Ankita Gandhi

Tragedy

4  

Ankita Gandhi

Tragedy

એક કરોડનો વીમો

એક કરોડનો વીમો

7 mins
23.6K


અવિનાશ આજે સાંજે 7 વાગ્યે ઓફીસથી ઘરે આવી ગયો. રોજ રાતે ૧૦ વાગ્યે પતિને ઘરે આવતાં જોતી નંદિની માટે આ સુખદ આંચકો હતો. હજી તો ડીનર બનાવવાનું શરુ પણ ન હતું કર્યું. નંદિની બોલી, “અવિનાશ મને અડધો પોણો કલાક આપ. હું ફટાફટ જમવાનું બનાવી દઉં છું. ” લેપટોપમાં મંતરતા મંતરતા અવિનાશ બોલ્યો, “શાંતિથી કર. કોઈ ઉતાવળ નથી. આજે મેં એલઆઇસીવાળા માણસને બોલાવ્યો છે.” નંદિનીનો સુખદ આંચકો સુખદ ન રહ્યો, “હમણાં?” અવિનાશ, “યસ યસ. તારા અને પ્રથમ માટે જ આ બધું કરી રહ્યો છું. મને અચાનક જ કઈ થઇ જાય તો તમે બંનેને કોઈ અસર ન થવી જોઈએ. એક કરોડનો વીમો લઇ લઉં એટલે નિરાંત! હું જાઉં પછી તમે બંને જલસા કરજો.” નંદિનીનું મૌન ઘણું બધું કહી રહ્યું હતું. કારણકે આ પહેલી વાર ન હતું કે કોઈ વીમા કંપનીનો માણસ આવવાનો હોય. અવિનાશને તો કોઈ રોગ પણ હતો નહીં. વધુમાં, નંદિની પોતે કમાતી સ્ત્રી હતી. એનું પિયર સદ્ધર હતું. અવિનાશ પણ એના માબાપનો એક જ દિકરો હતો. એ પણ સધ્ધર હતાં. અવિનાશ જો અકાળે જતો રહે તો પણ નંદિની અને પ્રથમને કોઈ નાણાકીય મુશ્કેલી આવે એમ નહોતું. તો પછી નંદિની કેમ મૌન હતી?. નંદિની એક સમજદાર સ્ત્રી હતી. પતિનાં મૃત્યુની વાત માત્રથી ખિન્ન થઇ જાય એવી સ્ત્રી એ ન હતી. તો પછી મૌન શેનું હતું?

બે વર્ષ પહેલાંથી અવિનાશ આવી જ કંઇક વાતો કરતો હતો. ઈન્ટરનેટ પર અલગ અલગ વીમા કંપનીઓની માહિતી એકત્ર કરતો રહેતો. ક્યારેક ફોન પર પણ ઇન્કવાયરી કરતો હોય, ક્યારેક કોઈકને મળવા બોલાવે અને વાતચીત કરે. માબાપને મળવા શહેર જાય ત્યારે પણ અલગ અલગ રીતે ઈન્કવાયરી કરે. નંદિનીને મનમાં થતું, “ અવિનાશ, તારા ગયાં પછી અમેં સરળતાથી જીવી શકીએ એ માટે શું એક કરોડનો વીમો એક માત્ર રસ્તો છે? તારા જીવતાંજીવત એવું બીજું તું કશું નહીં કરી શકે જેથી તારા બાદ અમારી લાઈફ ઓછી ગમગીન બને? આંખો, દિમાગ અને હ્રદય હોવા છતાં તને દેખાતું કેમ નથી? કેમ એક કરોડનો વીમો જ તને એકમાત્ર સોલ્યુશન દેખાય છે?”

રાતે અથવા રજાનાં દિવસે જયારે અવિનાશ બેઠો બેઠો લેપટોપમાં વિડીયો જોતો હોય ત્યારે નંદિની એની પાસે આવીને બેસે. ધીરે ધીરે એનું માથું અવિનાશનાં ખભે ઢાળી દે. અવિનાશ તરતજ એને હડસેલે, “આવું મારા પર ઢળી પડવાનું નહીં. મને તારો ભાર લાગે છે. ” કો’ક વાર લાગણીવશ નંદિની અવિનાશને ભેટી પડે, તો અવિનાશ સંભળાવે, “લો આવી ગયા પાછા. ચોંટવાના બહાના જ જોઈએ.” ક્યારેક નંદિની એનો હાથ પકડે, અવિનાશ અકળાય, ગુસ્સે થાય, “એ હટ, મને ગરમી લાગે છે. આવાં બધાં વેવલાવેડા નહીં કરવાનાં!” નંદિનીને મનમાં થતું, “અવિનાશ આ બધું વેવલાવેડા છે, તો પતિપત્નીનો સંબંધ બીજું શું છે? લાગણી છે તો આ બધાં એક્સપ્રેશન નીકળે છે. મહિનામાં એક –બે વાર તારી પાસે આવું તોય તું કેમ હડસેલે છે? મને બાહોમાં ભરીને એક વાર તારા પ્રેમનો એહ્સાસ તો કરાવી જો. પછી જો, તું ન હોય તો પણ કેવા ઉત્સાહથી જિંદગી જીવી બતાવું છું. એક કરોડનાં વીમામાં આ તાકાત નથી.”

