mariyam dhupli

Comedy Inspirational

2.7  

mariyam dhupli

Comedy Inspirational

માર્ગદર્શન

માર્ગદર્શન

8 mins
239


ભારે ડગલે એ ઘર ભણી ઉપડી રહ્યો હતો. હાથમાંનો થેલો મન કરતાં પણ ભારે હતો. એ થેલાની અંદર એને સોંપવામાં આવેલી બજારની સામગ્રીની યાદી અને એ યાદીમાં સમાવેશ પામેલ બધોજ સામાન ક્રમબદ્ધ ચકાસણી પામી ગોઠવાયેલો હતો. આજે રવિવારનો દિવસ હતો. એને મોડે સુધી ઊંઘવું હતું. આખું અઠવાડિયું ઓફિસમાં કેટલી ભાગદોડ કરી હતી. ઉપરથી ઉનાળાનો ઉકાળો !

ઉફ્ફ...

વિચારતાં વિચારતાં જ એક નિસાસો મોઢામાંથી પરવાનગી લીધા વિનાજ સરી પડ્યો. એ નિસાસો ફક્ત રવિવારની સવાર બગડવા માટેનો ન હતો. એ તો એ દરેક અગણિત અણગમતી ક્ષણો માટે હતો જે એણે અંતિમ એક વર્ષથી કાળજે પથ્થર મૂકી મૌન સહી લીધી હતી. 

એ રજાના દિવસ માટે જયારે એણે શાંતિથી બેસી મિત્રો જોડે ક્રિકેટની મેચ નિહાળવી હતી પરંતુ કમને શોપિંગમોલનાં ચક્કર કાપવા પડ્યા હતા. એ રાત્રી માટે જયારે એણે આખા દિવસના થાક પછી નેટફ્લિક્સ ઉપર પોતાની ગમતી થ્રિલર મુવી નિહાળવી હતી પરંતુ બળજબરીએ સાસરે જમણના આમંત્રણમાં જવું પડ્યું હતું. એ સાંજે જયારે મિત્રો જોડે પાર્ટીનો પ્લાન બન્યો હતો પરંતુ રેવાની તબિયત સારી ન હોવાથી ઘરેજ રોકાઈ જવું પડ્યું હતું. એ આખા અઠવાડિયા માટે જયારે ઓફિસના સાથી મિત્રો ભેગા મળી લોનાવલાની મજા માણી રહ્યા હતા પરંતુ રેવાએ ઘરે રાખેલા યજ્ઞ અને પૂજા માટે શહેરમાંજ ગોંધાઈ રહેવું પડ્યું હતું. 

લગ્ન પછી બધુંજ બદલાઈ ગયું હતું. આમ અચાનક ! એને તો હતું કે લગ્ન પછી તો મોજ જ મોજ....મોજ તો દૂરની વાત. પોતાનેજ જાણે ક્યાંક ખોવી બેઠો હતો. ન તો કોઈ સ્પેસ જીવનમાં, ન બચી હતી પ્રાઈવસી. અને ગઈ કાલે રેવાએ અન્ય ધડાકો કર્યો હતો. આખો પરિવાર એ સમાચાર સાંભળી આનંદના ઉત્સવમાં ગરકાવ થઈ ગયો હતો. પોતાને તો જાણે સાંપ જ સૂંઘી ગયો હતો. 

શું ? પોતે પિતા બનવાનો હતો ? 

પણ રેવાએ એકાંતમાં પહેલા એને આ વાત શા માટે ન જણાવી ? જો જણાવી હોત તો કદાચ એણે સીધેસીધા શબ્દોમાં કહી દીધું હોત,' મને લાગે છે આ બધું ઘણું ઉતાવળે થઈ રહ્યું છે. હજી આપણે યુવાન છીએ. હજી જીવનમાં ઘણું બધું કરવાનું છે. ઘણા સ્વપ્નો અધૂરા છે. મારી કારકિર્દીને મારે હજી ઊંચાઈએ લઈ જવી છે. આટલી મોટી જવાબદારી માટે હું અત્યારે જરાયે તૈયાર નથી. '

રેવાની આંખોમાં એની શોક્ગ્રસ્ત આંખો ઊંડે ઉતરી બધી વાત કરી રહી હતી. રેવા તો એ સ્તબ્ધ આંખો નિહાળી જાણે હોશ ગુમાવી બેઠી હતી. આટલી મોટી ખુશીના સમાચાર સાંભળી પતિના ચહેરા ઉપર કશે ખુશીની આછી રેખા પણ ન હતી ? એ ચહેરો પ્રફુલ્લિત થવાની જગ્યાએ તાણ અને ખચકાટ અભિવ્યક્ત કરી રહ્યો હતો. રેવાનાં પગ નીચેથી જાણે જમીન સરી રહી હતી. પરંતુ આસપાસ ખુશીનો ઉત્સવ ઉજવી રહેલ અને મોઢું મીઠું કરી રહેલ પરિવારનાં પતિ પત્નીનાં આ ભાવાત્મક જગત જોડે કોઈ પણ ભાવાત્મક તાર બંધાઈ રહ્યા ન હતા. બધા પોતાનીજ દુનિયામાં મસ્ત હતા. 

સવારે રેવા જોડે ફ્રેશ મૂડ સાથે એ મુદ્દે કોઈ ચર્ચાવિચારણા કરી શકાય એ પહેલાજ મમ્મીએ શયનખંડનો દરવાજો ખટખટાવી નાખ્યો હતો. હાથમાં બજારની યાદી થમાવી દીધી હતી. એણે ફોન કરી સંબંધીઓને પોતાના તરફથી સમાચાર પાઠવી પણ દીધા હતા. દાદી બનવાની ખુશીમાં પોતાની બન્ને બહેનો, ભાઈ અને રેવાનાં પરિવારને પણ સાંજે જમવાનું આમંત્રણ ફોન પરજ પાઠવી દીધું હતું. 

લટકાયેલા મોઢે બજાર ઉપડવા સિવાય અન્ય કોઈ વિકલ્પ હતો ખરો ?

સામે તરફથી આવી રહેલા ડગલાઓએ જાણે ક્ષણભર માટે એના વિચારોને ખંખેરી નાખ્યા. રવિવારની ખુશનુમા સવારે શોર્ટ્સ અને રિલેક્ષ ટીશર્ટમાં સજ્જ અવિનાશના ચહેરા ઉપરનો ચળકાટ નિહાળી એની આંખો અને હૃદય દર વખતની જેમ જ ઈર્ષ્યામાં લથપથ થઈ ગયા. અવિનાશનાં હોઠ ઉપરથી ગુંજી રહેલી સિસોટી એની માનસિક શાંતિ અને સંતુષ્ટ મનનો નિયમિત પુરાવો આપી રહી હતી. અવિનાશ તો ઉંમરમાં એનાથી પાંચ વર્ષ મોટો. પણ જાતે એની સામે આધેડ જેવો લાગી રહ્યો હતો. મિજાજ વિનાજ અકળામણમાં સવારે શરીર ઉપર લાદી નાખેલા જીન્સ અને ટીશર્ટમાં અચાનક એનો શ્વાસ રૂંધાઈ ઉઠ્યો. અવિનાશના હાથમાં થમાયેલું જમવાનું ટેક અવે એની લિજ્જતદાર સુવાસ સીધીજ પોતાના નાક સુધી પહોંચાડી રહ્યું હતું. એ મનમોહક સુગંધથી જીભ ઉપર થોડી ભીનાશ અનુભવાય. પણ રેવાનો 'ઘરનુંજ જમણ બધા જમે 'વાળો સખત નવો નિયમ યાદ આવતાંજ એ કુત્રિમ સ્વાદ પણ પળભરમાં સાથ છોડી જતો રહ્યો. 

અવિનાશનાં ડગલામાં કેવી નિરાંત વસી હતી ! એને પોતાની જેમ ઝડપભેર ડગલાં ભરી સમયનાં કાંટાઓ જોડે ભાગમભાગી કરવાની કોઈ મથાકુટ જ ન હતી. જયારે મન ફાવે ત્યારે ઘરે જાઓ. મોડા જવું હોય તો ભલે. ન પણ પહોંચો તો પણ કોઈ વાંધો જ નહીં. ક્યાં રહી ગયા હતા ? આટલું મોડું કેમ ? ક્યારની રાહ જોવું છું...જેવા વાક્યોનો હુમલો એના પર થાય જ નહીં.

 કેવી શાંતિ !

આ તો સાલું એકાદ મિત્રનો પણ રસ્તામાં ભેટો થઈ જાય ને થોડી વાત આગળ વધેજ કે ઘડિયાળ ઉપર એ રીતે નજર ફરી વળે જાણે કોઈ મોટું પાપ આચરી દીધું હોય. મોબાઈલનો બૉમ્બ ફૂટેજ અને સીધા ઘરભેગા. 

'લગ્ન જીવન જેલ જેવું શિસ્તબદ્ધ હોય છે. સાચવીને.' એવું તો કોઈએ અગાઉથી ચેતવ્યું જ ન હતું. જો ચેતવ્યું હોત તો.... 

' હોત તો '....એક અન્ય નિસાસો. મનમો ભાર બેવડો થતાં થેલો પણ વધુ વજનદાર લાગવા માંડ્યો. 

અવિનાશના શર્ટનાં ખિસ્સામાંથી દર્શન આપી રહેલ ફિલ્મની ટિકિટ બળતામાં ઘી રેડી રહી. રેવાને ફિલ્મ જોવાનો જરાયે શોખજ નથી.

"ફિલ્મની ટિકિટ પાછળ નકામો ખર્ચ શા માટે કરવો ? "

રેવા પોતાની સાસુ પોતાનું વાક્ય સાંભળે એની તકેદારી પણ રાખતી. 

" ઘરે ટીવી ઉપર આટલા બધા ચેનલ્સ આવે છે ને. " બસ મમ્મી એકવાર એ સાંભળી ગઈ અને પોતાની વહુરાણીના વખાણ કરતા હવે થાકતી જ નથી. 

" કેવી બચત કરે છે મારી દીકરી !" 

બચત ? મારા પગારમાંથી હું ફિલ્મ જોઉં. કઈ પણ કરું. મારે કોને હિસાબ આપવાનો ? 

પણ હવે લગ્ન પછી એના આ વિચારો અમલમાં જ રહ્યા નથી. ઘર રેવા ચલાવે છે એટલે હિસાબ પણ એના હાથમાં. 

એને આની ટેવ ન હતી. જાણે અચાનકથી કોઈએ એની સ્વતંત્રતા ઉપર તરાપ મારી દીધી હતી. એના દિવસની એક એક મિનિટનો હિસાબ કોઈને આપવાનો હતો. પહેલા જેમ આમજ બિન્ધાસ્ત મિત્રો જોડે યોજનાઓ માટે હામી પણ ન પુરી શકાય ? પૂછવું પડે, કહેવું પડે, રજૂઆત મૂકવી પડે. આ જીવન કહેવાય ? 

જીવન તો અવિનાશ જેવું હોય ભાઈ. જ્યાં જવું હોય, જયારે જવું હોય, ગમે તેટલા દિવસો માટે જવું હોય જઈ આવવું. ઓફિસેથી ઘણીવાર એને મોડી રાત્રીએ પરત થતા નિહાળવા મળતું ત્યારે એને વિચાર આવતો. લગ્ન પછી ઓફિસના કાર્યોનું પણ કેટલું પ્રેશર વધી ગયું છે ? ઓવરટાઈમની તો વાત જ છેડાતી નથી ઘરે. મમ્મી રેવાની વકીલ બનીને ઊભી રહી જાય છે. 

" હવે લગ્ન થઈ ગયા છે. સમયસર ઘરે આવતા રહેવાનું. રેવા ઘરે તારી રાહ જોતી હોય, બેટા. "

પણ મારાં પ્રોમોશન પણ મારી રાહ જોતા બેઠા હોય. એમનું શું ? 

એ વિચારતો પણ અભિવ્યક્ત કરી શકતો નહીં. મમ્મી તરફથી મળતું પતિધર્મનાં ભાષણ દ્વારા જ મોઢું સિવાય જતું. 

અવિનાશ તો ફ્લેટમાં એકલવાયું શાંત જીવન જીવતો. ન કોઈ એના માથે ટકટક કરવા ઊભું હોય, ન કોઈ એનું મોઢું સીવી શકે. એક વર્ષ થયો હતો એને સામેના ફ્લેટમાં શિફ્ટ થવાને. એનું પરિવાર અમદાવાદ હતું. એ અહીં મુંબઈમાં નોકરી કરતો હતો. ભાડેનું ફ્લેટ લઈ લીધું હતું. મોટી ફાર્મસી કંપનીમાં નોકરી હતી એટલે આવક સારી એવી હતી. આયુ ત્રીસ નાં આંકડા વટાવી ચૂકી હતી. લગ્ન હજી કર્યા ન હતા. 

એનાથી અવિનાશની આ મુક્ત જિંદગી જોવાતી ન હતી. અવિનાશનું સ્વાધીન જીવન મનમાં કાચ જેમ ખૂંચતું. પરંતુ કદી હાવભાવો દ્વારા એ ઈર્ષ્યા અભિવ્યક્ત ન થઈ જાય એની એ ખાસ કાળજી દાખવતો. અવિનાશની સામે આવતાજ એનાં ચહેરા ઉપર એણે ટેવ પ્રમાણે સંતુષ્ટ અને શાંત જીવનનું મહોરું ચઢાવી લીધું. પણ મનમાં સંગ્રહાયેલો ભાર કટાક્ષમય શબ્દોના બાણમાં આજે પરિવર્તીત થઈ ઉઠ્યો. અવીનાશની શાંતિ વધ કરવાનો સીધો ઉદ્દેશ્ય હતો. 

" ક્યાં સુધી આમ બહારનું જમણ જમશો ? હવે તો લગ્ન કરી લો અવિનાશભાઈ. " 

એક વ્યંગ્યાત્મક દ્રષ્ટિ અવિનાશનાં ફૂડ ટેક અવે ઉપર નાખી એની નજર પોતાનાં વજનદાર બજારનાં થેલા ઉપર આવી મંડાઈ. 

અવિનાશનાં ચહેરા ઉપર સ્વભાવાનુસાર એક અટ્ટહાસ્ય છવાઈ ગયું. 

" ચિંતા ન કરો. વાત થઈ ગઈ છે. આવતા અઠવાડિયાથી મહારાજ આવશે. પછી ઘરનીજ રસોઈ. " 

પોતાના કટાક્ષમય બાણ ફરીથી પોતાનીજ દિશામાં પરત થયા. 

" પણ મોંઘુ નહીં પડે ? આ મોંઘવારીમાં પોસાય ? " એક નવું બાણ ફરી પ્રયાસમાં ધારદાર છોડાયું. 

" એ પોસાય ભાઈ. પણ રસોઈને ખાતર લગ્ન ના પોસાય. લગ્ન તો ત્યારેજ કરાય જયારે કોઈની જોડે આખેઆખું જીવન વિતાવવાની અને વહેંચવાની મનથી ઈચ્છા હોય. બાકી કોઈ મારી રસોઈ કરી મૂકે એ હેતુથી હું કોઈની જોડે લગ્ન કરું પણ એની માટે સમય ફાળવવાની જો મારી માનસિક તૈયારી ન હોય તો એ તો એક પ્રકારનો દગો જ કહેવાય. મારી આર્થિક બચત ખાતર હું કોઈના જીવન જોડે રમત તો ન જ રમી શકું. "

એના ખભે આવી ટેકવાયેલ અવિનાશના હાથે એને અંદરથી ઝંઝોડી નાખ્યો. 

" પણ હવે લગ્નની ઉંમર પણ તો થઈ ગઈ છે ને ?" ફરીથી એક પલટવાર. 

" ઉંમર ? લગ્નની તો કોઈ ઉંમર હોય ? પચીસના હોવ કે પચાસના શું ફેર પડે ? લગ્ન માટે ઉંમર નહીં, માનસિક પરિપક્વતા જરૂરી છે. એ માનસિક સ્વીકાર કે હું કોઈની જોડે સંબંધમાં બંધાવા તૈયાર છું. આ સંબંધ ફક્ત એકતરફી ફરજપૂર્તિ ન જ હશે. હું સામે પક્ષની વ્યક્તિ પાસે ત્યાગની અપેક્ષાઓ રાખીશ તો ચોક્કસ મારા પક્ષે પણ એ માટે તૈયાર હોવાની અપેક્ષા સેવવામાં આવશે. મારો સમય ફક્ત મારો ન રહેશે. એની ઉપર અન્ય કોઈનું પણ આધિપત્ય હશે જે રીતે એના સમય ઉપર મારું. લગ્ન એક મોટી જવાબદારી છે. અને એ સ્વીકારવાની તૈયારી ન હોય ત્યાં સુધી લગ્નની ઉંમર થતી નથી ભાઈ. "

" પણ શું તમને કોઈ સામાજિક કે પારિવારિક દબાણો....." પોતાના મનની મૂંઝવણ અધૂરા વાક્યમાં ઉમટી આવી. 

" ચોક્કસ,કેમ નહીં ? મમ્મી ઘણી વાર ચિંતા કરે છે. સાચું કહું તો આસપાસના લોકો એના મનમાં ચિંતાઓ કોતરે છે. એ મને દબાણ પણ કરે છે. પણ મારા વિચારો સ્પષ્ટ છે. મારી પત્ની જોડે મારે જીવવાનું હોય એ લોકોને નહીં. કાલે ઊઠી મારા લગ્નજીવનમાં સમસ્યાઓ ઉદ્દભવશે ત્યારે એ ચિંતા કરનારાઓ કિનારા ઉપરથી તૂફાનનો આનંદ ઉઠાવશે. એમ પણ આપણા ભારતીય સમાજમાં લગ્ન બે વ્યક્તિઓ વચ્ચે નહીં બે પરિવારો વચ્ચે થાય છે. આટલા બધા લોકોની સંવેદના સાચવી શકવાની તાકત કેળવાય ત્યારેજ લગ્નનું સાચું મુહૂર્ત નીકળી શકે. હું લગ્ન વિરોધી નથી. કોઈની જોડે જીવન વહેંચવું એ તો ઈશ્વરના આશીર્વાદ સમું છે. પરંતુ હાલ હું મારી કારકિર્દીમાં સો ટકા ફોક્સ્ડ છું. લગ્ન માટે માનસિક રીતે તૈયાર નથી. ચિંતા ન કરો. જે દિવસે હું એ જવાબદારી હોંશે હોંશે ઉપાડવા તૈયાર હોઈશ ત્યારે સૌથી પહેલી કંકોત્રી તમારાં જ હાથમાં આવશે. આઈ પ્રોમિસ. "

અવિનાશનાં ચહેરા ઉપરની તૃપ્તિ, શાંતિ અને સંતોષ પૂર્વવત હતા. બધાંજ બાણ થાકીહારીને જાણે પોતાનાંજ હૃદયમાં ઊંડા ખુંપી પીડા આપી રહ્યા હતાં. હાથમાંનું ટેક અવે નિરાંતે ઝુલાવતો મસ્ત મસ્તીમાં મગ્ન અવિનાશ પોતાના ફ્લેટની દિશામાં ઉમટી પડ્યો હતો. 

હૈયાની પીડા સમેટી એ પણ ઘરની દિશામાં વળ્યો. ડોરબેલ વગાડી. રેવાએ બારણું ખોલ્યું. બન્નેએ એક પણ શબ્દ ઉચ્ચાર્યો નહીં. રેવાની આંખો હજી પણ પતિની આંખોમાં ખુશીની પાતળી રેખા જોઈ લેવા આતુર હતી. પરંતુ ફરી નિષ્ફ્ળતા જ સાંપડી. રેવા થેલો લઈ રિસામણે મોઢે રસોડાની દિશામાં ધપી ગઈ. 

એની નજર બેઠકખંડમાં પગ ઉપર પગ ચઢાવી આરામથી ટીવીમાં પોતાની ગમતી ધારાવાહિક નિહાળી રહેલી મમ્મી ઉપર પડી. 

કેવી નિરાંત ! 

રેવાનાં ઘરમાં આવ્યા પછી ઘરનાં બધાંજ કાર્યોથી એ રીટાયર થઈ ચૂકી હતી. આજે ઘરમાં પધારનાર મહેમાનો માટે રેવાજ બધુંજ જમણ તૈયાર કરવાની હતી. 

એક વર્ષ પહેલા એને મમ્મી તરફથી મળેલું માર્ગદર્શન શબ્દેશબ્દ યાદ આવ્યું. 

" બેટા. હવે હું વૃદ્ધ થઈ ગઈ છું. બસ તું લગ્ન કરી લે. કોઈ રસોડું સંભાળી લે તો મને તારી ચિંતા મટે. પત્ની આવી જશે એટલે તને પણ આરામ. હવે તારી પણ લગ્નની ઉંમર થઈ ગઈ છે. " 

એનું મન વિફરી ઉઠ્યું. 

શબ્દો એના હોઠ ઉપરથી બહાર નીકળવા તત્પર હતાં. 

'ના હું એ સમયે લગ્ન કરવા માનસિક રીતે તૈયાર હતો અને ન હમણાં પિતા બનવા માનસિક રીતે તૈયાર છું. '

" અરે, ઊભો ઊભો શું વિચારે છે ? જા તૈયાર થઈ જા. બધા આવતાં જ હશે. " 

અને ફરી એક વખત માથું ઢાળી એ તૈયાર થવા ઉપડ્યો.

લંબાવેલા પગ જોડે આરામથી ધારાવાહિકનો રસપ્રદ એપિસોડ નિહાળી રહેલી મમ્મીના હોઠ પર અનેરો સંતોષ ફરી વળ્યો. 


Rate this content
Log in

Similar gujarati story from Comedy