પ્રેમનું પ્રતિક
પ્રેમનું પ્રતિક
ફરી આજે એજ એક નવી આશાનો ઉદભવ! આજે ફરી યશવંતરાય ત્રિવેદીના ડ્રોઇંગરૂમમાં બારીના પડદા જાણે એક નવી આશાને ખુદમાં સમાવીને પારિજાતની નમી પડેલી વેલના તાજાં ફૂલોની ફોરમને વહાવીને ફરફર ઊડી રહ્યા હતા. મોરપિચ્છ વડે રાધાના કોમલ કરમાં મહેંદીની ભાત રચતા કૃષ્ણના વિશાળ ફોટાનો બલ્બ પણ ઝબૂકીને પ્રીતની સોડમ રેલાવી રહ્યો! બારસાખ પર તાજાં ફૂલોનું તોરણ નિરાંતે હિલોળા ખાઈને જાણે આગુંતકના આગમનની વાટ જોતું હતું! આગુંતકો માટે આજે ફરીથી નવાં કપ-રકાબી, કીટલી, ઇલાયચીથી ભરપૂર ચા, નાસ્તામાં ફરસાણ તેમજ મીઠાઇ, ડ્રાયફ્રૂટ, ઠંડા પાણીના જગ...વિગેરે એકીશ્વાસે વિશ્વાબેને ચકાસી લીધું.
"હિમાદ્રી તૈયાર થઈ ગઈ? મહેમાન આવતા જ હશે." માર્ગીભાભીનો સલૂકાઈભર્યો અવાજ હિમાદ્રીને સંભળાયો. એક માર્ગીભાભી જ હતા કે જે પોતાના વિચારો સાથે સહમત હતાં.
હાથના પંજા સુધીની લાંબી બાંયવાળો આછા ગુલાબી રંગનો મોરની ભાતવાળો પંજાબી સૂટ, કેસરી કલરનો જરીવાળો દુપટ્ટો, હાથમાં સોનાનાં કંગન, આંખોમાં કાજલ, કાનમાં લટકાતા ઝૂમ્મર, અને કાળા ઘેરા લાંબા વાળમાં કાંસકો ફેરવતી હિમાદ્રી પંદર માસના સન્નાટાને ચીરીને ફરી એકવાર ટહુકવાની આશા સાથે અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોઇ રહી.
હું કોણ? મારુ અસ્તિત્વ શું? મારુ પોતાનું કહેવાય એવું ઘર કયું? એક વરસથી સૂકા બાવળના ઠૂંઠાં જેવુ મારું આ જીવન! ક્યાં છે મારું એ અકબંધ સ્વાભિમાન? ક્યાં છે મારા એ સ્વતંત્ર વિચારો? શાને માટે હિમાદ્રી તું આટલી મૌન રહી જીવતરના દરિયામાં આમતેમ ફંગોળાઈ રહી છે? હજુ તો તું જીવન જીવી જ ક્યાં છે અને ત્યાં એક કઠપૂતળીની માફક આટઆટલું સમાધાન કરવા કેમ તત્પર થઈ છે? ક્યાં ગયું તારું એ લીલુંછમ લહેરાતું જીવન? કેટકેટલાં અરમાનોને પાનેતરમાં સમાવીને હિમાલયનો હાથ ઝાલી સાસરવાટ સિધાવી હતી! હિમાલય સાથે સુખના અજવાળા વહેંચી જીવનનું પ્રભાત ગુલાબી રંગોથી ભરી દીધું હતું તે હવે નવેસરથી કેવી રીતે આમ ....ઓહ....કુદરત!.... લગ્નની મહેંદીનો રંગ ઊડે તે પહેલા જ માત્ર સાત માસમાં જ કાર અકસ્માતમાં નિશ્ચેતન થઈ પડેલો હિમાલયનો એ પાર્થિવ દેહ! ઓહ......હિમાદ્રીએ બંને હાથે પોતાની આંખો બંધ કરી દીધી, પ્રસ્વેદનાં બિંદુઓ હિમાદ્રીના કપાળ પરથી સરી રહ્યાં અને આંખેથી વહેલાં આંસું મહીં એકાકાર થઈ ગયાં.
ધીરે ધીરે હિમાદ્રીની નજર પોતાની કોરી સેંથી પર ગઈ કે જે એક સમયમાં "હિમાલય"ના નામથી લાલચટ્ટાક થઈ શોભી ઉઠતી હતી! આ એજ રૂપાળા ગુલાબી અધર કે જે હિમાલયના ગરમ અધરને સ્પર્શીને પોતે અફાટ સુખસાગરમાં હિલોળાં લેતાં થાકતી ન હતી! આ એજ આરસ જેવુ રૂપાળું ગોરું બદન કે જે હિમાલયના પગલાંની આહટ માત્રથી તેની આગોશમાં સમાઈ જવા સજ્જ રહેતું હતું! આ એજ શ્વાસ કે જે હિમાલયના શ્વાસમાં તાલબધ્ધ રીતે ભેગાઈને મનનો મીઠો મૌન સંવાદ માણ્યા કરતા હતાં! જે આ એજ નયન કે જેને હિમાલયના નયનોમાં સમાવીને નિશ્ચિંત થઈ સપનાની દુનિયામાં વિહરતી હતી! હિમાલય સાથે એકમેકના કાંડા પર પ્રેમના પ્રતિકની યાદ રૂપે ચિતરાવેલ આ એજ ટેટૂ કે જે હવે પોતાના જીવનના અણધાર્યા વળાંક પછી ફરી એક નવા જીવનના ઉદયના પગથારે સમાજની શંકા આશંકા..તર્ક....વિતર્ક સંગે પોતાની આંખોમાં અને પરિવારની આશા પર અસ્તનો કળશ ઢોળી જતું હતું! શું એક સ્ત્રી આટલી લાચાર હોઇ શકે? જેને પામ્યો એને લખલૂંટ ચાહ્યો અને હવે ફરીથી એજ ચાહતના પ્રકરણનો કક્કો નવેસરથી ઘૂંટવાનો? હું એક સ્ત્રી એટલે ? કેટકેટલાં નામોથી સમ્માનિત થઈ...ઓહ...હિમાલય એક તારી ગેરહાજરી મને કેટલાં સ્વરૂપો બક્ષી ગઈ! અબળા, બિચારી, વિધવા, એકલવાયી, છપ્પરપગી, પરાઈ, ....ઓહ...કેમ હિમાલય કેમ...! હું જીવિત નહીં હોત તો શું તું પણ આવા નામોથી નવાજીત ...? મારે પણ મારા વિચારો છે...તારી યાદોના સહારે જીવી જવું છે, તો પછી મારા જીવનનો નિર્ણય કરનાર મારા જ માણસો! એક સ્ત્રી માટે લગ્ન બાદ પુરુષના ન હોવાપણાની આટઆટલી વેદના! જે આંગણમાં રમતી તે જ આંગણ હવે મારા માટે પરાયું! માબાપ થઈને સંતાનનું હિત ઈચ્છે છે પરંતુ સાત સાત વાર કોઈ છોકરો મને "ના" કહે એમાં મારો વાંક કેટલે અંશે! આ એજ ઘરનો ખૂણેખૂણો કે જ્યાં મારા ઝાંઝરનો રણકાર સાંભળી માબાપ ફૂલ્યા ન સમાતા ત્યાં આજે એક એક ડગ સાચવીને ભરતી હું ....ઓહ...આ સમાજની કેવી વ્યવસ્થા!
"ચાલ હિમાદ્રી, મહેમાન આવી ગયા છે, અને હા...ડ્રેસની બાંય લાંબી જ રાખજે ....દર વખતની જેમ બાંય વાળી દઇશ નહીં, બેટા, આ વખતે પપ્પાને બહુ આશા છે હિમાદ્રી..." હિમાલય સાથેની કેટકેટલી નકશીદાર યાદો મહીં ખોવાયેલ હિમાદ્રીના કાને મમ્મી વિશ્વાબેનનો અવાજ સંભળાયો.
"બા...શું તમે પણ એક મા થઈને.....હિમાદ્રી પર કોઈ દબાણ ન લાવશો." માર્ગીભાભી બોલી ઉઠ્યા.
