સ્ત્રીની વિટંબણા- ત્યાગ કે વિદ્રોહ?
સ્ત્રીની વિટંબણા- ત્યાગ કે વિદ્રોહ?


સમય નહોતો સચવાયો!
ઘણાં સમયથી મને રઘવાટ થતો હતો. રોશનીનું જીવન આખરે રોશન રોશન થઈ ગયું છે. અને હું, અમ્રીતી, પસ્તાવો કરતી રહી ગઈ છું.
હું અને રોશની એક સાથે ઉછર્યા. ભલે કાકા-કાકાની પણ એક જ ઘરમાં, એક જ વાતાવરણમાં ઉછરેલી બે બહેનો. ભણતર પણ લગભગ સરખેસરખું. રોશનીએ કેમેસ્ટ્રી સાથે બીએસસી કર્યું અને મેં બાયોલોજી સાથે. ભણ્યા પછી બંનેએ જોબ પણ કરી અલગ અલગ કંપનીઓમાં. સમયાંતરે અમારા લગ્ન પણ અલગ અલગ સુખીસંપન્ન કુટુંબોમાં થયાં. અમારા માતાપિતાએ અમને ભણાવ્યા પણ જયારે લગ્નની વાત આવી ત્યારે તો પૈસો અને ખાનદાન બંને જોયા. ખેર, વાંધો નહીં. ખરી સ્ટોરી હવે ચાલુ થાય છે.
લગ્ન પછી અમારા સંસ્કાર મુજબ અમે અમારા સાસરામાં ગૂંથાઈ ગયાં. કરિયરને બીજી પ્રાથમિકતા આપી, સંબંધોને પ્રથમ પ્રાથમિકતા આપી. અમારા પતિઓને માટે જોબને પ્રથમ પ્રાથમિકતા આપવાની પણ અમારે કુટુંબને ! નોકરી તો અમે બંનેએ લગ્ન પછી પણ કરી, પણ જયારે બાળકને જન્મ આપવાની વાત આવી ત્યારે મેં જોબ છોડી દીધી! પણ, રોશનીએ ઘરનાં સામે લડી ઝઘડીને પણ જોબ ચાલુ રાખી. રોશનીનાં પતિની જયારે દિલ્હી ટ્રાન્સફર થઈ ત્યારે એણે પણ જોબ છોડવી પડી ! બાળક એકલે હાથે કાંઈ સચવાય ! એટલે એ બીજે જોબ ન કરી શકી. પણ, એણે ક્યારેક કુર્તી વેચવાનો, ક્યારેક ક્રોકરી વેચવાનો ઘરેથી બીઝનેસ ચાલુ રાખેલો. હું મારું કરિયર રીસ્ટાર્ટ કરી ન શકી, તે ન જ કરી શકી! રોશનીએ ૬ વર્ષ પછી જોબ ફરી ચાલુ કરી, ઘરનાં લોકો, એના પતિ સહીત બધાનો પ્રચંડ વિરોધ ! એના બાળકનું પણ આક્રંદ, પણ એણે જોબ શરુ કરી જ દીધી ! રોજ સવારે ૫ વાગ્યે ઉઠીને, બાળકને શાળાએ મોકલી, ઘરની તમામ રસોઈ બનાવી એ નીકળે, સાંજે ૬ વાગ્યે આવે અને ઘરની રસોઈ બનાવે, બધા કામ આટોપે. એક કલાક ટીવી જોવે અને ૯ વાગ્યે સુઈ જાય. શનિરવિમાં વધારાનાં કામ કરે, અવનવી રસોઈ બનાવે, પતિ અને બાળકની રજાઓ સાચવે, પણ એની રજા કોઈ ન સાચવે, એમની ફરમાઈશો અને અપેક્ષાઓ ચાલુ જ રહે!
વાત આટલેથી અટકી નહીં, ધીરે ધીરે એના પર માનસિક અત્યાચારો ચાલુ થયાં. ગાળાગાળી અને મ્હેણાંટોણા વધવા માંડ્યા. રોશની ઘણી ઈમોશનલ છોકરી, સહન ન કરી શકી. છતાંય ઘણી કોશિશ કરી એણે, ચુપચાપ રહેવાની. ત્યાં તો બીજો અત્યાચાર ચાલુ થયો. અસહકાર આંદોલન પતિએ શરુ કર્યું. ઘરમાં જરૂરી બધો સામાન લાવવાનું, ઘરમાં કોઈ રીપેરકામ હોય તો તેમાં સપોર્ટ કરવાનું બંધ કર્યું. વાતચીત પણ બંધ કરી દીધી ! રોશનીને માથે તો બોજો વધતો જ ગયો. એ પણ એણે ખુશી ખુશી ઉપાડી લીધો. એક-બે નોકરી બદલી જેથી એ ઘર અને કામ બંને સંભાળી શકે પણ માનસિક ત્રાસ વધતો જ ગયો ! એ સ્ત્રીની શું હાલત થાય જે આખો દિવસ કામ કરે, એને કોઈ પ્રેમનું ટીપું ન આપે, બલ્કે નફરતની નજરો અને શબ્દોનાં ઘા સહેવા પડે. રોશનીને તો એના માતાપિતા એટલે કે મારા કાકાકાકીએ પણ સપોર્ટ ન આપ્યો. એ પણ હિમ્મત અને ઉત્સાહ વધારવાને બદલે સતત નોકરી બંધ કરવા દબાણ કરતાં. છોકરી બિચારી દુઃખીદુઃખી થઈ ગયેલી. રોશની એકવાર તૂટી ગઈ, પણ હારી નહીં. એણે એક પગલું ભર્યું.
બાળકને લઈને માતાપિતાને ઘરે આવી ગઈ. સાસરેથી ફરમાન આવ્યા પણ ગઈ જ નહીં. ૧ વર્ષ પિયર રહી પણ નોકરી ચાલુ રાખી. એ દરમિયાન પતિ, સાસુસસરા, માતાપિતા બધા જોડે સંઘર્ષ વહોર્યો. આખરે સાસરાવાળાને એની કિંમત સમજાઈ. એના વગર જીવવું કેટલું અઘરું છે એ અને ડિવોર્સ કેટલો મોંઘો પડે એ બંને વાત સુપેરે સમજાઈ. આખરે બધા ઝૂક્યા. રોશની માનસમ્માન સાથે ઘરે પાછી ગઈ. આજે એ પોતાની કંપનીમાં બોર્ડ ઓફ ડીરેક્ટર્સમાં શામેલ છે. એટલું જ નહીં, સમાજસેવામાં અત્યંત સક્રિય છે. એનો દિકરો અને દીકરી બંનેએ પોતાનો બીઝનેસ ખોલ્યો છે, જે પૂરી ઈમાનદારી અને પારદર્શિતા સાથે સફળતાપૂર્વક ચલાવી રહ્યાં છે. પૈસાથી ધની, દિલથી નમ્ર અને પ્રતિષ્ઠિત હોવાથી ઘરમાં અને સમાજમાં બધે એના માનપાન છે. હું એવું સમજતી હતી કે સ્ત્રી પરિવાર માટે પોતાના સપનાનો ત્યાગ કરે તો સમાજ અને પરિવાર સમજે છે, બિરદાવે છે. મારી માં અને બીજી સ્ત્રીઓની જેમ, મને પણ એવું હતું કે હું સાચું કરી રહી છું. પણ, મને લાગે છે કે હું ખોટું સમજતી હતી. હું, આજે પણ મ્હેણાંટોણા સાંભળું છું અને મારું છું, એમાંથી ઊંચી નથી આવતી. મને એવું પણ હતું કે એક દિવસ તો બધા મારા ત્યાગને સમજશે, પણ બધાએ મારા ત્યાગને ટેક્ન ફોર ગ્રાન્ટેડ લીધો. મેં જે ત્યાગ કર્યો એ ખરેખર ત્યાગ હતો? જો એ ખરેખર ત્યાગ હોત તો એ મને સારા ફળ આપત, પણ મને લાગે છે કે આપણે ભારતીય સ્ત્રીઓ ત્યાગને કાંઈક જુદી જ રીતે જોઈએ છીએ. મારા ત્યાગ કરતાં તો મને રોશનીનો વિદ્રોહ સાચો લાગી રહ્યો છે. કાશ સમય રહેતા, મેં પણ વિદ્રોહ કર્યો હોત! એક વખત તો જાતને ખાતર સ્વાર્થી સંબંધોને બાજુ પર મૂક્યા હોત ! તો આજે હું પણ જાત પ્રત્યે ગૌરવ અનુભવતી હોત, ન કે હીનભાવ !