Valibhai Musa

Inspirational Others

3.1  

Valibhai Musa

Inspirational Others

વહુનાં વળામણાં

વહુનાં વળામણાં

14 mins
1.1K


બગાસાં આવતાં મેં ટેબલ લેમ્પની સ્વીચ ઑફ કરી દીધી. પુસ્તકને ઢોલિયા નીચે મૂકી દીધું. અંદાજે મધ્યરાત્રિ થઈ હશે. મારી પથારી ઓસરીમાં જ રહેતી. બૉર્ડની પરીક્ષાને હવે દસેક દિવસની જ વાર હતી. મેં ઊંઘવાની તૈયારી કરી, પણ ભસતાં કૂતરાં ખલેલ પહોંચાડી રહ્યાં હતાં. જો કે થોડીવાર પછી એ જંપ્યાં તો ખરાં, પણ પાડોશના ઘરમાંથી વાતચીત સંભળાવા માંડી. તેમના શબ્દો ઉપરથી લાગ્યું કે હું સાંભળી ન જાઉં તે રીતે તેઓ ક્યારનાંય ધીમા અવાજે વાતો કરતાં હશે. ટેબલ લેમ્પ બંધ થતાં થોડીવાર પસાર થઈ હશે અને એ લોકોનો અવાજ સહેજ મોટો થયો. હું ઊંઘી ગયો હોઈશ, એમ એમણે માની લીધું હશે. પરંતુ હું જાગતો હતો. મેં કાન સરવા કર્યા. થોડુંક સાંભળતાં મને લાગ્યું કે વાત ગંભીર હતી અને તે ક્યારનીય ચાલતી હશે.

સ્ત્રીનો અવાજ: ‘તું રાજીખુશીથી કહેતો હોય તો જ જાઉં. મારું મન મક્કમ છે. હવે આપણો સંસાર અહીં પૂરો થાય છે.’

પુરુષ: ‘પણ ગાંડી, મારા ઘરમાં આવ્યાને તને દસ વર્ષ થયાં; અને હવે સંસાર પૂરો થયાની વાત કરે છે તે….'

વાત કાપતાં સ્ત્રી બોલી: ‘સાચું કહું, તું મને લાવ્યો તે દિવસથી જ મને ગોઠતું ન હતું. તને એ વાત કહું કે ન કહું એમ વિચારતાં દસકો નીકળી ગયો. હવે સંજોગો એવા ઊભા થયા છે કે મેં તને અંધારામાં રાખ્યાનો મારો અપરાધભાવ દૂર થઈ જશે અને સૌ સારાં વાનાં પણ થશે. છેલ્લી હું પિયરથી પાછી ફરી ત્યારથી મનમાં જે ચોળો ભરાઈ ગયો હતો, તેના કારણે આજે ઊંઘ જ ન આવી. તું તો નસકોરાં બોલાવતો હતો. હું એ રાહ જોઈને પડખાં બદલતી રહી કે તું પેશાબપાણી કરવા ઊઠશે. તું ઊઠ્યો ખરો, પણ બાજુવાળો છોકરો કમલેશ જાગતો હતો. મને લાગ્યું કે એની પરીક્ષા નજીક આવી ગઈ છે અને આખી રાત જાગશે, તો મારા મનની વાત મનમાં જ રહી જશે. આજે તો મેં મન મક્કમ કર્યું હતું અને તને બધું જ કહી દીધું છે. હવે તું રાજીખુશીથી હા પાડે તો સારી વાત છે, નહિ તો…’ સ્ત્રીએ વાત અધૂરી છોડી.

હું હજુ અઢાર વર્ષનો જ હતો, પણ ઘરસંસારની વાતો મને સમજાતી હતી. કરીમચાચા અને રૂકૈયામાસી વચ્ચે કદીય ઝઘડો થયો સાંભળ્યો નથી અને આમ અચાનક આ શું ? રૂકૈયામાસી ચાચાનાં પરદેશી ઓરત હતાં. ગામ આખાયમાં કોઈપણ વર્ણમાં કોઈ સ્ત્રી પતિને ‘તું’ કહીને બોલાવે નહિ, પણ રૂકૈયામાસી આમાં અપવાદ હતાં. ગુજરાતના છેક છેડે મહારાષ્ટ્રની બૉર્ડર નજીકના કોઈક ગામેથી કરીમચાચા તેમને પરણી લાવ્યા હતા. એ કહેતાં કે મારા પિયરના ગામે તો ધણીધણિયાણી એકબીજાંને આમ જ બોલાવે. ચાચા પૈસેટકે સુખી હતા. કોઈ ભાઈબહેન પણ નહિ. પોતે એકલા જ. એમના પિતા રહીમચાચાને પણ એવું જ હતું. તેમના સમાજમાં કુરિવાજ હતો, સાટા પ્રથાનો. કાકા કે ફોઈ હોત તો કદાચ એમની દીકરીઓનું ઊછીનું સાટું મળી જાત. કરીમ ચાચાએ નાની ઉંમરે વાલદૈન ગુમાવેલાં, એટલે તેમની ખુદની પરણવા-પંથાવાની ફિકર એમના પોતાના જ શિરે હતી.

રૂકૈયામાસી પહેલાં એમના ગામની જ એક ઓરત નામે બિલ્કીસ પરણીને અહીં આવી હતી. તેણે જ તો કરીમચાચા અને રૂકૈયામાસી વચ્ચેનો મેળ પાડી આપેલો અને આજે એ મેળ અચાનક કેમ કુમેળમાં પલટાવા જઈ રહ્યો હતો એ જ સમજાતું ન હતું! વળી એ પણ દસેક વર્ષો પછી ? એ એમ બોલ્યાં હતાં પણ ખરાં કે ‘તને બધું કહી દીધું !’ એવું શું કહી દીધું હશે ? હું જાગતો હતો, ત્યારે એમણે ધીમા અવાજે કદાચ એ કહી દીધું હશે. મારાથી વચમાં પડાય ખરું ? મારાં બાને જગાડીને આ વાત તેમના ધ્યાન ઉપર લાવવી જોઈએ કે નહિ ? ગમે તેમ તોય એ મોટેરાં કહેવાય. ઘરસંસારની આવી વાતોમાં હું નાનો પડું. મારી વાતનું વજન પણ કેટલું પડે ? કોઈપણ રીતે એમનો ઘરસંસાર પડી ભાંગતો બચાવી લેવો જોઈએ, એમ વિચારું છું; ત્યાં તો તેમની વાતચીત આગળ સાંભળવા મળી.

‘કરીમ, તું જલદી બોલ ને. જો રાત્રિનો એક વાગ્યો છે. તારંગા લોકલ સવારે છ વાગે આવે છે. સ્ટેશને ચાલતાં જવામાં એકાદ કલાક લાગે. આપણે પાંચ વાગે નીકળી જવું પડે. અજાનનો સમય મોડો છે, એટલે આપણે પછી કજા નમાજ જ પઢવી પડશે. તું મને રાજીખુશીથી જે કંઈ કપડાંલત્તાં કે ચીજવસ્તુ આપે એ સામાન ભેગો કરીને બિસ્તરો-પોટલો બાંધવામાં એકાદ કલાક લાગે કે નહિ ?’

‘શું બોલું રૂકૈયા ? તેં સોગંદ ખાઈને તારો ઈરાદો જાહેર કર્યો છે એટલે મારે શું કહેવાનું બાકી રહ્યું ? તેં ભલે આજે એ વાત કહી હોય, પણ હું સમજી શકું છું કે એ પાછળ તારો મને છેતરવાનો કોઈ ઈરાદો ન હતો. તેં એ વાતનું રહસ્ય જાળવ્યું તેની પાછળ મને દુ:ખ ન થાય એ જ તારો આશય હતો. આપણે બંને એકબીજાંને અનહદ ચાહતાં હતાં એ જ તો તારું મોંઢું ન ખોલવા પાછળનું કારણ હતું ને ! હજુ પણ તને કહું છું કે મને તું બતાવે છે એ વાતનો કોઈ અભાવ મને નહિ નડે. આપણે અલ્લાહની મરજીને આધીન રહેવું જોઈએ. તું તારા સોગંદ પાછા ખેંચી લે અને આપણે જોડાયેલાં જ રહીએ. આખું ગામ આપણી એકબીજાંની મહોબ્બતનું ગવાહ છે. તારા ભલા સ્વભાવના કારણે તું આખા ગામમાં સૌની માનીતી થઈ ગઈ છે. તું જતી રહેશે તો એ લોકોને હું શો જવાબ આપીશ ?’

મારા સમજવામાં કંઈ જ આવતું ન હતું. બંને જણાં ‘એ વાત’, ‘એ વાત’ બોલ્યે જાય છે; પણ એ શી વાત હશે ? વાત કંઈક ગંભીર લાગે છે ! લાગે છે કે દસ વર્ષ સુધી રૂકૈયામાસીએ જે વાત છુપાવી રાખી હતી, તે એમણે આજે જ, હમણાં જ કહી લાગે છે. મારી ઊંઘ ગાયબ થઈ ગઈ હતી. મને ખાત્રી થવા માંડી હતી કે રૂકૈયામાસી આજે વહેલી સવારે આ ગામ હંમેશને માટે છોડી દેશે અને ગામ આખાય ઉપર આ સમાચારથી વીજળી ત્રાટક્યા જેવું થશે.

વાતચીત આગળ વધી.

‘કરીમ, મેં તને બધી વાતે સોગંદ દઈ દીધા છે; એટલે પાડોશમાં મારી અમ્મા સમાન પાર્વતીકાકીને કે કોઈને પણ હું નહિ મળું. તારે થોડાક દિવસ માટે એમ જ વાત ચાલતી રાખવાની છે કે હું માયકે ગઈ છું. બિલ્કીસ પણ મારા આ નિર્ણયથી અજાણ છે. હવે તું રાજીખુશીથી હા પાડે તો સારી વાત છે, નહિ તો તને દુભવીને પણ હું જવાની જ.’

‘અરે, અરે ! પણ તું ઘરેણાં કેમ કાઢવા માંડી છે ? એ હવે તારાં થઈ ગયાં. લે, હવે વળતો હું પણ તને સોગંદ દઈને કહું કે હાલ તારાં પહેરેલાં અને કબાટમાં પણ જે કંઈ તારાં ઘરેણાં છે તે બધાં મારા માટે હરામ છે.’

‘પણ પછી એને શું આપીશ ?’

‘બીજાં બનાવડાવી દઈશ.’

‘નાહકનો ખર્ચ કરવાનો કોઈ મતલબ ખરો ?’

‘અલ્લાહની મહેર છે. એ દરદાગીના તારા જ ગણાય. હવે એના ઉપર મારો કોઈ હક્ક રહેતો નથી.’

‘ચાલ, તારું માન રાખું છું. હવે મારો સામાન તૈયાર કરવામાં મદદ કર. અને સામાન ઊંચકવા માટે મજૂરનું શું કરીશું ?’

‘હું જ મજૂર થઈશ. વહેલી સવારે કયો કાકો મળવાનો ?’ બંને ખડખડાટ હસી પડ્યાં.

મને લાગ્યું કે પરિસ્થિતિ પરાકાષ્ઠાએ આવી પહોંચી છે. ‘પણ, પછી એને શું આપીશ ?’ શબ્દો બતાવી આપતા હતા કે રૂકૈયામાસી માત્ર જાય છે એટલું જ નહિ, એમની જગ્યા કોઈક દ્વારા ભરાઈ જવાનું પણ તય છે. ‘એ’ કોણ હશે ? આ લોકો કેવી સહજ રીતે વાતો કરી રહ્યાં છે ! રૂકૈયામાસી એક જીવંત ઓરત છે, છતાંય એમ નથી લાગતું કે એ પોતાને કોઈ જણસ માનતાં હોય ? એમની જગ્યા ભરનાર પણ કોઈક ઓરત છે અને તેને પણ કોઈ જણસ માનવામાં આવતી હોય ! એક જણસ જાય અને બીજી જણસ એની જગ્યાએ ગોઠવાય ! લાગણી જેવું શું કંઈ નહિ ? હા, એમ જ લાગે કેમ કે જણસ તો જડ હોય ને ! જણસને કોઈ લાગણીઓ લાગુ પડે ખરી ? વાલીડાં મજૂરની વાત ઉપર ખડખડાટ હસે પણ છે. કોઈ રોકકળ નહિ, કોઈ લડાઈઝઘડો નહિ, કોઈના સામે કોઈનું દોષારોપણ નહિ. પશ્ચિમના દેશોના કોન્ટ્રેક્ટ મેરેજ જેવું આ તો થઈ રહ્યું હતું, મેરેજની સમયાવધિ પૂરી થાય અને એકબીજાંને ‘બાય… બાય’ કહીને છૂટાં પડી જવાનું. મુસ્લીમોમાં આવાં લગ્નો થતાં હશે ખરાં ?

ઘરમાંથી મજૂસ ખુલવાનો અવાજ આવ્યો અને મારી વિચારમાળા તૂટી. વળી પાછો એમની વચ્ચેનો સંવાદ સંભળાયો.

‘એય, પણ મારા જવાની તૈયારી થઈ રહી છે અને તેં મને તલાક તો આપી નથી. જલ્દી જલ્દી ત્રણ વખત ‘તલાક’ બોલી જા, એટલે એ રસમ પૂરી !

‘અલી, એ રસમ નથી, પગલી. એ તો અનિવાર્ય અનિષ્ટ છે, અણગમતી વિધિ છે. ઈસ્લામે તલાકને ગ્રાહ્ય રાખી છે, પણ અલ્લાહ તેને પસંદ કરતો નથી. આપણા ત્યાં એકી સાથે ત્રણ વખત બોલી નાખવાથી તલાક થતી નથી. તારા સમુદાયમાં એમ થતું હશે. હકીકતમાં ‘તલાક’ બોલાતા શબ્દો વચ્ચે સમયગાળો રહેતો હોય છે, જે પરિસ્થિતિ સુધારવાની તક આપે છે. આ સમયગાળો નિશ્ચિત હોતો નથી; એ દિવસો, મહિનાઓ કે વર્ષોનો હોઈ શકે, આખી જિંદગીનો પણ હોઈ શકે. ત્રણ વખત તલાક બોલવાનો સાર માત્ર એટલો જ કે ત્રીજી વખત ‘તલાક’ બોલાઈ જાય, ત્યારે જ લગ્નજીવનનો અંત આવે. ત્યાર પછી જ સાડાચાર મહિનાનો ઈદ્દતનો સમયગાળો શરૂ થાય. વળી આ ખાનગીમાં થતી ક્રિયા નથી, ગવાહ જોઈએ. ઈસ્લામ, કોઈપણ ધર્મ કે કોઈપણ દેશનું ન્યાયતંત્ર ગવાહ વગર કોઈને ન્યાય આપી શકે નહિ. આ કુદરતી ન્યાયનો સિદ્ધાંત છે. લે, હું તો કોઈ મૌલાનાની જેમ મિજલસ (કથા) પઢવા મંડી પડ્યો. આપણી તલાક તારા ગામના અમારાવાળા મૌલવીની રૂબરૂમાં થશે. હું ત્યાં આવીશ. વળી ‘નિકાહ’ની જેમ ‘તલાકનામું’ પણ પઢાશે. અહીંના અમારા મૌલવી સામે આ બધું કરવા જતાં બધું જાહેર થઈ જાય અને તારા મનની વાત મનમાં રહી જાય. આ લોકો આપણી તલાક થવા દે જ નહિ, સમજી.’

‘લે, હવે તારી બધી વાત કબૂલ; અને હા, બીજું સાંભળ. તારી છેલ્લી છેલ્લી કોઈ ઇચ્છા હોય તો…’

‘ના, રે! તું તો જલ્લાદ બની છે અને પાછી છેલ્લી ઇચ્છા પણ પૂછે છે. ટોળટપ્પા કરવા હોય તો કરી લે. પછી વળી તું મારા માટે નામેહરમ થઈ જશે અને મારા સામે હિજાબ (Veil) પણ પાળવો પડશે.’

હું વિચારી રહ્યો હતો કે ઈશ્વર-અલ્લાહે આ જોડીને કોઈ જુદી જ માટીમાંથી બનાવી લાગે છે. વાલીડાં કેવી સહજ વાત કરી રહ્યાં છે ! પણ, પણ હજુ મને તાળો મળતો ન હતો કે આખરે આ લોકો એકબીજાં પ્રત્યે આટલો બધો પ્રેમ હોવા છતાં છૂટાં કેમ પડી રહ્યાં છે ?

* * * * *

જેવાં એ બંને સામાન સાથે આંગણાનાં પગથિયાં ઊતરીને સ્ટેશને જવા નીકળ્યાં કે મેં સાંકળી ખખડાવીને મારી બાને જગાડ્યાં. ટૂંકમાં બધી હકીકત સમજાવી દીધી. તેમનાથી ધીમી ચીસ પડી ગઈ અને ‘હાય રામ !’ બોલી પડ્યાં. બાપુજી ખેતરે વાસો હતા. બાએ પગમાં ચંપલ પણ ન પહેર્યાં અને અમે માદીકરાએ એમનો પીછો કર્યો, પણ અમે તેમને પકડી ન શક્યાં અને સ્ટેશન આવી ગયું. ગાડીને આવવાની પંદરવીસ મિનિટની વાર હતી. ભળભાંખળું થવા માંડ્યું હતું. નાનકડું ફ્લેગ સ્ટેશન હતું. હાલમાં તો મુસાફરોમાં રૂકૈયામાસી અને કરીમચાચા જ દેખાતાં હતાં

બાએ રડમસ અવાજે પૂછ્યું, ‘રૂકૈયાબેટા, કમલેશ કહે છે એ વાત સાચી છે ?’

‘હા, બા. સાચી વાત છે. હેં કમલ, તું જાગતો હતો ? તેં અમારી બધી વાતો સાંભળી લીધી ? લુચ્ચા !’ રૂકૈયામાસી બોલ્યાં.

‘હવે તમે બેઉ મારી સાથે વાત કરો. તમને પૂછું છું કે આટલાં વર્ષે તમને બેઉને શું વાંકુ પડ્યું ? બે વાસણ ખખડે એટલે શું ફેંકી દેવાનાં ? ચાલો, બેઉ ઘેર પાછાં ફરો. કરીમ, તું તો મરદ છે અને તારી અક્કલ પર પણ પૂળો પડ્યો છે ? બહેન-દીકરીની જેમ વહુનાં વળામણાં કરવા નીકળ્યો છે. તમને લોકોને શરમ નથી આવતી ?’ પાર્વતીકાકીએ આક્રોશ ઠાલવ્યો.

‘સાંભળો, બા. ઈશ્વરને ખાતર ગુસ્સો કરશો નહિ. કરીમ મને મૂકીને ઘરે પાછો ફરશે, એટલે તમને બધી વાત સમજાવશે.’ રૂકૈયામાસીએ હાથ જોડ્યા.

‘એ શું સમજાવવાનો હતો ? તું જ બોલી નાખ ને ! મને લાગે છે કે તમે બેઉ આપસમાં મળી ગયાં છો અને રાજીખુશીથી આ ગોઝારું કામ કરવા જઈ રહ્યાં છો.’ પાર્વતીકાકીએ પોક મૂકી.

કરીમચાચાએ બાનું માથું પસવારતાં રડવા માંડ્યું. મને એ બેઉની કોયડારૂપ પેલી રાતવાળી ‘એ વાત’ જાણવાની આતુરતા હતી. દરદાગીના બાબતે રૂકૈયામાસીએ કરેલો પ્રશ્ન યાદ આવ્યો,’પછી એને શું આપીશ ?’ ‘એ’ કોણ ?’ એ મારે જાણવું હતું. રૂકૈયામાસીની ખાલી જગ્યા કોનાથી ભરાવાની હતી, એ મારે મન જાણવાની તાલાવેલી હતી. હું ખામોશ જ રહ્યો. વડીલો વચ્ચે એમ કૂદી પડાય પણ નહિ ને !

કરીમચાચા બોલ્યા, ‘રૂકૈયા, તું બાને માંડીને વાત સમજાવ. એમના મગજમાં વાત નહિ બેસે ત્યાં સુધી એ આપણને નહિ જવા દે. હું એટલી વારમાં ટિકિટો લઈ આવું છું.’

‘ના. ટિકિટ-બિકિટની હાલ કોઈ વાત નહિ. એક વારનાં બેય જણ ઘરે ચાલો. મારા ગળે વાત ઊતરશે તો કાલે હું તમને બેઉને મૂકવા આવીશ.’

‘ભઈલા કમલ, તું અર્ધીપર્ધી અમારી વાતો સાંભળી ગયો છે; તો સમજાવને, બાને ! તારા કાકાને ટિકિટો તો લાવવા દો. ટિકિટો લીધી એટલે થોડાં ગાડીમાં બેસી ગયાં ! બીજું બા, એટલું તો સમજો કે કોઈ ધણી બૈરીને કાઢી મૂકતો હોય તો સાસરીમાં તેને મૂકવા થોડો જાય. તમે શાંત પડો, તો તમને સમજાવું અને મહેરબાની કરીને કરીમને ટિકિટો લેવા જવા દો.’ રૂકૈયાએ હાથ જોડ્યા.

‘જા, ટિકિટો લઈ આવ; પણ મારા હાથમાં આપવાની હોં! હવે બોલ રૂકૈયા બેટા, વાત શી છે ?’ ભોળિયાં બાએ આંખોમાં ઝળહળિયાં સાથે પૂછ્યું.

‘જુઓ બા, ગાડી આવવાને પંદર જ મિનિટ બાકી છે; એટલે ટૂંકમાં સમજાવું. તમને ખબર છે કે બિલ્કિસે કરીમનું અને મારું વેવિશાળ ગોઠવી આપ્યું હતું. પરંતુ બિલ્કિસને એક વાતની ખબર ન હતી કે હું મા બની શકું તેમ નથી.’

‘હાય રામ ! શું કહે છે તું ?’ બાનું મોં આશ્ચર્યથી પહોળું થઈ ગયું.

’આ વાત મારાં અમ્મા અને હું જ જાણતાં હતાં. અમે મા-દીકરીએ ખૂબ રકઝક કરી અને મેં તેમને સમજાવવાની કોશિશ કરી કે આપણે આ વાત છુપાવવી જોઈએ નહિ. સામેવાળો કોઈપણ પુરુષ ઓલાદની અપેક્ષા રાખે અને આપણે એને ધોખો દઈએ તો આ ગુના બદલ અલ્લાહ આપણને માફ ન કરે. અમારા સમાજમાં મઝહબનું સાફ ફરમાન છતાં દહેજના દુષણના કારણે મારાં અમ્માને ચિંતા હતી કે અમે અમારી ગરીબીના કારણે દહેજ નહિ આપી શકીએ અને હું કુંવારી રહી જઈશ. મારી ઉંમર પણ વધતી જતી હતી. અમ્માએ દલીલ આપી કે તું હાલ પરણી જા અને અમુક સમય પછી તું દામાદને સમજાવી-પટાવી લેજે અને તારા કોઈ ભત્રીજા-ભાણેજને ગોદ લઈ લેજે. હવે બિલ્કીસ જેમ અમારી ગુપ્ત વાતથી અજાણ હતી, તેમ અમે પરદેશી હોવાના કારણે અજાણ હતાં કે કરીમને કોઈ ભાઈબહેન છે કે નહિ અને તે એકલો જ છે. આ વાતની જાણ અમને ત્યારે થઈ, જ્યારે કે કરીમ જાન લઈને અમારા ગામે આવ્યો. અમારે મા-દીકરી વચ્ચે ફરી રકઝક થઈ. એણે જાન પાછી ફરે તો ઈજ્જતનો સવાલ આઘો કરીને મને સમજાવી દીધી કે ભત્રીજો-ભાણેજ નથી, તો કોઈપણ યતીમને ગોદ લઈ લેજે; કેમ કે યતીમની સાર સંભાળ લેવી એ અલ્લાહને અને અલ્લાહના રસુલને પસંદ છે.’

‘તને વચ્ચે અટકાવું છું અને પૂછું છું કે કરીમને તેં આ વાત ક્યારે જણાવી અને એણે પછી શું કહ્યું ?’

‘બા, તું માને કે માને; પણ મારી માફ ન થઈ શકે તેવી મારી આ ખતાને દસદસ વર્ષ સુધી મારા સીનામાં ભંડારી રાખીને છેવટે આજે રાત્રે જ મેં કરીમને જાણ કરી. અલ્લાહના એ નેક બંદાએ ‘અલ્લાહની મરજી’ કહીને મને રડતી છાની રાખી અને જણાવ્યું કે આપણે કોઈ યતીમને દત્તક લઈશું.’ રૂકૈયામાસીએ રડમસ અવાજે કહ્યું.

રાત્રે અર્ધીપર્ધી સાંભળેલી વાતનો મને તાગ મળી રહ્યો હતો. કરીમચાચા ટિકિટો લઈને આવી ગયા હતા. મેં એ ટિકિટો મારી પાસે લઈ લીધી અને રૂકૈયામાસીની કેફિયત તરફ ધ્યાન આપવા માડ્યું.

‘તો પછી કરીમ જો આવી દરિયાવદિલી બતાવીને તને માફ કરતો હોય, તો પછી તારે શું જોઈએ, મારી દીકરી ?’ બાએ રૂકૈયામાસીના માથે હાથ ફેરવતાં કહ્યું.

‘હવે બા, વચ્ચેની એક વાત સાંભળો. ત્રણેક મહિના પહેલાં મારી અમ્માએ મને તાબડતોબ બોલાવી. મારી નાની વિધવા બહેન સાસરિયેથી પિયર પાછી ફરી હતી. મારા જીજા એકાદ વર્ષ પહેલાં ડેન્ગ્યુથી અવસાન પામ્યા હતા. સંતાનમાં એક્માત્ર દીકરો હતો, જે છએક મહિના પહેલાં ટૂંકી માંદગીમાં અવસાન પામ્યો. આમ છતાંય અમારા ઘરના સંસ્કારો પ્રમાણે પોતે પતિની વતી સાસુ-સસરાની સેવાચાકરી કરશે અને કોઈ ભત્રીજાને દત્તક લઈ લેશે એમ મન મનાવ્યું હતું. તેના સાસુસસરા તો તેને મરહુમ દીકરા જેટલું માનસન્માન આપતાં હતાં, પણ તેની દેરાણી અને જેઠાણીને એ આંખમાંની કણીની જેમ ખૂંચતી હતી. એ કાંટો દૂર થાય તો તેના ત્રીજા ભાગની માલમિલ્કત તેમને મળી રહે. આમ એ લોકોએ તેના ઉપર બેત્રણવાર જાનલેવા કાવતરાં કર્યાં. અમે હવે તેને કાયમ માટે અમ્મા પાસે બોલાવી લેવાનો નિર્ણય કર્યો, પણ એની માંડ પચીસ વર્ષની વય અને પાછળ અણખૂટ્યું આયખું. હું તો આધેડ ઉંમર વટાવી ચૂકી છું અને સંસારસુખ માણી લીધાં છે. મારા મનમાં વિચાર ઝબક્યો કે મારી બહેન કરીમ સાથે નિકાહ પઢી લે તો મારા ગુનાહનું પ્રાયશ્ચિત થાય અને નસીબમાં હોય તો કરીમ સંતાનસુખ પામી શકે. વળી અમે બે બહેનો જ અમ્માનાં આશરો છીએ, એટલે હું કરીમથી તલાક લઈને અમ્માનો દીકરો બનીને તેમની સાથે રહી શકું.’

રૂકૈયામાસીએ એકીશ્વાસે કોઈ સિરિયલ કે મુવી જેવી રોમાંચક કથા કહી સંભળાવી અને મને ‘એ-કોણ ?’નો જવાબ મળી ગયો. હું વચ્ચે જે કહેવા માગતો હતો તે બાએ જ ઉપાડી લીધું.

‘પણ, તમારા લોકોમાં મરદ ચાર બૈરાં કરી શકે છે અને તમે બંને બહેનો સાથે ન રહી શકો ? વળી તમારાં અમ્માને પણ બોલાવી લો તો એમનું ઘડપણ સચવાય. મારો કરીમ તો દરિયાવદિલ છે અને એ પણ અમ્માનો દીકરો બની રહેત. તમારા લોકોની સઘળી સમસ્યાઓનો મને તો આ ઉકેલ સૂઝે છે.’

હવે કરીમચાચાની કૉટમાં દડો હતો.

કરીમચાચાએ કહ્યું, ‘બા, અમારો શરિયતી કાનૂન સગી બહેનોને પત્નીઓ તરીકે સાથે રાખવાની મનાઈ ફરમાવે છે.’

‘એવો તે તમારો કેવો કાનૂન! એમાં શું ખાટુંમોળું થઈ જાય, જરા સમજાવ ને !’

‘બા, જેમ તમારા વેદોને દેવવાણી તરીકે ઓળખાવાય છે; એમ અમારી કુરઆનની આજ્ઞાઓ ‘કલામે રબ્બાની’ (રબના કલામ-શબ્દો) કહેવાય છે. કોઈપણ ધર્મના કાનૂન પાછળ માનવીના ભલા માટેનો ઊંડો મર્મ હોય છે. બે બહેનોને સાથે નિકાહમાં લેવાની મનાઈનું રહસ્ય એ સમજાય છે કે પછી તે બંને જણીઓ બહેનો ન રહેતાં એકબીજીની શોક્ય બની જાય. આપણે જાણીએ જ છીએ કે શોક્યો પતિનો પ્રેમ મેળવવા હરીફો બને અને એક્બીજી પ્રત્યે ઈર્ષાભાવ પણ જાગી શકે. કોઈપણ મજહબના કાનૂનો આવી ઝીણીઝીણી સંવેદનશીલ બાબતોનો પણ ખ્યાલ રાખે છે. એક બહેન અવસાન પામે યા તલાક પામે તો જ બીજી બહેન જીજા સાથે નિકાહ પઢી શકે.’

‘બા, હવે તમને જો આખો કોયડો સમજાયો હોય તો મને રાજીખુશીથી વિદાય આપો અને અમારા બધાંયના હકમાં ઈશ્વર-અલ્લાહને પ્રાર્થના કરો. કરીમને તમે દીકરો માન્યો છે તો ગર્વ કરો કે તે કેટલો મહાન છે. અમારા દસ વર્ષના સંસારમાંનો અમારો એકબીજા પરત્વેનો પ્રેમ આજે કસોટીમાંથી પાર ઊતરી રહ્યો છે. તમારાં અને અમારાં કુટુંબનો જ દાખલો લઈએ તો પ્રેમ એ શું હોઈ શકે તેનો ખ્યાલ આવે. આપણે બારસાખ પાડોશી છીએ, પોતપોતાના ધર્મોને અનુસરીએ છીએ અને છતાંય માનવધર્મને કેવો જતનપૂર્વક પાળીએ છીએ! જુઓ ને, તમે કેવાં ખુલ્લા પગે અમારી પાછળ પાછળ દોડી આવ્યાં!’ આમ કહેતાં રૂકૈયામાસી બાને બાઝી પડીને હૈયાફાટ રડી પડ્યાં.

બા રૂકૈયામાસીનાં અને પછી પોતાનાં આંસુ લૂછતાં બોલ્યાં, ‘દીકરી, હવે તું પાછી નહિ આવે ?’

‘કેમ નહિ? હું જ્યારે જ્યારે આવીશ ત્યારે કરીમના ત્યાં, મારી બહેનના ત્યાં જ ઠહેરીશ. કરીમ એ મારો જીજાજી હશે અને હું તેની મોટી સાળી. હું હિજાબમાં હોઈશ અને એ મારા પગની પાની કે માથાના બાલને પણ નહિ જોઈ શકે. લો, બા. ગાડી આવી ગઈ. તબિયત સાચવજો. પૃથ્વીકાકાને આ બધું સમજાવજો અને મારી યાદ આપજો. કમલ બેટા, તું ભણવામાં ધ્યાન રાખજે. તું અમારી રાતની વાતો સાંભળી ગયો તે એક રીતે તો સારું થયું. આમ મારા ચૂપચાપ ચાલ્યા જવાથી તમને લોકોને કેટલું બધું દુ:ખ થાત!’

ગાડી આવીને ઊભી રહી ન રહી અને તરત જ ઊપડી. અમે મા-દીકરો પાટાઓ વચ્ચેથી ગાડી દેખાતી બંધ થઈ ત્યાં સુધી ઊભાં રહ્યાં. જેવી ગાડી દેખાતી બંધ થઈ કે તરત જ મને બાઝી પડીને બા ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યાં. મેં એમને રડવા દીધાં અને હું પણ રડતો રહ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational