એ હાથ
એ હાથ


તેવીસ વરસની સ્વરૂપવાન આયુષી સ્વચ્છતાની આગ્રહી. ગંદકી પ્રત્યે એને ભારે નફરત. કાળા રંગ પ્રત્યે તો ભારે નફરત. પોતાની આજુબાજુ કોઈ શ્યામ વર્ણવાળું હોય તો તેને આયુષી ધિક્કાર ભરી નજરે જોતી. બી.કોમ. થઈને શહેરની જાણીતી ભીલાપુર નેશનલાઇઝ બેંકમાં કાયમી ધોરણે નોકરી મળી જવાથી માતા માધુરીબેનની અડધી ચિંતા ઓછી થઈ ગઈ. પરંતુ આયુષીની ચોખ્ખાઈની વાતોથી દુઃખી થઈ જતાં. આ બાબતે આયુષીને કેટલી વાર સમજાવવા પણ પ્રયત્ન કરેલ પણ વ્યર્થ !
"મા, આ કામવાળી કપડાં બરાબર નથી ધોતી, અને આ બેઝીન જો... દરરોજ સાફ નથી થતું, એને કહી દેજે." ઓફિસ જતાં જતાં આયુષી રોજ માને કહેતી.
જમવા બેસે તો થાળી બરાબર ચેક કરે કે સાફ છે કે નહિ, પોતાના હાથ પણ વારે વારે ડેટોલથી સાફ કર્યા કરે, ઘરમાં જાળાં દેખાય તો તરત સાફ કરવા મંડી પડે, કામવાળી ઘરમાં આંટાફેરા કરે અને કોઈ વસ્તુને અડકે તો તે પણ આયુષીને નહીં ગમે. કાળા કુબડા માણસો પણ આયુષીને નહીં ગમે, પોતાના પિતાનો ફોટો પણ આયુષીને નહીં ગમે કારણ કે પોતાના પિતા શરીરે કાળા હતા. માધુરી બેન આ જોઈ ખૂબ દુઃખી રહેતા, અને પતિની યાદમાં ખોવાઈ જતાં, કે આજે હેમંત જીવતા હોત તો એક બાપ તરીકે પોતાની પુત્રીને સાચી સમજ આપી શક્યા હોત. મા તરીકેની પોતાની ફરજમાં માધુરીબેન આયુષીની આવી હરકતો જોઈ વ્યથિત થઈ ઉઠતાં.
"બેટા, એ પણ શું કરે બિચારી, પેટનો ખાડો પૂરવા કેટલાં ઘરે કામ કરે છે, એનો પતિ પણ નથી, ચાલે બેટા... ગરીબ છે, એની પણ મજબૂરી હોય, પરંતુ મહેનત કરીને ખાય છે ને એ જોવાનું." માધુરી બેન પોતાની દીકરીને સમજાવતાં અને સાથે સાથે ઊંડી વ્યથામાં ડૂબી જતાં.
ત્રણ વરસની હતી અને આયુષીની જવાબદારી એકલા હાથે સંભાળવાનો કપરો સમય માધુરીબેન પર આવી પડ્યો હતો. હેમંતના અવસાન બાદ ત્રણ વરસની આયુષીએ પિતાનો પ્રેમ શું છે એ કદી અનુભવ્યું ન હતું. નાનપણથી જ મા અને દીકરી બે જ એટલે સીધી સાદી આયુષી પુરુષ વર્ગથી અળગી જ રહેતી. તેવીસ વરસની આયુષીને માધુરીબેન લગ્ન માટેની વાત કરવા જતાં તો આયુષી માના ખોળામાં સૂઈ જતી અને કહેતી. "મા, લગ્ન કરવાથી તું પોતે કેટલી સુખી થઈ, એ મને કહે." અને માધુરી ચૂપ થઈ જતી.
"ભાઈ, પૈસા અને સ્લીપ મૂકી હાથ બહાર લઈ લ્યો." આજે બેંકમાં કેશમાં કામ કરતી આયુષી પાસે એક ગંદા, મેલાઘેલા પહેરવેશ વાળા એક માણસના કાળા કાળા હાથ પૈસા ભરવા માટે લંબાયા તે જોઈ આયુષી લગભગ છળી ઉઠી. બેય હાથ અત્યંત ખરબચડા, ઓઇલના ડાઘવાળા, નખોમાં કાળાશ ભરેલા હતા. એ માણસ ગેરેજમાં કામ કરતો હોય એમ લાગતું હતું. કારણ કે એના કપડાં ઉપર પણ કાળા અને ઓઇલના ડાઘ હતા. પેલા માણસે ચૂપચાપ પૈસા અને સ્લીપ આપી હાથ બહાર લઈ લીધા. આયુષીએ પૈસા ગણીને સ્લીપ પરત કરતી વખતે એ માણસ સામે ધૃણાભરી નજરે જોયું અને ઊભા થઈ હાથ ધોવા ગઈ. એનું માથું ચકરાવે ચડી ગયું.
ઘરે જઈ માને બધી વાત કરી ત્યારે પણ માધુરીબેન આયુષીના ચહેરાની નફરત વાંચી શકતા હતા. પોતાની દીકરીને સમજાવવા સજ્જ થયેલ માધુરીબેન આયુષી ને માથે હાથ ફેરવી બોલવા લાગ્યાં. "બેટા, શ્યામ તો શ્રી કૃષ્ણ પણ હતા, શ્યામ રંગ પ્રત્યે આવો દુર્ભાવ ક્યાં સુધી રાખીશ ? આજે એ માણસનો શ્યામ અને મેલોઘેલો હાથ જીવનના તાપોમાં પત્નીને અડીખમ સાથ આપતો હશે."
"એજ મેલોઘેલો હાથ પોતાની દીકરીને સારાં નરસાનો ભેદ સમજાવી દીકરીને વાંસે વહાલપથી ફરતો હશે તો ક્યારેક દીકરીના સંરક્ષણ ખાતર કઠોર પણ બનતો હશે, બેટા તારા પિતાની ખોટ તને આ સમજવામાં નડી રહી છે. એજ મેલોઘેલો હાથ પોતાના દીકરાને જવાબદારી અને કર્તવ્યની રીતો સમજાવતી વખતે દીકરાને ખભે ફરતો હશે. એજ મેલોઘેલો હાથ કુટુંબની જવાબદારી અકબંધ રીતે ઉઠાવતાં થાકતો હશે પણ ગેરેજમાં મજૂરી કરતો હશે. "બેટા...એજ મેલોઘેલો હાથ મહેનતના અંતે પોતાના કપાળે છૂટેલ પરસેવાને લૂંછી વેતન લેવા માટે લંબાતો હશે. આયુષી, એજ મેલોઘેલો હાથ મહિનાના અંતિમ દિવસોમાં ખૂટી પડેલ દાણાપાણી માટે સુપેરે વ્યવસ્થા કરતો હશે. બેટા,. એજ કાળો અને મેલો હાથ પોતાની કાળી મજૂરીમાંથી પાઈ પાઈ બચાવી દીકરીના લગ્નના સપના જોતો હશે."
rરડતી આંખે માધુરીબેને આગલ ચલાવ્યું...
"બેટા, એ જ કાળો મેલો હાથ પોતાની પત્ની તેમજ સંતાનોને જગતના તમામ સુખો આપવા માટે પોતાની સૂકી ભઠ્ઠ આંખોને ચોળીને ફરી એક નવી તાકાત સાથે કામે લાગતો હશે. બેટા, એ જ કાળો મેલો હાથ કામ કરતી વેળાએ પડેલ છાલાં ને અવગણીને કર્તવ્યની કેડીએ આગેકૂચ કરતો હશે. બેટા, આયુષી કાળા રંગને તિરસ્કૃત ના કરાય, એ ગરીબની મહેનત જો, એનું કર્તવ્યનિષ્ઠ મુખ તેં ધ્યાનથી જોયું હોત તો તને કદાચ એના પ્રત્યે માન થાત. તારા પિતા પણ શ્યામ હતા પણ ભાગ્યના લખેલ લેખ મુજબ ઘણા જલ્દી વિદાય થયા. તેથી બાપ કોને કહેવાય એ તને ખબર જ નથી. તેં આજે જે કાળો અને મેલો ઘેલો હાથ જોઈને જે ધૃણા કરી એ હાથ એક પિતાનો હાથ હતો.બેટા.... એક કર્તવ્યનિષ્ઠ પિતાનો હાથ જવાબદારીથી ભરેલ મેલોઘેલો કાળો પણ અતિ પવિત્ર હાથ. એક પિતાનો હાથ ...હા..એક પિતાનો હાથ."
માધુરી બેનની આંખોથી ગંગા જમના વહી રહ્યાં, આયુષી વહાલથી પોતાના પિતાની છબીને વરસો બાદ પ્રેમથી નિહાળી રહી !