mariyam dhupli

Horror Crime Thriller

5.0  

mariyam dhupli

Horror Crime Thriller

પૂર્વવત

પૂર્વવત

3 mins
1.5K


મને પરવાનગી મળી હતી. બહાર જઈ આવવા માટે. મારો ઊત્સાહ પરાકાષ્ઠાએ હતો. મારા સાથીગણમાંથી એક પણ સ્ત્રીને પરવાનગી મળી ન હતી. તેઓ દરરોજ જેમ અંદરજ પુરાઈ રહેવાની હતી. છતાં એ દરેક સ્ત્રીનો ઊત્સાહ મારાથી ઊતરતો જરાયે ન હતો. એ બધીજ નજરોમાં જિજ્ઞાષાનું પૂર ઊમટી આવ્યું હતું. મારા થકી આજે એમને બહારની સૃષ્ટિ વિશે સમાચાર મળવાના હતાં. વર્ષો વીતી ગયા. કદી અંદરથી બહાર કોઈ નીક્ળ્યુંજ ન હતું. એક પગલું બહાર પડ્યું ન હતું. 

" તમે સાચવીને જજો. "

" હવે તો બધુંજ બદલાઈ ગયું હશે. "

" કેવી હશે એ સૃષ્ટિ ?"

" જેવી પણ હશે. સુંદર હશે. નવીન હશે. પહેલા જેવી તો ન જ હશે."

એ દરેક વાક્યો નવી આશ અને હકારાત્મકતાથી છલોછલ હતાં. તદ્દન મારા હૈયાની જેમજ. હું ભાગ્યશાળી હતી કે મારા વીતેલા ભવના કોઈ સદ્કર્મ હતાં જે આ તક સ્વરૂપે મને આવી મળ્યા હતાં. 

ભેંકાર રસ્તા ઊપર મોડીરાત્રે એકમાત્ર મારા પગની ઝાંઝર સિવાય કોઈ ધ્વનિ મને સંભળાઈ રહ્યો ન હતો. ચારે તરફ ઘોર અંધકાર છવાયેલું હતું. શિયાળાની રાત્રી સૃષ્ટિને કંપાવી રહી હતી. મારા માથા ઊપરનો પાલવ વ્યવસ્થિત કરતી હું અહીંથી ત્યાં દ્રષ્ટિ ફેરવતી ઝડપભેર આગળ વધી રહી હતી. મારી બંગડીઓ મારી ઝાંઝરના સ્વરને સાથ આપતી સન્નાટાને સંગીતમય ચીરી રહી હતી. 

કશું નજરે ચઢી રહ્યું ન હતું. એક મનુષ્ય દ્રષ્ટિમાં ઝડપાઈ રહ્યો ન હતો. આખો માર્ગ વેરાન, ઊજ્જડ અને સુમસાન. વૃક્ષો ઊપરથી રાત્રીના જીવડાં ચિત્રવિચિત્ર અવાજો નીકાળી રહ્યા હતાં !

એકાદ દ્રશ્ય નજર આગળ દેખાય આવે. એકાદ માનવીને હું જોઈ શકું. વર્ષો પછી આવેલા પરિવર્તનની એકાદ ઝલક પામી શકું. પરત થવા પહેલા રાહ જોઈ રહેલ મારા સાથીગણની સ્ત્રીઓ માટે હું કોઈ માહિતી તો ભેગી કરી શકું. વિચારોની ઝડપ જોડે મારા ડગલાં પણ અતિ વેગે ઊપડી રહ્યા હતાં.

અચાનક મારી આંખો ચકરાઈ ઊઠી.

આંખો આગળના દ્રશ્યથી મારા પગ થીજી ગયા.

ધડામ કરતો અવાજ વાતાવરણને ભેદી ગયો.

એ શું હતું ? 

મેં આંખો ઝીણી કરી. આવું કદી પહેલા તો કશું નિહાળ્યું ન હતું. એની અંદર કેટલાક મનુષ્યોની ચહેલ પહેલ અનુભવાઈ રહી હતી. થોડા મનોમંથન પછી મને આખરે સમજાયું. એ વાહન વ્યવહારનું કોઈ આધુનિક માધ્યમ હતું. જે ઘોડાઓ અને હાથીઓ કરતા તદ્દન જુદું દેખાતું હતું. 

ફરીથી એક ધારદાર અવાજ વાતાવરણમાં ગુંજ્યો.

વાહનવ્યવહારનાં એ માધ્યમમાંથી પાંચ પુરુષો વારાફરતી બહાર નીકળ્યા. એમની જોડે બળજબરીએ લાવવામાં આવેલી સ્ત્રી જમીન ઊપર પછડાઈ. એના માથા ઊપર ભયંકર ઈજા થઈ. એની પીડા એની ચીસમાં ઊમટી પડી. પુરુષોની બદનિયત એમની આંખોમાં સ્પષ્ટ ડોકાઈ આવી. 

મારું લોહી ઊકળી ઊઠ્યું. 

મારા હાથ એમનો એક પછી એક વધ કરવા તત્પર થઈ ઊઠ્યા. હું આગળ વધુ એ પહેલા એક પુરુષનાં હાથમાં થમાયેલું હથિયાર હાથમાંથી સરી જમીન ઊપર અફળાયું. એક પણ ક્ષણ વેડફ્યા વિનાજ ભોંય ભેગી થયેલી સ્ત્રીએ એ હથિયાર હાથમાં થામી લીધું. આગળ એ કઈ કરી શકે એ પહેલા માથા ઊપરની ઈજા એને બેભાન કરવા તૈયાર થઈ. પુરુષોના ચહેરા ઊપર અટ્ટહાસ્ય છવાઈ ગયું. ભેંકાર રાત્રી એ ક્ષણમાં રાક્ષસી બની ઊઠી. 

પોતાની આંખો થોડાજ સમયમાં મીંચાઈ જશે. ત્યારબાદ આંખો સામેના ગીધ એની શી દશા કરશે એ જાણતી હતી. પુરુષોએ એને ઘેરામાં લેવાનો પ્રયાસ કર્યોજ કે હું શીઘ્ર એ દિશામાં ધપી ગઈ. 

પોતાની આંખો મીંચાય અને સભાનતા સંપૂર્ણ પણે લુપ્ત થાય એ પહેલાજ સ્ત્રીએ હાથમાંનું ધારદાર હથિયાર પોતાના ગળા ઊપર ફેરવી નાખ્યું. એ ગળામાંથી ઊષ્ણ લોહીની નદી છલકાઈ ઊઠી. પાંચેપાંચ પુરુષો પોતાના વાહનવ્યવહારનાં માધ્યમમાં ગોઠવાઈ એ સ્થળ છોડી તરતજ ભાગી છૂટ્યા. 

હું થરથરી ઊઠી. 

સામે ઠંડા પડી રહેલા સ્ત્રીના શબમાં ભૂતકાળ સજીવન થઈ ઊઠ્યો.

મારા ડગલાં શીઘ્ર પરત થવા ઊપડ્યા. હું પણ ત્યાંથી ભાગી છૂટી. એકજ શ્વાસે હું મારી મંઝિલ ઊપર ફરી પહોંચી ગઈ. 

" અરે તમે પરત પણ થઈ ગયા ?"

" અત્યંત શીઘ્ર ? "

" શું થયું ?"

" સૌ ઠીક તો છે ?"

" શું બહારની સૃષ્ટિ સાવ બદલાઈ ગઈ ?" 

પ્રશ્નોનો વરસાદ વરસ્યો. 

મારી આંખો ક્રોધથી લાલ ચળકી ઊઠી. 

" ના, કશુંજ બદલાયું નથી. જેવું હતું તેવું જ છે. પૂર્વવત !"

અગનજ્વાળા જેવા શબ્દોથી સૌ દાઝી ઊઠ્યા. મારા સાથીગણની દરેક સ્ત્રી મને અચંબાથી નિહાળી રહી. એમનો બધોજ ઊત્સાહ મારા શબ્દોની અગ્નિમાં વિલીન થઈ ગયો. 

ગાઢ અંધકાર ભરી રાત્રિમાં ધીમે ડગલે હું ચિત્તોરગઢના મારા પદ્મિની મહેલના એ જૌહરકુંડમાં ફરી પ્રવેશી જ્યાં વર્ષો પહેલા પોતાની આબરૂ અને લાજના રક્ષણ કાજે અમે બધાએ એકીસાથે જૌહર કર્યું હતું. 

વાતાવરણમાં એકમાત્ર મારી ઝાંઝરનો અવાજ ચારે દિશામાં રણકી રહ્યો હતો. 


Rate this content
Log in

Similar gujarati story from Horror