વારસદાર
વારસદાર


હવેલી મારી આંખોની તદ્દન સામે હતી. આખરે હું મંઝિલ ઉપર પહોંચીજ ગયો. ભારતની આ મારી પહેલી મુલાકાત હતી. વિમાનમાં પસાર કરેલા લાંબા વિશ્રમવિહીન કલાકોથી શરીર થાકીને પીડા આપી રહ્યું હતું. સવારના છલોછલ પ્રકાશથી શરૂ થયેલી મારી યાત્રા કાળી ગાઢ અંધકાર રાત્રી ઉપર આવી સમાપ્ત થઇ હતી. 'જેટ લેગ'થી મગજના સ્નાયુઓ અને શરીરના દરેક અંગો કળી રહ્યા હતા. બસ હવેલીની ચાવી હાથ લાગી જાય અને ઊંઘની ટીકડી ગટગટાવી હું પથારી પર ફસડાઈ પડું, એ યોજના જોડે મારા પગ હવેલીના નજીક સ્થાયી કોઈ નાનકડા ખોલી સમાન ઘરને શોધવા ઝડપથી ઉપડ્યા. મમ્મીએ શું નામ કહ્યું હતું ? હા, ઘનશ્યામ ! હવેલીનો વરસો જૂનો સેવક. બંગલાની આજુબાજુનાજ વિસ્તારમાં એનું નાનકડું ઘર હતું. બંગલાની ચાવી એની જોડેજ રહેતી હતી. બંગલાની સારસંભાળ વરસોથી એનેજ સોંપવામાં આવી હતી. મમ્મી પપ્પાને ભારત છોડી અમેરિકા વસવાને વરસો વિતી ચૂક્યા હતા. અંતિમવાર અમારા પરિવારના એક માત્ર સભ્ય મારા દાદીબાનો અંતિમસંસ્કાર કરવા તેઓએ ભારતની મુલાકાત લીધી હતી. ત્યારે હું મમ્મીના ગર્ભમાં હતો. એટલે આમ જોવા જઈએતો આ મારી ભારતની બીજી મુલાકાત કહી શકો અને કદાચ અંતિમ પણ...
અમારી વરસો જૂની 'પુખ્તાની' હવેલીનો સોદો કરવાજ હું અહીં હજારો માઈલની યાત્રા કરી પહોંચ્યો હતો. મમ્મીની હજાર વારની 'ના' સાંભળવા છતાં. પણ પપ્પા હવે અહીં ક્યાં આવી શકવા સમર્થ હતા ? એમના 'પેરાલીસીસ'ને કારણે હવે તેઓ સંપૂર્ણપણે પથારીવશ હતા. મમ્મી પોતાના ઓફિસના કાર્યો અને મારા લગ્નની તૈયારીઓ વચ્ચે ગળાડૂબ વ્યસ્ત હતી. મને પણ આવવાની સીધી સ્પષ્ટ ના જ પાડી દીધી હતી.
"કમોન સમર્થ... હવે બધા વ્યવસાયિક સોદાઓ ઇન્ટરનેટ બેન્કિંગથી શક્ય છે ...આમ આટલે દૂર જવાની..."
"મમ્મી તારી ના પાછળનું કારણ હું સારી રીતે જાણું છું. આઈ કાન્ટ બીલીવ ધીશ. આટલા વરસો અમેરિકામાં રહીને પણ તું હજી એ ભારતીય અંધશ્રદ્ધાઓમાં વિશ્વાસ રાખે છે . હવેલીના દરેક વારસદારોની આત્મા હજી પણ હવેલીમાં વાસ કરે છે . હા..હા...હા...કોઈ બૉલીવુડ હોરર ફિલ્મની વાર્તા જેમ... ધેટ વન એન્ડ ઓન્લી રામુકાકા એન્ડ હીસ એવરગ્રીન લૅન્ટર્ન... પ્લીઝ મોમ..."
"સમર્થ જે બાબતનું જ્ઞાન ન હોય, અનુભવ ન હોય. એના વિશે કઈ ન બોલવું જોઈએ એજ ઉચિત... મને તો બસ તારી ચિંતા છે... અહીં ઓફિસનું કામ, તારા પપ્પાની સંભાળ અને તારી લગ્નની તૈયારીઓ બધું મારાજ ખભે છે. નહીંતર હું જાતે તારી જોડે..."
"મમ્મી હું મારો ખ્યાલ રાખી શકું છું. એમ પણ ફક્ત ત્રણ દિવસ માટેતો જાઉં છું. હવેલીનો સોદો પતી જાયને હું સીધો 'બેક ટુ અમેરિકા' એ હવેલીમાં પપ્પાનું બાળપણ વીત્યું છે. હું ફક્ત એકવાર એ સ્થળને અનુભવવા ઈચ્છું છું. એ હવામાં મારા મૂળ રોપાયા છે . એ હવાને મારી શ્વાસોમાં સંગ્રહી રાખવા માંગું છું. હંમેશ માટે... પ્લીઝ..."
"ઠીક છે સમર્થ... પણ ખબર નહીં કેમ મારો જીવ વલોવાય છે ! તારો ખ્યાલ રાખજે..."
આખરે ધનશ્યામનું ઘર દ્રષ્ટિ આગળ ઉભું દેખાયું. નાનકડા ગામડામાં અર્ધ રાત્રીએ કુતરાનો રડવાનો અવાજ ચારે દિશામાં ગુંજી રહ્યો હતો. ઘનશ્યામના નાનકડા કાચા મકાનની છત ઉપર ચંદ્ર પણ ગાઢ કાળા વાદળોમાં છૂપાય ગયો હતો. એકલા અટૂલા મારા માનવ અસ્તિત્વને સાથ આપવા જાણે એ પણ તૈયાર ન હતો. જીવનભર નિહાળેલી બધીજ ભયાનક હોરર ફિલ્મોની વાર્તા, પાત્રો અને દ્રશ્યો જાણે એ રાત્રીના અંધકારપટ ઉપર વિચિત્ર સ્વરૂપે ઉપસી આવ્યા. પણ મારા શિક્ષિત અને તર્કસભર બુદ્ધિથી એ ડરામણાં વિચારોનો વ્યંગ કરતા હું ઘનશ્યામના બારણે ટકોરા પાડી રહ્યો. અંદર તરફથી સંભળાય રહેલા શબ્દો સમજી શકવાનો મારો પ્રયાસ નિષ્ફ્ળ નીવડતા આખરે મારે શબ્દોનો જ આશરો લેવો પડ્યો.
"ઘનશ્યામજી... ઘનશ્યામજી..."
મારા શબ્દોને કોઈ પ્રતિભાવ ન મળ્યો. અંદર તરફથી સંભળાય રહેલ શબ્દો એટલાજ મંદ અને યથાવત હતા. બારણે ફરી ટકોરા પાડવા ઉઠેલા મારા હાથ વડે બારણું ધીરેથી અંદરની દિશામાં ધકેલાયું. અગાઉથી ઉઘડેલુંજ બારણું મારા હળવા ધક્કાથી વધુ અંદર તરફ ધકેલાયું અને હું મકાનના અંદરના ભાગ તરફ પ્રવેશ્યો.
પૃષ્ટભૂમિમાંથી કૂતરાના રડવાનું સંગીત હજુ અકબંધ હતું. ખાટલા જેવી પથારી ઉપર પડેલા આધેડ વયના ઘનશ્યામના શરીર પાસે દારૂની ખાલી બોટલ ખુલ્લી પડી હતી. નશામાં લથપથ ઘનશ્યામ પોતાની અર્ધ બેભાન પરિસ્થિતિમાં શું બડબડાટ કરી રહ્યો હતો, એ સમજવું અશક્ય હતું. એના નજીક જઈ હું હવેલીની ચાવી મેળવવા પ્રયત્ન કરી રહ્યો.
"હું, સમર્થ મહેતા. વિશેષ મહેતાનો પુત્ર, અમેરિકાથી. હવેલીની ચાવી..."
મારા શબ્દોમાંથી ફક્ત 'હવેલીની ચાવી' જ સાંભળ્યું હોય એમ પોતાના ઓશીકા નીચે રાખેલ એક ચાવીનો ગુચ્છ મારી આગળ ધરતા મારા અંતિમ ત્રણ શબ્દોને પોતાના નશાવાળા સ્વરમાં એણે પુનરાવર્તીત કર્યા.
"હવેલીની ચાવી..."
ચાવી નિહાળતાંજ મારા શબ જેવા થાકેલા શરીરને અનેરી રાહત મળી. ઘનશ્યામના હાથમાંથી ચાવીનો ગુચ્છ લઇ હું ધીમે પગલે બહાર તરફ નીકળી આવ્યો. અર્ધબેભાન એ માનવી જોડે એ સમયે આગળ કોઈ વાતચીત કરવું નિરર્થક હતું. મારી થાક પણ ચરમસીમાએ હતી. હવે તો ફક્ત એક પથારી મળી જાય એટલુંજ પૂરતું હતું.
અંધકારને ચીરતો હું ઉડવાની ઝડપે હવેલીની સામે આવી ઉભો રહ્યો. પડું પડું થઇ રહેલું શરીર ચાવીના ગુચ્છમાંથી મુખ્યદ્વારની ચાવી શોધવા મથી રહ્યું. અચાનક આછું અંધકાર પાથરી રહેલા મુખ્યદ્વાર ઉપરના વીજળીના બલ્બમાં ચમકારા થવા લાગ્યા અને એક મોટા ઝબકારા જોડે બધોજ પ્રકાશ આલોપ થઇ ગયો. મારું હૃદય તીવ્ર ધબક્યું. પણ એ ભય ન હતો, એની ખાતરી હું મારા મનને આપી રહ્યો. ફક્ત એક ક્રિયા - પ્રક્રિયા તો હતી. બીજું શું ? આખરે મારા મોબાઈલની શેષ બેટરીમાંથી ટોર્ચનો ઉપયોગ કરતા, થોડા સમયના મૂંઝવણભર્યા પ્રયાસોને અંતે મુખ્ય દ્વારની ચાવી મળી અને હું હવેલીમાં પ્રવેશ્યો.
હવેલીના પ્રવેશ વિસ્તાર નજીકના વીજળીના તમામ હાજર વિકલ્પો ઉપર મારો હાથ ફરી વળ્યો. પણ વીજળી મળી શકવાની શક્યતા નહિવત હતી. અર્ધી રાત્રીએ ઘોડા વેચીને પોઢેલા નાનક
ડાં ગામમાં કોની મદદ મળવાની હતી ? દારૂ ઢીંચીને બેભાન ઢળેલાં ધનશ્યામ પાસે કોઈ અપેક્ષા સેવવી સંપૂર્ણ નકામી હતી.
મોબાઈલની વધેલી બેટરી પરજ આખી રાત્રી કાઢવાની હતી. માનસિક રીતે પોતાની જાતને એ અંગે તૈયાર કરતો હું મોબાઈલમાંથી નીકળી રહેલા પ્રકાશને અનુસરતો, હવેલીમાં કોઈ એક ઊંઘવા યોગ્ય ઓરડો શોધી રહ્યો. વિશાળ દાદરો, અતિપ્રાચીન ઝુમ્મર, ઊંચી કદાવર ફોટોફ્રેમ, એન્ટિક ફર્નિચર, લાકડાની નકશીકામ વાળી ખુરશીઓ... બધુંજ કોઈ ફિલ્મના દ્રશ્ય જેવો આભાસ રચી રહ્યા હતા અને હું જાણે એ ફિલ્મનો મુખ્ય અભિનેતા.
મોબાઈલનો ઝાંખો પડી રહેલો પ્રકાશ બેટરી સમાપ્ત થવાનો સ્પષ્ટ નિર્દેશ કરી રહ્યો હતો. બેટરી સમાપ્ત થાય એ પહેલાજ વિશાળ દાદરો નજીકના સૌથી પહેલા ઓરડામાં હું ધસી પડ્યો . અચાનકજ મારા પગને એક વિચિત્ર સ્પર્શ થયો અને શરીરમાંથી એક વીજળીના ચમકારા જેવી તરંગ ધ્રુજી રહી . ડરીને હું થોડો પાછળ ખસયોજ કે મારા પગ ઉપર પોતાના સુંવાળા શરીરનો સ્પર્શ છોડી અંધકારમાં તેજ ચળકતી બે આંખોવાળી એક કાળી બિલાડી ઓરડાના બહાર ડોટ મૂકી રહી. હું ખરેખર એક બિલાડીથી ડરી ગયો ? મમ્મી પાસેથી સાંભળેલો હવેલીનો ભૂતિયા ઇતિહાસ, વારસદારોની આત્માઓના વસવાટ અંગેની માન્યતાઓ અને મારા શરીરનો થાક બધુંજ કદાચ સંમિશ્રિત થઇ મારા મન પર આડઅસર ઉપજાવી રહ્યું હતું.
"યુ નીડ ટુ સ્લીપ સમર્થ..." પોતાની જાતને આશ્વાસન આપતો હું આંખો આગળના વિશાળ પલંગ ઉપર પછડાયો.
બેટરી બચાવવા, મોબાઈલ સ્વિચ ઓફ કરવા આંગળી મોબાઈલ ઉપર ફેરવી જ કે પલંગના પડખે એક મોટો ખડકાટ થયો. મારું હૃદય અતિવેગે ઉછળ્યું. ફરીથી એજ ક્રિયા - પ્રતિક્રિયા ! મોબાઈલનો પ્રકાશ અવાજની દિશા તરફ ધર્યો અને પલંગની નીચે પડેલી એક જૂની ફોટો આલ્બમ હાથમાં આવી. ધૂળ ખંખેરી આલ્બમના પીળા પડી ગયેલા પાનાઓ હું અધીરાઈથી ફેરવી રહ્યો. કદાચ પપ્પાના પણ ઘણા બધા ફોટો હશે એમાં. આવી બધીજ કિંમતી યાદો મને હવેલીનો સોદો કરવા પહેલા પોતાની સાથે લઇ જવા શોધીને ભેગી કરવાની હતી. હજી બે દિવસ હતા મારી પાસે. બગાસાઓની વચ્ચેથી એક ઊડતી નજર આલ્બમની દરેક તસ્વીર પર ફરી રહી. પોતાના પૂર્વજોના ચ્હેરાઓ ઉડીને આંખે વળગી રહ્યા. ધીરે રહી શરીર પથારી પર લંબાયું. આલ્બમ છાતીને સ્પર્શી રહી. મોબાઈલની બેટરી બંધ કર્યા વિનાજ અને થાક તેમજ ઊંઘ માટેની ટીકડી પીધા વિનાજ ક્યારે મારી આંખો મીંચાઈ ગઈ એની જાણજ ન થઇ.
ગાઢ નિંદ્રાધીન મારા શરીરને કોઈએ હલાવી નાખ્યું હોય એવા અનુભવ જોડે હું સફાળો પલંગ ઉપર જાગી ઉઠ્યો. મારા મોબાઈલની બધીજ બેટરી વપરાઈ ચૂકી હતી. હું આગળ કંઈક કરવાનું વિચારું એ પહેલાજ ઓરડાના બારણામાંથી એક સફેદ ધોધ જેવો પ્રકાશ આંખોને વીંધી રહ્યો. મારા કાનમાં વિચિત્ર પડઘા સંભળાઈ રહ્યા.
"તું આવી ગયો બેટા ? તારું સ્વાગત છે..."
સમૂહમાં બોલાઈ રહ્યા હોય એવા પુનરાવર્તિત શબ્દોથી મારા હય્યાના ધબકાર બહાર સંભળાવા લાગ્યા. હું ચીખી જ ઊઠતે પણ મારો જાણે અવાજ જ છીનવાઈ ગયો હતો. હું મારું ગળું પકડી શબ્દોને જાણે બહાર ધકેલવા ધક્કા લગાવી રહ્યો હતો. પણ મારા શબ્દો સ્વરવીહીન બની ગયા હતા. આખું શરીર જકડાઈ ગયું હતું. લાખ પ્રયાસો છતાં શરીર હલનચલન કરી રહ્યું ન હતું.
મારા જાગ્રત અને અર્ધજાગ્રત મન વચ્ચે જાણે યુદ્ધ છેડાયું હતું. બન્ને મળીને જાણે મને ભીંસી રહ્યા હતા. મારો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. એક ડરામણું સ્વપ્ન કે એક ડરામણી હકીકત ? મારા શરીરના દરેક રુંવાડા ઉભા થઇ ગયા હતા. શરીર અતિ ઝડપથી કંપી રહ્યું હતું. ખબર નહીં માનસીક તાણ અને તણાવથી હું સાચેજ બેભાન પડી ગયો કે એક ડરામણું સ્વપ્ન આખરે સમાપ્ત થયું ?
હવેલીના મુખ્ય દ્વારના ખડકાટથી મારી આંખો ઉઘડી. માથું ખુબજ ભારે હતું. થાકથી શરીર ઢીલું પડી ચૂક્યું હતું. શરીરના સ્નાયુઓ અને હાડકા ખેંચાઈ રહ્યા હોય એવી પીડા આપી રહ્યા હતા. હવેલીનો ઓરડો પ્રકાશથી ચમકી રહ્યો હતો. સવાર પડી ચૂકી હતી. રાત્રિનું પેલું ભયાનક સ્વપ્ન હજી પણ હકીકત સમું આંખો સામે ઉભું હતું, જે હજી સુધી હૈયાંને ધ્રુજાવી રહ્યું હતું.
સીધોજ ઓરડાની બહાર નીકળી હું હવેલીની વિશાળ દાદરો સામે પહોંચ્યો. જૂની પ્રાચીન એન્ટિક લોલકે બાર ટકોરા પાડ્યા. મધ્યાહન સુધી હું ઊંઘતો જ રહ્યો ?
નજર સામે ઉભેલા ઘનશ્યામનો નશો પણ ઉતરી ચૂક્યો હતો. હાથમાં થામેલા સમાચારપત્રમાં એ કશેક ઊંડો ઉતરી ચૂક્યો હતો. મારા આગમનથી અજાણ એની નજરો હજી પણ સમાચાર પત્રમાંજ હતી.
"મને જગાવ્યો કેમ નહીં ?"
મારા પ્રશ્નથી એ રીતસર ધ્રુજી ઉઠ્યો. એના ડરને દૂર હડસેલતા હું હળવા સ્વરે બોલ્યો :
"એક ચા મળશે ?"
મારા બીજા પ્રશ્નથી તો એ રીતસર કાંપતો હવેલીની બહાર દોડી ગયો અને થોડીજ ક્ષણોમાં આંખોથી ઓઝલ થઇ ગયો. હું ખોટો હતો. દારૂ વધારેજ ઢીંચી હતી કદાચ. નશો હજી ઉતર્યો ન હતો.
ચા હવે બહાર જઈ પીવી પડશે. એ વિચારે આળસ મરોડી જમીન પર પછડાયેલા સમાચાર પત્રને હાથમાં ઉઠાવ્યું. પાનાઓ ઉથલાવ્યા. એ સમાચારપત્રનાં પાનાઓ વચ્ચે મારી આંખો પણ ઘનશ્યામ જેવી જડ બની મંડાઈ ગઈ.
જે વિમાનમાં હું મુસાફરી કરી આવ્યો એ વિમાનના અકસ્માતની તસ્વીરોથી આખું સમાચારપત્ર ઉભરાઈ રહ્યું હતું. અંતિમ પાના ઉપર ભાંગી પડેલી મમ્મી જોડે મારા પાર્થિવ શરીરની તસ્વીર પણ છપાય હતી, જેનું મથાળું આ પ્રમાણે હતું : 'જાણીતા એન આર આઈ ઉદ્યોગપતિ વિશેષ મહેતાના એકનાએક પુત્ર સમર્થ મહેતાનું પણ હૃદય દ્રાવક વિમાન અકસ્માતમાં યુવાન વયે મૃત્યુ.'
મારા જડ શરીરને ફરીથી રાત્રિમાં અનુભવેલા શબ્દો સંભળાયા.
"તું આવી ગયો બેટા ? તારું સ્વાગત છે..."
હું ધીરે રહી પાછળ ફર્યો. રાત્રે આલ્બમમાં નિહાળેલા મારા પૂર્વજોના ચ્હેરા સફેદ પ્રકાશ પાથરતા મારી આંખો સમક્ષ હતા. એ દરેક જડ આંખોમાં ખુશીની ચમક હતી. એમનો અંતિમ વારસદાર આજે એમને મળી ગયો હતો.
"અંતિમ ?"
"હા, અંતિમ... હવે ક્યાં મારા લગ્ન...?"
એ વિચાર સાથેજ મારા હાથમાંનું સમાચાર પત્ર નિર્જીવ રીતે ભોંય પર સરી પડ્યું...