Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!
Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!

Ankita Gandhi

Drama Tragedy Inspirational


4  

Ankita Gandhi

Drama Tragedy Inspirational


દુર એ શેવાર - દાંપત્યજીવન સુધારતાં પિતાનાં પત્રો

દુર એ શેવાર - દાંપત્યજીવન સુધારતાં પિતાનાં પત્રો

14 mins 126 14 mins 126

(પાકિસ્તાની ડ્રામા ધૂપછાંવનું શબ્દોમાં રૂપાંતર કરવાની કોશિશ છે. આ કહાણી છે કે કેવી રીતે પિતાના પત્રો દીકરીને એનું નંદવાઈ ગયેલું દાંપત્ય ટ્રેક પર લાવવામાં મદદ કરે છે.)

‘દુર એ શેવાર’ માતાપિતા એ નામ પણ બહુ વિચારી ને પાડ્યું હતું. ફારસી ભાષામાં એનો અર્થ કંઈક એવો થતો હતો – બાદશાહનું અમૂલ્ય મોતી ! અને ખરેખર એના બાપની આંખનું એ નમણું મોતી જ તો હતી ! શી લાવણ્યમય કાયા અને શી એની રીતભાત ! જોનારની નજરો ઠરે અને એને અનુભવનારની આત્મા ઠરે ! બાપ એક બિઝનેસમેન અને માં એક અત્યંત પ્રેમાળ અને સહજતાથી છલોછલ વ્યક્તિત્વ. પાકિસ્તાનના લાહોરમાં આવેલો એક બંગલો, એમાં કંઈક કેટલીય હરિયાળીઓ અને એ બધાની સાથે જીવતું, હા ઉત્કટતાથી જીવતું કુટુંબ ! બાપની દિલદારી અને સમજદારીના કિસ્સાઓ દૂર દૂર સુધી ફેલાયેલા હતાંં ! બાપે બંને દીકરીઓને સંસ્કાર, શિક્ષા અને સમજદારી ત્રણેયની એરણ પર મૂકી હતી.

શેવાર મોટી દીકરી અને રૂપ ઝરતું યૌવન ! ચારેકોરથી માંગાઓ આવવા માંડયા. એમાંય, દુનિયામાં એક વ્યક્તિ એવું ન હતું જેને તેના માતાપિતા સાથે વેર હોય ! જેની સાથે વાત કરો એ સામી સાહેબ અને સફિયા બાનોના ગુણગાન ગાતું. સામી સાહેબની એક બેન હતી, સલમા બાનો. એના સગામાંથી એક દિ એક બેન ઘરે આવ્યા. નામ એમનું સબા બાનો. ચા નાસ્તાને ન્યાય આપતા આપતા તેમણે કહ્યું, “હું મારા દીકરા મન્સૂર માટે તમારી શેવારને જોવા આવી છે. મારો મન્સૂર પાકિસ્તાની આર્મીમાં એક સિપાહી છે અને ખૂબ સંજીદા છોકરો છે. હું પણ બે દીકરીની માં છું, તમારી દીકરીને હું મારી દીકરી ગણીને લઈ જઈશ.”

સામી સાહેબે જવાબ આપ્યો, “ભલે, તમે અમારી શેવારને મળી લો. પરંતુ નિર્ણય તો અમે હમણાં નહિ જણાવીએ. અમારી દીકરી છે, બકરી નથી.” બેન સમજી ગયા કે એક વારમાં વાત નહીં જામે. પણ શેવારને મળ્યા પછીતો નક્કી કરી લીધું કે ભલે લાખ ધક્કા ખાવા પડે, પણ હું શેવારને વહુ બનાવીને જ જંપીશ.

પછી તો સામી સાહેબ પણ મન્સૂરને મળ્યાં. એમને મન્સૂર બહુ ભોળો, જવાબદાર, અને મહેનતુ લાગ્યો. આ તરફ મન્સૂરનો વિચાર સામી સાહેબના ઝેહનમાં ચાલતો રહ્યો અને બીજી તરફ, સબા બાનો કોઈ ન કોઈ બહાને મળવા આવતા ગયા અને ખૂબ જ સીફ્ફતથી ફોર્સ કરતા રહ્યાંં. શેવારની બહેન માનોર હંમેશા મજાક ઉડાવતી, “લ્યો, આવી ગઈ મફતના ફરમાસ અને ચા આરોગવા !”

આખરે મન્સૂર સાહેબ પીગળ્યા, શેવારને સમજાવી, “આ લોકો ભલે આપણી સમૃદ્ધિમાં બરાબરીના નથી પરંતુ સમજણમાં બરાબર લાગે છે. અને મન્સૂર તો આર્મીમેન છે. તારે ક્યાં સાસરે રેહવાનું છે? શાદી પછી મન્સૂરને કવાટર્સ મળશે અને તું ત્યાં રહીશ. મને એ વિચારતાં જ ઘણો આનંદ આવે છે કે તું એક આર્મીમેનની વાઈફ બનીશ. આપણે દેશ માટે સીધી રીતે કંઈક કરી ન શકીએ પરંતુ જે દેશ માટે જીવે છે, એના માટે તો જીવી શકીએ ને?” અને દેશદાઝ લઈને જન્મેલી શેવાર પણ સહમત થઈ ગઈ.

ઘડિયા લગ્ન લેવાયા. સામી સાહેબ અને સફિયા બાનો એ કોઈ કમી ન છોડી ! ટીવી, વોશિંગ મશીન થી માંડી ને લાખોના ઘરેણા, કપડા અને વાસણો જહેજ (દહેજ)માં અપાયા. અને શરૂ થઈ શેવારની કસોટીઓ ભરી દાસ્તાન !

મન્સૂરની સાથેની મીઠી પળોના સ્વપ્નો જોતી શેવાર પલંગ પર બેઠી હતી અને મન્સૂરનો પ્રવેશ થયો. આવતાવેંત તેણે કહ્યું, “શેવાર, મારા માટે મારો પરિવાર અને ખાસ કરીને અમ્મીથી વિશેષ કોઈ નથી. તું એમનો ખ્યાલ રાખશે તો સમજજે કે તે મારું દિલ જીતી લીધું." પેહલો ધક્કો હતો આ શેવાર માટે. એ પછી તો આવા અગણિત ધક્કાઓ યાદીમાં ઉમેરાવાના હતાં જેની એને જરા સરખી ભનક પણ નહોતી !

હનીમૂન પીરીયડમાં ક્યાં કોઈને ખબર પડે છે કોણ કેવું છે ! ઈન ફેક્ટ, હનીમૂન પણ ક્યા હતું એ? મન્સૂરનું આખું ફેમીલી ફરવા ઉપડ્યું હતું. નવી પરિણીતા સિવાય બધાને ખુશ કરવામાં પડ્યો હતો મન્સૂર ! રાતે મોડે સુધી અબ્બા અમ્મી સાથે વાત કરવી એ એનો વણલખ્યો નિયમ હતો જે એણે હનીમૂનમાં પણ પાળ્યો. એક વાર તો અબ્બાને તાવ આવી ગયો અને મન્સૂરે આખી રાત સેવામાં વિતાવી. શેવારને આ બધાનો વાંધો ન હતો. પરંતુ આખાય હનીમૂનમાં એ સમવન સ્પેશ્યલવાળી ફીલિંગ તેને જરાય અનુભવવા ન મળી.

છતાં પણ, મનસૂરના પ્રેમમાં ગળાડૂબ શેવારે કોઈ કસર ન છોડી ! મન્સૂરતો ડયુટી બજાવવા જતો રહ્યો અને શેવાર એ પોતાને ક્યારે બોલાવશે એના સ્વપ્નોમાં રાચતી રહી.સાસુમા એ ઘરના નિયમો સમજાવવા માંડયા, “બ્રેડ ભલે ભાવતી હોય, આપણે એ ખર્ચો ન કરીએ. શાક અને રાઈસ બનાવ્યા હોય તો સાથે સલાડ ન બનાવાય.” શેવારની કોઈ પણ વાત ન ગમે, દરેકમાં ખોડખાપણ કાઢે.

જ્યારે મન્સૂર આવે ત્યારે વાત ચાલે, “મન્સૂર, આ તારા સાસુ સસરાએ ઠીક ન કર્યું. સાસરે ગયેલી દીકરી માટે હવે કંઈક મોકલાવીને એની આદતો ન બગાડાય. આ તારી શેવાર અમને વેલ્યુ નથી કરતી.” અને કાચા કાનનો & માવડિયો મન્સૂર શેવારને કડક ટોનમાં ફરિયાદ કરતો. શેવાર મનમાં વિચારતી, “તું કેમ છે એવું પૂછ્યું હોત તો? તને અહી કેવું લાગે છે? તું ખુશ તો છે ને?” શમણાઓ તુટવા માંડ્યા હતાં. અબુધ શેવાર માબાપની હુંફ છોડીને એલિયન વાતાવરણમાં આવી ગઈ હતી.

એક વખત તો શેવારને એનો દિયર સૌદ PCO પર લઈ ગયો જેથી તે એના અમ્મી અબ્બા અને મન્સૂર સાથે વાત કરી શકે. અમ્મી અબ્બાએ તો લાખ આશીવાર્દ અને હૈયાધારણ આપી; પણ મન્સૂર ! “શું જરૂર હતી PCO પર આવવાની અને ઘણા મરદો સામે આવવાની? અમ્મીની પરમીશન લીધા વિના તું કેમ આવી? બીજી વાર કર્યું છે તો?” શેવારને સમજાયું જ નહીં કે એની ભૂલ ક્યાં હતી? “૨ મહિનાના લગ્નજીવનમાં પતિની સાથે ફોન પર વાત કરવાની ઈચ્છા થવી એ શું સ્વભાવિક ન હતું?”

વચ્ચે વચ્ચે અમ્મી અબ્બા કોઈક ને કોઈક બહાને શેવારને તેડાવી જતા. શેવાર પિયરની હૂંફમાં થોડી પળો વિતાવીને પાછી આવી જતી. પણ જતા પહેલાં, એના મુખ પર એ હંમેશા વાંચી શકાતું, “મારે એ દોજખમાં નથી જવું. ત્યાં કોઈને પડી જ નથી કે હું શું ઈચ્છું છું.” એક દિવસ મન્સૂરનો ફોન આવ્યો અને દોસ્તના લગ્નના બહાને શેવારને તેડાવી. સાસુએ સૌદ (શેવારનો દિયર)ની સાથે કમને તેને મોકલી. આવનારા 5 દિવસો શેવારને હનીમૂન શું હોય તેની અનુભૂતિ કરાવવાના હતાં. એન્ડ સરપ્રાઈઝ સાથે મન્સૂરે તેને તેનું થનાર ઘર બતાવ્યું. નાનું પણ સરસ મજાનું ઘર, મોટું વૃક્ષોથી ભરેલું આંગણું અને ખુશનુમા મૌસમ, શેવાર ખોવાઈ ગઈ. મન્સૂર ને કહી દીધું, “એક અઠવાડિયાથી વધારે હું હવે જેલમ નહિ રહું.” મન્સૂરે પણ રોમાન્ટિક અદામાં કહ્યું, “હું ખુદ આવીને તને લઈ જઈશ.”

અચ્છે દિનોની આશામાં શેવાર ઘરે આવી અને ગૂંથાઈ ગઈ. એવામાં તેની નણંદ ફઝીરતની ખુબ મોટા ઘરે વાત ચાલુ થઈ ગઈ. મન્સૂર આવ્યો બહેનનું નક્કી કરવા. માએ જાણી જોઈને શેવારને રસોઈમાં પ્રવેશવા ન દીધી. બધું એ જ કરે છે એવું જતાવ્યું, મનસૂરના કાન ભંભેર્યા, “વહુ, મારી પાસે બેસતી નથી. કામમાં મદદ કરતી નથી. મોટા ઘરેથી આવી છે, એટલે અમને કાંઈ સમજતી નથી. એની રસોઈતો કોઈને ન ભાવે.” ઉશ્કેરાયેલા મન્સૂરે શેવારનો ઉધડો લીધો, “મારા ઘરવાળા તારાથી ખુશ નથી એનો મતલબ હું તારાથી ખુશ નથી.”

શેવાર, “હું ક્યાં એમને કઈ કહું છું. પણ તમારી આગળ તો હું મારું દુઃખ કહું ને? હું તમને પરણીને આવી હતી, એમને નહી. મને ખબર જ નથી પડતી કે એમને મારી સાથે પ્રોબ્લેમ શું છે?”

મન્સૂર: “જો તને અમારા ઘરમાં એટલું જ ખરાબ લાગતું હોય તો તું તારા ઘરે પાછી જી શકે છે.”

શેવાર: “તમે મને ઘરમાંથી નીકળવા કહો છો ! જો તમેં મને સાથે નહિ રાખો તો હું જતી જ રહીશ. અહીં રોકાવાનો મારો કોઈ જ મતલબ નથી રહે.”

અને મન્સુરે અલોટ કરાયેલું ઘર પાછું આપી દીધું.

મામલાની ગંભીરતા ખબર પડતા શેવારના અમ્મી અબ્બા અને બૂઆ એના ઘરે આવ્યા.

બૂઆ: “સબા બાનો, આ મન્સૂર શેવારને કેમ સાથે લઈ નથી જતો. ૬ મહિના થઈ ગયા.”

સબા: “એને શેવાર ગમતી નથી. શેવારની રીતભાત અને સંસ્કાર સારા નથી લાગતા. એ ઘણી ઘમંડી, અક્કડ અને આઝાદ વિચારો વાળી છોકરી છે, મન્સૂર હવે પસ્તાઈ રહ્યો છે.”

બૂઆ: “હોય જ નહી. આખા ગામ અને ખાનદાનમાં શેવાર જેવી છોકરી ન મળે. ખુદ મારી છોકરીઓ એની આગળ પાણી ભરે. તમારી વાત કોઈ કાળે સાચી ન માનું.”

અબ્બા: “બહેન, જે હોય એ. મારી દીકરી કદાચ ભૂલો કરતા કરતા શીખી રહી છે. પરંતુ, ખુદાની કસમ, એ અસંસ્કારી કદાપિ નથી.”

અમ્મી: “હવે, મન્સૂરને કહો કે ઘરની વ્યવસ્થા કરે અને શેવારને લઈ જાય. અને ત્યાં સુધી શેવાર અમારી સાથે રહેશે.”

શેવાર ફરી ઘરે આવી પણ અઠવાડિયા માટે નહિ, અનિશ્ચિત કાળ માટે. ન તો મન્સૂરનો ફોન આવ્યોં, ન એનો કોઈ લેટર મળ્યો. ઘરના લોકો મક્કમ હતાં કે જ્યાં સુધી વાતનો કોઈ ચોક્કસ નિવેડો ન આવે, ત્યાં સુધી શેવાર નહીં જ જાય. પણ ખુદાએ શેવાર માટે યાતનાનો એક બીજો મંજર નક્કી કરી રાખ્યો હતો. શેવારને ખબર પડી કે એ પ્રેગ્નન્ટ છે.બધાને લાગ્યું કે હવે વાત રોકેટ સ્પીડે આગળ જશે. પણ એવું કશું જ થયું નહી. ઉલટું, એની સાસુએ ફોન કરીને કહ્યું કે શેવાર જાતે ગઈ છે, એને આવવું હોય તો જાતે આવે.

અમ્મી હજી પણ મક્કમ હતાં. પરંતુ અબ્બા બધું કળી ગયા. દીકરીના સુખદ ભવિષ્યનો આરો દેખાતો બંધ થઈ ગયો હતો અને સદંતર માટે બંધ થઈ જશે એવું ય દેખાતું હતું.

ભારે હૈયે અબ્બાએ શેવારને બોલાવી, “શેવાર, અમે બંને એ નક્કી કર્યું છે કે તને તારા સાસરે પાછી મૂકી આવવી. તારા અને તારા બાળકના ભવિષ્ય માટે આ નિર્ણય કઠણ કાળજે અમે કર્યો છે.”

શેવાર: “પણ અબ્બા, ત્યાં કોઈ પ્રેમ નથી, કોઈ ઈજ્જત નથી અને સૌથી ઉપર, મન્સૂર મને નફરત કરે છે. બધાની નફરતને હું કેવી રીતે ઝીલીશ?”

અબ્બા: “શેવાર બેટા, તને ખબર છે જ્યારે તું પેહલી વાર સ્કૂલે ગઈ હતી, તું કેટલું રડતી હતી? એ પછી પણ કેટલાય દિવસો સુધી તારો રડવાનો સીલસીલો ચાલુ રહેલો અને દરેક વખતે મારે નથી જવું એવું તારું વાક્ય. અમે તો ખરેખર થાકી ગયેલાં. પણ પછી તો તે કેવું પકડ્યું? એ પછી તો તું હોશેહોશે સ્કૂલે ગઈ અને દરેક પરીક્ષા તે ડીસ્ટીન્ક્ષન સાથે પાસ કરી. સમજ કે આ તારી પરીક્ષા જ છે. અને તારે બધાના હૃદયમાં સમાઈ જવાનું છે. બેટા, સંજોગો બદલાય છે અને લોકો પણ બદલાય છે.”

શેવાર: “અબ્બા, તમારી બધી સલાહો ફક્ત મારા માટે જ કેમ હોય છે?”

અબ્બા: “કારણકે શેવાર, મારી જાન, મારું જોર ફક્ત તારા પર ચાલી શકે છે, મન્સૂર પર નહીં. પણ તું ચિંતા ન કર. આ કપરી પરીક્ષામાં હું તારી સાથે છું. તારા સાસુને હું પાડોશીને ત્યાં ફોન કરું એ ગમતું નથી તો વાંધો નહીં. હું તને નિયમિત લેટર લખીશ.”

અને અપેક્ષા પ્રમાણે, શેવારનું સ્વાગત ઘણા ટોન્ટ અને ફરિયાદોથી થયું. એની પાસેથી રસોડું છીનવી લેવામાં આવ્યું. એના હિસ્સે જાડા કામ કરવાના જ આવ્યા. પણ એણે ફરિયાદ કર્યા વગર શરુ કરી દીધું. શેવારે સૌદને કહ્યું કે તારા ભાઈને કહે કે મને થોડા પૈસા મોકલાવે. મારે વિટામીનની ગોળીઓ લેવાની છે અને બીજું પણ કયારેક કંઈક લેવું હોય તો હું લઈ શકું. વાત સાસુના કાને પહોંચી, “અમારા જમાનામાં વિટામીનની ગોળીઓ નહોતી. કોઈ જરૂર નથી. અને બીજા પૈસા કેવા? ખાવા પીવાની કોઈ કમી છે કે? આ બધા ખિસ્સાખર્ચીના ચોંચલા આ ઘરમાં ન ચાલે.” એક બીજી બાબતનું દુર એ શેવારે નાહી નાખ્યું. અબ્બાના પત્રો આવતા રહ્યાં અને હૈયાધારણ આપતા રહ્યાં.

એવામાં એક દિવસ એના કાકા સસરા મળવા આવ્યા અને સબા બાનોના ખૂબ વખાણ કર્યા, “ભાભી જો ન હોત તો આ કુટુંબ રખળી જાત. એમની કરકસર અને નિર્ણયશક્તિએ અમને ઉગારી લીધા. અમને એમનો પ્રેમનો પુષ્કળ પરિચય થયો છે.” શેવાર એકદમ હેબતાઈ ગઈ. અબ્બાને કાગળ લખવાનું શરુ કર્યું, “અબ્બા, આજે મને મારી સાસુ એક સ્ત્રી લાગી. એ પણ સારી અને સાચી હોય શકે છે. એ ખબર પડી.”

અબ્બાનો પત્ર આવ્યો, “શેવાર દરેક સાસુ એ પહેલા એક સ્ત્રી જ છે. એણે પત્ની, વહુ અને માતાની ભૂમિકા આબાદ ભજવી છે’, પરંતુ સાસુની ભૂમિકામાં ગરબડાઈ રહી છે. કારણકે એનું સૌથી મોંઘુ રતન- એનો દીકરો એ તારી પાસે છે. અને એને એવું લાગે છે કે એ છીનવાઈ જશે તો એનું કુટુંબ અને એ ખુદ ભાંગી પડશે. એમને તારે એ વિશ્વાસ અપાવવો પડશે કે તું એમના દીકરાને છીનવા નહીં પરંતુ વહેંચવા આવી છે. દરેક સાસુના પગ કાંટાથી ઘવાયેલાં હોય છે. તું એમની સાથે સમય વિતાવ. બની શકે, એ તને તેના ઝખમ દેખાડે.”

શેવારે કંઈજ વિચાર્યા વિના એની સાસુ સાથે સારું વર્તન કરવાનું શરુ કરી દીધું. થોડા દિવસોમાં મન્સૂર પણ આવ્યો, પણ એનું વર્તનતો ઉખડેલું જ હતું. આ તરફ શેવારની ઉમ્મીદ પણ ખાસ્સી રજા લઈ ચૂકેલ હતી. લાગ જોઈને મન્સૂરે કહ્યું, “ગઈ કાલે ફઝીરતની ભાવી સાસુ આવી હતી અને એની આગલી બંને વહુઓ કેટલું સોનું લાવેલી એની વાતો કરતી હતી. તો અમે પણ નક્કી કર્યું કે તને જે સોનું ચડાવેલું તે જો તું અમને આપે તો ફઝીરતને પણ અમે ઘણું સોનું આપી શકીએ.” શેવાર શોક થઈ ગઈ, “તમને અને અમ્મીને જે ઠીક લાગે એ. હું કયા મારા વર સાથે રહું છું કે એને ઘરેણાં પહેરી પહેરીને બતાવવાનું મન થાય.” પછી તો એના પલ્લાંના ઘરેણાં, પિયરના ઘરેણાં અને બીજી જહેજની ચીજો પણ ફઝીરતને એના લગ્નમાં આપી દેવાઈ. દુઃખ અને નિસાસાની મિશ્રિત લાગણી સાથે શેવાર આ બધું જોતી રહી.

અબ્બાનો ખત આવ્યો, “બેટા, મને ખબર પડી કે તારી વસ્તુઓ તારે તારી નણંદને આપી દેવી પડી. ખેર, કંઈ નહીં, આખરે ચીજો હોય જ છે એટલા માટે કે કોઈકને કામ આવે. તું હૃદય નાનું ન કરીશ. સાચું ઘરેણું એ મન્સૂરનું દિલ છે. એ તારી પાસે હોવું જોઈએ.”

એક દિવસ સૌદે કહ્યું કે ભાઈ નો લેટર આવ્યો હતો અને એમાં તમારા માટે પણ પૂછતાં હતાં. શેવારને વાંચવાનું મન થઈ ગયું. એટલે જ્યારે સાસુએ એમના રૂમની સફાઈ કરવા કહ્યું, ત્યારે એણે સફાઈના બહાને લેટર શોધી કાઢ્યો. એમાં મન્સૂરે બધાની ખબર પૂછી હતી. પાડોશી સુધ્ધાંની વાત હતી, પણ શેવારનો કોઈ જ ઉલ્લેખ નહી. શેવાર ભાંગી પડી. આ પ્રહારે તેને ઘણું બધું સમજાવી દીધું. રહી સહી આશા પણ જતી રહી.

શેવારે પુરા માસે દીકરાને જન્મ આપ્યો. મન્સૂર આવ્યો. શેવારે ફઝીરતને પોતાના જહેજની ચીજો આપી દીધી હતી એટલે ઘરના લોકોનું વલણ કુણું પડ્યું હતું. પણ શેવાર જાણતી હતી કે આ બધું વખતી છે. થોડા સમય પછી મારી વેલ્યુ પહેલા જેવી જ થઈ જશે. બધા શેવારને કહેવા માંડ્યા કે મન્સૂર સાથે સમય વિતાવે, પણ એને તો જાણે કશો ફર્ક જ ન હતો પડતો. નફરત ન હતી પરંતુ પ્રેમ પણ રહ્યો હોય એવું લાગતું ન હતું. એ જાણે જડવત બની ગયેલી. મન્સૂર રાતે રૂમમાં આવ્યો ત્યારે તે કંઈક લખતી હતી, “શું લખે છે તું?”

શેવાર : “અમ્મી અબ્બાને ખત લખું છું. એમની સાથે ફોન પર તો કોઈ નાતો રાખી શકું એમ નથી તો લેટર થકી તો રાખી શકું ને !”

મન્સૂર (હળવી અદામાં) : “મને તો તે આજસુધી કોઈ લેટર તે લખ્યો નહીં !”

શેવાર : “તમે સંબંધ પણ ક્યાં એવો રાખ્યો છે?”

મનસૂરના ગયા પછી શેવારે અબ્બાને ખતમાં કહ્યું, “અબ્બા મારો અને મન્સૂરનો સંબંધ પણ અજીબ છે. એ હોય છે તો મનમાં ફરિયાદ સિવાય કંઈ નથી હોતું અને એ નથી હોતો ત્યારે ખાલીપો લાગે છે.જેની સાથે લગ્ન જેવા સંબંધમાં બંધાયા હોય તેની સાથે નારાજ રહેવાનું બહુ શક્ય નથી હોતું. અને એ વ્યક્તિ જે તમારી સંતાનને અઢળક પ્રેમ કરે છે, એનાથી તમે નજરો કેવી રીતે ફેરવી શકો ! આ વખતે તેની સાથે થોડી વાતચીત થઈ શકી.”

એવામાં ફઝીરત પાછી આવી. એના સાસરે ગયા પછી થોડા જ સમયમાં એની સાસુએ નોકરોને છુટ્ટી આપી દીધેલી અને કામે લગાવેલી. અને તેનો પતિ કૈસર તો સાવ માવડિયો સાબિત થયેલો. સબા બેગમે સુણાવી દીધું, “મારી દીકરી આમ નોકરોની જેમ નહિ જીવે. એ ત્યારે જ જશે જ્યારે લોકો તેડવા આવશે અને મારી શરતો પર લઈ જશે.” શેવારને જરાય ન ગમ્યું કે જેવું એની સાથે થયું એવું બીજા સાથે થાય. તો શું થઈ ગયું એ એની નણંદ હતી.

અબ્બાનો ખત, “શેવાર તું મન્સૂરને ખત લખવાનું શરુ કર. એ ફઝીરતને લઈને કેટલો ચિંતામાં હશે? તારા શબ્દોથી તેને હૈયાધારણ મળશે.”

શેવાર : “ પણ અબ્બા, શું લખું, મને નથી લખવું.”

અબ્બા : “બેટા, તું શરુ તો કર. બની શકે કે શરુ શરુમાં આકરું લાગે પણ પછી તો વાતોના તાર ચાલુ થઈ જશે. તને ખબર પણ નહિ પડે. શરૂઆતતો કરવી જ રહી.”

શેવાર : “અબ્બા, એ તો ફૌજી છે. એ ખૂબ હિંમતવાળો છે, એને કોઈ જ સાંત્વનાની જરૂર નથી.”

અબ્બા : “બેટા, પુરુષ હોય કે સ્ત્રી, બંને માટે દરેક સંજોગોમાં સ્ટ્રોંગ રહેવું શક્ય જ નથી હોતું. ખરેખર જ્યારે આપણને પુરુષ એક દીવાલ જેવો લાગે છે ત્યારે એવું પણ બને કે એ રેતની દીવાલ હોય છે જે ઢળી રહી હોય છે.તું એકમાત્ર એવી છો જેની આગળ એ પોતે જે છે એ બતાવી શકે છે, એને પોતાને સ્ટ્રોંગ દેખાડવાની જરૂર નથી પડતી.”

અને શેવારે મન્સૂરને પણ ખત લખવાના ચાલુ કર્યા. છતાં પણ મન્સૂરનો કોઈ જવાબ નહીં. એક દિવસ સૌદે કહ્યું, “ભાભી તમારા માટે લેટર આવ્યો છે.”

શેવાર : “અબ્બાનો?”

સૌદ : “તમારા દીકરાના અબ્બાનો.”

ખુશી અને સરપ્રાઈઝની લાગણી સાથે એણે લેટર વાંચ્યો. ક્યાંય તેનો ઉલ્લેખ નહી, બધાની ખબર પૂછી પણ તેની નહીં ! પણ આ વખતે વાત અલગ હતી. એ ન ભૂલાય કે લેટર શેવારના નામે આવ્યો હતો અને સિલસિલો શરુ થયો હતો.

આ વખતે મન્સૂર ફઝીરતનો મામલો સુલઝાવવા આવ્યો હતો, “અમ્મી, આજે હું કૈસરને મળ્યો. એને ફઝીરત માટે ઘણી ફરિયાદો છે. પણ એને સબંધ તોડવો નથી. એ કહે છે કે ફઝીરત ગમે ત્યારે પાછી આવી શકે છે. જો કૈસરની ઈચ્છા એવી હોય કે ફઝીરત એના અમ્મી અબ્બાનું ધ્યાન રાખે તો એમાં ખોટું શું છે?”

અમ્મી : “તો આવીને લઈ જાય, અમને ક્યાં વાંધો છે?”

મન્સૂર : “ફઝીરત ઘર છોડીને આવી છે, એ લોકોએ કાઢી નથી મૂકી. તમને યાદ છે? એક વખત શેવાર ઘર છોડીને ગયેલી અને તમે મને કહેલું કે તેને મનાવવા ન જતો. એક વાર જઈશ તો વારંવાર જવું પડશે. એ આવી અને કેવી અહિયાં વસી ગઈ?”

અમ્મી : “તારી બૈરી અને બેન, બંનેની વાત જુદી છે.તું તારી બૈરીની વધારે પડતી તારીફ નથી કરી રહ્યો?”

મન્સૂર : “સરખામણી નથી કરતો, પરંતુ જો શેવાર મોટા ઘરમાંથી આવીને નાના ઘરમાં એડજસ્ટ કરી શકતી હોય તો ફઝીરત નાના ઘરમાંથી જઈને મોટા ઘરમાં એડજસ્ટ કેમ ન કરી શકે? જે એક ને માટે સાચું છે એ બીજા માટે ખોટું કેવી રીતે હોઈ શકે? ફઝીરતે એના ઘરે જવું પડશે.”

શેવાર મનોમન વિચારી રહી, “આખરે આ માણસને મારા પ્રયત્નો દેખાયા. મારા કામોની કદર થઈ. અને હું વિચારતી હતી કે હું ગમ્મે એ કરું એને કોઈ જ ફર્ક નહીં પડે. અબ્બા, તમારી વાત સાચી પડી, સંજોગો બદલાય છે અને માણસ પણ બદલાય છે.”

એ પછી તેણે એક દિવસ એના સાસુને સાંભળ્યા, “ફઝીરત, તારી ભાભી કેવા સલિકાથી રહે છે, એવી રીતે રહેતા શીખ. જો તેણે કેવા બધાના દિલ જીતી લીધા છે. તું પણ એવું જ કંઈક કરી દેખાડ. તારી ભાભીને આદર્શ માન, આજથી.”

શેવાર (ખતમાં) : “અબ્બા, હું હવે પરીક્ષાઓમાંથી નીકળી રહી છું. હવે મને અહીં રહેવાનો અને પરીક્ષા આપવાનો જરાય રંજ નથી. હવે જે થાય એ. હું આગળ વધી રહી છું. જિંદગી હવે પહેલા જેવી ગંદી મેસ નથી લાગતી.”

અને એના આશ્ચર્ય વચ્ચે, મન્સૂરે ઘરમાં લેન્ડલાઈન ફોન લગાવડાવ્યો. સબા બાનો એ ટકોર કરી પરંતુ એમનું કશું ચાલ્યું નહીં. અને મન્સૂરનો એક દિવસ શેવારને હેપી બર્થડે નો ફોન પણ આવ્યો. શેવારના હરખનો પાર ન રહ્યો. ઝખ્મો રૂઝાતા જતા હતાં.

મન્સૂર ફરી એક વખત છુટ્ટી લઈને આવ્યો. લગ્નને ૨ વર્ષ વીતી ગયા હતાં. દીકરો મતીન હવે એક વર્ષનો થઈ ગયો હતો. રાતે જમ્યા પછી, બધા સાથે બેઠા હતાં. શેવાર ચા લઈને આવી. બધાને સર્વ કરતી હતી, ત્યાં મન્સૂર બોલ્યો, “અમ્મી, અબ્બા, મારી કરાંચી પોસ્ટીંગ થઈ ગઈ છે અને રહેવાને ઘર પણ મળી ગયું છે. હું આ વખતે શેવાર અને મતીનને લઈ જવા આવ્યો છું. વર્ષોથી આર્મી મેસમાં રહીને કંટાળી ગયો છું, હવે મારે ઘરે રહેવું છે. મારે ઘર જોઈએ છે. તમે ધારો તો તમે પણ સાથે રહેવા આવી શકો છો.”

શેવાર રડવા માંડી, સાસુના ખોળામાં માથું મૂકી દીધું અને ધ્રુસકે ધ્રુસકે રડવા માંડી.

અમ્મી : “ઘર તો સૂનું સૂનું થઈ જશે. મતીન અને શેવાર વિના અમે કેવી રીતે જીવશું?”

રડતાં રડતાં અમ્મીએ શેવારનું માથું ચૂમ્યું અને શેવારે મનોમન અબ્બાને કહ્યું, “અબ્બા, હું ડીસ્ટીન્ક્ષન સાથે પાસ થઈ ગઈ !”

(જો રસ પડે તો જરૂર થી youtube પર ધૂપ છાંવ પાકિસ્તાની ડ્રામાના એપીસોડસ જોજો, ફક્ત ૧૪ એપીસોડસની ઉમદા સીરીઝ છે.)


Rate this content
Log in

More gujarati story from Ankita Gandhi

Similar gujarati story from Drama