Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Nirav Rakh

Inspirational Tragedy

2.4  

Nirav Rakh

Inspirational Tragedy

સલોની

સલોની

18 mins
14.8K


લગ્નના ત્રીજા જ વર્ષે સલોની અને મયુરના ડાઈવોર્સ થયા. બે વર્ષની આરાધ્યાને લઇ અને સલોની પોતાના પિતા સાથે રહેવા ચાલી ગઈ. મયુર પૈસાની દૃષ્ટી એ સધ્ધર હતો પણ, વિચારોમાં પૈસાનું અભિમાન. સંબંધો નિભાવવામાં કાચા પડેલો અને રૂપિયાની લાલચમાં અંધ બનેલા મયુરે પોતાની બે વર્ષની આરાધ્યાની પણ ચિંતા ના કરી ! તો પોતાની પત્ની સલોની એ કેવી રીતે સાચવી શકવાનો ? રોજ રાત્રે અંગ્રેજી દારૂ પી અને ઘરમાં આવે. વગર વાંકે સલોનીને માર મારે. પોતાની દીકરી આરાધ્યાને તો ક્યારેય એને ધ્યાનથી જોઈ પણ નહોતી. અને આ બધી તકલીફોના કારણે સલોનીએ મયુરથી અલગ થવાનું વિચારી લીધું. આરાધ્યાના ભવિષ્ય માટે.

પણ અલગ થવું કાઈ એટલું સહેલું નહોતું સલોની માટે. એ જાણતી જ હતી કે ભવિષ્યમાં ઘણી તકલીફો આવી શકે છે, અને એક દીકરીને ઉછેરવી એટલે જાણે સાપનો ભરો સાચવવો. પણ દરેક પરિસ્થિતિનો સામનો કરવા એણે પોતાની જાતને તૈયાર કરી લીધી હતી.    

 પિતાના ઘરે પણ કેટલો સમય રહી શકે ? સલોનીના પિતા પણ આર્થિક રીતે સધ્ધર હતાં, સલોનીના બીજા લગ્ન માટે મથામણ ચાલી પણ એક જ પ્રશ્ન આવીને ઊભો રહેતો ! આરાધ્યા સાથે સલોનીને સ્વીકારશે કોણ ? સમાજની આ મોટી નબળાઈ સલોનીના બીજા લગ્નની આડે આવતી હતી, જો દીકરો હોત તો કોઈપણ વ્યક્તિ સ્લોનીનો હાથ પકડી શકતું પણ દીકરી સાથે એને સ્વીકારવા કોઈ તૈયાર નહોતું. સલોની પોતાના પિતા અને ભાઈઓ ઉપર ભાર બનવા નહોતી માંગતી, પોતે ભણેલી ગણેલી હોવાના કારણે નોકરી કરવાનું વિચાર્યું. કોઈ ખાનગી કંપનીમાં નોકરી પણ મળી ગઈ. સલોની પોતાના કામમાં પણ એટલી જ કુશળ હતી, પોતાની કેટલીક જીવન જરૂરીયાતની વસ્તુઓ અને આરાધ્યાનો ખર્ચો સલોની હવે જાતે જ ઉઠાવવા લાગી હતી.

સલોનીના ભાઈઓ પણ મોટા હતાં એમના પણ લગ્ન થયા, એમના ઘરે પણ પારણા બંધાયા. ભાઈ અને એના પિતા સલોનીને જીવનભર સાચવી લે એમ હતાં પણ તે કોઈ ઉપર આખી જિંદગી બોજો બનવા નહોતી માંગતી એટલે એણે અલગ રહેવાનું નક્કી કરી લીધું, પિતાના ઘરથી થોડે જ દૂર એક મકાન લઈ આરાધ્યા સાથે રહેવા લાગી, આરાધ્યા પણ હવે દિવસે દિવસે મોટી થતી જતી હતી, તેના ભણતરથી લઈ અને પાલન પોષણનો તમામ ખર્ચ હવે સલોનીના માથા ઉપર જ હતો. પણ સલોની એ આજીવન લગ્ન નહિ કરવાનું અને જે તકલીફ પોતે વેઠી છે એ આરાધ્યાના નસીબમાં નાં આવે એનું સમ્પૂર્ણ ધ્યાન રાખવા લાગી હતી.

આરાધ્યાએ ક્યારેય પોતાના પિતાને જોયા જ નહોતા. પિતાનો પ્રેમ શું છે એ તો એને માતા પાસેથી જ જાણ્યું હતું, આરાધ્યામાં સંસ્કારોનું સિંચન કરવામાં સલોનીએ કોઈ કચાસ રાખી નહોતી, સમય પણ રેતીની જેમ પસાર થતો હતો, પણ સલોનીએ એ સમયના વહેણમાં ઘણું શીખી લીધું, સમાજની સાચી ઓળખ એને અલગ રહીને મળી, ડાઈવોર્સ પછી જાણે સલોનીના માથે અવેલીબલનો સિમ્બોલ વાગી ગયો હોય એમ લોકો એને જોવા લાગ્યા, નાનપણમાં સલોનીને બેટા કહીને બોલાવતા વ્યક્તિઓની નજર ઉપર પણ જાણે જવાનનીના ચશ્માં આવી ગયા હોય એમ સલોનીને જોવા લાગ્યા, સલોની પોતાની જાતને સમાજના એ વાસનાના ભૂખ્યા પશુઓની નજરથી બચાવીને રાખતી, પણ એ કામ એટલું સહેલું નહોતું, કોઈ કામ માટે ક્યાંક જવાનું થાય અને સામે રહેલી વ્યક્તિને માલુમ પડે કે આ ડાઈવોર્સીસ છે એટલે જાણે એ વ્યક્તિનો જોવાનો દૃષ્ટિકોણ બદલાઈ જાય. પણ સલોની હિમ્મત ક્યારેય ખૂટતી નહી. દરેક પ્રશ્નનો જવાબ એની પાસે મળી જતો, ક્યારેક વાતથી ના સમજે તો પોતાની લાતથી પણ સમજાવતા એને શીખી લીધું હતું. અને કેટલાય ને ભરબજારે મેથીપાકનો સ્વાદ પણ ચખાડ્યો હતો.

દસમાં ધોરણમાં આરાધ્યા સારા માર્ક્સ સાથે પાસ થઈ. સાયન્સ વિષય સાથે અગિયારમાં ધોરણમાં પ્રવેશ લીધો. ડોકટર બનવાનું સપનું આરાધ્યાએ જોયું હતું અને અને પૂર્ણ કરવાનું કામ સલોનીએ કરવાનું હતું, એ માટે સલોની તમામ મહેનત કરતી હતી, કંપનીના ફિલ્ડવર્ક માટે એ દરેક પરિસ્થિતિમાં પણ બિન્દાસ નીકળી જતી. કોઇપણ ઋતુ હોય એ પોતાના કામમાં ક્યારેય કચાસ રાખતી નહોતી, એક સારી રીતે પોતાનું જીવન જીવી શકે એ માટેની તમામ વસ્તુઓ સલોનીએ વસાવી હતી, આરાધ્યાને પણ ક્યારેય કોઈ વસ્તુની કચાસ રાખી નહોતી. એના બધા મોજ શોખ સલોનીએ હર્ષભેર પુરા કર્યા. મયુરને છોડ્યા ના આટલા વર્ષો વીત્યા હોવા છતાં પણ ક્યારેય એને સલોની કે આરાધ્યાની ખબર લીધી નહોતી. છતાં પણ ક્યારેય સલોનીએ એ વાતની ફિકર કરી નહિ. પોતે હવે જે છે એમાં જ ખુશ રહેવાનું માની લીધું. પોતાના મોજશોખને નેવે મૂકી અને આરાધ્યાને સાચવવામાં અને એને કોઇપણ વાતે પિતાની ખોટ ના વર્તાય તેની કાળજી રાખવા લાગી. આરાધ્યા પણ ખુબ જ સમજદાર હતી, એણે કોઈ દિવસ સલોનીને દુઃખ થાય એવી વાત કે ખોટી જીદ કરી નહિ. સલોનીના પગલે પગલે એ ચાલતી, એનું જ કહ્યું માનતી. અને એક કહ્યાગરી દીકરી બની.

એક સ્ત્રીને પુરુષના સાથ વિના એકલું જીવન જીવવામાં તકલીફ તો ઘણી પડી રહી હતી. પણ સલોની એ તમામ તકલીફો સામે પડકારરૂપ હતી, ક્યારેક છાનાં ખૂણે રડી પણ લેતી, પણ ક્યારેય એણે પોતાનું દુઃખ આરાધ્યા સામે આવવા ના દીધું. કાયમ આરાધ્યા સામે પોતે પણ ખુશ રહી એને પણ ખુશ રાખી, પણ માની મહેનત અને માનું દુઃખ આરાધ્યાની આંખો સામે જ હતું.

ટેકનોલોજીના જમાના સાથે સલોની એટલી જોડાઈ નહોતી, દીકરી આરાધ્યાએ સલોનીને સ્માર્ટફોન વાપરતા શીખવ્યું, સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા સલોની ઘણી સારી વાતો વાંચવા લાગી અને એને રસ પણ જાગવા લાગ્યો, પણ મિત્રો બનાવવામાં એ બહુ માનતી નહી. કારણ કે આ જમાનામાં લોકોના વિચાર અને જોવાની દૃષ્ટીથી તે સંપૂર્ણ રીતે પરિચિત હતી. માટે પોતાના કામ સાથે મતલબ રાખતી. અસલ જીવનમાં પણ અલગ રહેવા છતાં પોતાના પરિવારને શરમથી માથું નીચું કરવું પડે એવું કોઈ કામ કર્યું નહી. અને સદાય પરિસ્થિતિઓનો સામનો કર્યો. ક્યારેય પોતાની જાતને સમાજની નજરોમાં એક સ્ત્રી હોવા છતાં લાચાર સમજી નહી.

પ્રેમ શબ્દ સાથે સલોનીને ૩૬ નો આંકડો હતો, પ્રેમ એટલે એ આરાધ્યા જ સમજતી, બીજા કોઈના પ્રેમની એણે ક્યારેય આશા પણ રાખી નહોતી, સલોની પોતાનામાં એક આદર્શ હતી, અને પોતે કરેલી દિવસ રાતની મહેનત અને કઠોર પરિશ્રમ પોતાની દીકરી આરાધ્યાથી ક્યાં છૂપો હતો ? માટે આરાધ્યા માટે પણ સલોની એક રોલ મોડલ બની હતી, પણ આરાધ્યાની વધતી જતી ઉંમર સાથે સલોનીની ચિંતા પણ વધતી જતી હતી, હવે ગણ્યા ગાંઠ્યા વર્ષોમાં આરાધ્યાના લગ્ન કરાવવા પડશે. પછી ? આ પ્રશ્ન સલોનીને અંદર ને અંદર કોરી ખાતો હતો. પણ પોતાની જાતને દરેક પરિસ્થિતિમાં સાચવવાનું એ જાણતી હતી.

ફેસબુકમાં સલોનીને એક વ્યક્તિની વાતો પસંદ આવી, શેખર. તે ખુબ સારું લખતો હતો એની વાતોને લઈ સલોનીને શેખર ઉપર વિશ્વાસ જેવું લાગ્યું અને પહેલી ફ્રેન્ડ રીક્વેસ્ટ એને મોકલી. શેખર ઘણાં મિત્રો વચ્ચે ઘેરાયેલો માણસ હતો. સલોની શેખરને મેસેજ કરતી પણ શેખર માત્ર વાત પુરતો જ જવાબ આપતો. થોડા દિવસ આમ જ ચાલ્યા કર્યું, પણ એક દિવસ શેખરે થોડી વધુ વાતો કરી. સલોનીના જીવન વિષે શેખરે જાણ્યું, ત્યારબાદ હવે નિયમિત વાતો થવા લાગી, પણ સલોની કે શેખરના મનમાં કોઈ બીજો ભાવ નહોતો. માત્ર એક સારા મિત્રો તરીકે બન્ને રોજ વાતો કરતા. પણ રોજની વાતો એ બન્નેના મનમાં ક્યારે એક જુદા પ્રકારની લાગણીને જન્મ આપ્યો એ ખબર જ ના રહી. શેખર સલોની કરતાં ઉંમરમાં નાનો હતો, પણ પ્રેમને ક્યાં ઉંમર નડે !!! સલોની શેખરના જીવન વિષે બહુ જાણતી નહી અને ક્યારેય એને તેની અંગત લાઈફ વિષે પૂછ્યું પણ નહી, રોજ રોજ શેખર એક નવી રીતે સલોની સામે આવતો એના કારણે સલોની “રહસ્યમય માણસ” એવું નામ શેખરને આપ્યું.

સલોનીના હૃદયમાં શેખર માટે પ્રેમ છે કે નહી એ જાણવા માટે શેખર આડકતરી રીતે બધું પૂછતો પણ સલોની પણ ક્યારેક ક્યારેક ના સમજાય એવી વાતો કરતી અને શેખર પોતાના શબ્દોને પાછાં ખેચી લેતો. ક્યારેક એમ વિચારતો કે સલોનીને કહી દઉં કે આરાધ્યા સાથે હું તને અપનાવવા તૈયાર છું. પણ કદાચ સલોનીને આ વાત નહિ ગમે અને એ વાત કરતી પણ બંધ થઈ જશે તો ? આ વિચારે એ ઘણીવાર ટાઇપ કરેલા શબ્દોને સેન્ડ કરતો નહી, કારણ કે સલોની હવે એ જગ્યા ઉપર ઉભી હતી જ્યાં તેને એક વિશ્વાસની જરૂર હતી, દુનિયાના લોકોને એને બરાબર સમજી લીધા હતા, અને શેખર ઉપર મુકેલો એનો વિશ્વાસ ક્ષણ વારમાં તૂટી જાય એની બીક પણ હતી.

સલોની વાત બહુ ઓછી કરતી, મઝાક મસ્તી તો જાણે પોતાના દુઃખોમાં ભૂલી જ ગઈ હોય એમ લાગતું, પણ શેખર સદાય હસતો રહેતો અને મઝાક મસ્તી વાળો માણસ હતો, એણે સલોનીને પણ હસતી બોલતી કરી દીધી, શેખરની વાતોથી સલોનીની આખી દિનચર્યા બદલાઈ ગઈ. હવે મોટાભાગનો સમય એ શેખર સાથે ચેટીંગમાં પસાર કરતી. વાતોમાં સવારથી લઈ ક્યારે રાત પડી જાય એની પણ ખબર ના રહેતી.

શેખર અને સલોનીને વાતો કરે બે વર્ષ થઇ ગયા, રોજ બંને એકબીજા સાથે મોડા સુધી વાતો કરતા, એકબીજાના મેસેજની ઈંતજારી તો એટલી જ રહેતી, ઘણી વાતો થઈ ગઈ હોવા છતાં જાણે બંને વચ્ચે કંઇક ખૂટતું હોય એવો ભાવ દેખાતો. હા, ખૂટતી હતી પ્રેમની કબુલાત. પણ હવે એ શક્ય જ ના હોય એમ બંને મૈત્રી ભાવે જ વાતો કરવા લાગ્યા, શેખરને ઊંડે ઊંડે સલોનીને અપનાવી લેવાની ઈચ્છા હતી, પણ કંઇક એવું હતું બંને વચ્ચે જે બંને ને પ્રેમની કબુલાત કરતા રોકતું હતું. અને શેખરે છેલ્લી વાર સલોનીને આજીવન આ રીતે જ રહેવા વિષે પૂછ્યું, સલોની એ પણ જ્યાં સુધી આરાધ્યા છે ત્યાં સુધી તો એ લગ્ન નહી કરે અને ત્યારબાદ પોતાનું જીવન વૃધ્ધાશ્રમમાં વિતાવશે એમ જણાવ્યું.

 

              શેખરને પણ પોતાનું જીવન આગળ વધારવાનું હતું, માટે એણે એક બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા. અને પોતાની લાઈફ માં સેટ થવા લાગ્યો. સલોનીએ પણ હવે શેખર સાથેની વાતચીત ઓછી કરી લીધી. પણ શેખરની ખોટ સલોનીને સાલવા લાગી, ફરી પાછી એજ દુનિયામાં જાણે પહોચી ગઈ, જ્યાં નિરાશાના વાદળો ઘેરાયેલાં હતા, પણ શેખરના આવવાના કારણે એ એક નવી દુનિયામાં આવી હતી, ખરા અર્થમાં એને જીવન જેવું લાગવા લાગ્યું હતું, પણ શેખરના લગ્ન બાદ જાણે એ તૂટી ગઈ, બાથરૂમમાં બેસી ચોધાર આંસુએ રડી લીધું, પણ પોતાની જાતને એને સાચવી લીધી, અને પછી પોતાની દુનિયામાં વ્યસ્ત થવા લાગી, વારેવારે મોબાઈલમાં ચેક કરવું, શેખરનો મેસેજ તો નથી ને ... અને મેસેજ ના દેખાતા ફરી પાછી એજ પરિસ્થિતિમાં પહોચી જવું, એ હવે સલોનીનું દૈનિક કાર્ય બની ગયું હતું. પણ એકલા હાથે લડવાનું હજુ સલોની ભૂલી નહોતી, બહારની દુનિયા કરતાં એના માટે આરાધ્યા વધુ મહત્વની હતી, અને એના લીધે એને બધું જ ભૂલવાની તાકાત રાખવી પડે, પોતાની ઇચ્છાઓ, લાગણીઓ, પ્રેમ, આવેગો બધું જ દિલના કોઈ ખુણામાં પોટલું વાળી ને નાખી દીધું.

આરાધ્યાએ પણ ભણવામાં ખુબ મન લગાવી એમ.બી.બી.એસ.માં એડમીશન મેળવી લીધું, થોડા જ સમયમાં એનું પણ ડોક્ટર બનવાનું સપનું પૂરું થઇ જશે. સલોનીની મહેનત રંગ લાવશે. પોતે ભલે કંઈ ના હાંસલ કર્યું પણ પોતાની દિકરીના સપના એણે જરૂર પુરા કર્યા.

સમય ધીમે ધીમે પસાર થવા લાગ્યો, આરાધ્યાનું એમ.બી.બી.એસ.નું છેલ્લું વર્ષ આવી ગયું, આવતા વર્ષે એ ડોક્ટર બનીને બહાર આવશે એની ખુશીમાં સલોનીના ચહેરા પરની રોનક વધી ગઈ હતી, પણ બીજું એક દુઃખ અંદર ની અંદર કોરી ખાતું હતું, આરાધ્યા મોટી થઇ રહી હતી, કેટલાય છોકરાઓના માંગા આવતા હતાં પણ સલોની આરાધ્યાના ભણતરનું બહાનું કાઢી અને એ વાતો ને જવા દેતી પણ હવે આરાધ્યાનું ભણવાનું પણ પૂરું થવાનું હતું, એટલે કોઈ સારું ઘર જોઈ એના હાથ પીળા કરવા પડે એમ જ હતું. ત્યારબાદ સલોની એકલી પડી જવાની હતી, આરાધ્યાની વિદાય બાદ સલોની પોતાની જાતને કેવી રીતે સાચવશે એ ચિંતા કોરી ખાતી હતી, અત્યાર સુધી આરાધ્યા જીવવાનું કારણ બની હતી પણ હવે કોના માટે જીવશે ? એ પ્રશ્ન સલોની માટે એક ચિંતાનો વિષય હતો. 

બીજી તરફ શેખરનું પણ લગ્ન જીવન સુખી નહોતું, બંને વચ્ચે અવાર નવાર નાની નાની બાબતો એ ખટપટ ચાલ્યા કરતી હતી, શેખરની પત્ની પૂર્વીને કોઈ વાતે સંતોષ હતો નહી, શેખર કંઈપણ કામ કરે તો એમાં દખલ અંદાજી કર્યા કરે, અને એમાં પણ શેખરની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી, અને પૂર્વીએ પોતાના પિયર પક્ષમાં સુખ સાહ્યબીભર્યું જીવન વિતાવ્યું હતું, જે શેખરના ઘરે તેને મળી શકે એમ નહોતું, એના કારણે પૂર્વીને શેખર પ્રત્યે માન નહોતું. છતાં શેખર ચલાવી લેવાની ભાવનાવાળો વ્યક્તિ હતો, પૂર્વીની કેટલીક બાબતો ને એ નજર અંદાજ કરી દેતો પણ કેટલો સમય ? લગ્નના પાંચ પાંચ વર્ષ વીત્યા હોવા છતાં શેખરને કોઈ સંતાન નહોતું એ પ્રેમનો જ અભાવ હતો. શેખરના સાસરી વાળા પણ ધનિક હોવાથી વારંવાર શેખરને સંભળાવી જતાં પણ શેખર મૂંગા મોં એ બધું સહન કરી લેતો. પૂર્વી ઘણીવાર પોતાના પિયર જતી રહે અને શેખર સમજાવી લઇ આવે. એક દિવસ નાની વાતે ઝઘડો થયો અને પૂર્વી એના પિયર ચાલી ગઈ ત્રણ ચાર દિવસ વીત્યા હશે ને પાંચમાં દિવસે શેખરને પૂર્વીના પિતાજીએ પૂર્વીના કહેવાથી છૂટાછેડાના કાગળિયા એક વકીલને હાથે મોકલાવ્યા. શેખર આખી રાત રડતા રડતા વિચારતો રહ્યો, પણ આવી જિંદગી જીવવી એના કરતા અલગ થઇ જવું સારું એમ વિચારી એણે બીજા દિવસે જ એ કાગળો પાછા મોકલી આપ્યા. શેખરના માતા પિતા પણ ત્રણ વર્ષ પહેલા જ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતાં, શેખર પોતાનું એકલવાયું જીવન જીવવા ફરી પાછો મજબુર બની ગયો હતો. પૂર્વીના જીવનમાં આવ્યા પછી એણે ફેસબુક પણ બંધ કરી દીધું હતું, અને પોતાનો બધો સમય પોતાના કામ અને પૂર્વી પાછળ ખર્ચ્યો અને આજે પરિણામ એને કંઈ ના મળ્યું. ફરી પાછો એજ એકલતાના અંધકારમાં સરી પડ્યો. એ રાત્રે એણે સલોનીને ખુબ યાદ કરી અને વિચાર્યું કે “સલોની એ જો હા કહી હોત લગ્ન માટે તો આજે આ દિવસ ના આવતો” પણ સમય વીતી ગયા પછી ક્યાં કોઈનું ચાલે છે એમ સમજી પોતાની જાતને સાચવી લીધી. અને નક્કી કરી લીધું કે હવે લગ્ન નથી કરવા પોતાનું જીવન એકલા જ જીવી લેવું.

