The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Navneet Marvaniya

Tragedy Inspirational

1.7  

Navneet Marvaniya

Tragedy Inspirational

એક નાની તિરાડ

એક નાની તિરાડ

6 mins
921


પૃથ્વીનાં પેટાળમાં કંઇક ખળભળાટ થાય અને કોઈ આગોતરા એંધાણ વિના અચાનક જ જ્વાળામુખી ફાટી નીકળે, ત્યારે એ ધગધગતા લાવાને પ્રથમ નજરે જોનાર ગ્રામજનની જેવી માનસિક સ્થિતિ હોય બસ, તેવી જ સ્થિતિ સ્કૂલના દરેકે દરેક વિદ્યાર્થી અને શિક્ષકની હતી કે જયારે તેઓને એ સમાચાર સાંભળવા મળ્યા...!

બીરબલ અને તાનસેન જેવાં રત્નો અકબરનો દરબાર શોભાવતાં હતાં, તેવું જ આ રત્ન “સ્વાતિ મહેતા” આખી સ્કૂલની નંબર વન વિદ્યાર્થિની હતી. સ્કૂલનું નામ રોશન કરવા અને સંકુલની ગરીમાને અકબંધ જાળવી રાખવા માટે સ્કૂલના તમામ શિક્ષકો અને આચાર્યશ્રી પણ સ્વાતિને ખૂબ લાડકોડથી પોષતા હતા.

સ્કૂલમાં કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, રમત-ગમત હોય કે અન્ય કોઈપણ પ્રવૃતિમાં સ્વાતિ નંબર વન જ હોય. ભણવામાં પણ તેવી જ હોશિયાર અને બુદ્ધિ કૌશલ્ય પણ તેનામાં ભારોભાર ભરેલું. આવી અવ્વલ નંબર સ્વાતિનું પરીક્ષા માથે હોવા છતાં સ્કૂલમાંથી નીકળી જવું એ ખરેખર સમગ્ર સ્કૂલ માટે ચિંતાજનક સમાચાર હતા. આચાર્યશ્રી પ્રદ્યુમ્ન મોદીએ જયારે આ માઠા સમાચાર સાંભળ્યા, ત્યારે તેના માથે વીજળી પડી હોય તેવો આઘાત લાગેલો.

સ્કૂલના ટીચરોએ રિસેસમાં સ્વાતિને બોલાવીને તેની સાથે વાત કરીને સ્કૂલ છોડવાનું સાચુ કારણ જાણવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ વ્યર્થ !! સ્વાતિની જીભને બદલે તેની આંખોએ જ બોર-બોર જેવડાં આંસુઓ પાડીને જવાબ આપ્યો હતો. કોઈને ખબર નો’તી પડતી કે આટલી હોશિયાર વિદ્યાર્થિની ‌‍‌પરીક્ષાના એક મહિના પહેલાં સ્કૂલ કેમ છોડી દે છે ? બધા શિક્ષકો અને શિક્ષિકાઓ અવઢવમાં મૂકાઇ ગયા હતા. છેવટે આચાર્ય સાહેબે તેમની કેબિનમાં સ્વાતિને બોલાવી અને મૃદુસ્વરે આ સ્કૂલ છોડવાનું કારણ પૂછ્યું, ઘણા પ્રયત્નો પછી સ્વાતિએ નર્વસ થઈને એટલું જ કહ્યું કે “મારે હવે મારા મામાના ઘેરે રહેવાનું છે અને ત્યાં જ ભણવાનું છે” મોદી સાહેબે વધુ પ્રશ્નો પૂછવાનું ટાળીને સ્કૂલ છૂટતાં જ સ્વાતિને ઘેરે જવાનું નક્કી કર્યું. તેઓ સ્વાતિના પપ્પાને વાલી મીટિંગમાં એક-બે વખત મળેલા હોવાથી ઓળખતા હતા.

તે દિવસે તો આચાર્ય સાહેબ અચાનક આવી પડેલા બીજા કામને લીધે અશોક મહેતાને ઘેર ના જઈ શક્યા પણ સાંજે ગાર્ડનમાં વોક કરવા જતી વખતે રસ્તામાં જ સ્વાતિના પપ્પા મળી ગયા અને મોદી સાહેબે તેની સાથે થોડી વાત કરવા માટે તેમને પણ વોકિંગમાં સાથે લીધા.

સ્વાતિ આ સ્કૂલ છોડીને જાય છે એ વાતનું દુ:ખ વ્યક્ત કરતાં મોદી સાહેબે સ્વાતિના પપ્પાને તેનું કારણ પૂછ્યું. પણ અશોક મહેતાએ ગોળ-ગોળ વાતો કરીને “સ્વાતિ હવે તેના મામાને ઘેર ભણવા જવાની છે” તેવું કારણ દર્શાવ્યું. વાસ્તવિકતામાં અશોક મહેતાને તેની વાઈફ સાથે એક નજીવા કારણથી બોલા-ચાલી થઈ ગઈ હતી. બોલા-ચાલીની આ ઝાળ મોટી થઈને દાવાનળમાં ફેરવાઈ ગઈ. છેલ્લા કેટલાય દિવસથી તેમના ઘરમાં સૂમસામ વાતાવરણ રહેવા લાગ્યું. અશોક મહેતાને કોઈ ભાઈ ન હતો અને માતા-પિતા નાની ઉમરમાં જ સ્વર્ગે સિધાવી ચૂકેલા હોવાથી આ કૌટુંબિક ઝઘડામાં વચ્ચે પાડનાર કોઈ ન હતું. સ્વાતિના મમ્મી-પપ્પાને તેની વચ્ચેના મત-ભેદ ક્યારે મન-ભેદ સુધી પહોંચી ગયા તેની ખબર જ ના રહી અને એક દિવસ છૂટાછેડાની નોબત આવીને ઊભી રહી. સ્વાતિના મમ્મીએ સ્વાતિને લઈને તેના પિયર જતું રહેવું તેવું નક્કી થઈ ગયું. અહંકારના આવેશમાં અશોકભાઈએ પણ નમતું ના જોખ્યું. પતિ-પત્ની વચ્ચેના આ ઝઘડામાં તેઓને સંતાનના ભવિષ્યનો વિચાર સુદ્ધાં ના આવ્યો.

આ તરફ સ્વાતિને આ ઘટનાનો કારમો ઘા તેને માનસિક અસ્વસ્થ કરી ગયો. તે ખૂબ જ બેચેન અને નિરાશ રહેવા લાગી. મમ્મી-પપ્પા, એક-બીજાના વ્યુ પોઈન્ટને નહિ સમજવાથી જે ઝઘડાનું તાંડવ તેના ઘરમાં ઉભું થયું હતું તેમાં સ્વાતિને ખ્યાલ જ નો’તો આવતો કે તે કોના પક્ષમાં રહે. ક્યારેક પપ્પાની વાત સાચી લગતી તો ક્યારેક મમ્મીની. અંતે જે થવાનું હતું તે જ થયું. થોડા જ દિવસોમાં સ્વાતિના મમ્મી સ્વાતિને લઈને તેના મામાને ઘેર જતા રહ્યા. તેના મામાને ઘેર પણ બધાંને “આ ઉંમરે આરતી, સ્વાતિને લઈને જમાઈ સાથે છૂટાછેડા કરીને પાછી આવી છે” તે વાતની જાણ થતાં જ ‘પગ તળેથી જમીન સરકી ગઈ’ હોય તેવું થયું. બધાંએ આરતીને તેમના સાસરે પાછી જવા માટે ખૂબ સમજાવી પણ આરતીની અંદર જે ક્રોધાગ્ની પ્રજ્વલિત થઇ ચૂક્યો હતો તે એમ જલ્દીથી ઠંડો પડે તેમ ન હતો. આજીવન લગ્ન કર્યા વગર રહીને સ્વાતિને પોતે ઉછેરશે તેવી હઠ લઈને આરતી બેઠી હતી.

સ્વાતિને બીજી સ્કૂલમાં જેમ-તેમ કરી, લાગવગ લગાવીને આરતીએ દાખલ તો કરી દીધી પણ સ્વાતિનું હૃદય આ સ્કૂલને સ્વીકારવા તૈયાર નો’તું. સ્વાતિને આ નવી સ્કૂલના વાતાવરણમાં અનુકૂળતા સાધવાનું અઘરું પડી ગયું. કારણકે તેની બધી જ ફ્રેન્ડસ અચાનક જ દૂર થઇ જવાથી જીવનમાં એક પ્રકારનો ખાલીપો વ્યાપી ગયો હતો. માનસિક અસ્વસ્થતાના લીધે તે પરીક્ષાની તૈયારી પણ બરાબર ના કરી શકી અને થોડા દિવસોમાં જ પરીક્ષા આવીને ઉભી રહી. પરિણામે સ્વાતિ નવમા ધોરણમાં તો ઓછા માર્કસે પાસ થઇ પરંતુ બીજા વર્ષે દસમા ધોરણમાં પણ તેની માનસિક અસ્વસ્થતાને લીધે જોઈએ તેવો દેખાવ ના કરી શકી. બસ, ત્યારથી જ સ્વાતિના કેરિયરનો ગ્રાફ ઉત્તરોતર ડાઉન થતો ગયો. આમ, સ્વાતિ પર બધા જ લોકોને આશા હતી કે એક દિવસ સ્વાતિ મહેતા “ડૉ. સ્વાતિ મહેતા” બનીને રહેશે, પણ તે આશા પર પાણી ફરી વળ્યું અને સ્વાતિ બી.કોમ કરીને મોટી થઈને સામાન્ય ગૃહિણી બની રહી. તેના કેરિયર બનાવવાના સ્વપ્નાંઓ મમ્મી-પપ્પાના ઝઘડાઓમાં ક્યાંય ઓઝલ થઇ ગયાં. સ્વાતિના મમ્મી-પપ્પાએ પોતપોતાની રીતે અલગ જ રહીને જીવન પૂરું કર્યું. બન્નેમાંથી કોઈએ બીજા લગ્ન ના કર્યાં.

પહેલા ધોરણમાં ભણતો અંશ, મમ્મી-મમ્મી કરતો દોડતો આવીને સ્વાતિના ચાના કપ પકડેલા હાથને અડક્યો ત્યારે જ સ્વાતિ અચાનક અતીતના ઓરડામાંથી છલાંગ લગાવીને વાસ્તવિકતાની ઓસરીમાં આવી પડી. આંખમાં આવેલાં આંસુંને લૂછતાં વિચારવા લાગી કે “આજે સવારે સુધીર સાથે નાની અમથી વાતમાં ચક-મક ઝરી હતી અને સુધીર નાસ્તો કર્યા વગર જ પગ પછાડીને ઓફીસ જવા નીકળી ગયા હતા. તે વાત વણસી જઈને તેના માતા-પિતાની જેમ છૂટાછેડા સુધી તો નહિ પહોંચી જાયને...??” તે પ્રશ્ન યમરાજ બનીને સવારથી જ સ્વાતિની સામે આવીને ઊભો રહેતો હતો અને સ્વાતિ ફફડી ઊઠતી હતી. પરંતુ પાંચ વર્ષના નાના અંશ સામે જોઇને “પોતાનું જીવન અને કેરિયર જેમ ધૂળમાં રોળાઈ ગયાં તેવું અંશની સાથે તો તે નહીં જ થવા દે” એવી સ્વાતિએ પાલવના છેડે ગાંઠ મારી.

સાંજે સુધીર ઘેરે આવ્યા ત્યારે પણ તેનો ગુસ્સો તો સવારથીએ વધારે ઊભરાતો હતો. પરંતુ એ ભડકે બળતા ગુસ્સાના અગ્નિને, સ્વાતિએ શીતળ જળ રૂપી પ્રેમનો છંટકાવ કરીને પળવારમાં જ ઠંડો કરી દીધો. સવારે જે નજીવી બાબતમાં બોલાચાલી થઇ હતી, તે બદલ સ્વાતિએ માફી માંગી લીધી. સુધીર પણ સ્વાતિને માફ કરીને મુક્ત મને હસવા માંડ્યો અને બન્ને ભેટી પડ્યા. વૈશાખ મહિનાના ધોમ ધખતા તડકા પછી પહેલા વરસાદમાં જેમ જમીન ભીંજાય અને આનંદ અનુભવે તેવો આનંદ સ્વાતિ અનુભવી રહી હતી. કોઈ મોટા સંકટને ટાળીને હાશકારો અનુભવતા બધા જમવા બેઠા. નાનકડો અંશ તો ડાઈનિંગ ટેબલ પર સવારનું અને સાંજનું બદલાયેલું વાતાવરણ જોઈ જ રહ્યો.

આ ઘટના બાદ સ્વાતિએ ક્યારેય પણ સુધીર સાથે ઝઘડો નથી થવા દીધો. હા, વ્યુ પોઈન્ટ ડીફરન્સ ને લીધે મતભેદ ક્યારેક પડ્યા છે પણ મનભેદ ક્યારેય નથી થવા દીધા. પોતાની વાત સાચી જ છે તેવી પક્કડ ધીમે ધીમે સ્વાતિ છોડવા લાગી. પોતાનો કોઈ વાંક ના હોવા છતાં તેમને માફી માંગવામાં નાનપ નો’તી લાગતી કારણકે તેની સામે તેના માતા પિતાના જીવનનો પ્રત્યક્ષ દાખલો હતો. સ્વાતિએ પોતાના જીવન કેરિયરની મૂર્તિ કંડારવામાં જે ખામી રહી ગઈ હતી તે બધી જ તેમના એકના એક પુત્ર અંશમાં પૂરી હતી. તેની માતાએ કરેલી ભૂલ તેનાથી ના થઇ જાય તેની તકેદારી આજીવન રાખી હતી.

આજ જયારે અંશ તેની માતાની બીજી પુણ્યતિથિ નિમિત્તે અનાથાશ્રમમાં દાનની પાવતી પર સહી કરીને તેના કાર્યાલયમાં બેઠો છે, ત્યારે ત્યાંના સંચાલક શ્રીમતી શ્રોફ અંશને એક ડાયરી આપે છે. શ્રીમતી શ્રોફ કે જે સ્વાતિના નજીકનાં મિત્ર હતાં. તેઓ સ્વાતિને નાનપણથી જ ઓળખતાં હતાં કારણકે તેઓ એક થી આઠ ધોરણ સ્વાતિની સાથે જ ભણ્યાં હતાં અને પછીથી પણ છેક સુધી એક-બીજાના સંપર્કમાં રહ્યાં હતાં. સ્વાતિનું મૃત્યુ કોઈ અસાધ્ય રોગને લીધે થયું હતું. મીનાક્ષીબેન શ્રોફ જયારે હોસ્પીટલમાં સ્વાતિને મળવા ગયાં હતાં ત્યારે સ્વાતિ જીવનની છેલ્લી અવસ્થામાં હતી અને ત્યારે જ તેણે એક ડાયરી શ્રીમતી શ્રોફના હાથમાં આપતાં કહ્યું હતું કે “મારો પુત્ર અંશ તમને જયારે મળવા આવે ત્યારે આ ડાયરી તમારા હાથે જ આપજો” અંશની મમ્મીની લખેલી રોજનીશી કમ આત્મકથા જેવી આ ડાયરીને અંશ ધ્યાનથી જૂએ છે. તેનાં એક-એક પાનાં વારાફરતી ફેરવી રહ્યો છે અને અચાનક જ એક પાનાં પર તેની દ્રષ્ટિ સ્થિર થઇ જાય છે.

અંશની મમ્મીએ ટાંકેલો તે દિવસના પ્રસંગનો સમગ્ર નોંધ વાંચીને અંશને તે બધી ઘટનાઓ યાદ આવવા લાગે છે. “મમ્મીના હાથમાં ચા નો કપ... અંશનું મમ્મીને વળગી પડવું... મમ્મીનું એકદમ હેબતાઈને તંદ્રામાંથી બહાર આવવું... સવારે પપ્પા સાથે એક નજીવી બાબતથી ઝઘડો અને સાંજે સમાધાન... આ આખી ઘટમાળની સાયકલ આ એક પ્રસંગ વાંચીને તેના મગજમાં સેટ થઈ ગઈ. અંશે પણ તેની મમ્મીની જેમ આખી જિંદગીમાં ક્યારેય આ ભૂલ નહિ થવા દે તેવો નિશ્ચય કર્યો.

પોતે બેક્ટેરિયા જેવા સુક્ષ્મ જીવો પર રીસર્ચ કરીને પીએચડી થયો પણ જીવનના આ સાચા મર્મને હવે સમજી શક્યો કે “મમ્મી-પપ્પા વચ્ચેની નાની તિરાડ ક્યારેક તેમના જ સંતાનોના કેરિયરની મોટી ખીણ બની જાય છે...!"


Rate this content
Log in

More gujarati story from Navneet Marvaniya

Similar gujarati story from Tragedy