અવિનાશને એનું કપડું ન મળે તો આખું ઘર માથા પર ઉઠાવી લે. નંદિનીને પાણીથી પાતળી કરે, જાણે કે એણે કોઈ મોટો ગુનો ન કર્યો હોય! કડવા વચનોનો મારો ચાલુ થાય, “મારું એક કામ પણ તને સરખું કરતાં નથી આવડતું. તારા કામનાં કોઈ ઠેકાણા જ નથી. ” હાંફળી-ફાંફળી નંદિની એનું કપડું શોધતી હોય, શબ્દોથી ઘાયલ થતી જતી હોય. મનતો એનું બોલી ઉઠે, “ઘર, બાળક, જોબ બધું કરતાં કરતાં એક ભૂલ થાય તો તું ચલાવી નહીં શકે?. એક ભૂલનો મતલબ એવો થઈ ગયો કે મારા કોઈ કામમાં ઠેકાણાં નથી? આવાં સમયે તારા શબ્દો, તું જા, હું શોધી લઈશ.‘ એ મને કેટલી શાતા આપી શકે એમ છે! તું મરી જાય તો તારા એ પ્રેમભીના શબ્દોની યાદ મને શાતા આપશે કે એક કરોડનો વીમો?’”

ક્યારેક નંદિની અવિનાશને આંટો મારવા લઈ જવા કહે તો ફડ દઈને અવિનાશનો પ્રહાર થાય, “હું તારા જેવો રખડેલ નથી. મને રખડપટ્ટીનો શોખ નથી. તારે જવું હોય ત્યાં જા. આખો દિવસ રખડ, રાતેય રખડ. મને કોઈ જ પ્રોબ્લેમ નથી.” નંદિની વિચારતી, “હવે, તને શું કહું? તારા સાથે હોવાના બે પળ મને આખા મહિનાની તાજગી અને ઉર્જા આપી શકે એમ છે. અને મારી ઝોળીમાં આવી બે-ચાર પળ હશે તો તું નહીં હોય ત્યારે બાકીની જિંદગી એક સંતોષથી વીતશે. તારો એક કરોડનો વીમો એ સંતોષ આપી શકશે મને?”

નંદીની એક કંપનીમાં કામ કરતી હતી. ઘર પરિવાર સચવાય એ માટે એણે ઓછા ટાઈમિંગ વાળી જોબ પસંદ કરેલી. સાંજે ૫ વાગ્યે તો એ ઘરે આવી જાય. આવીને સોહમ સાથે સમય વિતાવે, જમવાનું બનાવે અને અવિનાશની રાહ જોવે. એમ તો રાહ જોવાની ન હોય કારણકે એ તો ૧૦-૧૨ વાગ્યે જ આવે. આવીને જમે કે ન જમે એ લેપટોપ પર કંપનીનું કામ કરતો હોય. પણ, જ્યારે નંદીનીને કોઈ કોલ આવે અને એ થોડું ઘણું કામ કરવા લેપટોપ ઉઘાડે તો સામેથી શબ્દોનાં છુટ્ટા ઘા થાય, “આવી કેવી કંપની છે તારી કે આટલે મોડે સુધી કામ કરવું પડે. અને તું તો જાણે મોટી પ્રાઈમ મીનીસ્ટર આવી! છોડી દે આ કંપનીને. કોઈ કામ નથી.” નંદીનીને આવા મેણા બિલકુલ ન ગમતા. ભાગ્યે જ ક્યારેક જ આવી રીતે કામ આવતું. ત્યારે નંદીનીને થતું, “તું તો રોજ રાતે ૨ વાગ્યા સુધી કામ કરે છે. હું મારી મરજીથી કામ કરું છું. મને કોઈ મજબૂર નથી કરતુ. તું કામ કરી શકે અને હું નહિ? કાશ તું એવું બોલ્યો હોત કે તને કામ ગમે તો છે ને! તને કંપનીમાં ફાવે છે ને!” નંદીનીને થતું કે કાશ એ કોફીનો કપ લઈને આવે અને કહે કે હું તારી સાથે છું, તારા ગયા પછી ‘હું તારી સાથે છું’ એ શબ્દોનો મનમાં ગુંજતો નાદ અને એનાથી જીવન આગળ ધપાવવાની હોંશ એ એક કરોડનો વીમો ક્યારેય નહીં આપી શકે.