નિજ પીડા ભૂલીને પોતાના હ્રદયડુંગરે ધ્રૂજતી હિમાદ્રી ફરી એકવાર હાથોમાં ચા નાસ્તાની ટ્રે લઈ મહેમાનો સામે ઝરણાની માફક પરંતુ ફરી એ જ ખંચકાટ સાથે વહેવા નીકળી. મહેમાનોની સાથે સાથે પરિવારના તમામ સભ્યોની નજર એકાગ્ર થઈ. મુરતિયાના માતા કૌશલ્યાબેનને ચા તેમજ નાસ્તો ધરતી વેળા હિમાદ્રીએ કૌશલ્યાબેનની આંખોમાં કોઈક પ્રશ્ન અને નારજગીની લકીર જોઈ. પોતાના વહાલા પુત્ર માટે કોડીલી કુંવારી કન્યા લાવવાના ઓરતાં કઈ માતાને ન હોય! હિમાદ્રી આગળ વધી, પિતા વિશ્વંભરરાય ત્રિવેદીએ ખૂબ વિવેકથી હળવું સ્મિત કરી ચા નાસ્તો હાથમાં લીધો. છેલ્લે પાંત્રીસેક વરસના આકર્ષક શરીર સૌષ્ઠવ ધરાવનાર "દેવદત્ત"ની સામે આવી નીચી નજરે ચા નાસ્તો આપ્યો.
"થેન્ક યુ" અતિ વિવેકથી દેવદત્ત બોલ્યો, આજે સાત વાર નાપસંદ થયા બાદ પહેલી વાર હિમાદ્રીને આ અવાજમાં વિવેકનો રણકાર સંભળાયો પરંતુ ઉદાસી પીને ભારે અસમંજન સાથે નવા રંગોનો તજુર્બો આંખોમાં ધરી રહેલ હિમાદ્રી નીચી નજરે ડ્રેસના દુપટ્ટાની કોરને પોતાના અંગૂઠા સાથે લપેટીને માર્ગીભાભીની બાજુમાં ગોઠવાઈ.
"દેવદત્ત તો અમારો એકનો એક એટલે ખૂબ લાડકો...એક કરતાં એક ચડિયાતી કેટલીયે છોકરીની વાત આવે છે પણ મારા દેવદત્તને કોઈ છોકરી પસંદ જ નથી આવતી." દીકરાની શેખી ફૂંકતા માતા કૌશલ્યાબેન બોલ્યાં.
"જુઓ, યશવંતભાઈ, હું તમારી પરિસ્થિતી સમજી શકું છું, જે વેદનાના વાયરામાંથી તમે સહુ પસાર થયા છો એ કુદરતની મરજી હતી, આટલી નાની ઉમરમાં હિમાદ્રીએ અસહ્ય વેદના વેઠી છે, પરંતુ તેનો મતલબ એ નથી કે હિમાદ્રી હવે પોતાની મરજી વિરુદ્ધ કઈ પણ નિર્ણય પર આવે, મારા ધર્મપત્નીની વાણીમાં એક માતાની મમતા બોલી રહી છે, હિમાદ્રી....તને પણ તારી પસંદ નાપસંદ કહેવાનો પૂરેપૂરો અધિકાર છે. વળી દેવદત્તના પગે પણ અકસ્માતને કારણે ચાલવામાં જરા પ્રોબ્લેમ....... કોઈ પણ સંબંધની શરૂઆતમાં વિશ્વાસનું પગથિયું પ્રથમ સામે રાખવામાં હું માનનારો છું." પિતા વિશ્વંભરરાયે પોતાની પત્નીની વાતને સંભાળી લેતાં કહ્યું. કૌશલ્યાબેન જરા વધારે નારાજ થઈ આંખોમાં ગુસ્સા સાથે પતિ તરફ જોઈ રહ્યાં. દેવદત્ત પણ પિતાની છાયા જ હતો એ સમજતા હિમાદ્રીને વાર ન લાગી.
શું આજે પણ વિશ્વંભરરાયની વાત સાંભળી હિમાદ્રી ક્યાંક પોતાની લાંબી બાંય ખસેડી કાંડું બતાવી દેશે? માણસો ખાનદાની વિચારના તો લાગે છે...પરંતુ આ હિમાદ્રી...એનું ટેટૂ કાંઇ ખોડ થોડી કહેવાય?
મનોમન વિચારી રહેલ યશવંતરાયના કપાળે પ્રસ્વેદનાં બિંદુઓ ચમકી રહ્યાં. છતાં પણ સ્વસ્થતા ધારણ કરી મહેમાનો સાથે થોડી ઔપચારિક વાતો શરૂ કરી.
