વીજળી એક વરદાન
વીજળી એક વરદાન


એક એવો બ્રહ્માંડ જેમાં કેટલાય જટિલ વાદળા. અવિરત ત્યાં વીજળી થતી રહે પણ એના માટે ચોમાસાની ઋતુની જરૂર નથી. વીજળી થયા જ કરે છે. વીજળી એટલે સ્પાર્ક અને આ બ્રહ્માંડ એટલે બીજું કંઈ નહીં પણ મારું મગજ.
હું નિશા પટેલ એક દીકરી, એક પત્ની, એક વહુ,એક મા અને અગત્યનું એક સ્ત્રી. આમ તો વીજળી એ એક ખૂબસૂરત વાતાવરણને ડરામણું બનાવતી ઘટના છે. પણ આ ઘટના મારા જીવનમાં વરદાન રૂપે આવી છે. લોકો જે વીજળીથી ખૂબ જ ડરતા હોય છે એને હું ભગવાનનો આશીર્વાદ અને પ્રસાદ સમજુ છું.
વાત છે 20 સપ્ટેમ્બર 2020ની. સવારે વહેલા 05:00 વાગે ઉઠી અને થોડી ગભરામણ લાગવા લાગી, થયું સુગર ઘટી ગઈ, થોડો ગોળ ખાધો અને પાણી પીધું 30 સેકન્ડ સુધી સારું લાગ્યું પછી ફરી અલગ જ પ્રકારની ગભરામણ થવા લાગી. અમિત ને ઉઠાડ્યાં, ખાલી એટલું જ કહી શકી કે મને કંઈક થાય છે, પછી એમના ખોળામાં માથું નાખી ઢળી પડી. પછી મને કાંઈ જ ખબર નથી
જાણે થોડીક વાર માટે ગાઢ નિંદર આવી ગઈ. 8:30 વાગે ધીમે ધીમે આંખો ખોલી જોયું તો બાટલા ચડતા હતા, આઇસીઓમાં દાખલ હતી. પાડોશી દોડતા આવી ગયા હતા અને મારા રૂમમાંથી ફર્સ્ટ ફ્લોરથી ઉતારી ગાડીમાં ત્રિશા હોસ્પિટલમાં દાખલ કરી એ મને કાંઈ જ ખબર જ નહીં. કમજોરી આવી ગઈ હતી. જાણે માંડ માંડ શ્વાસ લઈ રહી હતી. આખો સામે ઘર પરિવારના બધા ચહેરાઓ ફર્યા જતા હતા. ડોક્ટર આવ્યા અને રિપોર્ટ્સ કરાવવા કહ્યું. હું હજી જાણે ગેનમાં જ હતી.થોડા સમય પછી ફરી એકવાર બ્રેઇન સ્ટોકનો ઉથલો માર્યો ને કંઈક ઇન્જેક્શન આપ્યું, કલાક પછી ફરી ભાન આવ્યું. સાંજ પડી, હવે સારું લાગતું હતું. એક પછી એક રિપોર્ટ આવતા જતા હતા. મારે છોકરાઓ પાસે જવું હતું. ઘર યાદ આવતું હતું.
ડોક્ટર આવ્યા રિપોર્ટ્સ જોયા હિસ્ટ્રી લીધી ને કહ્યું કે "નિશાના બ્રેનમાં ન્યુરોન્સ સ્પાર્ક થયા કરે છે. ત્રણ વર્ષ સુધી દવા લેવી પડશે. સ્પાર્ક થયેલ ન્યુરોન્સમાં જે મેમરી હશે એ બધી જતી રહેશે. મહિનો આરામ કરવો પડશે." હું હસી, મેં કહ્યું "એટલે હું હાલ તો ચાલતો બોમ છું એમને ! વાતાવરણ થોડું હળવું થયું. ડોક્ટર કહે "તમારા ન્યુરોન્સ સ્પાર્ક થાય છે, સમજો છો ને એટલે કે તમારા બ્રેનમાં વીજળી થયા કરે છે. જે તમારી મેમરી લોસનું કારણ બનશે. તમે કદાચ અમુક વસ્તુ ભૂલી જાવ તો ચિંતા ના કરતા,મેડિસિન રેગ્યુલર લેતા રહેજો." હું હસી, ને કહ્યું "સર મારા એ જ ન્યુરોન્સ બર્ન થશે કે જેમાં નેગેટિવ મેમરીઝ ભરેલી હશે એટલે મારી પોઝિટિવિટીમાં વધારો થશે." ડોક્ટરે સ્માઈલ આપી અને ટેક કેર કહીને જતા રહ્યા.
નવાઈની વાત તો એ છે કે મારી બોડીમાં વધુ ઓક્સિજનનું પ્રમાણ ઘાતક છે, વધુ ઓક્સિજનથી સ્પાર્કિંગ વધુ થાય. પ્રાણાયામ, કપાલભાતિ, ભસ્ત્રિકા ના કરી શકાય. રાત્રે 11:30 વાગે મને ઘરે લાવવામાં આવી. બાળકો આતુરતાથી રાહ જોતા હતા. બાળકોને જોઈને જાણે હાશ થઈને મારું અડધું દુઃખ તો ત્યાં જ દૂર થઈ ગયું. પરંતુ એ બંને મને એવી રીતે જોતા હતા જાણે ઘણું બધું કહેવું હોય. બંનેની આંખો માં લાચારી છલકતી હતી. તોફાન મસ્તી કરતા, લડતા ઝઘડતા બંને અચાનક શાંત થઈ ગયા હતા. કશું કહેતા ન હતા પણ એમની આંખો ઘણું બધું કહેતી હતી. મારો દીકરો ધ્વનિલ મને રોજ બે ટાઈમ જ્યુસ બનાવીને આપતો, મારી દીકરી ટ્વિશા મારું માથુ ઓળી આપતી, મને ખૂબ જ નવાઈ લાગતી.
થોડા થોડા ચક્કર ચાલુ રહેતા, એકલા ઉભાએ થવાય નહીં. મારે જેની સેવા કરવી જોઈએ એવા મારા સાસુમાં મારી સેવા કરતા હતા. મને દુઃખ થતું હતું પણ હું લાચાર હતી.મારા પપ્પા (મારા સસરા) મારી ખબર અંતર પૂછ્યા કરતા હતા. સાંભળવા મળ્યું હતું કે જે દિવસે હું બેભાન થઈ એ દિવસે પપ્પા મમ્મી ખૂબ જ રડ્યા હતા. પપ્પા તો ધ્રુસકે ને ધ્રુસકે નાના છોકરાની જેમ રડતા હતા. અમિત તો જાણે બ્લેન્ક થઈ ગયા હતા. મારા માટે એમને ડોક્ટરના કહ્યા પ્રમાણે ટાઈમ ટેબલ બનાવ્યું હતું અને દર બે કલાકે એ ટાઈમ ટેબલ પ્રમાણે થાય છે કે નહીં એમ પૂછી લેતા હતા. ઘરનું વાતાવરણ સુનું સુનું લાગતું હતું. પથારીમાં પડ્યા પડ્યા હું વિચાર કરતી હતી કે જીવનમાં પરિવારનું કેટલું મહત્વ છે. સાચું કહું છું આવી કપરી અવસ્થામાં જ પરિવારના પ્રેમની પરાકાષ્ઠા પારખી શકાય છે, પરિવારનું મહત્વ જાણી શકાય છે. પૈસાથી બધું જ મળે પણ પ્રેમ ને માવજત મળતી નથી. વાસણો ક્યાં નથી ખખડતા.... એટલે એને ફેંકી થોડા દેવાય ? સંબંધોનું પણ કંઈક એવું જ છે.
આ બ્રેનમાં થતી વીજળીના પ્રકાશમાં જાણે મારું મન બધું સાફ સાફ જોઈ શકતું હતું, મનમાં બધા માટે માન સન્માન પ્રેમ ઉભરાયા કરતો હતો અને એ થકી જ હું ઝડપથી સ્વસ્થ થતી ગઈ. આ દોડધામ વાળી જિંદગીમાં ઘણી વાર હું વિચારતી કે આના પછી આ કામ આના પછી પેલું કામ વિચારતા મારા મનને થોડોક આરામ મળે તો કેટલું સારું. પણ જ્યારે મળ્યો ત્યારે એવું લાગ્યું કે હું અપાહીજ થઈ ગઈ છું. હું દોડભાગવાળી મારી લાઈફને મિસ કરતી હતી. આમને આમ મહિના બે મહિના વીતી ગયા. હું પાછી મારી દોડભાગવાળી લાઈફમાં વ્યસ્ત થઈ ગઈ.
એક દિવસ હું પૂજા કરતી હતી ત્યારે મારા ઘરે કામ કરવા આવે છે એ બહેન આવ્યા અને કહ્યું "ભાભી મને માફ કરી દો, એ દિવસ હું થોડી ગુસ્સામાં હતી અને જેમ તેમ બોલી ગઈ હતી. તમે મારાથી નારાજ ના થતા, મારે તમારી ક્યારની માફી માગવી હતી. હું અંદરો અંદર પસ્તાતી હતી પણ તમારી બીમારી આવી અને પછી મને હિંમત જ ના થઈ. તમે મને કેટલું સારું રાખતા હતા. પોતાની બહેનની જેમ છતાંય મારાથી...."
એને અટકાવતા મેં કહ્યું "ચિંતા ના કર મને કઈ જ યાદ નથી કદાચ એ ખરાબ અનુભવવાળી મેમરીવાળો ન્યુરોન્સ વીજળીથી બ્લાસ્ટ થઈ ગયો છે, પ્રસાદ લે, ને હા તને મારા હાથની દાળ ઢોકળી ખુબ ભાવે છે ને એટલે વધારે જ બનાવી છે પહેલા ગરમા ગરમ ખાઈ લે ને પછી કામે લાગ..."
પછી તો મેં આવા અમુક કડવા અનુભવો યાદ કરવાની કોશિશ કરી. તો એમાંથી કેટલાક તો મને સાવ જ યાદ ન આવ્યા અને કેટલાક આછા પાતળા યાદ આવ્યા. હું હજી આ બ્રેન સ્ટ્રોકની દવા સવાર સાંજ લઉં છું.
મારી રોજની પ્રાર્થનામાં ભગવાને આપેલા મારા આ વીજળીના વરદાનનો આભાર હોય છે અને આજીજી હોય છે કે આ વીજળી મારી બધી કડવી યાદોને મિટાવી દે સમાપ્ત કરી દે..
"વીજળી બની એક વરદાન, ક્ષણમાં તુટ્યું મારૂ અભિમાન, પ્રભુને કરું હું દિલથી પ્રણામ, મારું સરનામું ના બન્યું સ્મશાન, પરિવાર ને પાડોશીની બની હું કદરદાન, દિલ હંમેશા દેશે એમને સન્માન, કડવી યાદો મીટાવવાનું આવ્યું ફરમાન, વીજળી બની છે એક વરદાન, વીજળી બની મારી એક વરદાન."