ધબકતી આંખ...
ધબકતી આંખ...
(Important Notice :- આ રચનાના સંપૂર્ણ કોપીરાઇટ્સ લેખકના હસ્તગત હોવાથી રચનાને અથવા રચનાના કોઈપણ ભાગને લેખકની પરવાનગી વિના રાઈટિંગ, ઓડિયો, વીડિયો કે કોઈપણ સ્વરૂપે કોઈપણ પ્લેટફોર્મ પર પ્રકાશિત કરવું નહીં. આવું કરનાર જે તે વ્યક્તિને અપરાધી ગણી તેની સામે કાનૂની પગલાં લેવામાં આવશે. રચનામાં મુકેલા ગીત પર લેખકનો કોઈ હક નથી, તેના કોપીરાઇટ્સ જે તે રચનાકારના છે. અહીં ફક્ત તેને મનોરંજનના હેતુથી મુકેલ છે.)
ધબકતી આંખ... સાચા પ્રેમની અનોખી દાસ્તાન
"તારી નશીલી આંખોમાં હું એવી રીતે ડૂબી ગયો,
જાણે નદીને એનો પ્રેમી સમુંદર મળી ગયો."
હા, એ નશીલી આંખ જ છે, જ્યાંથી મારા પ્રેમની શરૂઆત થઈ. આ અદ્ભુત શબ્દ પ્રેમનો સાચો અર્થ, એ નશીલી આંખે જ મને સમજાવ્યો. જાણીને તમને નવાઈ લાગી હશેને કે આવું કઈ રીતે! તો ચાલો હું તમને લઈ જાવ આ પ્રેમ કહાણીની અનોખી સફરમાં.
એ સમય, એ દિવસ બધું મને આજે પણ યાદ છે. કારણ કે ત્યારે એ નશીલી આંખની ઝલકને મેં નિહાળી હતી. એક એવી ઝલક જે મારા જીવનમાં નવો વળાંક લઈ આવી. ગણેશચતુર્થીના એ દિવસે સોસાયટીના લોકો સાથે હું પણ ખુશી-ખુશી ગણપતિ બપ્પાની સ્થાપના કરી રહ્યો હતો. હર્ષોલ્લાસ સાથે નાચતા કૂદતાં ઢોલના તાલે હું પણ બધા સાથે ઝૂમી રહ્યો હતો. થોડીવાર થઈ ત્યાં, અચાનક મારી નજર સફેદ ચમકતી આંખ તરફ ગઈ.
લાલ રંગના અત્યંત સુંદર ડ્રેસમાં એ સફેદ આંખ મોતીની જેમ ચમકતી હતી. એ નશીલી આંખમાં હું તો પૂરેપૂરો ડૂબી જ ગયો. બસ એ આંખને જોતો જ રહી ગયો. નાચતા નાચતા ક્યારે મારા પગ થંભી ગયા અને હું બસ પલક જપકાવ્યા વગર એ આંખમાં ડૂબવા લાગ્યો એનો મને ખ્યાલ જ ન રહ્યો. આજુબાજુ શું થઈ રહ્યું હતું એનું પણ મને કશું ભાન જ ન રહ્યું.
બસ એ આંખને જોતા જોતા હું તો વિચારમાં ડૂબી ગયો કે આ અપ્સરા કોણ હશે, જેની આંખ આટલી ચમકદાર છે! પરંતુ મને એનો ચહેરો જોવા નહીં મળ્યો. કારણ કે એણે પોતાનો ચહેરો દુપટ્ટાથી ઢાંકીને રાખ્યો હતો. હું એની આંખને તાકી રહ્યો હતો ત્યાં, એનું ધ્યાન પણ મારા તરફ ગયું અને મને જોતાં જોતાં જ એ ઘરમાં અંદર ચાલી ગઈ.
ન તો હું એ છોકરીને જાણતો હતો, ન તો મેં એનો ચહેરો જોયો હતો, છતાં પણ એની સુંદર નશીલી આંખને જોઈને લાગ્યું કે જાણે મારું એની સાથે કોઈ કનેક્શન છે! એ તો ઘરમાં ચાલી ગઈ પણ મારા મનમાં બસ એના જ વિચારો ભમતાં રહ્યા. કોણ હશે આ છોકરી, શું નામ હશે એનું! જેવા કેટલાય સવાલો મારા મનને ભારી કરી રહ્યા હતા, પરંતુ પછી મને જાણ થઈ કે એ છોકરી એના માતા-પિતા સાથે અમારી સોસાયટીમાં રહેવા આવી છે. સદનસીબે એ મારા ઘરની સામેના ઘરમાં જ રહેવા આવી હતી એ જાણીને હું મનોમન ખુશ થયો.
મારો આખો દિવસ તો એ જ વિચારવામાં નીકળી ગયો કે હું એની સાથે વાત કઈ રીતે કરું! પછી વિચાર્યું કે રાત્રે આરતીમાં બધા આવશે ત્યારે એ પણ આવશે જ, એટલે ત્યારે એની સાથે વાત કરીશ.
આખરે રાત થઈ ગઈ. હું તૈયાર થઈને ગણપતિના મંડપ પાસે જઈ એની રાહ જોવા લાગ્યો. ધીરે-ધીરે બધા આવી ગયા અને આરતી શરૂ પણ થઈ ગઈ. હું હજુ પણ એની રાહ જોતો રહ્યો. ઘણીવાર થઈ ગઈ છતાં એ આવી નહીં.
હવે એના વિશે વિચાર કરતાં કરતાં હું એના ઘર તરફ જોતો હતો ત્યાં, મારું ધ્યાન એની બારી તરફ ગયું. એ બારીમાં નશીલી સફેદ ચમકદાર આંખને મેં ફરી નિહાળી. અત્યારે પણ એણે પોતાનો ચહેરો ઢાંકીને રાખ્યો હતો. એને જોતા જ મારા મનમાં સવાલ ઉઠ્યો કે એ કેમ બહાર નહીં આવી!
હું એને જોતો હતો ત્યાં એનું ધ્યાન પણ મારા તરફ ગયું એટલે મેં એક નાનકડી સ્મિત કરીને હાથના ઈશારે એને બહાર આવવા જણાવ્યું, પરંતુ તેણે કોઈ જવાબ નહીં આપ્યો અને તરત જ બારી બંધ કરીને એ ઘરમાં અંદર ચાલી ગઈ.
એણે કેમ આવું વર્તન કર્યું ? આવું કરવા પાછળ શું કારણ હશે ? કેમ એ બહાર ન આવી ? કેમ તે એનો ચહેરો છુપાવીને રાખે છે ? આવા ઢગલો સવાલોનું વમળ મારા મનમાં ફરી વળ્યું. આ બધા વિચારોને વિચારોમાં આખી રાત મને નીંદર ન આવી.
થોડા દિવસ તો બસ આવું જ ચાલ્યા કર્યું. હું મારી બારીમાં બેસીને એને એની બારીમાં બેસેલી જોયા કરતો. સામે એ પણ ક્યારેક મને જોતી પરંતુ અમારા વચ્ચે ક્યારેય વાતચીત ન થતી. એની નશીલી ઊંડી આંખ ધીમેધીમે મારા મનમાં એવી રીતે વસી ગઈ કે હવે તો હું ફક્ત એની આંખ જોઈને હજારો છોકરીઓમાંથી એને ઓળખી જાવ. એની આંખ જેટલી સુંદર અને જેટલી ઊંડી હતી, એટલા જ ઊંડા સવાલો એની આંખમાં હોય એવું મને લાગતું હતું. એની ચમકતી આંખના સફેદ પડદા પાછળ અંધકારમય દુઃખને હું મહેસુસ કરી શકતો હતો.
એક દિવસ મેં નક્કી કર્યું કે આજે તો કોઈપણ બહાને એના ઘરે જઈને જ રહીશ, એટલે એક ડબ્બામાં મીઠાઈ ભરીને હું પહોંચી ગયો એના ઘરના દરવાજે. દરવાજો થોડો ખુલ્લો હતો એટલે મેં ઘરમાં નજર કરી. અંદર તે સોફા પર બેસીને પુસ્તક વાંચી રહી હતી પણ મેં આ શું જોયું! એની આંખમાં આંસુ હતાં! પુસ્તક વાંચતા વાંચતા ટપ. ટપ. આંસુ એની આંખમાંથી સરી રહ્યા હતા.
તેને આવી હાલતમાં જોઈને મારા ધબકારા વધી ગયા! આખરે એની સાથે એવું તો શું બન્યું હશે કે એની આંખ દર્દને નદીની જેમ વ્હેડાવવા લાગી! એની આંખના આંસુ જોયા બાદ મારી તો હિંમત જ ન થઈ કે હું ઘરમાં અંદર જઈ શકું! એટલે હું સીધો મારા ઘરે આવીને પલંગ બેસી ગયો. દર્દભર્યું એ દ્રશ્ય જોયા બાદ મને પણ જાણે એક અલગ જ પ્રકારની લાગણી મહેસૂસ થતી હતી. મારું મન પણ જાણે દુઃખી હોય એવું લાગતું હતું.
આજે ફરી મારા મનમાં વિચારોનો બોજ વધી ગયો. એને રડતી જોઈને મને કેમ ખરાબ લાગવા લાગ્યું ? ચોવીસ કલાક બસ એના જ વિચારો કેમ મારા મનમાં આવ્યા કરે છે ? આખરે મારી અને એની વચ્ચે એવું તો શું કનેકશન છે ? પોતાને જ આવા સવાલ પૂછતાં મારા દિલે મને કહ્યું કે, તને પ્રેમ થઈ ગયો છે! પણ કંઈ રીતે! પ્રેમ કંઈ આવી રીતે થોડી થઈ જાય! આ ફક્ત આકર્ષણ છે બીજું કંઈ જ નહીં! પોતાને સમજાવતાં મેં આટલું કહ્યું ત્યાં મારું મન પણ બોલી ઉઠ્યું કે, આકર્ષણ તો ત્યારે કહેવાય કે તે એનો સુંદર ચહેરો જોયો હોય ત્યારબાદ એ તને ગમે! તે તો એને જોઈ જ નથી ફક્ત એની આંખ જોઈ છે. જે આંખ એની જીભ નથી બોલી શકતી એ બધું જ કહે છે કે પછી. તું જ એના કહ્યા વગર એના દિલમાં રહેલા દર્દને સમજી જાય છે. આ પ્રેમ નહીં તો શું છે!
હવે તો હું બરાબર મૂંઝાયો, આખરે કરું તો કરું શું ? અચાનક એની સામે જઈને વાત પણ ન કરાય! ચલો હિંમત કરીને એની સામે પણ જાવ, છતાં એની આંખ જોતા જ હું બધું ભૂલીને બસ એમાં જ ખોવાઈ જાવ છું!
આમને-આમ દિવસો ફરી વીતી ગયા. મેં તો હવે માની લીધું હતું કે મારા દિલમાં એ વસી ગઈ છે. મારું દિલ એના માટે ધબકે છે પણ મારી હિંમત થઈ જ નહીં કે એની સાથે વાત પણ કરી શકું.
એક દિવસ બન્યું એવું કે હું ઘરની બહાર આવ્યો અને જોયું તો સોસાયટીના બગીચામાં તે બેઠેલી હતી. એને જોઈને મેં નક્કી કર્યું કે આજે તો એની સાથે વાત કરીને જ રહીશ. હું પણ પહોંચી ગયો બગીચામાં અને એની બાજુના બાકડા પર બેસી ગયો. હું તો હિંમત કરી એની સાથે વાત કરવા આવ્યો હતો પણ એની પાસે જતાં જ મારી બોલતી બંધ થઈ ગઈ. હું તો ચુપચાપ ત્યાં બેસી રહ્યો અને એ પણ ચુપચાપ બેસી રહી. એની નજીક જતા જ મારી હિંમત પર પાણી ફરી વળ્યું. મારે બોલવું હતું, એની સાથે વાત કરવી હતી પણ હોઠ ખૂલ્યા જ નહીં! છેવટે હાર માનીને હું ઘરે જવા ઉભો થયો ત્યાં, પાછળથી મધુર સ્વર મારા કાન સાથે ટકરાયો, "કેટલો ડરપોક છે તું! છોકરીઓ સાથે વાત કરવામાં આટલું ગભરાઈ છે..!"
આજે પહેલીવાર મેં એ નશીલી આંખનો મધુર સ્વર સાંભળ્યો. એનો અવાજ મારા કાનમાં એટલો સ્પર્શી ગયો કે હું એની સામે જોવાનું જ ભૂલી ગયો અને મનમાં એનો સ્વર ફરી મહેસુસ કરવા લાગ્યો ત્યાં, એણે ફરીથી કહ્યું, "તારી સાથે જ વાત કરું છું મિસ્ટર ડરપોક."
હવે મેં ધીમેધીમે પાછળ ફરીને એની સામે જોયું. એની કાતિલ આંખ પણ મને જ તાકી રહી હતી. એક તરફ ખુશી પણ થતી હતી તો બીજી તરફ દિલ જોરજોરથી ધડકવા પણ લાગ્યું હતું. એની સામે જોતા જોતા જ બાકડા પર બેસીને મેં નાનકડી સ્મિત કરી.
"મારું નામ સૂચિ છે." એણે મધુર સ્વરમાં કહ્યું.
"સૂચિ કેટલું સરસ નામ છે..!" મેં મનમાં કહ્યું પણ, આ વખતે ફરી હું એને જવાબ આપવાનું ભૂલી ગયો એટલે તેણે થોડું ચિડાઈને કહ્યું, "મેં મારું નામ કહ્યું તો તને એવું નથી લાગતું કે તારે તારું નામ કહેવુ જોઈએ.. ?"
"હા. હા. કહું, મારુ નામ હર્ષ." ઉતાવળમાં હું ફટાફટ કહેતો હતો એટલે તેણે મને શાંત કરતા કહ્યું, "આરામથી બોલ. આટલી ઝડપથી બોલવાની કાઈ જરૂર નથી. હું અહીંયા જ છું ક્યાંય ભાગી નથી જવાની."
સૂચિના મધુર સ્વર સાથે એની વાત કરવાની રીતે મારું મન મોહી લીધું. ધીમેધીમે અમારા વચ્ચે સામાન્ય વાતચીત થઈ, અને પછી વાતવાતમાં મેં એને પૂછ્યું કે, "તું ફેસ્ટિવલમાં ઘરની બહાર કેમ નથી આવતી કે કોઈ સાથે વધારે વાત પણ નથી કરતી. આવું કેમ ?"
"જ્યારે જીવનમાં રંગ જ ન હોય તો તહેવારની શું મજા આવે!" ધીમા અવાજે તેણે કહ્યું.
સૂચિના અવાજમાં એક દર્દ છુપાયેલું હતું જે હું એની આંખમાં મહેસુસ કરી શકતો હતો, પરંતુ મને સમજાયું નહીં કે હવે એના આવા જવાબ પર શું પ્રતિક્રિયા આપવી એટલે મેં એને પૂછ્યું, "તું હંમેશા તારો ચહેરો દુપટ્ટાથી ઢાંકીને કેમ રાખે છે ?"
મારો આ સવાલ સાંભળતા જ સૂચિ એક ઝાટકે ઉભી થઈ એટલે હું પણ તરત ઉભો થઇ ગયો. એને આમ અચાનક ઉભી થતા જોઈને મારા દિલમાં તો ફાળ પડી કે મેં ભૂલમાં કંઈ ખોટું તો નથી પૂછી લીધું ને! હું તો મનોનમ ઘણું વિચારી ગયો ત્યાં એણે કહ્યું, "બસ. આજ માટે આટલું બહુ છે. હવે હું ઘરે જાવ છું."
એનો સામાન્ય જવાબ જાણીને દિલમાં હાશકારો થયો, પરંતુ સાથે મને એ પણ ખબર પડી ગઈ કે એના જીવનમાં એવું કંઈક બન્યું છે જેણે એના દિલમાં મોટો ઘાવ કર્યો છે. એવું કંઈક જેને ભૂલવું સૂચિ માટે સામાન્ય વાત નથી!
સૂચિ સાથે પહેલીવાર વાત કરી એ રાત્રે તો મને નીંદ આવી જ નહીં. 'કભી ખુશી કહી ગમ' જેવો માહોલ મારા દિલમાં હતો. એક તરફ સૂચિ સાથે પહેલીવાર વાત કરવાના લીધે હર્ષની લાગણી હતી તો બીજી તરફ મનમાં બેચેની પણ હતી કે એની સાથે એવું તો શું બન્યું હશે!
થોડા દિવસો અમે ક્યારેક બગીચામાં તો ક્યારેક બારીમાંથી એક બીજા સાથે વાત કરતા, પણ સૂચિ ક્યારેય એના વિશે વધારે જણાવતી નહીં. મારા કોઈ સવાલનો જવાબ સરખો ન આપતી. એના દર્દને જાણે દુપટ્ટાની પાછળ છુપાવવાની કોશિશ કર્યા કરતી પણ હું તો પ્રેમી પાગલ એને પ્રેમ કરતો એટલે એના કહ્યા વગર જ સમજી જતો, પણ હવે તો આ રોજનું થઈ ગયું. આવું કેટલા દિવસ ચલાવવું! એટલે મેં નક્કી કર્યું કે કોઈ એક ખાસ દિવસ નક્કી કરીને સૂચિને મારા દિલની વાત જણાવી દઈશ.
દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો હતો એટલે મેં નક્કી કરી લીધું કે દિવાળીની રાતે હું મારા દિલમાં રહેલો સૂચિ માટેનો પ્રેમ એને જણાવી દઈશ.
આખરે દિવાળીની ખુશીઓથી ભરેલી રાત આવી જ ગઈ. ઝગમગતા દીવાઓ, રંગબેરંગી રોશની, સુંદર રંગોળી અને અદ્ભુત વાતાવરણ. આજે મેં નક્કી કરી જ લીધું કે ગમે તે થઈ જાય પણ હું મારા દિલની વાત સૂચિને કહીને જ રહીશ.
એકદમ મસ્ત રીતે તૈયાર થઈને હું ઘરની બહાર ઉભા-ઉભા સૂચિની રાહ જોવા લાગ્યો. થોડીવાર થઈ ત્યાં, ગુલાબી ડ્રેસમાં સૂચિ એના ઘરની બહાર નીકળી. એને જોઈને લાગતું હતું જાણે ગુલાબની પંખુડી મારા તરફ આવતી હોય.
ચમકદાર ગુલાબી ડ્રેસ, ચહેરા પર ભૂરો દુપટ્ટો અને તેની સફેદ નશીલી આંખ. જેમ-જેમ સૂચિ મારી નજીક આવી રહી હતી તેમ-તેમ દિલના ધબકારાની ઝડપ વધી રહી હતી. સાથે હું મનમાં વિચારતો હતો કે એને કઈ રીતે દિલની વાત કરું! એ મારી વાત સમજશે કે નહીં..! એનો જવાબ શું હશે! ચહેરા પર પ્રેમભરી મુસ્કાન સાથે હું સૂચિને જોતા વિચારોમાં ડૂબેલો હતો ત્યાં તેણે મારી પાસે આવીને કહ્યું, "તારે ફટાકડા નથી ફોડવા ?"
"ના મને ફટાકડા ફોડવા કરતા જોવામાં રસ છે." શાંત અવાજે આટલું કહીને મેં આગળ વાત વધારતા એને પૂછ્યું, "તું પણ ફટાકડા નહીં ફોડવાની.. ? અને તે તો રંગોળી પણ નહીં કરી..!"
રંગોળી શબ્દ સાંભળતા જ એણે અતીતને યાદ કરતાં કહ્યું, "રંગોળીના રંગમાં શું મજા આવે. જ્યારે લાઈફ જ બ્લેક એન્ડ વાઈટ હોય!"
"લાઈફ બ્લેક એન્ડ વાઈટ હોય તો શું થયું એમાં રંગ તો આપણે જાતે પણ પુરી જ શકીએ ને!" એની આંખમાં જોઈને નાનકડી સ્મિત સાથે મેં કહ્યું.
આવી રીતે વાતો કરતા ચાલતા ચાલતા અમે સોસાયટીની પાછળના ભાગે આવી પહોંચ્યા. ત્યાં અમારી બે સિવાય કોઈ હતું નહીં. અમારી વાતચીત ચાલુ જ હતી ત્યાં મેં વાત વાતમાં અચાનક કહ્યું, "સૂચિ, મારે તને એક ઈમ્પોર્ટન્ટ વાત જણાવી છે."
"હા બોલને." એણે મારી આંખમાં જોતાં કહ્યું એટલે હિંમત કરીને મેં કહ્યું, "સૂચિ, મને ખબર નથી કે તું કઈ રીતે રીએક્ટ કરીશ પણ બસ હવે હું આ વાત નહીં છુપાવી શકું..! એક્ચ્યુઅલી... વાત એમ છે કે. હું તને. દિલથી પ્રેમ કરવા લાગ્યો છું..!" હજુ મેં આટલું કહ્યું ત્યાં તો સૂચિના વર્તનમાં બદલાવ આવી ગયો.
સફેદ નશીલી આંખ પાછળ રહેલું દર્દ ધીરે રહીને બહાર આવતું હોય એવું મને લાગ્યું. સાથે તેણે થોડા ગુસ્સામાં આંખ મોટી કરતા કહ્યું, "હર્ષ, આ લવને બધું બહુ જ બકવાસ છે. મને આ ચક્કરમાં હવે નથી પડવું. દિલથી પ્રેમ કરું છું ને આ બધું નકામું છે. બે ત્રણ દિવસ તને લાગશે કે તું લવ કરે છે પણ પછી કંઈ જ નહીં હોય..!"
"ના, એવું નથી હું તને દિલથી પ્રેમ કરું છું અને લાઈફ ટાઈમ કરતો રહીશ." હું પણ ભારે અંદાજે બોલી ઉઠ્યો.
પ્રેમ શબ્દ સાંભળતા જ સૂચિની અંદર રહેલું દર્દ ગુસ્સાના રૂપમાં બહાર આવી રહ્યું હતું. તેની આંખમાં રહેલો લાલ ગુસ્સો હું સાફ સાફ જોઈ શકતો હતો, છતાં પણ મેં નક્કી કરી લીધું કે આજે એના મોઢેથી બોલાવીને જ રહીશ કે એણે પોતાની અંદર શું છૂપાવીને રાખ્યું છે. એટલે મેં થોડી હિંમત કરીને ન બોલવા જેવા શબ્દો કહી જ દીધા, "તને સાચા પ્રેમની કદર છે જ નહીં, મેં તો વિચાર્યું હતું કે દિવાળીનો આટલો મસ્ત દિવસ છે એટલે તને કહીશ."
"દિવાળીનું નામ પણ નહીં લેતો! મને દિવાળી અને પ્રેમ આ બે શબ્દથી સખત નફરત છે! દિવાળી બધાના જીવનમાં ખુશી ભરે અને પ્રેમ જીવનમાં અમૃતનું કામ કરે, એ બધું બકવાસ છે એવું કંઈ નથી એટલે તું મને પ્રેમ કરે છે એ પણ ખાલી તારો ભ્રમ છે. બે વર્ષ પહેલા દિવાળીની રાત્રે મારી સાથે." અતિતનો જ્વાળામુખી ફાટી ચુક્યો હતો પણ આટલું કહેતા જ સૂચિની આંખમાં પાણી આવી ગયું.
સૂચિની આંખને જોતા જ બધું સમજી જનાર હું જ કંઈ રીતે એની આંખમાંથી આંસુ વહેવા દઉં! એટલે એના આંસુ લુછવા મેં હાથ આગળ વધાર્યો પણ એણે મારો હાથ કડક રીતે પકડીને મને રોકી લીધો. પછી મારી આંખમાં જોતા જોતા એણે જાતે જ આંસુ લૂછી નાખ્યા.
આંસુને જે રીતે એણે આંખમાંથી સાફ કરી નાખ્યા એમ જાણે એની વાતે મને એના જીવનમાંથી સાફ કરી દીધો હોય એવું મને લાગ્યું! છતાં મારો પ્રેમ કાચો ન હતો, હું એને સાચા પ્રેમનો અર્થ જણાવવા માંગતો હતો. હું એને કેટલો પ્રેમ કરું છું એ કહેવા માંગતો હતો, પણ મારી પ્રેમની વાત એને સાંભળવી ન હતી એટલે મેં એની આંખમાં જોતા જોતા જ ગીત ગાવાનું શરૂ કર્યું.
"તું આતી હે સીને મેં, જબ જબ સાંસે ભરતા હું,
તેરે દિલકી ગલિયો સે, મેં હર રોજ ગુજરતા હું,
હવા કે જેસે ચલતી તું, મેં રેત જેસે ઉડતા હું,
કોન તુજે યુ પ્યાર કરેગા, જેસે મેં કરતા હું."
હું પ્રેમભરી નજરે એને જોતા પ્રેમભાવથી ગીત ગાતો હતો, પણ સૂચિ મારી આંખમાં જોતા જોતા જ કદમ પાછળ વધારવા લાગી. છતાં પણ હું એને જોઈને ગાતો જ રહ્યો.
"મેરી હસી તુજસે, મેરી ખુશી તુજસે, તુજે ખબર ક્યાં બેખબર,
જીસ દિન તુજકો ના દેખું, પાગલ પાગલ ફિરતા હું,
કોન તુજે યુ પ્યાર કરેગા, જેસે મેં કરતા હું."
આખરે મેં ગીત ગાવાનું બંધ કર્યું અને ત્યારે જ સૂચિની આંખમાંથી એક આંસુ સરી પડ્યું. છતાં મારાથી નજર ફેરવીને સૂચિ પાછળ ફરીને ઝડપથી ચાલવા લાગી. એના હરેક ડગલાં સાથે એની આંખમાંથી આંસુની બુંદો પડી રહી હતી, સાથે સાથે વાતાવરણમાં પણ અચાનક બદલાવ આવવા લાગ્યો. અચાનક પવનની ગતિ વધવા લાગી. દિવાળીની રાતે આકાશમાં વાદળો વીજળીના ચમકારા સાથે પોતાનું સામ્રાજ્ય જમાવવા લાગ્યા.
સૂચિને તો બસ હું જતા જોઈ જ રહ્યો પણ હવે હું કશું બોલી ન શક્યો. ત્યાં અચાનક જોરદાર પવન ફૂંકાયો અને એના ચહેરા પર રહેલો દુપટ્ટો નીકળીને હવામાં ઉડતા ઉડતા સીધો મારા ચહેરા પર લાગી ગયો. હાથ વડે મેં ધીરેથી મારા ચહેરા પરથી દુપટ્ટો હટાવ્યો તો સામે સૂચિ ઉભી હતી!
આજે પહેલીવાર મેં એને દુપટ્ટા વગર જોઈ. આજે પહેલીવાર મેં એનો ચહેરો જોયો અને એનો ચહેરો જોતા જ મારા દિલમાં જોરદાર ધ્રાસકો પડ્યો! મારો ચહેરો તો રૂ જેવો સફેદ પડી ગયો અને મારા રુવાડા ઉભા થઇ ગયા!
મારા બદલાયેલા હાવભાવ જોઈને સૂચિએ કહ્યું, "બસ આ જ છે તારા હરેક સવાલનો જવાબ. આ જ છે મારો ચહેરો છુપાવવાનું કારણ. આ જ છે મને મારાથી જ નફરત થવાનું કારણ. અને આ જ છે મારા જીવનમાંથી રંગ ઉડી જવાનું કારણ..! હવે બોલ, હજુ તું કહીશ કે તું મને પ્રેમ કરે છે.. ?"
સૂચિના સવાલો મારા દિલમાં અણીદાર તીરની જેમ સીધા ખૂંચી ગયા. એના સવાલ સામે હું કોઈ જવાબ આપી જ ન શક્યો. કારણ કે સૂચિનો ચહેરો જોઈને એક જ ક્ષણમાં મારા મનમાં એટલા બધા પ્રશ્નો ઉભા થઇ ગયા કે મને કંઈ સમજાયું જ નહીં!
સૂચિનો ચહેરો સંપૂર્ણ બળી ગયેલો હતો. નાના મોટા કેટલાય ફોડલા અને સળગી ગયા પછી ચામડી જેવી કાળી પડી જાય એવો કાળી ચામડી એના ચહેરા પર હતી. ફક્ત આંખની આજુબાજુના ભાગ પર કશું ન હતું.
સૂચિને આ હાલતમાં જોઈને હું તો સ્તબ્ધ જ રહી ગયો! જાણે એક ધબકારો જ ચુકી જવાયો અને મારા મોઢામાંથી એક શબ્દ પણ નીકળી ન શક્યો!
"બસ હવે તને શાંતિ મળી ગઈને. હવે તું ક્યારેય બોલીશ નહીં કે તું મને પ્રેમ કરે છે. બધું પૂરું થઈ ગયુ બરાબર..!" આટલું કહેતા જ સૂચિની આંખમાંથી આંસુનો સમુંદર વહેવા લાગ્યો.
બે ક્ષણમાં તો ધ્રુસકે ધ્રુસકે રડતાં તે દોડતા દોડતા ત્યાંથી ચાલી ગઈ. હું એને જતા જોતો જ રહી ગયો અને મારી આંખમાં પણ આંસુ આવી ગયા.
જાણે વાતાવરણ પણ દુઃખ વ્યક્ત કરવા લાગ્યું હોય એમ એણે એનું રૂપ બદલ્યું અને ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. વરસાદના પાણીની બુંદની ધાર એટલી તેજ હતી કે જાણે કોઈ ચહેરા પર ઝાપટ મારતું હોય એવું લાગતું હતું પણ દિલનો ઘાવ એટલે મોટો હતો કે એની સામે બુંદની ધારનું દર્દ પણ ઓછું લાગતું હતું.
વરસાદના પાણી સાથે મારી આંખમાંથી પણ આંસુની ધરા વહેવા લાગી હતી. હું તો ત્યાં ઉભા-ઉભા જ વિચારમાં પડી ગયો કે સૂચિ સાથે કેમ આવું થયું! એના ચહેરા સાથે શુ થયું હશે! કેમ એ મારા પ્રેમને સમજતી નથી! કેમ એને દિવાળીથી આટલી નફરત છે!!!
મનમાં બસ સવાલ, સવાલ અને સવાલ જ હતા. જેના કોઈ જવાબ મારી પાસે ન હતા એટલે હું તો સુન જ પડી ગયો. હાથમાં એનો દુપટ્ટો હતો અને મનમાં સવાલોનો બોજ હતો! આ બોજ લઈને ધીમેધીમે ચાલતા હું ઘરે પહોંચ્યો.
કપડાં બદલીને પથારીમાં બેસીને સૂચિના દુપટ્ટાને હાથમાં લઈને હું એના વિચારોમાં ખોવાયેલો હતો ત્યાં કોઈએ દરવાજા પર દસ્તક દીધી. મને લાગ્યું કે સૂચિ હશે એટલે આંખના આંસુ પણ લૂછવાના ભૂલીને હું તો ઉતાવળમાં દરવાજો ખોલવા દોડ્યો. જોયું તો સૂચિ નહીં પણ મારી દોસ્ત પિયા ઉભી હતી.
ઘણા મહિના પછી પિયાને આમ અચાનક જોતા હોઠ પર સ્મિત તો આવ્યું પણ સૂચિના દર્દની છબી હજુ આંખમાં આંસુ બનીને રહેલી હતી.
મને આ હાલતમાં જોઈને પિયાએ તરત મારો હાથ પકડતા કહ્યું, "અરે. હર્ષ..! શું થયું..! આટલા મહિના પછી હું દિવાળીમાં તને મળવા માટે સ્પેશિયલ અહીંયા આવી અને તારી આંખમાં આંસુ..!"
"ના. ના. પિયા એવું નથી. તું આવને અંદર." કહેતા કહેતા મોઢું ફેરવી આંખના આંસુ લૂછતાં મેં પિયાને અંદર આવવા કહ્યું.
"જો હર્ષ. ભલે હું આ શહેરમાંથી બીજે શિફ્ટ થઈ ગઈ છું પણ એનો મતલબ એ નથી કે આપણી દોસ્તી હવે કાચી થઈ ગઈ..! હું તને બહુ સારી રીતે ઓળખું છું. સાચું સાચું બોલ શું થયું છે ?" મારી પાછળ ઘરમાં આવીને પથારીમાં બેસતા પિયાએ કહ્યું.
પિયા સાથે બાળપણથી દોસ્તી જ એવી બની ગઈ હતી કે અમને બંનેને એકબીજા વિશે બધું જ ખબર રહેતી, પરંતુ પિયા બીજા શહેરમાં શિફ્ટ થઈ ગઈ એટલે એને ઘણા સમય પછી મળ્યો છતાં પણ એ મને જોતા જ સમજી ગઈ કે મારા મનમાં કંઈક હલચલ થઈ રહી હતી. મને પણ મન હલકું કરવા પિયાને બધું જણાવી દેવું જ યોગ્ય લાગ્યું, એટલે સૂચિને પહેલીવાર જોઈ ત્યારથી આજે દિવાળી સુધી જે થયું એ બધું જ મેં પિયાને કહી દીધું.
મારી આખી વાત સાંભળીને પિયાના ચહેરા પર વિચિત્ર ભાવ પ્રસરી ગયો. એ તો સ્તબ્ધ થઈને મને જોતી જ રહી ગઈ! પછી ધીમેથી એણે કહ્યું, "એ સૂચિ તારી સામે જ રહેવા અહીંયા આવી છે..!"
પિયાના કહેવાનો અર્થ હું સમજી ન શક્યો એટલે મેં કહ્યું, "એ સૂચિ..! મતલબ!!!"
"મતલબ કે હર્ષ. આમ. કંઈ રીતે કહું સમજાતુ નથી..!" આટલું કહી થોડી હિંમત કરીને પિયાએ આંખ બંધ કરી ઊંડો શ્વાસ લઈને પછી કહ્યું, "જો. યાદ છે આજથી બે વર્ષ પહેલાં દિવાળીના દિવસે કંઈક બન્યું હતું!"
"હા, આપણે મેઈન રોડ પર ફટાકડા ફોડવા ગયા હતા અને ત્યાં મારાથી ભૂલમાં એક છોકરીને ધક્કો લાગી ગયો હતો! જેથી એ નીચે પડી અને ત્યારે જ એના ચહેરા આગળ જોરમાં ફટાકડા ફૂટ્યા હતા."
"હા, હર્ષ. એ છોકરી કોઈ બીજી નહીં પણ સૂચિ જ હતી..!"
આ સાંભળતા જ મારા દિલમાં જોરમાં ફાળ પડી! હું તો એકદમ હબકી જ ગયો, "વ્હોટ..! એ. સૂ. સૂચિ. હતી..!" આટલું કહેતા જ મારા કાનમાં ફટાકડા ફૂટવાનો, લોકોની ચિચિયારીઓનો અવાજ બધું જ ગુંજવા લાગ્યું અને હું બે વર્ષ પહેલાની દિવાળીની રાતને ફરી મહેસુસ કરવા લાગ્યો.
મુખ્ય રસ્તાના કિનારે ઉભા ઉભા હર્ષોલ્લાસ સાથે હું, પિયા અને બીજા દોસ્તો ફટાકડા ફોડી રહ્યા હતા. ચારેબાજુ ખુશીનો માહોલ હતો. દૂરદૂર સુધી લોકો અને રંગબેરંગી ફટાકડાથી વાતાવરણ ખુશનુમા હતું.
થોડીવાર થઈ ત્યાં ફટાકડા ફોડતા ફોડતા અમારી બાજુમાં રહેલા ગ્રુપની એક છોકરીનો અવાજ મારા કાન પર પડ્યો, "કેમ આટલો લેઈટ થઈ ગયો. તને ખબર છે ને મારા માટે તું કેટલો ઈમ્પોર્ટન્ટ છે..!"
આ સાંભળતા મેં જરીક મોઢું ફેરવીને એ તરફ જોયું તો સફેદ નશીલી આંખ અને એ આંખ પર ચશ્માં, સુંદર ગુલાબી હોઠ, મુલાયમ ગાલ અને પીળા રંગના ડ્રેસમાં એ છોકરી અપ્સરા જેવી લાગતી હતી. હું એને જોતો હતો ત્યાં, એક છોકરાએ એની પાસે જઈને એના ગાલ પર કિસ કરતા કહ્યું, "સો સોરી જાન. ફટાકડાના લીધે ટ્રાફિક બહુ હતો એટલે મોડું થઈ ગયું..!"
"મોહિત, તને અત્યારે મોડું થયું એ ચાલી જશે પણ આપણા લગ્નમાં મોડું નહીં કરીશ ને!" તેણે મોહિતને જોરમાં આલિંગન આપતા કહ્યું.
હું આ જોતો હતો ત્યાં પિયાએ મારો હાથ ખેંચીને શું એમ પૂછ્યું એટલે કાઈ નહીં એમ કહેતા હું ફરી બધા સાથે ફટાકડા ફોડવામાં વ્યસ્ત થઈ ગયો.
ધીરેધીરે સમય વીત્યો અને હસી મજાક સાથે આમતેમ ભાગદોડ કરતાં અમે હજુ પણ ફટાકડા ફોડતા હતા ત્યાં, અચાનક પાછળની તરફ ડગલાં વધારતાં હું જોરમાં કોઈ સાથે અથડાયો. હજુ પાછળ ફરીને હું સોરી બોલવા જાવ એ પહેલાં તો મેં જોયું કે પીળા રંગના ડ્રેસમાં રહેલી એ જ છોકરી સાથે હું અથડાયો હતો.
મારી જેવી એની સાથે ટક્કર થઈ કે એનું સંતુલન બગડ્યું અને બે-ત્રણ ડગલાં એના ગ્રુપ તરફ વધારતા ચહેરાના ભાગે તે સીધી નીચે પડી. એ જ ક્ષણે ત્યાં આગળ ફટાકડાના ફૂટવા સાથે જોરદાર ધમાકો થયો અને એ છોકરીની જોરદાર ચીખ ચારે બાજુ ગુંજી ઉઠી!
આ જોઈને મારા દિલમાં ધ્રાસકો પડ્યો! મારા તો હાથ પગ ધ્રુજવા લાગ્યા. મારી આ હાલતને પિયા બરાબર સમજી ગઈ એટલે એણે તરત મારી પાસે આવીને મને પકડીને સંભાળ્યો. થોડીવારમાં તો ત્યાં આગળ લોકોની ભીડ જમા થઈ ગઈ અને એ છોકરીના ગ્રુપના લોકો તરત એને હોસ્પિટલ લઈ ગયા.
આ બધું થયું એટલે હું તો એકદમ જ ગભરાઈ ગયો. મારે એ છોકરીને મળવા હોસ્પિટલ જવું હતું પણ મારું ધ્રુજતું શરીર જોઈને પિયાએ મને સીધું ઘરે જવા કહ્યું અને એ પોતે હોસ્પિટલ જઈ આવશે એમ જણાવ્યું.
અતિતનો એ કાળો રાઝ યાદ કરતાં જ હું સૂચિના દર્દને એટલું નજીકથી મહેસુસ કરવા લાગ્યો હતો કે મારી આંખમાંથી પણ આંસુની ધરા ઓછી થતી ન હતી.
"પણ... પિયા, તે તો મને એમ કીધું હતું કે એ છોકરીને બધું સરખું થઈ ગયું હતું..!"
"હર્ષ, એ સમયે તારી હાલત જોઈને હું તને જૂઠું બોલી હતી. એક્ચ્યુઅલી, હું સૂચિને મળવા હોસ્પિટલ ગઈ હતી. ત્યાથી જ ધીરેધીરે અમારી દોસ્તી પણ આગળ વધી હતી."
"જે ઘટનામાં સૂચિની કોઈ ભૂલ ન હતી એની સજા આજે પણ એ ભોગવી રહી છે અને ફક્ત મારા કારણે..! એની લાઈફ મારા લીધે બરબાદ થઈ ગઈ પિયા..!" આટલું કહેતા જ મારી આંખમાંથી દડ.દડ. આંસુ વહેવા લાગ્યા, એટલે પિયાએ મને સમજાવતા કહ્યું, "જો હું તને એટલે જ સત્ય જણાવવા માંગતી ન હતી. સાચું જાણીને તારી શું હાલત થતે એ હું જાણતી હતી. આખી જિંદગી તું પોતાને જ દોષી સમજતે અને આના લીધે તારી લાઈફ બરબાદ થઈ જતે. જે થયું એ એક અકસ્માત હતું, એમાં તારી ભૂલ ન હતી. છતાં પણ તું પોતાને જ સજા આપ્યા કરે એ તારી દોસ્ત હોવાને નાતે હું ન જોઈ શકું, એટલે મેં તને ખોટું કહ્યું અને સૂચિ મારી દોસ્ત છે એ પણ છુપાવ્યું..! જો હર્ષ જે થયું એ ભૂલીને હવે તારે આગળ વધવું જ પડશે. એ જાણીને હું ખુશ છું કે તું સૂચિને પ્રેમ કરે છે પણ હવે તારે એની સાથે વાત કરીને એને બધું જ જણાવવાની હિંમત બતાવી પડશે. અને મને ખબર છે કે જો તું સૂચિને સાચો પ્રેમ કરે છે તો તું આ કરી જ બતાવીશ..!"
પિયાની વાત સાચી હતી. મારે સૂચિ સાથે વાત કરવી હતી પણ મન એટલું બેચેની અનુભવી રહ્યું હતું કે શું કરું કંઈ સમજાતું ન હતું. છેવટે હું બારી પાસે જઈને સૂચિની રાહ જોવા લાગ્યો કે ક્યારે એ બહાર આવે અને હું એની સાથે વાત કરી શકું.
થોડો સમય વીત્યો ત્યાં, સૂચિ ઘરની બહાર આવી. એની આંખમાં પણ હજુ આંસુ હતા. આ જોઈને હું ફટાફટ ઘરની બહાર નીકળ્યો ત્યાં સૂચિનું ધ્યાન મારા તરફ ગયું અને અમે બંને એકબીજાની સામે જોઈ રહ્યા, પછી મેં ધીમા અવાજે કહ્યું, "સૂચિ. પ્લીઝ..! એક વાર. ખાલી એક વાર, મારી સાથે વાત કરી લે. હું તને દિલથી પ્રેમ કરું છું."
"તું ફક્ત મને સારું લાગે એટલે એમ કહે છે કે તું મને પ્રેમ કરે છે. થોડા દિવસમાં તું બધું ભૂલી જઈશ, કારણ કે હવે તને મારો ચહેરો કેવો છે એ ખબર પડી ગઈ છે. જેમ પેલા મો." સૂચિ હજુ બોલતી હતી ત્યાં એની વાત કાપતાં મેં વચ્ચે કહ્યું, "જેમ પેલા મોહિતે કર્યું એમને!"
મારા મોઢેથી મોહિતનું નામ સાંભળતા જ સૂચિના હોંશ ઉડી ગયા. તેની આંખ ખુલ્લી જ રહી ગઈ, પછી ધીરે રહીને એણે કહ્યું, "મોહિત વિશે તને કઈ રીતે ખબર ?"
"બધું જ જણાવીશ. પણ પ્લીઝ..! તું એક વાર મારી સાથે સરખી રીતે વાત કર સૂચિ..!"
હવે સૂચિ મારી સાથે વાત કરવા તૈયાર હતી એટલે અમે બંને જણા ચાલતા ચાલતા વાતો કરવા લાગ્યા. મેં એને બધું જણાવ્યું કે મને કંઈ રીતે ખબર પડી અને અંતે વાત પૂરી કરતા મેં કહ્યું, "આઈ એમ સો સોરી સૂચિ. તું મને જે પણ સજા આપીશ એ હું સ્વીકારી લઈશ. મારા લીધે." હજુ હું માફી માંગતો હતો ત્યાં તેણે કહ્યું, "બસ એ રાત્રે મેં ચશ્માં પહેર્યા હતા એટલે મારી આંખ બચી ગઈ. બાકી આજે હું જોઈ પણ ન શકતે..! આ બધું થયું એના પછી મોહિતે ધીમે-ધીમે મારી સાથે વાત કરવાની ઓછી કરી દીધી. એણે મને કહ્યું કે, એ તો આટલો સરસ દેખાય છે તો કઈ રીતે મારી જેવી કદરૂપી છોકરી સાથે લાઈફ વિતાવી શકે, બસ ત્યારથી મને આ ખોટા પ્રેમ અને આ દિવાળીથી બિલકુલ નફરત થઈ ગઈ." આટલું કહેતા જ સૂચિ જોરમાં રડવા લાગી.
એની આંખના આંસુ લૂછતાં મેં કહ્યું, "તું કદરૂપી બિલકુલ નથી. સત્ય તો એ છે કે મોહિતે ક્યારેય તને પ્રેમ કર્યો જ ન હતો, એ ફક્ત તારી સુંદરતાને પ્રેમ કરતો હતો. તું કદાચ એને સાચો પ્રેમ કરવા લાગી હતી પણ એણે ક્યારેય તને પ્રેમ કર્યો જ નથી." આટલું કહ્યા બાદ મેં એના ચહેરા પર રહેલો દુપટ્ટો હટાવીને કહ્યું, "તારે તારો ચહેરો છુપાવાની કોઈ જરૂર નથી. તું જેવી છે એવી જ મને ગમે છે અને દુનિયામાં જે લોકો સાચા છે એ તને અપનાવશે."
મારી વાત સાંભળીને એ કશું બોલી જ ન શકી બસ મારી આંખમાં જોઈ રહી, એટલે મેં કહ્યું, "સૂચિ હું તને ફરી કહું છું કે હું તને દિલથી પ્રેમ કરું છું. હું તારી ધૂનમાં રંગાય ગયો છું. મોહિતે તારી સાથે છલ કર્યું હતું અને એટલે જ તને પ્રેમ પરથી ભરોસો ઉઠી ગયો. પણ." હજુ મેં આટલું કહ્યું, ત્યાં સૂચિ મને જોરમાં ભેટીને રડવા લાગી.
થોડીવાર રડીને દર્દ ઓછું કર્યા બાદ સૂચિએ આંસુ લૂછીને કહ્યું, "જ્યારે દિવાળીમાં મારો ચહેરો ખરાબ થયો અને મેં મોહિતને ખોઈ દીધો ત્યારે મેં તો એમ માની લીધું હતું કે મારી લાઈફ તો પુરી જ થઈ ગઈ. મેં તો સુસાઇડ કરવાનું પણ વિચારી લીધું હતું કારણ કે મને હતું કે મારા આવા ચહેરા સાથે કોણ મારી સાથે વાત કરશે! પણ હું ખોટી હતી. સાચા પ્રેમને હું ઓળખી ન શકી, કહેવાય છે ને જે થાય એ સારા માટે થાય. મારો ફેસ ખરાબ થયો એટલે જ મોહિત, જે મને સાચો પ્રેમ કરતો જ ન હતો એ મને છોડીને ગયો અને આજે હું એ માણસ સાથે છું, જે મને દિલથી પ્રેમ કરે છે. કુદરતનું પ્લાનિંગ પણ જબરું હોય છે ને..! મેં તો માની લીધું હતું કે દિવાળી અને પ્રેમ આ બે શબ્દો મારા જીવનના સૌથી ખરાબ શબ્દો છે પણ આજે દિવાળી છે અને મારી સાથે એ વ્યક્તિ છે જે મને દિલથી સાચો પ્રેમ કરે છે."
સૂચિની આ વાત સાંભળતા જ મારા ચહેરા પર ખુશીની લાગણી દોડી ગઈ અને હું પણ સૂચિને જોરમાં ભેટી પડ્યો. આખરે દિવાળીની એ રાતે મારો એકતરફી પ્રેમ પૂરો થયો અને અમે બંને જણા પ્રેમમાં એક થયા.
અમે પ્રેમી પંખીડા એકબીજાને આલિંગન આપીને ઉભા હતા. દિવાળીની રાત હોવાના લીધે આકાશમાં રંગબેરંગી ફટાકડા ફૂટતા હતા પણ જાણે એમાં રંગ તો અમને હવે દેખાયો હોય એમ અમે બંને જણા ખુશ થતા એકબીજાને જોઈ રહ્યા.
થોડીવાર થઈ ત્યાં પિયાએ અમારી પાસે આવીને અમારો ફોટો પાડતા કહ્યું, "મારા બંને ફ્રેન્ડના ચહેરા પરની જે ખુશી છીનવાઈ ગઈ હતી, આજે એ ફરી આવી ગઈ એટલે આ અદ્દભુત ક્ષણનો એક યાદગાર ફોટો તો બને જ ને..!"
આ સાંભળીને ખુશ થતા અમે બંનેએ એકબીજાને જોઈને સ્મિત કર્યું. સૂચિ સાથે જે બન્યું એના પછી એના મનમાં જે ડર બેસી ગયો હતો, જે નફરત ભરાઈ ગઈ હતી એ આજે પૂર્ણ થઈ. દુપટ્ટાને ચહેરા પરથી હંમેશા માટે તેણે કાઢી નાખ્યો અને સાથે મનનો ડર, પ્રેમથી નફરત અને દિવાળીથી દુરી બધું જ દિલમાંથી કાઢી નાખ્યું.
આ સાથે અમે અમારા જીવનની નવી શરૂઆત કરી જ્યાં ફક્ત પ્રેમ માટે જ સ્થાન રહ્યું, મારા અને સૂચિના સાચા પ્રેમનું અને અમે ઉજવી અમારા જીવનની નવી દિવાળી એટલે કે પ્રેમની દિવાળી !
©હર્ષ શાહ #WRiTER