STORYMIRROR

Komal Deriya

Drama Inspirational Others

4.5  

Komal Deriya

Drama Inspirational Others

સાચી ભેટ

સાચી ભેટ

28 mins
680


"અરે જાનકી તારો આ કકળાટ બંધ કર, હું હાલ કંઈ સાંભળવાના મૂડમાં નથી."આમ ગુસ્સા સાથે શ્વેતા ઘરમાં પ્રવેશી. "અરે શું થયું? કેમ સવાર સવારમાં આટલી ગુસ્સામાં છે, બહાર કોઈ સાથે ઝઘડો કરીને આવી છે કે શું? " જાનકીએ પૂછ્યું. 

શ્વેતાએ થોડી શાંત થઈને કહ્યું,"અરે યાર, હું ગાર્ડનમાં ગઈ હતી અને ત્યાં થોડો ખાટો અનુભવ થયો. જાનકી તું મને એમ કહે કે છોકરીઓ માટે બધી જ જગ્યાએ પાબંદી હોવી જ જોઈએ અલબત્ત બગીચાઓ જેવા ખુલીને જીવવા માટે બનાવેલા સુંદર સ્થળોએ પણ ! તમે જે પણ કરો એ બીજા લોકો દ્વારા અણગમાની નજરે જોવામાં આવે અને એ પણ ફ્કત એટલા માટે કે તમે સ્ત્રી છો તો કેવું અજુગતું લાગે ને?, અરે હા, છોડ આ બધું તું કંઈક કહેતી હતી મને ! "

જાનકી જરીક ધીમેથી બોલી, "આજે મેદાનમાં વુમન્સ ડે નિમિત્તે ભવ્ય કાર્યક્રમ છે તો મારે ત્યાં જવું છે, તો આપણે સાથે જઈએ? "

"વુમન્સ ડે ! સવારમાં જ ઉજવાઈ ગયો મારો તો" એમ મશ્કરી કરતાં શ્વેતાએ જવા માટે હકારમાં ઉત્તર વાળ્યો.

બંને તૈયાર થઈને કાર્યક્રમના સ્થળે પહોચી ગઈ. સંજોગવશાત્ બંનેને આગળની હરોળમાં સ્થાન મળ્યું. મંચથી એકદમ નજીક બંને કાર્યક્રમ ધ્યાનથી નિહાળી રહી હતી અને અચાનક જ જાનકી ઊભી થઈ ને ત્યાંથી પડદાની પાછળ ચાલી ગઈ, શ્વેતા કંઈ સમજે કે કરે એ પહેલાં તો મંચ પર આવવા માટે જાનકીનું નામ જાહેર થયું. શ્વેતાને જરાક અચરજ થયું કે જાનકીને કેમ મંચ પર બોલાવી છે ! અને એને તરત જ જવાબ પણ મળ્યો કે જાનકી દ્વારા લખાયેલ 'સ્ત્રી એક પંખી' નિબંધ શ્રેષ્ઠ નિબંધમાં પસંદગી પામ્યો હતો અને એના માટે તેનું સન્માન કરવામાં આવી રહ્યું છે. 

જાનકી ખુબ ખુશ હતી કે એની સૌથી યાદગાર પળોમાં શ્વેતા એની સાથે હતી પરંતુ શ્વેતા તો કંઈક જુદી જ દુનિયાના વિચારોમાં ખોવાયેલી હતી. "આજે મારું સપનું સાકાર થયું અને એ માત્ર તારા કારણે શ્વેતા." જાનકીએ ખૂબ ઉત્સાહથી આભાર વ્યક્ત કરતા કહ્યું. 

આ વાત સાંભળી શ્વેતા જરાક સ્વસ્થ થઈ અને જાનકીને કુતૂહલપૂર્વક પૂછ્યું, "મારા કારણે કઈ રીતે? "

ત્યારે જાનકીએ કહ્યું, "મારા નિબંધમાં મે એ જ વાતો અને વિચારો વ્યક્ત કર્યાં છે જે તું મારી સાથે વહેંચે છે, બસ મેં એ વિચાર અને વાતને એક અલગ રૂપરંગથી રજૂ કર્યા છે, પણ મારી પ્રેરણા તું છે, આજની આ સફળતા માત્ર તારી છે અને એટલે જ હું તને આજે મારી સાથે અહીં લઈ આવી છું."

શ્વેતાને ખુબ અચરજ થયું અને એ ખુશ થઈ ગઈ કે સ્ત્રીઓને પણ સન્માન મળે છે એમના વિચારોને રાહ મળે છે અને જાનકી જેવા લેખકો ખુલીને લખી શકે છે. 

શ્વેતાના મનમાં ઘણા વિચારો ચાલી રહ્યાં હતાં. બંને એકસાથે ઘરે પરત ફરી રસ્તામાં શ્વેતાએ જાનકીને કુતૂહલપૂર્વક પૂછ્યું, "આજે જે મુખ્ય મહેમાન આવ્યા હતા એ કોણ છે? શું તું એમને ઓળખે છે?"

જાનકીએ કહ્યું, "હા, હું એમને ઓળખું છું, એમના વિશે અવારનવાર સાંભળવા અને સમાચારોમાં વાંચવા મળ્યું છે કે એ એક સશક્ત નારી છે, એ એક શક્તિ છે, વધુમાં તેમણે સમાજની બીજી સ્ત્રીઓને પણ માર્ગ ચિંધ્યો છે. સાથે સાથ તેણી ખુબ પ્રતિભાશાળી ચિત્રકાર પણ છે. પરંતુ એમની સાથે વાત કરવી અને એમને મળવું ખુબ મુશ્કેલ છે કેમકે તેઓ પોતાના કામમાં ખૂબ વ્યસ્ત રહે છે અને આવા કાર્યક્રમોમાં ખુબ ઓછા જોવા મળે છે. તને ખબર છે શ્વેતા મારું સપનું છે કે હું એમના જેવી બનું, ખુબ નામના કમાઉં અને એમની જેમ સમાજસેવાના કામ પણ કરું, અને જીવનમાં એક વાર આ અદ્ભૂત સ્ત્રીને મળું. "

આખી વાત શ્વેતા એ મુખ્ય મહેમાનના વિશે સાંભળતી રહી. સાજે જમવાનું જમ્યા પછી શ્વેતા છત પર બેસવાનું પસંદ કરતી અને કોઈક વખત બહાર ચાલવા જવાનું પણ ! આજે તદ્દન અલગ, એ ડાયરી અને પેન લઈને કંઈક લખવા બેસી ગઈ. આ દ્રશ્ય જોઈને તો બધાને નવાઈ લાગી કેમકે શ્વેતાના વર્તનમાં કંઈક બદલાવ આવ્યો હતો, એની મમ્મી એ તો એની તબિયત પણ પૂછી લીધી. શ્વેતા સ્વસ્થ હતી શારિરીક રીતે પણ એ માનસિક રીતે ખુબ ઊંડા વિચારોમાં ગરકાવ થયેલી હતી. એના ચહેરા પર અલગ પ્રકારના ભાવ હતાં, એ આતુરતા ના હોય એવું જણાતું હતું, તેણી જાણવા માટે ઉત્સુક હતી કે આજે કાર્યક્રમમાં જેમ સ્ત્રી સન્માનની વાત થઈ હતી એવું સન્માન આ સમાજમાં સ્ત્રીઓને મળે છે કે કેમ? એ સવારે એની સાથે બનેલી ઘટના અને ત્યાં મેદાનમાં બધાં મહાનુભાવોએ આપેલા મંતવ્યો વચ્ચેના તથ્યો તારવી એને સ્વીકારી નહતી શકતી. બધી મુંઝવણો તારવવા એણે ડાયરીમાં લખવાનું શરૂ કર્યું કે, 

"વુમન્સ ડે ગિફ્ટ" 

ઘણા દિવસોથી ચાલતા પ્રયત્નો બાદ આજે સવારે વહેલું જાગવામાં સફળતા સાંપડી. એક વિચાર આવ્યો કે જીવનમાં કસરત અને યોગની શરૂઆત માટે મહિલા દિવસથી ઉત્તમ દિવસ બીજો તો ના જ હોય ! ચાર વર્ષથી મુકી રાખેલાં આજે એ સ્પોર્ટસ શૂઝ પહેર્યા, મન તો સવારથી જ થનગની રહ્યું હતું કેમકે આજે એક વર્ષ બાદ એમ. એન. કૉલેજ ના બગીચાની, પક્ષીઓની અને વૃક્ષોની મુલાકાતથી દિવસની શરૂઆત થવાની હતી કે જે સવાર સાંજ ખાસ સહેલાણીઓ માટે જ ખુલ્લા મુકાયેલા છે.

અને ખરેખર આજે કસરતથી શરીરને નવી ઉર્જા મળી અને યોગથી મન શાંત થયું, આજે એક આહ્લાદક અનુભવ સાથે સવારની ઉજવણીથી દિવસની શરૂઆત કરી. પછી થયું લાવને આ કુદરતી સૌંદર્ય ને કેમેરામાં કેદ કરું એટલે બે, ચાર ફોટોઝ ક્લિક કર્યા. ૬ મહિનાથી ફિયાંસને આમ વહેલી સવારે વિડીયો કૉલ નથી કર્યો તો આજે શરૂઆત કરીએ એેમ વિચારી મેં ફોન કર્યો, પણ હજુ માંડ બે મિનિટ વાત થઈ હશે ત્યાં અચાનક ચોકીદાર આવીને કહેવા લાગ્યો, "મેડમ, ચાલવું હોય તો ચાલો પણ આમ ફોન ના વાપરશો."

મેં(શ્વેતાએ) પુછ્યું,"કેમ?"

ચોકીદારે જવાબ આપ્યો,"બે ત્રણ પુરુષોએ મને કહ્યું કે પેલી છોકરીને કહો કે ચાલવું હોય તો સરખી રીતે ચાલે આમ ફોન લઈને ના ફરે."

હું સાંભળીને અસમંજસમાં પડી ગઈ અને એટલું જ બોલી કે, "ચોકીદાર કાકા, જે પુરૂષો મને ટોકવાનું કહી ગયા એમને આવતીકાલે ફરી આવે એટલે પૂછજો કે એ લોકો હું શું કરુ છું એ જોવા આવ્યા હતા કે કસરત કરવા?"

અને અંતે મેં ઉમેર્યુ,

"થેંક યુ ફોર વુમન્સ ડે ગીફ્ટ..." 

-શ્વેતાબા રાજપુતની ડાયરીમાં 

આમ, એણે સવારે એની સાથે બનેલી ઘટનાને અદ્દલ એવી જ રીતે ડાયરીમાં ટાંકવાનો સફળ પ્રયત્ન કર્યો.

અને શ્વેતાના મનમાં એક નવા વિચારે જન્મ લીધો કે સ્ત્રીઓનું સન્માન એને ત્યાં કાર્યક્રમમાં જોયું એ હકીકત હતી કે સવારે બગીચામાં કુંઠિત વિચારધારા સાથે થયેલ અથડામણ સત્ય છે આ સમાજનું. પણ એના મગજમાં એક વાત સ્પષ્ટ થઈ કે આ સમાજની સ્ત્રીઓના બે ભાગ છે, જેમાંથી એક તરફ સ્ત્રી એટલે દેવી, શક્તિ અને લક્ષ્મી છે, જ્યાં તેઓ પોતાના વિચારો વ્યક્ત કરી શકે, પોતાના સપના પૂરાં કરવા તેમને મોકળાશ મળે, ઉડવા માટે ખુલ્લું ગગન મળે, આંખોમાં આશાઓ જીવે અને સપનાઓને પાંખો ફૂટે, ઘરમાં હોય કે બહાર તેઓ પોતાના મનની વાત કરી શકે અને તેમને આવું કરવાની સ્વતંત્રતા મળે છે અને તેમના વિચારો અને ઈચ્છાઓનું સન્માન થાય છે, તેમના સલાહ સૂચન સ્વીકારી લેવાય છે, અહીં જોતા એમ લાગે કે સ્ત્રી અને પુરુષ સમોવડિયા છે અને નારી જ સર્વશ્રેષ્ઠ છે. 

પરંતું બીજી તરફ તેથી તદ્દન વિપરીત અસરો છે, અહીં વિચારવાની છૂટ સુદ્ધાં નથી, સ્ત્રીથી સપના જોવાની હિંમત તો કરાય જ નહિ, રસોડાની બહાર પણ ના જવા મળે ત્યાં ખુલ્લા આકાશની કે મોકળાશની વાત કરવી જ નિરર્થક પુરવાર થાય, એમની ઈચ્છા પૂરી કરવાનું તો દૂર પણ એ ઈચ્છાનું સન્માન પણ ના થાય, ઘરમાં જેના મત કે મંતવ્યોની કદર ના હોય પછી બહાર તો સહકારની આશા કરી જ ના શકાય, આ તરફ જાણે પુરુષ જ શ્રેષ્ઠ હોય એમ સ્ત્રીઓનું અપમાન અને અનાદર કરવામાં આવે છે.

અભણ હોય કે ભણેલા સ્ત્રીને સમજવામાં ભોંઠા પડી જ જાય, એમની વિચારસરણીમાં લેશમાત્ર ફરક નથી હોતો. કહેવાય છે કે જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવોનો વાસ હોય છે, પણ ધર્મ તો જાણે ભૂલાઈ જ ગયો છે, ક્યારેય કોઈ વિચાર સુદ્ધાં કરતું નથી કે એક સ્ત્રીની ખુશી શું છે બસ પોતાના સ્વાર્થ જ દેખાય છે અને અહમ્ આવું કરવા પણ દેતો નથી. 

આમ, વિચારોમાં ગરકાવ થયેલી શ્વેતા ત્યાં ટેબલ પર માથું નમાવીને ઊંઘી જ ગઈ. સવારે પાછું બગીચામાં ચાલવા ગઈ પણ આજે એ જલદી પરત ફરી અને પોતાના કામે વળગી.

આમ,બગીચામાં જવાનું નિત્યક્રમ બની ગયો, રોજ એ રમણીય વાતાવરણમાં એના વિચારો ગહન થવા લાગ્યા અને મનની સ્ફૂર્તિ વધવા લાગી, પ્રકૃતિ સાથે જોડાયેલી શ્વેતા હવે પહેલાં કરતાં વધારે ખુશ અને હકારાત્મક બની ગઈ.

આમ, જોતાંજોતા છ-સાત મહિનાઓ વીતી ગયા. એક રવિવારે વહેલી સવારે શ્વેતા બાંકડા પર બેઠી હતી અને બાળકોને ક્રિકેટ રમતાં જોઈ રહી હતી અને ત્યાં અચાનક જ બાજુમાં એક આધેડ ઉંમરની સ્ત્રી એની બાજુમાં આવી ને બેસી જાય છે, ચાલીને આવવાના કારણે શ્વાસ ઝડપથી લઈ રહ્યાં હતાં અને જાણે થાકી ગયા હોય એમ લાગતું હતું, આખુય શરીર ધ્રુજી રહ્યું હતું, ઉંમર કદાચ ૪૦ -૪૫ વર્ષ હશે. શરીર જાણે તણખલું સૂકાઈ જાય એવું થઈ ગયેલું હતું, આંખે કાળા કુંડાળા આવી ગયા હતા ને આંખો તો અંદર જ જતી રહી હતી, જુની ફ્રેમ વાળા ચશ્માં પહેરેલા હતા અને પહેરવેશ પણ સાવ સામાન્ય હતો. શ્વેતાએ હાંફતા જોયા એટલે પાણી આપ્યું. શ્વેતાને આમ અજાણી હોવા છતા મદદ કરી એટલે એમણે ખૂબ આભાર માન્યો અને બંને છૂટા પડ્યા, બીજા દિવસે ફરી એકવાર મુલાકાત થઈ અને એકબીજાનો પરીચય થયો, 

શ્વેતાએ પુછ્યું, "તમે રોજ અહીં આવો છો?" 

જવાબમાં પેલી સ્ત્રીએ હકારમાં માથું ધૂણાવ્યું,"હા, રોજ આવું છું, મારું ઘર અહીં નજીક જ છે અને મારુ નામ વર્ષા છે. બેટા, તારું નામ શું છે?"

"મારું નામ શ્વેતા"

હવે આ મુલાકાત રોજ સવારે થવા લાગી અને બંને જાણે મિત્ર બની ગયાં, વાતવાતમાં શ્વેતાએ જાણ્યું કે એમને હ્દયની બિમારી છે અને આ દુનિયામાં થોડો જ સમય બાકી રહ્યો છે, આ જાણીને શ્વેતા તો ધ્રુજી ઊઠી. પછી વર્ષાબેન બોલ્યાં, "અરે, બેટા તું કેમ આમ ડરે છે જે થાય એ ભગવાનની મરજીથી થાય છે અને આમેય આપણું ધાર્યું કયાં કંઈ થાય છે, આખું આયખું જતું રહ્યું રસોડામાં અને હવે થોડો વખત બચ્યો છે તે આ ભગવાનની ઈચ્છા મુજબ એ ય જીવી લઈશું !

