હાથ મારો ઝાલ પછી સફરની મજા માણ

હાથ મારો ઝાલ પછી સફરની મજા માણ

12 mins
21.9K


'તમે એટલા સુંદર છો કે નાપસંદ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. પરંતુ, આ અંગત ક્ષણોની માગણી કરવા પાછળનો એકમાત્ર ઉદ્દેશ તમને એટલું જ પૂછવાનો છે કે, આજના આ વોટ્સ એપ અને ફેસબુકવાળા ઝડપી પ્રેમના જમાનામાં પણ આપણાં અરેન્જ્ડ મેરેજની આ ફોર્મલ કે ઈમ્ફોર્મલ તૈયારીઓ થઈ રહી છે ત્યારે ખરેખર તમે રાજી તો છો ને? તમને ક્યાંક બળજબરીએ આ સંબંધમાં બાંધવામાં આવી રહ્યા હોય એવું તો નથી ને?'

સામાન્ય રીતે આ સંવાદ એક છોકરા દ્વારા બોલાઈ રહ્યો હોય અને સામે કોઈ શરમથી નજર ઝૂકાવીને બેઠેલી નાજુક નમણી વેલ આ સાંભળી રહી હોય. પરંતુ આ ધારણાને સદંતર ખોટી પાડતી આ ઘટના હતી. સામે છેડે એક છોકરો બેઠો હતો અને આ સંવાદ એક છોકરી દ્વારા બોલાઈ રહ્યો હતો.

'એ તો મને ખબર નથી કે હું કેટલો સુંદર છું અથવા તમને કેટલો સુંદર લાગી રહ્યો છું પરંતુ, હા આ વાતની ચોખવટ તમે હમણાં જ કરી લીધી એ સારું થયું. કારણ કે, તમે જે પ્રશ્ન પૂછ્યો એ વાસ્તવમાં મારો સંવાદ છે, અને તમે ઓવરલેપ કરીને મારો સંવાદ બોલી ગયા. કારણ કે, આ જ પ્રશ્ન અને તે પણ આ જ રીતે હું તમને પૂછવા માગતો હતો કે, તમે તમારી પૂર્ણ સંમતિથી આ સંબંધમાં જોડાવા ઈચ્છો છો ને? કોઈ બીજા કારણથી કે કોઈ દબાણમાં આવી તમે આ નિર્ણય તો નથી લઈ રહ્યા ને? એવું હોય તો હમણાં જ કહી દો, પ્લીઝ.' 

પેલો સામે બેઠેલો આછું આછું મુસ્કુરાઈ રહેલો ચહેરો બોલ્યો, 'ના ના હું મારી પૂર્ણ સંમતિથી તમને મળવા આવી છું અને મને તમે પસંદ પણ છો જ.' બંને વચ્ચે આ રીતનો સંવાદ થયો અને બસ આટલા બે વાક્યોના ટૂંકા સંવાદ પછી બંને ફરી બહારના કમરામાં બધાની વચ્ચે આવીને ગોઠવાઈ ગયા. ડ્રોઈંગ રૂમમાં બેઠેલા બધાની નજરો આ બંને લગ્નવાંછુકો તરફ હતી. બધા તેમના ચહેરાના હાવભાવ વાંચી લેવા અને તેમનું ફાઈનલ ડીસીઝન જાણી લેવા માટે આતુર હતા. એટલામાં જ ભદ્રેશભાઈ બોલ્યા, 'શું બાપુ સિંહ કે શિયાળ?' અને પેલો છોકરો કંઈ બોલે તે પહેલાં જ વાચાળ જણાતી છોકરી બોલી પડી, 'સિંહ જ હોય ને ભદ્રેશભાઈ, હવે એમાં જોવાપણું છે શું!' અને બધા મોટા અવાજે હસી પડ્યા. જ્હાનવી રસોડા તરફ દોડી અને મોટ્ટેથી બોલતી ગઈ, 'ગોળધાણાં લાવો, ગોળધાણાં. છોકરો છોકરી, નવરો-નવરી બનવા રાજી થઈ ગયા છે!' બધાએ ટીપાઈ પર મૂકયેલા વરિયાળીના શરબતનો ઘૂંટ ભરતાં ભરતાં લગ્નની તારીખ નક્કી કરવા માંડી. આખાય માહોલમાં જાણે ગોળધાણાંની મીઠાશ પ્રસરી ગઈ. 

બસ આટલી નાની અમથી છતાં વ્હાલી લાગે તેવી કાવ્યમ અને ચૈતસીનો લગ્ન સંબંધ કઈ રીતે ગોઠવાયો તેની કહાણી. પછી તો આખોય માહોલ લગ્નમયી થઈ ગયો. બ્રાહ્મણને બોલાવી શુભ મૂહર્ત કઢાવવામાં આવ્યું, ફૂલવાળા માળીને ઓર્ડર આપવાની તૈયારીઓ થવા માંડી અને મહારાજ સાથે બેસી મેન્યુ શું નક્કી કરવું તે વિશે પણ એક-બીજાના અભિપ્રાયો લેવાવા માંડ્યા. બધું ફટાફટ જ કરી લેવું પડે એમ હતું કારણ કે, બ્રાહ્મણે મૂહર્ત જ એ રીતનું કાઢ્યું હતું, 'છોકરા અને છોકરીની કૂંડળી જોતા લાગે છે કે, આવતા મંગળવારે લગ્ન લેવાઈ જાય તો ઉત્તમ રહેશે પછી સાત મહિના સુધી કોઈ મૂહર્ત નથી.' જ્હાનવી તુરંત બોલી પડી, ‘ના ના ભૂદેવ સાત મહિના સુધી તો અમારાથી પણ રાહ જોઈ શકાય તેવું નથી.’ ના આ વાક્યથી આખાય વાતાવરણમાં એક અજીબ પ્રકારનો પલ્ટો આવી ગયો. બધાના મોઢાં પર જે લગ્ન માટેનો ઉત્સાહ દેખાઈ રહ્યો હતો, ફટાફટ કામમાં જોતરાઈ જવાની માનસિક તૈયારીઓ જણાઈ રહી હતી એ બધું જ જાણે જ્હાનવીના આ એક વાક્યથી અલોપ થઈ ગયું. અને બધા જ્હાનવી તરફ એ રીતે જોઈ રહ્યા હતા જાણે તેણે ઉકળતા દૂધમાં બે ટીંપા લીંબુનો રસ નાખી દીધો હોય. જ્હાનવીને પણ પોતાની ભૂલ સમજાઈ, કે તેનાથી ખોટુ બફાઈ ગયું છે, તે તુરંત પોતાના રૂમમાં દોડી ગઈ અને આંખમાં આવી ગયેલી ભીનાશ કોઈ બીજાની આંખને ભીંજવી નહીં જાય તેથી તે બાથરૂમમાં ગઈ અને શૉવર ઓન કરી તેની નીચે ઊભી રહી ગઈ. બીજા કોઈને ભલે જ્હાનવીનું આ વાક્ય મોઢું કટાણું કરવા સમાન લાગ્યું હોય પરંતુ નિત્યાને ખબર હતી કે જ્હાનવીથી કયા કારણે અને શા માટે આમ બોલી પડાયું હતું. તેને એ વાતની પણ બરાબર ખબર હતી કે જ્હાનવી હવે પોતાની લાગણીઓને નહીં રોકી શકે. તે પણ જ્હાનવીની પાછળ દોડી તેણે બાથરૂમના દરવાજે ટકોરા માર્યા. 'જ્હાનવી… જ્હાનવી દરવાજો ખોલ, પ્લીઝ.' પણ અંદર ચોધાર આંસુએ રડી રહેલી જ્હાનવી હમણાં પોતાના આંસુને શૉવરના પાણીમાં વહાવી દેવા માગતી હતી, તેણે દરવાજો નહીં જ ખોલ્યો. નિત્યાના કોઈપણ પ્રયત્ન હમણાં કારગત નહોતા નિવડી રહ્યા. 'જ્હાનવી, હું જાણું છું કે, આ પળ તારા દિલો-દિમાગમાં એકસાથે કેટકેટલા ભાવો જન્માવી રહી છે. પરંતુ, આ સમય એ તમામ લાગણીઓના આવેગને અવગણી ઉજવણી કરવાનો સમય છે ને? તું આમ રડ્યે રાખીશ તો પછી કાવ્યમને...’

ભલે આમ એક તરફ બધાં ખુશહાલીના આ માહોલને ઉજવી લેવાની તૈયારીમાં વ્યસ્ત દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતાં. પરંતુ, અંદરથી બધાને ભલીભાંતી માલૂમ હતી કે જ્હાનવીના મોઢે આવીને અટકી ગયેલા એ શબ્દો કયા હતાં અને તે કયા કારણથી હતાં. પરંતુ, પ્રથમેશને ખાતરી હતી કે નિત્યા, જ્હાનવીને જરૂરથી સંભાળી લેશે. આથી તેણે ત્યાં હાજર બધાને ફરી યોજાનારા ઘડિયા લગ્નના માહોલમાં ખેંચવાનો પ્રયત્ન કરતા કહ્યું, ‘અરે, આપણે બધાં આમ એક-મેક તરફ શું જોઈ રહ્યા છીએ. ચાલો ફટાફટ લગ્નની તૈયારીઓમાં મંડી પડો.’ ભદ્રેશ, શિલ્પા, હિમાંશુ, પ્રથમેશ વગેરે બધાં જ ફરી ગહેરી ચર્ચા અને મોટા-મોટા પ્લાનિંગમાં મંડી પડ્યા. 'ભદ્રેશ તું એક કામ કર, જાનની બધી તૈયારી કરવાની જવાબદારી તું લઈ લે, હું બ્રાહ્મણનું નક્કી કરી નાખું છું. શિલ્પા તું નાકા પરના માળી પાસે જઈને ફૂલ-હાર વગેરેનો ઓર્ડર આપી દેશે ને? અને હા એને કહેજે કે તે દિવસે કાર પણ શણગારવી પડશે. અચ્છા, હિમાંશુ કોલ્ડ્રિંક્સ અને નાશ્તાનું તું જોઈ લેશે ને? અને નિત્યાને આપણે મહારાજ સાથે રહીને પૂજાના બધા સામાનનું લિસ્ટ તૈયાર કરવા માટે કહી દઈશું. પ્રથમેશ તું જ્હાનવી સાથે જઈને આજે સાંજે જ બધો સામના લઈ આવજે, પછી છેલ્લી વખતે ઘણી દોડધામ થઈ જશે.

એક તરફ પ્રથમેશ અને ભદ્રેશની સાથે બધાં જ આવનારા પ્રસંગની તૈયારીમાં લાગ્યા હતા અને બીજી તરફ કાવ્યમની નજર ચૈતસીના ચહેરા પરથી હટવાનું નામ નહોતી લઈ રહી. કાવ્યમને આમ બાધાની જેમ પોતાની તરફ જોઈ રહેલો જોઈ ચૈતસી શરમથી પાણી-પાણી થઈ રહી હતી. 

જાણે આવતીકાલે જ પરણી જવાના હોય તેમ તડામાર તૈયારીઓ ચાલી રહેલી જોઈને કાવ્યમના રૂંવાડે-રૂંવાડે નવેસરથી યુવાની ફૂટી રહી હતી. તેને લાગી રહ્યું હતું કે, હજી હમણાં જ તો તે આયના સામે ઊભો હતો અને ૧૭ વર્ષની ઊંમરે જે પહેલવહેલો મૂછનો દોરો ફૂટ્યો હતો તે કોમળ વાળને પોતાના હાથે સહેલાવી રહ્યો હતો અને આજે આમ ચૈતસી સાથે લગ્ન પણ ગોઠવાઈ ગયા! તો બીજી તરફ કાવ્યમની અપલક નજરો ક્યારની પોતાના તરફ જ મંડાયેલી છે તે જોઈ ચૈતસી પણ બાથરૂમમાં જઈ શૉવર ચાલુ કરી તેની નીચે પાગલની માફક નાચી લેવા ચાહતી હતી. વ્યક્તિ-વ્યક્તિએ ભાવ અલગ હોય છે, લાગણી અલગ હોય છે અને પ્રદર્શિત કરવાનો કે વહાવી દેવાનો આશય પણ અલગ જ હોય છે. એક તરફ ચૈતસી હતી કે જે પોતાના મનના આનંદોત્સવને ઉજવી લેવા માટે શૉવરનો ઉપયોગ કરવા માગતી હતી તો બીજી તરફ જ્હાનવી હતી જે ગળે આવી ગયેલો ડૂમો રોકી શકે તેમ નહોતી અને આંખમાં ધસી આવેલા આંસુઓને વહાવી દેવા માટે શૉવરનો ઉપયોગ કરી રહી હતી. 

આ બંને અકારણ પણ વ્હાલા લાગે તેવા લગ્નવાંછૂકોના ચહેરા પર હમણાં જે વારંવાર ભાવપલટો થઈ રહ્યો હતો તે તરફ અચાનક શિલ્પાનું ધ્યાન ગયું અને તેણે બધાને ઈશારાથી જ ચૂપ થઈ જઈ આ બંને તરફ એક નજર નાખવા ઈશારો કર્યો. જે કમરામાં હમણાં એક પળ પહેલાં જબરદસ્ત કોલાહલ મચી ગઈ હતી તે શિલ્પાના ધ્યાન દોરવાને કારણે સાવ શાંત થઈ ગઈ હતી. પરંતુ કાવ્યમ અને ચૈતસીનું તો તે તરફ ધ્યાન જ ક્યાં હતું કે તેમને સમજાય કે, બધાં શાંત થઈ ને તેમના આ મૂક સંવાદનો લ્હાવો લઈ રહ્યા છે. એક નજરથી બીજી નજરની વચ્ચેથી હમણાં જાણે એક આખેઆખું ચોમાસું પસાર થઈ રહ્યું હતું. અચાનક કાવ્યમનું ધ્યાન તૂટ્યું અને બધા ખુલ્લા મોઢે હસી પડ્યા. ચૈતસી પણ બધાની આમ તીર જેવી નજરો અને અટ્ટહાસ્યથી શરમાઈ ગઈ અને તેના કમરા તરફ ભાગી ગઈ. એટલાંમાં જ નિત્યાએ તેને બૂમ પાડી. 'અરે, ચૈતુ ક્યાં જાય છે. ઊભી રહે. આપણે મહેમાનોનું લિસ્ટ તૈયાર કરવા બેસવાનું છે. તમારા આ નજરોના રોમાન્સમાંથી તું થોડી નવરી પડી હોય તો મને મહેમાનોના નામો લખાવ એટલે ઈન્વીટેશન આપવા માંડીએ. કાર્ડ્સ તૈયાર કરાવવા જેટલો મહારાજે સમય આપ્યો નથી તો હવે મોઢે મોઢે જ કહેવું પડશે ને!' નિત્યાની આ વાતથી ભદ્રેશને પણ હવે જ ભાન થયું કે, હા આ સૌથી મોટું એક કામ તો હજી બાકી જ છે. મહેમાનોના નામોની યાદી તૈયાર કરવાનું તો સૌથી મોટું અને શાંતિથી કરવું પડે એવું કામ છે.

ભદ્રેશ અને પ્રથમેશ એક મોટો કાગળ અને પેન લઈને કાવ્યમ પાસે ગોઠવાઈ ગયા અને નિત્યા અને શિલ્પા બીજો કાગળ લઈને ચૈતસીના રૂમ તરફ ભાગી ગયા. સાંજ પડતા સુધીમાં તો બંનેના મહેમાનો મળી પાંચસો જેટલા નામોની યાદી તૈયાર થઈ ગઈ હતી. આઉટ સ્ટેશન હતાં એટલાં બધા નામોને જૂદા તારવી ભદ્રેશ અને નિત્યાએ તેમને ફોન કરવાની જવાબદારી ઉપાડી લીધી અને હિંમાશુંને સાથે લઈ શિલ્પા શહેરના નજીકના વિસ્તારોમાં મોઢાંમોઢ આમંત્રણ આપવા માટે પહોંચી ગયા. ઘરમાં રહેલા બાકીના પાંચ-સાત છોકરા-છોકરીઓ ભદ્રેશભાઈએ તેમને જે-જે કામ સોંપ્યા હતા તે પતાવી લેવા માટે આમથી તેમ દોડદોડી કરવા માંડ્યા.

બીજા દિવસની સવારે નિત્યાની બહેન જે શહેરમાં બુટીક ચલાવતી હતી તે પણ તેના ટેલર માસ્ટરને લઈને ચૈતસીનું માપ લેવા માટે આવી ગઈ. ભદ્રેશ અને હિમાંશુ પણ હમણાં કાવ્યમને લઈને બાજૂના રોડ પર આવેલા રેમન્ડના શૉરૂમમાં પહોંચી ગયા હતા. કાવ્યમને ખૂબ ગમતો મોરપીચ્છ કલરનો એક બ્લેઝર લીધો અને તેની સાથે વ્હાઈટ શર્ટ અને બ્લેક પેન્ટનું કોમ્બિનેશન નક્કી કરી શૉરૂમવાળાને તાકીદે કાવ્યમના માપ પ્રમાણે શૂટ તૈયાર કરવા જણાવી દીધું. આમને આમ બધી તૈયારીઓ અને દોડ-ધામમાં ત્રણ દિવસ ક્યાં નીકળી ગયા કોઈને ખબર પણ નહીં રહી. આજે ગુરુવાર તો આવી પણ ગયો અને મંગળવારે તો આ સમયે લગ્ન પણ લેવાઈ ગયા હશે. આ વિશે પ્રથમેશ હજી તો વાત જ કરી રહ્યો ત્યાં નિત્યા બોલી, 'હેય પ્રથમેશ, તું પાલેજાસરને ઈન્વિટેશન આપી આવ્યો કે નહીં?' પ્રથમેશને યાદ આવ્યું, 'શીટ એ તો બાકી જ રહી ગયું, સારું થયું નિત્યા તેં યાદ કરાવ્યું નહીં તો પાલેજાસર આપણી ખાલ કાઢી નાખત! હું હમણાં જ જઈ આવું છું.' કહેતા પ્રથમેશ ઊભો થયો. 'અરે પણ, જશે ક્યાં? સરની પ્રેકટીસનો સમય તો પુરો પણ થઈ ગયો હશે. હવે તો તારે એમના ઘરે જ જવું પડશે. જોકે એ પણ સારું જ છે. યાદ રાખીને આંટીને પણ કહી આવજે! કે આગલા દિવસે જ અહીં રહેવા આવી જાય. આંટી આપણી સાથે હશે તો ધાર્મિક વિધીઓની તૈયારીમાં ઘણી મદદ રહેશે.' પ્રથમેશ અને નિત્યા વચ્ચે થઈ રહેલી આ વાત-ચીત સાંભળતા જ શિલ્પાને યાદ આવ્યું કે, તે જ્યારે દલાલસરને ઈન્વિટેશન આપવા ગઈ હતી ત્યારે દલાલસરે કહ્યું હતું કે, 'વનમાળી સાહેબને પણ બોલાવવાના છો ને?' અને શિલ્પા બોલી, 'લે, વનમાળીસરને તો કહેવાનું રહી જ ગયું. ભદ્રેશ પ્લીઝ જરા એમના ક્લીનિક પર જઈ આવને. સર હજી નીકળ્યા નહીં હોય.' પ્રથમેશની સાથે ભદ્રેશ પણ વનમાળીસાહેબને ઈન્વાઈટ કરવા માટે રવાના થઈ ગયો.

શહેરના છેવાડે આવેલા પાલેજાસરના ઘરે પ્રથમેશ પહોંચ્યો ત્યારે પાલેજા સાહેબ અને આંટી જમવા બેસવાની તૈયારી કરી રહ્યા હતા. પ્રથમેશને હમણાં આ સમયે આવેલો જોઈ પહેલાં તો એમને મનમાં ફાળ પડી. પરંતુ, પ્રથમેશના ચહેરા પર ચિંતા જેવું કાંઈ કળાતુ નહોતુ આથી આંટીએ તેને હિંચકા પર બેસવાનો ઈશારો કરતા પૂછ્યું, 'કેમ પ્રથમેશ આટલી મોડી સાંજે, કંઈક અરજન્સી તો નથી આવી પડીને?' 'હા આંટી, અરજન્સી તો આવી જ પડી છે પરંતુ તમે વિચારી રહ્યા છો તે રીતની નથી. એક્ચ્યુઅલી, આવતા મંગળવારે કાવ્યમ અને ચૈતસીના ઘડિયા લગ્ન ગોઠવાયા છે, તો તમારે બંનેએ તમારી બધી જ એપોઈન્ટમેન્ટ કેન્સલ કરીને સવારથી ત્યાં અમારી સાથે હાજર રહેવાનું છે. અને આંટી નિત્યાએ ખાસ તમને કહેવડાવ્યું છે કે તમારે આગલા દિવસથી જ ત્યાં આવી રહેવું પડશે. તમારી મદદની જરૂર પડશે.' પ્રથમેશની વાત સાંભળી આશ્ચર્યના માર્યા પાલેજાસર અને આંટીનો ચહેરો જોવા જેવો થઈ ગયો. પહેલાં બે ઘડી તો તેમને પ્રથમેશની વાતો પર ભરોસો જ નહોતો થઈ રહ્યો. પછી થોડી કળ વળતા તેમણે પૂછ્યું, 'અરે પણ આ બન્યું કઈ રીતે? અને હમણાં આ રીતે લગ્ન?' પ્રથમેશ પણ તેમના ચહેરો જોઈ હસી પડ્યો, 'હા અંકલ-આંટી, અમે બધાએ આપણાં ઘરમાં જ બકાયદા કાવ્યમ અને ચૈતસીનો એકબીજાને જોવાનો અને ઓફર મૂકવાનો કાર્યક્રમ રાખ્યો હતો. ભદ્રેશ અને નિત્યા, કાવ્યમના પક્ષ તરફથી અને હું, હિંમાંશુ અને શિલ્પા, ચૈતસીના પક્ષ તરફથી રહીશું એમ નક્કી કરવામાં આવ્યું. ચૈતસી અને કાવ્યમને આપણે છોકરી જોવા જઈએ ને એ જ રીતે અમે એકલા એક રૂમમાં મોકલ્યા અને એક-મેકના ઈન્ટરવ્યુ કરાવ્યા. બંનેની હા આવી ગઈ અને અમે બધાએ ગોળધાણાં ખાધા.' પાલેજાસર અને આંટીને પ્રથમેશની વાત સાંભળી એટલો આનંદ થયો જાણે એમના સગા દીકરા અને દીકરીના લગ્ન ગોઠવાઈ ગયા હોય. આંટીએ તો રિતસર પ્રથમેશને ગળે વળગાડી લીધો.

આ તરફ ભદ્રેશ પણ વનમાળીસરના ક્લિનીક પર પહોંચી ગયો હતો. વનમાળી સાહેબ આજની પ્રેકટીસ આટોપી ઘરે રવાના 

થવાની તૈયારી જ કરી રહ્યા હતા ત્યાં ભદ્રેશને આવેલો જોઈતેમણે હૂંફાળુ સ્મિત કર્યું અને સ્થેટોસ્કોપ ફરી ગળે વળગાડતા ભદ્રેશને મીઠો ઠપકો આપતા બોલ્યા, ‘આવ ભદ્રેશ આવ, તને કેટલીવાર કહ્યું છે દીકરા તું ચેકઅપ માટે આવવાનો હોય તો પહેલેથી ફોન કરીને ઈલાને જણાવી દે, ઈલા તારું નામ લખી રાખે તો મને ખબર પડે ને ભાઈ, કે તું આવવાનો છે.' ભદ્રેશે વ્હાલથી વનમાળી સાહેબના ગળામાંથી સ્થેટોસ્કોપ ઉતારી આપ્યું અને તેમને ખુરશી પર બેસાડતાં બોલ્યો, 'આજે હું ચેકઅપ માટે નથી આવ્યો સાહેબ. આજે તો હું તમને ઈન્વિટેશન આપવા માટે આવ્યો છું.' 'ઈન્વિટેશન?' વનમાળી સાહેબને સમજાતું નહોતું કે ભદ્રેશ શાના વિશે વાત કરી રહ્યો છે. તેમણે ભદ્રેશ તરફ ન સમજાતું હોય તે રીતે જોયા કર્યું. ભદ્રેશ મનોમન વનમાળી સાહેબના આશ્ચર્યની જાણે મજા લઈ રહ્યો હોય તેમ થોડીવાર ચૂપ રહ્યો અને પછી બોલ્યો, 'સાહેબ આવતા મંગળવારની તમારી બધી એપોઇમેન્ટ્સ તમારે કેન્સલ કરી નાખવી પડશે. જો તમે નહીં કરો તો હું ઈલાને કહીને કરાવી દઈશ.' 'મંગળવારે? અરે પણ મંગળવારે તો મારે...' વનમાળી સાહેબે તેમની ડાયરી ઉથલાવવા માંડી. ભદ્રેશે તુરંત તેમના હાથમાંથી ડાયરી લઈ લીધી અને કહ્યું, 'બધી એપોઈન્મેન્ટ્સ કેન્સલ મતલબ કેન્સલ. આવતા મંગળવારે આપણાં કાવ્યમ અને ચૈતસીના લગ્ન છે.' 'શું?' વનમાળી સાહેબ ખુરશીમાંથી ઊભા થઈ ગયા. 'શું, કાવ્યમ અને ચૈતસી? આ બધું ક્યારે, કઈ રીતે? અરે પણ તે બંને...' વનમાળી સાહેબ બોલતા અટકી ગયા. ભદ્રેશ, વનમાળી સાહેબના હોઠે આવીને અટકી ગયેલી વાતને પામી ગયો, આથી તે બોલ્યો, 'હા સાહેબ, તે બંને જ. આપણા કાવ્યમ અને ચૈતસી આવતા મંગળવારે લગ્ન કરી રહ્યા છે. તમે આવશો ને?' વનમાળી સાહેબની આંખો ભીની થઈ ગઈ. તેમણે ભદ્રેશના ખભે હાથ મૂકતા કહ્યું, હા આવીશ જ ને, જરૂરથી આવીશ. હવે તો મંગળવારે ખુદ ઈશ્વર પણ તેનું ઓપરેશન કરાવવા આવે તો તેમને પણ કહી દઈશ, સૉરી બોસ, મારા કાવ્યમ અને ચૈતુના લગ્ન છે. આજે નહીં થાય!' ભદ્રેશ ઊભો થયો અને વનમાળી સાહેબની રજા લઈ રવાના થઈ ગયો.

ક્લિનીકની બહાર જઈ રહેલા ભદ્રેશની પીઠ તરફ જોતાં વનમાળી સાહેબ બબડ્યા, ‘અજીબના ઝિંદાદિલ છોકરાઓ છે આ, ખરેખર!' તેમણે મોબાઈલ ઓન કરી ફોન ડાયલ કર્યો. 'હલ્લો પાલેજા, વનમાળી હીઅર!' સામે છેડેથી પાલેજાસરને કદાચ ખાતરી જ હતી કે ડૉ. વનમાળીનો ફોન આવશે જ. ‘હા સાહેબ, વાત સાચી છે. કાવ્યમ અને ચૈતુ લગ્ન કરી રહ્યા છે. હમણાં જ પ્રથમેશ મારા ઘરે આવ્યો હતો અમને બંનેને ઈન્વાઈટ કરવા માટે.' 'ગજબના છોકરાઓ છે આ પાલેજા, જાણે ગઈકાલે જ તો આ બધાને આપણે આપણાં 'લાઈફ બિયોન્ડ કેન્સર હોમ'માં દાખલ કર્યા હતા, અને આજે આ બધાઓએ મળીને લગ્નસમારંભ પણ ગોઠવી નાખ્યો?' વનમાળી સાહેબ બોલ્યા. 'હા સાહેબ, તમારી વાત સાચી છે. અને લગ્ન પણ પાછા કોના? કાવ્યમ અને ચૈતસીના. એકને એક્યુટ લિમ્ફોસાઈટીક લ્યુકેમિયા (બ્લડ કેન્સર) છે અને બીજાને ક્રોનિક માયલોસાઈટીક (બ્લડ કેન્સર). માથે વાળ નથી, હાથ-પગના નખ કાળા પડી ગયાં છે, આંખની આજુ-બાજુ કાળા કૂંડાળા આવી ગયા છે, અઠ્યાવીસ ત્રીસ વર્ષની ઊંમરે હમણા જ્યારે આ બંને જુવાનિયા સાંઈઠ-સિત્તેર વર્ષના ડોસલા કરતાંય વધુ બિમાર દેખાઈ રહ્યા છે ત્યારે આ ગાંડીયાઓ બંનેના લગ્ન કરાવવાની દોડધામ કરી રહ્યા છે.’ પાલેજા સાહેબે કહ્યું. ‘હા પાલેજા, અને આ મંગળવાર પછી બંને આવતા મંગળવાર સુધી જીવતા પણ હશે કે નહીં તેની ખબર નથી, છતાં બંને પરણવા નીકળ્યા છે.' આટલું બોલતામાં તો વનમાળીસાહેબનો અવાજ રૂંધાવા લાગ્યો. પણ એક ઓન્કોસર્જનની પીડા એક ઓન્કોલોજિસ્ટ નહીં સમજી શકે તો બીજું કોણ સમજે. પાલેજા સરે વાતને તૂટતા અટકાવી અને તુરંત બોલ્યા, 'અચ્છા સાહેબ, સાંભળો... આપણે આ બંનેને મેરેજમાં હનીમુન પેકેજ ગીફ્ટ કરી દઈએ તો કેવું?



Rate this content
Log in

Similar gujarati story from Inspirational