સદગતિ એ
સદગતિ એ


હાર પહેરેલો ફોટા આગળ ઘીનો દીવો પ્રજ્વલિત હતો. દિવા આગળ ચોકો કરેલો હતો અને અને એના ઉપર એનો નિશ્ચેત દેહ પડ્યો હતો. સૌ સગાંસંબધી, મિત્રો, આડોશી - પાડોશી મને પગે લાગતા હતા. મારા જેવા માણસને પગે લાગવાનું...? ના મને પગે ન લાગશો... હું તો પાપી છું... હત્યારો... અરે ! પણ મને કોણ સાંભળશે ? બધા રાહ જોતા હતા મારા દીકરાની. પણ હું તો કોઈ બીજાની રાહ જોતો હતો. દ્રષ્ટિ મારી સ્થિર હતી ઘરના ઉંબરે... ત્યાં જ પગલાં પડ્યા બે નહિ ચાર... પગલાં મારી ભૂતપૂર્વ બે પત્નીઓ... હા, હું એમની જ રાહ જોતો હતો. સુલેખા અને સુહાગી... આ બન્નેનો હું ગુનેહગાર.
સુલેખા... નાના શહેરની ઘરેલું, સમજુ છોકરી... આજથી ૫૦ વર્ષ પહેલાં નવોઢા થઈ મારા ઘરમાં કેટલાય અરમાનો લઈને ગૃહ પ્રવેશ કર્યો હતો... પણ મારું મન તો શહેરમાં કોલેજમાં સાથે ભણતી સુહાગી પર મોહયું હતું. આમ તો સુહાગી એક જ ક્યાં હતી... આશા... નીલા... કાવેરી આગણિત નામ હતા. પણ સુહાગી આ બધામાં મોર્ડન એટલે જરા એની સાથે આપણો પણ વટ પડતો. લગનના ૫-૬ વર્ષ થયાં પણ સુલેખાનો ખોળો ખાલી. કેટલી બધાઓ - માનતાઓ, દવાખાના તો કોઈ બાકી નહિ. મને તો બહાનું મળી ગયું... સુલેખાની ઉપર વાંઝણીનું લેબલ લગાવી દીધું અને મનમાં હરખાતા સુહાગીને લઈ આવ્યો... લગ્નના બીજા જ વર્ષે લક્ષ્મી અવતરી. પણ આ શું ...ત્રીજા વર્ષે, ચોથા વર્ષે લક્ષ્મી જ લક્ષ્મી... અરે ના ભાઈ મને તો વારસદાર જોઈએ... ત્રણ વાર તો મેં એનું એબોરશન કરાવ્યું. તોય કંઈ નહિ... ઓફિસેમાં કામ કરતી સ્ટેનો ડિવોર્સી નીક્કી... વળી પાછો મોહી પડ્યો... આ મોહ તો છોકરા માટેનો જ ને... વગર લગને જોડે રાખી... સુહાગીને કરી રવાના એની ત્રણે છોકરી ઓ સાથે... નીક્કી એ ૧૫ વર્ષે પોત પ્રકાશયું... મારી બધી મિલકત લઈ એના છોકરા સાથે કેનેડા... જે છોકરાને હું મારો વારસ સમજતો હતો એતો કોઈ બીજાનુંજ અનૌરસ સંતાન હતું... મરતાં મરતાં કેટલી પીડા ? કષ્ટ... કેટલા પાપ કર્યા હતા મેં... કેટલી જિંદગીઓ જોડે રમ્યો હતો. કેટલી જિંદગીઓના પગલાં પડતા પહેલાં મેં ભૂંસી નાખ્યાં હતાં ! એક વારસદારની આશમાં ? દીકરાના હાથે અગ્નિદાહની મહેચ્છામાં ? અગ્નિદાહ દીકરા થકી હોય તો જ જીવ સદગતિ પામે... એવી જૂઠી માન્યતામાં કેટલી જિંદગી હોમી... સુહાગી, સુલેખા મને માફ કરશો...? મારી ત્રણેય દીકરીઓ મારા દેહને અગ્નિદાહ આપશે...? જો એમ થશે તો ચોક્કસ મારો જીવ સદગતિ પામશે.
મારી આ છેલ્લી ઈચ્છા મારા વકીલે સુલેખા અને સુહાગીને જણાવી...
સુલેખા, "વકીલ સાહેબ આખું જીવન આ વ્યક્તિએ અમને બન્ને સ્ત્રીઓને એટલા દાહ આપ્યા છે... કે અમારું તો જીવન જ એને અગન સમું કરી દીધું હતું."
સુહાગી, "છતાંય અમે માણસાઈ નહિ છોડીએ.આટલા દાહ ભેગો વધુ એક દાહ... મારી દીકરીઓ દેશે અગ્નિદાહ એના પિતાને."
પછતાવાના આંસુ જે મારી આંખોમાંથી નીકળી રહ્યા હતા એ કફન નીચે સંતાઈ ગયા હતા...
થોડીવારમાં મારો દેહ પંચ મહાભૂતમાં વિલીન થઈ જવાનો હતો... સદગતિ એ...