ધર્મક્ષેત્ર - કુરુક્ષેત્ર - 23
ધર્મક્ષેત્ર - કુરુક્ષેત્ર - 23


( રાજકુમાર પાંડુના રાજ્યાભિષેકની પહેલા તેમના સામર્થ્યનો પરિચય હસ્તિનાપુરને આપવા દેવવ્રત ભિષ્મે એક નિર્ણય લીધો હતો, જે અનુસાર પાંડુકુમારે દિગ્વિજય પ્રાપ્ત કરવા શક્તિશાળી કુરુસેના સાથે પ્રસ્થાન કર્યું હતું. કુમાર પાંડુએ દેવવ્રત ભિષ્મ તથા સમગ્ર કુરુવંશની આશા પૂર્ણ કરી અને તેઓ દિગ્વિજયી થઈ હસ્તિનાપુર પરત ફર્યા. દેવવ્રત ભિષ્મએ આનંદિત થઈ કુમાર પાંડુ સમક્ષ ઈચ્છા વ્યક્ત કરી કે, કુમાર પાંડુએ કુંતલદેશના રાજા ભોજની પુત્રી કુંતીના સ્વયંવરમાં જઈ કુંતી જેવી સુશીલ કન્યાને હસ્તિનાપુરની પુત્રવધુ બનાવવી. ધર્મક્ષેત્ર – કુરુક્ષેત્ર ભાગ 20, 21 અને 22માં રાજકુમારી કુંતીની જન્મથી યુવાની સુધીની કથા જાણી. હવે આગળ..)
કુંતલદેશમાં રાજકુમારી કુંતીના સ્વયંવરની તૈયારી જોરશોરથી ચાલી રહી હતી. આર્યવર્તના તમામ રાજાઓને નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. દરેક રાજાઓના સ્વાગતથી લઈને સગવડોમાં કોઈ જ ત્રુટિ ન રહી જાય એનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. રાજા શૂરસેન અને મારિષાનો પુત્ર તથા કુંતીના મોટા ભાઈ વસુદેવ પણ પોતાની પત્નીઓ સાથે બહેન કુંતીના સ્વયંવરમાં આવી પહોંચ્યા હતા. વસુદેવ બહેનના સ્વયંવરને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા. નાની બહેન કુંતીને મનવાંછિત વર અને સુખી પરિવાર મળે એ માટે તે બનતી દોડાદોડ કરી રહ્યા હતા. કુંતલભોજ સ્વયંવરની તૈયારીમાં ગળાડૂબ હતા છતાં તેમની આંખોથી કુંતીની વ્યથા છૂપી નહોતી. એ દિવસને પૂરુ એક વર્ષ વીતી ગયું હતું, જ્યારે કુંતીએ પોતાના માતૃત્વને એક મંજૂષામાં મૂકી નદીમાં વહાવી દીધું હતું. શા માટે ? માત્ર ને માત્ર પોતાની દીકરી તરીકેની ફરજ નિભાવવા. માતા રિષા પણ કુંતીના વદન પર એક સ્મિત જોવા અધીર હતા.
કુંતલનગરી અવનવા અતિથિઓ તથા દૂર-દૂરથી આવતા રાજાઓથી ઊભરાવા લાગી. આ છતાં કુંતીની દિનચર્યા એમ જ રહી. અશ્વનદીના કિનારે સૂર્યોદય અને સૂર્યાસ્તના દર્શન કરવા. સૂર્યોદય એ સમય હતો કે જ્યારે એણે એના પ્રાણપ્રિય પુત્રને ઈશ્વરાધિન છોડી દીધો હતો અને સૂર્યાસ્ત એ સમય હતો કે જ્યારે તેણે એ મંત્રને અજમાવવાની ભૂલ કરી હતી. એની જિંદગીના એ વિષમ દિવસોની સ્મૃતિમાં જીવતી કુંતી પોતે હવે કદી કોઈને પ્રેમ કરી શકશે કે નહિ ? એ પ્રશ્ન હતો. સ્વયંવરને એક જ દિવસ આડે હતો. કુંતલભોજ તથા માતા રિષા અકળાઈ ઊઠ્યા. શું કુંતીની વ્યથા, દુઃખ એના મનમાંથી હટી જ નહિ શકે ? હજુ એના મુખ પર એ જ વ્યથા, દુઃખ અને પીડા રમ્યા કરતી હતી.
જેમ જેમ સ્વયંવરની ક્ષણો નજીક આવી રહી હતી તેમ તેમ કુંતીનું મન વ્યાકુળતા તરફ ધકેલાતું જતું હતું. મનની શાંતિ માટે તે સ્વયંવરની આગલી સાંજે અશ્વનદીના તટે સૂર્યાસ્ત દર્શને સખી વત્સલા સાથે ગઈ. વત્સલા અને રાજકુમારી કુંતી નદી કિનારે વિચરતા હતા ત્યાં જ તેમની નજર નદી તટ પર ઊભેલા એક રથ તરફ પડી. એક મોટો ભવ્ય રથ સુવર્ણના પતરાથી મઢેલો હતો. શ્વેત અશ્વો હણહણતા હતા. પાસે ઊભેલ એક તેજસ્વી અને પ્રભાવશાળી વ્યક્તિને જોતાં કોઈ રાજપુરુષ હોય એવું લાગ્યું.
`કોણ હશે ? અહીં કેમ આવેલ છે ?’ કુંતીએ વત્સલા સામે જોઈ જિજ્ઞાસા વ્યક્ત કરી.
`કુમારી બા ! આવા તો કૈંક રાજવીઓ આપ
ના સ્વયંવરમાં ઉપસ્થિત થવા આવી રહ્યા છે, તો આ પણ તમારા સ્વયંવર ઉપસ્થિત થવાના ઉદ્દેશ્યથી આવ્યા હશે. એવું લાગે છે.’
એટલામાં પેલા રાજપુરુષની નજર આ બે કન્યાઓ પર ગઈ. તે ધીરે પગલે આગળ આવ્યો અને બે હાથ જોડી નમસ્કાર કર્યા. વત્સલાએ તુરંત જ નમસ્કાર સ્વીકારી પ્રશ્ન કરી લીધો. `આપ ક્યાંથી આવી રહ્યા છો ? અને કયા કારણે અહીં આવ્યા છો ?’
`હું કુરકુલભૂષણ રાજકુમાર પાંડુ. હસ્તિનાપુરથી તમારા આ સુંદર કુંતલદેશની રાજકન્યાના સ્વયંવરમાં સૌજન્યશીલ મહારાજ કુંતલભોજના સ્નેહભર્યા આમંત્રણનો સ્વીકાર કરીને ઉપસ્થિત થવા આવ્યો છું.' અત્યંત વિનમ્રતાથી એ રાજપુરુષે પોતાનો પરિચય આપ્યો.
કુંતી જોઈ જ રહી આ રાજપુરુષને. જાણે કે કેટલાય સમયથી પ્રતિક્ષા કરી રહી હતી એ વ્યક્તિના તેના મનમંદિરમાં આ પ્રથમ પગરવ હતા. કોઈ સ્વપ્નવસ્થામાં હોય એમ અવશપણે કુંતી આગળ ધકેલાઈ અને જોઈ જ રહી. આ રાજપુરુષની વત્સલા સાથેની વાતચીત દરમ્યાન કુંતીનું સમગ્ર ધ્યાન એ રાજપુરુષ પર જ સ્થિર હતું. ધીરે ધીરે એ રાજપુરુષ દૂર પોતાની આંખોથી દૂર જઈ એક સિંહની જેમ કેશને ઉલાળતો, મદોન્મત્ત હસ્તિ જેમ ઝૂલતો રથ પર સવાર થઈ ગયો. રથ પોતાની આંખોથી ઓઝલ થયો ત્યાં સુધી કુંતીનું અસ્તિત્વ અવશપણે તેમાં ઓગળતું જ ગયું. સખી વત્સલાએ કુંતીની ખોવાયેલી આંખો સામે જોરથી તાળી પાડી. કુંતી ચમકીને એ દીવાસ્વપ્નમાંથી પોતાની જાતને પાછી તો લઈ આવી પણ કંઈક એનામાંથી નીકળીને એ રાજપુરુષની પાછળ જતુ રહ્યું હતું. ક્યાંક એ એનું મન તો નહોતું ?
`જોયું કુમારી બા ! મારી વાત સાચી પડી. આ રાજપુરુષ આપના સ્વયંવરમાં ઉપસ્થિત થવા જ જઈ રહ્યો છે. મેં જાણી જોઈને આપણો પરિચય તેને આપ્યો નહિ અને રાજમહેલ તરફનો માર્ગ બતાવી દીધો. જોજોને કાલે તમને જોતાં જ એના મુખ પર કેવા ભાવ આવશે ?' વત્સલાએ ગર્વથી પોતાની ચતુરાઈ બતાવતા કહ્યું. અસમંજસમાં પડેલી અને કંઈક ખોવાયેલી કુંતીએ માત્ર સ્મિત કર્યું.
રાજકુમારી કુંતી અને વત્સલા રાજમહેલ તરફ પાછા ફર્યા. રાજમહેલના પ્રાંગણમાં કોઈ ગુસપુસ કુંતીના કાને પડી. `હમણા જેના સ્વાગત અર્થે સ્વયં કુંતલભોજ અને રાજકુમાર વસુદેવ આવી પહોંચ્યા હતા. જાણે છે એ કોણ છે ? સમગ્ર આર્યવર્ત પર દિગ્વિજયની ધજા ફરકાવનાર કુરુકુલના ભાવિ રાજા રાજકુમાર પાંડુ. `પાંડુ' નામ સાંભળતા જ કુંતીના પગ અને હ્રદય બંને થંભી ગયા. પોતાનું મન હરનાર પુરુષ કોઈ સામાન્ય રાજકુમાર નહોતા, પરંતુ વિશ્વવિજયી અને સામર્થ્યવાન રાજકુમાર હતા. પોતાના કક્ષમાં આવી શૈયા પર પોતાનું શરીર નાંખી દીધું. પોતાના તન-મનનો થાક ઉતારવા મથતી હોય એમ કુંતીએ નિરર્થક પ્રયત્ન કર્યા. શું પોતે આવા રાજપુરુષને લાયક છે ? પોતાનો ભૂતકાળ આવનાર ભવિષ્ય પર ભારે તો નહિ પડે ? મનમાં ચાલતા અવિરત પ્રશ્નોથી થાકી આંખ બંધ કરી હાથ જોડી જાણે કે ઈશ્વર પાસે આનો કોઈ માર્ગ કોઈ ઉપાય યાચતી હોય એમ કુંતી યોગ અવસ્થામાં બેસી ગઈ. અચાનક કંઈક નક્કી કરી ચૂકી હોય એમ આંખો ખોલી. કુંતી હવે જાણે કે પોતાને જરા હળવું મહેસૂસ કરી રહી હતી. હવે તેનું મન શાંત થઈ ચૂક્યું હતું. તે નિદ્રાને આધીન થઈ ગઈ હતી.
ક્રમશઃ