ક્યારેક પણ જો અવિનાશ આગળ એ સોહમ અથવા ઘરની સમસ્યા બાબતે ચર્ચા કરે તો અવિનાશ સાંભળે જ નહીં. એમ પણ, અવિનાશ ઘરમાં હોય તો ખોળામાં લેપટોપ, કાનમાં હેડફોન અને સામે ટીવી ચાલુ હોય હોય અને હોય જ. માત્ર બાથરૂમ જતી અને સૂતી વેળા હેડફોન ન હોય! નંદીની કાંઇ પણ કહે કે પૂછે તો એ હેડફોન કાઢવાની, સામે જોવાની, ધ્યાન આપવાની તસ્દી ન લે. એનો એક જ ડાયલોગ હોય, “તારે જે બોલવું હોય એ બોલી જા.” ક્યારેક નંદીનીને ખીજાઈ જાય અને બોલે, “સવારે નહીં રાતે ચર્ચા કરીશું.” રાતે પૂછે તો કહે હમણાં નહીં. અને આમ, એ ટાળે. સમસ્યાને અવોઇડ કરે. એ સમય કયારેય ન આવે. અને પછી આ અલકચલાણીની રમતમાં નંદીની થાકી જાય અને ગુસ્સે થઈને કહે, “બોલને , ક્યારે વાત કરવી છે?” ત્યારે અવિનાશ સામો થાય અને એનો સ્ટાન્ડર્ડ જવાબ હોય, “આમાં મારી શું જરૂર છે. આ તારે જ કરવાનું છે. બસ, પતી ગયું એટલે પતી ગયું. હવે, મારે કાંઇ નથી સાંભળવું.” દરેક મેટર આવી રીતે જ પૂરી થાય. નંદીની ધુંઆપુઆ થાય, બોલાચાલી થાય અને દરેક વખતે નંદીની પર પ્રહારો થાય. એની નબળાઈઓને ગણાવાય. નંદીનીનો કોન્ફીડન્સ તો છિન્નભિન્ન થાય. શું પુરુષ પૈસા કમાય એનો મતલબ એવો થયો કે બાળક અને ઘરને લગતી તમામ જવાબદારીઓ સ્ત્રીએ જ નિભાવવાની! આવા સમયે, શું થાય જો એ નંદીનીની સાથે બેસે, ઘર-સોહમ બાબતની સમસ્યાઓની ચર્ચા કરે. થોડીક જવાબદારી એ પણ લે! નંદીનીનું જીવન કેટલું પ્રફુલ્લિત અન સુકુન ભર્યું રહે! નંદીની વિચારતી, “શું એક કરોડનો વીમો એ પ્રફુલ્લન લાવી શકશે?”

સોહમ એ નંદીનીનાં સાયામાં જ ઉછરતો હતો. અવિનાશ શરીરથી જ ઘરમાં ઉપસ્થિતિ રહેતો. મનથી તો ક્યારેય નહીં. સોહમ મોટો થતો જતો હતો. ફોન અને ગેમ્સ એની પણ દુનિયા બની ગઈ હતી. નંદીનીને એનું અપાર દુઃખ રહેતું. સોહમનું શાળામાં ભણવામાં પણ ચિત્ત નહોતું ચોંટતું. નંદીની ઘણી વ્યગ્ર રહેતી. સોહમ માટે શું શું કરી શકાય એ વિચારતી. એ કરતી ય ખરી. પણ, એની મર્યાદા આવતી. અવિનાશ તો શનિરવિ રજા હોય એટલે ઘરે જ હોય. પણ, ઘરે હોય તો સતત યુટ્યુબ જોવાતું હોય. ન કશે જવાનું, આવવાનું, ન કોઈની સાથે બોલવાનું. નંદીનીને હંમેશા થતું કે શું થાય જો એ સોહમ સાથે રમે તો? અવિનાશને ખુદને ક્રિકેટ ગમે છે. મને તો શનિવારે પણ જોબ ચાલુ હોય છે. જો એ બંને બાપદીકરા ક્યાંક જાય, કાંઇક શીખે. એવું કહેવાય કે માં બાળકને સંબંધ શીખવાડે છે અને બાપ આંગળી પકડીને દુનિયા દેખાડે છે. અહીં તો બંને જવાબદારીઓ નંદીનીને માથે જ હતી. અવિનાશ તો બીઝી હતો યુટ્યુબ જોવામાં. બાપનો હાથ ઝાલીને દુનિયા જોવામાં જે સુખ અને જે ડહાપણ મળે એક કરોડનાં વીમામાં એ તાકાત છે ખરી?

એક સ્ત્રીનું હૃદય અજીબ મનોમંથન અનુભવી રહ્યું હતું. સૂતા સૂતા પણ વિચારતી હતી કે એક કરોડનો વીમો એને કયું સુખ આપી શકે એમ હતો? ખૂબ વિચાર્યું પણ ગળે ઉતરે એવું એકેય કારણ ન મળ્યું. સવારનાં ૪ વાગ્યાં. અવિનાશ રાતભર ટીવી અને યુટ્યુબ જોઇને સૂવા આવ્યો. આવતાભેર ઘસઘસાટ ઊંઘી ગયો. સવારનાં ૬ વાગ્યાં. નંદીનીએ સુટકેસ ભરી, સોહમને તૈયાર કર્યો. ટેક્સી કરી, સ્ટેશનની વાટ પકડી. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy