Ankita Gandhi

Drama Inspirational

4  

Ankita Gandhi

Drama Inspirational

નવા સંબંધમાં

નવા સંબંધમાં

7 mins
277


ઘરનું આંગણું ખચોખચ ભરાયું હતું. 

નીરજકાકા અને સુમિતા કાકી, એમની દીકરી મંજુમ સાથે મુંબઈથી કાલે રાતે ૧૦ વાગ્યાની ટ્રેનમાં જ આવી પહોંચ્યા હતા. રાજીવમામા અને પ્રેમા મામી પણ પોરબંદરથી સવારે ૬ વાગ્યે આવી ગયેલા. એ બધાની સાથે પાડોશના સંજય કાકા, હર્ષદા કાકી અને તેમનો શ્રેયસ પણ જોડે ખરો જ.વડોદરાનાં એક બીએચકે હોમમાં બધા ને સમાવવાની જગ્યા તો ક્યાંથી હોય એટલે બધાએ ઘરના આંગણામાંજ ડેરો જમાવ્યો હતો. એક અગત્યનો નિર્ણય કેટલાય સમયથી મુલતવી રખાયેલ હતો એને આજે કોઈ પણ હિસાબે અંતિમ ઓપ આપી ને ઠપ્પો લગાવી જ દેવાનો હતો.

બધાનું એક જ કહેવું હતું, “સ્નેહા અને આનંદને હવે વધુ ઢીલ દેવામાં જોખમ છે. બહુ મનમાની ચલાવી અત્યાર સુધી. આજે તો ફેસલો કરીને જ જવાના.”

૧ વર્ષ પહેલાં સ્નેહાનાં પતિ ઉલ્લાસનું કાર એક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું. ઘરમાં ફક્ત ૪ વ્યક્તિઓ હતાં, સ્નેહા, ઉલ્લાસ, એમની ત્રણ વર્ષની દીકરી શ્રીજા અને ઉલ્લાસનો ભાઈ આનંદ. સ્નેહા અને ઉલ્લાસ બેમાંથી કોઈનાં પણ માતાપિતા હયાત હતાં નહીં, એટલે ઉલ્લાસનાં મૃત્યુ બાદ પરિવારમાં ત્રણ જણા જ રહ્યાં હતાં. સ્નેહાને કોઈ ભાઈબહેન પણ હતાં નહીં. અલબત્ત, સ્નેહાનાં મામા-મામી અને ઉલ્લાસનાં કાકા-કાકી એમની ખબર રાખતાં અને વારતહેવારે મળતાં રહેતાં. ઉલ્લાસનાં મૃત્યુ પછી સ્નેહાએ ઇલેક્ટ્રોનિક્સની દુકાન સંભાળી લીધી હતી. આનંદ પણ પેન્ટિંગના ક્ષેત્રે ધીરે ધીરે કાઠું કાઢી રહ્યો હતો. શ્રીજા પણ એનું બાળપણ માણી રહી હતી. પરિવાર ધીરે ધીરે બહાર આવી રહ્યો હતો. ઉલ્લાસની કમી તો હતી અને રહેવાની હતી.

છેલ્લાં ૬ મહિનાથી આ સગા સ્નેહાની પાછળ પડેલા, “આનંદ સાથે મેરેજ કરી લે. તારી ઉંમરનો જ તો છે. તમને બંનેને કેટલું ફાવે પણ છે. અમે શંકા નથી કરતાં, પરંતુ તમારો મનમેળ ઘણો સરસ છે. શ્રીજાનું તો વિચાર, એને બાપનો પ્રેમ બીજું કોણ સારી રીતે આપી શકશે? અને તું? આ પહાડ જેવડી જિંદગી તું કેવી રીતે કાઢીશ?” આવનાર દરેક વ્યક્તિની વાતનો સૂર કાંઇક આવો જ રહેતો. પણ સ્નેહા અને આનંદની તો ના જ રહેતી. બધાં સગાએ વારાફરતી બંનેને સમજાવવાનો પ્રયત્ન કરી જોયો હતો, પણ બેમાંથી એકેય ટસનું મસ નહોતું થતું. અને એટલે જ, બધાં સગાએ સંપ કરી આજની મીટીંગ ગોઠવી દીધેલી.

સ્નેહા બધાં માટે ટ્રેમાં ચા લઇને આવી. આનંદ પણ બેઠો હતો.

નીરજકાકા: “આનંદ, બેટા શું કરે છે તું? શ્રીજા તારી દીકરી નથી? એ શાળાએ જશે ત્યારે કોની આંગળી પકડીને જશે? જીવનમાં ડગલે અને પગલે જ્યારે એને પપ્પાની જરૂર પડશે ત્યારે એની પાસે કોણ હશે?”

આનંદ: “શ્રીજા, મારી દીકરી છે અને રહેશે. ઉલ્લાસ ભાઈનાં ગયા પછી ભાભી અને શ્રીજા પ્રત્યે મારી ફરજ ઘણી વધી ગઈ છે એ મને સુપેરે સમજાય છે.”

સુમીતાકાકી: “પણ દીકરા, એક કાકા તરીકે તું ફરજ નિભાવે અને બાપ તરીકે. એમાં આસમાન-જમીનનો ફેર પડી જશે. કાલ, ઉઠીને તારી વહુ આવશે, તો એ તને તારું ધાર્યું બધું નહી પણ કરવાં દે, ત્યારે તું શું કરીશ?”

રાજીવ મામા: “સ્નેહા, તું ચા સાઈડ પર મૂક. અમે બધાં લઇ લઈશું. તું અહીં બેસ દીકરી. ઉલ્લાસ માટેની તારી લાગણી અમને સમજાય છે. પણ, જીવનમાં તને જીવનસાથી તો જોઇશે. ઉલ્લાસની યાદો એ કમી નહીં પૂરી શકે.”

પ્રેમામામી: “દીકરી સ્નેહા, તને તો ખુદને ખબર છે ને કે બાપ વિનાનું જીવન કેવું હોય? તું ૧૫ વર્ષની હશે ત્યારે સુધીર કુમાર આ દુનિયા છોડી ગયાં. તે તો તારી મા ને જોઈ છે ને! પતિ વિનાનું એમનું જીવન અને બાપ વિનાનું તારું જીવન કેવું હોય એ તો તારી નજર સમક્ષ છે. તને નથી લાગતું કે તારી મમ્મીએ પણ જો બીજા મેરેજ કર્યા હોત તો જીવનસાથીની હુંફને લીધે હજી વધુ જીવી શક્યા હોત? એ આજે જીવિત હોત તો એમની પણ આ જ ઈચ્છા હોત.”

સંજયકાકા: “આનંદ અને સ્નેહા, આજુબાજુમાં શું વાતો થઇ રહી છે એ ખબર છે ને? તું અને સ્નેહા જ્યારે બાઈક પર શાક લેવા નીકળો છો ત્યારે બધાં પીઠ પાછળ અનાબશનાબ બોલતાં હોય છે. જેમને સાંભળું છું એમની બોલતી બંધ કરું છું, પણ બધાંનાં મોઢાંને તો ક્યાંથી તાળા મરાય? તમે બંને જ્યારે શ્રીજાને પાર્કમાં લઇ જાવ છો અને સાથે મળીને ઝૂલા ઝુલાવો છો, લોકોનાં ડોળા તમારા તરફ જ હોય છે.”

હર્ષદાકાકી: “દીકરા, લોકો શક કરે છે. શ્રીજા મોટી થશે અને સાંભળશે તો એને કેવું લાગશે? એનું કુમળું મન આ બધું સહન કરી શકશે? એની મનોસ્થિતિ કેવી બનશે? અને શું ખોટું છે લગ્ન કરી લેવામાં? વર્ષોથી આવું થતું જ આવ્યું છે. કંઇક નવું નથી કરી રહ્યાં આપણે ! હા,શરૂઆતમાં થોડું અજુગતું લાગશે, પણ પછી તો તમે ગોઠવાઈ જશો. ખબરેય નહીં પડે. મન થોડું કાઠું કરીને આ નિર્ણય લઇ લો. અમને તો આમાં કશું ખોટું નથી લાગતું.”

શ્રેયસ: “આનંદભાઈ, હું તમારી જગ્યાએ હોત તો પરિવારની ભલાઈ માટે મેં આવો નિર્ણય લઇ લીધો હોત.”

સ્નેહા આનંદ સામે જોઈ રહી હતી, બેવની આંખો એકબીજાને કશુંક કહી રહી હતી. સ્નેહાએ ઈશારો કર્યો અને આનંદ સમજી ગયો, “સારું, અમે બંને એકલામાં વાતો કરવાં માંગીએ છીએ. અમને અડધો કલાક આપશો?” બધાએ સર્વસંમતિમાં ડોકું ધુણાવ્યું. સ્નેહા અને આનંદ ઘરમાં ગયાં. આશાભરી આંખે બધાં રાહ જોવાં માંડ્યા. આખરે આ છોકરાઓ એકબીજા સાથે વાતચીત કરવાં સંમત થયાં હતાં. અડધો કલાકને બદલે તેઓ પંદર જ મિનીટમાં આવી ગયાં. પણ આ શું? આનંદના મ્હો પર લાલ ટપકું અને હાથમાં રાખડી! બધાનું ચોંકી જવું સ્વાભાવિક હતું!

દરેક જણ આ બધું શું થઇ ગયું એ શોક પચાવવાની કોશિશમાં કરી રહ્યાં હતાં. એટલામાં આનંદ બોલ્યો, “તમે બધાં નવા સંબંધની વાત કરો છો, પરંતુ પહેલાંથી અમારાં મનમાં જે સંબંધ બંધાઈ ગયો છે એનું શું? ભાભી આવ્યાં ત્યારે મમ્મી ઘરમાં હતી. પણ મમ્મીનાં ગયા પછી મારી ભાભી મારી માં બની ગયાં છે એનું હું શું કરું? તમે બધાં કહો છો કે અમે એક ઉંમરનાં છીએ, પણ અમને તો જુદું જ ફીલ થાય છે એને ક્યાં દાટીએ? અમારાં વચ્ચે ૬ મહિનાનો નહીં પણ મા-દીકરાની ઉંમરનો તફાવત છે, જે તમે નહીં જોઈ શકો.”

સ્નેહા: “મારા માટે આનંદ મારો પ્રેમાળભાઈ છે, વ્હાલસોયો દીકરો છે, નટખટ દિયર છે, અને યસ, ફ્રેન્ડ પણ છે. પણ, જે સબંધની તમે વાત કરો છો એ તો છે જ નહીં, કરવું નથી અને જરૂર પણ નથી. હું એમ નથી કહેતી કે કોઈ પણ ભાભી-દિયરે આવું ન કરવું જોઈએ, પણ અમારાં સંબંધોનાં સમીકરણ જુદા જ છે. એને જ્યારે પણ જોઉં છું તો મારું હૈયું માંનાં પ્રેમથી છલકાય છે, એની અવગણના તો કેવી રીતે કરું? ઉલ્લાસ હતો ત્યારે હું આનંદની મા હતી, હવે તો મારે આનંદનાં બાપ પણ બનવાનું છે. એના લગ્ન લેવાના છે. બહુ બહાર ફરે છે ! હવે, તો ઘરમાં પૂરવો જ છે. અને હા, મને શ્રીજાની ફિકર નથી. જ્યાં સુધી આનંદ છે, એને બાપની કમી નહીં આવે. એની વહુ ગમે એવી આવે, આનંદ નહીં બદલાય. બીજું, શ્રીજાને પણ પરિસ્થિતિ સાથે જીવતાં શીખવાનું છે. રહી વાત, મારા જીવનની તો હા, એક વર્ષ પછી મને પણ જીવનસાથીની કમી લાગે છે. મને પણ એમ થાય છે કે મારા જીવનમાં કો’ક હોય. ઇન શોર્ટ, હું બીજા લગ્ન માટે ઓપન છું.”

આનંદ: "ભાભી માટે સારા જીવનસાથી શોધવાનું કામ મારું છું. જ્યાં સુધી ભાભી અને શ્રીજાને યોગ્ય હોય એવી વ્યક્તિ નહીં મળે, ત્યાં સુધી હું નહીં ઝપુ. પણ, ભાભીને હું જેવાતેવાંનાં ખૂટે નહીં બાંધુ. હવે તો ભાભી માટે ઉલ્લાસભાઈ કરતાં સારા જીવનસાથી શોધીને જ ઝપીશ. રહી વાત લોકોની તો એ તો બોલવાનાં જ છે. એમનાં બોલવાને કારણે અમે અમારી જિંદગી બદલવાનાં નથી. આજે એ લોકો અમારી ખિલાફ બોલે છે, કાલે અમારી જિંદગીઓ થાળે પડતાં જોશે તો અમારું ઉદાહરણ આપશે. એટલે જેને જે બોલવું હોય એ બોલે, અમને કોઈ ફર્ક નહીં પડે. શ્રીજાને પણ કોઈ અસર નહીં થાય. ઘરનું વાતાવરણ જ બાળકોની મનોસ્થિતિને વધારે અસર કરતું હોય છે, બહારનું એટલું નહીં.”

સગાવ્હાલાંઓ અવાક હતાં; સમજાવવાનાં શબ્દો ન હતાં. આનંદનાં હાથની રાખડી ઘણું કહી રહી હતી. સ્નેહા અને આનંદનાં શબ્દોએ બધું જ ક્લીયર કરી દીધું હતું. કહેવા-કરવાનું કશું બાકી રાખ્યું ન હતું. એલોકો માત્ર ઠપકો આપી શકે એમ હતાં, જે એમણે કર્યું.

નીરજકાકા અને સુમિતાકાકીએ તો સાફ શબ્દોમાં સુણાવી દીધું, “આજથી અમારી પાસે કોઈ સલાહ લેવાં ન આવતાં. અમારી વાતનું માન રાખતાં તમને આવડતું જ નથી.”

સંજયકાકા પણ કહેતા ગયાં “મનમાની જ કરવી હોય તો અમારું કોઈ કામ નથી. લોકોને મોઢે હવે અમે તાળા નહીં મારીએ.”

મામા-મામીને ખોટું લાગ્યું છતાં બોલ્યા, “સ્નેહા, જેવી તારી મરજી. તું માની ગઈ હોત તો સારું હતું. આજે જે થયું એ ખરેખર ખોટું થયું છે. તારી માનો આત્મા દુ:ખી થતો હશે.”

આનંદ અને સ્નેહા હાથ જોડીને ઊભાં હતાં. મ્હોં પર બધાને નિરાશ કર્યાનાં ભાવ હતાં, પરંતુ બોડી લેંગ્વેજથી સાચું કર્યાની પ્રતીતિ થતી હતી.

વાતને ૨ વર્ષ ૩ મહિનાનાં વહાણા વાયા હતાં. બધાંનાં ઘરે એક કંકોત્રી આવી હતી. ભાઈ-બહેન એક જ માંડવામાં પરણી રહ્યાં હતાં. સ્નેહાનાં લગ્ન એક પુત્રીનાં પિતા એવાં એરફોર્સ ઓફિસર વિવેક સાથે અને આનંદનાં લગ્ન એમની જ જ્ઞાતિની છોકરી પૂર્વા સાથે સંપન્ન થયાં. વિદાય વેળાએ પૂર્વા એ સ્નેહાને કહ્યું હતું, “દીદી,આજથી આ ઘર તમારું પિયર છે. આ ઘરનાં દરવાજા તમારાં માટે ખુલ્લા જ છે.” . વિવેકે પણ આનંદને સાંત્વના આપી હતી, “હું પૂરેપૂરી ઈમાનદારીથી કોશિશ કરીશ કે સ્નેહા અને શ્રીજાને કોઈ વાતે ઓછું નહીં આવે.”

આનંદની આંખોમાં પાણી જ પાણી હતાં. સ્નેહાની આંખો પણ અનરાધાર હતી. બંને એકબીજાને ભેટીને ખૂબ રડ્યા.

વિદાય વેળાએ આનંદ બોલ્યો, “બેન, આજે આપણે નવા સંબંધમાં બંધાઈ ગયાં.”


Rate this content
Log in

Similar gujarati story from Drama