"મારા મત મુજબ હિમાદ્રી અને દેવદત્તને વાતો કરવા માટે આપણે એકાંત આપવું જોઇએ." વિશ્વંભરરાયની વાત સાંભળી બંને એક રૂમમાં ગયાં. દેવદત્તના માતા આકરી નજરે હિમાદ્રીને તાકી રહ્યાં અને અકબંધ ઠસ્સા સાથે સોફા પર કડક થઈને બેઠાં.
"તમે મને નિશ્ચિંતપણે કાંઈ પણ પૂછી શકો છો, હું તમારા વિષે બધું જ જાણું છું, એટલે મારે ખાસ કાંઈ પૂછવાનું નથી." દેવદત્તે વાતની શરૂઆત કરતાં કહ્યું. દેવદત્ત હિમાદ્રીના મૃદુલ ચહેરાને નિહાળી રહ્યો! પોતાની નજરો ઢાળીને બેઠેલ હિમાદ્રી એક પવિત્ર દેવી સમ દીસતી હતી, પરંતુ એના ચહેરા પર વ્યથાના કેટલાયે ડુંગર ખડકાયેલ હતા!
હિમાદ્રીએ સહેજ નજર ઉઠાવી દેવદત્ત સામે જોયું, દેવદત્તે હિમાદ્રીની આંખોમાં ઠરી ગયેલ એક દર્દની પાષાણતા દીઠી! હિમાદ્રી દેવદત્તની નરમ અને સચ્ચાઈ ભરેલી વાણીથી પ્રભાવિત થઈ દેવદત્તની આંખોને માપી રહી.
"એક માતાના અરમાનને અવગણીને તમે મારા જેવી એક વિધવાની સાથે...... તમારા અરમાનોનું શું?" હિમાદ્રી ખૂબ સાચવીને એક એક શબ્દ બોલી રહી.
"અલ્લડ જીવન જીવતાં જીવતાં દિલની દોલત અચાનક ગુમાવીને હૈયામાં હીબકાંને સમાવીને માંડ જીવતા શીખી છું, તેમાં આ કહેવાતા સમાજની અને બીજું મારા સ્ત્રીપણાની મર્યાદાને લીધે ફરી ટહુકવાની અપેક્ષા મારા આપ્તજનોને છે." હિમાદ્રી નીચી નજરે બોલી રહી.
"અને તમારી અપેક્ષા?" દેવદત્ત સહસા બોલી ઉઠ્યો!
"આ સમાજની જડ માન્યતાઓ અને મારા માવતર સામે મારું હૈયું કમજોર બને છે, વળી મારા કાંડા ઉપર ચીતરેલું આ મોટ્ટું "ટેટૂ" અને તેને કારણે સંબંધોમાં થતી "ના" મારી યાતનાઓમાં ઉમેરો કરી જાય છે, તેથી ભીતરે છેદાતી રહું છું. પરંતુ આ ટેટૂ મારા અને હિમાલયના પ્રેમની અંતિમ નિશાની છે તેની પરવરિશ કરવાનો અધિકાર પણ આ સમાજ છીનવી લેશે? કુદરતે હિમાલયને મારાથી છીનવી લીધો પરંતુ હિમાલયના પ્રેમના પ્રતિકની આદરથી પરવરિશ કરવાની હું મહેચ્છા ધરાવું છું! માફ કરજો હિમાલય પ્રત્યેની મારા દિલની ઋજુતા મને આવું બોલવા મજબૂર કરે છે, અને જ્યારે આજે હિમાલય નથી તો એ જ સમાજ મને ....શું મૃત્યુ આટલું ભયાનક હોઈ શકે? આ ટેટૂ હાથ પર અંકિત છે જે ભૂંસાઈ શકે એમ નથી." હિમાદ્રીએ પોતાના ડ્રેસની બાંય ઊંચી કરી કાંડાથી કોણી સુધી ચીતરેલું મોટ્ટું "ટેટૂ" બતાવતાં કહ્યું.
"મને એનો કોઈ જ વાંધો નથી." દેવદત્તે
ટેટૂ પર નજર પણ નાંખ્યા વિના હળવાશથી કહ્યું.
"માવતરના આંગણે પણ પોતાની જાતને પરાઈ મહેસૂસ કરું છું, આ ટેટૂ મારા અને હિમાલયના પ્રેમની છેલ્લી નિશાની છે, લગ્ન પહેલા અમે બંને એ પ્રેમના પ્રતિકરૂપે એકમેકના હાથના કાંડા પર ચિતરાવ્યું હતું, બહાર મારા માતપિતા તમારી પાસે મોટી આશા લઈને બેઠા છે, તેથી આજે ખાસ આ લાંબી બાંયનો ડ્રેસ પણ.......તમે પણ બધાની જેમ મને "ના" કહી શકો છો. હું તો સ્વમાનભેર પગભર થઈ જીવવા ઇચ્છું છું, પરંતુ આ સમાજે સ્ત્રીને "અબળા" જેવા નામથી નવાજી છે, એકલવાયી સ્ત્રી પોતીકું જીવન જીવી ના શકે એવા સમાજે કરાવેલ અહેસાસ હેઠળ લદાયેલ છું, ભણેલી છું છતાંય આ સમાજની જડ માન્યતાઓનો શિકાર થઈ જીવતરનો નવો કક્કો ઘૂંટી રહી છું, કારણકે હું તો એક "વિધ....વા........" એક નાનું ધ્રુસકું જાણે હિમાદ્રીના હ્રદયમાંથી નીકળી પડશે એમ લાગ્યું.
"જુઓ, હિમાદ્રી, હિમાલયની જગ્યા કોઈ લઈ શકે એમ નથી, હિમાલયને તમારા દિલમાં રાખવાનો તમને પૂરો અધિકાર છે, કઈ કેટલીયે યાદો અને વાયદાઓને એક ઝાટકે ખંખેરી નાંખવાનો પ્રયત્ન સુદ્ધાં ન કરશો, આપની મરજી હશે તો આપનો "જીવનસાથી" થઈ આપની વેદનાનાં શ્વાસોમાં સુગંધ ભરવા ઇચ્છું છું, નહીં તો એક દોસ્ત થઈ આપના દર્દને વહેંચી દોસ્તીની એક પવિત્ર આડશ રાખી નિ:સ્વાર્થભાવે આજીવન દોસ્તી નિભાવી જઈશ." દેવદત્ત બોલતો હતો અને હિમાદ્રી તેની વાણીની સચ્ચાઈને માપવાની કોશિશ કરી રહી હતી.
"સાત સાત વાર નાપસંદ થયેલ એવી હું....મને વળી હવે પસંદ...નાપસંદ...મરજી...નામરજી કેવી? હિમાલયના ગયા બાદ એક તમે પહેલી વ્યક્તિ છો કે જેણે મારી મરજીની પરવા કરી છે." બોલતા બોલતા હિમાદ્રીએ પોતાનો દુપટ્ટો આંખો સુધી લઈ લીધો પરંતુ તેની પાંપણે છવાયેલ અશ્રુ દેવદત્તની નજરથી છાનાં ન રહ્યાં.
"અસહ્ય યાતનાથી કોરાયેલ આપના દિલના બંધ દરવાજે ફરી એકવાર ખુશીઓની દસ્તક દેવા મારું આગમન થશે તો તમને ગમશે? તમારી વાણીમાં નીતરતી સચ્ચાઈ અને પવિત્રતા મને સ્પર્શી ગઈ છે, તમારા પર કોઈ જાતનું દબાણ નથી, અને આવેશમાં કોઈ નિર્ણય લેશો નહીં, જીવનના આટલા મોટા ફેંસલાની વેળાએ તમને સમય લેવાનો પૂરેપૂરો અધિકાર છે." દેવદત્ત બોલતો હતો અને હિમાદ્રી તેની વાણી થકી તેનાં આદર્શોને જાણે નીરખી રહી!
"જુઓ, આ હિમાદ્રીને તમારા જેવી ઉમદા વિચારધારા ધરાવનાર વ્યક્તિ એક મિત્ર તરીકે મળશે તો પણ આ સમાજ આપણી મિત્રતા સામે શંકાની સોય તાકશે, વળી ફરીથી અજવાળાની પળને વધાવી ઇચ્છાઓના ઐશ્વર્યને હાથમાં લઈ સંબંધોના નવા દરવાજે પ્રવેશવાની વેળાએ કદાચ મને થોડો અવરોધ નડે પણ ખરો તો તે ક્ષણ તમારા માટે કઠિન બની શકે, મારા દુ:ખોથી સંવેદનશીલ થઈ કોઈ નિર્ણય પર ના આવશો." હિમાદ્રી નીચી નજર ઢાળી જાણે પોતાના હૈયાની વાત કરી રહી.
"હિમાદ્રી, આપની નીચી નજરો હેઠળ જે વેદનાની ખાઈ છે તે હું અનુભવી શકું છું, કુદરતને જે મંજૂર હતું તે કુદરતે કર્યું, મારા પગની ખોડને તમે અવગણી છે તો આ સમાજે તમારા પર લગાવેલા શાપિત વિશેષણોને હું કઈ રીતે વચ્ચે લાવી શકું?" દેવદત્ત બોલી રહ્યો એના અવાજમાં ગંભીરતા હતી.
"હિમાદ્રી, જરા તમારા અંતરમનમાં ઝાંખીને જુઓ, અમારી જાતને તપાસો, તમારી એક દુનિયા ઉજડી ગઈ છે તે માટે મને પણ તમારા માટે લાગણી છે પરંતુ સૂર્ય પણ સાંજ પડ્યે આથમી જઈને બીજા દિવસે ઝગારા મારતો ઊગી નીકળે છે, આમ અગનપથના યાત્રી ક્યાં સુધી રહેશો? જગતના ઝંઝાવાતી શબ્દોને કારણે એક નારીને સીતાની જેમ સમાવી લેવા જગ્યા આપી દે એવી ધરતીને પણ હું ધિક્કારીશ, જીવનના અમુક સત્યો અકબંધ છે તેથી કોકના સ્નેહના સથવારો મળી જાય તો જીવનનૈયાને નડતી આંધીનું સુકાન અવશ્ય સંભાળી શકાય. કોક શીતળ ભીનાશ વેરતું આવે તો ભીનો ભણકાર સાંભળી તેને ફરીથી દિલમાં સમાવવા પ્રયત્ન કરવો જોઇએ" દેવદત્ત ખરેખર એક સ્નેહનો મેહુલો થઈ વરસતો હોય એમ લાગી રહ્યું.
"એક આઘાત પછી કદાચ મારી રાહ ફૂલોથી ભરેલી મળશે તો પણ મને એમાં કંટક વાગવાની ભીતી તો રહેશે જ એટલી હદે મારી ભીતરે ડંખ લાગ્યા છે. અને કઈ કેટલાયે ડંખ હજી ઝીલવાના બાકી છે, આ ડ્રેસની ઊંચી કરેલી બાંય અને આ "ટેટૂ" જોઈ બહાર બધા જે આશા અપેક્ષા બાંધીને બેઠા છે તેના પર ટાઢુંબોળ પાણી ફરી વળશે અને એમ થવું મારા માટે સાહજીક છે કારણ કે એ બધી બાબતોનું આજે આઠમી વખત પુનરાવર્તન થશે, થોડી ઉગ્ર ચર્ચા પછી "નન્નો" અને મારા આપ્તજનોની મારા પ્રતિ નારાજગી, પરાઈ હોવાનો ફરી એકવાર અહેસાસ, ફરી એક બોજમાં બંધાયેલ હું એકલવાયી અને ફરી આમ જ થોડા દિવસ બાદ એક નવી આશાનો ઉદભવ અને ફરી પાછી એક ઘોર નિરાશા! ક્યાં સુધી હું એક પ્યાદું થઈ જીવીશ? અનુભવ કરવો હોય તો ચાલો હવે આપણે બહાર જઈએ." હિમાદ્રી ઊભા થતાં બોલી.
