4 લઘુકથાઓ
4 લઘુકથાઓ
1) કંજુસાઈ
કંજુસાઈના પર્યાય એવા મી. માથુરને તેના લખપતી પડોશી સોભાગભાઈની દરીયાદિલી જોઈને ખુબ દુઃખ થતું. હદ તો ત્યારે થઇ જયારે સોભાગભાઈએ તેના પૌત્રના જન્મદિવસ નિમિતે, એક જુવાન ભિક્ષુકને ચાર દિવસ ચાલે તેટલું ખાવાનું અને મીઠાઈ આપી દીધી.
મી. માથુરથી રહેવાયું નહિ એટલે તેણે બીલી પગલે આ હુષ્ટ-પુષ્ટ ભિખારીનો પીછો કર્યો પણ તેની આંખો ચાર તો ત્યારે થઇ ગયી કે આ ભિખારી બધું ખાવાનું નાળા નીચે રહેતા ભિખારી કુટુંબોને વહેંચતા હતા.
2) ડોક્ટર કે ભગવાન ?
એકના એક પુત્રના અવસાનથી અપસેટ થયેલી આરતી ઘરમાં આવતા જ સોફા પર ફસડાઈ પડી અને ધ્રુસકે ધ્રુસકે રડવા માંડી. પતિ ડો. વિક્રાંતે પીઠ પસવારતા હાથમાં પાણીનો ગ્લાસ આપ્યો. એકાદ ઘૂંટડો પાણી પીને સ્વસ્થ થયા બાદ આરતીએ કહ્યું, "તમે તો આનાથી પણ અઘરા ઓપરેશન સફળ કર્યા છે તો આપણા આશુતોષને કેમ ના બચાવ્યો ?" આરતીની આંખમાં વળીપાછા આંસુ ઉભરાઈ આવ્યા.
પોતાની ડોકટરી કારકિર્દીમાં સફળતાનાં સોપાનો સર કરીને ઘણે આગળ નીકળી ગયે
લા ડો.વિક્રાંત મહેતા એટલું જ બોલી શક્યા, "આરતી, મેં તો ફક્ત ઓપરેશનો જ કર્યા હતા, સફળ તો....."
3) મહેમાન
અમે આખા ફેમિલી સાથે અમારા જુના સંબંધીને ઘેર અચાનક મહેમાન બનીને ટપકી પડ્યા. ઘરના મોભી સંતોકમાં, અમે અચાનક આવી ચઢતા થોડા આકુળ - વ્યાકુળ થઇ ગયા હતા. ઘરની નાની વહુ પણ અમારે જમવાનું બાકી છે તે જાણીને ધુવા-ફુવા થઇ ગઈ. "ચાલો બા, આપણે કાંકરિયા ઝૂમાં વાંદરા જોવા નથી જવાનું ?" એવા પાંચ વર્ષના આર્યનના પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સંતોકમાં એટલું જ બોલ્યા, "ઘેરે મહેમાન આવ્યા છે ને, તારે કાંકરિયામાં વાંદરા જોવા જવું છે !"
4) ગ્રીન માર્ક
નોન-વેજનાં ચુસ્ત વિરોધી એવા જૈન પરિવારની વહુ તેના સાસુમાંને, મોલમાં વસ્તુ ખરીદતી વખતે ગ્રીન માર્ક વિષે સમજાવતી હતી, "મમ્મી આપણે દરેક વસ્તુઓ ગ્રીનમાર્ક જોઈને જ ખરીદવી" ત્યાંજ પાછળની બાજુ કાપડની ખરીદી કરી રહેલ મુસ્લિમ પરિવારમાંથી કોઈ બોલ્યું, "અમારે એકદમ ગ્રીન કલરની ચાદર શેત્રુંજયના અંગરશા પીરને ચઢાવવા જોઈએ છે"