Valibhai Musa

Inspirational

4.8  

Valibhai Musa

Inspirational

સુલેમાન ચાચાની ઘોડાગાડી

સુલેમાન ચાચાની ઘોડાગાડી

9 mins
22.2K


આમ તો તમારું નામ સુલેમાન હતું, પણ તમારા વતનમાં એ નામધારી ઘણા સુલેમાનો હોઈ તમારી વિશિષ્ટ ઓળખ માટે લોકો તમને સુલેમાન કાળા તરીકે ઓળખતા હતા. કાળા તરીકેની તમારી ઓળખ તમારા શરીરના શીસમ જેવા વર્ણના કારણે હતી અને લોકો તમને એ નામે બોલાવે કે ઉલ્લેખે તેનાથી તમને કોઈ આપત્તિ પણ ન હતી. જ્યારે તમે ખાધેપીધે સુખી હોવા છતાં દેખાદેખીથી વતન છોડીને ધંધા કારોબાર માટે મુંબઈ ખાતે સ્થાયી થયા હતા, ત્યારે તો સમય જતાં ત્યાં તમારું એ ગ્રામ્ય નામ રૂપાંતર પામીને વળી પાછું ‘સોલોમન બ્લેક’ બની ગયું હતું. ભારતની આઝાદી પહેલાંનો એ સમયગાળો હતો. પોતાના ઘોડાગાડીઓના કારોબારના કારણે મુંબઈ મહાનગરપાલિકાના પશુ ક્રુરતા નિવારણ વિભાગમાં તમારા આંટાફેરા વધુ રહેતા હતા. કોર્પોરેશનના ઉચ્ચ પદાધિકારી તરીકે ફરજ બજાવતા એક અંગ્રેજ અફસર નિકોલસ વ્હાઈટને દુભાષિયાએ રમુજ ખાતર કે પછી પોતાના દંભી જ્ઞાનના ભાગરૂપે અથવા તો એ અંગ્રેજની ચાપલુસી કરવાની ચેષ્ટા તરીકે તમારી ઓળખ ‘સોલોમન બ્લેક’ તરીકેની આપી હતી. સોલોમન એ ખ્રિસ્તીઓમાં બોલાતું સુલેમાનનું પર્યાયવાચક નામ હતું અને બ્લેક એવી તેમનામાં અટક પણ રહેતી. આમ તમને ‘સોલોમન બ્લેક’ નામ થકી એક કાળા કે દેશી એવા આભાસી અંગ્રેજ તરીકેની ઓળખ મળી હતી, જે તમને આગળ જતાં ખૂબ ઉપયોગી નીવડી હતી. વળી તમારું નામ બદલાઈ જવાની સાથે સાથે તમે તોછડા લાગતા ‘ઘોડાગાડીવાળા’ શબ્દ માટે ‘કોચમેન’ અને ઘોડાગાડી માટે ‘કોચ’ એવા શબ્દો પણ તરતા મૂક્યા હતા. તમે અસંગઠિત એવા કોચમેન સમુદાયમાં વણચૂંટ્યા નેતા તરીકે એવા સહજ રીતે ઊભરી રહ્યા હતા કે તમારો એક શબ્દ કાયદાની લકીર બની રહેતો હતો અને તમારો અમથો નાનકડો એક અવાજ લોકોની પ્રચંડ ગર્જનામાં ફેરવાઈ જતો હતો.

હાલની જેમ પહેલાં પણ એમ જ કહેવાતું હતું કે દોરીલોટો લઈને મુંબઈ જનારો અદનો માણસ પણ પુરુષાર્થ અને પ્રારબ્ધના સંયુક્ત બળે અહીં માલેતુજાર બની શકતો હોય છે. સુલેમાન ઊર્ફે સોલોમન, તમે પણ ગુજરાતી સાત ચોપડી ભણેલા, લબડમૂછિયા એવા, સૂવા માટેની ગોદડી અને ઓઢવા માટેની પછેડીના વીંટા સાથે બેએક જોડી કપડાં ભરેલી થેલી, રસ્તામાં ટીમણ માટે માએ આપેલા બે બાજરીના રોટલા સાથે લાલ મરચા અને લસણની ચટણી, મુંબઈની બાર રૂપિયાની લોકલની ટિકિટ કઢાવ્યા પછી ગજવામાં બચેલા ત્રણ રૂપિયા અને મુંબઈમાં ભાગ્ય અજમાવવાનો મનમાં ઊછળતો ઉલ્લાસ એવી સ્થુળ અને સૂક્ષ્મ અસ્ક્યામતો સાથે મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને ઊતર્યા હતા. તમારા જેવા તમારા જ ગામના કેટલાય સુલેમાનો, ઈબ્રાહીમો, કાનજીઓ કે બાબુલાલો મુંબઈમાં પોતાનાં નસીબોની ધાર કાઢવા દિવસરાત ઝઝૂમી રહ્યા હતા અને એ સઘળામાં હવે તમે પણ ભળ્યા હતા. કોઈ મોટર ગેરેજોમાં, કોઈ ટેક્સીઓ ચલાવવામાં, કોઈ હોટલોમાં, કોઈ ઘડિયાળની દુકાનોમાં, કોઈ રેલવે સ્ટેશનોએ હમાલીમાં એમ જેમને જે કામ મળ્યું તેમાં તેઓ મુંબઈ ખાતે પગ મૂક્યાના બીજા જ દિવસે લાગી જતા હતા.

પણ, તમે તો સુલેમાન, હમવતનીઓ કરતાં સાવ નવીન જ એવી ઘોડાગાડી ચલાવવાની પ્રવૃત્તિમાં તમારા ગામના એક ઘડિયાળી ભાઈની ઓળખાણ આપીને એટલા માટે લાગી ગયા હતા કે તેમાં આગળ વધવાની ઘણી શક્યતાઓ હતી. વતનના ગામડે બળદગાડું ચલાવ્યું હોઈ ઘોડાગાડી ચલાવવા માટે કોઈ વિશિષ્ટ તાલીમની જરૂર ન હતી. નિશ્ચિત વિસ્તારમાં જ ઘોડાગાડી ફેરવવાની હોઈ મુંબઈના અટપટા રસ્તાઓની જાણકારી અંગેની પણ કોઈ અગવડતા તમને પડે તેમ ન હતી. શરૂઆતમાં નોકરી, પછી આનાવારીમાં ભાગીદારી અને ત્યાર બાદ કોન્ટ્રેક્ટથી એટલે કે ઘોડો અને ગાડીના માસિક ભાડાના ચૂકવણાથી એમ પોતાના એ કામકાજમાં તમે ઉત્તરોત્તર પ્રગતિનાં સોપાન ચઢી રહ્યા હતા. મુંબઈમાં પોતાનું ખર્ચ કાઢતાં થતી બચતને ગામડે મોકલવી પડતી હોવાના કારણે તમે પોતાની માલિકીની ઘોડાગાડી વસાવી શકો તેમ ન હતા. માત્ર અઢીસો રૂપિયાની મૂડીની સગવડ થઈ જાય તો માસિક ભાડાના ચૂકવવાના થતા પચાસ રૂપિયા સામે પાંચ છ માસમાં તમે તમારા વ્યવસાયના સંપૂર્ણ માલિક બની શકો તેમ હતા. પરંતુ તમારા મગજમાં એક ધૂન હતી કે ગામના કોઈ માણસ પાસે મદદ માટે હાથ લાંબો કરવો નહિ અને મજહબે હરામ ઠરાવેલા એવા વ્યાજના રવાડે ચઢવું નહિ.

તમારી ધૂન કે તમારો સિદ્ધાંત જે ગણો તે જળવાઈ રહેવા સાથે છ મહિનાની વ્યાજમુક્ત ઊધારી સાથે તમને મળેલી માલિકીની પ્રથમ ઘોડાગાડી એકાદ મહિનો પણ ફેરવી ન ફેરવી અને બે ઘોડાગાડી મળી શકે તેટલી કિંમતમાં એ વેચાઈ પણ ગઈ હતી. ઘોડાગાડીનાં ફરતાં બે ચક્રની જેમ તમારું ભાગ્યચક્ર પણ બેવડી ગતિએ દિવસરાત એવું ફરતું રહ્યું હતું, ભાઈ સુલેમાન કાળા, કે તમારા મુંબઈ ખાતેના વસવાટને પાંચેક વર્ષ પૂરાં થવા પહેલાં તો તમે હજારેક ઘોડાગાડીઓના માલિક બની ચૂક્યા હતા. હેનરી ફોર્ડ, ધીરુભાઈ અંબાણી, બિલ ગેટ્સ કે વોરન બફેટ જેવા માલેતુજારોની જીવનદાસ્તાનોને ઝાંખી પાડે તેવા તમારા જીવનસાફલ્યને સવિસ્તારે વર્ણવવાનો અહીં અવકાશ નથી અને ઈરાદો પણ નથી. અહીં તો તમારી સુલેમાન કાળા તરીકેની આર્થિક સિદ્ધિની નહિ, પણ સોલોમન બ્લેક તરીકે ઘોડાગાડીઓ ચલાવતા એક મહેનતકશ સમુદાયના તમે મસીહા કઈ રીતે બન્યા તે કિસ્સો બયાન કરવાની નેમ છે.

સોલોમન, તમારા જીવનમાં નિસર્ગદત્ત વણાએલા કેટલાક ગુણોને જો નામાંકિત કરવાના થાય તો વિશ્વાસ, સહનશીલતા, સમજદારી, પ્રેમ વગેરેને દર્શાવવા પડે. આમાંના તમારામાં રહેલા માત્ર વિશ્વાસના ગુણને સમજવાની કોશીશ કરીએ તો ભલે ભીંતો ઉપર લખાતા સુવિચારોની યાદીમાં ‘વિશ્વાસ વિશ્વનો શ્વાસ છે’ એમ લખાતું હોય, પણ તમારા હૃદયમાં ‘વિશ્વાસ’ શબ્દ એવો તો કંડારાઈ ચુક્યો હતો કે હજાર હજાર ઘોડાગાડીઓના મસમોટા કારોબારનો હિસાબનો એકેય આંકડો તમે નાની ડાયરી સુદ્ધાંમાં પાડતા ન હતા. અજાણયા કે જાણીતા એવા કોઈને પણ માસિક કોન્ટ્રેક્ટથી કે ઉધાર વેચાતી આપવામાં આવતી ઘોડાગાડી કે ઘોડા માટેનો લેણદેણનો હિસાબ સામેવાળાએ રાખવો પડતો હતો. વળી તમે જે કંઈ ખરીદી કરતા તે હંમેશાં રોકડેથી કરતા હતા. તમારું ધંધાકીય સરવૈયું કે દારપણું એ તમારાં ખિસ્સાં જ ગણાતાં હતાં અને અક્ષયપાત્રની જેમ તમારાં ખિસ્સાં ચલણી નોટોથી સદાય ભરેલાં રહેતાં હતાં. કેટલાય જરૂરિયાતમંદોને બેહિસાબ અને બેસુમાર મદદ કરતા હોવા છતાં, સોલોમન, નદીકિનારાની વીરડીમાંથી પાણી જેટલું ઊલેચવામાં આવે તેનાથી અધિક જેમ સરવાણીઓ થકી ભરાતું જાય તેમ તમારા ખિસ્સાં સદાય નાણાંથી ભર્યાંભર્યાં જ રહેતાં હતાં.

ઘોડાગાડીઓના કારોબારના પ્રારંભિક તબક્કામાં, તમે સોલોમન, ઘોડાગાડીવાળાઓનાં દુ:ખો અને દર્દોને અનુભવી ચૂક્યા હતા. ઘોડાગાડીના છપ્પરની બહાર વર્ષની ત્રણેય ઋતુઓની વિપદાઓને ઝીલવી તથા ઘોડાના મળ, પેશાબ, વાયુછૂટ અને પરસેવાની દુર્ગંધને દિવસરાત શ્વસવી એ બધાં વિઘ્નોમાંથી તમે પસાર થઈ ચૂક્યા હતા. આ બધી તકલીફો ધંધાના ભાગરૂપ હોઈ તમારા માટે સહ્ય હતી; પણ એક વાતને તમે તમારા પૂરતી જ નહિ, પણ અન્યોને પણ લાગુ પડતી એવી પોલીસવાળાઓની કે કોર્પોરેશનના ઘોડાગાડીના કારોબારને સંલગ્ન એવા તુમાખી કર્મચારીઓની તોછડાઈ કે ગાળાગાળી અને તેમના તરફની નાનીમોટી લાંચરુશ્વતની માગણી તમે સહી શકતા ન હતા. સત્તા આગળ શાણપણ નકામું છે તેવું તમે જાણતા હતા અને તેથી જ ઘોડાગાડીના વ્યવસાય સાથે સંકળાએલા આવા શ્રમજીવીઓને સત્તાધારી વર્ગ તરફથી સહન કરવી પડતી માનહાનિની સમસ્યાના કાયમી ઉકેલ માટેના કોઈ માર્ગ કે માર્ગો માટેનું તમારું ચિંતન અહર્નિશ ચાલુ જ રહેતું હતું. કહેવાય છે કે દરેક સમસ્યાનો ઉકેલ હોય છે અને એક દિવસે તમને એ ઉકેલ મળી પણ ગયો હતો. તમારા ચિત્તમાં સમસ્યાના ઉકેલનો એક ચમકારો થયો અને તે દિવસે જ તમે તેને અમલમાં પણ મૂકાવી દીધો હતો.

વાત એમ બની હતી કે છેક બિહારથી નવાસવા આવેલા એક કોચમેન નામે નરસિંહે કોર્પોરેશનના એક ઈન્સપેક્ટરની લાંચની માગણીને જ્યારે ખારિજ કરી હતી, ત્યારે પેલા લુચ્ચાએ ઘોડાની ગરદન ઉપર ચાંદુ હોવાનો ખોટો કેસ મૂકીને ઘોડા અને ગાડી બેઉને જપ્ત કરીને કોર્પોરેશનના કમ્પાઉન્ડમાં ઊભાં કરી દીધાં હતાં. નરસિંહને કોઈકે આપેલી સલાહ અનુસાર તે જ્યારે તમારી પાસે રાવ નાખતો આવ્યો, ત્યારે તમે નરસિંહને એકી ધડાકે જણાવી દીધું હતું કે પોતાના તબેલામાં ફાજલ બાંધેલા ઘોડાઓમાંથી તેને ઠીક લાગે તેવો કોઈ ઘોડો લઈને પેલી એકલી ગાડીને છોડાવી લાવે. આ માટે તેને એવી અરજી આપવાનું પણ તમે સમજાવ્યું હતું કે ઘોડો સુલેમાન કાળાનો છે એટલે તેઓ દંડ ભરીને તથા ઘોડાની સારવાર કરવાની બાંહેધરી આપીને ઘોડો છોડાવી જશે, પણ ગાડી તેને સોંપી દેવામાં આવે કે જેથી તે પોતાનો ધંધો ચાલુ રાખી શકે કારણકે તે બચરવાળ માણસ છે. નરસિંહને ગાડીનો કબજો મળી ગયો અને આમ તેની આજીવિકા ચાલુ રહી હતી. નરસિંહની જેમ ખોટી રીતે કેસ કરવામાં આવ્યા હોય એવા કેટલાય કોચમેનોને તમે અવેજીમાં ઘોડાઓ આપતા જઈને થોડાક દિવસોમાં તો કોર્પોરેશનના કમ્પાઉન્ડને એક તબેલામાં રૂપાંતરિત કરાવી દીધું હતું અને અખબારોને તમે સમાચાર માટેનો મસાલો પૂરો પાડીને લોકોમાં કુતુહલ ફેલાવી દીધું હતું. આમ છતાંય તમે વારંવાર સાથીઓને સમજાવતા હતા કે સરકારી તંત્ર સામેનું આ હથિયાર ખોટી હેરાનગતી અને લાંચરુશ્વતની બદી સામે છે, નહિ કે કાનુનભંગ માટે; અને તેથી જ તો આ હથિયારનો દુરુપયોગ થવો જોઈએ નહિ.

સરકારી તંત્ર સામેના તમારા આંદોલનના ભાગરૂપે, તમે સુલેમાન, એક એવો પાક્કો નિર્ણય કરી બેઠા હતા કે કોર્પોરેશનની ગમે તેટલી નોટિસો આવે, પણ તમે હરગિજ ઘોડો છોડાવવા જવાના ન હતા. કાયદા પ્રમાણે ઘોડાની હરાજીની સંપૂર્ણ કાર્યવાહી થાય ત્યાં સુધી કોર્પોરેશને ઘોડાની સારસંભાળ લેવી પડે અને છેવટે ઘોડાનું નિભાવખર્ચ, ઘોડાની દાક્તરી સારવાર અને દંડ વસુલ કરીને વધેલી રકમ ઘોડાના માલિક એવા સુલેમાનને સોંપી દેવી પડે અને રકમ ખૂટે તો કોર્પોરેશને તેને માંડી વાળવી પડે. બીજી તરફ, તમે સુલેમાન કાળા, સમગ્ર મુંબઈ અને પરાંવિસ્તાર સુધીનાં તમામ સંગઠિત કે અસંગઠિત ઘોડાગાડી મંડળોને કર્ણોપકર્ણ જાણ કરાવી દીધી હતી કે કોઈએ કોર્પોરેશનની કોઈપણ ઘોડાની હરાજીમાં ઊભા રહેવું નહિ. આમ તમે એક અમર્યાદ સત્તા ધરાવતા સરકારી તંત્રને પડકાર્યું હતું અને તેમાં તમે સફળ થયા હતા. સુખદ ધાર્યું પરિણામ એ આવ્યું હતું કે સમગ્ર મુંબઈના લાખો ઘોડાગાડીવાળાઓ તેમને થતી ખોટી હેરાનગતી ટાણે તમારું નામ વટાવવા માંડ્યા હતા અને તમારા એ નામને વટાવવા બદલની કોઈ રોયલ્ટીની ખેવના પણ તમે રાખી ન હતી.

કાળ પોતાની કેડી પાડતો રહ્યો હતો. તમે સુલેમાન આધેડ ઉંમરે પહોંચી ગયા હતા. તમારા હમવતનીઓ તેમના હોટલો અને ટેક્ષીઓના કારોબારોમાં તમને ભાગીદાર બનાવવા અને ઘોડાગાડીઓના એ ધંધાકીય ક્ષેત્રને તિલાંજલી આપવાનું સમજાવતા હતા, પણ તે સઘળાની તમારા દિલોદિમાગ ઉપર કોઈ અસર થઈ શકે તેમ ન હતી. કાળી મજૂરી કરતા શ્રમજીવી એવા લાખો કોચમેનોનાં હિતો તમારા દિલમાં વસ્યાં હતાં. તમે જાણે કે તેમના માટે જ જીવતા હતા અને તેથી જ તો તેમનાં દિલોદિમાગો ઉપર તમે અહર્નિશ રાજ કરતા હતા. કોચમેનોને નીતિના પાઠ પણ તમે ભણાવતા હતા. તેમને તમે સમજાવતા હતા કે મુસાફરો કે ગ્રાહકો એ તેમની રોજીરોટીના સબબરૂપ હતા અને તેમના પ્રત્યેની તેમની વફાદારી અને ઈમાનદારી એ તેમને ચૂકવવામાં આવતું તેમનું વળતર હતું. મુસાફરોના ભુલાઈ ગએલા માલસામાનને ઈનામ કે બક્ષિસની લાલચ વગર પરત કરી દેવામાં જ ભલાઈ સમાએલી છે તેમ, તમે સોલોમન, માનતા હતા અને સાથીઓને મનાવતા હતા. આમ છતાંય કોઈ મુસાફર સ્વેચ્છાએ ઈનામ આપે તો તેને સ્વીકારી લેવાની પણ તમે સલાહ આપતા હતા. કોઈ લોભિયા મુસાફરો ઈનામ ન આપે અને છતાંય કોઈ ગાડીવાનને કોઈ ઈનામની અપેક્ષા હોય તો તમારી પાસેથી લઈ જાય તેવી કાયમ માટેની ખુલ્લી ઓફર પણ તમે કરી જ હતી, સુલેમાન. વળી, સાથી કોચમેનોને તમારી સૌથી વધારે અગત્યની શિખામણ એ પણ રહેતી હતી કે ઘોડાગાડીને ખેંચતું પ્રાણી એ તેમનું કમાઉ સંતાન છે અને તેને હરગિજ દુ:ખી કરવું જોઈએ નહિ.

સુલેમાન કાળા, સોલોમન બ્લેક, ખુદાઈ ખિદમતગાર, કોચમેનોના મસીહા અને એવાં કોણ જાણે કેટલાંય નામોએ મશહુર એવા તમે ખુદાના નાચીઝ પરહેજગાર બંદાએ કેટલાય ગરીબોને હાથ પકડીને બેઠા કર્યા હતા; પરંતુ માત્ર ત્રણ જ દિવસની સામાન્ય તાવની માંદગીમાંથી તમે બેઠા ન થઈ શક્યા અને અગણિત એવા સાથીઓ, મિત્રો અને સ્નેહીજનોને રડતાકકળતા મૂકીને તમે પવિત્ર એવા જુમ્માના દિવસે પંચાવન વર્ષની ઉંમરે અલ્લાહને પ્યારા થઈ ચૂક્યા હતા.

મજહબી પાબંધીઓ સાથેની નેક અને ભલાઈની જિંદગી જીવી ગએલા એવા, સુલેમાનભાઈ, તમારા માનમાં કોઈ બંધ કે હડતાલનું એલાન કરવામાં આવ્યું ન હતું; એટલા માટે કે તમારી એ મતલબની તાકીદભરી વસિયત હતી કે પોતે નાચીઝ એવા ખુદાના બંદા હોઈ પોતાના અવસાનના દિવસે લોકોને કે મુસાફરોને કોઈ હાલાકી ભોગવવી ન પડે! આમ છતાંય તમારી વસિયતનું ચુસ્તપણે પાલન કરતાં એ કોચમેનોએ તમારી મૈયતના દિવસે ઘોડાગાડીના ઘોડાઓની કલગીની જગ્યાએ નાની ત્રિકોણાકાર કાળી ધજા અને પોતાના બાવડે કાળી પટ્ટી બાંધીને આંખોમાં આંસુ સાથે ગમગીન ચહેરે શોક મનાવ્યો હતો તથા એ દિવસની કમાણીની તેમણે ગરીબોને ખેરાત પણ કરી દીધી હતી.

વધારે તાજુબીની વાત તો એ રહી હતી, અય મરહુમ સુલેમાનભાઈ, કે આપના અવસાન પછીનાં કેટલાંક વર્ષો સુધી પણ કોઈ કોઈ કોચમેનોએ ટ્રાફિક પોલિસો કે કોર્પોરેશનના કર્મચારીઓ આગળ નાનીમોટી પોતાની ક્ષતિઓ ટાણે આપનું નામ વટાવવાનું ચાલુ રાખ્યું હતું, એ શબ્દોમાં કે ‘આ તો સુલેમાન ચાચાની ઘોડાગાડી છે!’ આમ કહેવા પાછળનો એમનો આશય કદાચ એ પણ હોઈ શકે કે તેઓ આપને જીવિત કલ્પતા હોય અને તેમની વચ્ચે આપ મોજુદ જ છો એમ માનતા પણ હોય!


Rate this content
Log in

Similar gujarati story from Inspirational