"દેવ, આ શું છે, હિમાદ્રીના હાથ પર આટલું મોટું ટેટૂ? અને તે પણ "હિમાલય"ના નામનું? હિમાલયના નામના ટેટૂ સાથે હિમાદ્રી તારી સાથે કેવી રીતે રહેશે? ના...ના...લોકો આ ટેટૂ જોશે તો અનેક જાતના પ્રશ્નો કરશે અને આ ટેટૂ જ્યાં સુધી એના હાથ પર રહેશે ત્યાં સુધી એને હિમાલયની યાદ આવતી રહેશે અને તું .....મારી તો પહેલેથી જ નામરજી...." હિમાદ્રી અને દેવદત્ત જેમતેમ એક નિર્ણય પર આવી ડ્રોઇંગરૂમમાં આવ્યા કે હિમાદ્રીના હાથ પરનું ટેટૂ જોઈ દેવદત્તના માતા કૌશલ્યાબેન બોલી ઊઠ્યાં!
ઘરનાં તમામ સભ્યો આજે ફરીથી હેબતાઈ ગયાં, અનેક વાર ના કહેવા છતાં આજે હિમાદ્રીએ ફરીથી એજ ટેટૂ બતાવી દેવાની ભૂલ.....ઓહ.... યશવંતરાય પરસેવે રેબઝેબ થઈ ગયા....આ હિમાદ્રી શું કરવા બેઠી છે!
માર્ગીવહુ બધાને સાચવવાનો પ્રયત્ન કરી રહી.. હિમાદ્રી ફરી એકવાર નવી વેદનાનાં વમળમાં જઇ બેઠી!
"મા...મારી વાત તો સાંભળ....આ બાબતમાં મારે હિમાદ્રી સાથે મારી તમામ વાત.....તું જરા શાંત ચિત્તે વિચાર તો કર કે હિમાદ્રીને મારા પગની ખોડ સામે કોઈ વાંધો નથી તો આ એક ટેટુને લઈને તું પણ શું?" દેવદત્ત પોતાની માતાનો હાથ પકડી એને કહેવા લાગ્યો. પણ કૌશલ્યાબેન જેનું નામ! એક સેકંડમાં આખી બાજી પલટી નાંખી! ઉગ્ર દલીલો અને આક્ષેપો સાથે કૌશલ્યાબેન દેવદત્ત અને પતિને લઈને ઘરની બહાર નીકળી ગયાં.
ફરફર ઉડતા દિવાનખંડના પડદા સંગ સૂસવાટા મારતી ટાઢીબોળ ઉદાસી ફરી એકવાર આખા ઘરમાં વ્યાપી ગઈ! યશવંતરાયના પરિવારમાં આજે આઠમી વખત હિમાદ્રી સામે "નન્નો" જાહેર થયો! આંસુથી લથબથ આંખે હિમાદ્રી ખુદ ધગધગીને હવે પોતાના ન કહેવાતા રૂમમાં જઈ ઓશિકાની ઓઝલમાં લપાઈ જઈ વિચારવા લાગી કે હમણાં માઁ આવશે ને ફરી એક નવી આશાનો સંચાર કરશે, આખરે તો મા નું હ્રદય ને!
"હિમાદ્રી બેટા, ચાલ થોડું ખાઈ લે, કઈ વાંધો નહીં, દુનિયા ખૂબ મોટી છે, જગતનો નાથ બેઠો છે, તારા પિતાજીને કહી પેલા રમણિકભાઈના દીકરાની તપાસ કરાવીએ, છોકરો સારો છે, એની પત્ની હમણાં છ માસ પહેલાં ચાર વરસના દીકરાને મૂકીને ગુજરી ગઈ છે, એની મમ્મીએ તો મને સામેથી બે વાર તારા માટે પૂછાવ્યું પણ છે." માઁ હાથમાં જમવાની થાળી લઈને હિમાદ્રીને હૂંફાળો છાંયડો દઈ રહી હતી કે પછી એક વિધવામાંથી હિમાદ્રીને અચાનક ચાર વરસના બાળકની "માઁ" બનાવવાની તૈયારી કરી રહી હતી!
બેચાર દિવસ ઘરનું વાતાવરણ તંગ જરૂર રહ્યું, હિમાદ્રીએ પોતે કોઈક ગંભીર ગુનો કર્યો હોય તેવા ભાવથી ફરી એક વાર આપ્તજનોની વચ્ચે પીડાઈ રહી! પોતે કેમ અવાજ નથી ઉઠાવી શકતી? આ તે "ટેટૂ"નું તીર છે કે પછી આ જ મારી તકદીર! માતાપિતા અને ભાઈભાભી સાથે એજ મમતો અને આક્ષેપો ! હિમાદ્રી આમ કર, આમ ન કર, હિમાદ્રીના પોતીકા ગમા-અણગમાને ખીંટીએ ટાંગીને જીવવાની અને સઘળું દરદ પી જવાની મોસમ ફરી એકવાર આવી ગઈ! રમણિકભાઈના દિકરાની તપાસ, સમજાવટ, સ્ત્રીપણાનો ફરી એકવાર અપાતો અહેસાસ, એકલવાયી ન જીવી શકાય એનો સતત બતાવાતો ડર! માબાપ ન હોય પછી એક એકાકી સ્ત્રીનું કોણ! ઓહ....આ વેરવિખેર થતું જતું મારું અસ્તિત્વ! ફરી "નન્નો" થશે તો? હિમાદ્રી અર્જુન થઈને તારે આ મત્સ્યવેધ કરવો જ રહ્યો!
બરાબર પચ્ચીસમાં દિવસે તિથી તારીખિયા અને શુભ મુહૂર્તમાં ફરી એકવાર હિમાદ્રીને પોતાની અડવી થયેલ જાતને ઘૂંટીને, મનાવીને પણ ચા-નાસ્તો લઈને મહેમાન સામે ઊભા રહેવાના દિવસની કારમી સવાર પડી!
સવારથી જ ફરી આજે હિમાદ્રીની કાળજી લેવાવા માંડી, ફરી એજ નવા કપ રકાબી, ચા નાસ્તો, એજ ઔપચારિકતાની તડામાર તૈયારી, ફરી એકવાર લાંબી બાંયનો ડ્રેસ! બાંય ઊંચી ન કરવાનું ફરી એ જ ફરમાન! સત્યને છુપાવવું ઉચિત કે પછી વિશ્વાસના પ્રથમ પગથારે સત્ય વદવું? હીંચકે બેસેલ માતા પાસે જરા મન હળવું કરવા જઈ બેઠી અને હાથમાં આજનું અખબાર લીધું. અખબારના પાના ઊથલાવતાં હિમાદ્રીની નજર એક જાહેર સૂચના પર પડી!
"આથી જાહેર જનતાને વિદિત થાય કે મેં કાયદાકીય કાર્યવાહી કર્યા બાદ આજથી "દેવદત્ત વિશ્વંભરરાય ત્રિવેદી" ને બદલે "હિમાલય વિશ્વંભરરાય ત્રિવેદી" નામ ધારણ કરેલ છે, તમામ રેકોર્ડ અને દસ્તાવેજો પર મારું આ નામ રહેશે જેની નોંધ લેવી."
ત્યાં જ ડ્રોઇંગરૂમમાં ફોનની રીંગ રણકી ઉઠી! પિતાજીના હરખ ભરેલ શબ્દો સાંભળી સામે છેડે દેવદત્ત ઉર્ફે હિમાલય હતો એ સમજતાં હિમાદ્રીને વાર ન લાગી.
"દેવ...ઓહ...નો....હિમાલય....તમારા માતાને કોઈ વાંધો તો નથીને ..." પિતાનો ચિંતિત સ્વર અને તરત સામે છેડેથી અપાતી ધરપત બધી વાતો ઘરના બધા જ આશ્ચર્યથી સાંભળી રહ્યાં!
બધુ આમ સાવ જ ....ઓચિંતું ...અણધાર્યું....... અચાનક......ઓહ...દેવદત્ત...ના...ના...હિમાલય.... મારી રાહમાં પ્રેમરસ વેરવાને ખાતર તેં પોતે આખેઆખું નામ જ બદલી નાંખ્યું .....! ઓહ...હિમાલય! હિમાદ્રી પોતાના કાંડા પરના "હિમાલય"ના નામના ટેટુને પસવારીને પરવરિશ કરી રહી!
વહેલી પરોઢે ફરી એકવાર "હિમાલય" નામનું ફૂલ હિમાદ્રીની ડાળે ડાળે છવાઈ ગયું! ગોળ ધાણા, રૂપિયો નાળિયેર, મહેમાનો લીલાછમ માંડવડા, હર પીડા ભૂલાવીને એક અજાણ્યા પરંતુ 'હિમાલય'ને સમર્પિત થવા હિમાદ્રી શરણાઈના સૂર સંગે વહી નીકળી!
***