JHANVI KANABAR

Drama Tragedy Others

4.5  

JHANVI KANABAR

Drama Tragedy Others

બેટા ! 'પપ્પા' તો બોલ

બેટા ! 'પપ્પા' તો બોલ

6 mins
777


'બિચારી બાપડીના માથે આભ તૂટી પડ્યું ! અઠ્ઠાવીસ વર્ષની નાની બાળ કે'વાય હજુ તો, ને ઈશ્વરે જરાય દયા ન ખાધી ! પે'રવા ઓઢવાના દિવસોમાં રંડાપો આવ્યો. એ તો ઠીક પણ હજુ આ છોકરો કે'વડો નાનો છે ! ને બાપનું છત્તર ગુમાવ્યું. મારાથી તો જોવાતું નથ ભઈસા'બ !' આવા દયામણા સંવાદો બોલી બોલીને આડોશપાડોશના અને સગાઓમાંના બૈરા વિધવા થયેલ વૃંદાની સાસુ હેમલતાબેન પાસે ખરખરો કરવા આવતાં. વૃંદાના ગાલ પર સૂકાયેલા આંસુ, અંબોડામાંથી નીકળી ગયેલા અસ્તવ્યસ્ત વાળ અને ચાંદલા વિનાના ગૌર મુખ પર વાળની લટો ઊડી રહી હતી.

'મારો દીકરો.. મારો વિનુ... હજુ કાલ તો વટસાવિત્રીનું વરત કરે છે વૃંદા ! ને આજે… આજે આ કારમો અકસ્માત ! હે પ્રભુ ! મારી પૂજામાં શી ખામી રઈ ગઈ ? કે મુજ વિધવા મા ને આ દિ' દેખાડ્યો ! મારી વૃંદા ય મારી જેમ....' બોલતા બોલતા સાડીનો છેડો મોંમાં નાખી હેમલતાબેને પોક મૂકી !

આસપડોશની બહેનોએ માત્ર શ્વાસ લેતી લાશ બની ગયેલી વૃંદાને ઊભી કરી અને તેના હાથમાંની બંગડીઓને તોડી. સાત વર્ષનો નંદુ દૂર ઊભો લાચાર આંખથી પોતાની માની દયનીય સ્થિતિ નિહાળી રહ્યો હતો. થોડા જ સમયમાં વિનયની હાર ચડાવેલી છબી ઘરમાં લટકાવી દેવામાં આવી. ક્યારેક ક્યારેક કોઈ જોઈ ન જાય એમ વૃંદા એ છબી પર પોતાનું માથુ ઢાળી રુદન કરતી. સમય વીતતો ગયો એક દિવસ બે દિવસ... ત્રણ મહિના ચાર મહિના, એમ કરતાં વિનયની વરસી પણ વળી ગઈ. વૃંદાના માતા-પિતાની રાતની ઊંઘ વૃંદા અને નંદુના ભવિષ્યની ચિંતા કરવામાં ઊડી ગઈ હતી. પહાડ જેવડું જીવન એમની વૃંદા કઈ રીતે પસાર કરશે ? એકલે હાથે નંદુને કેમ કરીને ઉછેરશે ? હેમલતાબેનના રૂઢિચુસ્ત સ્વભાવને કારણે પોતાની ગ્રેજ્યુએટ થયેલી દીકરી વૃંદા બહાર કામ કરવા પણ જઈ શકે એમ નહોતી. તેમ છતાંય લોકોના સમજાવવાથી તે વૃંદાના બીજા લગ્ન કરાવવા માંડ માંડ તૈયાર તો થયા હતા પણ તેમનું મન હજુય નંદુમાં અટવાયેલું હતું. પોતાના દીકરાનો અંશ તેમને છોડીને જાય એ તેમને ખટકતું હતું. હેમલતાબેન અને વૃંદાના માતા-પિતાની આ સમયસ્યાનો પણ તોડ થોડા જ સમયમાં મળી ગયો. હેમલતાબેનના સ્વર્ગવાસી બહેનનો દીકરો ગોપાલ, જે વિનયથી એકાદ વર્ષ મોટો હતો પણ જમણા હાથમાં થોડી ખોડ હોવાને કારણે તેના વિવાહ થતા નહોતા. ઘરમાં કોઈ જ નહોતું. ગોપાલને કપડાનો શોરૂમ હતો. ઘર સુખીસંપન્ન હતું. વિધવા વૃંદા સાથેના લગ્નસંબંધમાં તેને કોઈ જ આપત્તિ નહોતી, પણ વૃંદા હજુ વિનયને ભૂલી શકી નહોતી. વૃંદાના માતા-પિતાના સમજાવવાથી અને પોતાના બાળક નંદુને પિતાનો છાયો મળી રહે એ માટે આખરે તેણે હામી ભણી. સાદાઈથી વિવાહ સંપન્ન થયા.

નંદુને થોડા દિવસ પોતાની પાસે રાખવા માટે વૃંદાના માતા-પિતાએ સમજાવ્યું, પણ વૃંદા પોતાના દીકરા નંદુ વગર પોતાના નવજીવન તરફ એક પગલું ભરવા પણ તેયાર નહોતી. તેણે તો ગોપાલ પાસે શરત મૂકી હતી કે તે હેમલતાબેનને ક્યારેય નહીં છોડે. ગોપાલને વૃંદાનો આ કોમળ અને ભાવુક સ્વભાવ સ્પર્શી ગયો. ગોપાલે પણ હોંશે હોંશે નંદુને પોતાનો દીકરો અને હેમલતાબેનને માસી નહીં પણ પોતાની માને સ્થાને બેસાડ્યા. ધીરે ધીરે ગોપાલના ધીરગંભીર અને પ્રેમાળ સ્વભાવથી વૃંદા પણ તેના તરફ ખેંચાઈ રહી હતી. બસ એક નંદુ ગોપાલને પોતાના પિતા તરીકે અપનાવી શકતો નહોતો. વૃંદા ઘણીવાર નંદુનો ગોપાલ તરફનો અણગમો પ્રત્યક્ષ જોઈ શકતી હતી. તેણે પહેલા તો આડકતરી રીતે નંદુને ગોપાલના સારા અને કોમળ સ્વભાવનો પરિચય કરાવવાનો પ્રયત્ન કર્યો પણ કંઈ જ પરિણામ ન આવતા તેણે થોડી સખતાઈ કરી. ગોપાલે આ જોઈ વૃંદાને નંદુ અને પોતાના સંબંધને એની મેળે જ પાંગરવા દે એ માટે સમજાવ્યું ખોટી ઉતાવળ ન કરવી. નંદુ એની ઈચ્છાથી જ પોતાને પિતાનું સ્થાન આપે એવું ગોપાલ ઈચ્છતો હતો.

આમ કરતાં કરતાં તો સાત–સાત વર્ષ વીતી ગયા પણ નંદુ અને ગોપાલ વચ્ચેનું અંતર ઓછુ ન થયું. નંદુ હવે ચૌદ વર્ષનો થઈ ગયો હતો. દુઃખ અને ચિંતાની વાત એ હતી કે, નંદુની સંગત બગડી ગઈ હતી. તેના મિત્રો શાળામાં ભણવાને બહાને બહાર રખડપટ્ટી વધુ કરતાં હતાં. નંદુને પણ તેમની સાથે રહીને ખરાબ આદતો લાગી ગઈ હતી. એકવાર તો ગોપાલે નંદુને ગલ્લે સિગરેટ ફૂંકતા પણ જોઈ લીધો હતો પરંતુ પોતે આ બાબતે નંદુને કંઈ પણ કહેવાનો હક ધરાવતો નહોતો. તે મનોમન ખૂબ દુઃખી થઈ ગયો હતો કે એક પિતા તરીકે તે નંદુને ખોટા રસ્તેથી વાળી શકવાને લાચાર હતો. જો તે વૃંદાને કંઈક કહે તો તે નંદુ તરફ સખતાઈ વર્તે અને નંદુ વધારે નફ્ફટ બની જાય.

એકવાર તો ન બનવાનું બની ગયું. નંદુ તેના મિત્રો સાથે ક્રિકેટ રમતો હતો ત્યાં જ બોલ ફ્લેટના કાચને વાગતા ફ્લેટના માલિક માધાભાઈ ગરમ થઈ ગયા અને તે નીચે આવી નંદુ અને તેના મિત્રોને ધમકાવવા લાગ્યા. વાત વધી ગઈ અને નંદુના વંઠેલ મિત્રોએ હાથાપાઈ શરૂ કરી, માધાભાઈથી નંદુને જોરથી ધક્કો લાગી ગયો. નંદુ દૂર જઈ પડ્યો. નંદુએ પણ પોતાના સંસ્કાર ભૂલીને પથ્થર ઉઠાવ્યો અને માધાભાઈ પર વળતો ઘા કર્યો. પત્થર માધાભાઈના માથા પર વાગ્યો અને તેઓ લોહીલુહાણ થઈ ગયા. આજુબાજુના લોકોએ તેમને હોસ્પિટલ પહોંચાડ્યા. પાટાપિંડી કરાઈને માધાભાઈ કેટલાક પડોશીઓ સાથે પોલીસસ્ટેશન પહોંચી ગયા અને નંદુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસ ગોપાલના ઘરે પહોંચી અને તેમને સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા. નંદુ રૂમમાંથી છૂપાઈને બધુ સાંભળતો હતો અને પોતાનું હવે શું થશે ? એ વિચારે ધ્રૂજવા લાગ્યો.

પોલીસે નંદુને મળવા અને પૂછપરછ કરવા બહાર આવવાનું કહ્યું. નંદુ ડરનો માર્યો નીચી નજરે બહાર આવ્યો. હવે તે રડવા જ લાગ્યો હતો. પોલીસે નંદુને પોલીસ સ્ટેશન લઈ જવાની વાત કરી. ગોપાલથી નંદુની પરિસ્થિતિ જોવાતી નહોતી. કંઈક વિચારીને ગોપાલે ઉગ્ર અવાજે કહ્યું, 'એ માધ્યાના તો હાથ-પગ તોડવા'તા મારે ! આ તો હજુ મેં ખાલી પત્થર જ માર્યો હતો. નસીબ એના કે બચી ગયો.'

આશ્ચર્યથી પોલીસ ગોપાલની સામે જોઈ રહી. વૃંદા, હેમલતાબેન અને નંદુ પણ ગોપાલની વાત સાંભળી પ્રશ્નાર્થ નજરે તેને નિહાળી રહ્યા હતા. ગોપાલે આગળ કહ્યું,'હા હા ! એક બારીનો કાચ ફૂટ્યો ત્યાં તો મારા નંદુને જેમ તેમ બોલવા લાગ્યો. હું જોઈ ગયો તો મેં જ પથ્થર ઉઠાવી તેને માર્યો. એકવારનું નથી આ તો વારંવાર બન્યું છે. માધ્યાના ગરમ મિજાજથી તો આખી સોસાયટી ત્રાસી ગઈ છે સાહેબ. હાલો હું આવું તમારી હારે.' ગોપાલે ચપ્પલ પહેરવા માંડ્યા, પણ આ શું ? એના પગ જાણે કે કોઈએ જકડી લીધા હોય એવું લાગ્યું. નીચે જોયું તો નંદુ ગોપાલના પગે પડ્યો હતો અને આંખમાં આંસુ સાથે ગોપાલની સામે જોઈ રહ્યો હતો. ગોપાલે તેને પ્રેમથી ઊભો કર્યો અને બોલ્યો,'કંઈ નહીં હો બેટા ! ચિંતા ન કર. હું જલદી આવી જઈશ.'

પોલીસ અને ઘરના સભ્યો ગોપાલ અને નંદુને જોઈ સમજી ગયા કે, આ આરોપ ગોપાલે હાથે કરીને પોતાની માથે વહોરી લીધો છે. દરવાજે ઊભેલા ફરિયાદી માધાભાઈ બાપ-દીકરાના લાગણીમય સંવાદો સાંભળી રહ્યા હતા. આખરે તેમનાથી રહેવાયું નહીં અને બોલી ઉઠ્યા,'સાહેબ ! રે'વા દો.. હું મારી ફરિયાદ પાછી લઉં છું.' પોલીસે પણ આ નાની ઘટનાને અહીં જ પડતી મૂકી અને ચાલ્યા ગયા.

'સોરી માધાકાકા ! મારાથી ભૂલ થઈ ગઈ. હું હું...' કહેતા નંદુ હિબકે ચડી ગયો. માધાભાઈએ તેના માથે હાથ મૂક્યો અને ત્યાંથી ચાલ્યા ગયા. નંદુ ધીરે પગલે ગોપાલની પાસે આવ્યો અને કહ્યું,'સોરી પપ્પા ! મને માફ કરી દો પપ્પા. મેં તમને ક્યારેય સમજવાનો પ્રયત્ન ન કર્યો. મને લાગતું હતું કે, મારી મમ્મી પણ મારા કરતાં તમને વધારે પ્રેમ કરે છે. હંમેશા વિચારતો કે, નાનો હતો ત્યારે ભગવાને મારા પપ્પા લઈ લીધા અને હવે તમે મારી મમ્મીને મારાથી દૂર કરી રહ્યા છો. તમને હું મારી લાઈફના વિલન સમજતો હતો પણ તમે તો મારા હીરો છો પપ્પા.'

ગોપાલને તો નંદુની આખી વાતમાં એક જ શબ્દ મહત્ત્વનો લાગતો હતો,'પપ્પા'.

હેપી ફાધર્સ ડે.


Rate this content
Log in

Similar gujarati story from Drama