STORYMIRROR

Nisha Patel

Inspirational

4.0  

Nisha Patel

Inspirational

કોમન રિયલ હીરો

કોમન રિયલ હીરો

4 mins
194


રીયલ હીરો, આ શબ્દ જ્યારે આપણા કાન પર પડે છે એટલે મિલેટ્રી યુનિફોર્મમાં સજ્જ એવા આપણા સૈનિક મિત્રો દેશને સલામી આપતા આપણી નજર સામે આવી જાય છે.

પણ હું આજે વાત કરીશ એવા અનેક હીરોની કે જેમણે યુનિફોર્મ નથી પહેર્યો, એમની કોઈ પહેચાન નથી પણ છતાંય દેશ માટે ઘણું બધું કરી રહ્યા છે. નથી કોઈ દુશ્મન પર વાર કર્યો કે નથી કોઈને ખતમ કર્યા પણ લોકોની વિચારસરણી પર વાર કર્યો છે.

આપણી ભારત માતા પર એકલા આતંકીઓ જ પ્રહાર નથી કરતા પણ ભ્રષ્ટાચાર, લાંચ-રુશ્વત અને કોમી રમખાણો પણ એને અંદરથી ખોખરી બનાવી દે છે. ચાલો, તો આજે આ અંદરના એક ભેદી દુશ્મનને ખતમ કરવાની પહેલ કરતા હીરોની વાત કરીએ.

26 જાન્યુઆરી 2001, આખું ગુજરાત દેશભક્તિના નારા લગાવતું હતું. આવા જ નારા અમદાવાદની એક કોલેજમાં ગુંજી રહ્યા હતા. દેશભક્તિનું એક ફિલ્મી ગીત "મા તુજે સલામ" પર ડાન્સ થઈ રહ્યો હતો.... એટલામાં અચાનક જ ધરતી ધ્રુજી, ધરતીકંપ આવ્યો, તિરંગો પણ આમથી તેમ ડોલવા લાગ્યો, ધરતીકંપની તીવ્રતા વધવાથી બનાવેલ સ્ટેજ તૂટવા લાગ્યું, તિરંગો ધરતીને અડવાની તૈયારીમાં જ હતો, ત્યાં તો બે હાથે એક સાથે તેને રોકી લીધો. બંનેએ એકબીજાની આંખમાં જોયું. બંનેની આંખમાં દેશપ્રેમ ભારોભાર છલકાતો હતો. એ હતા રાજન અને સરફરાઝ. તેઓએ રાષ્ટ્રધ્વજને થાંભલા પરથી નીકાળી દીધો પણ એટલામાં કોલેજની એક દીવાલ તૂટી. સરફરાઝને માથા પર વાગ્યું તો રાજનને પગ પર. સરફરાઝ બેહોશ થવા લાગ્યો. રાજન સરફરાઝનો હાથ ખેંચીને બહાર કાઢવા પ્રયત્ન કરવા લાગ્યો, એટલામાં એક મોટી દિવાલ રાજનના પગ પર પડી અને એક સળીયો એના પગ પર ઘૂસી ગયો. અર્ધબેહોશ અવસ્થામાં સરફરાઝ તેને ધક્કો મારી એને છોડીને જવાનું કહી રહ્યો હતો. રાજને મહામુસીબતે ઘસડાતા ઘસડાતા સરફરાઝને બહાર કાઢ્યો અને પછી એ પણ બેહોશ થઈ ગયો. જ્યારે રાજન હોશમાં આવ્યો ત્યારે તેના પગ પર પ્લાસ્ટર હતું. સામે સરફરાઝ હતો. રાજનના હોશમા આવતા જ સરફરાઝ તેને ભેટી પડ્યો. "યાર આ મારું નવું જીવન તારી જ બદોલત છે, થેન્ક્યુ સો મચ."

ડોક્ટરે રાજનને બે મહિના સંપૂર્ણ આરામ કરવાનું કહ્યું. સરફરાઝ રોજ એના ઘરે જતો, વ્હીલ ચેર પર એને બેસાડી ગાર્ડનમાં લઈ જતો અને એને કંપની આપતો. આમને આમ બે મહિનામાં તો બંને એકબીજાના જીગરજાન થઈ ગયા. પ્લાસ્ટર છૂટી ગયું પણ એક્સરસાઇઝ માટે હજી છ મહિના ફિઝીયોથેરાપીમાં જવાનું હતું. રાજન હવે માનસિક રીતે થાક્યો હતો પણ સરફરાઝે એને સહારો આપ્યો. દરરોજ એ કાર લઈ આવતો અને એને ફિઝિયોમાં લઈ જતો, ત્યાં જ બેસતો અને પાછો ઘરે મૂકી આવતો. રાજનના ફેમિલીમાં જાણે એક નવા ફેમિલી મેમ્બરનો સમાવેશ થયો. બધાએ એનો સહર્ષ સ્વીકાર કર્યો. 

રક્ષાબંધન આવી. રાજનની નાની બહેને રાજનની સાથે સાથે સરફરાઝને પણ રાખડી બાંધી. સરફરાઝને એક નાનો ભાઈ હતો. સરફરાઝે એના માટે પણ હક્કથી રાખડી માંગી. રાજને એની ના પાડતા કહ્યું કે તું સહ પરિવાર ઘરે જમવા આવજે અને મારી બહેન તારા ભાઈને રાખડી બાંધશે. બધાએ ભોજન સાથે લીધું. ધીમે ધીમે બંને પરિવારની નીકટતા વધવા લાગી. એકબીજાના ઘરે આવવા જવાનું વધવા લાગ્યું. બંને ધર્મના તહેવારોમાં બંને પરિવારો સાથે

જ હોય.... પણ બંને પરિવારોના ઓળખીતાઓ, વડીલો અને કુટુંબીજનોને આ ગમ્યું નહીં અને ધીમે ધીમે ઝઘડા ચાલુ થયા. સોસાયટીમાં જાણે બંને પરિવારો એકલા પડી ગયા. કોઈ એમને બોલાવે જ નહીં. છતાં રાજન અને સરફરાઝે હાર ન માની. બંને મળતા જ રહ્યા. આમને આમ વર્ષ પૂરું થયું.

2002માં ગોધરાકાંડ વખતે કોમી રમખાણોએ જોર પકડ્યું. રાજનના કાકાની છોકરી અને સરફરાઝની સોસાયટીના ચેરમેનનો છોકરો હિંમતનગર સાબર ડેરીમાં એક પ્રોજેક્ટ માટે ગયા હતા. તે ત્યાં જ ફસાઈ ગયા. રાજન અને સરફરાઝને જ્યારે એ વાતની ખબર પડી ત્યારે તેઓ કાર લઈને હિંમતનગર ગયા. એ લોકો જ્યારે બંનેને લઈને પાછા આવતા હતા ત્યારે રસ્તાની બંને બાજુએ ટ્રકો અને દુકાનો સળગતી હતી. રસ્તા પર ટોળેટોળા મશાલો લઈને કાર પર ઘસી આવતા. જો હિન્દુઓનું ટોળુ હોય તો રાજન આઈડી કાર્ડ બતાવે અને બધા જય શ્રી રામ બોલે. જો મુસ્લિમોનું ટોળુ હોય તો સરફરાઝ આઈડી બતાવે અને બધા ખુદા હાફિઝ કહે. આમ કરતા કરતા રાજને અને સરફરાઝે બંને જણને પોતપોતાના ઘરે સહી સલામત પહોંચાડ્યા. બંને પરિવારોની આંખોમાં હર્ષની સાથે સાથે પશ્ચાતાપના આંસુ હતા. રાજનના કાકા સરફરાઝને ભેટી પડ્યા. કાકીએ માથે પ્રેમથી હાથ ફેરવ્યો અને કાકાની છોકરીએ મીઠાઈ ખવડાવી. સરફરાઝની સોસાયટીના ચેરમેને રાજનની માફી માગી. આખી સોસાયટીવાળાએ રાજન અને સરફરાઝને હાર પહેરાવ્યા અને ખભા પર ઊંચકી લીધા અને "હિંદુ મુસ્લિમ ભાઈ ભાઈ"ના નારાથી આખો એરીયા ગુંજી ઉઠ્યો.

રાજન અને સરફરાઝ બંને પોતાના નામ પ્રમાણે પોતાના મનના રાજા હતા. દિલ કહે એ પ્રમાણે વર્તતા અને એમની આ જ ભાવનાઓએ એક નવો જૂથ ઊભો કર્યો. જેમાં દેશપ્રેમની જ ભાવના સર્વોપરી હતી. આજે પણ રાજનના ઓળખીતામાં, એમના સમાજમાં, એમની સોસાયટીમાં બધા મોહરમ ઉજવે છે અને સેવૈયાનો પ્રસાદ પણ ખાય છે. જ્યારે આ બાજુ સરફરાઝના એરિયામાં જ્યારે રથયાત્રાનો પ્રવેશ થાય ત્યારે બધા મુસ્લિમ યુવાનો તેમાં જોડાય છે, ચેરમેન પહેલા રથની પૂજા કરે છે અને પ્રસાદ પણ વહેંચે છે.

આપણા દેશમાં આવા અનેક રાજન અને સરફરાઝ છે જે દુનિયાની પરવાહ ન કરતા દેશની શાંતિને અને માનવતાને મહત્વ આપે છે. જે મજહબની આડમાં થતી બરબાદીને નાબૂદ કરવા માંગે છે. ભાઈચારાની જ્યોતને દરેકના દિલમાં જલાવવા માંગે છે. આપણે પણ આ જ્યોતને દરેકના દિલમાં પ્રકાશિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. એવા નવા ભારતનું નિર્માણ કરવું જોઈએ કે જેમાં ધર્મની આડમાં અધર્મ કાર્ય ન થાય.

આ લેખ આ તરફના પ્રયાણનું પ્રથમ પગલું છે. આવા આપણા દેશના તમામ રાજન અને તમામ સરફરાઝ, જે દેશના રીયલ હીરો છે એમને નિશા પટેલ શત શત પ્રણામ કરે છે....

એક નાની કવિતા દેશવાસીઓ માટે

"દેશભક્તિ કે નારે તુમ એસે હી ના લગાવો,

ભાઈચારે કી જ્યોત કો તુમ હર દિલમે જલાવો, 

ક્યા હિંદુ ઔર ક્યાં મુસ્લિમ, 

પહેલે હિન્દુસ્તાની બન જાઓ,

પ્યાર સે રહના શિખાતા હૈ મઝહબ, યે બાત બચ્ચો કો શિખાવો, 

ખત્મ કરો એ બટવારે, દેશ કી તરક્કી મેં જુડ જાઓ, 

નિશા કી યે આજીજી હૈ, 

અખંડ ભારત ફિર સે બનાવો

અખંડ ભારત ફિર સે બનાવો..."

ભારત માતાકી જય.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational