Navneet Marvaniya

Inspirational Others

3  

Navneet Marvaniya

Inspirational Others

બે ઘડિયાળ

બે ઘડિયાળ

4 mins
242


મારા રૂમમાં બે ઘડિયાળ છે. બંને સમય તો સાચો જ બતાવે છે પણ તેમાંની એક ઘડિયાળ થોડી આગળ છે અને બીજી ઘડિયાળ થોડી પાછળ છે. આમ બહુ ફેર નહિ, બસ જરાક જ.

એક વખત બપોરના બરોબર 2 વાગ્યા અને લાઈટ ગઈ. પંખાનું ટક ટક પણ બંધ થયું. એકદમ નીરવ શાંતિ ! દૂર કોઈ કૂતરાનો ભસવાનો અવાજ કે કોઈ દૂરથી આવતા વાહનોના અવાજ સિવાય રૂમમાં જો સહુથી નજીકનો અવાજ આવતો હોય તો માત્ર બંને ઘડિયાળના સેકન્ડ કાંટાની મૂવમેન્ટનો ! એક ઘડિયાળમાંથી અવાજ આવે કે તરત જ બીજી ઘડિયાળનો કાંટો તેના ચાળા પાડે, ટક-ટક, ટક-ટક... જાણે સમયને માત આપીને આગળ નીકળી જવા બંનેને ઉતાવળ ના હોય ! બંને ઘડિયાળ આમને-સામનેની દીવાલે સરખા લેવલ પર જ ગોઠવાયેલી હતી.

હું બંને ઘડિયાળની વચ્ચે સૂતા સૂતા વારાફરતી બંનેનું નિરીક્ષણ કરી રહ્યો હતો. એક ઘડિયાળમાં બે ને માથે સાડા છ મિનિટ જેવું થયું હતું અને બીજીમાં બે ને માથે પોણા છ મિનિટ જેવું. આમ તો બંને એનેલોગ ઘડિયાળ એટલે ડિજિટલની જેમ સેકંડ દેખાય નહિ પણ આપણે નવરા પડયા પડયા અવલોકન કરવા માંડયું એકદમ બારીકાઈથી અને શોધી કાઢયુ કે બંને વચ્ચે ફક્ત પિસ્તાલીસ સેકંડનો જ ફેર છે.

અચાનક મારા મોબાઈલમાં કંપનીવાળાની ઓફરનો મેસેજ ટપક્યો. આ કંપનીવાળાઓને પણ આ બપોરનો જ ટાઈમ મળે છે જાહેરાતો કરવા માટે ? ખબર નહિ કોણ જાણે મારો નંબર એ લોકો પાસે કેવી રીતે આવી ગયો ! રોજ બપોરે, ભર ઊંઘમાં, એક વખત તો ઉઠાડે જ, બોલો. આપણને એમ થાય કે કોઈ અગત્યનો ફોન કોઈનો આવે ને આપણાંથી મિસ ના થઈ જાય એટલે પાછા હરખપદુડા થઈને સાયલેન્ટ ના કરીએ, તો આવા કંપનીવાળા લોહી પીવે ! પણ એ ય બિચારા શું કરે એને ય ટાર્ગેટ આપ્યો હોય એના બોસે, પૂરો તો કરવો જ પડે. નહીંતર ખાલી પગારમાં તો છોકરાવની સ્કૂલની ફી ભરાય, પછી યુનિફોર્મ અને ચોપડાનું શું ?

લાઈટનો એક ઝટકો આવીને જતો રહ્યો ! પંખો જરાક હલ્યો, એક રાઉન્ડ મારીને આળસુના પીરની જેમ પાછો ઢીમ થઈ ગયો. મેં લાંબા હાથે ટીપોય પરથી છાપું ઉપાડી હાથ પંખો ચાલુ કર્યો અને મોબાઈલને સ્ક્રીન લોક કરીને ટીપોય પર મૂકવા જ જતો હતો. ત્યાં તેના સ્ક્રીન સેવર પરની ડિજિટલ કલોક પર મારું ધ્યાન ગયું ! તેનો સમય ટાઈમ ઝોન પ્રમાણે ઓટોમેટિક અપડેટ થાય તેવું અત્યારના સ્માર્ટ ફોનમાં સેટિંગ હોય છે. તે સાચો સમય મેં પેલી દીવાલ પર લટકતી એનેલોગ ઘડિયાળ સાથે સરખાવ્યો તો માલુમ પડ્યું કે જે ઘડિયાળ થોડી પાછળ રહી ગઈ છે તે સાચા સમયથી ફક્ત 20 સેકંડ જેટલી જ પાછળ હતી અને આગળ વધી ગયેલી ઘડિયાળ સાચા સમયથી ફક્ત 25 સેકંડ આગળ ચાલતી હતી. આમ તો આ સાવ નજીવો ફેર કહેવાય. સમયના આટલા ફેરથી કોઈને કંઈ ઝાઝો ફેર ના પડે અને એમાંય આ ગામડામાં જ્યાં ભર ઉનાળામાં પણ લાઈટ ગુલ્લ થઈ જતી હોય ત્યાં તો નહિ જ.

હા, એટલો ચોક્કસ ફેર પડ્યો કે આ બંને ઘડિયાળ મારા મસ્તિસ્કમાં વિચારોનું ઘમસાણ શરૂ કરવામાં સફળ રહી. જે ઘડિયાળ થોડી પાછળ રહી ગઈ છે તે ભૂતકાળનો સમય બતાવી રહી છે. એક એવો ભૂતકાળ કે જે સમય આપણા હાથમાંથી સરકી ગયો છે. આમ જોવા જઈએ તો મનુષ્ય પોતાની જાતને ભૂતકાળમાં થયેલી ભૂલો માટે કોષતો હોય છે, પરંતુ તે ભૂલોમાંથી ભવિષ્ય માટે સીખ નથી લેતો. એ જ પ્રસંગ, એ જ ઘટના.. એમના માનસપટ પર વારંવાર ઉપસી આવે છે. જે સમય વહી ગયો છે, જે પ્રસંગ બની જ ગયો છે તેને કોઈ કેવી રીતે સુધારી શકે ?

અને તેવી જ રીતે માણસ વર્તમાન ભૂલીને ભવિષ્યની ચિંતામાં સતત વ્યથિત થઈ રહ્યો છે, એ મને સાચા સમયથી આગળ નીકળી ગયેલી ઘડિયાળને જોતા લાગ્યું. જે સમય હજુ આવ્યો જ નથી, ફ્યુચર છે તેની ચિંતા શા માટે ? આમ બધા બોલતા હોય છે કે ભવિષ્ય ક્યાં કોઈના હાથમાં છે ? છતાં ભવિષ્યની ચિંતામાં ગળાડૂબ રહે છે બધા. પેરેન્ટ્સને સંતાનોના ભવિષ્યની ચિંતા, વિદ્યાર્થીઓને પોતાના ભાવિ કેરિયરની ચિંતા, નોકરી કે ધંધો કરતા વેપારીઓને આવતા વર્ષની ચિંતા ! આવતી કાલને ઉજ્વળ બનાવવા માટે મનુષ્ય આજના વર્તમાન સમયને સરખી રીતે જીવી નથી શકતો. વર્તમાન સમયને માણી નથી શકતો !

ખરેખર જોવા જઈએ તો પ્રત્યેક ક્ષણ વર્તમાન છે, ગઈ ક્ષણ ભૂતકાળ બની ગઈ જેમાં આપણે કંઈ જ ફેરફાર નથી કરી શકવાના અને આવનારી ક્ષણ ભવિષ્ય છે જે શું આવશે ? તે આપણને બિલકુલ ખબર નથી ! તો પછી વર્તમાન ક્ષણને જ કેમ આનંદપૂર્વક ના જીવીએ ! વિચારોનું વમળ જેમ જેમ ગાઢ બનતું જતું હતું તેમ તેમ મારા ન્યુરો સેલ્સમાં જાણે કોઈ આનંદિત હોર્મોન્સનો સ્ત્રાવ થતો હોય તેમ હું રીલેક્સ થતો જતો હતો. મનુષ્ય જીવનનો સાર જાણે સમજી ગયો હોય તેમ હવે પછીના જીવનની પ્રત્યેક ક્ષણ મોજથી માણવી છે તેવી મનોમન મેં ગાંઠ વાળી.

અચાનક લાઈટ આવી અને પંખો ફરવા લાગ્યો. મારા વિચારોની શ્રુંખલા તૂટી, છાપું ટીપોય પર મૂક્યું. પેલી બંને ઘડિયાળ તરફ વારા ફરતી જોયું. હવે પંખાના અવાજમાં તેના સેકંડ કાંટાનો અવાજ દબાઈ જતો હતો. બહાર શેરીમાં શોર બકોર સંભળાતો હતો. પડોશમાંથી ટીવીનો અવાજ પણ આવવાનું ચાલુ થયું. લાઈટ આવવાથી પંખાને લીધે ગરમી તો ઓછી થઈ પણ નીરવ શાંતિમાંથી પાછો શોર બકોર શરુ થયો.

મોબાઈલમાં ફરી એક મેસેજ રણક્યો. મારા એક પરમ મિત્રએ કોઈ સુવિચાર જેવું મોકલ્યું હતું. “ભૂતકાળનો ભો છૂટી ગયો, ભવિષ્ય ‘વ્યવસ્થિત’ના હાથમાં છે. માટે વર્તમાનમાં વર્તો.” - દાદા ભગવાન.

વાહ ! જેનું મનોમંથન ચાલતું હતું તેને જ પુષ્ટી મળે તેવું એક સૂત્ર મળી ગયું. હવે આજુ બાજુના કોલાહલ કે લાઈટના જવાથી-આવવાથી વર્તમાન ક્ષણના આનંદમાં એક પાંચિયા ભાર પણ ફેર નથી પડતો.

“વર્તમાનમાં રહીએ, સમજીને સાચું જ્ઞાન,

ક્ષણે ક્ષણને જીવીએ, ભૂલી જઈએ ભૂતકાળ”


Rate this content
Log in

Similar gujarati story from Inspirational