સપના જોવાનું ચાલુ જ રાખવું
સપના જોવાનું ચાલુ જ રાખવું
કેટલી વાર એવું થઈ શકે કે હું કંઈક કરવાનું વિચારુ અને એ ના થાય. રોજ એવું થાય છે પણ તોય મારી હિંમત નથી ખૂટી હજુ. રોજ હું એક નવુ સપનું જોવા માટે તૈયાર જ છું. કેમકે હું જાણું છું કે ના તો સૂરજ મારી મરજીથી ઊગે છે ના આથમે છે. વરસાદ પણ મારી મરજીથી નથી આવતો. આ દુનિયામાં જે પણ ઘટનાઓ થાય છે એમાંથી એકેય મારી મરજીથી થતી નથી. અરે મારા પોતાના શ્વાસ પણ મારી ઈચ્છા મુજબ નથી ચાલતાં તો પછી હું સપના કેમ જોઉં છું ? શું એ મારી મરજીથી પૂરાં થશે ? હવે, આ પ્રશ્નનો તો જવાબ નથી પણ એટલી ખબર છે કે હું કંઈ નહી કરું તો પછી મારા શ્વાસ જેની મરજીથી ચાલે છે એને હું શું જવાબ આપીશ. જેની મરજીથી મને નવા સપનાં જોવાનો મોકો મળ
ે છે એને શું જવાબ આપીશ ?
આ તો એવું છે કે એ મને શ્વાસ આપે છે, મને સપના જોવા અને પુરા કરવા નવો દિવસ આપે છે, હિંમત આપે છે અને સાથ પણ આપે છે અને પછી જો હું સપના જીવવાનો પ્રયાસ પણ ના કરૂ તો આ બધુ મને આપવાનો શું અર્થ ?
જીવન એક રમત છે એમાં હાર જીત તો થતી જ રહે છે. ઘણા સપના અધૂરા રહી જાય છે પણ તોય સપના જોવાનું ચાલુ જ રાખવું છે મારે અને ચાલુ રાખવું જ જોઈએ. કેમકે જ્યારે મારા માલિક આવીને પૂછે મને કે તે શું કર્યુ ત્યારે મારી પાસે કહેવા માટે ઘણી વાતો હોય અને સફળતાના ખિતાબ ભલે ના હોય પણ નિષ્ફળતાની અઢળક વાર્તાઓ હોય. જિંદાદિલીથી જીવ્યાનો આનંદ હોય. એથી વિશેષ મારા માલિકની બીજી શું ઈચ્છા હોય.