મા એ ભગવાનની પૂજા કરવાની છોડી દીધી!
મા એ ભગવાનની પૂજા કરવાની છોડી દીધી!


જયારે જુઓ ત્યારે ભગવાનનું નામ માનાં હોઠે રાચતું હોય ! સવાર-સાંજ, વાર-તહેવારે મા ભગવાનની ભક્તિ કરતી હોય ! શું માને ભગવાન સાથે કોઈ ડિવાઈન કનેક્શન હતું ! કોઈ વિશેષ પ્રીતિનાં કારણે એ આ બધું કરતી હતી ? ના, મને નથી લાગતું. પૂજાપાઠ એને મન નિત્ય પ્રવૃત્તિઓ અને રિવાજનો એક ભાગ હતાં. વધુમાં, એને ડર સતાવતો કે જો એ સમયસર પૂજાપાઠ ન કરે તો પાપ ગણાય અને કશુંક અમંગળ ઘટે ! એને એનાં પુરાવા પણ મળી રહેતાં ! ક્યારેક સાંજે બહાર ગઈ હોય, આવતાં આવતાં રાત પડી જાય અને દીવો ન થાય તો ડરમાં જીવે. મારા માર્ક્સ બે ઓછાં આવે તો એને મારી ઓછી મહેનત નહીં પણ દીવો ન કરવું એ કારણ લાગે.
એને આમ દોડાદોડ કરતી જોઇને મને ખૂબ બેચેની થતી. એટલે પણ કે હું પૂજાપાઠની વિરુદ્ધ હતી ! મને ઈશ્વરની ભક્તિ કરવાની આ રીત કેમેય કરીને સમજાતી નહોતી. અલબત્ત, એવું નહોતું કે ભક્તો પ્રત્યે અનાદર રહેતો. મને એવું લાગતું કે વ્યક્તિ પ્રેમથી ભક્તિ કરે, નહીં કે ડરથી. મા મને વારંવાર ટોકતી, પૂજાપાઠ ન કરવા બદલ મેણાટોણા મારતી ! એને હંમેશ એવું લાગતું કે મને પાપ લાગશે. ભગવાન મારા તરફ નહીં જુએ.
મારા વારંવારનાં પ્રહારોને કારણે મા ભગવાનની ભક્તિ પર વિચારો તો જરૂરથી કરતી, પણ ડરને કારણે વિચારો બદલી નહોતી શકતી.
પણ એક દિવસ જુદો ઉગ્યો. હું અને મા ભગવાનની ભક્તિ પર હંમેશની જેમ દલીલો કરી રહ્યાં હતાં. ખબર નહીં મને શું થયું પણ મારા મ્હોંમાંથી કેટલાક શબ્દો સરી પડ્યા. માને મેં એક સવાલ પૂછ્યો !
હું - “મા, એક પળ માટે વિચાર કે તું હવે આ દુનિયામાં નથી. ઉપર બેઠી બેઠી બધું જુએ છે. તારા ત્રણ દીકરા છે. મોટાની આર્થિક પરિસ્થિતિ ખૂબ સરસ છે, ધનનાં ભંડાર છે. વચેટની આર્થિક પરિસ્થિતિ ઠીક છે અને નાનાની હાલત કંગાળ છે. ત્રણેય છૈયાછોકરાવાળા છે. મોટો રોજ તારા ફોટા પર નવી ફૂલોની માળા ચડાવે છે, મોંઘામાન
ી અગરબત્તી સળગાવે છે. શ્રાદ્ધ અને વારતહેવારે તારા માટે પૂજાપાઠ કરે છે. વચેટ આમાંનું કાઈંજ નથી કરતો, પરંતુ નાનાનાં છોકરાઓને ભણાવવાનાં પૈસા આપે છે, જરૂર પડ્યે અનાજ-કઠોળ ભરાવી આપે છે અને સૌથી મહત્વનું, એ નાનાભાઈનાં પરિવારને હુંફ અને મોરલ સપોર્ટ આપે છે. બોલ, તને કયો છોકરો વહાલો લાગે? કોની તારા પ્રત્યેની ભક્તિ, પ્રેમ અને અસ્મિતા સાચા લાગે ?”
મા – “વચેટ જ સ્તો ! મારો એક દીકરો ભૂખે મરતો હોય અને બીજો દીકરો એને મદદ કરવાને બદલે મારા ફોટાની ધૂપબત્તી કરતો હોય, તો મારું હૈયું એના માટે કેવી રીતે ઉભરાય? આ પ્રેમ નથી. વચેટ ભલે મારા ફોટા આગળ કાંઇ જ ન કરે, પણ મારા પ્રત્યેનો સાચો પ્રેમ તો એ નિભાવી રહ્યો છે. મને વચેટ જ વધારે વહાલો લાગે ને? એમાં કોઈ સવાલ જ નથી.”
હું – “તો તું જ કહે, કે આપણે સૌ ભગવાનનાં બાળકો છીએ ને ! તો જયારે વિશ્વમાં ઘણાં લોકો ભૂખા હોય, દુઃખી હોય અને આપણે એમને મદદ કરવાને બદલે ભગવાનનાં પૂજાપાઠમાં વ્યસ્ત હોઈએ તો ભગવાન રાજી થાય ખરો? એ પૈસાથી કોઈની ભૂખ, કોઈની બીમારી દૂર કરવામાં યોગદાન ન આપી શકીએ! એટલો સમય કો’કનાં આંસુ લૂછવામાં, કો’કનું ભલું કરવામાં ન ગાળી શકીએ? તું જ કહે, ભગવાન શેમાં રાજી થશે? સાચી ભક્તિ અન્યની સેવા છે કે ઈશ્વરનાં પૂજાપાઠ ?”
પહેલી વાર મેં માને આટલી સ્તબ્ધ જોઈ. મા એમ તો સાયન્સની સ્ટુડન્ટ હતી પણ રીવાજોની આંટીઘૂંટીમાં ક્યાંક ફંસાઈ ગયેલી. આજે ગૂંચ ઉકલી ગઈ. માએ ભગવાનની પૂજાપાઠ છોડી દીધી; સાચી ભક્તિનાં રાહ પર કદમ માંડ્યા.
બે-ત્રણ અઠવાડિયામાં મેં માની અંદર ધરખમ ફેરફારો જોયા. મા સાચેમાં મુક્ત થઇ ગઈ હતી. સાચી ભક્તિનો આનંદ એનાં ચેહરા અને અંતર પર છવાઈ ગયેલો. જીવનની સાર્થકતા શેમાં છે હવે તેને ખબર હતી. એને હવે પરિવારની ચિંતા નહોતી, અલબત્ત આખા વિશ્વની ચિંતા હતી અને તેમ છતાંય એ ખુશ હતી!