Navneet Marvaniya

Tragedy Inspirational

4  

Navneet Marvaniya

Tragedy Inspirational

બીજી બાજુ

બીજી બાજુ

10 mins
640


નમસ્કાર મિત્રો ! નવલકથાનું આ પ્રથમ પ્રકરણ છે. એ છોકરીનું નામ દેવ્યાની. પૂરું નામ દેવ્યાની પંકજભાઈ મહેતા. દેવ્યાની એટલે જાણે ઝાંસીની રાણી જ જોઈ લો. ભારે ઘમંડી અને સ્ત્રી સશક્તિકરણની પ્રખર હિમાયતી. બાળપણથી જ માતા-પિતા અને શિક્ષકો પાસેથી સાંભળેલી વાતોમાંથી દેવ્યાનીએ એટલું તો તારણ કાઢેલું કે સ્ત્રીને પણ સમાજમાં પુરૂષની જેમ માનભેર જીવી શકવાનો અધિકાર છે. સ્ત્રી શા માટે અબળા કહેવાય છે ! પ્રાથમિક સ્કૂલમાં ભણતી હતી, ત્યારે દેવ્યાની ટેક્ષબુકમાં જ્યાં “અબળા” શબ્દ આવતો ત્યાં છેકો મારી દેતી ! પ્રાથમિકમાંથી સેકન્ડરીમાં અને સેકન્ડરીમાંથી હાયર સેકન્ડરીમાં આવી ત્યારે બધી જ છોકરીઓથી દેવ્યાની સાવ અલગ જ પડતી હતી. કોઈ છોકરા સામે ક્યારેય જુએ નહિ અને કોઈ ગપ્પા કે ગોશીપમાં ભાગ લે નહિ. ફક્ત ભણવામાં જ દેવ્યાનીનું ફોકસ રહેતું. આખી સ્કૂલમાં દેવ્યાનીની એક માત્ર ફ્રેન્ડ વસુધા. બંનેના સ્વભાવ બહુ તો મળતા ન્હોતા આવતા પરંતુ વસુધા, દેવ્યાનીની દરેક વાતમાં હા એ હા કરતી એટલે બન્નેની મિત્રતા ટકી રહી હતી.

ચાલો થોડા પ્રકરણ સ્કીપ કરી તમને થોડી આગળની વાત કરું. દેવ્યાની આઈટીની એક કંપનીમાં સારા પગારે જોબ કરતી હતી. કામમાં સિન્સિયારીટી અને કડક વર્તણૂકથી કંપનીના બોસ તો દેવ્યાનીથી ખુશ રહેતા પણ સાથે કામ કરનારા કલિગ્સ નહિ. ઓફિસબોયની એક ભૂલ પણ દેવ્યાનીથી સહન નહોતી થઈ શકતી. ક્યારેક ચા આપવામાં મોડું થઈ જાય, તે દિવસે તો ઓફિસબોય સાથે રીસેપ્શનના આખા સ્ટાફનું આવી બનતું. ઓફિસમાં દેવ્યાનીની પોસ્ટ ટીમ લીડરની હતી. તેની નીચે કામ કરનાર પાસે સમયસર કામ અને પરફેક્શનનો આગ્રહ દેવ્યાનીને કાયમ રહેતો.

દેવ્યાની વાંચનની જબરી શોખીન હતી. તેમના પ્રિય લેખક “ધવલ સોની”ની દરેક બુક તેણે વાંચી હતી. દેવ્યાની મનોમન આ લેખકની ફેન બની ગઈ હતી. લેખકની દરેક કૃતિમાં ટપકતાં વિચારો દેવ્યાનીના વિચારોને મહદ્ અંશે મળતા આવતા. લેખક ધવલ સોનીની કલમ, સમાજની વાસ્તવિકતા અને લગ્ન કર્યા વગરના આઝાદ પંખીના મનોભાવોને વર્ણવતી આગળ વધી રહી હતી. દેવ્યાની પણ તેવા જ વિચારોની પાંખે મુક્ત ગગનમાં વિહાર કરી રહી હતી. મનોમન આ લેખકને મળવાનો વિચાર કરતી. લેખકને મળવાના બધા જ પ્રયત્નો દેવ્યાનીના અસફળ રહ્યા. છતાં ક્યારેક મળશે તો શું વાત કરીશ, તેવા વિચારોમાં દેવ્યાની ક્યારેક કલાકો સુધી કાલ્પનિક વિશ્વમાં ખોવાઈ જતી.

