આબરૂ
આબરૂ


દિશા એની 3 વર્ષની માસુમ દીકરીને લઈને રસ્તા પર ચાલી જતી હતી... કાંઈ જ સુધબુધ એને નહોતી... એ ક્યાં જઈ રહી છે ? એને ક્યાં જવું છે ? એ પણ ક્યાં ખબર હતી... બસ ચાલી જતી હતી... હવે તો પગ લથડતા હતા... 3 વર્ષની દીકરી ભૂખ અને થાકથી રડતી હતી. દિશા એને ફોસલાવતી હતી...
દિશાના મનમાં એક સાથે બહુ બધા અવાજો પડઘા મારતા હતા...
મમ્મી, "અમારી આબરૂના ધજાગરા કરી દીધા આ છોકરીએ..."
પપ્પા, "હું મરી જવું તો યે મારું મોઢું જોવા ન આવતી, મારું મોત ના બગાડીશ."
દિવેશ, "તારા બાપની આબરૂનો વિચાર નથી કર્યો તે તો પછી મારી તો શું વાત ?"
સાસુ, "આબરૂવાળા ઘરની છોકરી હોય તો આવી રીતે ભાગીને અમારા ઘેર ના આવી હોત."
દિશાએ જોરથી કાન બંધ કરી દીધા અને નફરત, ધિક્કારના મનોભાવ સાથે મન મક્કમ કરી દીકરીને હાથમાં તેડી કાંકરિયાની પાળ પર ચડી ગઈ... હજી મોતની છલાંગ લગાવે એ પહેલાં જ એક પ્રેમાળ હાથે એને પછી ખેંચી લીધી...
"દીકરી, નહિ બેટા, આ તું શું કરવા જઈ રહી છો ?"
"કોણ છો તમે ? કેમ મને રોકી રહ્યા છો ? મને નથી જીવવું. મારું કોઈ નથી આ દુનિયામાં... મને મરવા દો અંકલ. હું તો એક આબરૂહીન સ્ત્રી છું..." દિશાના હ્રદયમાં બંધ એ અપમાનના આંસુ બમણી ગતિએ બહાર ઠલવાયાં. એ તદ્દન અજાણ એવા એનો જીવ બચાવનાર અંકલ આગળ ખુલ્લા મનથી રોઈ રહી હતી...
"બેટા, તું મને કહીશ તારી કેફિયત... શું વાત બની કે તું આ તારી માસુમ દીકરી સાથે..."
"અંકલ મેં પ્રેમ લગ્ન કર્યા હતા. મારા પપ્પાની મરજીની વિરુદ્ધ મેં લગ્ન કર્યા. પહેલાં તો મારા મમ્મી પપ્પાએ મને બહુ સમજાવી હતી, લગ્ન નહીં કરવા માટે. પણ હું એમની એક પણ વાત ન માની અને મને વિશ્વાસ થઈ ગયો કે હવે મારા પપ્પા મારા લગ્ન મને ગમતા છોકરા સાથે નહીં કરાવે ત્યારે હું ઘરેથી એ છોકરા સાથે એક દિવસ સાથે ભાગી ગઈ અને અમે લગ્ન કર્યા. શરૂઆતમાં મને એવું હતું કે મારા પપ્પાની હું લાડકી દીકરી છું તો મારા પપ્પા મારાથી વધારે સમય રિસાઈને નહિ રહી શકે. મને એક દિવસ ચોક્કસ બોલાવશે એટલે હું એક દિવસ હિંમત કરીને મારા જન્મદિવસના દિવસે એમના આશીર્વાદ લેવા ગઈ. પણ મારા પપ્પાનો ગુસ્સો હજી પણ બિલકુલ ઓછો નહતો થયો એમને મને કહી દીધું કે હું મરી જાઉં તો પણ મારું મોઢું જોવા પણ તું ના આવીશ. નહીં તો મારી સદગતિ નહિ થાય...
મારા લગ્ન થયા પછી શરૂઆતના એક વર્ષ તો બધું સારું જ ચાલ્યું. પણ જેવી મારા પતિ અને સાસરિયાઓને ખબર પડી કે મારા પપ્પાએ એમની કરોડોની મિલકતમાંથી મને દરગુજર કરી, એવો જ એ લોકોએ કાચીંડાની જેમ રંગ બદલ્યો અને મારી કઠણાઈઓ શરૂ થઈ ગઈ. દીકરીના જનમ પછી તો કોઈ રાત મેં માર ખાધા વિના નથી કાઢી. છતાંય એ બધું જ સહન કરી હું રહી. હું ક્યાં જતી ? હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે દિવેશ બીજી સ્ત્રીને ઘરમાં જ લઈ આવ્યો અને મારી નજર સામે જ... બન્ને પતિ -પત્નીની..." દિશાનું ફરી ડૂસકું નીકળી ગયું...
"શાંત થઇ જા બેટા... ચલ તારા પપ્પાના ઘરે... ક્યાં રહે છે."
"ના, અંકલ પપ્પાને ત્યાં, ...ના ના એતો મારું મોઢું પણ જોવા તૈયાર નથી."
"તું એ બધું મારા પર છોડ."
દિશા ઘબરતા મને એ મસીહા થઈને આવેલા અંકલની સાથે એના પપ્પાના ઘરે ગઈ.
દિશાના પગ થંભી ગયા... જે ઘરની આબરુના ચોખટ ઓળંગીને છડેચોક લિરા ઉડાડયા હતા એને પાછી કેમ પાર કરું?" એ બહાર જ ઉભી રહી ગઈ.
"આ પરીક્ષિત ભાઈનું ઘર કે...?"
"હા હા બોલો... આજ ઘર અને હું પરીક્ષિત."
"દિશા તમારી દીકરી?"
"નામ ના લો એનું."
"મુરબ્બી, પહેલાં શાંત થાઓ. મારી વાત રજૂ કરવાનો મોકો આપો, મને એક વાર સાંભળો. પછી તમે જે કેવું હોય એ કહેજો, જે નિર્ણય લેવો હોય એ લેજો..."
"હા બોલો..."
"મારું નામ દિવાકર. હું પણ એક દીકરીનો પિતા... બહુ અરમાન હતા મને દીકરીના ધામધૂમથી થઈ લગ્ન કરવાના. અમારી જ્ઞાતિનો સરસ સુશીલ ભણેલો છોકરો શોધી એના લગ્ન નક્કી કર્યા. પણ લગ્નના આગલા દિવસે જ એના કહેવાતા પ્રેમી સાથે મારી આબરૂના લિરા લિરા કરી ભાગી ગઈ. તમારી જેમ જ બહુ ગુસ્સો આવ્યો મને પણ. મારા પ્રેમમાં એવી શું ખોટ રહી ગઈ હતી કે એને બહાર પ્રેમ શોધવો પડ્યો. ઘરમાં બધાંને કહી દીધું, "હવે કોઈ એ એને બોલાવી નહિ. આપણાં માટે એ મરી ગઈ સમજો." પણ એક દિવસ એનો ફોન આવ્યો. એ કંઈક કેહવા માંગતી હતી પણ મેં વાત કર્યા વગર ગુસ્સામાં ફોન કાપી નાખ્યો. અને એક કલાકમાં જ મારા ઘરે પોલીસ આવી... ડેડબોડીની ઓળખ માટે... હા... કમનસીબે એ મારી દીકરીની લાશ હતી. આજ દિન સુધી હું એના મોત માટે મારી જાત ને જ જવાબદાર માનું છું અને એટલે જ મારી દીકરીએ જ્યાં મજબૂરી વશ એની જીવોદારી ટૂંકાવી હતી ત્યાં બેસીને મનોમન એની માફી માગ્યા કરું છું. આજે પણ એ જ હેતુ સર બેઠો હતો... ત્યાં ફરી એક દીકરી..."
"એ દીકરી...શું ? દિવાકરભાઈ બોલો...?" પરીક્ષિતભાઇ આકુળવ્યાકુલ થઈ ગયા.
"એ દીકરી એટલે તમારી દિશા..."
"શું થયું મારી દિશાને... ક્યાં છે?"
"આટલો પ્રેમ કરો છો દીકરીને ? તો પછી આ બહારની નફરત શું કામ?"
"સમાજ, આબરૂ..."
"આ સમાજ, આ આબરૂ એ આપણાં લોહી કરતાં વધુ કેવી રીતે ? આપણાં સંતાનની ખુશીઓના ભોગે ? માન્યું કે છોકરાં એમની કાચી ઉંમરમાં નાદાની કરી નાંખે પણ આપણે તો કાચા નથી ! મા - બાપે દિલ મોટું રાખવું જ પડે જેથી એમના સંતાન જિંદગીની કોઈ પણ નાજુક ક્ષણે એટલા તો ખાત્રીબંધ હોય કે દુનિયા આખી મારી વિરુદ્ધ કેમ ન હોય પણ કમસેકમ મારા માતા પિતા તો મારી સાથે જ હશે."
"દિવાકરભાઈ એક બાપ તરીકે હું આબરૂની ફિકરમાં લાગણી ચૂક્યો. મારી દીકરી મને ક્યારેય માફ નહિ કરે."
"પપ્પા... મને માફ કરી દો..." ઘરની બહાર દરવાજાની આડાશે અંદર બે પિતા વચ્ચેના સંવાદ સાંભળીને ઊભેલી દિશા દોડીને પરીક્ષિતભાઈના પગે પડી ગઈ.
"દીકરા ભૂલ મેં પણ કરી... એક દીકરીનું સ્થાન પગમાં નહિ પણ હંમેશા પિતાના હૃદય માં હોય છે. દિવાકરભાઈ તમારો આભાર ક્યા શબ્દોમાં વ્યક્ત કરું ?તમે તો મારી આંખો ખોલી દીધી..."
"તમને તમારી દીકરી મળી ગઈ... બસ એટલે..."
દિવાકર ભાઈ વધુ બોલી ન શક્યા. આજે એક પિતા પુત્રીનું મિલન એ જોઇ રહ્યા હતા, સજળ નયને... મહેસુસ કરી રહ્યા હતા, "આજે મારી દીકરી એ પણ ચોક્કસ મને માફ કરી દીધો હશે..."