Kalpana Naik

Tragedy Inspirational

3.9  

Kalpana Naik

Tragedy Inspirational

એક કપ ચા

એક કપ ચા

4 mins
1.5K


"સુષ્મા, એક કપ ચા મળશે?"

પેપર વાંચતાં વાંચતાં બાપુજી બોલ્યાં અને સુષ્માનો પિત્તો ગયો, આ દરરોજનું જ હતું, છ માસ પહેલાં બા ના ગયા બાદ સુષ્માએ હવે એકલા હાથે ઘર પરિવાર અને નોકરી સંભાળવાની હતી. શ્યામલ ની નોકરી પણ પોતાની જેમ પ્રાઇવેટ કંપનીમાં એટલે હવે બા ના અવસાન બાદ પણ ઘર ચલાવવા સુષ્માએ નોકરી ચાલુ જ રાખવી પડે એમ હતી.

સુષ્મા ક્યારેક પોતાની આર્થિક પરસ્થિતિ પાતળી હોવાને લીધે પોતાના નસીબને કોસતી તો ક્યારેક શ્યામલ પર ગુસ્સો ઉતારી દેતી! હમણાં હમણાં દાદાજી પણ અડફેટે ચડી જતા હતા!

આરવ એટલે શ્યામલ અને સુષ્મા નો એકનોએક દીકરો અને મોહન દાદાની આંખનો તારો! આરવ સ્કુલેથી આવે પછી આખો દિવસ દાદા અને દીકરો બે જ જણ!

"આ બાપુજી પણ....કેટલી વાર ચા પીવાની...ત્રણ વાર તો થઈ ગઈ, હવે ઓછી કરો ને, અહીં કામના ઠેકાણા નથી અને ઓટલે બેસી બસ ચા....ચા..." રસોડામાં વાસણનો ખખડાટ થઈ ગયો અને બાપુજી બહાર બેઠા બેઠા મનોમન મુંઝાઈ રહ્યા.

સાડા પાંચની ઉઠી જાય સુષ્મા! દસ વાગે ઓફિસે જવા નીકળી જાય તેમાં શ્યામલનું ટિફિન, આરવને સ્કૂલે મોકલવાનો, પોતાનું ટિફિન ભરવાનું અને બાપુજીની અને આરવની થાળી ટેબલ પર ઢાંકવાની, ક્યારેક કામવાળીની ઓચિંતી રજા અને ઓફિસ પહોંચ્યાં બાદ આખો દિવસ કામના ભારણ હેઠળ સુષ્મા જાણે શ્વાસ લેવાનું પણ ચૂકી જતી.

  બંનેની પ્રાઇવેટ જોબ એટલે સાંજે આવવાનો કોઈ સમય નક્કી નહીં.

"શ્યામલ, આ બાપુજી ભલે બા ના ગયા બાદ આરવનું ધ્યાન રાખે છે, પણ મને સાંજે આવતાં મોડું વહેલું થાય તો જમવામાં એકાદ વસ્તુથી એમણે ચલાવી લેવું જોઈએ, હું પણ કેટલું કરું, એમના લીધે મારે દરરોજ સાંજે પણ ભાખરી શાક બનાવવાના જ!" સુષમા ક્યારેક નોકરીથી કંટાળી બોલી ઉઠતી.

"જો સુષ્મા, તું જાણે જ છે કે બા બાપુજીને લીધે જ આપણે આરવને મૂકીને નિશ્ચિંત થઈ નોકરીએ જઈએ છીએ, બા હતાં ત્યારે વાત જુદી હતી કે તમે રસોડામાં મદદ થઈ રહેતી, પણ નોકરી છોડવી પોસાય એમ નથી તો થોડું ચલાવી લેવાનું." શ્યામલ સુષ્માએ સમજાવતો.

"પણ સાડા પાંચથી દસ સુધીમાં બાપુજીની પાંચ વાર ચા મૂકવાની, અને આખા દિવસમાં બાપુજી નાકા પર પણ ચા પીવા પણ કેટલી વાર જાય છે તને ખબર છે?" સુષ્મા અકળાઈ ઉઠતી અને બાપુજી ચૂપચાપ ઓટલે બેસી સાંભળતા રહેતાં.

"સુષ્મા, તું જાણે છે ને કે બાપુજી આ ઉંમરે પણ ઘરમાં થાય એટલા કામ કરીને મદદરૂપ થાય છે. સાડાપાંચ વાગ્યામાં દૂધ લેવા જવું, ચા પીધા બાદ પાણીનાં નળ ટપકે તો માટલાં ભરવાથી માંડી ટાંકી ભરવા મોટર ચાલુ કરી દે, સુકાયેલ કપડાંની વ્યવસ્થિત ગડી કરી દે, આરવનો યુનિફોર્મની તો કેવી સરસ ગડી કરી ગાદલાં નીચે દબાવી દે કે તારે કોઈ દિવસ ઈસ્ત્રી પણ કરવી નથી પડી...સુષ્મા... આપણે કામ કરીએ તેનો પગાર મળે અને તે આપણે વાપરીએ પણ બાપુજીના ન દેખાતાં ઘણાં કામોનું કોઈ મૂલ્ય થઈ શકે એમ નથી. આરવને સમયસર ખવડાવવું, હોમવર્ક કરાવવું, એને બપોરે સુવડાવી દેવો... આ બધું તું ચાલુ નોકરીએ કરી શકત? જરા બોલતાં પહેલા તારે વિચાર કરવો જોઇએ ...સુષ્મા...". શ્યામલ નારાજ થઈ ઉઠ્યો.

"હા...હા...બધાને મારો જ વાંક દેખાય....." ગુસ્સામાં બબડતી આજે સમયસર ઓફિસ પહોંચી જવાય તો સારું એમ વિચારતી સુષ્માએ સ્કૂટીને બહાર કાઢી.

"બાપુજી, આરવનું ધ્યાન રાખજો અને હા ..એને એકલો મૂકીને નાકા પર ચા પીવા નહીં ચાલ્યા જતા, આરવની રિક્ષાનો ટાઈમ સાચવજો, આજકાલ ગમેતેવા બનાવો બને છે ને ઑફિસમાં મારો જીવ અધ્ધર રહે છે. આ ઉમરે ય કેટલી ચા પીવાની ટેવ પડી છે, બા હતાં ત્યારે તો આટલી બધી વાર ક્યાં પીતા હતા? " દરવાજો બંધ કરતાં કરતા બોલી અને ગુસ્સામાં સ્કુટી સ્ટાર્ટ કરી નીકળી ગઈ.

કુસુમના ફોટા તરફ એક નજર કરી મોહનલાલ બોલ્યાં..."તું બસ આમ મલકાયા કર, જોયું તેં? વહુ શું બોલી ગઈ તે સાંભળ્યું? હવે આમ તારા વિના એકલવાયું જીવન અઘરું લાગે..કુસુમ, પણ શું કરું, આ આરવમાં જીવ બેઠો છે એટલે જીવવું પડે છે, અને ચા ? કુસુમ અત્યાર સુધી તું હતી તો મને તારી ટેવ હતી એટલે ચાની આટલી બધી ટેવ ક્યાંથી પડે! સવારમાં તું દરરોજ ગરમાગરમ નાસ્તો ધરી દેતી, હવે આ બિચારી વહુ નોકરી કરે, ઘરનાં કામ કરે કે મને નાસ્તો આપે અને જો કુસુમ વહુ બબડતી પણ મને ચા તો પીવડાવે જ! આરવ સાડા બારે સ્કૂલેથી આવે પછી અમે જમીએ, કુસુમ તું જ બોલ ...મને ત્યાં સુધીમાં ભૂખ ન લાગે? એટલે આ એક કપ ચાની ટેવ પડી ગઈ! સુષ્માને કેવી રીતે કહું કે મને ભૂખ લાગે છે તે ટાળવા માટે ચા પીઉં છું!"

સુષ્માના બોલને નજરઅંદાજ કરીને  મોહનલાલ ઘરમાં ખુશ રહેવાનો પ્રયત્ન કરતા.

"આપકી ફાઈલ આ ગઈ થી, આપકો આવાઝ લગાઈ તબ આપ કહાં થે?" ઑફિસમાં આજે સુષ્માએ એક આધેડ વયના માણસને ઝાટકી નાખ્યો.

"મેડમ, મેં..એક કપ ચાય પીને નીચે ગયા થા, આપ ભી સીટ પે નહીં થી તો સોચા એક કપ ચાય પીકર વાપિસ આ..."

"યે આપ લોગોં કો ઇતની બાર ચાય ક્યું ચાહીયે, ઑર કુછ કામ નહીં હે?" બાપુજી માટે મનેકમને મુકાતી ચા યાદ આવી જતાં સુષ્મા ઑફિસમાં અકળાઈ ઉઠી!

"મેડમ ક્યા કરે, ઘર પે ઓરત હે નહીં, ગુજર ગઈ પીછલે સાલ ઓર બહુ હે વો કામમે હોતી હે તો ભૂખ લગતી હે તો કીસકો બોલું? એક કપ ચાય પી લેને સે યે કમ્બખ્ત ભૂખ દૂર તો હો જાતી હે, ફિર મુજે બેટે કા બેટા ભી તો સંભાલના હે!" આજીજી કરતો એ આધેડ બોલી ઉઠ્યો અને સુષ્માની નજર સામે બાપુજીની છબી આવી ગઈ!

ઓહ... તો શું બાપુજી પણ આ માણસની માફક ભૂખને ટાળવા જ .....ઓહ...હું બા સાથે આટલા વરસ રહી છતાંયે બાપુજીની ટેવ જાણી ન શકી! પરસેવે રેબઝેબ થઇ ગઇ સુષ્મા અને જાણે મનોમન રડી ઉઠી! મારા આરવનું કેટલું ધ્યાન રાખે છે બાપુજી આખો દિવસ! ઓહ...સુષ્મા.. આ તેં શું કર્યું...!"

"બાપુજી, ચાલો ગરમાગરમ બટાટાપૌવા રેડી છે, ચા સાથે ખાઈ લ્યો અને પછી પેપર વાંચો." સુષ્માએ બીજા દિવસે સવારે નવ વાગે બાપુજીને મીઠા અવાજમાં બૂમ પાડી અને બાપુજી કુસુમના ફોટા સામે જોઈ મલકી રહ્યાં.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy