STORYMIRROR

Kalpana Naik

Inspirational

3  

Kalpana Naik

Inspirational

અર્ધાંગિની

અર્ધાંગિની

6 mins
1.0K


સુલભા બેનનો એકનો એક લાડકો દીકરો પ્રણવ પ્રેમલગ્ન કરીને સપ્તપદીના ફેરા ફરીને રીટાને લાવ્યો, ત્યારથી સુલભાબેનનો મગજનો પિત્તો ગયો. રીટાને વહુ તરીકે સ્વીકારી ન શક્યાં. રીટા દેખાવમાં ભલે સામાન્ય હતી પરંતુ સંસ્કારથી ભરેલી આદર્શ વહુ હતી. 

મળસ્કે સાડા ચાર વાગ્યામાં રીટાની સવાર પડી જાય ! મોડું થઈ જશે તો સુલભાબેન ખીજવાશે એ બીકમાં રાતે પણ ઝબકીને જાગી જતી. બરાબર સત્તર વરસ થયાં આ વાતને કે જે દિવસે રીટા પ્રણવને પરણીને દિલમાં અરમાનો ભરીને નવવધૂ તરીકે સાસરે આવી. સુલભાબેનનો ઠસ્સો અને રૂઆબ જ એવો હતો કે રીટા પારેવાની માફક ધ્રૂજતી રહેતી.

"વહુ બેટા, સવારમાં સાડા પાંચે તમારા સસરાને ચા જોઈએ, એ પ્રમાણે ઉઠી જજો." નવવધૂ તરીકેના આગમનની એ રાતે એક વાક્યમાં ઘણું કહી દીધું.

"નાહ્યા વિના તુલસીના છોડને ના અડાય, ફ્રીજનું બારણું તરત બંધ કરી દેવાનું, બધી ઠંડક બહાર નીકળી જાય અને બિલ વધારે આવે. ચા મૂકતી વખતે માપની જ ચા બનવી જોઈએ. આ પ્રણવ તો મારો બહુ ઉદાર અને દયાળુ, એનું જોઈને વહુ જરા શીખતાં હોવ તો ? બે દિવસ પ્રણવ બહાર શું ગયો, આ છોકરાઓને ચોકલેટ આપવાની તેમાં પણ મોડું થઈ ગયું, વહુ જરા ધ્યાન રાખતા હો તો ! બાજુવાળા રમીલાબેનની સીમાવહુને જુઓ, સ્કુટી પર આમ પતંગિયાની જેમ બજારના કામ પતાવી આવે અને નોકરી પણ કરે, અહીં તો ઘરમાં બેસી રોટલા તોડવાના."

એક પછી એક વક્રવાણીનો મારો ચાલુ જ! પરંતુ એક પણ શબ્દ સામે જવાબ આપે તો એ રીટા નહિ !

પ્રણવ પણ બધું સમજતો હતો પરંતુ માતાની આમન્યા ખાતર રીટાને ન બોલવા સમજાવતો. સવારમાં નવ વાગે એટલે સુલભાબેનના ઘરનાં ઓટલે શેરીનાં નાના બાળકો ભેગાં થવા માંડે. નવને દસે તો શેરીના બધાં નાના બાળકો પ્રણવકાકાના હાથમાંથી ચોકલેટ લઈ પોતપોતાના ઘરે ભાગે ! એ પતે એટલે શેરીના કૂતરાં બિસ્કીટ ખાવા ઓટલે આવે. આ રોજનો ક્રમ ! જે પ્રણવે છેલ્લાં દસ વરસથી જાળવેલ. 

પ્રણવ અને રીટા આખી શેરીમાં ને સગાં સંબંધીઓમાં ચોકલેટ અંકલ અને ચોકલેટ આન્ટી તરીકે ઓળખાય. પ્રણવ સ્વભાવે ખૂબ ઉદાર અને રીટાનો એમાં પૂરેપૂરો સહકાર. તોયે સુલભાબેન કાયમ રીટાને ભલું બૂરું કહ્યા જ કરે. પ્રણવ ભારે હસમુખો અને જ્યાં બેઠો હોય ત્યાં હસાયરો અને મુશાયરો થઈ જાય. એની સાથે પાંચ મિનિટ બેસો તો તમારી જીવન જીવવાની પદ્ધતિ બદલાઈ જાય ! બિલકુલ ચિંતામુક્ત અને ભલો માણસ ! કોઈનું દુઃખ જુએ તો પોતાની પાસે જે હોય તે આપીને મદદ કરી છૂટે પણ આવતીકાલનો જરીયે વિચાર ન કરે! જોકે પ્રણવની આવી ઉદારતાનો લીધે જ એના  બાંધકામના ધંધામાં પાર્ટનર્સ પણ એટલાજ વફાદાર મળેલ કે બરકત પર બરકત થયા કરતી !

પ્રણવ રીટાને હંમેશા રાજી રાખતો. એકમેકના સુખદુઃખના સાથી બની પરસ્પર પ્રેમ રાખી બંને જીવન સંસાર હાંકતા.

"જો રીટા, બા બોલે એ બહુ ધ્યાનમાં ન લેવું, જરા ગરમ મિજાજ છે પણ બા દિલની બહુ ભોળી છે, મારા જેવી જ..".એમ કહી રીટાને પોતાની બાહુઓમાં સમાવી દેતો.

રીટાની આંખમાં ક્યારેય આંસુ ન આવે તેની ખાસ કાળજી રાખતો. પ્રણવ હંમેશા રીટાને સપ્તપદીના ફેરાની યાદ અપાવતો. નારી એટલે અબળા નહિ પરંતુ સમય આવ્યે દુર્ગા થઈને સ્વમાં તાકાત ધારણ કરી સમાજમાં અડીખમ ઉભા રહેવું જોઇએ એ વાત શીખવતો ત્યારે રીટા પ્રણવની અર્ધાંગિની બનવા બદલ પોતાની જાતને ધન્ય માનતી અને પોતાની બધી ચિંતા ભૂલી જતી.

હમણાં હમણાં પ્રણવને હાઈ બ્લડપ્રેશરની તકલીફ થઈ ગઈ. જેના કારણે રીટા બહુ ચિંતિત રહેતી. પણ કોઈ વાતને ગંભીરતાથી લે, તો એ પ્રણવ શાનો! 

"મારો પ્રણવ કેટલી મહેનત કરે, ઘડીભર જંપીને બેસતો નથી, કેટલાં સારાં કામો કરે ..એના થકી જ આજે બધા સુખી છીએ." બસ મોકો મળ્યો નથી કે સુલભાબેન ચાલુ થઈ જાય.

"મા...જરા રીટાને ફોન આપજે ને, અને હા... તમે બધા જમી લેજો મને જરા મોડું થશે. " આજે બપોરે બાર વાગ્યા તોયે પ્રણવ જમવા ન આવ્યો પણ એનો ફોન આવ્યો તેથી રીટાને જરા ઉચાટ થયો પરંતુ પ્રણવનો અવાજ સાંભળી શાંતિ થઈ. છેક રાતે અગિયાર વાગે પ્રણવ ઘરે આવ્યો ત્યારે કાન પાસે ગળાની બાજુ એક પટ્ટો લગાવેલ જોઈ રીટા ગભરાઈ ગઈ અને રડવા લાગી.

"અરે ...ગાંડી..કઈ નથી, આ બેપાંચ દિવસથી કાન પાછળ દુખતું હતું તે ડોકટરને બતાવ્યું, તો જરા સાદી ગાંઠ જેવું હતું તે આજે કપાવી. ક

શું ચિંતા જેવું નથી. મા... તું પણ ફિકર નહીં કર... જોને હું જાતે કાર ડ્રાઈવ કરીને આવ્યો તો સારું છે તો જ આવ્યો ને !" પ્રણવ જમતાં જમતાં બોલ્યો અને બધાને હાશ થઈ.

બીજા દિવસે નિત્ય ક્રમ મુજબ નવ વાગે છોકરાઓની ચોકલેટ લઈ પ્રણવ ઓટલા પર આવ્યો અને ડાબું અંગ જકડાઈ ગયું અને ખેંચ આવવા માંડી. રીટાએ તરત આજુબાજુવાળાની મદદથી હોસ્પિટલમાં દાખલ કરી દીધો . અનુભવી ડોકટરે નિદાન કર્યું કે કાન પાસેથી ગાંઠ કાઢવા માટે જે ઓપરેશન થયું હતું તે ઓપરેશનની જરૂર જ ન હતી, સાદી રસોળી જ હતી અને છતાં એ ઓપરેશન કર્યું અને બ્લડપ્રેશર વધી જવાથી પેરાલિસિસનો એટેક થયો છે ! સતત ભાગતા દોડતા રહેતા પ્રણવના શિરે ગંભીર માંદગી લખાઈ ગઈ ! પ્રણવનું આખું ડાબું અંગ ખોટું થઈ ગયું. પહાડ જેવો માણસ લાચાર થઈને પડ્યો! રીટાને માથે આભ તૂટી પડ્યું. સુલભા બેનના વાકપ્રહારો વધતા ગયા. પણ કહેવાય છે ને કે કુદરત જ્યારે બધા દરવાજા બંધ કરી દે ત્યારે એક દરવાજો એવો ખોલી આપે કે માણસ જીવી જાય! હસતા રમતા, દયાળુ અને ઉદાર દિલના પ્રણવને આમ લાચાર પડેલો જોઈ રીટા રડીને પણ થાકી.

પ્રણવ માંડ એકાદ શબ્દ બોલી શકતો પરંતુ કોઈને સમજાતું નહીં કે એ શું બોલે છે. રીટાની જીંદગી જાણે થંભી ગઈ. રીટાને રડતી જોઈ પ્રણવ હાવભાવથી એને શાંત પાડી ઉપર આકાશ તરફ આંગળી ચીંધી ભગવાનની મરજીનો ઉલ્લેખ કરતો અને રીટાને બહાદુર બનવા માટે હાથથી ઈશારત કરી હસાવતો.

રીટા વિચારતી કે કઈ માટીથી બન્યો હશે આ માણસ કે જેને મારે સાંત્વન આપવું જોઈએ તે માણસ આટઆટલું ભોગવ્યા બાદ મને સાંત્વન આપે છે, "ઉઠ રીટા,ઉઠ. મજબૂત બન, પ્રણવને સાચવી લે, ડગલે ને પગલે પ્રણવે તને અત્યાર સુધી સાથ આપ્યો છે તો હવે, રીટા ઉભી થા, તારું કર્તવ્ય બજાવ અને પ્રણવનો ખભો બન. અત્યાર સુધી પ્રણવે તને સાચવી છે. તો હવે તારો વારો ." ને તે જ ઘડીએ રીટાએ જાણે પ્રણવ પ્રત્યેની ફરજનું, હિંમતનું, કર્તવ્યનું અને સાહસનું ગાંડિવ ધારણ કર્યું.

"સપ્તપદીના ફેરા યાદ કરી પ્રણવના દુઃખની ભાગીદાર થઈ એનું દુઃખ વહેંચી લે. આમ હિંમત હાર્યે નહીં ચાલે"

આ બધું સાંભળી રીટા સહસા ઉભી થઈ અને આંસુ લૂંછી નાંખ્યાં અને હસતાં હસતાં પ્રણવ સાથે અલક મલકની વાતો કરી હસાવવા લાગી, દવા આપવા લાગી, પ્રણવને નવરાવવાથી માંડીને કપડાં પહેરાવવા, પોતાના હાથે કોળિયા ભરાવવા, માથે તેલ નાખી વાળ ઓળવા, પ્રણવની દાઢી બનાવવી, પ્રણવને વ્હીલચેરમાં બેસાડી ઓટલા પર લાવી બાળકોને ચોકલેટ આપવી, પ્રણવને કસરત કરાવવી.

અહા, રીટા ક્યારેય થાકી નહીં. કે ક્યારેય એના મોં પર પ્રણવની બીમારીની ચિંતા દેખાઈ નથી. હા, પંદર દિવસે એકવાર ડોકટરને બતાવવું હોય ત્યારે બાજુવાળા મહેશભાઈને ગાડીમાં લઈ જવા માટે કહેવું પડતું. સુલભાબેન પણ સમય સાથે ધીમે ધીમે બોલવામાં શાંત થઈ ગયાં. ઘરનો તમામ આર્થિક વહેવાર રીટા સંભાળે છે, પ્રણવને જરા જેટલી ખબર નથી પાડવા દેતી. પ્રણવ ગર્વથી રીટાને જોઈ મલકી રહે છે. 

આજે સાત વરસ થયાં. પ્રણવ રીટાનો હાથ પકડી લાકડી કે વ્હીલચેર વિના ધીમે ધીમે પણ પોતાના પગ પર ચાલે છે, પ્રણવ આજે જે કંઈ તૂટક તૂટક શબ્દો બોલે છે તે ફક્ત રીટા જ બરાબર સમજી શકે છે અને હસતાં હસતાં બધાને કહે છે કે "પ્રણવ શું બોલ્યા." રીટા હસતાં મુખે સહુને કહે છે કે "મને તો જીવતા જાગતા ભગવાનની સેવા કરવાની તક મળી. પથ્થરની મૂર્તિની પૂજામાં શું દાટ્યું છે ?"

રીટા આજે ડ્રાઈવિંગનું પાકું લાઇસન્સ ધરાવે છે અને પ્રણવને બાજુની સીટ પર બેસાડી લોંગ ડ્રાઈવ પર લઈ જાય છે. પ્રણવના વફાદાર પાર્ટનર્સ પણ પોતાની વફાદારી ચૂક્યા નથી. મૂડીમાં પ્રણવનો હિસ્સો લઈને બાકીના ત્રણ ધંધો ચલાવે છે અને જે નફો થાય તે પ્રણવને ઈમાનદારીથી પાઈ એ પાઈ પહોંચાડી દે છે !  આજે પણ પ્રણવને જ્યાં જવાનું મન થાય ત્યાં એકી અવાજે રીટા એને ગાડીમાં બેસાડી સાથે સુલભાબેનને પણ લઈને જાય છે.

"ભાઈ....મારે તો વહુના રૂપમાં સાવિત્રી મળી છે, પોતાના સત્યવાનને ભગવાન પાસેથી ઝૂંટવીને પાછી લાવી છે." સુલભાબેન હરખથી બોલી ઊઠે છે. 

"બસ...બા... એ તો પ્રણવે દિલમાં કંડારેલા સપ્તપદીના વચનોનો પ્રતાપ છે અને પ્રણવની અર્ધાંગિની ક્યારેય કમજોર ન હોઈ શકે. બા, પ્રણવે મને એટલી મજબૂત બનાવી દીધી છે." રીટા પ્રણવ સામે જોઈ હસી ઉઠી !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational