mariyam dhupli

Tragedy Inspirational

4  

mariyam dhupli

Tragedy Inspirational

વિદાય

વિદાય

3 mins
286


આજે એ ખુબજ ખુશ હતી.  

અંતિમ એક મહિનાની અથાગ મહેનત ફળી હતી. એક મહિના પહેલા જયારે એમને અહીં લાવવામાં આવ્યા હતા ત્યારે એમની પરિસ્થિતિ કેટલી વણસી ચૂકી હતી ! 

શરીરનું તાપમાન થર્મોમીટરનો પારો વટાવી નાખતું હતું. ઉધરસનો પ્રહાર એક સેકન્ડ માટે જંપવાનું નામ લેતો ન હતો. ફેફ્સાઓ જાણે યુદ્ધમાં ઉતર્યા હોય એમ જીવન ટકાવવા સતત સંઘર્ષ કરી રહ્યા હતા. ઓક્સિજન સિલિન્ડર પથારીની પડખે જ જડબેસલાક ઊભું હતું. શરીરની નબળાઈ ચરમસીમાએ હતી. એક જીવતુંજાગતું શરીર તદ્દન લાશ જેવું પથારીમાં પડ્યું રહેતું.  

ડોક્ટર એકવાર દિવસમાં અચૂક ચક્કર કાપતા. એમની પરિસ્થિતિ તપાસી એને આદેશ આપી જતા રહેતા. ત્યારબાદ મુખ્ય મોરચો તો એણેજ સંભાળવાનો રહેતો. થોડી ક્ષણોના સંપર્ક બાદ તબીબની જવાબદારી પૂર્ણ. પરંતુ નર્સની ફરજ તો તબીબના આવવા પહેલા અને પછી પણ અવિરત જ.  

કઈ દવા ક્યારે આપવાની ? ઓક્સિજનની માત્રા નિયંત્રિત કેમ કરવાની ? એમની પથારી ભીની તો નથી થઈ ? શરીર સાથે સંકળાયેલા તમામ યંત્રો યોગ્ય કાર્યરત છે કે કેમ ? અને આ બધી જવાબદારીઓ જોડે દર્દીનાં સતત સંપર્કમાં રહ્યા છતાં પોતાના શરીરને જીવલેણ વાયરસ સામે સુરક્ષિત રાખવાની જવાબદારી.  

આ તમામ પડકારોમાંથી પાર પડ્યા પછી આ જીત હાથ લાગી હતી. એક મહિનાના શ્વાસવિહીન પરિશ્રમને અંતે આખરે પોતાનાં વયોવૃદ્ધ દર્દી કોવીડનાં જીવલેણ વાયરસને હરાવી સાજા થઈ ઘરે પરત થઈ રહ્યા હતા. પોતાની ફરજ અને જીવન એકીસાથે સાર્થક લાગી રહ્યા હતા.  

નર્સ સુજાતાએ પોતાના પેશન્ટનો તમામ સામાન સમેટવામાં એમની મદદ કરી. ઘરેથી આવેલો દરેક સામાન વ્યવસ્થિત થેલાઓમાં ગોઠવી દર્દીને ઘરે પરત લઇ જવા માટે આવેલી કારમાં ભેગો કરવામાં પણ હાથ આપ્યો. સ્વરક્ષણ માટે પહેરેલા પર્સનલ પ્રોટેકટિવ એકવીપમેન્ટ -પી પી ઈ કીટના સેફટી આઈ ગ્લાસ પાછળ છુપાયેલી આંખો નીચે છુપાયેલા કાળા કુંડાળાઓ કેટલીયે રાત્રીના ઉજાગરાઓનું રહસ્ય સાચવી રહ્યા હતા. માથેથી પગ સુધી શરીરને ઢાંકી રહેલો પ્લાસ્ટિકનો ઓવરકોટ ઉનાળાનાં ધકધકતા બફારામાં શરીરને દરેક દિશાથી નિર્દયી રીતે શેકી રહ્યો હતો. પરસેવાનાં રેલાઓ દરેક દિશાથી અવિરત વહી રહ્યા હતા. ચુસ્ત માસ્ક પાછળ છૂપાયેલું નાક મુક્ત શ્વાચ્છોશ્વાસ માટે મહિનાથી તરસી રહ્યું હતું. પણ એના ઉપર દયા ખાવાનું જરાયે પોષાય એમ ન હતું. ઉપરથી ચુસ્ત પકડ જમાવેલું ફેસ શિલ્ડ બળતામાં ઘી રેડી રહ્યું હતું.  

આમ છતાં માસ્ક પાછળનાં હોઠ મીઠું સ્મિત વેરી રહ્યા હતા. સર્જીકલ ગ્લોવ્સવાળા હાથે આખરે પોતાનાં દર્દીને કારમાં આરામથી બેઠક લેવાની વ્યવસ્થા કરી આપી પોતાની ફરજને અંતિમ સ્પર્શ આપ્યો.  

હાથમાંથી હાથ આખરે છૂટ્યો.  

વયોવૃદ્ધ,ભીની, મૌન આંખોમાં નર્સ માટે આશીર્વાદ અને આભાર એકીસાથે છલકાઈ ઉઠ્યા અને કાર પાર્કિંગ વિસ્તારની બહાર નીકળી ગઈ.  

ફિલ્ટરવાળા માસ્ક પાછળનું સ્મિત હજી યથાવત હતુંજ કે ખિસ્સામાં રાખેલ મોબાઈલ વાઈબ્રેટ થયો. નર્સ સુજાતાએ મોબાઈલ હાથમાં લીધો. હોઠ પરનું સ્મિત શીઘ્ર અદ્રશ્ય થઇ ગયું. ભાઈનો ફોન હતો. હાથ ધ્રુજ્યો. કદાચ એ સમાચાર જાણતી જ હતી. ડોકટરે તો બે દિવસ પહેલાંજ ચેતવી દીધા હતા. જાણે કોઈ ઔપચારિકતા નિભાવતી હોય એમ એણે કોલ ઉપાડ્યો. સામે છેડેથી રૂદનની ધાર છૂટી.  

" દીદી , મમ્મી. ....." 

એજ ક્ષણે બાળપણથી લઈ યુવાની સુધીનીમાં જોડે પસાર કરેલી જીવનની દરેક ક્ષણ આંખો આગળથી જાણે ફાસ્ટ ફોરવર્ડ થઇ ગઈ. જેમણે જીવનને દરેક તબક્કે એનો હાથ ન છોડ્યો એમની અંતિમ ક્ષણોમાં એમનો હાથ પણ. ....

" નર્સ સુજાતા. ડોક્ટર કમલ ઇઝ ઓન રાઉન્ડ...." 

ચુસ્ત ફેસ શીલ્ડની અંદર બાંધેલા ચુસ્ત થ્રિ લેયર માસ્કમાં નીતરેલું એક ઉષ્ણ આંસુ કોઈની પણ નજરે ન ચઢ્યું અને નર્સ સુજાતા પાછળ ફરી દોડતા ડગલે ફરજ ઉપર પરત થવા ઉપડી પડી.  


Rate this content
Log in

Similar gujarati story from Tragedy