નિશિત બેઠા હતા. ત્યાં જ નિશિતને ઓલો પત્ર યાદ આવીયો. શોભા ચાલ ઓલા સ્પર્શ મઝુમદારનો પત્ર ખોલીયે, જોઇએ ચોવીશ વર્ષ પછી આપણે એને કેમ સાંભર્યા ?શોભાને પણ થોડી મૂંઝવણ તો થઇ પણ સ્પર્શે આટલા વર્ષે મને કેમ યાદ કરી હશે ! એવું પણ લાગ્યું.
'પ્રિય કહેવાનો હક્ક તો છે જ નહિ એટલે ખાલી શોભા, તને મારો પત્ર મળશે ત્યારે હું આ દુનિયામાં નહિ હોવ. મને મગજમાં ગાંઠ થઇ છે. આ લખું છુ તેના બીજા જ દિવસે ઓપરેશન છે. બહુ ઓછી શક્યતા છે કે હું આ શસ્ત્રક્રિયામાં બચુ. એટલે જ કદાચ તું યાદ આવી. તારું એડ્રેસ મને નિશિતના મિત્ર પાસેથીજ મળ્યું. હું જીવનમાં એકલો જ છુ. મારો કાનપુરનો બઁગલો અને બેંક એકાઉન્ટમાં રહેલા ૭૦,૦૦,૦૦૦ હું તારા દીકરા પ્રિયમને નામે કરતો જાવ છુ. મારો વકીલ મિસ્ટર કોહલી તમને મળવા અને કાનૂની સહી સિક્કા કરવા આવશે.'
પત્રની વિગત સાંભળતા જ શોભાને કાપો તો લોહી ન નીકળે તેવી હાલત થઇ ગઈ. શોભાએ દુનિયાની સામે ગોરંભી રહેલું સત્ય આમ ચોવીશ વર્ષે બહાર આવશે એવી કલ્પના તેને ક્યારેય નહોતી કરી. હકીકત વાંચીને નીશીતે પહેલો સવાલ કર્યો કે, "સ્પર્શ આપણી બાજુમાં રહેતો ત્યારે પ્રિયમ તો ફક્ત એક મહિના નો હતો. વાત શું છે શોભા ! કાનપુર ની આટલી મોટી હવેલી અને સીતેરલાખ જેવી માતબર રકમ તે શું કામ પ્રિયમના નામે કરે?"
શોભા ખુબ ગભરાઈ ગઈ. તેના હોઠ સુકાવા લાગ્યા અને આખા શરીરે પરસેવો બાઝી ગયો.તેના આંખમાં થી આંસુ વહેવા લાગ્યા.તેને નિશિતને કહ્યું, "પ્લીઝ તમે મને ગેરસમજ નહિ કરો, હું શાંતિથી તમને બધી વાત કરું છુ."
આપણે નવા-નવા કાનપુર રહેવા ગયા હતા. તમારી નવી નોકરીને કારણે તમે બહુ જ વ્યસ્ત રહેતા હતા. સવારે આઠ વાગ્યાથી તમે નીકળી જતા અને મોડી રાતે ઘણીવાર કંપનીમાં જ કોઈ ક્લાઈન્ટ સાથે ડિનર કરીને આવતા. નવા સ્થળને હિસાબે હું કોઈન ખાસ ઓળખતી પણ નહોતી. મારો ચિત્રકલાનો એક જ શોખ સમય પસાર કરવાનું સાધન હતો. એક દિવસ રવિવારે સવારે તમે સ્પર્શને આપણા ઘરે લઇ આવિયા, બાજુના બંગલામાં રહે છે અને તે બહુ મોટા ચિત્રકાર છે એવું કહીને ઓળખાણ કરાવી હતી. ઔપચારિક વાતો કરી આપણે સ્પર્શને વિદાઈ આપી.
આવતા જતા એક પાડોશીને નાતે સ્મિતની આપ લે થતી. તેને ઘરે ચિત્રકળાના ટ્યુશન આપવાનું પણ ચાલુ કર્યું હતું. તમે મારી એકલતાની ફરિયાદોને દૂર કરવા સ્પર્શને આપણા ઘરે મને ટ્યૂશન આપવા આવવાની વિનંતી કરી. ધીરેધીરે મને પેઇન્ટિંગ બનાવામાં અને સ્પર્શની નજદીકી ગમવા લાગી. તમે પંદર દિવસ માટે મુંબઈ ગયા હતા, ત્યારે એક વરસાદી સાંજે મને ખુબ તાવ આવ્યો. ઘરમાં મારો ખ્યાલ રાખવાવાળું કોઈ ન હતું.તેને મને કપાળે પોતા મૂક્યા અને દવા આપીને સુવા દીધી. બીજે દિવસે હું તેનો આભાર માનવા ફૂલો લઇને તેના ઘરે ગઈ. સાંજનો સમય હતો અચાનક અમે બંને કોઈ ખેંચાણથી એકબીજામાં ખોવાઈ ગયા.
થોડા દિવસો પછી તમે મુંબઈથી આવી તો ગયા, પણ એજ દિવસે તમારી લખનવની ઓફિસમાં ઈમરજેંસી કોઈ કામ આવી પડ્યું, તો તમારે પાછા દસ દિવસ ત્યાં જવું પડ્યું. થોડા જ દિવસમાં મને મારી ભૂલ સમજાઈ આ કોઈ પ્રેમ નહોતો પણ એકલતાનો આવેગ હતો તે કદાચ કોઈ પુરુષથી પણ એકલતામાં થઇ જ જતો હોય છે.
મને મારી ભૂલ સમજાઈ તે પહેલાજ મારામાં સ્પર્શનું બાળક આકાર લઇ રહ્યું હતું. મેં પેઇન્ટિંગ ક્લાસ પણ બંધ કરી દીધા. ક્યાંય બહાર આવવા જવાનું પણ ઓછું કરી નાખ્યું. સ્પર્શ મને મળવાની કોશિશ પણ કરતો પણ મેં આ આવેગને કોઈ જ નામ ન આપવાનો ફેંસલો લીધો હતો. થોડા વખતમાં મારા ખોળે પ્રિયમ અવતર્યો. તેને પામીને પાછળની બધી વાત હું ભૂલી ગઈ, અને તમારી બદલી મુંબઈ થવાનું સાંભળી મને ખુબ રાહત મળી. મુંબઈ જવાના આગલા દિવસે જ તમારી ગેરહાજરીમાં સ્પર્શ પ્રિયમને રમાડવા ઘરે આવીયો. તેને પણ મને વચન આપિયું કે હવે તે ક્યારેય મારો કે પ્રિયમનો સંપર્ક નહિ કરે.
મુંબઈ આવીને તો હું સ્પર્શ નામની વ્યક્તિને ક્યારેક ઓળખતી હતી તે પણ વિસરી ગઈ. તે હાથ જોડતા શોભા રડતા રડતા બોલી કે ઓલી નાજુક ક્ષણ સિવાય જીવનમાં ક્યારેય તમને નથી ભૂલી. પૂરા મન વચન અને કાયાથી તમારી વફાદાર રહી છું. મારી એક ભૂલને માફ કરી દો.
'વાહ !" નિશિત ગુસ્સાથી લાલપીળો થઇ ગયો. મારી જિંદગીમાં આવું મોટું જુઠાણું ચલાવીને તું એક ભૂલમાં ખપાવે છે ? ના...ના.. આ તો હું બિલકુલ નહિ ચલાવી લઉં. આખી જિંદગી હું જેને મારો દીકરો સમજતો હતો એ તો તારા પાપનું પરિણામ છે. ત્રણ દિવસમાં પ્રિયમ આવે છે. તેને કહી ને આખી વાતનો ફેંસલો કરવો છે. હું હવે તારી સાથે નહિ રહી શકું." આ સાંભળીને શોભાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને ઘણીવાર નિશીતને સાચી હકીકત કહેવાનો વિચાર કર્યો હતો પણ પરિણામનો વિચાર કરતા જ ડરી જતી. અચાનક સ્પર્શનું મોત તેના જીવનમાં પ્રલય લઇ આવીયો.
સવારે ઋજુતા જ પ્રિયમને લેવા એરપોર્ટ ગઈ. રસ્તામાં આવતા આવતા જ આખી હકીકતની જાણ કરી. પ્રિયમને ઘર પાસે જ ઉતારી ઋજુતા પાછી વળી કારણકે આ વાતમાં તે ક્યાંય વચ્ચે આવવા નહોતી માંગતી. ઘરે પહોંચતા પ્રિયમને પોતાનું ઘર અજાણ્યું લાગ્યું. પોતાના ડેડને પોતે આવવાનો ઉમળકો જ ન દેખાયો. ઘડીભરમાં આખું ઘર જાણે સુનમુન થઇ ગયું.
પ્રિયમે શોભા અને નિશીતને બેસાડ્યા વળી આખી વાત જાણ્યા પછી તેને પણ પુરુષપ્રધાન સમાજનું ઉદાહરણ બનતા કહ્યું કે, "હું પણ ડેડની જગ્યા એ હોત તો મોમ તને ડિવોર્સ જ આપત." શોભાને આ સાંભળીને તો એવું લાગ્યું કે જીવતા જીવંત તેના હાથપગ કપાઈ ગયા. તેને એવું લાગતું હતું કે પ્રિયમ જ નિશીતને સમજાવશે. તેને બદલે પ્રિયમ મોર્ડન જમાનામાં રહી ને આવી છીછરી સોચ કેમ ધરાવે છે ? કદાચ નિશિતના ઉછેર ને કારણે જ આવું શક્ય છે. હવે કડવો ઘૂંટ પીવો જ રહ્યો.
ઋજુતા પ્રિયમનો ફેંસલાથી ખુબ નાખુશ હતી. તેને પ્રિયમને સમજવાની ઘણી કોશિશ કરી. નિશિત કાયદેસર કાર્યવાહી કરવા માંગતો હતો. ફક્ત બે જ દિવસમાં શોભાને તેના રેહવાની વ્યવસ્થા બીજે કરવાનું જણાવ્યું. શોભાને તો પિયરમાં પણ માં બાપ કે ભાઈ કોઈ જ નહોતું. બહેનો ના જીવનમાં દખલ કરીને હેરાન નહોતી કરવા માંગતી. નિશિત અને પ્રિયમમાં પોતાનું બ્રહ્મમાંડ સમજનારી શોભાને અચાનક ઉપર આભ અને નીચે ધરતીનો સથવારો લાગ્યો.
ઋજુતા શોભાને ખુબ સારી રીતે સમજતી હતી. તેને શોભાને પોતાના ઘરે લઇ જવાની વાત કરી ત્યારે શોભાએ ઘસીને ના પડી. ઋજુતાએ પણ પ્રિયમ સાથે સંબંધ એમ કહીને તોડ્યો કે જે વ્યક્તિ એક માંને કે સ્ત્રીને જ ન ઓળખી શકે તેવા વ્યક્તિ સાથેના સંબંધની આવરદા જ કેટલી ?
ઘર છોડવાના આગલા દિવસે જાણે શોભા કોઈ લાંબી રજા પર જતી હોય તેમ બધું જ વ્યવસ્થિત કર્યું ઘરના નોકરોને પણ નિશિત અને પ્રિયમના ગમાઅણગમાથી વાકેફ કરી દીધા. તેમને ભાવતી દરેક વાનગી ફ્રીઝમાં બનાવીને મૂકી દીધી. જયારે એકલી પડી ત્યારે ઘરની એક એક દીવાલોને અડીને પોતાનું વ્હાલ દર્શાવ્યું, એક સ્ત્રી માટે તેનું ઘર તેના શરીરની ચામડી જેટલું મહત્વ ધરાવે છે. આખી જિંદગી આનું જતન કર્યું, પણ કાલે આ શરીરથી ચામડી અળગી થવાની હતી. એક અલગ જ શાંતિ શોભાના મુખ પર છલકતી હતી. આટલા પ્રહારો કંકાસથી પણ જાણે પર થઇ ગઈ હતી. કોઈ સંત જેવું જીવન જીવવાની હતી આવતી કાલથી, ક્યાં જવું છે ? ક્યાં પહોંચવું છે ? તેની કોઈ ફિકર જ નહિ.
પ્હો ફાટતા જ શોભા નાહી ધોઈને તૈયાર થઇ ગઈ. ઘરમાં મંદિરમાં પૂજા કરી આરતી કરીને રોજના નિત્યક્રમની જેમ પ્રસાદ પણ સૌને આપિયો. ઋજુતા તેમને લેવા આવી હતી સાથે નારી સુધાર કેન્દ્રની દસ પંદર સ્ત્રીઓ પણ પોતાની તૈયારી કરીને આવી હતી. સમજાવટથી કામ થાય તે માટે તેઓની ચીફ પણ નિશાંતને સમજાવા આગળ આવી પણ શોભાએ જ સોમ્યતાથી આવું કઈ જ ન કરવાની વિનંતી કરી. નિશિતને છૂટાછેડામાં કોઈ જ અડચણ પોતાના તરફથી નહીં આવે એની બાંહેધરી આપી.
ઋજુતાએ પણ પ્રિયમ સાથે છેડો ફાડી નાખ્યો. શોભા 'વિસામો' નામના નારી સુધાર કેન્દ્રમાં સ્પર્શનો આવેલો વારસો દાન કરીને પોતાની જિંદગી સ્ત્રીઓના વિકાસ અને કેળવણીમાં જ વ્યતીત કરવાનો વિચાર સાથે ઘરના ઉંબરાને ઓળંગે છે..