આરાધ્યાનું એમ.બી.બી.એસ. પૂર્ણ થયું અને એ ડોક્ટર બની બહાર આવતાની સાથે એક મોટી હોસ્પીટલમાં એને જોબ પણ મળી ગઈ, સલોની એ જે સપનું આરાધ્યા માટે જોયું હતું એ આજે પૂર્ણ થઇ ગયું. આરાધ્યા જે હોસ્પીટલમાં જોબ કરતી એના મુખ્ય ડોક્ટર મુખર્જીને આરાધ્યાના સંસ્કાર અને દેખાવના કારણે પસંદ આવી ગઈ, અને અમેરિકામાં વસતા એના ડોક્ટર દીકરા કાર્તિક માટે એની પસંદગી કરી લીધી. એક દિવસ સલોનીના ઘરે ડોક્ટર મુખર્જી અને એની પત્ની પહોચી ગયા, આરાધ્યા હોસ્પિટલમાં જ હતી, સલોની અચાનક આવેલા મહેમાન ને જોઈ આશ્ચર્યમાં પડી, કે આરાધ્યાથી કોઈ ભૂલ તો નથી થઈ ને ? આવકાર આપી ડૉ. મુખર્જી અને એમની પત્ની ને બેસાડ્યા. ડો.મુખર્જી એ પોતાના દીકરા માટે આરાધ્યાનો હાથ માગ્યો, સલોનીને આ વાતની ખુશી થઈ પણ એણે આરાધ્યાને પૂછી પછી પાક્કો જવાબ આપવાની વાત કરી. મહેમાનને રજા આપી સલોની પોતાના રૂમમાં જઈ ચોધાર આંસુ એ રડવા લાગી, પોતાની દીકરીને એક સારું ઘર મળે છે પણ સાથે સાથે એ એની નજરોથી ઘણી દૂર ચાલી જશે એ વાત સલોનીની આંખોમાં આંસુઓનો ઉમેરો કરી રહી હતી. ડૂસકે ડૂસકે રડી લીધા બાદ તે વોશબેસીનના અરીસામાં મોઢું ધોઈ જોવા લાગી, અને વિચાર્યું, કે “હું મારા સ્વાર્થ માટે મારી દીકરીના ભવિષ્ય સાથે રમત નહી રમું, ભલે મારું જે થવું હોય એ થાય, પણ આરાધ્યા અમેરિકામાં પોતાનું ભવિષ્ય બનાવી શકશે અને ડૉ.મુખર્જી જેવો પરિવાર કિસ્મતવાળા ને જ મળે.” અવાર નવાર એણે ડૉ.મુખર્જી અને એમના દીકરા કાર્તિકની પ્રસીધ્ધિઓ છાપા અને ટીવી ઉપર નિહાળી હતી. પોતાની જાતને મક્કમ કરી સલોની આરાધ્યાની આવવાની રાહ જોવા લાગી.

આરાધ્યા તેના નિયત સમયે ઘરે પરત આવી, સલોની પણ એના આવવાની રાહ જોઈ રહી હોય એમ સમય થતાં દરવાજા પાસે જ ઉભી હતી, આરાધ્યાના એક્ટીવાનો આવાજ સાંભળી સલોનીએ તરત દરવાજો પણ ખોલી નાખ્યો, આરાધ્યાને પણ કંઇક અજુગતું લાગ્યું, નિત્યક્રમ પ્રમાણે તો આરાધ્યા ડોરબેલ વગાડે અને સલોની દરવાજો ખોલતી હતી, આ સમયે તો સલોની રસોડામાં કામકાજ કરતી હોય, પણ આજે સલોનીની આંખોના ભાવ કંઇક અલગ જ દર્શાવી રહ્યાં હતા.

 આરાધ્યા ઘરમાં આવતાની સાથે જ સલોનીને પ્રશ્નોથી બાંધવા લાગી,

 આરાધ્યા : “કેમ મમ્મી, આજે મારા આવવાની રાહ જોઇને ઉભી હતી ? બધું બરાબર તો છે ને ?”

સલોની : (વાત છુપાવતી હોય એ પ્રકારે..) ના, બેટા એવું કંઈ નથી, આ તો આજે મેં બહાર જમવા જવાનું વિચાર્યું, કંઈ કામ નહોતું એટલે ત્યાં જ ઉભી હતી અને તારા એકટીવાનો અવાજ સાંભળ્યો.”

આરાધ્યા : “કંઇક તો તું છુપાવે છે”

આરાધ્યાએ હાથ પકડી અને સલોનીને સોફા ઉપર બેસાડી અને પૂછવા લાગી.

આરાધ્યા : “બોલ મમ્મી.. શું વાત છે ?”

સલોની : “વાત કઈ ખાસ નથી પણ..!”

આરાધ્યા : “હવે, કહી દે ને શું થયું ? મને ચિંતા થાય છે ?”

સલોની : “આજે તારા સર ડૉ. મુખર્જી અને એમના પત્ની આપણા ઘરે આવ્યા હતાં.”

આરાધ્યા : (એક આશ્ચર્ય સાથે..) હેં.... શું વાત કરે છે, મુખર્જી સર અને એમના પત્ની બંને આપણા ઘરે આવ્યા હતા ? મમ્મી તને ખબર છે, સર ખુબ જ સારા છે, એ મને એમની દીકરીની જેમ સાચવે છે અને એમના પત્નીનો સ્વભાવ પણ ખુબ જ સારો છે એ જ્યારે હોસ્પિટલ આવે ત્યારે મારા માથે હાથ ફેરવી અને બેટા બેટા કહે.  પણ... એ આપણા ઘરે શું કામ આવ્યા ?

સલોની : (મન મક્કમ કરી ) “એમના દીકરા કાર્તિક માટે તારો હાથ માંગવા”

આરાધ્યા : (સલોનીનો હાથ પોતાના હાથમાં પકડતા) “તો તે શું કહ્યું ?”

સલોની : “મેં એમને કહ્યું છે કે આરાધ્યાને પૂછી અને જવાબ આપીશ”

આરાધ્યા : “મમ્મી, તું એમને ના પાડી દેજે, મારે લગ્ન નથી કરવા, હું તને છોડીને ક્યાંય જવા નથી માંગતી” આટલું બોલતા આરાધ્યાની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા, અને સલોનીના ખોળામાં માથું ઢાળી દીધું. સલોનીની આંખમાં પણ આંસુ આવી ગયા પણ, પોતાના આંસુ જાતે જ લૂછી પોતાની જાતને સાચવી અને આરાધ્યાને બેઠી કરતા કહ્યું : સલોની : “જો બેટા, આજે નહિ તો કાલે તારે લગ્ન તો કરવા જ પડશે, અને ડૉ. મુખર્જી જેવો પરિવાર આપણને બીજો નહિ મળી શકે, તું પણ હમણાં એમના વખાણ કરતી હતી, અને જે રીતે મેં મારું જીવન જીવ્યું છે એ તારી આંખો સામે છે, જે દુઃખ મેં ભોગવ્યું છે એ હું તારા નસીબમાં ના લખી શકું અને હું જીવવાની પણ હવે કેટલું ? માટે દીકરા કાર્તિક સાથે લગ્ન કરી તું તારી લાઈફ સેટ કર. હું તો એમ પણ એકલી જીવી લઈશ. અને તને સુખી જોવાનું સપનું મેં જોયું છે, તું લગ્ન કરી સાસરે જઈશ અને તને ત્યાં જે ખુશી મળશે એ જોઈ હું કેટલી ખુશ થઈશ એ પણ તું વિચાર.

આરાધ્યા : (સલોનીના ખભે માથું ઢાળી..) “પણ મમ્મી હું તને એકલી મૂકી ને કેવી રીતે જઈ શકું ? અને કાર્તિકને હું હજુ ઓળખતી પણ નથી ?”

સલોની : “તું મારી ચિંતા ના કર, જો કાર્તિક આવતા અઠવાડિયે ઇન્ડિયા આવે છે, તું એને મળી લે, તને ગમે તો જ આપણે હા કહીશું. એ અહિયાં બે મહિના રહેવાનો છે, જો તને ગમશે તો આ બે મહિનામાં લગ્ન પણ કરાવી દઈશું.”

આરાધ્યા : “આટલું જલ્દી !”

સલોની : “જલ્દી ક્યાં બેટા, જો તું ડૉ. મુખર્જી અને એમના પરિવારને તો બરાબર ઓળખે છે, રહી વાત કાર્તિકની તો એને પણ તું ઓળખી જઈશ.”

આરાધ્યાએ હા તો પાડી પણ સલોનીને એકલા મુકવાની ઈચ્છા નહોતી, પણ સલોનીના આશ્વાસનથી તે રાજી થઇ, રાત્રે બંને હોટેલમાં જમવા ગયા.

થોડા દિવસમાં કાર્તિક ઇન્ડિયા આવી ગયો, પરિવારની મરજીથી બંને એકબીજાને મળ્યા, કાર્તિક ભલે વિદેશમાં રહ્યો હતો પણ સંસ્કારોમાં ભારતીયતા જ છલકતી હતી, ખુબ જ વિનમ્ર અને વિવેકી સ્વભાવ આરાધ્યાને પહેલી મુલાકાતમાં જ આકર્ષી ગયો, આરાધ્યા પણ કાર્તિકને ખુબ ગમી. આરાધ્યા અને કાર્તિક એકબીજાને પસંદ કરતા હોવાથી લગ્નની તારીખ પણ નીકળી. લગ્ન બાદ કાર્તિક આરાધ્યાને અમેરિકા પોતાની સાથે જ લઇ જવાનો હતો.

સલોની પોતાની દીકરીને સારું ઘર મળતું હોવાથી ખુશ હતી સાથે આરાધ્યા લગ્ન કરી અમેરિકા જતી રહેશે એનું દુઃખ પણ કોરી ખાતું હતું, પણ સલોની મક્કમ દિલની વ્યક્તિ હતી, અત્યાર સુધી એણે ઘણુ બધું સહન કર્યું છે, જો કે દીકરીની વિદાયનું દુઃખ અસહ્ય હોય પણ જે થાય છે એ સારા માટે જ થાય છે એમ વિચારી સલોનીએ પોતાની જાતને ટકાવી રાખી.

 

આરાધ્યાને પણ સલોનીની ચિંતા દિવસ રાત રહેતી હતી, સલોનીએ આરાધ્યાથી કોઈ વાત છુપાવી નહોતી, શેખર વિષે પણ તે જાણતી હતી, અને શેખરના લગ્ન થઇ ગયા છે એ વાતની એને ખબર હતી માટે એણે ક્યારેય શેખર સાથે વાત કરી નહોતી, પણ એક રાત્રે સુતા સુતા આરાધ્યાને વિચાર આવ્યો કે શેખર અંકલને એકવાર વાત તો કરું, આજ પહેલા એને ક્યારેય શેખર સાથે વાત નહોતી કરી, એકવાર એના જન્મ દિવસની કોમેન્ટના રીપ્લાયમાં એને આભાર વ્યક્ત કર્યો હતો.  આરાધ્યાએ ફેસબુક ખોલી એ પોસ્ટ શોધી અને એના દ્વારા શેખરની પ્રોફાઈલ જોઈ પણ એમાં નિરાશા જ મળી, એ પ્રોફાઈલ ઘણા વર્ષો પહેલા જ બંધ થઇ ગઈ હતી, આખી રાત આરાધ્યા વિચારો કરતી રહી કે એવી કઈ વ્યક્તિ છે જે મારા ગયા બાદ મારી મમ્મીની કાળજી લઇ શકે ? પણ શેખર સિવાય કોઈ બીજી વ્યક્તિનું નામ એના વિચારોમાં ચઢતું નહોતું.

બીજા દિવસે સવારે સલોની રસોઈ કરતી હતી અને આરાધ્યાએ સામે પડેલો સલોનીનો મોબાઈલ જોયો અને મગજમાં એક ચમકારો થયો હોય એમ એણે તરત મોબાઈલ લઇ લીધો. સલોની હજુ જમવાનું બનાવવામાં વ્યસ્ત હતી, આરાધ્યા એ બધા નંબર ચેક કર્યા એમાં શેખરનો નંબર પણ દેખાયો, અને તરત પોતાના મોબાઈલમાં સેવ કરી લીધો અને ફોન હતો એજ જગ્યા ઉપર પાછો મૂકી દીધો.

ઘરમાંથી બહાર નીકળી આરાધ્યાએ શેખરનો નંબર ડાયલ કર્યો, અને સામેથી અવાજ આવ્યો :

શેખર : હેલ્લો, કોણ ?

આરાધ્યા : “તમે શેખર અંકલ વાત કરો છો ?”

શેખર :  “હા, બેટા, પણ મને ઓળખાણ ના પડી, તમે કોણ ?”

આરાધ્યા : “અંકલ હું આરાધ્યા બોલું છું,”

 

આરાધ્યાનું નામ સાંભળતા જાણે શેખરનું મગજ બંધ પડી ગયું હોય એમ પોતાની પાસે રહેલી ખુરશીમાં બેસી ગયો,

આરાધ્યા : “હેલ્લો અંકલ, તમે સાંભળો છો ?”

આરાધ્યાનો અવાજ કાને પડતા શેખર સ્વસ્થ થઈને બોલ્યો :

શેખર : “હા બેટા, તું સલોનીની દીકરી આરાધ્યા બોલે છે ?”

આરાધ્યા : “ હા”

શેખર : “બધું ઠીક તો છે ને બેટા, તારી મમ્મી કેમ છે ? અને મારો નંબર તને ક્યાંથી મળ્યો ?”

આરાધ્યા : “હા. અંકલ બધું ઠીક છે, અને મમ્મીના મોબાઈલમાં તમારો નંબર સેવ હતો.”

શેખર : “બેટા, આમ અચાનક કેમ ફોન કર્યો તે ?”

આરાધ્યા : “અંકલ, આવતા રવિવારે મારા લગ્ન છે, અને મારા લગ્નમાં તમારે આવવાનું છે, મમ્મીને મેં નથી જણાવ્યું પણ તમે આવશો તો મમ્મીને થોડી હિંમત રહેશે એમ વિચારી તમને મેં ફોન કર્યો. તમે આવશો ને ?”

શેખર : “હા બેટા હું ચોક્કસ આવીશ.”

આરાધ્યા : “સાથે આંટી અને તમારા બાળકોને પણ લાવજો.”

શેખર : “બેટા, આ દુનિયામાં મારું હવે કોઈ નથી, હું એકલો જ છું, થોડા વર્ષો પહેલા મારા ડાઈવોર્સ થઇ ગયા છે, પણ તું ચિંતા ના કર હું ચોક્કસ આવીશ.”

આરાધ્યાને જાણે શેખરની વાત સાંભળી એક અનેરી ખુશી મળી હોય અને એક નવો વિચાર સ્ફૂર્યો હોય એમ ખુશ થતાં આભાર વ્યક્ત કરી ફોન મુક્યો.

સલોનીને આ વાતની કોઈ જાણ હતી નહી, પણ આરાધ્યાના માથેથી જાણે એક ભાર હળવો થઇ ગયો હોય એમ લાગતું, એને ખુશ જોઇને સલોની પણ ક્યારેક પૂછતી “કેમ આટલી ખુશ થાય છે ?” તો જવાબમાં આરાધ્યા બોલી ઉઠતી : “સરપ્રાઈઝ.” પણ સલોનીને અનુમાન નહોતું કે આરાધ્યા શેખરને એની સામે લઇ આવવાની છે.

 આરાધ્યાના લગ્નનો દિવસ આવી ગયો જાન માંડવે આવી પહોચી, સૌ નાચતા ગાતા હતા, આરાધ્યાને કાર્તિક કરતાં પણ વધારે શેખરના આવવાની ઇન્તેજારી હતી, શેખરનો કોઈ ફોન પણ નહોતો આવ્યો, લગ્નમાં આવેલા વ્યક્તિઓમાં આરાધ્યા શેખરને શોધી રહી હતી, પણ શેખર ક્યાંય દેખાતો નહોતો, આરાધ્યાને મંડપમાં લાવવાનો સમય થયો, પણ આરાધ્યા આમ તેમ કોઈને શોધી રહી હોય એવું લાગ્યું, સલોની ક્યારની આરાધ્યાને જોઈ રહી હતી, એને પણ લાગ્યું કે એ કોઈને શોધે છે અને પૂછી પણ લીધું, કે “બેટા કોને શોધે છે ? આરાધ્યાએ કંઈ જવાબ ના આપ્યો અને ડોલીમાં બેસી લગ્ન મંડપમાં ચાલી નીકળી, લગ્નનો બધી વિધિ નિર્ધારિત સમયમાં પૂર્ણ થઈ પણ શેખર ક્યાંય નજરે ચઢ્યો નહિ, વિદાયનો સમય થવા આવ્યો, સલોનીની આંખોમાં મમતાનું પુર ઉમટી આવ્યું, આરાધ્યા પણ સલોનીને ભેટી ખુબ રડી અને મનોમન શેખરનું ના આવ્યાનું દુઃખ પણ ઠાલવવા લાગી, સલોની આ ક્ષણે પોતાની જાતને સાચવી ના શકી અને ચક્કર ખાઈ જમીન ઉપર જ પડવા જતી હતી ત્યાં પાછળથી આવેલા બે હાથે સલોનીને થામી લીધી. તરત સલોનીને રૂમમાં લઇ જવામાં આવી, આરાધ્યા અને કાર્તિક ડોક્ટર હતાં એના કારણે હોસ્પિટલ જવાની જરૂર ના રહી.

પોતાના બેડરૂમમાં સલોનીએ આંખો ખોલી, કાર્તિક અને સલોની સાથે એક નવો ચહેરો પણ સલોનીની આંખો સામે ઉભો હતો, એ નવા ચહેરાને જોઈ સલોની એકદમ સચેત થઇ ગઈ અને આશ્ચર્ય સાથે બોલી ઉઠી  :

“શેખર ! તમે અહિયાં ?”

આરાધ્યાએ તરત જવાબ આપ્યો : “હા, મમ્મી મેં જ એમને અહિંયા બોલાવ્યા છે, આ જ તો તારી સરપ્રાઈઝ હતી.”

સલોની : “પણ ...?”

આરાધ્યાએ શેખર વિશેની બધી વાત સલોનીને કરી અને સલોનીનો હાથ શેખરના હાથમાં આપતા કહ્યું :

“મમ્મી, તે આખું જીવન મારા માટે સમર્પિત કરી દીધું, પણ મેં તારા માટે કંઈ કર્યું નહોતું, અને હું તને છોડી જતાં પહેલા તારા જીવનને પણ એક નવો આધાર આપવા માંગતી હતી, શેખર અંકલ પણ એમની લાઈફમાં એકલા પડી ગયા છે, તમે બંને સાથે હવે પોતાનું જીવન વિતાવજો, અત્યાર સુધી તે મારા કારણે કોઈને પોતાના જીવનમાં ના આવવા દીધું પણ હવે હું તારાથી દૂર જઈ રહી છું, તારું ધ્યાન હું કેવી રીતે રાખી શકું, માટે મેં શેખર અંકલને બોલાવી લીધા.”

સલોનીની આંખમાં આંસુની સાથે પોતાની દીકરીની સમજણનું ગર્વ પણ હતું.

કાર્તિક અને આરાધ્યા લગ્ન બાદ અમેરિકા ચાલ્યા ગયા અને આ તરફ શેખર અને સલોની પોતાના અધૂરા રહી ગયેલા સપનાઓને પુરા કરવા માટે લાગી ગયા, બંને એકબીજાનો સહારો બની જીવનનૈયાને આગળ ધપાવવા લાગ્યા.


Rate this content
Log in

More gujarati story from Nirav Rakh

Similar gujarati story from Inspirational