મારી ઢીંગલીને પત્ર
મારી ઢીંગલીને પત્ર
મારી પ્રિય ઢીંગલી,
આશા છે કે તું ખુશ અને મઝામાં હશે ! હું પણ અહીં મજામાં છું. તને ખુબ યાદ કરું છું. રોજ કંઈને કંઈ એવું થાય જ છે જેથી તારી યાદ આવી જ જાય. તને યાદ છે જ્યારે આપણે મળ્યા ત્યારે તો એકબીજાને પસંદ પણ ન હતા. પછી ધીમે ધીમે આપણી મિત્રતા થઈ અને એ ગાઢ થતી ગઈ. મને આજેય એ બધું યાદ છે. કોલેજનું દરેક લેક્ચર અને આપણે સાથે વિતાવેલી દરેક ક્ષણો બધું જ.
તને યાદ છે આપણે કેટલી વાતો કરતા. દરરોજ એવું થતું કે સમય ખૂટી પડે પણ વાતો તો બાકી જ રહી જતી. આજકાલ તો છ મહિને વાત થાય તો પણ ‘કેમ છો ?’ પછી આગળ બીજી કોઈ વાત જ નથી થતી. ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ફેસબુક અને ફોન કોલ આખો દિવસ આ જ કામ રહેતું. હું એવું ક્યારેય નહીં કહું કે આજે પણ એ જ વાતો કરીએ કેમકે હું પણ જાણું છુ કે સમય સાથે કામ અને જવાબદારી વધી જાય છે. હવે એટલો સમય ન મળે. પણ તોય હું આપણી એકબીજાને હાર્ટ મોકલવાવાળી ગેમ ને ખૂબ મિસ કરું છું. આજેય પોકેમોન જોતી હોઉં ત્યારે પિકાચુ ને જોઈને તારી યાદ આવી જ જાય છે. મને જ્યારે જ્યારે સાથની જરૂર પડી ત્યારે ત્યારે તમે સાથે મળ્યા જ છો મને. મને મારા ગુસ્સાનું કારણ હોય કે નાનામાં નાની ખુશી તમારી સાથે વહેંચવી ગમતી હતી. મને તો આજેય ગમે છે એટલે તો આ પત્ર લખવાની હિંમત કરી છે. આપણો સાથ ખુબ જ ઓછા સમય માટે લખાયેલો હતો પણ જેટલો સમય હતો એ ખૂબ જ મજેદાર હતો. આજેય જ્યારે તમારા ઘરની આજુબાજુથી નીકળવાનું થાય ત્યારે મનમાં વિચાર તો આવી જ જાય કે લાવ મળી લઉં. પરં
તુ હવે મારી એટલી હિંમત જ નથી થતી કે આમંત્રણ વગર આવી જાવ. પહેલાં તો હું તમે ના પાડતાં તોય આવી જતી અને જમવા પણ બેસી જતી. આજકાલ તો કોઈના પણ ઘરે જમવા બેસુ તો અજીબ લાગે છે. સાચુ જ છે જ્યાં હક ના હોય ત્યા તો આમંત્રણની રાહ જોવી જ રહી. તમારા મિત્રોને ય હું પોતાના માનવા લાગી હતી પણ મને ક્યાં ખબર હતી કે આપણી જ મિત્રતા મારી પોતાની નથી. મને એમ તો નથી થતુ કે તમે મને ભૂલી ગયા હશો પણ એમ જરૂર વિચાર આવે કે તમને મારી યાદ આવતી હશે ખરી ? તમે મારા માટે શું વિચારો છો કે વિચારતા જ નથી એ તો તમને અને તમારા ભગવાનને ખબર પણ હું જ્યારે પણ તમારો વિચાર કરું ખુશ થઈ જાઉ છું અને બસ ક્યારેક જ રડી પડું છું. મારું તમારી માટે ચોકલેટ લાવવુ હોય કે તમારા જન્મદિવસ ને ખાસ બનવાનું હોય એટલી મજા આવે કે પુછો જ નઈ. હું એ બધી જ મજા ને ખુબ યાદ કરૂ છું. તમારા ચહેરા પર આવેલા એ સ્મિત ને ખુબ યાદ કરું છું. મારા માટે તો મારી ઢીંગલીનો જન્મદિવસ એટલે આખા વર્ષનો સૌથી ખાસ અને સુંદર દિવસ.
તમારી ખૂબ યાદ આવે છે અને તમને મળવાનું પણ ખુબ મન છે. પણ તમે ચિંતા ના કરજો હવે હું નહીં આવું મળવા અને તમારો સમય બગાડવા. મને બસ એ વાતની ખુશી છે કે મારી ઢીંગલી ખુશ છે અને હા તમને જ્યારે પણ મારી જરૂર હશે હું ચોક્કસ આવીશ.
મારી ઢીંગલી મારી ખાસ મિત્ર. તમારી સાથે વિતાવેલો સમય મારા જીવનનો યાદગાર સમય છે. તમે બસ ખુશ રહેજો અને તમારા પરિવારનું ધ્યાન રાખજો.
તમારી મિત્ર તો નથી પણ શુભચિંતક... ડોબરેનર.