એક દિવસ અચાનક દેવ્યાનીની ફ્રેન્ડ વસુધા તેની પાસે છાપામાં છપાયેલી એક ખબર લઈને આવી. ખબર વાંચતા જ દેવ્યાની સફાળી ખુરશીમાંથી ઊભી થઈને વસુધાને વળગી પડી. આ ખબર હતી, દેવ્યાનીના પ્રિય લેખક “ધવલ સોની” પોતે તેના આ શહેરમાં નવી બુકના વિમોચન પ્રસંગે પધારવાના છે. દેવ્યાનીને પોતાની જાત પર વિશ્વાસ નહોતો આવતો કે તેણે જોયેલું સપનું આટલું જલ્દી સાકાર થશે. ત્રણ દિવસ પછી એટલે કે ગુરુવારે શહેરના જાણીતા ઓડીટોરીયમમાં કાર્યક્રમ હતો. દેવ્યાનીએ તેની અને વસુધાની બંનેની ટીકીટ ઓનલાઈન જ બુક કરાવી દીધી. સાંજે ઓફિસમાંથી જતી વખતે દેવ્યાની તેના બોસને મળવા ગઈ ત્યારે તે અને વસુધા ગુરુવારે સાંજે એક ખાસ કામ માટે 2 કલાક વહેલા નીકળી જશે તેવી રજા પણ લઈ લીધી. બોસે થોડી ગમ્મત કરતા કહ્યું કે “કેમ દેવ્યાની ગુરુવારે કોઈ છોકરો જોવા આવવાનો છે કે શું ?” દેવ્યાની શરમાઈ ગઈ અને “ના, એવું કંઈ નથી બીજું કામ છે” કહીને ઓફિસમાંથી બહાર નીકળી ગઈ.

દેવ્યાનીની ઉંમર લગ્નની ઉંમરને તો ક્યારની વટાવી ચુકી હતી. દેવ્યાનીને લગ્નની ઈચ્છા નહોતી, એવું પણ નહોતુ. હા, દેવ્યાનીને ધવલ સોનીના એકલતાના વિચારો ગમતા હતા. પરંતુ તે લગ્નની વિરોધી બિલકુલ નહોતી. ફક્ત એક જ પ્રસંગને લીધે દેવ્યાનીના જીવનમાંથી લગ્ન નામનો શબ્દ આછો પડી ગયો હતો. આજે પણ બરાબર યાદ હતો દેવ્યાનીને તે દિવસ.

માય ફ્રેન્ડસ, ચાલો આપણે દેવ્યાનીનું થોડું ફ્લેશબેક જોઈ લઈએ. એક દિવસની વાત છે, એ દિવસે દેવ્યાનીની કોલેજમાં જ ભણતો અને પ્રોફેસરનો સન આશિષનો બર્થડે હતો, એટલે તેણે તેમની ઘરે પાર્ટી રાખી હતી અને 1st. યરના બધા જ Studentsને બોલાવ્યા હતા. સાથે સાથે સગા-વહાલા અને પ્રોફેસર સ્ટાફ તથા પ્રિન્સીપાલ તો ખરા જ. સંયુક્ત કુટુંબમાં ઉછરેલો આશિષ આખા ફેમીલીનો લાડકો હતો. આશિષના ડેડી એટલે કે બક્ષી સાહેબે બહુ મોટા પાયે જમણવારનું આયોજન કર્યું હતું. આશિષના કાકા જયપ્રકાશભાઈને પોતાનું પ્રિન્ટીંગ પ્રેસ હતું અને તેમાં શહેરનું સુપ્રસિદ્ધ ન્યુઝ પેપર “ખબર-અંતર” છપાતું હતુ. જયપ્રકાશભાઈએ પણ તેમના રિપોર્ટરો અને જર્નાલીસ્ટને આશિષની બર્થડે પાર્ટીમાં ઈન્વાઈટ કર્યા હતા.

 ગુજરાતી, પંજાબી, ચાઈનીસ જેવા અલગ-અલગ કાઉન્ટર પરથી લોકો ભાવતું ભોજન લઈ જમણની મજા લઈ રહ્યા હતા. તો અમુક લોકો હાથમાં વેલકમ ડ્રીન્કસના ગ્લાસ સાથે વાતોએ વળગ્યા હતા. ધીમું સંગીત પણ આ સ્વાદિષ્ટ ભોજનમાં તેનો સૂર પૂરાવતું હતું. આખું વાતાવરણ આનંદિત હતું. દેવ્યાની તેની કોલેજની છોકરીઓ સાથે ટોળામાં ઊભી હતી પણ તેની તરફ ખાસ કોઈ ધ્યાન નહોતું આપતું. દેવ્યાની સ્ટાર્ટરનો રાઉન્ડ પતાવી મેઈન કોર્સ માટે પ્લેટ લેવા કાઉન્ટર તરફ જઈ રહી હતી, ત્યાં જ અચાનક તેનો દુપટ્ટો કોઈએ ખેંચ્યો હોય એવું તેને લાગ્યું. દેવ્યાની સફાળી પાછળ ફરી, જોયું તો એક યુવાન ઊભો હતો. જાણે તેની છેડતી કરવાના મૂડમાં હોય, તેવું દેવ્યાનીને લાગ્યું. એક સેકન્ડનો પણ વિચાર કર્યા વિના દેવ્યાનીએ તે યુવાનના ગાલ પર એક થપ્પડ ચોડી દીધી. યુવાન સમ-સમીને રહી ગયો. સામે કંઈજ પ્રત્યુત્તર આપે તે પહેલા પાર્ટીમાં ઉપસ્થિત પત્રકારો આ દ્રશ્યને કેમેરામાં કેદ કરવા લાગ્યા. યુવાનની વધુ બેઈજ્જતી થાય તે પહેલા તે પાર્ટી છોડીને જતો રહ્યો.

એ યુવાન કોણ હતો તે કોઈને ખ્યાલ ના આવ્યો પણ 1st. યરનો જ કોઈ સ્ટુડન્ટ હતો. દેવ્યાનીએ મારેલા તમાચાના અવાજ સાથે ખૂણામાં ધીમું સંગીત વગાડતા મ્યુઝિશિયનો પણ પોતાનું મ્યુઝિક બંધ કરીને શું ઘટના ઘટી છે, તે જોવામાં મશગુલ થઈ ગયા હતા. થોડીવાર માટે વાતાવરણમાં એકદમ સન્નાટો વ્યાપી ગયો. બક્ષી સાહેબે બધાને વિનંતી કરી અને પાર્ટીને યથાવત્ શરુ રાખવા પ્રયત્ન કર્યો. ફરી પાછા બધા ખાતા-ખાતા વાતોએ વળગ્યા. હવે દરેક નાના-નાના ગૃપમાં આ યુવતીની બહાદુરીની જ વાત ચાલી રહી હતી. ધીમા અવાજે પણ દરેક ગ્રુપ જાણે એક જ ટોપિક પર ડીબેટ કરી રહ્યું હોય તેમ બધા જ આ અણધાર્યા પ્રસંગની જ સમીક્ષા કરી રહ્યા હતા. આશિષ દેવ્યાનીને તેના પપ્પાને મળાવવા માટે લઈ ગયો. દેવ્યાની હજુ અવઢવમાં જ હતી કે તેણે પાર્ટીનો આખો મુડ ખરાબ કરી નાખ્યો કે જે કર્યું તે સારું કર્યું હતું ? ત્યાં જ બક્ષી સાહેબે દેવ્યાનીને સધિયારો આપતા કહ્યું કે બેટા તે બરોબર જ કર્યું, આજ-કાલના યુવાનો છોકરીઓની ખુલ્લે આમ છેડતી કરતા હોય છે. તેમને તો તારા જેવી નારી શક્તિ જ પાઠ ભણાવી શકે.

બસ પત્યું, બીજા દિવસે તો છાપામાં દેવ્યાનીએ પેલા યુવાનને થપ્પડ મારતા ફોટાઓ છપાયા અને મસ મોટો લેખ આવી ગયો કે “ભારતીય નારી, સબ પે ભારી” આખી કોલેજમાં દેવ્યાનીનો ડંકો વાગી ગયો. એક તો છોકરાઓથી ચીડ હતી અને તેમાંય નારી શક્તિનું પ્રદર્શન થઈ ગયું એટલે જાણે બળતા હવનમાં ઘી હોમાયું ! કૉલેજના બધા જ છોકરાઓ દેવ્યાનીને જોઈને રસ્તો બદલી નાખતા. કેન્ટીનમાં દેવ્યાની જતી તો અચાનક જ સન્નાટો થઈ જતો અને વાતો બદલાઈ જતી. દેવ્યાની બધા જ પ્રોફેસરોની ફેવરીટ થઈ ગઈ. રાતોરાત પ્રસંશાનો પારો એટલો તો ઉંચે ચઢ્યો કે “નારી તું નારાયણી” સંસ્થામાંથી દેવ્યાનીને વક્તવ્ય આપવા માટે બોલાવવામાં આવી. દેવ્યાનીનું પ્રથમ જ વક્તવ્ય એટલું તો ધારદાર રહ્યું કે થોડા દિવસો માટે દેવ્યાની એક સેલીબ્રીટી બની ગઈ ! હા, થોડા દિવસો માટે જ. કુદરતી રીતે જ જેમ નવો ટ્રેન્ડ માર્કેટમાં આવે એટલે લોકો જૂનું ભૂલી જાય છે, તેમ દેવ્યાની મહેતા પણ લોકોના મસ્તિસ્કમાંથી ભૂંસાઈ ગઈ.

સમયનો કાંટો કાળની ગતિ પ્રમાણે ફરતો રહ્યો પણ દેવ્યાનીના સ્વભાવમાં એક રતીભાર પણ બદલાવ ના આવ્યો. દેવ્યાની કૉલેજના 3rd. યરમાં આવી. ઉમરની સાથે સાથે દેવ્યાનીમાં મેચ્યોરિટી વધવા લાગી. પરંતુ દેવ્યાનીના માતા-પિતા, પંકજભાઈ અને મધુબેનને એક જ પ્રશ્ન સતાવતો હતો અને તે હતો દેવ્યાનીના લગ્નનો. સ્વાભાવિક છે કે દરેક દીકરીના માતા-પિતાને દીકરી કૉલેજમાં આવે ત્યારથી તેને પરણાવવાની ચિંતા શરુ થઈ જતી હોય છે, તે જ રીતે મધુબેન અને પંકજભાઈની આંખો પણ દેવ્યાની માટે મુરતીયો શોધી રહી હતી. મધુબેને દેવ્યાનીને તેના લગ્નની વાત કરી ત્યારે દેવ્યાની ખૂબ અપસેટ થઈ ગઈ અને ચિડાઈને “મારે લગ્ન જ નથી કરવા” તેવું કહીને જતી રહી. મધુબેનને થયું કે લગ્નની વાત થાય ત્યારે પહેલી વાર તો દરેક છોકરી આ રીતે શરમાઈને ના જ પાડે, તે સ્વાભાવિક છે. પરંતુ મહા મહેનતે ત્રણ-ચાર જગ્યાએ લગ્નની વાત ચલાવેલી પણ “તમારી દીકરીમાં સ્ત્રીના કોઈ લક્ષણો જ નથી” તેવા આડકતરી રીતે પ્રતિભાવો મળતા દેવ્યનીના માતા-પિતા ભાંગી પડયા. દેવ્યાનીએ પણ લગ્ન માટે અંદરથી મનના દરવાજા બંધ કરી દીધા હતા. તેને પોતાના જ શબ્દો વારંવાર યાદ આવતા હતા અને પેલા યુવાનને મારેલી થપ્પડ તેની રાતની ઊંઘ હણી લેતી હતી.

OK, હવે આપણે આગળનું પ્રકરણ જોઈએ. ગુરુવારનો દિવસ આવી પહોંચ્યો. દેવ્યાની આજે સવારથી જ જાણે હવામાં ઊડતી હોય, તેમ ખુશીઓના આકાશમાં ઊડતા-ઊડતા જ ઓફિસે પહોંચી. હાથમાં ધવલ સોનીના 4-5 દળદાર પુસ્તકો હતા. વસુધા, દેવ્યાનીને જોતા જ સમજી ગઈ કે આજે તો મેડમ બહુ જ ખુશ છે. સમયનો કાંટો પણ આજે ધીમે ચાલતો હોય એવું લાગતું હતું. સાંજ પડતા જ દેવ્યાની અને વસુધા કેબ બુક કરીને કાર્યક્રમ શરુ થવાના એક કલાક પહેલા જ ઈવેન્ટ વેન્યુ પર પહોંચી ગયા.

દેવ્યાની વારંવાર કાલ્પનિક જગતમાં ખોવાઈ જતી હતી. વસુધા તેને ઢંઢોળીને પાછી લાવતી. ઓડીટોરીયમ હોલ ધીમે ધીમે માનવ મેદનીથી ભરાવવા લાગ્યો. દેવ્યાની, સાથે લાવેલી ધવલ સોનીના પુસ્તકોના પાના ઊથલાવતી કાર્યક્રમ શરુ થવાની આતુરતાથી રાહ જોઈ રહી હતી. ખાસ તો તેના પ્રિય લેખકના કાલ્પનિક ચહેરાની વાસ્તવિક ઓળખ માટેની તાલાવેલી હતી.

સાહિત્ય સૃષ્ટિ સાથે સંકળાયેલા અને વાંચન વિશ્વમાં વિહાર કરતા સહુ પ્રેક્ષકો ધવલ સોનીના પુસ્તકોની જ ચર્ચા કરી રહ્યા હતા. થોડી વારમાં કાર્યક્રમનો દોર સંચાર કરનાર એન્કરે માઈકમાં સહુનું સ્વાગત કર્યું અને ધવલ સોની સર થોડી જ ક્ષણોમાં આપણી વચ્ચે ઉપસ્થિત થશે, તેવી જાહેરાત કરી. તાળીઓના ગળગળાટ વચ્ચે દેવ્યાનીનું હૃદય પોતાના ધબકારા વધારી ચૂક્યું હતું. સાઉન્ડ સીસ્ટમ પર ચાલતા હાઈ-બીટ્સ વેલકમ મ્યુઝિક સાથે કદમતાલ મિલાવતા મહાન લેખક ધવલ સોનીએ સ્ટેજ પર પ્રવેશ કર્યો. ફરી એક વાર તાળીઓના ગડગડાટથી આખો હોલ ગુંજી ઊઠ્યો. બધા જ પ્રેક્ષકોએ પોતાની જગ્યા પર ઉભા થઈને આ મહાન લેખકનું સ્વાગત કર્યું.

ઔપચારિક અભિવાદન અને ફૂલોના ગુલદસ્તાથી સ્વાગત પૂરું થયા બાદ લેખક ધવલ સોની ડાયસ પર પોતાનું પ્રથમ વક્તવ્ય આપવા ઉપસ્થિત થયા. અત્યાર સુધી કંઈ કેટલાય લોકોએ ધવલભાઈનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો પણ કોઈને સફળતા મળી ન હતી. આજે પ્રથમ વખત આ મહાન લેખકનો ચહેરો લોકો સામે ઉપસ્થિત થયો હતો. એકદમ યંગ અને સ્ફૂર્તિવાળો શરીરનો બાંધો, ચહેરા પર ઉલ્લાસ અને હાથમાં લેખન માટેનો થનગનાટ. લગભગ 80થીય વધુ સફળ પુસ્તકો પોતાની યુવાનીમાં જ લખી શકનાર, આ મહાન લેખકને મળવા કંઈ કેટલાય લોકો દૂર દૂરથી અહી પધાર્યા હતા, દેવ્યાની પણ તેમાની જ એક હતી. ધવલભાઈએ પોતાનું વક્તવ્ય શરુ કર્યું.

મિત્રો, આપ સહુનો ખૂબ ખૂબ આભાર ! આપ સહુના પ્રેમ અને સ્નેહથી જ મારાથી આટલા પુસ્તકો લખવાનું શક્ય બન્યું છે. હું કોઈ લેખક નથી કે નથી મને નાનપણથી લેખન કાર્યમાં રૂચી. હું તો માત્ર મારા વિચારો જ કાગળ પર ઉતારું છું અને તેનું પુસ્તક બની જાય છે. જેને લોકો વધાવી લે છે ! મારા લેખન કાર્યની શરૂઆત, હું કૉલેજના પ્રથમ વર્ષમાં હતો. ત્યારે બનેલી એક ઘટનાથી થઈ છે.

એ દિવસે અમારી કૉલેજના પ્રિન્સીપાલ બક્ષી સાહેબના પુત્રનો જન્મદિવસ હતો. અમારી કૉલેજના પ્રથમ વર્ષના બધા જ વિદ્યાર્થીઓને બક્ષી સાહેબના ઘેરે રાખેલી બર્થ-ડે પાર્ટીમાં આમંત્રિત કર્યા હતા. આમ તો હું બક્ષી સાહેબના સંયુક્ત ફેમીલીમાંથી ખાસ કોઈને ઓળખતો ન હતો પણ આશિષ મારો ક્લાસમેટ હતો અને બધાને આમંત્રણ હતું એટલે હું પણ ત્યાં ઉપસ્થિત હતો. બધા કૉલેજીયન છોકરા-છોકરીઓ અને પ્રોફેસર સ્ટાફ વેલકમ ડ્રીન્કસ સાથે વાતોમાં મશગૂલ હતા. મારી ખાસ કોઈ વિદ્યાર્થી સાથે મિત્રાચારી ન હતી, એટલે હું ઝડપથી વેલકમ ડ્રીંક પતાવીને જમવાના ટેબલ તરફ આગળ વધ્યો. ઉતાવળમાં મારો પગ, મારી આગળ ચાલી રહેલી એક છોકરીના નીચે ઢસડાતા દુપટ્ટા પર પડયો. હું કંઈ સમજુ કે સોરી કહું તે પહેલા તો એ યુવતીએ મારા ગાલ પર એક લાફો ચોળી દીધો. મારો છેડતી કરવાનો કે તેમના દુપટ્ટા પર પગ મૂકવાનો કોઈ જ આશય ન હતો. હું તો નીચે નમીને દુપટ્ટો ઉઠાવી તેને આપવા જતો હતો પરંતુ “મૃતકના શરીરમાંથી છરી કાઢનાર જ ખૂની” તેના જેવો ઘાટ થયો. ત્યાં ઉપસ્થિત પત્રકારો અને કેમેરામેને ધડાધડ ફોટો ક્લિક કરવા માંડયા. હું તો સમસમીને ડિશ મૂકીને જમ્યા વગર જ ત્યાંથી નીકળી ગયો.

બીજા દિવસે છાપામાં પેલી યુવતીના હાથે તમાચો ખાતો મારો ફોટો છપાયો પણ વખાણ તો પેલી યુવતીના જ થયા હતા. આમ તો એકેય ફોટામાં મારો ચહેરો બરોબર દેખાતો ન હતો પણ જે લોકો મને ઓળખતા હતા તે પણ એવું જ સમજવા માંડયા કે મેં પેલી યુવતીની છેડતી કરી છે. હું અંદરથી સાવ ભાંગી પડયો. પોતાની જાતને કેટલાય દિવસ સુધી એક રૂમમાં કેદ કરી રાખી. કોલેજને તો મેં પ્રથમ વર્ષમાં જ છોડી દીધી. ફેમીલી પ્રેશરથી કંટાળીને હું મારા એક મિત્ર સાથે PGમાં રહેવા જતો રહ્યો. ત્યાં આખો દિવસ વારંવાર આ ઘટનાને વાગોળ્યા કરતો હતો અને પેલી યુવતી માટે, મિડિયા-ન્યુઝ પેપર અને સમાજ માટે જાતજાતના વિચારો આવતા હતા કે “લોકો સિક્કાની બીજી બાજુ જોતા જ નથી”. મારા આ વિચારોને કાગળમાં ટપકાવવા લાગ્યો, સંજોગો મળતા ગયા અને એક પછી એક પુસ્તકો બનતા ગયા.

વાચકમિત્રોના પ્રેમભર્યા ઘણા પત્રો મને મળ્યા. ઘણાની સલાહ-સૂચનો પણ લેખનશૈલીમાં કામ લાગ્યા. કેટલાય લોકોએ પર્સનલ વાત કરવા માટે કે રૂબરૂ મળવા માટે વિનંતી કરી, પરંતુ મને અંદરથી કોઈને મળવાની ઈચ્છા જ નહોતી થતી. હું પુસ્તકોની અને લેખનની દુનિયામાં જ ડૂબેલો રહેતો. આજે પ્રથમ વખત આપ સહુની વચ્ચે ઉપસ્થિત થયો છું. વાચકમિત્રોના અતિ આગ્રહને વશ થઈને મારી આ જીવન કહાણીને પણ એક પુસ્તકમાં કંડારી છે જેનું વિમોચન આજે થવા જઈ રહ્યું છે. પુસ્તકનું નામ છે “બીજી બાજુ”. પુસ્તકની એક મોટી સાઈઝની પ્રતિકૃતિ પરથી પરદો હટયો. લોકો તાળીઓના ગડગડાટ સાથે ઊભા થઈ ગયા. બધાના ચહેરા પર હાસ્ય રમતું હતું, ફક્ત દેવ્યાનીની આંખો જ ચોધાર આંસુએ વરસી રહી હતી.

કાર્યક્રમ પૂરો થયા બાદ સભાખંડ ધીમે ધીમે ખાલી થવા લાગ્યો અને કેટલાક લોકો બેક સ્ટેજમાં ધવલ સરને મળવા અને તેનો ઓટોગ્રાફ લેવા માટે ગયા. દેવ્યાની પણ વસુધા સાથે હિંમત કરીને બેક સ્ટેજ આવી પણ તે લેખકશ્રી સામે આંખ ન મેળવી શકી. વસુધાએ દેવ્યાનીની પીઠ પર હાથ ફેરવી પાણી આપ્યું. ધીમે ધીમે બધા લોકો વીખરાવા લાગ્યા ત્યાં જ ધવલભાઈનું ધ્યાન દેવ્યાની તરફ ગયું અને સામે ચાલીને તેમની પાસે આવ્યા. દેવ્યાનીથી એક ડૂસકું ભરાઈ ગયું. ધવલભાઈએ દેવ્યાનીનો હાથ પોતાના હાથમાં લઈ “થેન્ક યુ” કહ્યું. દિવ્યાની ધ્રુસકે ધ્રુસકે રડી પડી અને ધવલ સરને વળગી પડી.

સોરી ટાઈમ ઓછો છે એટલે હવે તમને કલાઈમેક્ષ તરફ લઈ જાઉં છું. આપણે છેલ્લું પ્રકરણ અને તેનો પણ છેલ્લો પેરેગ્રાફ જ જોઈ લઈએ..!

દરિયા કિનારે કલાકોના કલાકો સુધી ધવલ અને દેવ્યાની એક બીજાના ખભે માથું મુકીને બેસી રહેતા. બન્નેને સિક્કાની બીજી બાજુ દેખાઈ અને સમજાઈ ગઈ હતી. પરિવારમાં કોઈ સંતાનો ન હોવાથી આ બન્ને જ એક બીજાને હુંફ આપતા અને ભૂતકાળને મમળાવતા દરિયાની ક્ષિતિજને નિહાળ્યા કરતા. સાહિત્ય સફરના 50 વર્ષ અને સફળ લગ્ન જીવનના 35 વર્ષ પૂર્ણ થયા હતા. આજે દેવ્યાની અને ધવલની 35મી એનીવર્સરી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy