પાંચ આંગળી સરખી ન હોય
પાંચ આંગળી સરખી ન હોય
કુસુમ વહેલી વહેલી બા માટે જાસૂદ લઈ આવી, આજે મંગળવાર હતો ને, ગણેશજીને ધરાવવા બાને જાસૂદ જોઈએ જ!
"મા, મારો નાસ્તો ક્યાં છે ?" દીપ કુસુમને બૂમ પાડવા લાગ્યો.
"મા, મારો મોબાઈલ આપને, ચર્જિંગ મા તેં મૂકેલો કે નહિ !" સીમા કોલેજ જવા તૈયાર થઈ અને બોલી ઉઠી!
"કુસુમ, શું કર્યા કરે છે, ક્યારનો ટેબલ પર બેઠો છું, ચા બની કે નહિ !" સુરેશ પત્નીને બોલી રહ્યો.
"ભાભી, તમે મારા રૂમમાં અમારી પથારી આજે જરા સરખી કરી દેજોને પ્લીઝ...મારે ઓફિસ મોડું થાય છે, અને હા...દેવને પ્લેગૃપમાંથી આવવાનો સમય થાય એટલે કપડાં બદલાવી સફરજન ખવડાવી દેજો ને !" દેરાણી બિનલ કુસુમને કહી રહી!
"કુસુમ...તને કેટલી વાર કહ્યું, મારી વસ્તુઓને હાથ નહીં લગાડ, આ ફાઈલ સરખી કરવાનું તને કોણે કહ્યું, એક તો અભણ રહી અને ઉપરથી ન કરવાના કામ.... મને ઓલરેડી મોડું થઈ ગયું, તને ખબર તો છે કે આજે મારું પ્રેઝન્ટેશન છે, જો આજે મોડો પડું તો મારો મોટો ઓર્ડર હાથમાંથી જશે!" સુરેશ ચાનાસ્તો કરી પોતાના રૂમમાંથી બરાડ્યો !
"સુરેશ...તારી ફાઈલ નીચે પડી ગઈ હતી અને બધા કાગળ વેરવિખેર....તેથી...મેં...."
"બસ..બસ...તારી હોંશિયારી તારી પાસે રાખ...સાત ચોપડી..તું શું સમજે !" સુરેશ બોલી ઉઠ્યો!
"સુરેશ...તમે આવું કરો એટલે મારી સાથે બધાં જ...... નાનાંમોટાં સહુ મને ગમે તેમ .." હિંગ મરચાની સુવાસ વાળા પાલવ વડે ભીની આંખ લુંછતા કુસુમ હળવેકથી બોલવા ગઈ.
"સાત ચોપડી..તે સાત ચોપડી....તારા બાપે મને તારા જેવી અણધડ....".
"સુરેશ...બસ બેટા...કાયમ શું તું આમ કુસુમને...." સુશીલાબેન માતા પૂજા કરતાં કરતાં બોલ્યાં.
સવારથી બસ કુસુમ...કુસુમ અને કુસુમ. પ્રભાતનું પહેલું કિરણ ધરા પર પડે તે પહેલાં તો સ્નાનાદિથી પરવારી કૂકરની વ્હિસલ વગાડી દેનારી કુસુમના પગ ઘરમાં ચારે દિશામાં દોડતા રહેતા. બધાને સાચવતાં સાચવતાં ક્યારેક કુસુમ જાણે શ્વાસ લેવાનું પણ ચૂકી જતી, ક્યારેક દોડાદોડીમાં સાડીનો પાલવ બારણાના આગરામાં ફસાઈ જતો, ક્યારેક ચપ્પુથી આંગળી કપાઈ જતી, ક્યારેક ખુરશીની ઠોકર વાગી જતી, પણ કુસુમ જેનું નામ...થાકતી ન હતી.
"બાપુજી, આજે તમને દૂધનો ઉકાળો અને દવા આપતા મોડું થઈ ગયું, માફ કરજો...પણ તમે જ કહો હું શું....". પરસેવે રેબઝેબ કુસુમ પથારીવશ સસરાને બેઠાં કરતાં સજળ આંખે બોલી.
"બા... આવોને... આપણે ચ
ા નાસ્તો કરી લઈએ, બધાં ગયાં, હવે નિરાંતે ચા પીએ..." પૂજાઘરમાંથી બાને બોલાવતાં કુસુમ બોલી.
નવ વાગે એટલે કુસુમનું ઘર ખાલી થઈ જતું, છોકરાં શાળાએ, દિયર દેરાણી નોકરીએ, પતિ કંપનીએ, ભત્રીજો પ્લેગૃપમાં...બાકી રહેતાં સાસુ સસરા અને કુસુમ !
વળી બાગમાં ફૂલછોડને પાણી પાવું, બાળકોના યુનિફોર્મ જાતે ધોવા, સસરાને સમયસર દવા આપવી, આવતીકાલની બાળકોના નાસ્તાની ચિંતા, સાડા અગિયારે દેવ પ્લેગૃપથી આવે, કામવાળી આવે, ઇસ્ત્રીવાળો આવે, ઉફ્ફફ...કઈ માટીથી બની છે આ કુસુમ....પથારીએ સૂતેલ સસરા વિચારી રહ્યા.
"બેટા...તું થાકી જતી હોઈશ...મારા માટે હવે એક માણસ રાખી લેવા વિચારું છું કે જેથી તારું કામ થોડું હળવું થાય, અને આ સુરેશ....સગો દીકરો થઈ...અમારી હાજરીમાં આમ તારું રોજ ...સાત ચોપડી......કહી અપમાન કરે તે મારાથી જોવાતું નથી...એને કેટલી વાર સમજાવ્યો..છતાંયે...." દૂધનો ઉકાળો પીતાં પીતાં સસરા બોલી રહ્યા.
"ના..ના..બાપુજી...તમે કેમ આમ બોલો છો...તમારી સારવારમાં મારાથી કોઈ ખામી...."એકદમ કુસુમ બોલી ઉઠી!
"ના...બેટા..કુસુમ...આ બિનલ અને બકુલેશ ક્યાં સુધી નાના રહેવાના ? ઘરનાં નાના વહુ દીકરા તરીકે એમની તો કોઈ ફરજ જ નથી ! બિનલ નોકરી કરે તે એના પોતાના માટે ! ઉપરથી કુસુમ પર ઓર્ડર પર ઓર્ડર.....સુરેશના પપ્પા, હું તો કહું છું કે બકુલેશ અને બિનલને જુદું ઘર માંડી આપીએ.....એકલા હાથે જવાબદારી ઉઠાવવાની આવશે ત્યારે ધોળે દિવસે તારા દેખાઈ જશે અને જવાબદારીનું ભાન થશે. અને આ સુરેશ...... કુસુમને ક્યારે સમજશે...સીમા અને દીપ પણ હવે કોલેજમાં જાય છે ....એમની હાજરીમાં સુરેશ આમ...વારંવાર..." સાસુમા બોલ્યે જ જતાં હતાં.
"ના...ના...બાપુ....બા...તમે છો ત્યાં સુધી કોઈને અલગ કરવાની વાત સુદ્ધાં નહીં કરશો, બિનલ અને બકુલેશ બાળક છે, અને સુરેશનો ગુસ્સો તો પાણીનાં પરપોટા જેવો...તમને ખબર તો છે...બા...હું સાત ચોપડી ભણેલી પરણીને તમારે ઘરે આવી ત્યારે આકરા દાદીસાસુ પાસે લઈ જતાં પહેલાં મારા કાનમાં તમે જ તો કહ્યું હતું...બા...તે મને આજ સુધી યાદ છે કે.....
"કુસુમ ...બેટા.... સંયુક્ત કુટુંબમાં સંસાર લઈને બેઠાં હોય ત્યાં દિલ મોટું રાખવું...પાંચ આંગળી કોઈની સરખી નથી હોતી !"
કુસુમ પોતાના સસરા અને સાસુનું આયુષ્ય વધારી રહી અને એમના આશીર્વાદની સરવાણીની શીતળ ધારા કુસુમના શિરે સમાઈ રહી!