બસ મનમાં એક ઈચ્છા અધૂરી રહી ગઈ ગિરનાર ચડવાની ! ! ! ,પણ હવે તો આ ઘડીક ચાલું ને હાંફી જાઉં છું તે આ ગિરનારનો હરખ તો કેમ નો જીલાય હેં? હવે તો માતાજીના દર્શન આંખો બંધ કરીને મનમાં ને મનમાં કરી લઉ, બસ"

શ્વેતાએ કહ્યું, "હજુય તમે તો જરાય થાક્યા નથી, હજુય ઝપાટાંભેર ગિરનાર ખૂંદી આવો એમ છો કાકી."

કાકી ખુશ થઈને બોલ્યા, "પણ હવે ક્યાં વખત છે ગિરનાર જવાનો?"

"તમારો દિકરો છે ને એને ભેળો લઈ જાઓ અને જો આખો પરિવાર સાથે જાય માતાજીના ધામમાં તો એથી વિશેષ ખુશી વળી શું હોય ! "શ્વેતાએ કહ્યું.

વર્ષાબેન બોલ્યાં, "પણ, હવે મારા દીકરાને વખત ક્યાં છે તે મારી સાથે ફરવામાં વેડફે, અને આજના સમયમાં કોણ કામ મુકીને અમારા જેવા પાછળ સમય બગાડે એમ છે. "

આમ ગિરનાર જવાનું સપનું અધૂરું જ રહેવાનું છે એમ મનમાં ગાંઠ વાળી વર્ષાબેન ઘેર પાંછા ગયા. 

શ્વેતાએ સાંજે એના ઘરમાં કહ્યું, "ચાલોને આપણે બધા ગિરનાર જઈ આવીએ !, હમણા તો બધા સાથે છીએ અને સમય પણ છે."

ઘરમાં બધાજ જવા માટે તૈયાર થઈ ગયા, અને પાડોશી પણ જોડાયા એટલે દસેક માણસ થયા, શ્વેતાએ તો વર્ષાબેન સામે ગિરનાર જવાનો પ્રસ્તાવ રજૂ કર્યો.

વર્ષાબેન તો હરખમાં ને હરખમાં દિકરાને પૂછ્યા વિના જ હા બોલી ગયાં, પણ એમના દિકરાએ જવાની ના પાડી કે એક તો તમારી તબિયત સારી નથી અને અજાણ્યા લોકો સાથે આમ થોડી જવાય.

તો શ્વેતાએ ખુબ સમજાવીને અને વર્ષાબેનની આખરી ઈચ્છા છે એવું કહીને પણ આખરે એમનાં દિકરાં પાસેથી મંજૂરી મેળવી જ લીધી. 

અને બધા ગિરનાર જવા રવાના થયા. સાંજે ત્યાં પહોચ્યાં અને વહેલી સવારે બધાએ પગથિયાં ચડવાની શરૂઆત કરી પણ શ્વેતા વર્ષાબેને લઈને રોપ-વે થી ઉપર ગઈ, અને વર્ષાબેનું દર્શન કરવાનું સપનું પૂરું થયું, આ સમયે જે ખુશી એમની આંખોમાંથી છલકાઈ રહી હતી અને એમના ચહેરા પર જે આનંદ અને સંતોષ હતો એ આહ્લાદક હતો, એમને જોઈને શ્વેતાનું મન પણ પ્રફુલ્લિત થઈ ગયું. 

વર્ષાબેન એકદમ ઉત્સાહથી શ્વેતાનો હાથ પકડીને બોલ્યાં, "આ મારા જીવનની સૌથી મોટી ભેટ છે, કદાચ આનાથી વધારે હું કોઈ દિવસ ખુશ નહીં થઈ હોઉં, મારું આ સહજ સપનું તેં પુરુ કર્યુ એ માટે તારો દિલથી ખુબ ખુબ આભાર !"

આટલું બોલતાં જ એમની આંખો છલકાઈ ગઈ અને શ્વેતાની આંખો પણ ભીની થઈ. 

ઘેર પાછા આવ્યા ના બીજા જ દિવસે વર્ષાબેને દેહત્યાગ કર્યો ને ભગવાનને ધામ ચાલ્યાં ગયાં પણ શ્વેતાને એમના પાર્થિવ દેહ પર પણ સંતોષનો ભાવ સ્પષ્ટ વંચાતો હતો.

આમ વર્ષાબેનના સપનાને પુરુ કરી એમને ખુશ કરી ને શ્વેતા પણ ખુબ ખુશ થઈ ગઈ. જાણે એને સાચે માં દુનિયાની સૌથી મોંઘી ભેટ મળી ગઈ. 

શ્વેતાને વર્ષાબેનના ચહેરા પર ની એ ખુશી આજેય યાદ હતી અને એને અચાનક જાણે જીવન જીવવાનો ધ્યેય મળી ગયો, આ દુનિયામાં આવવાનું કારણ મળી ગયું, કહેવાય છે કે આપણેને અહીં મોકલ્યા છે તો કોઈતો હેતુ હશે જ ! બીજાના ચહેરા પર હાસ્ય રેલાવવું એ કદાચ શ્વેતાના જીવનનું ધ્યેય હતું. જાણે ભગવાન જ એને આ કરવા માટે રસ્તો બતાવતા હોય એમ એની સોસાયટીના ભગવતીબેન એકવાર બધા જોડે બેસી વાતો કરતા હતા કે મને બાળપણથી ક્રિકેટ રમવાનો શોખ છે, પેલા મારા ભાઈને રમતા જોયો પછી મારા દિકરાને અને હવે તો એનાય દિકરા રમતા થઈ ગયા પણ મને ક્યારેય મોકો જ ના મળ્યો. આટલું બોલતાં જ ભગવતી બેન હસી પડ્યા, શ્વેતાએ આ વાતો સાંભળી અને એને થયું કે ૬૦ વર્ષ થઈ ગયા હશે પણ ભગવતી કાકીનો ક્રિકેટ માટેનો પ્રેમ એવોને એવો જાણે કોઈ બાળકનો હોય. 

'બસ એમની આ ઈચ્છા તો મારે પૂરી કરવી જ છે' આવો સંકલ્પ શ્વેતાએ ત્યાં જ કરી લીધો.

પછી થોડા દિવસ પછી શ્વેતાએ એના બધા મિત્રોને ફોન કરીને ક્રિકેટ રમવાનું કહ્યું, બધાએ મળીને રવિવારે સાંજે ભેગા થવાનું નક્કી કર્યું. શ્વેતાના બધા મિત્રો તો એકબીજાને ઘણા સમય બાદ મળવાની વાતથી જ ખુશ હતાં પણ ખરેખર એમને ખબર જ નહતી કે આ અચાનક ક્રિકેટ રમવાનું શ્વેતાને કેમ યાદ આવ્યું. 

જે રવિવારની સાંજની રાહ અધીરાઈથી જોવાતી હતી એ આવી ગઈ બધા મેદાનમાં આવી પહોંચ્યા. 

બીજી બાજુ શ્વેતા ભગવતી કાકીના ઘરે પહોંચીઅને બુમ પાડી, " ભગવતી કાકી, શું કરો છો? મારે તમારુ કામ છે"

ભગવતી કાકી બોલ્યા,"હું તો આ રહી દીકરી, બોલ શું કામ પડ્યું તને?" 

"મારી સાથે આવશો? તમારું એક કામ છે" શ્વેતાએ પુછ્યું. 

"હા, ચાલ આવું ને ! બોલ ક્યાં જવું છે?" ભગવતીકાકી તો ચંપલ પહેરીને છેક બહાર આવી ગયા. 

શ્વેતાએ કહ્યું," તમે ચાલો મારી સાથે મેદાનમાં ત્યાં જઈને તમને ખબર પડી જશે. "

અને બંને મેદાન તરફ જવા નીકળ્યા. 

રસ્તામાં શ્વેતાને થયું કાકી આ ઉંમરે પણ કેટલા સ્ફુર્તિલા છે ! બોલાવતાની સાથે જ ઉત્સાહથી આવી ગયા મારી સાથે, ઉંમરનો થાક તો દેખાતો જ નથી અને આજકાલ તો નાની ઉંમરના લોકો ય થાકીને સૂઈ જાય. 

"લે, આવી ગયા મેદાનમાં તો ! " ભગવતી કાકીએ શ્વેતાને કહ્યું. 

શ્વેતાએ હકારમાં માથું ધુણાવ્યું અને પછી બુમ પાડીને બધા મિત્રોને એની પાસે બોલાવ્યાં. 

"આ ભગવતીકાકી છે, મારી સોસાયટીમાં જ રહે છે અને એમને ક્રિકેટ રમવાનો ખુબ શોખ છે પણ એ કોઈ દિવસ રમ્યા નથી. માટે આજે આપણે એમને આપણી જોડે રમત રમાડવાના છે. તો તમે બધા તૈયાર છો? "

બધા એકીસાથે બોલ્યા, "હા"

પણ ભગવતીકાકીએ તો ચોખ્ખી ના પાડી દીધી, બધા તો ઝંખવાળા પડી ગયા. 

પછી શ્વેતાએ કારણ પુછ્યું તો એમણે કહ્યું કે " બેટા ! આ ઉંમરે છોકરાઓની રમત મારાથી ના રમાય, કોઈ જુએ તો ખરાબ લાગે અને જો રમતાં રમતાં લાગી જાય તો લોકો હજાર વાતો કરે"

શ્વેતાએ કહ્યું, " તમને જોવાવાળા તો એમ કહેશે કે અરે ! આ ઉંમરે પણ આટલું સરસ રમી શકે છે કાકી."

અને રહી વાત લાગવાની તો એ તમે ના રમતાં હોવ તોય લાગે જ છે ને અને હજાર વાતો બનાવવી એ તો લોકોનું કામ છે એ એમને કરવા દો, ચાલો આપણે રમીએ."

કાકી તો શ્વેતાની વાત સાંભળીને તૈયાર થઈ ગયા. બધાએ ભેગા થઈને ખુબ મજા કરી, બધાની રજા કાકીને મળીને મજાની બની ગઈ. 

કાકીએ તો શ્વેતાનો અને એના બધા મિત્રોનો ખુબ આભાર માન્યો અને ખુબ આશિર્વાદ આપ્યા. 

પછી બધા પોતપોતાના ઘરે જવા નીકળ્યા. રસ્તામાં કાકીએ શ્વેતાને કહ્યું, "મને લાગે છે જાણે આ જ મારા જીવનની સૌથી ખુશ સાંજ હતી, મારા બચપણનું સપનું આજ પુરુ થયું, મનેય થતું કે લાવ રમવા જાઉં પણ છોકરીનો અવતાર એટલે ઘરની બહાર પગ ના મુકાય અમારા વખતમાં તો ! નિશાળ તો ગયા જ નહિ, છોકરાઓને મુકવા ગયા તે દિ જોઈ હતી નિશાળ તો. પેલા મા-બાપ ને ભાઈ અને પછી પતિ, દિકરો, દીકરી અને એમનાં છોકરાઓ બધું સાચવવામાં આખુ આયખું નિકળી ગયું કોઈ દિ એ વિચારવાનો સમય જ ના મળ્યો કે આપણા સપના પૂરા કરીએ પણ આજે તો તે આખી જિંદગીનો થાક ઉતારી દીધો. તું તો મારા માટે ખુબ સરસ અને મોંઘી ભેટ લઈ આવી. તને દુનિયાની બધી ખુશીઓ મળે અને તારા બધા સપના પૂરાં થાય. "

આટલું કહેતા કાકી તો રડી જ પડ્યાં. શ્વેતા એમને ચૂપ કરાવીને ઘેર મૂકી આવી. 

કાકીના આંખમાં આવેલાં એ ઝળઝળિયાં અને ચહેરા પર આવેલું એ ઉમંગનું વાદળું શ્વેતાના માનસપટ પર છપાઈ ગયું, આજે ફરી એકવાર શ્વેતાને સંતોષકારક ઊંઘ આવી અને મન પ્રફુલ્લિત થઈ ગયું.

શ્વેતાએ ફરી એકવાર ખુશી જાતે શોધી લીધી. ભગવતીકાકી અને વર્ષાબેન તો જાણે એની જિંદગીની ભેટ સ્વરૂપે આવ્યા હતાં. એ બંનેની ઈચ્છા પૂરી કરીને, એમને ખુશ કરીને એ ખુબ ખુશ હતી. 

આ વાતને બેએક મહિના થયા હશે. આવી રીતે એ ઘણા લોકોની મદદ કરવા લાગી અને વળતરમાં એને ખુબ બધી ખુશીઓ મળે. સમય મળે એટલે એ આવા લોકો શોધે અને પછી એમની ઈચ્છાઓ પૂરી કરે અને કંઈક પામ્યાનો સંતોષ મેળવે.

એક દિવસ શ્વેતાએ આ બધા અનુભવો જાનકીને કહ્યા. જાનકીએ તો આ સાંભળ્યું તો એને નવાઈ લાગી. આવી ખુશી? 

પણ શ્વેતાએ કહ્યું કે,"ખરેખર આ કંઈક અલગ જ અનુભવ છે."

જાનકી આપણી લેખક એટલે એણે તો આ બધું લખ્યું અને વાર્તા બનાવી દીધી. 

હવે, થયુ એમ કે જેટલા લોકોએ જાનકીનું લખાણ વાંચ્યું એ બધા તો જાણે આશ્ચર્યચકિત થઈ ગયા અને પુછવા લાગ્યા કે ખરેખર આ વાત હકીકત છે? અને જાનકી એ બધાને કહેવા લાગી તમે પણ આવો એકાદ અનુભવ કરો તો સમજાઈ જશે કે સાચું છે કે નહીં ! 

અને હા તમે કંઈ આવુ કરો છો, કોઈ બીજાની મદદ કરીને સંતોષ અનુભવો છો, કોઈને ખુશ કરવા પ્રયત્ન કરો છો તો મને જણાવજો જરૂર...

જાનકીએ જે લખ્યું એ ઘણા મિત્રોએ વાચ્યું અને બીજા લોકોને પણ આ વિશે જણાવ્યું એટલે વાત જરાક આગળ વધી. કહેવાય છે કે સારા કામ કરવા માટે લોકો ભેગા ના કરવા પડે. સજ્જન માણસો હંમેશા તત્પર જ હોય, હવે શ્વેતા પાસેથી નિકળેલું આ આનંદનુ એટલે કે સાચી ભેટનું ઝરણું વહેતા વહેતા નદી બની ગયું. એટલે સરળ શબ્દોમાં કહીએ તો બીજા લોકો પણ પોતાના ઘરની કે આડોશપડોશ માં રહેતી સ્ત્રીઓ ના સપનાં જાણવામાં અને પૂરા કરવામાં રુચિ દાખવવા લાગ્યા. ઘરમાં પણ દરેક સ્ત્રીને માન અને મનનું કરવાની છૂટ મળવા લાગી પછી ભલે એ દીકરી હોય કે પુત્રવધૂ, મા હોય કે દાદી, કાકી, ભાભી, બહેન, પત્ની કે પછી સાસુ.

આ વહેણમાં ભણેલાં 'ને અભણ, નાના અને મોટા, સ્ત્રી અને પુરુષ બધા જ જોડાયા હતાં, અહીં એ સમાજ નો અર્થ બદલાઈ રહ્યો હતો જ્યાં સ્ત્રીનું સ્થાન તુચ્છ હતું, શ્વેતા આ બધું જોઈને વિચારતી હતી કે 'પેલો વુમન્સ ડે ના બનેલો પ્રસંગ ખરેખર આટલો બધો જરૂરી બની શકે એવું તો મેં કલ્પના પણ નહોતી કરી, આજે મારું સંપૂર્ણ ધ્યાન એક જ જગ્યાએ કેન્દ્રિત થયેલું હતું કે હું જેમને મળું છું, જાણું છું અને જોઉં છું એવી દરેક સ્ત્રીનું જો એક પણ સપનું જીવવામાં એની મદદ કરુ તો બસ આ અવતાર એળે ના જાય.'

 અને બસ એ તો લાગી ગઈ પછી કોઈ શાળામાં ભણતી કવિતાને આગળ વધવાની મદદ કરવામાં, શાકભાજી વેચતા શાંતિબેનને નવી સાડી પહેરીને મંદિર લઈ જવામાં, અને બાજુવાળા કાકીની દીકરીને એની પસંદગી ની નોકરી કરવાની મંજૂરી અપાવવામાં વગેરે વગેરે... 

જેટલું સરળ દેખાય એટલું સરળ તો કંઈ હોતું જ નથી, આ સપના સાકાર કરવા અને સાચી ભેટ આપવા માટે એને ઘણા લોકો સાથે દલીલો કરવી પડતી, કયારેક હાથ જોડીને વિનંતી પણ કરવી પડતી અને ક્યારેક તો ડરાવીને કે ધમકાવીને પણ કામ કરવું પડ્યું હતું, ઉપરથી એને રૂપિયા અને સમય બંને ખર્ચવા પડતાં, પણ આ કામનું મહેનતાણું એટલું આનંદદાયી મળતું કે શ્વેતા ક્યારેય થાકી ના જતી, જ્યારે ઘરનાં બધા સભ્યો નો માનસિક ટેકો આ કાર્ય કરવાની શક્તિ પૂરી પાડતો. 

અને હવે તો બધા મિત્રો પણ

જોડાયા છે જાણી ને એનો ઉત્સાહ બમણો થઈ ગયો. 

શ્વેતાની આ નાનકડી ભૂમિકા ઘણા માટે પ્રેરણારૂપ બની ગઈ, આ પ્રવાહ હવે અંતરિયાળ વિસ્તારમાં પણ પહોંચી ગયો અને સ્ત્રી સશક્તિકરણ માં ઘણો ફરક પડવા લાગ્યો. સ્ત્રીઓને રોજગાર આપવામાં ખચકાટ દૂર થયો અને જુદા જુદા ક્ષેત્રોમાં સ્ત્રીઓનું વર્ચસ્વ વધવા લાગ્યું, જે પણ આ સમજતા હતા એ બસ એટલું જાણવા લાગ્યા કે કોઈ ચડિયાતું નથી પણ સ્ત્રી પુરૂષ સમોવડિયા છે. આ બધું શ્વેતા કોઈક વાર્તા જેવું લાગે છે કેમકે જે સપનામાં ય ના વિચાર્યું હોય એવું વાતાવરણ, એવો સમાજ એની સમક્ષ હતો. 

બસ આમ ધીમે ધીમે આ કાર્ય આગળ વધી રહ્યું હતું અને પોતાના વ્યસ્ત જીવનમાંથી આ આનંદદાયી કામ માટે સમય નિકાળવા લાગ્યા. શ્વેતા પોતાના કામ અને અંગત જીવનમાંથી સમય નિકાળીને એની સાચી ભેટ મેળવવાની શોધમાં રહેતી.

આ ઘટનાક્રમ નિયમીત ચાલુ જ હતો, છએક મહિના જેવું થયું હશે અને એક તબક્કે બીજાના સપના સાચા કરવાની આ મુહિમમાં સફળતા પણ મળી હતી શ્વેતાને. એવામાં એની મુલાકાત એક એવી સ્ત્રી સાથે થઈ જેને એના આ કામને વાયુવેગે આગળ ધપાવવાની પ્રયુક્તિ આપી. 

એક એવું વ્યક્તિત્વ જેનાથી દરેક પ્રભાવિત થઈ જાય, ટટ્ટાર અને ખડતલ શરીર, સ્વભાવે કડક અને મનનાં મકક્મ પણ લાગણીશીલ અને બધાને મદદરૂપ થાય એવા કોમળ, ભાષા પર સારી પકડ, વાત રજૂ કરવામાં સચોટ આવડત, સંપૂર્ણ જવાબદારી ભરેલી યોજનાઓ સાથે રાખનાર, એક નજરે જોઈએ તો લાગે કોઈ કઠોરતાનો પથ્થર પણ ખરેખર તો હતાં એ આમ સાવ નિર્મળ અને દયાની મૂર્તિ. ઉંમર કદાચ બત્રીસેક વર્ષ હશે પણ અનુભવ જોતા લાગતું હતું કે જાણે પચાસ પૂરા થયા હોય. 

શ્યામ રંગી ઘાટીલું અંગ અને ચહેરા પર રેલાતું એ સહેજ સ્મિત એમની સુંદરતાની ઓળખ, આંખો જરીક ભુરી અને ઢગલો આશાઓથી ભરેલી, દરેક સ્ત્રીથી તદ્દન અલગ આભુષણ એમની પાસે હતું આત્મવિશ્વાસ, આત્મસન્માન અને હકારાત્મક અભિગમ. આ એમનો ટુંકમાં પરિચય કેમકે જેમનું આખું વ્યક્તિત્વ વર્ણવવા માટે તો શબ્દો ઓછા પડે એવું એક જ નામ એટલે 'રાહી'... 

શ્વેતાની મુલાકાત રાહી સાથે થઈ અને એનો રસ્તો જ બદલાઈ ગયો જાણે હવે એના ઉત્સાહ અને સાહસને સાચી દિશા મળી. 

'રાહી' એક એનજીઓ સાથે કામ કરતી હતી અને ગરીબ પરિવારો અને જરૂરિયાત પ્રમાણે યુવાનો અને સ્ત્રીઓની મદદ કરતી હતી, જ્યારે એને શ્વેતા વિશે સાંભળ્યું તો સામેથી જ શ્વેતાને મળવા આવી પહોંચી હતી. શ્વેતા પાસે થી બધી જ વાત સવિસ્તર જાણ્યા પછી એને સમજાયું કે શ્વેતાનું મન ખુબ મક્કમ છે એટલે એ બીજાને ખુશ રાખવાના અથાક પ્રયત્ન કરે છે, રાહી એના કામ પ્રત્યે ખુબ સંવેદનશીલ અને ઈમાનદાર હતી, એણે શ્વેતાને કહ્યું, "હું એક એન્જીઓમાં કામ કરું છું, તમે જે કામ કરો છો એ જ કામ હું ઘણા લોકોની અને સરકારની મદદથી કરુ છું, મને ખર્ચ કરવા માટે રકમ અને મદદ કરવા માટે મણસો પણ મળી રહે છે, હું જ્યારે પણ તમારા જેવા માણસો જોઉં છું તો મને ખુશી થાય છે અને હું એ ખુશી એમની મદદ કરીને વ્યક્ત કરું છું, હું ઈચ્છું છું કે તમે મારી યોજના એકવાર સાંભળી લો પછી વિચાર કરજો."

શ્વેતાએ પણ રાહી વિશે ઘણું સાંભળ્યું હતું અને એ જાણતી હતી કે જે કામ એ કરે છે એ સ્તરે પહોંચી શકવાનો વિચાર પણ કરી શકાય એમ નથી. પણ આજે એ વ્યક્તિ સામેથી આવી હતી એટલે શ્વેતાએ એમની વાત સાંભળવાની અને તેનો અમલ કરવાની તૈયારી બતાવતા કહ્યું, "તમે તમારું જીવન સમર્પિત કર્યું છે અને મારે તો માત્ર થોડો સમય જ ત્યાગ કરવાનો છે, તમે જે પણ યોજના બનાવી છે હું તમારી સાથે કામ કરવા તૈયાર છું, તમારા જેવા અદ્ભુત માણસ સાથે કામ કરવાનો મોકો મળ્યો એ જ સદ્દભાગ્ય કહેવાય."

રાહીએ ચહેરા પર જરીક સ્મિત રેલાયું અને જાણે કોઈ બાળકની હઠ પુરી થઈ હોય એવો ભાવ ચહેરા પર ફરી વળ્યો. 

બંનેએ મળીને પહેલું કામ પોતાના કામને નામ આપવાનું કર્યું, તેમણે એક નાનકડી ઓફિસ બનાવી અને "સાચી ભેટ" નામ રાખ્યું, સરકાર પાસેથી મદદ મેળવવા માટે પણ કામ કર્યું.

આમ, શ્વેતાના સ્વપ્નને આકાર મળ્યો, આ સંસ્થા સાથે એમણે બીજાં ઉત્સાહી લોકોને પણ જોડ્યા અને બીજા લોકોને જોડાવા માટે પ્રચાર પણ કર્યો, નાના ગૃહ ઉદ્યોગોને આગળ લાવવા માટે એક અલગ ટીમ બનાવી અને એમનો વ્યવસાય વધાર્યો, ગરીબ બાળકોને શિક્ષણ મળે એ માટે શિક્ષકોને પણ મદદ કરવા માટે સાથે લીધા અને પ્રૌઢ શિક્ષણ પણ શરૂ કર્યું, યાત્રાધામ પર વૃદ્ધોને લઈ જવાની વ્યવસ્થા ઈચ્છુક લોકોના ખર્ચે કરી, સ્ત્રીઓને રોજગાર મળે એ માટે ટીફીન સેવા અને પાપડ, ખાખરા, અથાણાં, ભરતગુંથણ, સિલાઈ અને આવા ઘણાય ઘરેલું ઉત્પાદનનો ને બજારમાં સાચી ભેટ સંસ્થા દ્વારા ખરીદીને વહેંચવાનું કામ કર્યું, કોઈપણ વ્યક્તિ દીકરી કે બહેનના ભણવા માટે મદદ લેવા આવે તો બધી જ મદદ કરી.

આમ દરેક ક્ષેત્ર અને દરેક સ્ત્રીને માટે સાચી ભેટ વરદાન સાબિત થયું.

પાંચ વર્ષ જેટલાં સમયમાં તો હજારો લોકોને રોજગાર મળ્યો અને મદદ કરવા માટે પણ ઘણાં લોકો આ સંસ્થા સાથે સ્વેચ્છાએ જોડાયા, ઘણાં નિઃશુલ્ક સેવા પણ આપતા હતાં જેવા કે ડૉક્ટરો, શિક્ષકો, ગાડી, રીક્ષા કે બસ ના ડ્રાઈવર અને બીજા ઘણા લોકો, આ સંસ્થા ને કામ કરવા માટે સરકારી મદદ પણ મળવા લાગી હતી.

ખુબ મોટી સંખ્યામાં લોકો જોડાયા અને શ્વેતાનું સ્વપ્ન પૂર્ણ થઈ ગયું. 

પણ... 

"જો શ્વેતા, આજે એક પત્ર આવ્યો છે, જેમાં લખ્યું છે આપણી 'સાચી ભેટ'ને આંતરરાષ્ટ્રીય બજારમાં રજૂ કરવા માટે સરકાર રોકાણ કરવા ઈચ્છે છે અને તને મળવા બોલાવી છે. "એકદમ સડસડાટ રાહી બોલી ગઈ.

શ્વેતા પણ સાંભળીને ખુશ થઈ અને એને રાહીને પુછ્યું, "મને કેમ મળવા બોલાવી છે, આ સંસ્થા તો તમારી છે હું તો ફક્ત નિમિત્ત છું."

તો રાહીએ શાંતિ થી કહ્યું કે, "શ્વેતા ભલે તારી નજરમાં આ બધું મારુ છે પણ આ જગ્યા અને સંસ્થાની માલિક અને સ્થાપક તો તું જ છે, તારે આ સંસ્થાને આગળ લઈ જવા માટે આ પ્રસ્તાવ સંબંધી ચર્ચા કરવા ત્યાં જવું જોઈએ એવું મને લાગે છે. "

રાહીની વાત સાંભળીને શ્વેતા તૈયાર થઈ ગઈ એને વિચાર્યું કે મળવા માટે કોઈપણ જાય કામ તો સંસ્થાનું જ છે ને ! 

બીજા દિવસે શ્વેતાએ સરકારી દફતરની મુલાકાત લીધી અને બધું જ બરાબર સમજીને કામ માટે સરકાર સાથે જોડાણ કર્યું અને સરકારે આર્થિક સહાય આપવાની જાહેરાત કરી.

શ્વેતાએ આ વાત રાહીને કહી. બંને ખુબ ખુશ થયા અને સંસ્થાના બધા લોકોને આ ખુશીના સમાચાર આપ્યા. 

આજે શ્વેતાનું સ્વપ્ન આકાશ જેટલું ઊંચું શિખર બની ગયું અને હવે સંસ્થા સાથે જોડાયેલ લોકોને અને રોજગાર મેળવતા લોકોને પણ ફાયદો થશે. 

એક દિવસ શ્વેતા સવારથી રાહીને ફોન કરતી હતી પણ સામે કોઈ જવાબ આપતું નથી, શ્વેતાને ચિંતા થવા લાગી હતી.

એને થયું કે રાહી ક્યાં હશે? એ જ્યાં પણ હશે ઠીક તો હશે ને? સવારથી એની કોઈ ખબર મળી નથી બસ, એ જ્યાં પણ હોય ઠીક હોય અને જલદી પાછી આવે તો સારુ !...

શ્વેતા રાહીની રાહ જોઈ રહી હતી અેને બધા જ પ્રયાસો કર્યા પણ રાહીની કોઈ ખબર ના મળી એટલે એણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ૪ દિવસ સતત શોધખોળ કરી પણ તોય કંઈ ફાયદો ના થયો. 

સતત ચાર દિવસથી શ્વેતાના મનમાં ખરાબ વિચારો આવ્યા કરતા હતા, એ અશાંત દેખાતી હતી, બધા જ હતા એની સાથે પણ એને ડર લાગી રહ્યો હતો, એણે એની મા ની સામે જઈને કહ્યું કે,"મેં મારાથી બનતા બધા જ પ્રયત્ન કર્યા છે પણ હું રાહીને શોધવામાં નિષ્ફળ રહી, એ દિવસે મેં એને બેંકમાંથી ગ્રાન્ટની રકમ આપી હતી અને બીજા દિવસે અૉફિસ લઈ આવવા માટે કહ્યું હતું પણ એ દિવસથી એની કોઈ ખબર મળી નથી, મને લાગે છે કે એની પાસે રહેલાં રૂપિયાના કારણે જ આ બધું થયું છે, મારે એને એકલી નહોતી મોકલવી જોઈતી જો એને કંઈ થયું તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકુ, રાહી દરેક વખતે મારી સાથે રહી છે અને કોઈપણ જાતના સ્વાર્થ વગર એને લોકોની પણ ખુબ મદદ કરી છે, એ ખૂબ દયાળું અને સારાં છે. હે ઈશ્વર, તમે રાહીની મદદ કરજો અને એની સંભાળ રાખજો. રાહીથી.... "

એક પોલીસ અધિકારીએ શ્વેતાને વચ્ચેથી જ અટકાવી અને પુછ્યું, "સાચી ભેટ ની માલીક કોણ છે? "

"હું છું ! "શ્વેતાએ નમ્રતા અને આશ્ચર્ય સાથે જવાબ આપ્યો.

અમે તમારી અટકાયત કરવા આવ્યા છીએ, તમારી વિરુદ્ધ ફરિયાદ આવી છે કે તમે કોઈ એનજીઓ ના નામ પર લોકો ને છેતર્યા છે."

શ્વેતા તો અસમંજસમાં પડી ગઈ અને બોલી,"સાહેબ, તમારી કંઈક ભૂલ થઈ છે, મારી સંસ્થા તો મદદ કરવા માટે છે. અમે અહીં જરૂરિયાતવાળી સ્ત્રીઓને મદદરૂપ થઈએ, ગૃહ ઉદ્યોગ અને નાના કારિગરોને પણ કામ અપાવીએ છીએ. છેતરપિંડી આચરી હું રાહીની મહેનત અને લોકોનો વિશ્વાસ તોડી ના શકું સાહેબ."

"રાહી કોણ છે આ હવે?? " પોલીસે પુછ્યું.

રાહી વિશે માહિતી આપી શ્વેતા એ જણાવ્યું કે છેલ્લાં ચાર દિવસથી એની કોઈ ભાળ મળી રહી નથી અને ફરિયાદ પણ નોંધાવી છે. 

પોલીસે થોડી પુછપરછ કરવી પડશે એવું કહ્યું અને શ્વેતાને સાથે લઈ ગયા.

શ્વેતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરનાર કોણ છે અને એની સાથે શું છેતરપિંડી થઈ એ વાત કોઈ જાણતું નહતું. જ્યારે ત્યાં પહોચ્યાં તો રાહી પહેલાથી જ હાજર હતી. એને જોઈને શ્વેતાના મનમાં ટાઢક વળી અને બીજા મિત્રોને પણ હાશકારો થયો. 

શ્વેતાએ કહ્યું, "આભાર સાહેબ, તમે મારી ખુબ મોટી સમસ્યા હલ કરી આપી, હવે મને લાગે છે કે તમારી જે ગેરસમજ થઈ છે એ પણ દૂર થઈ જશે. તમે રાહી ને સલામત રીતે શોધી લીધી એ માટે તમને ખુબ ખુબ ધન્યવાદ."

"જુઓ, મને કોઈ ગેરસમજ નથી થઈ. મારી પાસે પૂરતા પ્રમાણમાં પુરાવા છે અને સાક્ષી પણ છે. તમને આ માટે સજા તો થશે જ ! અને જ્યારથી આવ્યો ત્યારથી તમે રાહીનું નામ રટણ કરો છો? એ રાહી હજુ અમને મળી નથી. શોધખોળ ચાલુ જ છે."

શ્વેતાએ રાહી તરફ આંગળી ચીંધી અને કહ્યું, "આ રાહી છે સર."

અૉફિસર ચિડાઈને બોલ્યાં, "આ રાહી નથી. આ એક ફરિયાદી છે અને સાક્ષી પણ છે. એનું નામ સ્મિતા છે રાહી નથી. એક તો તમે એમને છેતર્યા અને હવે એમની ઓળખ ખોટી છે એવું સાબિત કરવા માંગો છો? તમે ચૂપચાપ ઉભા રહો અને જે પુછવામાં આવે એનો જ જવાબ આપો"

આ સાંભળતા જ શ્વેતાના પગ નીચેથી જમની સરકી ગઈ, એને એ ધરાર નિષ્ફળ ગઈ હોય એવું લાગવા માંડ્યું, આંખોમાં ઝળઝળિયાં આવી ગયા અને બધું જ એક પ્રપંચ લાગવા લાગ્યું. આ વાત સ્વીકારી લેવી એના માટે શક્ય નહતી, જેની સાથે એણે આટલો સમય કામ કર્યું એ વ્યક્તિને ઓળખવામાં થાપ ખાઈ ગયા નો માનસિક અફસોસ થયો, હમણાં શ્વેતાની સ્થિતિ એવી થઈ કે વર્ણવી જ ના શકાય, એને સમજાઈ ગયું કે આ પૈસા કમાવાનો એક ઢોંગી નાટક હતું અને હું એનુ મુખ્ય પાત્ર હતી જેની જાણ મને હતી જ નહિ. પણ હવે એની આ વાતનો કોઈ વિશ્વાસ કરશે નહીં, હવે બધી જ સમજ અર્થહીન છે. વ્યક્ત કરવાના પ્રયાસો પણ નિષ્ફળ જ છે.

છતાં લડવું જરૂરી હતું એટલે હાર માની ને બેસી જવાનો કોઈ અર્થ નથી. શ્વેતાના એક મિત્ર એ અદાલતમાં શ્વેતા માટે રજૂ થવાની તૈયારી કરી લીધી. 

હવે શ્વેતાના આજ સુધીના ત્યાગનો, સેવાનો અને મહેનતનો પ્રસાદ એને મળવાનો હતો. બધા જ ચિંતીત હતા... 

અને આખરે એ દિવસ આવી ગયો, બધા અદાલતમાં હાજર થયા, આજે લાંબી મુદતની ન્યાયની લડત બાદ છેલ્લી ઘડી આવી. આજે ન્યાયાધીશ અંતિમ નિર્ણય આપવાના હતા.

વર્ષોથી ચાલતી આ લડતનો આજે અંત થવાનો હતો. હવે શું નિર્ણય આવશે એ શ્વેતાને માટે કંઈ મહત્વનો નહતો પણ એને એ વાતનું દુઃખ હતું કે હવે પછી કોઈ એક સ્ત્રીના સ્મિત પર ભરોસો નહીં કરે જેમ મેં રાહી પર કર્યો હતો, હવે કોઈ બીજી સ્ત્રીની મદદ નહીં કરે જેમ મને મળતા લોકોની હું મદદ કરતી હતી, હવે કોઈ સાચી ભેટ આપવા અને મેળવવાના નિ:સ્વાર્થ અને નિખાલસ પ્રયત્ન નહીં કરે. સ્ત્રીને મળતા સન્માનની કદર નહીં થાય અને સૌ આ ઘટનાને ઉદાહરણ તરીકે પ્રસ્તુત કરશે. સ્ત્રીની સ્વતંત્રતા છેતરપિંડીની સાથે સરખામણી કરવામાં આવશે. પિંજરામાં રહેલી સ્ત્રી ફરી પાછી પિંજરામાં પૂરાઈ જશે. હવે એ પેલી મોકળાશ માટે તરસી જશે. એની ઈચ્છાઓ સાંભળ્યા પછી પણ એને પૂરી કરવામાં ખચકાટ તો રહેશે જ ! 

આમ વિચાર કરતી શ્વેતાના ચહેરા પર ઉદાસી સ્પષ્ટ જણાતી હતી. ન્યાયની શોધમાં આંખો સંપૂર્ણ થાકી ચૂકી હતી, 'સાચીભેટ' કેવી ? પ્રશ્નનો જવાબ હજુય અકબંધ હતો પણ એ મેળવ્યાનો આનંદ હવે મરી પરવાર્યો હતો. 

જે છોકરીએ પોતાની યુવાનીના વર્ષો સેવાર્થે ખર્ચી દીધા, જેણે બધાને પોતાનો જ પરિવાર ગણ્યો, જેણે મિત્રો સાથે ફરવાનો સમય વૃદ્ધાઓને આપ્યો, પરીવારનો સમય જરૂરિયાતમંદ લોકોને આપ્યો, નિ:સ્વાર્થ રીતે પોતાની બધી જ શક્તિ વાપરી અને બીજાઓને પણ આ કરવાની પ્રેરણા આપી, વધારે નહીં તો ફક્ત પોતાના પરિવારની અને જાણીતી હોય એવી સ્ત્રીઓનું સન્માન કરવાનું અને એમને પોતાની ઈચ્છા પ્રમાણે જીવવાની સ્વતંત્રતા આપવાનું પણ શીખવ્યું, સાચી ભેટ મેળવવાની જિજ્ઞાસા જગાડી અને એનો આનંદ માણતા શીખવ્યું. પણ અંતે એને કેવું વળતર મળ્યું? 

એણી બધી આશાઓ મરી પરવારી હતી પણ તો ય એને એમ હતું કે બધા મને ભલે ભૂલી જાય પણ આ સાચી ભેટ બધાં ને મળવી જોઈએ, દરેક વ્યક્તિના જીવનમાં આ પળો આવવી જોઈએ જેથી એને આ ધરતી પર અવતર્યાનો આનંદ થાય અફસોસ નહીં. છેક છેલ્લી ક્ષણો સુધી શ્વેતાએ પ્રયત્ન કર્યો કે એના અધૂરા સપના હવે એ લોકો પૂરા કરે જેમને આ આહ્લાદક, સંતોષકારક અને અંતરમનની ખુશી માણવાની ઈચ્છા હોય અને ખરી કિંમત જાણતા હોય. 

શ્વેતા કોર્ટમાં પહોંચી એ સમયે એના મનમાં ઘણી ગડમથલ થઈ રહી હતી. એના હાવભાવ અસ્પષ્ટ હતા કોઈ એક જ પ્રકારની વાત એ જાણે જૂદા જૂદા ઢંગથી વિચારી રહી હોય એવું જણાતું હતું. અદાલતમાં ન્યાયાધીશના આવવાની સાથે કામ શરૂ થયું અને દરવાજામાંથી એક યુવાને પ્રવેશ કર્યો અને વિનંતી કરી કે એને કંઈક કહેવું છે તો એ સાંભળવામાં આવે. એણે શ્વેતા નિર્દોષ છે એ વાત વિગતે કહી. એ યુવાન વર્ષાબેનનો દિકરો હતો જે પોતાની માતાની કદર કરવાનું શ્વેતા પાસેથી શીખ્યો હતો. 

આમ, લગભગ 4 કલાક સુધી બધા લોકોની વાત ન્યાયાધીશ સાહેબે સાંભળી. અને હજુય ઘણા લોકો બાકી છે એવી માહિતી ન્યાયમૂર્તિને મળી એટલે એમને સમજાયું કે આ વ્યક્તિએ ખરેખર કંઈક તો સારુ કામ કર્યું છે. એ દિવસે આ વિષયમાં વધારે તપાસ કરવાની અને બાકી બધા લોકોની વાત લેખિતમાં રજૂ કરવાનું કહ્યું. અને આ નિર્ણય હજુ એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવ્યો. 

હવે તપાસ ફરીથી શરૂ કરી અને રાહીના વિશે પણ પોલીસે તપાસ હાથ ધરી, આ બનાવટી પાત્રનું રહસ્ય ખુલ્યું અને એની સાથે જોડાયેલ બધા જ લોકો ની જાણકારી મળી. 

શ્વેતાને એક પોલીસે કહ્યું,"તમારા એનજીઓનું રજીસ્ટ્રેશન થયું જ નથી અને સરકાર દ્વારા તમને કંઈ સહાય પણ આપવામાં આવી નથી. આ બધું જ બનાવટી હતું અને તમે આ બનાવટનો શિકાર બની ચૂક્યા છો. હવે તમારા બચાવના અવસરો ઓછા થઈ ગયા છે. કેમકે આ બધુ તમે જ કર્યું છે એવું લેખિતમાં છે એટલે એ સાબિત કરવું મુશ્કેલ છે કે રાહી નામનું બનાવટી પાત્ર છે જેણે આ કર્યુ હતું. "

આ બધું જ અલગ રીતે પ્રસ્તુત થઈ રહ્યું હતું. દરેક ઘટના કંઈક નવા રહસ્યો ખોલે છે અને ફરી એ દિવસ આવી ગયો. ફરી એ જ જગ્યાએ એજ નિર્ણય સાંભળવા બધા ભેગા થયા. આજે શું થશે એ તો કુદરત જાણે પણ શ્વેતા એટલું સમજી ગઈ હતી કે એ એકલી નથી આ લડાઈમાં અને કદાચ એ હારી પણ જશે તોય એના સપનાતો પૂરા થશે જ ! એને એક અઠવાડિયા સુધીમાં આ બધી વાતો જાણી લીધી. ઐ હવે આત્મસંતોષ અનુભવી રહી હતી. 

અને ત્યાં જ ઓરડામાં ન્યાયાધીશે પ્રવેશ લીધો. એમના પ્રવેશતાં જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી, બંને પક્ષે વકીલો જૂદા જૂદા પુરાવા રજૂ કરતા હતા અને દલીલો કરતાં હતાં, કેટલાક લોકોને ત્યાં બોલાવીને પૂછપરછ પણ કરવામાં આવી રહી હતી આ બધું ન્યાયાધીશ ધ્યાનપૂર્વક સાભળતાં હતા અને જોઈ તપાસી રહ્યા હતાં. 

બીજી તરફ ન્યાયાલયની બહાર ખુબ મોટી ભીડ જામી હતી જેમાં શ્વેતાના પક્ષમાં ઘણાબધા લોકો આવ્યાં હતાં, જેમાંથી કેટલાંક એવા હતા જેમની મદદ શ્વેતાએ કરી હતી, કેટલાંક એવા હતા જેમનું કામ એનજીઓના કારણે થયું હતું તો અમુક એવા હતા જેમણે આ કાર્યમાંથી પ્રેરણા લઈને શ્વેતાની સાથે કામમાં જોડાયા હતા અને અમુક એવા પણ હતા જે સ્વતંત્ર રીતે જ શ્વેતાનું અનુકરણ કરીને 'સાચી ભેટ' માટે કામ કરતાં હતાં, ખુબ સંખ્યામાં સ્ત્રીઓ આજે હાજર હતી કેમકે આ યુવતી કે જેને છેતરપિંડી કરવાના આરોપસર ધરપકડ કરીને જેલમાં લઈ જવામાં આવી હતી એ શ્વેતાએ એમને પિંજરામાંથી આઝાદી અપાવી હતી, એણે સપનાઓ માટે લડતાં શીખવ્યું હતું, એણે જ જવાબદારી સાથે સ્ત્રીઓને ગગનમાં ઊડતા શીખવ્યું હતું. 

પણ આરોપ હજુ એમજ હતો કેમકે જે રાહીએ શ્વેતાને આ જાળમાં ફસાવી એ તો એક જુઠાણું હતી, એના હોવાનો કોઈ આધાર કે પુરાવો હતો જ નહિ. શ્વેતા જાણતી હતી કે રાહી જ સ્મિતા છે પણ એ સાબિત કરી નહોતી શકતી. ઉપરથી જે પુરાવા સ્મિતાએ શ્વેતાના વિરૂદ્ધ પ્રસ્તુત કર્યા હતા એ બધા જ સાચા હતાં. ઘણી દલીલો કરી પણ જે પાત્ર હતું જ નહિ એની સાબિતી કેવી રીતે મળે? 

શ્વેતા માટે રાહી હતી પણ એ બીજા માટે સ્મિતા હતી એટલે શ્વેતા જે પણ બોલે એ બધું જ જુઠાણું સાબિત થઈ જાય. 

હવે બીજો કોઈ જ રસ્તો હતો નહિ શ્વેતા પાસે પણ એ હજુય હારી નહતી, પોતાની જાતને નિઃસહાય સમજવાની ભૂલ એણે કરી હતી પણ હવે તો એની સાથે હજારો લોકો ઊભા હતાં બસ એને એ જ વાતનો સંતોષ હતો, મનોમન એ આ માટે ઈશ્વરનો આભાર વ્યક્ત કરી રહી હતી. 

અને અચાનક જ પોલીસ એક વ્યક્તિ સાથે ઓરડામાં દાખલ થયા અને ન્યાયમૂર્તિ પાસે આ વ્યક્તિને પ્રસ્તુત કરવાની મંજૂરી લીધી. પોલીસ ના જણાવ્યા મુજબ એ વ્યક્તિએ જ એનજીઓની સાચી ભેટની નોંધણી કરાવી હતી. જે તદ્દન ખોટી હતી. એ ઓફિસ પર જે સરકારી અધિકારીને લઈને આવ્યો હતો એ વ્યક્તિતો કોઈ નાટક મંડળીમાં કામ કરતો હતો. પોલીસને આ બધી જાણકારી સ્મિતાની જાસુસી કરતાં મળી હતી આ બધી વાત ન્યાયાધીશ સાહેબે સાંભળી અને પુરાવા પણ તપાસ્યા. શ્વેતાના વકીલે સ્મિતા ઉર્ફે રાહીના દરેક કાર્યક્રમ દરમિયાન શ્વેતા સાથેના ફોટાઓ પણ રજુ કર્યા. 

આ પરથી એ સાબિત થયું કે રાહી હોય કે ના હોય પણ સંપુર્ણ દોષી સ્મિતા જ છે. 

સ્મિતાને છેતરપિંડી કરવાના અને શ્વેતા પર ખોટા આરોપ લગાવવાની સજા કરવામાં આવી અને એની પાસેથી દંડની રકમ વસુલવામાં આવી જે પાછળથી સાચીભેટ ને આપવામાં આવી. 

બધા આ નિર્ણયથી ખુશ થયા અને શ્વેતા પણ આ આરોપોમાંથી મુક્ત થઈ ગઈ. બધું જ પહેલા જેવું વાતાવરણ બની ગયું.

થોડાક જ દિવસોમાં બીજાં હજારો લોકો આ સાચી ભેટ સાથે જોડાયા, જે માનતાં હતા કે આ સમય અને પૈસાનો વ્યય છે એ પણ માનવા લાગ્યાં અને આ કામમાં સાથ પણ આપવા લાગ્યા. શ્વેતાને ખરેખર તો હવે સાચી ભેટ મળી હતી. પહેલાં લોકો એટલા માટે જોડાતા કે આમાં આનંદ મળે છે પણ હવે એટલા માટે આમાં સાથ આપતા હતા કે ખરેખર એક છોકરી પોતાના સપનાઓ મુકી બીજી સ્ત્રીઓના સપનાં પૂરા કરવા માટે લડી શકે છે અને એને પોતાનું કર્તવ્ય માને છે તો એ આપણી પણ ફરજ છે કે એને સહકાર આપીએ અને બનતી મદદ કરીએ. આમ, એ બગીચામાં બનેલો બનાવ શ્વેતાના જીવનનું ઘડતર કરી ગયો, એનું લક્ષ બની ગયો. એ બનાવને નજરઅંદાજ કર્યા વગર શ્વેતા બધી સ્ત્રીઓના હક માટે લડી અને છેલ્લે એને એકલીએ શરૂ કરેલી આ લડતમાં હજારો લોકો જોડાયા. હવે એને એક એવો વિશ્વાસ બંધાયો કે જો આમ ને આમ લોકો એની સાથે આવતા જશે તો કયારેક એવું પણ બનશે કે સામે પક્ષે લડવા માટે કોઈ હશે જ નહિ. ખરેખર તો એ જ મારા જીવનનું ધ્યેય છે એજ આખરી મંઝિલ છે. વર્ષોનો સંઘર્ષ આજે સોનાની સવાર ઉગવાની ખબર લઈને આવ્યો. આખરે એ કાળી રાત (અપમાન અને ગુલામી)અસ્ત થઈ સૂરજ (સ્વમાન) ઉગવાના એંધાણ વર્તાવા લાગ્યા. આખરે શ્વેતાની એ નિર્દોષ આંખો આ ક્ષણોને માણવા થનગની રહી હતી. એના ચહેરા પર જીવન એળે ના જવાનો સંતોષ હતો. એની સાચી ભેટ આજે હજારો લોકોની મંઝિલ બની ચૂકી હતી. આજ વર્ષોના અંતરાય બાદ શ્વેતાના દેહાંત ઉપરાંત એના એ સપના જીવતા હતાં એનો આત્મા જીવતો હતો. 

એક યુવતી કે જેણે પોતાનાથી બનતી મદદ કરવાની શરૂઆત કરી અને લોકોએ એના આ કાર્યને આવકારી એનો સાથ આપ્યો અને એની યાદમાં એના સ્વપ્નને જીવંત રાખ્યું. જીવનપર્યંત એ સંતોષકારક વળતર મેળવતી રહી અને એની અંતિમ ક્ષણોમાં પણ એના ચહેરા પર એ વિશ્વાસ, એ સંતોષ, એ આનંદ અને એ જ નિખાલસતા હાજર હતી. 

એ દરેકને એક સંદેશ આપતી ગઈ કે આખી દુનિયા બદલવાની જિદ ના કરો બસ થોડો સમય ફાળવી તમારી આજુબાજુ જે છે એમની મદદ કરો, એમની જરૂરીયાત મુજબ એમનું ધ્યાન રાખો, હંમેશા હસતા અને હસાવતા રહો, સ્ત્રી પુરૂષ આવા ભેદભાવ ના કરો અને કંઈપણ કરવામાં નાનપ ના અનુભવો. સંતોષ અને આનંદમય હોય એવું સાદગીવાળું જીવન જીવો. 

ખુશ રહો, ખુશ કરો !

બસ એ જ સાચી ભેટ છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama