Rena piyush

Romance Others Inspirational

3  

Rena piyush

Romance Others Inspirational

લગ્નજીવન

લગ્નજીવન

6 mins
14.8K


"હેલો ચૈતાલી... શિકાગોથી વૈશાલી બોલું."

"અરે મોટીબેન... બોલો બોલો, કેમ છો તમે ?"

"હું તો મજામાં છું. તું કેમ છે ? દીકરા યશના લગન સુખશાંતીથી પૂર્ણ થઈ ગ્યા ?"

"અરે હા મોટીબેન, બહુ જ સરસ રીતે બધું સંપન્ન થઇ ગયું. પણ તમારી ખોટ તો વર્તાઈ હો મોટીબેન."

"હા તારી વાત તો સાચી પણ શું કરું ચૈતાલી, જોબમાંથી રજા જ ન મલી. પણ તું કે તારી વહુ, યશવી કેમ છે ? મેં તો માત્ર ફોટામાં જ જોઈ છે. ફોટામા તો બહુ સરસ દેખાવડી અને ગુણીઅલ જણાય છે."

"મોટીબેન હું તો ખરેખર ખૂબ નસીબદાર છું. બહુ જ ડાહી છોકરી છે. એના મમ્મી પપ્પાની એકની એક છે અને પૈસે ટકે પણ ખૂબ સુખી ઘરની છે પણ તોય જરાય અભિમાન નથી. અને વિનમ્ર પણ ખરી. હંમેશા હસ્તી ને હસતી. સગીમાની જેમ મને સાચવે છે. સાચું કહું તો મોટીબેન મારે તો દીકરી નહોતી ને એટલે ખૂબ હરખ હતો મને એક દીકરી હોય અને એ જાણે પૂરો થઈ ગયો."

"બસ ત્યારે આપણે બીજું શું જોઈએ ? વહુને મારા આશીર્વાદ આપજે. તું આટલા વખાણ કરે છે યશવીના તો આ ડિસેમ્બરમાં ઇન્ડિયા આવુજ પડશે !"

"ચોક્કસ મોટીબેન, અમે રાહ જોઈશું કે ડિસેમ્બર જલ્દી આવે."

"સારું ત્યારે ફોન મુકું છું. જયશ્રીકૃષ્ણ."

"જયશ્રીકૃષ્ણમોટીબેન."

ચૈતાલી ખુબજ ખુશ હતી દીકરાને પરણાવીને. એને તો જાણે યશવી રૂપે એની એકલતાની સાથી મળી ગઈ હતી. યશવી પણ ચૈતાલીની દરેક વાતનું ધ્યાન રાખતી, ચૈતાલીની બીપીની ગોળી ટાઇમસર આપવાથી લઈને રોજ સાંજે હવેલી એ દર્શન માટે પણ સ્કૂટર પર લઈ જતી. તો ચૈતાલી પણ એક સમજુ સાસુની જેમ રોજ યશવીને એના મમ્મી પપ્પાને ફોન પર વાત ખબર અંતર પૂછવાનું અચૂક યાદ કરાવતી. યશવી એના મમ્મી પપ્પાની એકની એક દીકરી હોઈ, એના માતાપિતાની એકલતાનો પણ એને અહેસાસ હતો. દીકરો વિવાન અને પતિ ચિરાગ ઓફિસ જવા નીકળે પછી સાસુ-વહુ એમની મન ગમતી સિરિયલ સાથે બેસીને જુવે, ક્યારેક બન્ને પોતાની જૂની વાતો, યાદો એક બીજા સાથે શેર કરે. સાંજની રસોઈ યશવી એ પોતાના શિરે લાઇ લીધી હતી પણ ચૈતાલી હમેશા યશવીની પડખે મદદ માટે ઉભા રહેતા. આમને આમ ત્રણ મહિના વીતી ગયા યશના લગ્ન થયે.

પણ ચૈતાલીને લાગતું કે જાણે યશ અને યશવીની વચ્ચે બધું બરાબર નથી ચાલી રહ્યું .ઘણી વાર યશના બેડરૂમ માંથી વિવાનનો ચિલ્લવાનો આવાજ સંભળાતો. પણ શરૂઆતમાં ચૈતાલીને થતું કે બે પતિ-પત્ની વચ્ચેની વાત છે. પતિ-પત્ની તો લાધે-ઝગડેને પાછા ભેગા પણ થાય એટલે ચૈતાલી કંઈ બોલતી નહિ. છ મહિના થતાથતા તો ચૈતાલી એ જોયું કે યશ ક્યરેક ઘરના બધાની હાજરી માં યશવી નું અપમાન કરી નાખતો, ક્યારેક તો ઘરે આવેલા મહેમાનની હાજરીનો પણ વિચાર ન કરતો, યશવી જમવાનું બનાવે તો એમાં પણ એ વાંધા વચકા કર્યા કરતો, જો કે એ એની આદત તો વર્ષો જુની હતી પણ આજે ચૈતાલીને એની ખુદની જ ભૂલ દેખાતી. દીકરાની આ ન સુધરેલી આદતનો શિકાર આજે એની વહુ યશવી બની રહી હતી. યશવીની સાથે ક્યારેય યશવીના મમ્મી પપ્પાના ઘરે પણ ન જતો. યશવીના મમ્મીપપ્પાને તો એમ કે અમારે કોઈ દિકરો નથી તો બધું યશવીનું જ છે ને ? એટલે જ્યારે યશવી પિયર જાય ત્યારે જમાઈ યશ માટે ભેટ સોગાદ મોકલાવે પણ યશ એને હાથ સુધ્ધાં ન અડાડે. ઉપરથી યશવીનું અપમાન કરી નાખતો કે હું નથી કમાતો કે તારે તારા માબાપના ઘરેથી લાવવું પડે છે ? યશવી દલીલ કરવા જાય તો વધુ ઊંચા અવાજે ગુસ્સે થઈ જતો.

હવે કયારેક ક્યારેક ચૈતાલી પણ વચ્ચે પડવા લાગી. બંનેના ઝઘડાનું સમજાવીને સમાધાન કરાવતી. પણ એકમાંથી વધુ કોણ જાણે પોતાના સંતાનનો સ્વભાવ ? યશના અતિશય ગુસ્સા વાળા સ્વભાવથી તો એ પરેશાન હતી જ માત્ર ગુસ્સો જ શું કામ ? ખાવામાં પણ એને નખરાં. અડધું ભાણું છોડીને પણ ઉભો થઈ જતો. ઉપરથી એનો અતળો સ્વભાવ કોઈની સાથે બોલવાનું નહીં અને કોઈની સાથે ભળવાનું નહીં. ટીવી સિવાય જાણે એનું કોઈ મિત્ર જ નહીં. હવે યશવી પણ થોડી ગુમસુમ રહેવા લાગી હતી. સ્મિત તો એના ચહેરા પરથી ગાયબ જ થઈ ગયું હતું. એવામાં યશવીના પપ્પાને હાર્ટએટેક આવ્યો. અને દવાખાને દાખલ કરવામાં આવ્યા. ચૈતાલી તરતજ યશવી સાથે દવાખાને ગયી. માઇનોર ઍટેક હતો એટલે જીવ તો બચી ગયો. અને બધાએ રાહતનો દમ લીધો. વળતા રિક્ષામાં યશવી ખૂબજ રડતી હતી. ચૈતાલી એ એને છાની રાખી, બેટા હવે તો તારા પપ્પાને સારુ થઈ ગયું છે હવે શા માટે રડે છે. તું હમણાં થોડા દિવસ તારા મમ્મી જોડે રહેજે. એમને અત્યારે તારી જરૂર છે. હું યશને કહીશ એ તને મૂકી જશે."

"ના મમ્મી,હું એકલી જ જતી રહીશ. પપ્પા ના સમાચાર મેં સવારે જ યશને આપી દીધા હતા છતાંય યશ પપ્પાને જોવા પણ ના આવ્યા, ઓફીસમાં બહુ કામ છે એમ કહી..."યશવી ફરી રડી પડી.

ચૈતાલીને મનોમન યશ પર ગુસ્સો ખૂબ આવ્યો.યશવીના માથે મમતાનો હેતાળ હાથ ફેરવી એને સત્વના આપી.

અને એક દિવસ સાંજના ડિનર બાદ સહુ ઘરના સભ્યોની હાજરીમાં યશવી એ યશને સહી કરવા માટે પેપર આપ્યા.

"આ શું છે ?"

"મારા પપ્પાની વસિયત"

"તો હું શું કરું એમાં ?"

"મારા પપ્પા એમની બધી મિલકત મારા ને તમારા નામે કરી છે. તો એમાં તમારે સહી કરવાની છે"

"વ્હોટ સ્ટુપીડ ? તારા પપ્પા મને ખરીદવા માંગે છે ?"

"એવું નથી યશ !તમે આવું કેવી રીતે વિચારી શકો છો ?".

"તો શું છે આ ? તારા પપ્પાને એમ કે હું બધી મિલ્કત દિકરીને અને જમાઈને આપી દઉં એટલેજમાઈ અમારા થી દબાયેલો રહે."

"યશ" આજે પહેલી વાર યશવી નો અવાજ ઊંચો થઈ ગયો.

અને યશ એ સામે યશવી પર હાથ ઉગામ્યો પણ એ હાથ ચૈતાલી એ અટકાવી દીધો.

"બસ...,બહુ થયું યશ. તું મારો દીકરો છે એની મને આજે શરમ આવે છે. તું ઈચ્છે છે શું ?તને તો યાદ જ હશેને વૈશાલી માસીએ તને શિકાગો એમની પાસે બોલવા કેટલો સમજાવ્યો હતો, તારા માટે એમને ત્યાં બધું જ સેટ કરી દીધું હતું. તારા વિઝાના કાગળ પણ તૈયાર થઈ ગયા હતા. ત્યારે તે એમ કહી ને ના પાડી દીધી હતી માસીને કે હું મારા મમ્મી પપ્પાનો એકનો એક દીકરો છું. એટલે એમને છોડીને ક્યાંય નહીં જાઉં. તો પછી યશવી પણ તો એના મમ્મી પપ્પાની એકની એક દીકરી છે, અને તારા પાછળ એના મમ્મી પપ્પાને એકલા મૂકીને અહીં આપણાં ઘરે આવી છે. પારકા ઘરેથી આવેલી કોઈકની દીકરી, એને શું નથી કર્યું તારા માટે, આ ઘર માટે ? એને એની આદતો, એનો લગાવ, એની પસંદ-નાપસંદ બધું જ આ ઘરને અનુરૂપ ઢાળી દીધું છે. તો શું એ ફરજ માત્ર યશવીની એકલીની જ છે ? છેલ્લા ઘણા વખતથી જોઉં છું આ લગ્નજીવન બચાવવા માટે એ મરણીયા પ્રયાસ કરે છે. પણ તારા માટે તો આ લગ્નજીવન એટલે જાણે એક પુરુષ તરીકે નું આધિપત્ય જમાવવા મળી ગયેલો હક.લગ્નજીવન એ પુરુષ અને સ્ત્રી વચ્ચેના અસ્તિત્વની લડાઈ નથી. લગ્નજીવનન એટલે એક પુરુષ અને સ્ત્રી એકબીજાને પરિપૂર્ણ કરે છે. કોઈપણ એક વિના એ બન્ને અધૂરા છે અને પરિપૂર્ણ કરવું એટલે એકબીજાના દરેક સુખ અને દુઃખને અપનાવવા એકબીજાની જવાબદારી સ્વીકારવી. લગ્ન માત્ર એક છોકરા અને છોકરીના નથી હતા એમની પાછળ બંને પાત્રના માતા-પિતા, પરિવાર, સ્વજનો જોડાયેલા હોય છે, કુટુંબો જોડાય છે અને એમ આખો સમાજ જોડાય છે છતાં તને બેટા એટલી બધી તકલીફ હોય તો હું જ યશવી વતી તને છૂટાછેડાના કાગળ આપીશ, તું સહી કરી દેજે યશવી.

"ના....ના હું આવું વિચારી જ નથી શકતી મમ્મી."

"યશવી બેટા હું એક મા છું પણ એથી પહેલાં હું એક સ્ત્રી પણ છું મારા દીકરાની મમતા આગળ ધરીને રોજ તને મરવાના વાંકે જીવવાના છોડી ન શકું. તું જઈશ તો મને દીકરી ગુમાવ્યાનો વસવસો જરૂર હશે પણ કોઈ મા પોતાની દીકરીનું જીવન તો ઉજાડી ન શકે .હજી જિંદગી આગળ ઘણી છે બેટા હું ઈશ્વરને પ્રાર્થના કરીશ કે આગળ તું જીવનમાં તમામ સુખ પ્રાપ્ત કરે. જા બેટા તારો સામાન તૈયાર કર. હું તને આ કહેવાતા લગ્નજીવનમાં જબરજસ્તી થી નહીં બાંધી રાખુ."

ચૈતાલી ભગ્ન હૃદયે યશવીનો હાથ પકડી બેડરૂમ તરફ ચાલી.

"યશવી...... ઉભી રહે હું પણ આવું છું તારી સાથે મારો પણ સામાન પેક કરજે આપણે બંને તારા મમ્મી-પપ્પા સાથે અઠવાડિયું રોકાઈશું ."

"યશ..! સાચે......?" યશવીની આંખોમાં ચમક આવી ગઈ 

"મમ્મી...."પાછળથી યશે ચૈતાલી નો હાથ પકડી એને ઉભી રાખી.

"મમ્મી ..પ્લીઝ ...મને માફ કરી દે.પ્લી ઝ...મમ્મી તે મારી આંખો ખોલી દીધી .

"દીકરા , જગ્યા ત્યાર થી સવાર. "ચૈતાલીની આંખોમાં હરખના આંસુ નો દરિયો છલકાઈ રહ્યો હતો. એક બાજુ આજે દીકરાનું બદલાયેલું સ્વરૂપ અને બીજી તરફ યશવી રૂપે દીકરી પાછી મળ્યાનો જાણે સુખદ આનંદ.

"યશવી.મને માફ કરીશ ને ?"

યશવી દોડીને યશને વળગી પડી. એવામાં ફોનની રિંગ વાગી.

" હેલો ચૈતાલી...વૈશાલી બોલું છું .આવતા અઠવાડિયે ઇન્ડિયા આવું છું"

 ચૈતાલીની ખુશીઓ જાણે આજે ત્રેવડાઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Romance